Monday, September 20, 2021

હોમાય વ્યારાવાલા: પત્રો અને પ્રસંગો (14)

 ગુજરાતી બોલીઓ અનેક છે, જે પ્રદેશ, જાતિ અને વર્ગ મુજબ પણ આગવી હોય છે. પારસીઓ દ્વારા ચલણી બનેલી ગુજરાતી બોલી એ જ રીતે આગવી તરી આવે છે. તેમની બોલવાની લઢણને લીધે એ સાંભળવી ગમે છે, મીઠી લાગે છે. અમુક શબ્દપ્રયોગો તેમની ખાસિયત હોય છે, તો અમુક શબ્દપ્રયોગો તેમની ધારી લેવાયેલી ખાસિયત હોય છે, જે ફિલ્મો યા નાટકોને કારણે 'સ્ટીરિયોટાઈપ' બની રહે છે. જેમ કે, પારસીઓ સંબોધનમાં 'ડીકરા', કે 'ડીકરી'નો ઉપયોગ કરતા બતાવાય છે. એ કેટલું સાચું એ ખબર નથી, પણ મેં હોમાય વ્યારાવાલાને મોંએ કદી એ સંબોધન સાંભળ્યું નથી.

ઘણા શબ્દો એવા હતા કે જે તેમના મોંએ અમે પહેલી વાર સાંભળેલા. 'મગજમારી'ને બદલે તે 'મસ્તકમારી' કહેતાં. 'મગજ' કે 'દિમાગ'ને બદલે તે 'ભેજું' બોલતાં. તેમના ગુજરાતી ઉચ્ચારો મજા આવે એવા, પણ અંગ્રેજી ઉચ્ચારો એકદમ શુદ્ધ. એમણે મને ગુજરાતીમાં પત્ર લખ્યો ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે તે 'કોઠારી'ને બદલે 'કોથારી' બોલતાં હશે, કેમ કે, સામાન્ય વ્યવહારમાં સંબોધનની જરૂર પડતી નહીં, અને પડે તો 'બીરેનભાઈ'થી કામ ચાલી જતું.
એક વાર અમે પરસ્પર નક્કી કરી લીધું કે એ અમને કામ સોંપે અને અમારે એ કરવાનું છે, એટલે સાથે અમે (મેં અને કામિનીએ) એ પણ શરત મૂકી કે એમણે અમને 'થેન્ક્સ' કહેવું નહીં. એવું આછું આછું યાદ આવે છે કે મેં એમ પણ કહેલું કે તે જેટલી વાર મને 'થેન્ક્સ' કહે એની ડાયરીમાં અમે અલગથી નોંધ રાખીશું, અને એનો વધારાનો ચાર્જ વસૂલીશું. આ શરત પરસ્પર નક્કી થયા પછી પણ શરૂ શરૂમાં એવું થતું કે એ આદતવશ 'થેન્ક્સ' બોલી જતાં, અને બોલી દીધા પછી તરત ખ્યાલ આવતાં એટલે દાંત તળે જીભ દબાવીને જાણે કે પોતાનાથી ભૂલ થઈ ગઈ છે એનો એકરાર કરતાં. અમે એમને કહેતાં, 'ચાલો, આનો ચાર્જ નહીં ગણીએ, બસ?' એટલે એ ફરી પાછાં આદતવશ 'થેન્ક્સ' કહેતાં અને અમે બધાં ખડખડાટ હસતાં. આ ક્રમ મોટે ભાગે અમે જવા માટે ઊભા થઈએ અને તે અમને વિદાય આપવા માટે દાદર સુધી આવે ત્યાં સુધીનો રહેતો. એને કારણે બેય પક્ષ બહુ પ્રસન્નતાપૂર્વક છૂટા પડતા.
અહીં એક પત્ર મૂક્યો છે, જે હોમાયબહેને ગુજરાતીમાં લખ્યો છે. તેમના ગુજરાતી અક્ષરો, ગુજરાતી શબ્દો અને જોડણી રસ પડે એવી છે. એની સાથેસાથે 'થેન્ક્સ' ન કહેવાના નિયમનું પાલન કરીને તેમણે શી રીતે સૌજન્ય જાળવ્યું છે એ પણ મઝાનું છે.

Saturday, September 18, 2021

હોમાય વ્યારાવાલા: પત્રો અને પ્રસંગો (13)

 પોતે એક ફોટોગ્રાફર રહી ચૂક્યાં હોવાને નાતે હોમાય વ્યારાવાલાનો આગ્રહ એવો રહેતો કે પોતે લીધેલી તસવીરમાં દેખાતી વ્યક્તિ હંમેશાં ગરિમાપૂર્ણ જ લાગવી જોઈએ. એટલે કે કોઈ એવા એન્ગલથી તસવીર લેવાઈ ગઈ હોય અને એમાં જે તે વ્યક્તિનો ચહેરો કે મુદ્રા વિચિત્ર યા કઢંગાં હોય તો એ તસવીર પ્રકાશિત કરવી નહીં, યા આપવી નહીં. વિયેટનામના ક્રાંતિકારી નેતા હો ચિ મિન્હ ભારતની મુલાકાતે આવેલા. એ વખતે તે રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુ અને વડાપ્રધાન નહેરુની વચ્ચે ચાલતા હોય એવી એક તસવીર હોમાયબેને ખેંચેલી. તસવીર લીધા પછી તેમણે જોયું કે વાત કરતાં કરતાં નહેરુની હથેળીની મુદ્રા એવી દેખાતી હતી કે જાણે એ હો ચિ મિન્હની દાઢી ખેંચી રહ્યા હોય. સાથે જ હો ચિ મિન્હના ચહેરાના હાવભાવ પણ બરાબર નથી. એટલે કે જાણે તેમની દાઢી ખેંચાઈ રહી હોય એમ લાગે છે. આ તસવીર તેમણે પ્રકાશિત કરી નહીં અને પોતાની પાસે જ રાખી મૂકી. 

(ડાબેથી) રાજેન્‍દ્ર પ્રસાદ, હો ચિ મિન્‍હ, નહેરુ 

સામેની વ્યક્તિની ગરિમા હણાય નહીં એવી તસવીરો લેવાનો તેમનો આગ્રહ હતો એવો જ આગ્રહ તેમનો પોતાની તસવીર માટે પણ રહેતો. તેમની મુલાકાતે આવેલી વ્યક્તિ તેમની તસવીર લેવા ઈચ્છે તો એ ઊભા થતાં, અંદર જઈને વાળ સરખા કરી આવતાં અને વસ્ત્રને પણ સરખા કરીને પછી જ તસવીર લેવા દેતાં. 'ટાઈમ્સ'ના એક પત્રકારે તેમની લીધેલી એક તસવીરથી તે એવા અકળાઈ ગયેલાં કે તંત્રીને પત્ર લખીને જાણ કરેલી કે આ તસવીરમાં હું annoyed (ત્રસ્ત) હોઉં એમ જણાય છે. હું એવી હોઈશ તો પણ તમારા ફોટોગ્રાફરે લીધેલી આ તસવીરથી. આ તસવીર જોઈને મને લાગે છે કે તમારા અખબારને વૃદ્ધો પ્રત્યે કોઈ પ્રકારની સંવેદનશીલતા નથી.

તેમના વિશે મેં લખેલા એક લેખ સાથે મારે કેટલીક તસવીરો લેવાની હતી ત્યારે અમે અગાઉથી નક્કી કરીને ગયેલાં, જેથી તેઓ તૈયાર રહી શકે. એ સમયે મેં તેમની જુદી જુદી મુદ્રામાં તસવીરો લીધેલી અને તેમણે એમાં પૂરો સહયોગ આપેલો. એ વખતે તો કેમેરા ડીજીટલ નહીં, પણ રોલવાળો હતો. આ તસવીરો એમને બહુ ગમી.
એ પછી તેમને ક્યાંય તસવીર મોકલવાની જરૂર પડે તો આ તસવીર જ મોકલતાં. તેમણે લખેલા આ પત્રમાં આ તસવીરો વિશેનો ઉલ્લેખ, તેમની મુદ્રા જેવા સૌજન્ય અને મજાકની સાથે જોઈ શકાય છે.


મૂળ અંગ્રેજી પત્રનો ગુજરાતી અનુવાદ:
"ડિયર મિ. કોઠારી,
બોમ્બે પારસી પંચાયત ભારતના તેમજ વિશ્વભરના મહત્ત્વના પારસીઓ વિશે એક સચિત્ર ગ્રંથ તૈયાર કરી રહી છે.
તેમણે મને લેખની સાથે મારી બે રંગીન તસવીરો મોકલવાની વિનંતી કરી છે. થોડા દિવસ અગાઉ તમે લીધેલી એ સિવાય મારી પાસે મારી કોઈ રંગીન તસવીરો નથી, આથી મારી કાર આગળ હું ઊભેલી છું એ તસવીરની બે સારી, રિપ્રોડ્યુસ થઈ શકે એવી નકલ મોકલવાની વિનંતી કરી શકું?
બીજું કે તમે મારા અધિકૃત તસવીરકાર બની શકો અને મારાં થોડાં રંગીન પોર્ટ્રેટ લઈ આપો તો હું ઉપકૃત થઈશ. અને આ બધું ચુસ્તપણે ચૂકવણીની શરતે- એમાં કોઈ કમિશન મંજૂર રાખવામાં નહીં આવે.
પંચાયતને આ તસવીરો તાકીદે જોઈતી હોવાથી આ અસાઈનમેન્ટ માટે તમે થોડો સમય ફાળવી શકશો?
આભાર. તમે ક્યારે એ કરી શકશો એ જણાવવા વિનંતી.
શુભેચ્છાઓ
સાથે,
હોમાય વી."
(પત્ર નીચે મૂકેલો છે)
'કમિશન'ને લગતી મજાક તેમની ગમતી મજાક હતી. આ પત્રમાં પણ એ તેમણે કરેલી જોઈ શકાય છે. 'તમારું કમિશન કેટલું?', 'કમિશન આપવામાં નહીં આવે', 'નો કમિશન પ્લીઝ' વગેરે વાક્યો તે વાપરતાં અને અમે એ મુજબ તેના જવાબ આપતાં.
'કમિશન કંઈ તમને ઓછું કહેવાનું હોય?', 'અમારે તો કમિશન બારોબાર જમા થઈ જાય. તમારી દેખતાં ન લઈએ.', 'ચાલો, આ વખતે કમિશન જતું કર્યું, બસ?' જેવા જવાબો અમે આપતાં અને એ રમૂજનું વર્તુળ પૂરું કરતાં.
કાર સાથે તેમની તસવીર અહીં મૂકી છે સિવાયની પણ એક છે. તેમણે કદાચ આ જ તસવીરની વાત કરી હશે એમ માનું છું.

Friday, September 17, 2021

હોમાય વ્યારાવાલા: પત્રો અને પ્રસંગો (12)

 સર્જનને આપણે બહુ સાંકડી વ્યાખ્યામાં કેદ કરી દીધું છે. સાહિત્યિક કે કળાકીય સર્જનને જ આપણે સામાન્ય રીતે સર્જન ગણતા હોઈએ છીએ. હોમાય વ્યારાવાલાનો અભિગમ સર્જનશીલ હતો એમ હું કહું ત્યારે એ બાબત પર મારે ખાસ ભાર મૂકવો રહ્યો કે તેમનામાં કલા, કસબ અને કારીગરી આ ત્રણે બાબતોનો જૂજ સંગમ હતો. આ ત્રણે શબ્દો વચ્ચે ઘણો ભેદ છે.

અન્ય કામ માટે લવાયેલી, અને એ ક્ષેત્રે તેનો ઉપયોગ પૂરો થઈ ગયા પછી ઘરમાં જ રહેલી ચીજોનો કળાત્મક ઉપયોગ શી રીતે કરવો એની તેમને જબ્બર સૂઝ હતી. જેમ કે, તેમની પાસે કેમેરાનો એક ટ્રાયપોડ હતો, જેના પાયા લાકડાના (કદાચ વાંસના) હતા. એ ખાસ્સો ભારે હતો. તેનો ઉપયોગ હવે તેમને રહ્યો નહોતો. આથી એ જ ટ્રાયપોડ પર તેમણે તેને અનુરૂપ એક કૂંડું મૂક્યું હતું, જેમાં ઉગાડેલી મનીવેલ નીચે લટકતી હતી. મનીવેલ મને આનાથી સુંદર બીજે ક્યાંય જોવા મળી નથી.
તેમને ક્રોશે સરસ ફાવતું અને પોતાનાં જૂનાં સ્વેટર કે અન્ય ગરમ કપડાં તે જાતે જ રીપેર કરતાં. ક્રોશે માટેના સળિયા પણ તે જાતે જ વાળીને પોતાના ખપ મુજબ બનાવતાં.
તેમની પાસે તમામ પ્રકારનાં સાધનો હતાં. પોતાના મકાનના પ્રવેશદ્વાર જેવી ઝાંપલી તેમણે કરવત વડે કાપીને, તેને તારની ફ્રેમમાં એ રીતે તૈયાર કરી હતી કે ધીમે ધીમે પેલાં લાકડાં ઢીલાં થવા લાગ્યાં તો પણ તારની ફ્રેમે તેને પકડી રાખેલાં.
તેમનો એક મુખ્ય શોખ અવનવી વાનગીઓ બનાવવાનો હતો. આ વાનગીઓમાં તે તાર્કિક રીતે અખતરા કરતાં અચકાતાં નહીં. ક્યારેક અમે તેમને ઘેર જઈએ અને ચા પીએ તો એનો સ્વાદ એટલો અદ્ભુત હોય કે મઝા આવી જાય. ચા સાથે ક્યારેક તેમની બનાવેલી ફ્રૂટ કેક પણ હોય. લીંબુ કે નારંગીનાં ફોતરાં તે સાચવી રાખતાં. તેને તડકે સૂકવતાં. આ છોતરાંને ગરમ પાણીમાં ઉકાળવાથી તેની તૂરાશ જતી રહે અને તેને ઉપયોગમાં લઈ શકાય એવું તેમણે કહેલું. આ રીતે સૂકવેલાં છોતરાંનો તે ચામાં ઉપયોગ કરતાં. નારંગી અને લીંબુંનાં છોતરાનાં લાંબા અને પાતળા ટુકડા કરીને તેને એક શીશીમાં ચાસણીમાં બોળીને બંધ કરતાં અને તડકે મૂકતાં. એ રીતે તૈયાર થયેલી માર્મલેડ તે બ્રેડ સાથે ખાતાં. તેમને ઘેર જઈએ એટલે ક્યારેક અમે સામે ચાલીને લીંબુનું શરબત પીવાની માગણી કરતાં. એનું એક રહસ્ય હતું. લીંબુના શરબતમાં તે ચપટીક 'ઈનો' ઉમેરતાં, જેને કારણે એ શરબતનો 'પમરાટ' જીભે રહી જતો. આવી તો અનેક બાબતોમાં તેઓ અખતરા કરતા રહેતાં. એવું નહોતું કે દરેક અખતરા સફળ થાય, ક્યારેક એ નિષ્ફળ પણ જતા હશે. એ નિષ્ફળ અખતરામાંથી પણ એ કશુંક ઉપયોગી શોધી કાઢતા.
'રીડર્સ ડાયજેસ્ટ'નાં કે અન્ય પુસ્તકોમાં આવતી વાનગીઓની રેસિપી તે લખી રાખતાં. એમાં વિવિધ ચીજવસ્તુઓનાં અંગ્રેજી નામ તે ઉતારી લેતાં અને પછી ફુરસદે તેનું ગુજરાતી શોધતાં. મને આની જાણ થયા પછી તેમની આ શોધયાત્રામાં ક્યારેક હું પણ સામેલ થતો. મને તેમણે લખેલા ગુજરાતી શબ્દો વાંચવાની બહુ મજા આવતી.




તેમની પાસે રહેલી ઈલેક્ટ્રિક ઓવન અને માઈક્રોવેવ ઓવનનો તે ભરપૂર ઉપયોગ કરતાં. જૂની માઈક્રોવેવ ઓવન અને એ રીપેર થઈ ન શકી ત્યારે તેમણે એ નવી ખરીદી લીધી. દિલ્હીસ્થિત એક મિત્ર અશીમ ઘોષ તેમને ત્યાં આવેલો અને એ બન્ને જઈને માઈક્રોવેવ ઓવન ખરીદી લાવેલાં.
અહીં હોમાયબેને લખેલાં વિવિધ ચીજવતુઓનાં નામ, ક્યાંક તેમણે લખેલું ગુજરાતી અને વાનગીલક્ષી ટીપ જોઈ શકાશે. (જેમ કે, કેકની સપાટી પર ડિઝાઈન શી રીતે પાડવી)


'એકલા માટે કોણ બધી ઝંઝટ વહોરે!' એ વાક્ય તેમના મોંએ કદી આવ્યું નથી, કેમ કે, રાંધવું એ પણ તેમના જીવનરસનો એક સ્રોત હતો.

Thursday, September 16, 2021

હોમાય વ્યારાવાલા: પત્રો અને પ્રસંગો (11)

 સૌજન્યને સીધી લેવાદેવા શિક્ષણ સાથે નહીં, પણ કેળવણી સાથે હોય છે. અને કેળવણી કોઈ આપી શકતું નથી. હા, એ મેળવવા ઈચ્છનાર એને મેળવી શકે ખરા. સૌજન્યની વ્યાખ્યા પ્રાંત અને પ્રજા મુજબ અલગ અલગ થતી હોય છે. હોમાય વ્યારાવાલા પોતે એકદમ સૌજન્યશીલ, અને એ પણ એકદમ સહજ રીતે, આથી એમને સામાવાળા પાસેથી એવી અપેક્ષા હોય એ સમજાય એવું છે. પોતાનું નાનામાં નાનું કામ કરનારને એ 'થેન્ક યુ' કે 'ગૉડ બ્લેસ યુ' કહે ત્યારે એ કેવળ ઔપચારિકતા નહીં, પણ તેના પૂરા ભાવ સાથે કહેવાયું હોય.

અમારી મુલાકાત પંદર-વીસ દિવસે એકાદ વાર થતી, અને એ ગાળામાં તેમને કશુંક કામ હોય તો તે પત્ર લખી જણાવતાં. અમારી મુલાકાત સમયે કશાક કામની વાત થઈ હોય અને એ પછી તેમનું કામ કરવાની કોઈ વ્યવસ્થા હું ગોઠવું, એ કામ માટેની એજન્સીને તેમને ત્યાં મોકલું, અને કામ પૂરું થઈ જાય એટલે એની જાણ કરતો પત્ર હોમાયબેન અચૂક લખે.
'એક્નોલેજમેન્ટ' એટલે કે 'સ્વીકારપહોંચ' આપવાનું મોટા ભાગના લોકો શીખ્યા જ નથી હોતા. એમને એમ હોય છે કે સામેવાળાએ કશું મોકલ્યું, આપણને એ મળી ગયું એટલે વાત પૂરી. વ્હૉટ્સેપની ભૂરી ટીકનો વિચાર કદાચ લોકોની આ પ્રકૃતિને કારણે જ આવ્યો હોય તો નવાઈ નહીં.
હોમાયબેનના ડ્રાઈવિંગ લાયસન્સની અવધિ પૂરી થવા આવેલી એટલે તેના નવિનીકરણની વિધિ મેં હાથમાં લીધેલી અને એક એજન્ટ દ્વારા એ કામ કરાવેલું. બધી વિધિને અંતે લાયસન્સ એમને ઘેર પહોંચતું થઈ ગયું. માત્ર તેની જાણ કરતું, ફક્ત બે લીટીનું પોસ્ટકાર્ડ તેમણે લખી મોકલ્યું. તેમણે ધાર્યું હોત તો અમે રૂબરૂ મળવા જઈએ ત્યારે જણાવી શક્યાં હોત. પોસ્ટકાર્ડ લખવું, તેને પોસ્ટ કરવા માટે લેટરબૉક્સ સુધી ચાલીને જવું તેમને માટે ઘણું અગવડભર્યું હતું, પણ સૌજન્ય જેનું નામ. (એ પોસ્ટકાર્ડ અહીં મૂકેલું છે.)


એ જ રીતે તેમના પાસપોર્ટને લગતું કામ ચાલી રહ્યું હતું, જેમાં સબીના દિલ્હીથી અમુક કાર્યવાહી કરી રહી હતી, અને સ્થાનિક ધોરણે હોમાયબેન સાથે મારો વ્યવહાર ચાલતો હતો. પાસપોર્ટ માટે જરૂરી પોલિસ ઈન્ક્વાયરીની વિધિ પૂરી થઈ અને તેમને ઘેર પોલિસ વિભાગમાંથી આવીને પૂછપરછ કરી ગયા. તેની પણ જાણ એમણે મને એક લીટીનું પોસ્ટકાર્ડ લખીને કરી. (આ પોસ્ટકાર્ડ અહીં મૂકેલું છે.)


બહુ ઝડપથી અમારી વચ્ચે એવો વ્યવહાર થઈ ગયેલો કે અમે તેમને ત્યાં ફોન કર્યા વિના જવા લાગ્યાં. એ મંજૂરી અમે તેમની પાસેથી મેળવી લીધેલી. દસ-પંદર દિવસ થાય એટલે તેમને મનમાં હોય કે અમે આવીશું. આથી વચ્ચેના સમયગાળામાં તેમણે ક્યાંક બહારગામ જવાનું થયું હોય તો તે પત્રથી જાણ કરી દેતાં કે અમુક તારીખો દરમિયાન પોતે ઘેર નહીં હોય. (આવું એક પોસ્ટકાર્ડ અહીં મૂકેલું છે.)


એક વખત એવું બન્યું કે અમે તેમને ત્યાં સાંજે પહોંચી ગયાં. તેમણે મંગાવેલી થોડી વસ્તુઓ પણ સાથે હતી. ઘેર તાળું જોયું એટલે અમે મૂંઝાયાં કે તે ક્યાં ગયાં હશે! શ્રીમતિ મિશ્રાને ત્યાં અમે તપાસ કરી તો હોમાયબેન ત્યાં નહોતાં. આથી અમે એવું નક્કી કર્યું કે તેમના માટેની ચીજવસ્તુઓને તેમના મુખ્ય બારણા આગળ મૂકી દીધી, જેથી તેમનું ધ્યાન પડે. એટલું કરીને અમે નીકળી ગયાં. બે-ચાર દિવસમાં જ એમનું પોસ્ટકાર્ડ આવ્યું. અહીં મૂકેલા એ પોસ્ટકાર્ડલા પહેલા ફકરાના અંગ્રેજી લખાણનો ગુજરાતી અનુવાદ:
"ડિયર મિ. કોઠારી,
મારા બારણા નજીક વસ્તુઓ મૂકી જવા બદલ અને તમે તથા તમારાં પત્ની ફરી ક્યારે આવશો એની નોંધ સુદ્ધાં મૂકી ન જવા બદલ આભાર." સૌજન્યવશ તેમણે અમારો આભાર તો માન્યો, સાથે હળવો ઉપાલંભ પણ આપ્યો. જો કે, આનો એક ફાયદો એ થયો કે તેમણે પોતાની ગેરહાજરીમાં તેમના મકાનનું બારણું કેવી રીતે ખોલવું એટલે કે પોતે ચાવી ક્યાં મૂકતાં હતાં એ ઠેકાણું બતાવી દીધું.


તે ક્યાંક આસપાસમાં ગયાં હોય અને થોડી વારમાં પરત ફરવાની ધારણા હોય તો તે એક પાટિયું ટીંગાવીને જતાં, જેથી મુલાકાતીને ખ્યાલ આવે કે પોતે રાહ જોવાની છે.


સૌજન્ય અને ઔપચારિકતા (ફોર્માલિટી) વચ્ચે કેવડો મોટો ભેદ હોય છે, અને હોવો જોઈએ એ હોમાયબેન પાસેથી જાણવા મળ્યું.

Wednesday, September 15, 2021

હોમાય વ્યારાવાલા: પત્રો અને પ્રસંગો (10)

 હોમાય વ્યારાવાલા સાથે પરિચય થયો ત્યારથી તેમને અમે 'હોમાયબેન' તરીકે જ સંબોધતાં. એનું કારણ હતું. એક તો મને કદી કોઈ વયસ્ક સ્ત્રીને 'માસી', 'કાકી' કે પુરુષ માટે 'કાકા', 'દાદા' જેવું સંબોધન મોંએ ચડતું નથી. એવી જરૂર પણ લાગી નથી. બીજું કે મને જે મળ્યા એ લોકોમાં સામેવાળાને એવી કોઈ અપેક્ષા હોતી નથી કે એને અમુકતમુક રીતે સંબોધવામાં આવે. પણ હોમાયબેનને મળવા આવનારા, કે તેમના ખબરઅંતર મને પૂછતા લોકોને ઘણી મૂંઝવણ થતી.

તે પારસી હતાં એટલે ઘણાં તેમને 'માયજી' કહેતાં, તો કોઈક તેમના માટે મારી આગળ 'બાનુ' શબ્દ પણ વાપરતું. કોઈક તેમને 'હોમાયજી' કહેતું, અને એમ જ લખતું, તો શુદ્ધ ઉચ્ચારના આગ્રહીઓ એમને 'હુમાયુબેન' કહેતા. એટલું સારું હતું કે હોમાયબેનને શ્રવણની તકલીફ હતી, અને આવાં સંબોધનો તેમને ખાસ સંભળાતાં નહીં. એક કાર્યક્રમમાં તેમણે પોતાને માટે 'હુમાયુબેન' સાંભળ્યું ત્યારે તે બહુ હસેલાં.

તેમને મળવા આવનારના હેતુઓ જુદા જુદા રહેતા. હણા કુતૂહલવશ, કોઈક મ્યુઝિયમમાં રહેલી કળાકૃતિ જોવા આવે એ રીતે તેમને 'જોવા' આવતા, અને કળાકૃતિ જોતાં વર્તે એ રીતે જ વર્તતાં. અમુક જણા તેમની 'ખ્યાતિ' સાંભળીને, તેમનાથી અંજાઈને આવતાં, અને તેમને મળતાં જ તેમનાં ચરણોમાં લેટી પડતા. અમુક જણ મળવા આવે તો નીચા નમીને તેમને 'પગે લાગવાની' ચેષ્ટા કરતા. હોમાયબેન આ બધાથી ટેવાઈ ગયેલાં. શરૂમાં તે કદાચ અકળાતાં હશે, પણ પછી તેમને આ બધું જોઈને રમૂજ થતી.
તેમને લઈને હું એક કાર્યક્રમ માટે અમદાવાદ ગયેલો. આયોજકોએ ધારેલું નહીં એવી સરળતાથી હોમાયબેન આવેલાં. અલબત્ત, એ પછી તેમની યોગ્ય આગતાસ્વાગતામાં આયોજકો કાચા પડેલા (એમ મને લાગેલું, હોમાયબેનને નહીં.) પણ એ કાર્યક્રમ પૂરો થયા પછી આયોજકોમાંના એક ભાઈ, જેમણે મારા દ્વારા હોમાયબેન સાથે કમ્યુનિકેશન કરેલું એ આવ્યા, અને હોમાયબેનને સાષ્ટાંગ પ્રણામ કર્યા. એ સજ્જન પોતે પાંસઠ-સિત્તેરના હશે, અને કદાચ હોમાયબેનને જોઈને ભાવાવેશમાં આવી ગયા હશે. જો કે, મને એમ લાગેલું કે હોમાયબેને એમને આયોજક તરીકે કશી તકલીફ ન આપી એનો એમને વધુ આનંદ હતો.
બીજા એક સિનીયર તસવીરકાર એક વાર હોમાયબેનને ઘેર આવી ચડ્યા. 'માયજી', 'મધર' જેવાં સંબોધનોથી તેમણે હોમાયબેનને નવાજ્યાં અને કોઈ મ્યુઝિયમમાં ફરતા હોય એમ તેમના ઘરમાં ફરી વળ્યા. 'આ બધું એમની જાતે શી રીતે કરે છે?', 'એમનું થઈ રહે છે?' જેવા પ્રશ્નો એમણે ત્યાં હાજર રહેલા મિત્ર પરેશ પ્રજાપતિને પૂછ્યા, જેના જવાબ એમને અપેક્ષિત નહોતા. પોતાનું એક પુસ્તક તેમણે 'માયજી'ને ભેટ આપ્યું, પણ એ અગાઉ ટીપ્પણી કરી, 'ડોસી બહુ કંજૂસ લાગે છે.' આ સાંભળીને પરેશને બહુ માઠું લાગેલું. પછી તેણે મને આ બાબતે ફરિયાદ કરેલી. મને થયું કે હોય હવે! 'મધર' માટે 'છોરુ' ગમે એ કહી શકે, એમાં શું? એ છોરુ ભલે ને પંચોતેર વરસનું હોય!
મારી અને હોમાયબેનની વચ્ચે સહેજે પચાસેક વરસનો તફાવત હતો. તેમની સાથે મને જોઈને ઘણાને આશ્ચર્ય થતું અને તેઓ પૂછતા કે હું એમનો શું થાઉં. આ મૂંઝવણનો ઉકેલ હોમાયબેને પોતે જ આપી દીધેલો.
તેમના એક જૂના સ્નેહીને મળવા માટે અમે વિદ્યાનગર ગયેલા. એ સજ્જન ઈજનેરી કૉલેજના પ્રાધ્યાપક રહી ચૂકેલા. મને જોઈને તેમણે પૂછ્યું, 'આપ ઈનસે કૈસે જુડે હો?' હું વાત ક્યાંથી શરૂ કરવી એની મૂંઝવણ અનુભવતો હતો ત્યાં હોમાયબેને કહ્યું, 'એવન મારા ફ્રેન્ડ છે.' આ સાંભળીને પેલા સજ્જન ઓર મૂંઝાયા, પણ હવે અમારો સંબંધ સ્પષ્ટ થઈ ગયો હતો એટલે હસી પડ્યા અને કહે, 'યાર, હમસે ભી દોસ્તી કર લો!'
હોમાયબેને આપેલી આ ઓળખાણ પછી મારા માટે કાયમી મૂંઝવણ ટળી ગઈ. એવન મારાં ફ્રેન્ડ હતાં, અને ફ્રેન્ડ આપણાથી વયમાં મોટા હોય, મહિલા હોય તો એમની પાછળ આદરસૂચક રીતે 'બેન' લગાવવું જોઈએ. એટલે એમના માટે અમારું સંબોધન 'હોમાયબેન' જ રહ્યું. ન હોમાયજી, ન માયજી, ન મધર, કે ન બાનુ. એ મને 'મિ.કોઠારી' કહેતાં, કે પછી 'બીરેનભાઈ'. એમણે પણ કદી તુંકારો વાપર્યો નથી. નહીંતર એ તો એમ કરવાના હકદાર હતાં.





હોમાયબેને અમને કરેલાં વિવિધ સંબોધનો 


Tuesday, September 14, 2021

હોમાય વ્યારાવાલા: પત્રો અને પ્રસંગો (9)

 સ્વચિકિત્સા એટલે કે સેલ્ફ-મેડિકેશન જોખમી હોય છે અને સામાન્ય રીતે તેને ટાળવાની સલાહ આપવામાં આવે છે. એ જ રીતે 'ઘરેલુ નુસ્ખા', 'અજમાવી જુઓ' કે 'દાદીમાનું વૈદું' પ્રકારના અખતરાને સામાન્યપણે ઉપહાસથી જોવામાં આવે છે. હોમાય વ્યારાવાલા હંમેશાં સ્વચિકિત્સામાં જ માનતાં. પોતાના શરીરને તેઓ બરાબર ઓળખતાં એક ડૉક્ટર પોતાના દર્દીના શરીરને જાણે એ રીતે! અને એમાં કશી બડાઈ નહોતી.

98 વર્ષના જીવનમાં એમણે ફક્ત ત્રણ જ વાર હોસ્પિટલમાં દાખલ થવું પડેલું. પહેલી વાર 1942 માં દીકરા ફારૂકના જન્મ વખતે, બીજી વાર 96 વર્ષની વયે અશક્તિને કારણે, અને ત્રીજી વાર એ અંતિમ વખત. તેમને 96 વર્ષની વયે હોસ્પિટલમાં દાખલ કરેલાં ત્યારે અમે હોસ્પિટલે પહોંચ્યાં. હોસ્પિટલના સ્ટાફ અને ડૉક્ટરોની બેદરકારીથી એ બરાબર ત્રાસેલાં. એ લોકો હોમાયબેનનું કશું સાંભળ્યા વિના પોતાની રીતે સારવાર કર્યે રાખતાં. અમે ગયાં એટલે હોમાયબેન કહે, 'તમે મારા સવારના નાસ્તાની કશીક ગોઠવણ કરી આપો, નહીંતર હું બિમારીથી નહીં, અશક્તિથી મરી જઈશ.' નજીકની એક હોટેલમાં અમે પહોંચ્યા અને એક ભલા વેઈટરે રોજ સવારે હોમાયબેનને ઈડલી-સંભાર, મેંદુવડા જેવો ગરમ નાસ્તો નિયમીત પહોંચાડવાની જવાબદારી સ્વિકારી. આ વયે હોસ્પિટલમાં દાખલ થયેલી વ્યક્તિ પાછી ઘેર આવશે કે કેમ એ વિશે આપણા મનમાં શંકા હોય, પણ હોમાયબેન એકદમ તાજાંમાજાં થઈને પાછાં આવી ગયાં.
અગાઉ તેમને મોતિયો આવેલો. એ વખતે તેમના એક ભરોસાપાત્ર ડૉક્ટર આયુર્વેદના જાણકાર હતા. તેમણે એક ચોક્કસ ટીપાં હોમાયબેનને આપ્યાં. હોમાયબેનને એ એવા ફાવી ગયાં કે એમણે એન અજમાયશ ચાલુ જ રાખી. આમ ને આમ તેમણે એક-બે નહીં, પૂરા પચીસ વર્ષ ખેંચી કાઢ્યાં. એ પછી પેલા ડૉક્ટરે પ્રેક્ટિસ બંધ કરી એટલે હોમાયબેનને ટીપાં મળતાં બંધ થયાં. તેમણે વારાફરતી મોતિયો કઢાવવાનું નક્કી કર્યું.
'રિડર્સ ડાયજેસ્ટ'નાં 'હોમ રેમેડીઝ'ને લગતાં જાડાં પુસ્તકો તે વાંચતાં અને તેમાંથી પોતાના જોગ ઉપાય શોધતાં. કોઈક કાગળમાં કે નોટબુકમાં તે આ બધું લખી રાખતાં. ક્યારેક કોઈક દવા અમારી પાસે પણ મંગાવતાં. અહીં મૂકેલા એક પોસ્ટકાર્ડમાં તેમણે ઈપ્સમ સૉલ્ટ અને સી-સૉલ્ટ મંગાવ્યાં છે, અને જણાવ્યું છે કે એ તબીબી હેતુ માટે છે.



મૂળ પત્રનો ગુજરાતી અનુવાદ:
"ડિયર મિ.કોઠારી,
આશા રાખું કે તમે અને પરિવાર મઝામાં હશો.
તમે ફરી વાર મને મળવા આવવાનું નક્કી કરો ત્યારે કેમિસ્ટ પાસેથી 00 ગ્રામ ઈપ્સમ સૉલ્ટ અને જનરલ સ્ટોરમાંથી 500 ગ્રામ સી-સૉલ્ટ લેતા આવશો? ઔષધીય હેતુ માટે આની જરૂર છે.
તમને તકલીફ આપવા બદલ દિલગીર છું.
આભાર.
શુભેચ્છાઓ
.
હોમાય."

એક વાર તેમણે ઓમેગા-3ની, પોટેશિયમની અને ક્વિનાઈનની ગોળીઓ અમારી પાસે મંગાવેલી, કેમ કે, તેમની પાસેનો જૂનો સ્ટૉક ખલાસ થઈ ગયેલો.
એ પત્રના એક હિસ્સાનો ગુજરાતી અનુવાદ:
"બાય ધ વે, તમે જ્યારે ઓમેગા-3 અને પોટેશિયમની ગોળીઓ લેવા જાવ ત્યારે ક્વિનાઈનની અથવા તેના વિકલ્પે બીજી ગોળીઓ મળે છે કે કેમ એ પૂછી જોશો. હું ક્વિનાઈનની નિયમીત ઉપયોગકર્તા રહી છું, પણ મારો સ્ટૉક ઘટી ગયો છે. મેલેરિયા અને મારી અન્ય તકલીફોનો એ શ્રેષ્ઠ ઉપાય છે. આથી આ વિનંતી.
શુભેચ્છાઓ
.
હોમાય વી."


તેમણે મંગાવેલી ઓમેગા-3 અમે અમારા ઓળખીતા કેમિસ્ટની પાસે માંગી એટલે એ કેમિસ્ટે ચિંતાપૂર્વક પૂછપરછ કરી અને જણાવ્યું કે કારણ વગર આ ગોળી ખોટેખોટી ન લેવી. અમે તેમને કહ્યું, 'એ લેનાર નક્કી કરશે. તમે ગોળી આપી દો, અને ના આપવી હોય તો ના કહો, તો અમે બીજે તપાસ કરીએ.'
પોતાનાં મિત્રો-સ્નેહીઓને પણ તે પૂછીને આ પ્રકારના નુસખા લખેલા આપતા. અહીં તેમણે લખેલા વાળ વધારવાના નુસખા મૂકેલા છે. એ ખાસ વાંચવા જેવા છે, કેમ કે, તેમણે એને પોતાને સમજાય એવા ગુજરાતીમાં ઉતાર્યા છે. એમાં 'ટાલકી', 'ટાલક' 'તાલકે' જેવા શબ્દોની ખરી મઝા છે.

Monday, September 13, 2021

હોમાય વ્યારાવાલા: પત્રો અને પ્રસંગો (8)

 જીવન જીવવાની તીવ્ર એષણાને આપણે 'જિજીવિષા' તરીકે ઓળખીએ છીએ. હોમાય વ્યારાવાલામાં એ હતી કે કેમ એ વિષે હું ખાતરીપૂર્વક કહી શકતો નથી, પણ એટલું ચોક્કસ કહી શકું કે તેમનો જીવનરસ પ્રબળ હતો. આ બન્નેમાં થોડો ભેદ હું પાડું છું. કોઈ પણ ભોગે જીવવું એ જિજીવિષા, અને જેટલું પણ જીવવું એ આનંદપૂર્વક જીવવું એ જીવનરસ. અમારો તેમની સાથે પરિચય જ તેમની 88-89ની વયે થયો હતો. ખબર હતી કે આ તેમના જીવનનો અંતિમ દાયકો હશે , પણ એમના મોંએ કદી 'મારે હવે કેટલાં કાઢવાનાં?' જેવા ઉદ્ગાર સાંભળ્યા નથી. હા, લોકોની વર્તણૂંકથી કે પોતાને પડતી મુશ્કેલીઓથી એ કંટાળતાં ખરાં, અને એ બાબતે નારાજગી વ્યક્ત કરતાં, પણ એને લઈને કદી જીવન વિશે વાત કરતાં નહીં.

ઑગષ્ટ, 2007માં તેમને અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી એક કાર્યક્રમમાં હાજર રહેવા માટે નિમંત્રણ મળ્યું. આ આયોજન કદાચ સબીના દ્વારા કરવામાં આવેલું. કાર્યક્રમ મે, 2008માં હતો. પાસપોર્ટ પહેલાં હતો, પણ અત્યારે નહોતો. તેમની વય ત્યારે 93-94ની. તેમણે જવાનું નક્કી કર્યું. પાસપોર્ટ કઢાવવા માટેની જરૂરી વિગતો લગભગ સબીનાએ દિલ્હીથી મોકલી હતી, પણ તેનો અમલ અહીં હોમાયબહેને કરવાનો હતો.


તેમણે લખેલા પત્રનો ગુજરાતી અનુવાદ.
"ડિયર મિ. કોઠારી,
હમણાં જ મને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી 7 મે, 2008ના એક કાર્યક્રમ માટેનું નિમંત્રણ મળ્યું છે. એનો અર્થ એ કે મારે મારો પાસપોર્ટ મેળવવો પડશે. એ માટે જરૂરી ચીજોની યાદી હું વાંચી ગઈ છું. એમાંથી મારી પાસે 1) 12 ફોટોગ્રાફ્સ 2) રેશન કાર્ડ 3) લાઈટ બીલ (જૂનું અને નવું 4) જૂનો પાસપોર્ટ છે.
યાદીમાં ઉલ્લેખાયેલી અન્ય બાબતો બાળકોવાળા પરિવાર માટે છે અને ગવર્ન્મેન્ટ સર્વિસ એન.ઓ.સી. વેરિફિકેશન સર્ટિફિકેટ એટલે શું? હું મારું ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ ઉમેરી શકું એમ છું.
તમે જ્યારે પણ તમારી અનુકૂળતા મુજબ મારે ત્યાં આવો ત્યારે હું બધું તૈયાર રાખીશ. આભાર અને તમને બન્નેને
શુભેચ્છાઓ
.
હોમાય."
આ પત્રની તારીખ 31 ઑગષ્ટ, 2007ની છે. 
આ અગાઉ તેમને પોતાના પાસપોર્ટ સાઈઝ ફોટાની જરૂર હતી. તેમની નજીક આવેલા સ્ટુડિયોમાં લોખંડની સીડી ચડીને જવું પડે એમ હોવાથી તેમને અનુકૂળ નહોતું આવતું. આથી અમે એક રસ્તો વિચાર્યો. એક વાર હું મારો કેમેરા લઈને ગયો. અમે તેમના ધાબે ગયાં અને તેમનો ફોટો લીધો. એ ફોટાની પાસપોર્ટ સાઈઝ નકલો કઢાવી રાખી અને પછી એનો જ ઉપયોગ બધે કરવા લાગ્યાં.
હોમાયબેનના પાસપોર્ટ માટે સબીનાના પ્રયાસો પણ દિલ્હીથી ચાલુ હતા. તેમણે વળતાં લંડનના પ્રવાસની વિચારણા કરી રાખી હતી.
થોડા વખતમાં તેમનો પાસપોર્ટ તેમને ત્યાં આવી ગયો.
પાસપોર્ટ તેમને મળ્યો હોવાની જાણ કરતું પોસ્ટકાર્ડ તેમણે મને લખ્યું. એ લખાણનો ગુજરાતી અનુવાદ:
"હેપ્પી દિવાલી.
ડિયર મિ. કોઠારી,
ખૂબ આભાર. હમણાં જ મને દસ વર્ષ માટેનો પાસપોર્ટ મળી ગયો. કોઈ પણ ચીજનો-ખાસ કરીને નાણાંનો વેડફાટ કરવામાં હું માનતી નથી- તેથી મારે વધુ દસ વરસ જીવવું રહ્યું!
ઉષ્માભરી
શુભેચ્છાઓ
.
પરિવાર સાથે સુંદર સમયની
શુભેચ્છાઓ
.
હોમાય."


આ લખાણમાં એમનો મિજાજ આબાદ પ્રતિબિંબીત થાય છે. જિજીવિષા નહીં, પણ જીવનરસ છલકાય છે!
પાસપોર્ટ આવી ગયા પછી હોમાયબેનને લઈને અમારે અમદાવાદ ખાતે બ્રિટીશ વીઝા માટે જવાનું હતું. રજનીકુમાર પંડ્યાને આની જાણ થઈ એટલે તેમણે આગ્રહપૂર્વક સવારે તેમને ત્યાં થઈને અમને આગળ વધવાનું કહ્યું. રજનીભાઈને ત્યાં અમે ઉષ્માભર્યું આતિથ્ય માણ્યું અને પછી બ્રિટીશ વીઝા માટે ઉપડ્યાં. એ વિધિ પતાવ્યા પછી ઉર્વીશ અને બિનીત મોદી 'ગ્રીનહાઉસ'માં ભોજન માટે જોડાવાના હતા. આખો દિવસ બહુ સરસ રીતે પસાર થયો. હોમાયબેનને પણ ખૂબ મઝા આવી.

વીઝા માટે અમદાવાદની મુલાકાત વખતે 'ગ્રીન હાઉસ'માં 
કામિની કોઠારી- હોમાય વ્યારાવાલા 
(ઊભેલા) બીરેન અને ઉર્વીશ કોઠારી 

એ પછી તો તેઓ અમેરિકા- ઈન્ગ્લેન્ડના પ્રવાસે પણ ગયાં અને મજા કરીને પાછાં આવ્યાં. 'ત્યાં કેવું રહ્યું?'ના જવાબમાં એમણે લાક્ષણિક અંદાજમાં કહેલું, 'લાગે છે કે ફરી અમેરિકા જવું પડશે. આય વિઝીટમાં બહુ મજા નહીં આવી.'
અમેરિકાથી તે અમારા માટે નાનકડી ભેટ પણ લાવેલાં, જે અમે તેમની યાદગીરી તરીકે સ્વીકારેલી.
અમેરિકાના પ્રવાસ દરમિયાન ચરિત્રકાર સબીના સાથે 
હોમાય વ્યારાવાલા 

Sunday, September 12, 2021

હોમાય વ્યારાવાલા: પત્રો અને પ્રસંગો (7)

 કોઈને મદદરૂપ થવાની ભાવના ઘણી સારી, પણ સાથે એ જોવું પડે કે આપણે કયા હેતુથી સામેની વ્યક્તિને મદદરૂપ થઈ રહ્યાં છીએ. તેની વાસ્તવિક જરૂર શી છે એ જોયાજાણ્યા વિના, કેવળ અંદરના ઉભરાને વશ થઈને મદદ કરવાથી કદાચ આપણો અહમ્ સંતોષાઈ જાય એમ બને. સામેની વ્યક્તિ શું ધારે છે અથવા તેની ખરેખરી જરૂરિયાત શી છે એ વિચારવાનો આપણને ખ્યાલ સુદ્ધાં આવતો નથી.

હોમાય વ્યારાવાલા ફોનનો ઉપયોગ નહોતાં કરતાં. તે પત્ર થકી સંપર્ક રાખતાં. તેમનાથી ચાર-છ બંગલા દૂર રહેતાં શ્રીમતિ જયશ્રી મિશ્રાને ઘેર ફોન હતો, પણ શ્રીમતિ મિશ્રા યુનિવર્સિટીમાં નોકરી કરતાં હોવાથી સવારે દસ પહેલાં અને સાંજે છ પછી જ તેમનો સંપર્ક થઈ શકતો. સોસાયટીના નાકે એક દુકાનમાં પબ્લિક ફોન હતો એનો ઉપયોગ હોમાયબેન કરતાં, કે ક્યારેક કશોક સંદેશો ચિઠ્ઠીમાં લખીને એ દુકાનદારને મોકલી આપતાં અને એમના વતી એ દુકાનદાર ફોન કરી દેતા. (આવી એક ચિઠ્ઠી અહીં મૂકેલી છે.) 


પછી એમાં પણ મુશ્કેલી પડવા લાગી. તેમની મુશ્કેલી કેવી વિશિષ્ટ હતી કે તેમને મદદરૂપ થનારને પોતાન ઉત્સાહમાં એનો અંદાજ સુદ્ધાં ન આવે! આ પત્રમાં તેમણે એ મુશ્કેલી અને એના પોતે વિચારેલા ઉકેલ અંગે જણાવ્યું છે.


પત્રનો ગુજરાતી અનુવાદ:
"ડિયર મિ. કોઠારી,
લાગે છે કે ફિલીપ્સ કંપનીને ફોન કરવા બાબતે જણાવતું મારું પોસ્ટકાર્ડ તમને મળ્યું નથી. (એમનો એક મેન્ટેનન્સ વિભાગ છે). તેઓ થોડી ઈલેક્ટ્રિકલ ખરાબીવાળી જર્મન કૂકિંગ રેન્જને રિપેર કરે છે કે કેમ તેઓ કોઈકને એ માટે મોકલી શકે કે કેમ- અને તેની જે પણ કિંમત હોય એ એ પૂછીને મને પોસ્ટકાર્ડ દ્વારા જણાવવા કહેલું.
મેં મોબાઈલ ફોન (હીઅરીંગ એઈડ તરીકે હેડફોન એટેચમેન્ટ સાથે) ખરીદવાનું નક્કી કર્યું છે. મારા માટે બહુ મુશ્કેલ બની ગયું છે, કેમ કે, નજીક આવેલા ફોન બૂથ સુધી મારી સાથે આવવા કોઈ ઈચ્છતું નથી. તેને બદલે તેઓ તેમનો પોતાનો મોબાઈલ ફોન કાઢે છે અને વડોદરાની બહારના કૉલ માટે પૈસા લેવાનો ઈન્કાર કરે છે. તેને કારણે જ્યારે પણ હું કોઈક તાકીદનો સંદેશો મોકલવા ઈચ્છું ત્યારે મારે કુરિયર સેવાને શરણે જવું પડે છે, જેના દર વખતે રૂ.35/ કે વધુ થતા હોય છે. મારી પાસે મારો પોતાનો ફોન હોય તો હું એ લોકો દ્વારા એનો ઉપયોગ મારા માટે કરાવી શકું અને સમય તેમજ નાણાં બચાવી શકું તથા તેમના નાણાંકીય ઉપકાર તળે ન આવું.
તમે થોડો સમય કાઢીને મને એ મેળવવામાં મદદ કરી શકો? મને પોસ્ટકાર્ડ દ્વારા જણાવવા વિનંતી. આભાર.
તમે અને પરિવારજનો મઝામાં હશો. તમને બન્નેને
શુભેચ્છાઓ
.
હોમાય."
આ પત્ર પછી અમે થોડા સમયમાં તેમને માટે એક મોબાઈલ ફોન ખરીદ્યો. તેમને સાંભળવાની તકલીફ હોવાથી મોટા રિંગટોનવાળો મોબાઈલ ખરીદેલો. ઉપકરણો શીખવા માટે તે તેનાં મેન્યુઅલ પર બહુ આધારિત રહેતાં, પણ મોબાઈલ ફોનનું મેન્યુઅલ સાવ મર્યાદિત લખાણવાળું હોવાથી તેમને બરાબર ફાવ્યું નહીં. આથી તેમને મેં એક કાગળમાં મેસેજ કરવા માટેના સ્ટેપ લખી આપેલાં. બહુ ઝડપથી તેઓ મેસેજ કરતાં શીખી ગયેલાં. ક્યારેક ભૂલથી મિસ્ડ કૉલ થઈ જાય તો મારે પરેશ પ્રજાપતિને તેમને ત્યાં દોડાવવો પડતો, કેમ કે, એ ભૂલથી લાગ્યો કે ખરેખર કામથી એ ખબર નહોતી પડતી. પરેશ નજીક રહેતો હોવાથી એ થોડી વારમાં જઈને આવે અને મને 'સબ સલામત'નો સંદેશ આપે એટલે હાશ થતી. આ ફોન તેમને ન ફાવ્યો એટલે પછી પરેશે તેમને વધુ અનુકૂળતા રહે એવો ફોન લાવી આપ્યો. તેમની સાથેનો અમારો મેસેજ વ્યવહાર ચાલુ થયો, એટલું જ નહીં, જમશેદપુર રહેતી તેમની પુત્રવધૂ ધન અને દિલ્હી રહેતી તેમની ચરિત્રકાર સબીના ગડીહોક સાથે પણ તે ટેક્સ્ટ મેસેજ થકી સંપર્કમાં રહેવાં લાગ્યાં.

Saturday, September 11, 2021

હોમાય વ્યારાવાલા: પત્રો અને પ્રસંગો (6)

 'બિચ્ચારો! પાલક પનીરની સાથે નાન કેમના ખાઈ શકશે? એને તો તવા રોટી સિવાય કંઈ ફાવતું નથી.'

'આપ ને બિચારાને દસ રૂપિયા! કોને ખબર કેટલાય દિવસથી ભૂખ્યો હશે. બ્રેડ ખાશે તોય પેટ ભરાશે એનું.'
સાવ બે અંતિમ અર્થની વચ્ચેની અનેક અર્થચ્છાયામાં આપણે 'બિચારા' શબ્દને આપણે પ્રયોજતા હોઈએ છીએ. આ ઉપરાંત દેખીતી રીતે જેની પર દયા ઉપજે એવી- વિકલાંગ, અશક્ત, બિમાર કે વૃદ્ધ વ્યક્તિ વિશે વાત કરતાં તો આ વિશેષણ સહજપણે જ વપરાઈ જાય. અલબત્ત, ઘણા લોકો એવા પણ હોય છે, જે પોતાની 'બાપડાબિચારા'ની ઉપસેલી છબિને સભાનતાપૂર્વક ટકાવી રાખે છે.
હોમાય વ્યારાવાલાને જોઈને કોઈ પણ વ્યક્તિના મનમાં પહેલો શબ્દ કદાચ 'બિચારાં' સૂઝે. વૃદ્ધ, કરચલીયુક્ત ચહેરો, ધીમી ચાલ અને એવી જ ધીમી ગતિએ કામ કરવાની શૈલી! અને વળી એકલાં! ઉપરના માળે રહે, જ્યાં પગથિયાં ચડીને જવાનું. આ બધાનો સરવાળો એટલે 'બિચારાં!' કરુણાની લાગણી શમ્યા પછી જોનારના મનમાં કુતૂહલ-જિજ્ઞાસાના ભાવ ઉપસે. 'એ શી રીતે બધું કામ કરતાં હશે?' એને લઈને પછી જોનારના મનમાં ઉછાળા મારી રહેલો દયાનો સાગર છલકાય અને એમની મુલાકાત પછી વિદાય લેતાં અચૂક એ વ્યક્તિ બોલે, 'મારે લાયક કંઈ પણ કામકાજ હોય તો કહેજો.' દયાસાગરનો આ ઉછાળો મુલાકાતી હોમાયબેનનાં ઘરનાં પગથિયાં ઉતરે ત્યાં સુધીમાં તો શમી ગયો હોય. અને આ વાત હોમાયબેન ખુદ પણ જાણતાં હોય. આથી તે કદી કોઈને મદદ માટે કહે જ નહીં.
અમારી નિકટતા વધી અને તેમણે અમને કામ સોંપવા માંડ્યું ત્યારે અમે સભાનપણે એ ભાવ જાળવતાં કે અમે એમને નહીં, એમની સ્વાવલંબનની ભાવનાને મદદરૂપ થઈ રહ્યાં છીએ. એ અવારનવાર કહેતાં, 'મારું શરીર વૃદ્ધ થયું છે, દિમાગ નહીં. આઈ ડોન્ટ વોન્ટ ટુ બી ડિપેન્ડન્ટ ઓન સમબડી. ઓન્લી થિંગ આઈ નીડ ઈઝ અ હેલ્પિંગ હેન્ડ. (હું કોઈના પર આધારિત થવા નથી માંગતી. મારે કેવળ મદદકર્તા હાથની જ જરૂર છે)' તે અમને કશું કામ ચીંધે એ પણ મિત્રભાવે જ. અમને એ અનુકૂળ ન હોય તો ના પાડવાની છૂટ, અને એનું એમને કદી ખરાબ ન લાગે.
'હેલ્પિંગ હેન્ડ'ને તે શી રીતે મદદ માટે કહે એ આ પત્રમાં બરાબર જણાશે. સાર્ક દેશોના કોઈક કાર્યક્રમમાં હાજરી આપવા માટે તે દિલ્હી ગયેલાં. તેમણે ત્યાંથી વિમાનમાં વડોદરા આવવાનું હતું, અને સાંજનો સમય એવો કે એરપોર્ટ પર તેમને કોઈક લેવા આવે તો સહેલું પડે.
તેમણે દિલ્હીથી અમને લખેલા આ અંગ્રેજી પત્રનો ગુજરાતી અનુવાદ:
"ડિયર મિ.એન્ડ મિસીસ કોઠારી,
ફરી આવી ગઈ છું તમને તકલીફ આપવા. 13મી જાન્યુઆરીએ દિલ્હીમાં યોજાનારા સાર્ક ફંક્શનના બીજા દિવસે મારે ત્યાં જવા અંગે મેં તમને કહેલું. 19મી જાન્યુઆરીએ વિમાનમાર્ગે વડોદરા પરત ફરવાની મારી ધારણા છે. એરપોર્ટથી ઘેર પહોંચવું મારા માટે સમસ્યારૂપ છે અને અહીં મારે તમારી મદદની જરૂર છે.
તમારા યા મિ.પ્રજાપતિ માટે એ દિવસે એરપોર્ટ પર પહોંચવું અને મને ઘેર પહોંચવામાં મદદરૂપ થવું સંભવ બનશે? મહેરબાની કરીને 'ના' પાડતાં ખચકાતા નહીં, કેમ કે, મને એનાથી ખરાબ લાગશે નહીં અને હું બીજા કોઈક માટે પ્રયત્ન કરી શકું.
તમને લાગે કે તમે આવી શકશો તો મહેરબાની કરીને મને મિસીસ મિશ્રા (ફોન ધરાવતાં હોમાયબેનનાં પાડોશી) દ્વારા 'હા' યા 'ના' અંગે જાણ કરશો. આ અરજન્ટ છે, કારણ કે, આવતી કાલ સુધીમાં મારે દિલ્હીમાં એ લોકોને મારી ટિકિટ વગેરે ખરીદવા અંગે જાણ કરવાની છે.
આભાર અને શુભેચ્છાઓ.
હોમાય વી."
સૌજન્યપૂર્વક કોઈની મદદ શી રીતે માંગવી એનું આ ઉત્તમ ઉદાહરણ. નહીંતર મોટે ભાગે તો હકભાવે મદદ લેનાર અને કારણવશાત સામેવાળાથી એ શક્ય ન બને તો એ માટે ખોટું લગાડનાર જ જોવા મળે છે.




Friday, September 10, 2021

હોમાય વ્યારાવાલા: પત્રો અને પ્રસંગો (5)

 'તમે મને છેતરી રહ્યા છો!' આવું કોઈ આપણને મોઢામોઢ કહે તો આપણે તમતમી જઈએ, અને પત્રમાં લખે તો તો થઈ રહ્યું! કેમ કે, એ આક્ષેપ 'ઑન રેકોર્ડ' થઈ ગયો ગણાય.

આવી 'શંકા' હોમાયબેન અમારી પર અવારનવાર કરતાં, અને અમારી નાણાંકીય લેવડદેવડ વખતે કાયમ કહેતાં, 'નો ચિટિંગ, પ્લીઝ!' એક વખત એક પત્રમાં તેમણે આવું લખ્યું. તેમણે અમારી પાસે કશીક ચીજવસ્તુઓ મંગાવેલી. અમારી રૂબરૂ મુલાકાત દરમિયાન તેમણે એનાં નાણાંની ચૂકવણી પણ કરી દીધેલી. અમારા નીકળી ગયા પછી તેમણે જોયું હશે અને કશીક 'ગરબડ' જણાઈ હશે એટલે એ મુલાકાતના બે-ત્રણ દિવસમાં જ અમને તેમનો આ પત્ર મળ્યો.
પત્રનો ગુજરાતી અનુવાદ:
"ડિયર મિ. કોઠારી,
તમે મને છેતરી રહ્યા છો! ઓમેગા-3ની બે પટ્ટીઓ તમે મારા માટે રૂ.160/માં લાવ્યા, પણ મારી પાસેથી એક જ પટ્ટીના પૈસા- રૂ.80/ લીધા. આ ઉપરાંત તમે ક્વિનાઈનની વૈકલ્પિક દવા રૂ.5.76 માં લાવ્યા, જેનાં નાણાં તમે મારી પાસેથી લીધા નથી. એ મારી ભૂલ હતી- મારે યાદ રાખવા જેવું હતું.'
આથી હું સરવાળો સરખો કરવા માટે રૂ.86/નો ચેક મોકલી રહી છું. સાથે તમામ બાકી રકમ લખવા માટે એક બુકલેટ પણ મોકલી રહી છું, જેથી આપણે ભૂલી ન જઈએ. એ ખોવાઈ ન જાય એટલા માટે તેને હૂક પર ટીંગાવી દેજો.
આભાર.
હોમાય."
આ પત્રની સાથે જ ચેક અને ડાયરી આવ્યાં હશે. ડાયરીનો ફોટો અગાઉ અહીં મૂકેલો હતો, પણ આ સંદર્ભે ફરી વાર મૂકું છું. તેને ટીંગાડી શકાય એ માટે તેમણે ડાયરીમાં તાર પરોવીને બનાવેલી રીંગ બનાવી હતી.


Thursday, September 9, 2021

હોમાય વ્યારાવાલા: પત્રો અને પ્રસંગો (4)

 હોમાય વ્યારાવાલા વિશે વાત કરતી વખતે બે મુખ્ય બાબત ધ્યાન રાખવા જેવી છે. અહીં તેમના હસ્તાક્ષરમાં લખાયેલા પત્રો/ચિઠ્ઠીઓ/નોંધ મૂકું છું, અને તેમના હસ્તાક્ષર સૌને આકર્ષે છે. એ યોગ્ય જ છે, કેમ કે, 90 વટાવ્યા પછી સહેજ પણ ધ્રુજારી વિનાના, છટાદાર અક્ષરો કોને પ્રભાવિત ન કરે! પહેલી-બીજી વાર પૂરતું એ બરાબર છે. પણ મારો મુખ્ય આશય તેમનાં લખાણ અને એમાંથી નીતરતો તેમનો પ્રબળ જીવનરસ દર્શાવવાનો છે. વાંચનાર પણ કેવળ અક્ષર પર અટકી જવાને બદલે લખાણને એ રીતે જુએ તો વધુ મઝા આવશે. તેમની જન્મતારીખ 9 ડિસેમ્બર, 1913 હતી, અને મારો તેમની સાથે નિયમિત સંપર્ક 2000ના અંતથી કે 2001ની આસપાસ થયો હશે. એટલે કે ત્યારે જ તેમની વય 89-90ની હતી. આથી તેમનાં તમામ પત્રો એ પછીના ગાળાના છે. હવે આજની વાત.

અમારી નિયમિત મુલાકાત દરમિયાન એક વખત તેમણે અમને એક પત્ર વંચાવ્યો. એ છાપેલા પત્રમાં 'પારસી સેલ' વિશેની વાત હતી. વડોદરામાં ફતેગંજ નજીક દર વર્ષે અમુક સમયગાળામાં નિયમિતપણે 'પારસી સેલ' યોજાતું. આ પત્ર મુંબઈથી આવેલો. સેલના આયોજન અગાઉ આયોજકો કદાચ પોતાના સમુદાયના લોકોને તેની જાણ આ રીતે કરતા હશે, કેમ કે, અખબારમાં તેની જાહેરખબર નહોતી આવતી. અમારા માટે આ સાવ અજાણ્યું વિશ્વ હતું, એટલે અમનેય કુતૂહલ થયું કે 'પારસી સેલ' કેવુંક હોય? એમાં શું વેચાય? હોમાયબેને કહ્યું કે પોતે નિયમિતપણે એની મુલાકાત લેતા હોય છે. અને આ વખતે પણ તે એ લેવાનાં છે. આથી અમે પ્રસ્તાવ મૂક્યો કે આપણે બધાં સાથે જઈએ. એ મુજબ અમે નિર્ધારીત દિવસે કાર લઈને તેમને ત્યાં ગયાં, અને તેમને લઈને સેલમાં પહોંચ્યા. પુસ્તકો, વસ્ત્રો, વાનગીઓ, શણગાર જેવી પારસીવિશેષ ચીજો જોવાની અમને બહુ મઝા આવી. હોમાયબેને પણ કશુંક ખરીદ્યું. મૂળ વાત એ કે આ ગોઠવણ અમને બહુ માફક આવી.
એ પછી જ્યારે પણ 'પારસી સેલ' યોજાવાની જાણ કરતો પત્ર તેમને મળે કે અમને તે જણાવી દેતાં. અહીં મૂકેલા પોસ્ટકાર્ડમાં તેમણે અમને આવી જ જાણ કરતો પત્ર મોકલ્યો છે. પોતે શું ખરીદવા ધારે છે એની સાથે સાથે તેમણે અમને કેવી લોભામણી ઑફર આપી છે એ જોવા જેવું છે.


પત્રનો અનુવાદ આ મુજબ છે:
'ડિયર મિ.એન્ડ મિસીસ કોઠારી,
તમને સ્વાસ્થ્ય, સંપત્તિ અને સમૃદ્ધિ સાથેનું નવું વર્ષ મુબારક. શનિ-રવિના દિવસે મુંબઈના 'પારસી સેલ'વાળા પારસી ધર્મશાળામાં આવી રહ્યા છે- જો તમને રસ હોય તો. હું કદાચ વિનેગાર ખરીદવા માટે જાઉં. ફ્રૂટ કેક બનાવવાની મોસમ ચાલી રહી છે. તમે મારી અજમાયશ કરવા અને મારી મદદ ઈચ્છતા હો તો મને લઈ જવા માટેની તારીખ અને સમય જણાવશો.
ઉષ્માસભર
શુભેચ્છાઓ
.
હોમાય વી."
આવી ઑફર કેમ ટળાય? તેમણે પોતે તો લિજ્જતદાર કેક બનાવી અને અમને ખવડાવી, સાથે એ શી રીતે બનાવવી એની ટીપ્સ પણ આપી.

Wednesday, September 8, 2021

હોમાય વ્યારાવાલા: પત્રો અને પ્રસંગો (3)

 કયો દિવસ હતો એ ચોક્કસ યાદ નથી- કદાચ ઑક્ટોબર મહિનો હશે, વર્ષ 2005નું. અમદાવાદના રાજભવન ખાતે એક કાર્યક્રમમાં હોમાય વ્યારાવાલાને નિમંત્રણ પાઠવવામાં આવેલું. શાળાની વિદ્યાર્થીનીઓને લગતો કોઈક કાર્યક્રમ હતો. સવારે દસેક વાગ્યે ત્યાં પહોંચવાનું હતું. અમે એક વાહન ભાડે કરીને ત્યાં થોડા વહેલાં પહોંચી ગયાં. ત્યાં જઈને ફ્રેશ થયા અને હજી થોડો સમય હતો. એટલે ત્યાંના સરદાર સ્મારકના સંગ્રહાલયમાં મૂકાયેલી તસવીરો જોવા અમે ગયાં. એક પછી એક તસવીરો અમે જોઈ રહ્યાં હતાં. એક તસવીર દેશના પહેલવહેલા પ્રધાનમંડળની પણ હતી, જેમાં નીચે દરેકે દરેક મંત્રીઓના નામ લખેલાં હતાં. એમાંના બે નામ વાંચીને મને હોમાયબહેન કહે, 'તમે આ બે નામ લખી લો ને?' એક ચિઠ્ઠીમાં મેં એ નામ ટપકાવી દીધાં અને ખિસ્સામાં મૂકી દીધી.

મને એની જરૂરિયાત ખબર હતી.

એ સમયે દિલ્હીનાં સબીના ગડીહોક હોમાય વ્યારાવાલા પર પુસ્તક લખી રહ્યાં હતાં, જેમાં હોમાયબેને લીધેલી અનેક તસવીરો તેની ફોટોલાઈન સહિત મૂકાઈ રહી હતી. એમાંની એક તસવીર દેશના પહેલવહેલા મંત્રીમંડળની પણ હતી. હોમાયબેને તમામ મંત્રીઓનાં નામ લખાવ્યાં, પણ બે નામ તેમને યાદ નહોતા આવતાં. ચહેરા યાદ હતા, બીજી એક બે ખાસિયતો પણ યાદ હતી, છતાં નામ કેમે કરીને યાદ નહોતાં. ગૂગલનો ઉપયોગ ત્યારે મર્યાદિત હતો. એવે સમયે અચાનક, અણધાર્યાં જ અમારી આ મુલાકાતમાં તેમને આ નામ સરદાર સ્મારકમાં વાંચવા મળ્યાં. આ સંદર્ભે તેમણે મને એ નામ લખી લેવા જણાવ્યું.
અમદાવાદની એ મુલાકાત પછી અમે સાંજે પાછા વડોદરા આવી ગયાં. પેલી ચિઠ્ઠી મેં જાળવીને મૂકી રાખેલી. તેમને ત્યાં જવાનું થશે ત્યારે એ લેતો જઈશ એમ વિચારેલું. દરમિયાન એમનું જ પોસ્ટકાર્ડ આવી ગયું અને તેમણે મને એ નામ મોકલવા જણાવ્યું.


મૂળ અંગ્રેજીમાં, 18 ડિસેમ્બર, 2005ના રોજ લખેલું એ પોસ્ટકાર્ડ મૂક્યું છે.
અહીં એ પોસ્ટકાર્ડનો ગુજરાતી અનુવાદ મૂકું છું:
"ડિયર મિ. કોઠારી,
તમને યાદ હશે કે આપણે અમદાવાદના મ્યુઝિયમની મુલાકાત લીધી ત્યારે એક ગૃપ ફોટોમાંથી બે નામ (આયંગરના નામ સહિત) લખી રાખવા વિનંતી કરી હતી.
તમે મને એ નામ પોસ્ટકાર્ડ પર મોકલીને ઉપકૃત કરશો? સબીના થોડા દિવસમાં આવવાની ધારણા છે, તેથી આ વિનંતી.
તમને અને તમારી પત્નીને ઉષ્માસભર
શુભેચ્છાઓ
."
હોમાય વી.
આ બન્ને નામનો સમાવેશ પુસ્તકમાં કરી દેવાયો હતો.