Tuesday, February 24, 2026

જેમ્સ હેડલી ચેઈઝ, ફોઈની દીકરીઓ અને પપ્પા

'હમણાં તારે આ ચોપડીઓ નથી વાંચવાની.' આવી સૂચના મારા પપ્પાએ હું આઠમા-નવમા ધોરણમાં હતો ત્યારે મને આપેલી. પપ્પાની સૂચના કડક હોય એવું અલગથી કહેવાનું ન હોય. પણ એવું તો શું હતું એ ચોપડીઓમાં?

મહેમદાવાદના અમારા જૂના ઘરમાં ત્રીજે માળે (આજની જબાનમાં જી પ્લસ ટુ) એક લાકડાનું ભીંતકબાટ હતું, જેનાં બન્ને બારણાં પર સામસામે બેઠેલા મોરનાં ચિત્ર હતાં. આ કબાટમાં એક મોટું ખાનું અને ઊપર તેમજ નીચે નાનાં ખાનાં. મોટું ખાનું એવું હતું કે ઊભે ઊભે એમાંથી ચોપડીઓ કાઢી શકાય. હું હજી આઠમા- નવમા ધોરણમાં ભણતો હતો. એ સમયે પપ્પા વડોદરા ટ્રેનમાં અપડાઉન કરતા. વાંચવાના તેઓ જબરા શોખીન, અને વાંચવાની ઝડપ પણ ઘણી. પણ તેમનો મુખ્ય રસ પોકેટ બુક્સ વાંચવાનો. આથી અઠવાડિયે બે- ત્રણ વાર એવું બનતું કે તેઓ વડોદરા સ્ટેશને આવેલા એ.એચ.વ્હીલરના સ્ટોલ પરથી એક પુસ્તક ખરીદે અને મહેમદાવાદ આવે ત્યાં સુધીમાં એ વાંચી લે. ત્યારે વડોદરાથી મહેમદાવાદ પેસેન્જર ટ્રેનમાં અઢીથી પોણા ત્રણ કલાક લાગતા. તેમણે ખરીદેલાં મોટા ભાગનાં પુસ્તકો જેમ્સ હેડલી ચેઈઝનાં રહેતાં. ક્યારેક હેરોલ્ડ રોબિન્સ કે ઈઆન ફ્લેમિંગ પણ આવી જાય. આ પુસ્તકો ગુજરાતીમાં અનુવાદિત હતાં. જેમ્સ હેડલી ચેઈઝનાં મોટા ભાગનાં પુસ્તકોનો અનુવાદ બકુલ વોરા દ્વારા થતો. ક્યારેક તેઓ અંગ્રેજી પોકેટ બુક્સ પણ ખરીદતા અને વાંચતા.
મારા માટે આ પુસ્તકો નવીનવાઈનાં હતાં. કેમ કે, દરેક પુસ્તક પર લેખકનું નામ મોટા અક્ષરે મસ્ત ટાઈપોગ્રાફીમાં લખાયેલું રહેતું, જ્યારે પુસ્તકનું નામ નીચે સાદી ટાઈપોગ્રાફીમાં. આવાં બીજાં કોઈ પુસ્તકો મેં જોયાં નહોતાં. આ પુસ્તકો મુંબઈથી આવતા મારા પિતરાઈ ભાઈઓ કિસનભાઈ અને મયુરભાઈ, તેમજ અમદાવાદથી આવતી ફોઈની દીકરીઓ રન્નાબહેન, ઉષ્માબહેન, પારુલબહેન તેમજ બેલાબહેન હોંશે હોંશે વાંચતાં. ફોઈની દીકરીઓ તો આવે એટલે સીધી જ ત્રીજે માળે કબાટે પહોંચી જતી અને મામા કઈ નવી બુક્સ લાવ્યા છે એ જોતી. ક્યારેક પપ્પા તેમને કહેતા પણ ખરા કે આમાં મજા આવશે. મને નવાઈ લાગતી કે એમને એમાં આટલો બધો શો રસ પડતો હશે?
મને વાંચવાનો શોખ લાગુ પડેલો, અને મારા માટે તેઓ 'અમર ચિત્રકથા' તેમજ અન્ય કિશોર સાહિત્ય લાવતા. એ પુસ્તકો મારા મહેમદાવાદના મિત્રવર્તુળના મિત્રોએ દરેક વેકેશનમાં અનેક વાર વાંચ્યા હશે. પણ પેલી પોકેટ બુક્સ મારે ન વાંચવાની પપ્પાની સૂચના. મને ખાસ કુતૂહલ નહોતું કે એમાં શું હશે. પપ્પા કે મમ્મીનો એવો કશો ચોકીપહેરો પણ નહીં, એટલે કદી ચોરીછૂપીથી વાંચવાની ઈચ્છા કદાચ નહીં થયેલી.
દસમા ધોરણની પરીક્ષા પાસ કરી ત્યારે મારા આશ્ચર્ય વચ્ચે પપ્પાએ મને સામેથી કહ્યું, 'તું વેકેશનમાં આ બધી ચોપડીઓ વાંચજે.' પપ્પાએ પરવાનગી આપી ત્યારે પુસ્તકોની સંખ્યા ઘટી ગયેલી. ફોઈની દીકરીઓ ઘણાં પુસ્તકો વાંચવા લઈ જતી. તેમની પાસે પણ ઘણાં પુસ્તકો હતાં. ક્યારેક તેઓ યાદ રાખીને પપ્પાનાં પુસ્તકો પાછાં લાવતી, તો ક્યારેક ભૂલથી એમનાં પોતાનાં પુસ્તકો પણ આવી જતાં. પણ પપ્પાએ એક વાર એ વાંચી લીધાં હોય પછી ફરી વાંચવાનું રહેતું નહીં. આથી એવી કશી નોંધ રાખવાનો રિવાજ નહોતો.
પપ્પાએ કહ્યા પછી મેં એકાદું પુસ્તક વાંચવાનું શરૂ કર્યું. પણ મને એમાં આવતા અંગ્રેજી નામ અને વાતાવરણ બહુ ફાવ્યાં નહીં. આથી મેં એ અધૂરું મૂક્યું. પણ મારા મિત્ર વિપુલ રાવલે એક પછી એક પુસ્તકો વાંચવા માંડ્યા. તેણે મનેય કહ્યું કે એક વાર તું ટેવાઈ જઈશ પછી બહુ જ મજા આવશે. તેની આવી હિદાયતથી મેં ફરી એક વાર એ પુસ્તક હાથમાં લીધું અને પૂરું કર્યું. ખરેખર મજા આવી ગઈ. બસ, હવે તો સામે ખજાનો હતો.
દસમાનું વેકેશન હતું એટલે એક વાર મમ્મીને મેં કહ્યું કે તેઓ ફોઈને ત્યાં જાય અને ફોઈની દીકરીઓ પાસેથી પુસ્તકો લેતાં આવે. મમ્મી ખાસ એ કામ માટે અમદાવાદ ગયાં અને ઘણાં પુસ્તકો લેતા આવ્યાં. ફોઈની દીકરીઓએ પણ એ વાંચી લીધેલાં. ઘણાં બધાં પુસ્તકો બદલાઈ ગયેલાં, તેમણે પોતાનાં હોય એવાં આપેલાં, પણ મહત્ત્વ સંખ્યાનું હતું. ધીમે ધીમે કરતાં અમે એ તમામ પુસ્તકો વાંચી નાખ્યાં. એ પછી તો દર વેકેશનમાં આ પોકેટ બુક્સ વાંચવાનો અમારો ક્રમ બની ગયો. 'વેલ નાઉ માય પ્રીટી', 'ધેર ઈઝ અ હીપ્પી ઓન ધ હાઈવે', 'કેન ઓફ વોર્મ્સ', 'વારી ટ્રાન્સગ્રેસર', 'કેડ', 'એન ઈઅર ટુ ધ ગ્રાઉન્ડ', 'ધ જોકર ઈન ધ પેક', 'નો ઓર્કિડ્સ ફોર મિસ બ્લેન્ડીશ' 'શોક ટ્રીટમેન્ટ', 'ડબલ શફલ', 'હેવ ધીસ વન ઓન મી', 'ફીગર ઈટ આઉટ' હેરોલ્ડ રોબિન્સની 'સ્ટીલેટો', ઈઆન ફ્લેમિંગની 'ઓન હર મેજેસ્ટીઝ સિક્રેટ સર્વિસ' વગેરે જેવાં અનેક નામ આજેય મને કશા આયાસ વગર યાદ છે. એક આખી સૃષ્ટિ જાણે કે ખુલી ગઈ.
હવે ઘણાં વખતથી એ પુસ્તકો તરફ નજર કરાઈ નથી. પણ વાંચનની આદતને વિકસાવવામાં આ પુસ્તકોનું ઘણું પ્રદાન રહ્યું. પપ્પા દર વેકેશનમાં બાળ અને કિશોરસાહિત્યનાં ઢગલાબંધ પુસ્તકો લાવતાં એમાંનાં ઘણાં બધાં પુસ્તકો અમારાં સંતાનોએ પણ વાંચ્યાં. એમાંનાં ઘણા હજી સચવાયાં છે, અને એમાંની કેટલીક વાર્તાઓનાં પાત્રો કે પરિસ્થિતિઓ અમારા માટે સંદર્ભબિંદુ બની રહ્યાં છે.
પપ્પાની વિદાયને આજની તારીખે અઢાર વર્ષ વીત્યાં. સ્વજનોની સ્મૃતિ કંઈ તિથિતારીખ પૂરતી મર્યાદિત નથી હોતી. ભૌતિક અને માનસિક સ્મૃતિઓ થકી તેઓ આપણા મનમાં જીવંત રહેતાં હોય છે. હવે આપણી વય વધતી જાય અને વ્યસ્તતા તેમજ પ્રાથમિકતાઓ બદલાતી જાય ત્યારે મનમાં રહેલા સ્મૃતિના આંતરપ્રવાહને આ રીતે બહાર લાવવો પણ જરૂરી છે.

Wednesday, February 18, 2026

એવા ગાંધી નવજીવને ઊતર્યા રે

રવિવાર, 15 ફેબ્રુઆરીના દિવસે સાંજે છ વાગ્યે નવજીવન, અમદાવાદમાં 'નવજીવન ટૉક્સ' અંતર્ગત ગાંધીજીનાં વ્યંગ્યચિત્રોની રજૂઆતનો કાર્યક્રમ યોજાઈ ગયો. કાર્યક્રમનું શિર્ષક હતું 'Gandhi: Between the lines (વ્યંગ્યચિત્રોમાં ગાંધી)'. આ પ્રકારનો કાર્યક્રમ પહેલવહેલી વાર મેં 2016માં કરેલો. અગાઉ આવો કોઈ કાર્યક્રમ થયેલો ધ્યાનમાં ન હોવાથી તેનું માળખું પણ જાતે જ બનાવેલું અને એ વખતે એક ભાવકની દૃષ્ટિએ વિચારીને એ બનાવેલું. ત્યારથી લઈને આજ સુધીના અનેક કાર્યક્રમોમાં એ મૂળભૂત માળખું એમનું એમ રહ્યું છે. અંદરની સામગ્રીમાં સ્થળ અને શ્રોતાઓ મુજબ ફેરફાર થતા રહે એ વાત અલગ છે.

કાર્ટૂનનાં પુસ્તકોની પહેલવહેલી ખરીદી 1988-89 આસપાસ કરેલી, જેમાં બે મુખ્ય હતાં. એક અબુ અબ્રાહમ દ્વારા સંપાદિત 'પેંગ્વિન બુક ઓફ ઈન્ડિયન કાર્ટૂન્સ' અને બીજી દુર્ગાદાસ સંપાદિત 'ગાંધી ઈન કાર્ટૂન્સ'. યાદ છે ત્યાં સુધી આ બન્ને પુસ્તકો અમદાવાદ રેલ્વે સ્ટેશનના બુકસ્ટોલ પરથી ખરીદેલા. 'ગાંધી ઈન કાર્ટૂન્સ' એક અદભુત પુસ્તક છે, જેમાં ગાંધીજીના હયાતિના ગાળા દરમિયાન પ્રકાશિત વિવિધ કાર્ટૂનોનો સંચય છે. મારા કાર્યક્રમના એક હિસ્સામાં હું જે કાર્ટૂનનો ઉપયોગ કરું છું તેમાં આ પુસ્તકમાંથી કાર્ટૂનની પસંદગી કરું છું. પણ આ વખતે વિચાર્યું કે એ પુસ્તકમાંથી એકાદ બે કાર્ટૂન જ લેવાં અને એ વિભાગ માટે થોડાં નવાં કાર્ટૂન સામેલ કરવાં. સાથોસાથ પશ્ચિમી જગતના કાર્ટૂનિસ્ટો ગાંધીજીને એ સમયે શી રીતે જોતા એ પણ બતાવવું હતું.


કાર્યક્રમની જાહેરાત માટે મેં અમુક કાર્ટૂનો રામ મોરીને મોકલ્યાં, પણ તેમણે જે પોસ્ટર બનાવડાવીને મોકલ્યું એ એવું મજાનું હતું કે પછી બીજો વિચાર કરવાનો આવ્યો જ નહીં. ભાઈ ભૌમિક સુથારે એવું કેરિકેચર બનાવેલું કે જેમાં મારા ખભે હાથ મૂકીને ગાંધીજી ઊભેલા હોય. આમાં મારી આકૃતિ પ્રમાણમાં મોટી અને ગાંધીજી સહેજ નાના હતા. સ્વાભાવિકપણે જ ગાંધીપ્રેમી હોય એમને આ અજુગતું લાગે કે મારી આકૃતિ ગાંધીજી કરતાં મોટી કેમ! પણ આ કેરિકેચર બરાબર જોઈએ અને ઊપક્રમ વિશે જાણીએ તો આનો ખુલાસો મળી જાય. કાર્યક્રમની રજૂઆત હું કરવાનો છું એટલે કેરિકેચર મારું મૂકાય, કે જેમ અન્ય વક્તાઓના કાર્યક્રમમાં એમની તસવીર હોય છે. એટલે જાણે કે હું ફોટો પડાવવા બેઠો હોઉં એવું કેરિકેચર, અને ગાંધીજી જાણે કે મારી મસ્તી કરતા હોય એમ પાછળથી આવીને મારા ખભે હાથ મૂકીને ઊભા રહી ગયા હોય એવી એમની મુદ્રા. એટલે આનાથી કાર્યક્રમમાં રહેલી મસ્તીનો આંતરપ્રવાહ છતો થઈ જાય અને એ અંદાજ મળી રહે કે કાર્યક્રમ હળવાશયુક્ત હશે.

કાર્યક્રમના આરંભ રામ મોરી દ્વારા


ખેર! નવજીવનના સુજ્ઞ શ્રોતાઓ સમક્ષ વાત કરવાની બહુ મજા આવી. આરંભ રામ મોરીએ કર્યા પછી બહુ ઝડપથી તેમણે મને સુકાન સોંપી દીધું. એક પછી એક વિભાગ અને એના મુજબ કાર્ટૂનોની રજૂઆત, સાથોસાથ એનો સંદર્ભ તેમજ દૃશ્યકળાનાં પરિમાણોની પણ વાત થતી રહી.
છેલ્લે સવાલજવાબનો ઉપક્રમ પણ મજાનો રહ્યો. સવાલજવાબ પછી હળવામળવાનું ચાલ્યું. એકંદરે ગાંધીજીના સાન્નિધ્યમાં એક મજાની સાંજ ગાળવાનો આનંદ આવ્યો.
આ કાર્યક્રમ માટે સંયોજન કરનાર રામ મોરી, કેરિકેચર બનાવનાર ભૌમિક સુથાર, સંકલન માટે મિલન ઠક્કર, તસવીરો અને વિડીયોગ્રાફી માટે કેયુર ભટ્ટ- મન્વિતા, વિજય પરમાર અને આ ઊપક્રમના યજમાન સદાના મિત્ર એવા વિવેક દેસાઈ- શિલ્પાબહેન સૌનો આભાર.

Saturday, February 14, 2026

મૃદુભાષી, મિતભાષી, છતાં મક્કમ વ્યક્તિત્વની વિદાય

પ્રમેશબહેન મહેતા 
ગઈ કાલે એમિટી સ્કૂલ, ભરુચના પૃષ્ઠ પર પ્રમેશબહેન મહેતાના અવસાનના સમાચાર જાણવા મળ્યા. પ્રમેશબહેન સાથે છેલ્લી મુલાકાત 22 નવેમ્બર, 2025ના રોજ એમિટી સ્કૂલમાં જ થયેલી. ઘણા સમયથી નાદુરસ્ત તબિયત છતાં હું આવવાનો હોવાથી તેઓ ખાસ મળવા આવેલાં. વ્હીલચેર પર બેઠેલાં, પણ જાણે કે ક્યારે એની પરથી ઊભા થઈ જવું એમ જ મનમાં હોય એમ લાગે. તેમની સાથે પહેલવહેલો પરિચય 26 ફેબ્રુઆરી, 2011ના રોજ થયેલો. એમિટી સ્કૂલના બારમા ધોરણના વિદ્યાર્થીઓ માટે ફેરવેલ કાર્યક્રમનું આયોજન હતું અને મારે તેમાં વક્તવ્ય આપવાનું હતું. પ્રમેશબહેનને સૌ પ્રથમ વાર મળવાનું ત્યારે બનેલું. એમિટીના રણછોડભાઈએ તેમનો અને પ્રકાશભાઈનો પરિચય કરાવ્યો. એ વખતે પ્રમેશબહેન સાવ ખપ પૂરતું બોલતાં હોય એવી છાપ પડેલી. એ પછી એમિટી પર જ્યારે જવાનું થાય ત્યારે તેઓ મળે, હસીને ખબરઅંતર પૂછે અને વાતોમાં જોડાય ખરાં, પણ વાતોમાં ભાગ ખાસ ન લે.

મારી ભરુચની એક મુલાકાત દરમિયાન 'કોર ગૃપ'
સાથેની બેઠકમાં પ્રમેશબહેન (જમણેથી પહેલાં)

જો કે, એમિટી સ્કૂલ વિશેનું પુસ્તક 'કેળવણીનો કર્મયોગ'નું આલેખન કરવાનું શરૂ થયું ત્યારે સાવ આરંભિક મુલાકાતોમાંની એક તેમની હતી. એ વખતે મને તેમના વિશે વધુ જાણ થઈ. તેઓ પોતે પોતાના વિશે ખાસ બોલવા ઈચ્છે નહીં, પણ રણછોડભાઈએ તેમને કહ્યું, 'પ્રમેશબહેન, તમારે તમારી વાત કહેવી પડશે. નહીંતર એ લખશે શી રીતે?' પ્રમેશબહેને વાત કરી, પણ જાણે કે પોતાના વિશે વાત કરતાં સંકોચ થતો હોય એ સ્પષ્ટપણે દેખાય.

અમારી છેલ્લી મુલાકાત વખતે કાર્યક્રમમાં
ઉપસ્થિત પ્રમેશબહેન (સામેની હરોળમાં જમણેથી બીજા ક્રમે)

પ્રમેશબહેનની કૌટુંબિક પૃષ્ઠભૂમિ સાવ જુદી હતી. કરાચીમાં જન્મ્યા પછી સાવ દોઢ બે વર્ષની વયે, દેશના વિભાજનને કારણે માતાપિતા સાથે તેમણે સ્થળાંતર કરીને મુંબઈ આવી જવું પડેલું. મેટ્રિક અને ત્યાર પછી મોન્ટેસરી કોર્સ તેમણે મુંબઈમાં જ કરેલો, અને વાલકેશ્વર ખાતે ‘ભગિની કલામંદીર’માં તેઓ શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં હતાં. લગ્ન પછી પ્રમેશબેનને સુરત સ્થાયી થવાનું બન્યું, પણ એ અગાઉ ‘ભગિની કલા મંદીર’નાં આચાર્યા વિમળાબહેને પોતાની પિતરાઈ પુષ્પાબહેનને પ્રમેશબેનના નામની ભલામણ કરી હતી. પુષ્પાબહેન ત્યારે ભરૂચમાં ‘રુંગટા વિદ્યાભવન’નાં મેનેજિંગ ટ્રસ્ટી હતાં. પ્રમેશબહેન પરણીને સુરત આવ્યાં ત્યારે તેમના પતિ આઝાદભાઈ મહેતાની નોકરી ખેતીવાડી વિભાગમાં કીમ ખાતે હતી. પ્રમેશબહેન ભરૂચ ખાતે ‘રુંગટા વિદ્યાભવન’માં જોડાયાં. વહેલી સવારે પતિપત્ની બન્ને સુરતથી ટ્રેનમાં નીકળી જતાં, અને સાંજે ઘરભેગા થતાં. આ ક્રમ બહુ લાંબું ચાલે એમ નહોતો, કેમ કે ટ્રેન દ્વારા અપડાઉન કરવામાં ઘણો સમય વેડફાતો હતો. બહુ ઝડપથી તેમણે ભરૂચમાં સ્થાયી થવાનો નિર્ણય લીધો.
રણછોડભાઈએ આચાર્ય તરીકે ‘રુંગટા’નો કાર્યભાર સંભાળ્યો ત્યારે પ્રમેશબહેન ત્યાં પૂર્વ પ્રાથમિક વિભાગના વડાની જવાબદારી સંભાળી રહ્યા હતાં. ભૂલકાંઓમાં પ્રમેશબહેન અતિશય પ્રિય બની રહેલાં. તેમની સાદગીભરી રહેણીકરણી અને એવા જ સાદગીસભર વ્યક્તિત્વને કારણે સૌ કોઈને તેમની સાથે આત્મીયતા અનુભવાતી. પ્રકૃતિએ પ્રેમાળ અને મિતભાષી પ્રમેશબહેનના મનમાં શિક્ષણ માટે કંઈક કરી છૂટવાની ભાવના ધબકતી હતી.
આમ, એક સમયે 'રુંગટા વિદ્યાભવન' સાથે સંકળાયેલાં રણછોડભાઈ, પ્રમેશબહેન, શૈલાબહેન અને પ્રવિણસિંહ રાજ 'એમિટી સ્કૂલ'ની સ્થાપનામાં નિમિત્ત બન્યાં. શિક્ષણના પોતાના ખ્યાલ અનુસાર તેમણે સૌએ આ શાળાને સીંચી અને એક આગવી પ્રતિષ્ઠા હાંસલ કરી.
ત્યારથી પ્રમેશબહેન જીવનપર્યંત એમિટી સાથે જ સંકળાયેલાં રહ્યાં. બાળકો પ્રત્યેના તેમના પ્રેમની છાલક સૌ કોઈને ભીંજવતી. આથી જ છેક પૂર્વ પ્રાથમિકમાં ભણી ચૂક્યાં હોય એવાં અનેક બાળકો મોટાં થાય અને તેમનાં પોતાનાં સંતાનોને પૂર્વ પ્રાથમિકમાં મૂકવાનો વારો આવે ત્યારે 'પ્રમેશ ટીચર'ને યાદ કરતાં.
પુસ્તકના આલેખન દરમિયાન એક આખો અરસો મારે 'એમિટી'ની મુલાકાતે જવાનું થતું રહ્યું. દરેક મુલાકાત વખતે પ્રમેશબહેન સસ્મિત હાજર હોય. તેઓ વાલી સાથે કે સહકાર્યકરો સાથે વાત કરે ત્યારે જાણે કે જુદી જ વ્યક્તિ હોય. બાળઉછેર તેમજ શૈક્ષણિક પદ્ધતિ વિશેની તેમના મનમાં રહેલી પાયાની સ્પષ્ટતાઓ આ વાતચીતમાં જોઈ શકાય. અને આ તેમને સૌથી ગમતું કામ એ તેમને જોઈને આપણને સમજાઈ જાય.
નવેમ્બરમાં બુક લવર્સ મીટ નિમિત્તે સાંજે મારે ભરૂચનો કાર્યક્રમ હતો. ત્યારે સવારે એમિટી સ્કૂલમાં મારે હોમાય વ્યારાવાલા વિશે વાત કરવાનું રણછોડભાઈ અને પ્રકાશભાઈએ આયોજન કર્યું. ત્યાં હવે પરિચીત બનેલા સૌ કોઈને મળવાનું આકર્ષણ મને હોય એ સ્વાભાવિક છે. મેં સાંભળેલું કે પ્રમેશબહેનની તબિયત નાદુરસ્ત રહે છે. પણ તેઓ એ જ હસતા ચહેરે આવ્યાં ત્યારે સાનંદાશ્ચર્ય થયું. એટલું જ નહીં, તેઓ સમગ્ર કાર્યક્રમ દરમિયાન બેઠાં રહ્યાં. ત્યારે ખ્યાલ નહોતો કે તેમની સાથેની આ છેલ્લી મુલાકાત હશે.
પ્રમેશબહેન જેવી વ્યક્તિ સદેહે ભલે વિદાય લે, પણ તેમની સ્મૃતિઓની મહેક એવી હોય છે કે રજનીગંધાનાં ફૂલોની સુગંધની જેમ તે મનને સદાય મહેકતું રાખે.

Wednesday, February 11, 2026

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (અનુસર્જન-28): ચાઉમાઉનો લોકશાહીપ્રેમ

ચાઉમાઉને વાચન બહુ ગમતું. આથી તેણે ચીનની દરેક શાળાઓમાં 'વાચનોત્સવ' ચાલુ કરાવ્યો હતો. આ ઉત્સવનું મહત્વ ભાવનાત્મક હતું, આથી શાળામાં આવતાં દરેક બાળકો પોતાની બન્ને હથેળીઓ હાથમાં પુસ્તક પકડ્યું હોય એવી મુદ્રામાં ખુલ્લી રાખતા. આશય એટલો કે લોકો વાચનના મહત્વને પિછાણે. નાનો હતો ત્યારથી ચાઉમાઉ કોલેજમાં જતો. કેમ કે, કોલેજમાં વડનાં ઝાડ બહુ હતા. અને એની પર વાંદરાં કૂદાકૂદ કરી મૂકતા. ચાઉમાઉના ખાસ કોઈ જોડીદાર હતા નહીં, આથી તે વાંદરાઓને જોયા કરતો. આગળ જતાં ચાઉમાઉ ચીનનો શાસક બન્યો ત્યારે તેણે અનેક વાર કહેલું કે પોતે નાનપણથી કોલેજ જતો હતો. ઘણા લોકો આ બાબતે શંકા કરતા, અને પૂછતા કે કોલેજનું કોઈ પ્રમાણપત્ર હોય તો બતાવો. પણ કોલેજમાં આવેલાં વડના ઝાડ પર કૂદાકૂદ કરતા વાંદરાં જોવાનાં કંઈ પ્રમાણપત્ર હોય? જો કે, ધીમે ધીમે ચાઉમાઉને આવા સવાલ પૂછનારા અદૃશ્ય થતા ગયા. ચીનની શાળાઓમાં ભણાવાતા ઈતિહાસનાં પ્રશ્નપત્રોમાં આ વાત સાત માર્કની ટૂંકનોંધ તરીકે પૂછાવા લાગી, એટલે ચીનનાં બચ્ચેબચ્ચાને ખબર પડી ગઈ કે ચાઉમાઉ નાનો હતો ત્યારથી કોલેજ જતો થઈ ગયેલો.

ચાઉમાઉ પોતે લોકશાહી વિચારધારામાં માનતો હતો. દરેક નિર્ણય તે સર્વાનુમતે લેતો. કોની મગદૂર હતી કે ચાઉમાઉની વિરુદ્ધમાં મત આપે? પણ એક મહાશય હતા, જે વયોવૃદ્ધ હતા. તેઓ કહેતા, 'મને ચાઉમાઉની તો ઠીક, એના પિતાશ્રીનીય બીક નથી.' આમ કહેવાનું કારણ એ કે ચાઉમાઉના પિતાશ્રી વરસો અગાઉ ડ્રેગનલોકવાસી થયેલા. ચાઉમાઉએ વિવિધ બાબતે નિર્ણયો લેવા સમિતિઓ બનાવેલી. એમાં આંગળી ઊંચી કરીને મતદાન થતું. પેલા વયોવૃદ્ધ મહાશય સદાય ચાઉમાઉની વિરુદ્ધમાં મત આપતા, જ્યારે બાકીનાઓ ચાઉમાઉની તરફેણમાં. બાકીનાઓને પછી ખબર પડેલી કે પેલા વયોવૃદ્ધ નેતાને ચાઉમાઉની વિરુદ્ધમાં મત આપવા બદલ તગડા યેન મળતા હતા. કારણ એટલું જ કે ચાઉમાઉ માનતો કે તમામ નિર્ણયો લોકશાહી ઢબે જ લેવાવા જોઈએ અને ભિન્ન મતનો આદર કરવો જોઈએ. આદર આપવાની આનાથી વધુ બહેતર રીત શી હોઈ શકે!
આમ, લોકશાહી ઢબે ચાલતા ચાઉમાઉના રાજમાં ચીનાઓને લીલાલહેર હતી.

Tuesday, February 10, 2026

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (અનુસર્જન-27): ચાઉમાઉના દેશમાં રોકેટરમત

ચાઉમાઉ અતિ ગંભીર પ્રકૃતિનો શાસક હતો. પોતાના દેશમાં હોય ત્યારે તે એવો ઘુવડગંભીર રહેતો કે જોનારને એમ જ લાગે કે આ માણસ જન્મ પછી કદી હસ્યો જ નહીં હોય. પણ ચાઉમાઉ વિદેશયાત્રાએ જાય, અને વિદેશી શાસકો ને હળેમળે ત્યારે ખડખડાટ હસતો, ટુચકાઓ કહેતો, સામેવાળાને તાળીઓ મારતો. એ જોનારને એમ જ લાગે કે જન્મથી જ આ માણસ આવો ખડખડાટ હસતો હશે. ચીનાઓને મન આ એક ગંભીર કોયડો હતો. તેમને સતત એમ થતું કે શું પોતાની રમૂજવૃત્તિમાં કશી કસર છે? કે દેશવાસીઓની ભાષા એવી થઈ ગઈ છે કે સમ્રાટ સદાય ગીધગંભીર રહે છે!

જે ચીનાઓ વિદેશમાં વસવાટ કરતા હતા એમણે નોંધ્યું કે ચાઉમાઉ વિદેશમાં આવે ત્યારે એણે દુભાષિયો રાખવો પડે છે. એનો મતલબ એવો કે વિદેશી ભાષાઓ ચાઉમાઉને સમજાતી નથી. પણ તેમણે એય નોંધ્યું કે ચાઉમાઉ કોઈ વિદેશી શાસક સાથે મળીને અટ્ટહાસ્ય કરે કે ટુચકાની આપ-લે કરે ત્યારે એમને કોઈ દુભાષિયાની જરૂર હોતી નથી. આનો એક અર્થ એવો કરી શકાય કે વિદેશી શાસકોને ચીની ભાષા આવડતી હોય એમ બને. પણ એ શક્ય નહોતું. કેમ કે, ચીની ભાષા હજી ચીનાઓને જ પૂરેપૂરી ન આવડી હોય તો વિદેશીઓને ક્યાંથી આવડવાની? આ જ કારણે ચીનાઓને ચાઉમાઉ માટે અહોભાવ હતો. તેઓ ગંભીરતાથી માનતા કે 'ચાઉમાઉ હૈ તો ચીંગપીંગ હૈ.'
કેટલાક ઈતિહાસકારોએ શોધી કાઢ્યું કે અસલમાં ચાઉમાઉમાં રમૂજવૃત્તિ જન્મજાત હતી અને શાળાકાળથી તે પૂરેપૂરી ખીલેલી હતી. શાળામાં પણ તે કોઈ સહાધ્યાયીને આકાશ તરફ આંગળી ચીંધીને કહેતો, 'જો, રોકેટ જાય.' બાજુવાળો આકાશ સામું જોઈને રોકેટ શોધવા ફાંફા મારે કે તેને ચાઉમાઉનું અટ્ટહાસ્ય સંભળાતું. આવી તો અનેક મૌલિક તરકીબો ચાઉમાઉએ વિકસાવેલી, જે તેને શાસક બન્યા પછી બહુ કામમાં આવી.
ક્યારેક કોઈક નિષ્ણાત મંત્રી જણાવે કે 'નામદાર, આપણે શિક્ષણનીતિ વિશે વિચારવું જોઈએ.' ત્યારે ચાઉમાઉ આકાશ તરફ આંગળી ચીંધીને તેને કહેતો, જો, પેલું રોકેટ જાય.' મંત્રીઓ શરૂ શરૂમાં ઠાવકા રહેતા અને આકાશ સામું જોયા વિના કહેતા, 'નામદાર, હજી રોકેટની શોધ થઈ જ નથી.' પણ એ વખતે ચાઉમાઉ આકાશમાં જોઈને ડાફોળિયાં મારતો અને બોલતો, 'અલ્યા, હમણાં તો જોયેલું. ક્યાં સંતાઈ ગયું પાછું? હા...આ...આ. પેલો હાથી વચ્ચે આવી ગયો લાગે છે.' મંત્રીઓ સપાટ સ્વરે કહેતા, 'નામદાર, આકાશમાં હાથી ન હોય.' ચાઉમાઉ તેમની સામે જોયા વિના આકાશમાં જ તાકી રહેતો અને કહેતો, 'હાથી ક્યાં જતો રહ્યો? પે...લ્લી એની પૂંછડી દેખા..આ..આ..ય! હત્તેરી કી. એય ગુલાબ પાછળ ઢંકાઈ ગઈ.' આમ, રોકેટ હાથી પાછળ, હાથી ગુલાબ પાછળ, ગુલાબ ગધેડા પાછળ અને ગધેડું સફેદ વાદળ પાછળ ખોવાઈ જતું. આટલી વાર સુધી પેલા મંત્રીઓ ઊભા રહી શકતા નહીં.
ધીમે ધીમે ચાઉમાઉએ એવા મંત્રીઓને જ તગેડી મૂક્યા. તેણે એવા મંત્રીઓની ભરતી કરી કે જે ચાઉમાઉનું કોરસ બની રહે. અર્થાત્ ચાઉમાઉ એક વાક્ય બોલે અને પેલા લોકો એને ઝીલે. જેમ કે, 'અલ્યા, જો પેલું રોકેટ!' એ સાથે જ પેલા મંત્રીઓ કહેતા, 'મારું બેટું કેટલું ફાસમફાસ જાય છે હેં! અહાહા, અને ધુમાડા તો જો! એકદમ સફેદ. જાણે વાદળમાં દેખાય જ નહીં!'
જો કે, હવે ચાઉમાઉને કોઈ સાચી વાત કહેનાર રહ્યું નહીં, એટલે 'જો, પેલું રોકેટ!'ની રમત રમવાની જરૂર નહોતી. પણ એક રમત લેખે લોકોને એ એટલી બધી ફાવી ગઈ હતી કે એકે એક ચીનાએ એને અપનાવી લીધેલી. જેમ કે, કોઈ ચીની પિતા પોતાના દીકરાને પૂછે, 'તારા ગણિતમાં કેટલા માર્ક આવ્યા?' જવાબમાં દીકરો આકાશ તરફ આંગળી ચીંધીને કહેતો, 'જુઓ, પેલું રોકેટ જા..આ..આ..ય.' એ જ રીતે ક્યારેક દીકરો પોતાના પિતાને કહે, 'પપ્પા, સ્કૂલની ફી ભરવાની છે. આ વખતે નહીં ભરું તો એ લોકો મને કાઢી મૂકશે.' એ સાથે જ પિતા આકાશ તરફ આંગળી ચીંધીને કહેતા, 'જો, પેલું રોકેટ જા..આ...આ..ય.'
ધીમે ધીમે ચીનમાં એવી હવા જામી કે ચાઉમાઉએ 'જો, રોકેટ જાય' ફેસ્ટિવલ રાષ્ટ્રીય સ્તરે ઉજવવાનું શરૂ કર્યું. આ ફેસ્ટીવલ ખાસ કરીને વિદેશમાં રહેતા ચીનાઓ માટે હતો. વિદેશમાં વસતા ચીનાઓ ખાસ આ ફેસ્ટીવલમાં ભાગ લેવા માટે ચીન આવતા. અને હોંશે હોંશે 'જો, રોકેટ જાય.' રમતનો હિસ્સો બનતા. એટલું જ નહીં, આ રમત માટે મેદાનો, સાધનો અને ખેલાડીઓ વિકસાવી શકાય એ માટે અઢળક નાણાં દાનરૂપે આપીને જતા.
આથી ચાઉમાઉને આઈડિયા મળ્યો કે આ જ રમત વિદેશોમાં ચાલુ કરાવી શકાય. એ રીતે ચીની સંસ્કૃતિનો ઝંડો વિશ્વભરમાં લહેરાશે. એક નવાસવા રંગરુટ મંત્રીએ આ સાંભળીને ચાઉમાઉને ભોળેભાવે પૂછ્યું, 'પણ નામદાર, આપણી પાસે ચીનનો ઝંડો છે. ચીની સંસ્કૃતિનો ઝંડો આપણે નવો બનાવડાવવો પડે, હેં ને?' ચાઉમાઉએ કરુણામિશ્રિત હાસ્યથી તેની સામું જોયું. વિશાળ ખંડમાં ઊભે ઊભે તેણે છત તરફ આંગળી ચીંધી અને કહ્યું, 'જો, રોકેટ જા...આ...ય.'
કહેવાય છે કે રોકેટની શોધ થઈ એ પછી આ રમતનું સ્વરૂપ બદલાયું. રોકેટને સ્થાને એમાં 'હોડી' શબ્દ આવ્યો. પણ ચીનાઓની રમતવૃત્તિ એમની એમ જ રહી. અને જે પ્રજા રમતપ્રેમી હોય છે એને સદાય લીલાલહેર હોય છે.

Monday, February 9, 2026

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (અનુસર્જન-26): ચાઉમાઉના રાજની વ્યાપારી કરારપ્રણાલિ

ચાઉમાઉ નીતનવિનતાનો પ્રેમી હતો. તેને એકવિધતા ગમતી નહીં. આથી એકવિધતાને તોડવા માટે તે અવનવી તરકીબો વિચારતો ને અમલ કરાવતો. ક્યારેક તે એવો આદેશ આપતો કે હવેથી સપ્તાહના દરેક વારને એના પછીના દિવસથી ઓળખવા. એટલે કે રવિવારને સોમવાર કહેવો, સોમવારને મંગળવાર, એમ અન્ય દિવસો. ક્યારેક તે દરેક મહિનાને એના આગલા મહિનાથી ઓળખવાનું ફરમાન કરતો. જાન્યુઆરીને ડિસેમ્બર, ડિસેમ્બરને નવેમ્બર, અને એ રીતે અન્ય. આવાં બધાં એલાન ચાઉમાઉ રાતના 11.35 મિનીટે કરતો, જેનો અમલ રાતના 12.00 વાગ્યાથી શરૂ થતો. આમ, પ્રજાજનોને પૂરી પચીસ મિનીટ મળતી, જેમાં એ લોકો જરૂરી પુનર્ગોઠવણ કરતા. આને કારણે ચીનમાં જ્યાં જુઓ ત્યાં લાંબી કતાર દેખાતી. લોકો અંદરોઅંદર ઝઘડતા રહેતા. ક્યારેક એમ પણ બનતું કોઈક કતાર ચચ્ચાર દિવસ સુધી રહી હોય, અને લોકો બીજા દિવસે સવારે પોતાનો નંબર આવે એવી આશામાં ઊભેલા હોય, પણ રાત્રે 11.35 મિનીટે ચાઉમાઉ કશીક નવી ઘોષણા કરે એટલે પોતાના નંબરની રાહ જોઈને ઊભેલા લોકો બીજે દોડે. ક્યારેક તો તે એમ પણ એલાન કરતો કે હવેથી કતારમાં જે છેલ્લો છે એ પહેલો ગણાશે. ચીનાઓ આ કારણે એટલા સલવાયેલા રહેતા કે તેમને કતારમાં પોતાનો નંબર ક્યારે આવે એ સિવાય બીજું વિચારી શકતા નહીં.

બીજી તરફ ચાઉમાઉના દરબારીઓ ચાઉમાઉના એકે એક પગલાને રાષ્ટ્રહિતનું પગલું ગણાવવા તત્પર રહેતા. જો કે, હવે એ લોકો પણ થાકી ગયેલા, કેમ કે, ચાઉમાઉએ એમને સૌને પણ હંફાવી દીધેલા. ચાઉમાઉના બધા તરંગોમાં રાષ્ટ્રહિત શોધવું તેમને અઘરું પડતું જતું હતું, પણ એમ ન કરે તો પોતાની નોકરી ખોવાની આવે. આથી તેઓ ભલભલા હાસ્યાસ્પદ અને ગળે ન ઊતરે એવાં બહનાં પણ આગળ ધરતા. ચાઉમાઉને એની સાથે કશી લેવાદેવા નહોતી, તો લોકોય પોતે રાષ્ટ્રદ્રોહી ન ગણાઈ જાય એ બીકે આ બધું વેઠતા.
એક વાર ચાઉમાઉએ રાત્રે 11.35 વાગ્યે કહ્યું કે હવેથી દરેક પર્વતને આપણે દરિયો કહીશું, દરેક દરિયાને પર્વત કહીશું. 'ચીનની દિલગીરી' તરીકે ઓળખાતી હો આંગ હો નદીને 'બાપાનો બગીચો' કહીશું. બાકીનાં નામ જે તે વિષયના નિષ્ણાતો જણાવશે અને પાઠ્યપુસ્તકોમાં પણ એ ફેરફાર કરી દેવાશે.
નિષ્ણાતો આ સાંભળીને મૂંઝાઈ ગયા. ચાઉમાઉએ કોઈને કશું પૂછ્યું નહોતું. એટલે પહેલાં તો નવાં નામ શાં રાખવાં એ નક્કી કરવાનું, એની પાછળનું કારણ સમજાવવાનું હતું. કોઈકે સૂચવ્યું કે કારણ આપણે સમ્રાટ ચાઉમાઉને જ પૂછીએ. જો કે, એ હકીકત હતી કે સમ્રાટને કોઈ કશું પૂછી શકતું નહોતું. અરે, ખુદ સમ્રાટ પોતે જ પોતાના પૂછ્યામાં નહોતા. આવા સંજોગોમાં નિષ્ણાતોએ એક કાયમી કારણ, તર્ક, દલીલ કે જે કહો એ નક્કી કરી રાખેલું, જેનો ભાવાનુવાદ કંઈક આવો થતો. 'ચાઉમાઉ હૈ, તો ચીંગપીંગ હૈ.' 'ચીંગપીંગ'ની સૌથી નજીકનો ભારતીય શબ્દ 'મુમકિન' ગણાવી શકાય.
બસ, આ કારણ આગળ ધરતાં જ સૌ કોઈની બોલતી બંધ થઈ જતી. બલ્કે પૂછનાર સામેથી જ, વગર પૂછ્યે સૂત્રોચ્ચારની જેમ પોકારી ઉઠતો, 'ચાઉમાઉ હૈ તો ચીંગપીંગ હૈ'.
ચાઉમાઉના આ સૂત્રની ખ્યાતિ દેશવિદેશમાં પ્રસરવા લાગી. વિશ્વના અન્ય દેશના, ચાઉમાઉથી પ્રભાવિત નેતાઓ ચીન સાથે વિવિધ કરાર કરવા માટે હડી કાઢવા લાગ્યા. ચીની ભાષામાં લખાયેલા, દસ દસ પાનામાં પથરાયેલા આ કરારની શરતોમાં એક જ વાક્ય લખાયેલું રહેતું, 'ચાઉમાઉ હૈ તો ચીંગપીંગ હૈ'. અન્ય દેશોના નેતાઓ આ બન્ને શબ્દોની જગ્યાએ પોતપોતાના દેશમાં પ્રચલિત નામ મૂકી દેતા. આમ, ચાઉમાઉ મોડેલ આંતરરાષ્ટ્રીય વ્યાપારપ્રણાલિમાં ઘણું વ્યાપક બની રહ્યું.
રોજેરોજ નીતનવાં કારણોસર લાઈનમાં ઊભેલા ચીનાઓ આ બધું જોઈ, સાંભળી, વાંચીને હરખાતા અને મનોમન બોલતા, 'ચાઉમાઉ હૈ તો ચીંગપીંગ હૈ'. આમ, ચાઉમાઉના રાજમાં ચીનાઓને તકલીફ બહુ હતી, પણ એકંદરે લીલાલહેર હતી.

Friday, January 30, 2026

ભાવનગરમાં ભૂપેન

ભૂપેન ખખ્ખરની જીવનકથાનું પુસ્તક માર્ચ, 2025માં પ્રકાશિત થયું એ પછીના દસ મહિનામાં યોજાયેલો છઠ્ઠો વાર્તાલાપ એટલે કલાભવન, ભાવનગર ખાતે 28 જાન્યુઆરી, 2026ના રોજ આયોજિત કાર્યક્રમ. આ છ પૈકીના ચાર કાર્યક્રમ ફાઈન આર્ટ્સના વિદ્યાર્થીઓ સમક્ષ યોજાયા છે. (વડોદરા, સુરત, અમદાવાદ અને ભાવનગર) અહીં શ્રી શૈલેષભાઈ ડાભી સાથે અમારો સંપર્ક સ્થપાયેલો. ભાવનગર પહોંચીને ગુજરાતી ભવન પર વાર્તાલાપ પછી અમે કલાભવન તરફ ઊપડ્યા. સાથે વિશાલ ઈટાળિયા અને અક્ષર જાની પણ હતા. તેઓ અમને કલાભવન લઈ આવ્યા અને શૈલેષભાઈએ અમને ઊમળકાભેર આવકાર્યા. તેઓ વિદ્યાનગરની કોલેજમાંથી ફાઈન આર્ટ્સ ભણેલા છે. થોડી વાત આ અભ્યાસક્રમ વિશે થઈ અને પછી અમે કાર્યક્રમ યોજાયેલો એ હોલ તરફ જવા નીકળ્યા. ચાલતાં ચાલતાં પણ ઘણી વાતો થઈ. હોલ પર વડીલમિત્ર વિનોદભાઈ વ્યાસ આવી ગયેલા. તેમને મળીને ઘણો આનંદ થયો. ચા પીતાં પીતાં અમારા સમાન રસની- જૂના ફિલ્મસંગીતની વાતો ચાલી. થોડી વારમાં સૌ આવી પહોંચ્યાં. મહેન્દ્રસિંહ પરમાર પણ અહીં ઉપસ્થિત હતા. કાર્યક્રમ આરંભાયો.

(ડાબેથી) શ્રી ગાયજનસાહેબ, બીરેન કોઠારી
અને અમરીશભાઈ કોન્
ટ્રાક્ટર

વિશાળ ઈટાળિયાએ આરંભ કર્યા પછી મારે ભૂપેન ખખ્ખર વિશે, તેમજ પુસ્તકના લેખનની પ્રક્રિયા વિશે વાત કરવાની હતી. વાતો તો ઘણી હોય, પણ સમય અને શ્રોતાવર્ગને અનુરૂપ ચૂંટેલી વાત કરવી જરૂરી છે. ભૂપેનનાં ચિત્રો, તેમના જીવન, તેમનાં લખાણો, અમરીશભાઈ સાથેની મુલાકાત, પુસ્તકના આલેખનના તબક્કા એ બધા વિશે થોડી થોડી વાત કરી. આલેખનમાં નવ વરસ જેટલો લાંબો સમય કેમ લાગ્યો એ પણ જણાવ્યું. આ પુસ્તકમાં મહત્ત્વનું પ્રદાન કરનાર ભાવનગરના જ ઉષાકાન્ત મહેતાને યાદ કર્યા.
મારી વાત પછી અમરીશભાઈએ બોલવાનું હતું. તેમણે આ પુસ્તક શા માટે લખાવડાવ્યું એની સંવેદનભીની વાત કરી અને જણાવ્યું કે પોતાના પિતા અને ભૂપેનકાકાની મૈત્રીના તર્પણરૂપે આ પુસ્તકનું આલેખન કરાવડાવ્યું છે.
સૌથી છેલ્લે એમ.બી.ગાયજનસાહેબે આભારવિધિ કરી અને આ ઉપક્રમ પ્રત્યે આનંદ વ્યક્ત કર્યો.
કાર્યક્રમ પછી હળવામળવાનો દોર ચાલ્યો. નીકળતાં અમારી ઈચ્છા ઉષાકાન્તભાઈને ઘેર મળવા જવાની હતી. એટલે વિશાલ ઈટાળિયા, અક્ષર જાની અને ભાવેશ ચૌહાણ અમને ત્યાં લઈ ગયા. એક અરસામાં ઉષાકાન્તભાઈ સાથે ફોન પર વાતો થતી, પણ ઘણા સમયથી સંપર્ક રહ્યો નહોતો. તેમને ઘેર વાતોમાં સમય ક્યાં પસાર થઈ ગયો એનો ખ્યાલ પણ ન આવ્યો. ઉષાકાન્તભાઈ સાથે વાતો નીકળે એટલે એક વિષયની ગલીમાંથી બીજા વિષયની ગલીમાં ક્યારે પ્રવેશી જવાય એનો ખ્યાલ જ ન આવે. અમે નીકળ્યા ત્યારે તેઓ અમને બહાર સુધી મૂકવા આવ્યા તો ત્યાં ઊભા ઊભા પણ પંદરેક મિનીટ વાતો કરી.

ઉષાકાન્તભાઈ મહેતા સાથે એમના નિવાસસ્થાને

ઉષાકાન્તભાઈ સાથે (ડાબેથી) ભાવેશ ચૌહાણ,
વિશાલ ઈટાળિયા અને અક્ષર જાની

એ પછી તેમની વિદાય લઈને અમે છૂટા પડ્યા. ભાવેશ, વિશાલ અને અક્ષરનો આભાર માનીને અમે વડોદરા પરત આવવા નીકળ્યા.
આખો દિવસ બહુ સરસ રીતે, સરસ વ્યક્તિઓ વચ્ચે, સરસ વાતો થકી પસાર થયો, જેની સ્મૃતિ ઘણા લાંબા સમય સુધી મનમાં તાજી રહેશે.
(તસવીર સૌજન્ય: વિશાલ ઈટાળિયા)

Thursday, January 29, 2026

'તમારી લીધેલી યાદગાર મુલાકાત કઈ?'

 ભૂપેન ખખ્ખરની જીવનકથા વિશે ખાસ કરીને ફાઈન આર્ટ્સના વિદ્યાર્થીઓ સમક્ષ વાત કરવાનો ઉપક્રમ આ પુસ્તકના પ્રકાશન પછી આરંભાયો છે, જેમાં સક્રિય ભૂમિકા હીતેશ રાણા (સર્જન આર્ટ ગેલરી)એ ભજવી છે. તેઓ અમારો પરિચય કરાવી આપે એ પછી જરૂરી વાતચીત અને આયોજન અમરીશભાઈ કોન્ટ્રાક્ટર સંભાળી લે. એ મુજબ હીતેશભાઈએ ભાવનગરમાં અમૂલભાઈ પરમાર સાથે સંપર્ક કરાવી આપ્યો, એટલે અમૂલભાઈ અને અમરીશભાઈ જોડાયા. અમૂલભાઈએ કલા ભવનના શૈલેષભાઈ ડાભી સાથે અમરીશભાઈને જોડી આપ્યા. આના પરિણામરૂપે 28 જાન્યુઆરી, 2026ના રોજ ભાવનગરના કલાભવન ખાતે આ પુસ્તક વિશેના વાર્તાલાપનું આયોજન થયું. શૈલેષભાઈ વતી પ્રત્યાયનની જવાબદારી ઉત્સાહી વિદ્યાર્થી વિશાલ ઈટાળિયાએ સંભાળી. આમ, અમે 28મીએ બપોર સુધી ભાવનગર પહોંચવા સજ્જ થઈ ગયા. એવામાં આગલી રાત્રે સંવેદનશીલ મિત્ર અને સન્નિષ્ઠ અધ્યાપક એવા મહેન્દ્રસિંહ પરમારનો ફોન આવ્યો. અમારા આ કાર્યક્રમની તેમને જાણ થઈ એટલે તેમણે અમને પોતાને ત્યાં આવવાનું આમંત્રણ આપ્યું. એ માટે જરૂરી આયોજન પણ તેમણે કરી દીધું. આમ, અમે ભાવનગર પહોંચીએ કે સીધા જ ગુજરાતી ભવન પર પહોંચીએ એમ ગોઠવાયું. ભાઈ વિશાલ સતત અમારા સંપર્કમાં હતો. એ ગુજરાતીનો વિદ્યાર્થી પણ ખરો, અને કળાનો વિદ્યાર્થી પણ. આથી તે એક રીતે એ દિવસ પૂરતો અમારો ભોમિયો બની રહ્યો.

અમે બપોરે એક વાગ્યાની આસપાસ ભવન પહોંચ્યા. આ વિભાગના વિદ્યાર્થીઓએ મારા વિશેની સતસવીર વિગતો એકઠી કરીને એને આકર્ષક રીતે લગાવી હતી. એ જોઈને મજા આવી ગઈ. સહેજ ફ્રેશ થયા પછી ભોજનની ઔપચારિકતા પતાવી. એ પછી વિદ્યાર્થીઓ સાથે મારે વાર્તાલાપ કરવાનો હતો. મહેન્દ્રસિંહે સૂચવેલું કે મારે ઈન્ટરવ્યૂ લેવાની કળા વિશે વાત કરવી. કાર્યક્રમનું તેમણે આપેલું શીર્ષક હતું 'મુલાકાતનો મર્મ.'

વાર્તાલાપનો વિષય

વિદ્યાર્થીઓએ કરેલી તૈયારી

વાર્તાલાપ દરમિયાન

જીવનચરિત્રલેખન દરમિયાન ઈન્ટરવ્યૂ શી રીતે લેવાય છે, એમાં કેવી કેવી બાબતો બને છે, શું ધ્યાન રાખવું, કેવી તૈયારી કરવી વગેરે અનેક પાસાંની વાત અને તેની સાથે સાથે અનુરૂપ પ્રસંગો. સામાન્ય રીતે આવી વાતો અંગત બેઠકમાં કદીક થાય, પણ વિદ્યાર્થીઓ સાથે કરીએ ત્યારે એના શાસ્ત્ર અને કળા વિશે પણ વાત કરવાની આવે. જરા જુદી રીતે કહીએ તો આપણા અનુભવને આપણે 'થિયરી' તરીકે મૂકી આપવાના થાય. અલબત્ત, એ થિયરી સાર્વત્રિક લાગુ ન પણ પડે. આમ છતાં, એ બહાને આપણે આપણી પોતાની કાર્યશૈલીને હેતુલક્ષી રીતે જોઈ શકીએ કે એ અંગે વિચારી શકીએ એમ બનતું હોય છે. કલાકેક વાત ચાલી. એ પછી સવાલજવાબ હતા. એમાં પણ મઝા આવી. એક વિદ્યાર્થીનીએ પૂછ્યું, 'તમે લીધેલી પહેલવહેલી મુલાકાત કોની? અને તમે લીધેલી સૌથી યાદગાર મુલાકાત કોની?' આ બન્ને જવાબ આપતાં મારે માથું ખંજવાળવું પડે એવી સ્થિતિ આવી. પણ સાવ કાચી વયે અમે લીધેલી આશા ભોંસલેની મુલાકાત અને શમશાદ બેગમને એમના ઘેર જઈને મળવાના નિષ્ફળ પ્રયત્નની વાત કરી ત્યારે મને પોતાને એ વાત જુદી રીતે જોવા મળી. દરમિયાન પોતાનું કામ પતાવવા બહાર ગયેલા અમરીશભાઈ પણ આવી પહોંચ્યા એટલે તેમણે પણ ટૂંકમાં વાત કરી.

પછી જોડાયેલા અમરીશભાઈ
વાચક-વિદ્યાર્થીની મૌલિ

સમગ્રપણે એકદમ જીવંત વાતચીત રહી એમ મને લાગ્યું. વાર્તાલાપ પછી અમે સહેજ વાર અંદર બેઠેલા ત્યારે એક વિદ્યાર્થીની મૌલિ 'વીઝીટર્સ બુક' લઈને આવી અને મારી સમક્ષ ધરી. પણ એ ધર્યા પછી તેણે કહ્યું, 'મેં સાર્થક જલસોમાં તમે લખેલો કનુભાઈ માસ્તરવાળો લેખ વાંચેલો અને એની પરથી નોંધ પણ લખેલી.' આ સાંભળીને મને સુખદ આશ્ચર્ય થયું. એનું અનુસંધાન સામે બેઠેલા મહેન્દ્રસિંહ પરમારના હાસ્યમાં મળ્યું. અભ્યાસક્રમ ઉપરાંતની બાબતો થકી વિદ્યાર્થીઓની રુચિ કેળવવા માટેના તેમના પ્રયત્નોનું આ પરિણામ હતું.
આમ, એક સુખદ સંભારણું લઈને હવે અમે કલા ભવન જવા માટે નીકળ્યા.
(તસવીર સૌજન્ય: મહેન્દ્રસિંહ પરમાર)

Sunday, January 25, 2026

કહત કાર્ટૂન, સુનો ભાઈ કીડ્સ

એમની સાથે પરોક્ષ પરિચય ફેસબુક પરનાં એમનાં લખાણો અને બે પાત્રો દ્વારા. એ પાત્રોમાંનું એક તે પશાકાકા, અને બીજું એ પોતે, એટલે કે સાજિદીયો એટલે કે સાજિદ સૈયદ પોતે. એ પછી તેમને રૂબરૂ મળવાનું બન્યું નડિયાદની ડાહીલક્ષ્મી લાયબ્રેરીમાં દર મહિનાના પહેલા રવિવારે યોજાતા કાર્યક્રમ 'ગ્રંથનો પંથ'માં. નડિયાદથી પચીસેક કિ.મી. દૂર આવેલા ગામ વિંઝોલથી સાજીદભાઈ થોડા વિદ્યાર્થીઓને લઈને સમયસર આવી જાય. એ વિદ્યાર્થીઓ દૂરથી હારબંધ આવતાં દેખાય એટલે અમારા સ્વયંસેવકોમાંથી કોઈક બોલે, 'સાજીદભાઈ આવી ગયા.' એ વિદ્યાર્થીઓને પુસ્તક પરના વાર્તાલાપમાં કેટલો રસ પડે એ મહત્ત્વનું નથી, પણ એ બહાને તેઓ નડિયાદ આવે, આવો કોઈક કાર્યક્રમ જુએ, હરેફરે એ વધુ મહત્ત્વનું. આના માટે એક શિક્ષકની દૃષ્ટિએ વિચારવું પડે. આ કાર્યક્રમમાં અમે મળ્યા. કાર્યક્રમ પછી સૌ જવાની ઉતાવળમાં હોય, પણ સાજિદભાઈ સાથે ઊભા ઊભાય થોડી વાત થાય. એમાં એમણે એક વાર કહ્યું, 'અમારે ત્યાં આવો.' મેં કહ્યું, 'ચોક્કસ. તમે કહો ત્યારે. પણ વક્તવ્ય નહીં. કાર્ટૂન વિશે વાત કરીશું.' એ પછી અમે ફોનથી સંપર્કમાં રહ્યા, પણ અનુકૂળતા ઠેલાતી જતી હતી. આખરે ગઈ કાલે, 24મી જાન્યુઆરીને શનિવારે એ શુભ મૂહુર્ત આવ્યું.

કહત કાર્ટૂન...

આ પ્રાથમિક શાળામાં કાર્ટૂનનો કાર્યક્રમ ચો. 6,7 અને 8નાં બાળકોને ધ્યાનમાં રાખીને કરવાનો હતો. અગાઉ મેં વિદ્યાર્થીઓની અને ગામની પૃષ્ઠભૂમિ વિશે પ્રાથમિક વિગતો પૂછી રાખેલી, જેથી કાર્ટૂનની પસંદગીમાં સરળતા રહે. એ મુજબ કામિની અને હું સવારના સાડા દસ આસપાસ પહોંચી ગયા.
ઉમરેઠથી ત્રણેક કિ.મી.ના અંતરે આવેલું વિંઝોલ ગામ અને એમાં એક માત્ર પ્રાથમિક શાળા. પણ શાળામાં એક જીવંત આચાર્ય હોય તો કેવળ શાળાને જ નહીં, ગામ આખાને સામાજિક રીતે સાંકળે એ જોવું હોય તો અહીં જવું પડે.
આગલી મોડી રાતે મેં એમને કાર્યક્રમનું પોસ્ટર બનાવીને મોકલેલું, જેનું શિર્ષક હતું 'કહત કાર્ટૂન...'. સાજિદભાઈએ એ ત્રણ ટપકાંની પાદપૂર્તિ જાતે કરીને પોસ્ટર બનાવ્યું, 'કહત કાર્ટૂન, સુનો ભઈ કીડ્સ.'
શાળાએ પહોંચતાં જ વિદ્યાર્થીઓએ બેન્ડ વગાડીને, ગાઈને અમારું સ્વાગત કર્યું. લાલ જાજમ પર પગ મૂકીને અમે શાળામાં પ્રવેશ્યા. આરંભિક ઔપચારિકતા પછી અમે એ ખંડમાં ગયા, જ્યાં કાર્યક્રમ કરવાનો હતો. બહુ જ અનૌપચારિક રીતે સાજિદભાઈએ મારો પ્રાથમિક પરિચય આપ્યો, પણ હકીકતમાં હું કોથળામાંથી કેવું બિલાડું કાઢવાનો હતો એનો અંદાજ એમનેય નહોતો. એટલે વિદ્યાર્થીઓની સાથે જ, ભોંય પર તેઓ પલાંઠી વાળીને ગોઠવાઈ ગયા. અમસ્તોય આચાર્યપદનો ભાર તેમણે રાખ્યો નથી, એ તો આટલી વારમાં સમજાઈ ગયું હતું, કેમ કે, અમે બે દાદર ચડીને ઊપર પહોંચ્યા એ વખતે રસ્તામાં અનેક વિદ્યાર્થીઓ એમને 'સાજીદસાહેબ' કહીને કશીક ને કશીક વાત કરતા અને સામે સાજિદભાઈ પણ એ દરેકને નામથી સંબોધીને એનો યોગ્ય જવાબ વાળતા.

સાજીદભાઈ દ્વારા પરિચય અને પૂર્વભૂમિકા

આચાર્યપણું મૂકીને વિદ્યાર્થીઓ સાથે જ ગોઠવાઈ ગયેલા સાજીદભાઈ
કાર્ટૂનના કાર્યક્રમમાં મજા એ હોય છે કે એ કેવો 'જઈ રહ્યો છે' એ બાબતે ખાસ ચિંતા ન થાય. વક્તવ્ય હોય તો એ બાબતે અવઢવ રહે કે વાત પહોંચી રહી છે કે કેમ. પણ આમાં તો પડદે કાર્ટૂન દેખાય અને બે-પાંચ સેકન્ડમાં ખડખડાટ હસવાના અવાજ સંભળાય એ જ સંકેત. છોકરાં પોતાની મેળે જે રીતે કાર્ટૂન ઊકેલે એ જોઈ-સાંભળીને મજા આવી જાય. એક- સવા કલાક આ રીતે ક્યાં વીતી ગયો એની ખબર જ ન પડી.

સુનો ભઈ કીડ્સ
કાર્યક્રમ પછી સાજિદભાઈ સાથે આ શાળા, ગામ અને એની સામાજિક પૃષ્ઠભૂમિ વિશે વાતો થઈ. જે સંવેદનશીલતાથી સાજિદભાઈએ અનેક વાતો ઉઘાડી આપી એ ગજબ હતી. નીકળતાં એક ફળિયામાં અમે એક પરિવારને મળવા ગયા. એ ફળિયામાં પ્રવેશતાં જે રીતે લોકો સાજિદભાઈ સાથે વાત કરતા હતા એ એમના દિલમાં સાજિદભાઈનું શું સ્થાન છે એ સૂચવતું હતું. બહુ હેતુલક્ષિતાથી સાજિદભાઈએ અમને વિગત જણાવી. એ અલગ આલેખનનો વિષય છે, અને એ આલેખન સાજિદભાઈ કરે એ જ બહેતર.
સાડા બાર આસપાસ અમે વિદાય લીધી અને એક મધુર સ્મૃતિ અમારા હૃદયમાં કાયમ માટે કોતરાઈ ગઈ.

Wednesday, January 21, 2026

એ કાળા સાઈનબોર્ડ પર લાલ અને સફેદ અક્ષરે લખાયેલું છે 'રામસે'

 

'રામસિંઘાણી રેડિયો એન્ડ ઈલેક્ટ્રિક કમ્પની' 1947 પહેલાં કરાચીમાં એક સફળ સાહસ હતું. એના ઓફિસ-કમ-શો રૂમના માલિક હતા ફતેહચંદ ઉત્તમચંદ રામસિંઘાણી. પરિવારના સભ્યોમાંથી કોઈ જણાવી શકતું નથી કે એને ચૌદ (અમુક અગિયાર કહે છે) બારણાં કેમ હતાં. એફ.યુ.નું લગ્ન કિશ્ની સાથે થયેલું અને એમનાં નવમાંથી છ સંતાનો કરાચીમાં જન્મેલાં. સૌથી મોટી કમલા. છઠ્ઠા ક્રમના અર્જુનનો જન્મ આ પરિવાર વિભાજન પછી મુંબઈ આવ્યો ત્યાં થયેલો.
એ સમયે આ બાજુનો કે પેલી બાજુનો પ્રદેશ છોડીને હિજરત કરનારા બીજા અનેકોની જેમ રામસિંઘાણી પરિવારે પણ પોતાની મોટા ભાગની સંપત્તિ છોડીને આવી જવું પડેલું. આમ છતાં, એક ચકોર સિંધી વ્યાપારી હોવાને કારણે એફ.યુ. પાસે એટલું તો બચેલું કે મુંબઈ પહોંચ્યા પછી તેઓ કંઈક નવી શરૂઆત કરી શકે. ત્યાં સુધીમાં, તેમણે કરાચીમાં મુખ્યત્વે પોતાના અંગ્રેજ ગ્રાહકોને બોલતાં ફાવે એટલા માટે રામસિંઘાણીને ટૂંકાવીને રામસે કરી દીધું હતું. આથી મુંબઈમાં લેમિંગ્ટન રોડ પર એફ.યુ.એ દુકાન શરૂ કરી ત્યારે તેનું નામ 'રામસે સ્ટુડિયો' રખાયું. એમાં ત્યારની ઘણી લોકપ્રિય બ્રાન્ડ મરફીના એ ડીલર હતા.
એફ.યુ. સંભવત: એક એન્જિનિયર હતા- તુલસી માને છે કે એ રેડિયો એન્જિનિયર હતા.. અર્જુન કહે છે, 'એ દિવસોમાં રેડિયો બહુ મોટી ચીજ ગણાતો. એ બ્રિટીશ દિવસો હતા. પંદર ફીટના મોટાં ડબલાં બનાવાતાં. રેડિયોગ્રામ. મારા પિતાજી એ બનાવવામાં નિષ્ણાત હતા. એમના બધા ગ્રાહકો અંગ્રેજ હતા. એ લોકો 'મિસ્ટર રામસે, મિસ્ટર રામસે' કહીને બોલાવતા, કારણ કે એમને 'રામસિંઘાણી' બોલવામાં મુશ્કેલી પડતી. આથી બની ગયું 'રામસે'. મને નથી લાગતું કે ભારતભરમાં બીજો કોઈ રામસે પરિવાર હોય. દાદાએ વિભાજન પહેલાં જ પોતાની અટક અધિકૃત રીતે બદલી નાખી હતી, પણ અમારી દુકાન હજી 'રામસિંઘાણી' તરીકે ઓળખાતી. અમે બધા જ ભાઈઓ 'રામસે' હતા, અમારા જન્મ પ્રમાણપત્રમાં પણ. આથી અમે મુંબઈ આવ્યા ત્યારે દુકાનનો આરંભ રામસિંઘાણીના નામે નહીં, પણ'રામસે'ના નામે થયો. ખરેખર તો 'રામસે' એક હુલામણું નામ છે, જેમ 'સીપ્પી' એ સિપાહીમાલાણીનું ટૂંકું નામ છે.


એ કલ્પના કરવી સહેલી છે કે લેમિંગ્ટન રોડ પરનું એ ત્રણ મજલી મકાન પર એક સમયે ઘણી ચહલપહલ રહેતી હશે. 'આ બધાની શરૂઆત ત્યાંથી થઈ.' તુલસી કહે છે. ઘરના આગળના ભાગમાં એક મોટું વૃક્ષ છે. રામસેની ફિલ્મોમાં દેખાડાયેલાં મકાનો જેટલું જ એ જૂનું. 1994થી અર્જુનના પરિવાર સિવાય કોઈ ત્યાં રહ્યું નથી. અને એ લોકો પણ એક જ માળ વાપરતા- પહેલો માળ. બાકીનું મકાન તાળાબંધ છે. આસપાસ નવાં બાંધકામ થઈ ગયાં છે, જેની વચ્ચે આ મકાન સાવ જૂનુંપુરાણું જણાય છે. ભોંયતળિયે આવેલી ઓફિસે તાળું છે અને પ્રોપ, માસ્ક તેમજ કોસ્ટ્યુમ જેવાં સાધનો મલાડના જૂના ગોડાઉનમાં ખસેડાઈ ગયાં છે. લેમિંગ્ટન રોડ પરની આ ઈમારતનાં બંધ બારણાં પાછળ કશું થઈ શકે એવો અવકાશ જ નથી. મોટા ભાગની ચીજવસ્તુઓ ઢગલામાં ખડકાયેલી છે.
બે મોટાં સાઈનબોર્ડ પૈકીના એક પર - કાળા પર લાલ અને સફેદ અક્ષરે- લખાયેલું છે 'રામસે'. બીજામાં 'રામસે ફિલ્મ્સ' લખાયેલું છે. 'અહીં ખાસ કશું નથી. કેવળ અર્જુન અને તેનો પરિવાર. બધા ચાલ્યા ગયા છે. બધું અસ્તવ્યસ્ત છે. આમતેમ વિખરાયેલું.' તુલસી નાટ્યાત્મક પોઝ લઈને કહે છે, 'ફિલ્મ સમાપ્ત થઈ ગઈ છે.'
(Excerpt from 'Don't disturb the dead', the story of the Ramsay brothers, by Shamya Dasgupta)
(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.)
(Published by: HarperCollins India, 2017)

Tuesday, January 20, 2026

રામસેને ઓડિશન અને સ્ક્રીન ટેસ્ટની જરૂર નહોતી.

 - શ્યામ રામસે

'હું એક્ટરોનો ડિરેક્ટર છું.' શ્યામ (રામસે) તદ્દન વાસ્તવિક ઢબે કહે છે.
બધું ધ્યાને લેતાં, પોતાની ફિલ્મોના મૂલ્યાંકન સુદ્ધાંને ધ્યાનમાં રાખીને શ્યામ અને તેમના ભાઈઓ અભિનયને ખાસ મહત્ત્વ આપતા નથી. તેઓ ઈચ્છે તો પણ અનિવાર્ય ન હોય ત્યાં સુધી રીટેક નહીં લેવાની નીતિ જાળવી રાખી છે. તેનો અર્થ એ કે ક્યારેક કોઈ અભિનેતાને લાગે કે પોતે હજી બહેતર કરી શકે એમ છે, તો પણ એના માટેનો અવકાશ નહોતો.
શ્યામ માને છે કે બિનઅભિનેતાઓ પાસેથી પોતાના ભાઈઓ જે કંઈ (અભિનય) કરાવી શક્યા એ મોટે ભાગે તેમને અભિનય શીખવવાના પોતાના પ્રયાસોને લઈને. ખરેખર મુંબઈમાં કોઈ બહારથી આવે તો એ કંઈ તૈયાર કે તાલીમ લઈને ન આવ્યા હોય. એ દિવસોમાં મોટા ભાગે થિયેટર હોલના અંધારામાં બચ્ચન, ધર્મેન્દ્ર અને મિથુન ચક્રવર્તીને જોઈ જોઈને તેઓ પ્રેરાયા હોય. ઊપરાંત ગ્લેમરના વિશ્વનું આકર્ષણ, પેલા લોકો મુંબઈ આવી ગયા અને સફળતાને વર્યા વગેરે જેવી જાણકારી. સફળતાની આ ગાથાઓ સામે નિષ્ફળતાની અનેક કથનીઓ તેમણે અવગણી હોય. મોટા ભાગે આવા લોકો મુંબઈ આવે ત્યારે તેમની પાસે ખાસ નાણાં પણ ન હોય, આથી એક્ટિંગ ક્લાસ તેમને પોસાય નહીં. એવા બહુ વર્ગો હતા પણ નહીં એ અલગ વાત છે. આથી કોઈ પણ ભોગે તેમને આરંભ માટે એક તક જોઈતી હોય.
'મને હંમેશાં અભિનયનું આકર્ષણ રહ્યું છે.' શ્યામ કહે છે, ' પછી હું ઉર્દૂ પણ શીખ્યો, જેથી હું અભિનેતાઓને સંવાદોમાં મદદ કરી શકું. મારું ફોકસ એ હતું. હું અભિનેતાઓને અભિનય કરાવતો. શૂટના એ દિવસોમાં હું નવા અભિનેતાઓ સાથે રોજેરોજ બેસતો અને પછીના દિવસની સિક્વન્સ સમજાવતો. દૃશ્યો હું ભજવી બતાવતો; તેમના વતી હું ભાવ પ્રગટ કરતો. મને લાગે છે કે એનાથી એમનું કામ સરળ થઈ જતું. તેમણે પોતે શું કરવાનું છે, શી રીતે કરવાનું છે એનો તેમને બરાબર ખ્યાલ આવી જતો.
આ એટલા માટે પણ જરૂરી હતું કે રામસેને ઓડિશન અને સ્ક્રીન ટેસ્ટની જરૂર નહોતી.
ગંગુ (રામસે) સમજાવે છે: 'યુવાન અભિનેતાઓનો દેખાવ કેવો હોવો જોઈએ એ બાબતે અમારા મનમાં ચોક્કસ ખ્યાલ હતો. તેઓ આવા કે તેવા દેખાવા જોઈએ, તેમનું ફીગર કે શરીર અમુક રીતનું હોવું જોઈએ. એટલું જ મહત્ત્વ હતું. આથી સ્ક્રીન ટેસ્ટ ખરું જોતાં તો પડદા પર તેઓ કેવા દેખાશે એ કેમેરામાંથી જોવા પૂરતી જ કવાયત હતી.'
સુરેન્દ્ર કુમાર હોય કે મોહનીશ બહલ, ઓડિશન પણ હોઈ શકે એટલા પ્રાથમિક સ્તરના રહેતા. મુખ્યત્વે તુલસી અને બીજા નવાં છોકરા છોકરીઓને લાવતા, અને કુમાર તેમજ ગંગુ બેસીને નિર્ણય લેતા. 'ક્યારેક હું તેમને કેમેરામાંથી જોતો, પણ કદી તેમને શૂટ કરતો નહીં.' ગંગુ કહે છે. (આરતી) ગુપ્તાની ઘઉંવર્ણી ત્વચાને કારણે તેમને કેવી ચિંતા થઈ હતી એ સમજાવે છે. પુરુષો માટે એ સમસ્યા નહોતી, પણ હિન્દી ફિલ્મોમાં સ્ત્રીઓ માટે એ મુશ્કેલી હતી. 'પણ તે બહુ સુંદર હતી. પૂર્ણ હતી.'
એ પછી શ્યામ તેમના કૌશલ્યને ચકાસતા અને તેમને કામ શીખવતા. 'હું એની પર કેન્દ્રિત કરતો, અને અમે આગલી રાતે શૂટિંગ પહેલાં, એ સિક્વન્સનું પ્રાથમિક રિહર્સલ કરતા. '
તો શ્યામજી, તમે જેમની સાથે કામ કર્યું હોય એ પૈકી તમને સૌથી વધુ ગમતું કોણ?
જવાબ આપતાં અગાઉ શ્યામ પોતાના હોઠ પર જીભ ફેરવે છે. આ જવાબ તેમણે અનેક વાર વિચારેલો છે. 'સચીનથી શરૂઆત થાય. 'ઔર કૌન?'માં હજી તે પોતાની જાતને સ્થાપિત કરવાની કોશિશ કરી રહ્યો હતો. પણ તે એટલો આત્મવિશ્વાસુ હતો, અને તેથી નિયંત્રણમાં હતો. તેણે અમારા માટે મોટું કામ કર્યું. ઈમ્તિઆઝ માટે પણ મારે આવું કહેવાનું થાય. એ જાણીતો અભિનેતા નહોતો, પણ અભિનય તેના ડી.એન.એ.માં હતો. બિચારો વધુ ફિલ્મો ન કરી શક્યો, પણ તે બહુ સરસ હતો, પોતે જે કરવાનું છે એ ઝડપભેર સમજી જતો હતો, અને એની સ્ક્રીન પ્રેઝન્સ જબરી હતી.
'ઓમ શિવપુરી સૌથી ઉત્તમ પૈકીના એક. એ મંજાયેલા અભિનેતા હતા; થિયેટરનો અનુભવ હતો, અને એક ધુરંધર કલાકાર હતા. હિન્દી સિનેમાના શ્રેષ્ઠ ચરિત્ર અભિનેતા પૈકીના એક. એવા જ 'વીરાના'માં કુલભૂષણ ખરબંદા. શું એમનું વ્યક્તિત્વ! 'વીરાના'માં રાજેશ વિવેક પણ હતા, એ પણ અદ્ભુત કલાકાર. જો કે, તેમને બહુ તક ન મળી. વિદ્યાસિંહાએ પણ 'સબૂત'માં સરસ કામ કરેલું. એ સાવ અલગ હતાં.
(વિષ્ણુવર્ધનને ચમકાવતી રામસે બ્રધર્સની
 ફિલ્મ 'ઈન્સ્પેક્ટર ધનુષ'નું પોસ્ટર)


'અમે સદાશિવ અમરાપુરકર સાથે પણ ફિલ્મો કરી. કેટલા અદ્ભુત અભિનેતા! અમારું ટ્યુનિંગ મસ્ત હતું- અમે સાથે સરસ કામ કર્યું. સુરેશ ઓબેરોય, ગુલશન ગ્રોવર, રણજીત, શક્તિ કપૂર- આ બધા સરસ અભિનેતાઓ હતા. નવિન નિશ્ચલ અને વિનોદ મહેરા પણ.
'પણ જે સર્વશ્રેષ્ઠ અભિનેતા સાથે મેં કામ કર્યું એ છે વિષ્ણુવર્ધન. એ માણસ માસ્ટર હતો. કન્નડ સિનેમામાં એમનું સ્થાન દંતકથારૂપ, અને એ બહુ બ્રિલીઅન્ટ હતા. અભિનયનો કક્કો એમને ખબર. એમને સિકવન્સ જણાવીએ એ જ ઘડીએ એમને ખ્યાલ આવી જાય કે પોતે શું કરવાનું છે. અને એ કદી એમાં પાછીપાની ન કરે. મેં જોયેલાઓમાં એ સર્વોત્તમ છે.'
(Excerpt from 'Don't disturb the dead', the story of the Ramsay brothers, by Shamya Dasgupta)

(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.)
(Published by: HarperCollins India, 2017)

Monday, January 19, 2026

દૈત્ય કંઈ ચાર પગવાળો ન હોય, પણ એ દૈત્ય જેવો દેખાવો જોઈએ.

- શ્યામ રામસે

રામસેની ફિલ્મોના દૈત્ય તરીકે સૌથી જાણીતું નામ એટલે અજય અગ્રવાલ. ફિલ્મ બનાવનારા અને પ્રેક્ષકો બન્નેમાં એ પ્રિય. પણ રામસેની ફિલ્મોમાં કામ કરનાર એ એક જ એવા હતા એમ નહોતું.
એક શમસુદ્દીન હતા, જે સામાન્ય રીતે મુખ્ય ધારાની ફિલ્મોમાં વીલનના સાગરીતની ભૂમિકા કરતા. તે 'તહખાના', ડાક બંગલા', 'વીરાના' અને 'શૈતાની ઈલાકા'માં દૈત્ય તરીકે જોવા મળ્યા. (ક્રિસ્ટોફર) ટકરે બનાવેલા માસ્ક પહેરીને એ અક્કડપણે ચાલતા અને સૌને ધ્રુજાવી દેતા. રામસેની ફિલ્મોમાં દેવકુમારે કરેલું એ જ રીતે. દેવકુમારની એ પ્રકારની શ્રેષ્ઠ ફિલ્મ એટલે 'દહશત'. એ ફિલ્મમાં દેવકુમારનું પાત્ર એક ભયાનક દેખાવવાળા, મૂંગા માણસનું હતું, જે હત્યારો નીકળે છે.
"દરેક ફિલ્મમાં અમે એની એ વ્યક્તિને લઈ શકીએ નહીં. અજય અગ્રવાલ અદ્ભુત હતા, તો દેવકુમાર અને શમસુદ્દીન પણ એવા જ હતા. અમે 'વીરાના' ફિલ્મમાં ગોરીલા (વાનર નહીં, એ નામના અભિનેતા)ને પણ લીધેલા." શ્યામ (રામસે) કહે છે: "પૃથ્વીરાજ કપૂર ખાસ્સા ભારેખમ હતા. ક્રિસ્ટોફર ટકર પાસેથી અમે ખરીદેલો માસ્ક પહેરીને તેમણે 'એક નન્હીં મુન્ની લડકી થી' ફિલ્મ કરેલી. ક્રિસ્ટોફર લી કે બોરિસ કાર્લોફ જેવા અભિનેતાઓ પણ લાંબા અને પડછંદ હતા. મમી કરેલા દેહ બધા મોટા રહેતાં. એ અલગ જ તરી આવે. બિહામણાં દેખાય, વિશાળ કાયા, ઊંચા...ડબલ્યુ, ડબલ્યુ.એફ.ના કુસ્તીબાજોને જુઓ; એમનું વ્યક્તિત્ત્વ મહત્ત્વનું છે, એ એકદમ ઘાતક દેખાય છે. પણ બધાં જ ખરાબ પાત્રો ભારેખમ હોય એ જરૂરી નથી. દૂબળુંપાતળું હાડપિંજર પણ બિહામણું હોઈ શકે. વિષય પર આધાર. દૈત્ય કંઈ ચાર પગ ધરાવતો ન હોય. પણ એ દૈત્ય જેવો દેખાવો જોઈએ."
રામસે બંધુઓએ પોતાના દૈત્યોના પ્રયોગોને વિશાળ કાયા પૂરતા મર્યાદિત ન રાખ્યા. એવા લોકોની અભિનયક્ષમતાનો કદી યોગ્ય ઉપયોગ થયો નહીં. 1970 અને 1980ના દાયકામાં વીલન તેમજ ચરિત્ર અભિનેતા તરીકે અદ્ભુત અભિનય કરનાર ઓમ શિવપુરીને પણ લેવામાં આવેલા. 1981ની ફિલ્મ 'દહશત'માં તેઓ ડૉ. વિશાલની ભૂમિકામાં હતા- એક એવા વિજ્ઞાની કે જેમની પત્ની એમને વિષનું દ્રાવણ પાય છે, અને વિષની અસર થતાં ઓમ શિવપુરીનો ચહેરો અને શરીર વિકૃત થવા લાગે છે, રૂપાંતર પામે છે, અને છેલ્લે ક્લોઝ અપમાં ટકરે બનાવેલા પ્રાણીના માસ્કવાળો ચહેરો બતાવાય છે. એમની પત્નીની ભૂમિકા નાદિરાએ કરેલી. આવું સ્વરૂપાંતર (મેટામોર્ફોસિસ) ગુણવત્તાની દૃષ્ટીએ ઉતરતું કહીને કાઢી નાખી શકાય, પણ રામસે બંધુઓએ પોતાની જુગાડ શૈલીએ એને બહુ જટિલ અને નોંધપાત્ર બનાવેલું. ઓમ શિવપુરીના વ્યાવસાયિક અભિગમની પ્રશંસા કરવી પડે. એમના જેવા મંજાયેલા અને લોકપ્રિય અભિનેતા આવું બધું દર્દ વેઠવાની ના પાડી શક્યા હોત.


"માનવનું પશુમાં થતું સ્વરૂપાંતર- અમારે એ પ્રક્રિયા દેખાડવાની હતી. એ પાછળ ફરે અને પછી એનો ચહેરો બદલાઈ જાય એવું અમે દેખાડી ન શકીએ. ઘણી ફિલ્મોમાં અમે દૈત્યો, ચિત્રવિચિત્ર પ્રાણીઓ દેખાડેલાં, પણ આ કિસ્સામાં અમારે એક સામાન્ય માણસનો ચહેરાનો દેખાવ વિષની અસરને લીધે બદલાઈ જતો બતાવવાનો હતો. એનો ચહેરો જ, શરીર નહીં." તુલસી (રામસે) સમજાવે છે.
આરંભથી લઈને છેક સુધીનો મેક અપ કરતાં પાંત્રીસ કલાક થયા. મેક અપ કે માસ્ક કરી દેવાથી કામ પૂરું નહોતું થઈ જતું. પણ સ્વરૂપાંતરનો એકે એક તબક્કો બતાવવાનું (રામસે) ભાઈઓએ નક્કી કરેલું. આથી ઓમ શિવપુરીએ આટલા સમય માટે સળંગ એક ટેબલ પર ચત્તા સૂઈ રહેવું પડતું. એ પછી ગંગુ (રામસે) અને કેશુ (રામસે) સીંગલ ફ્રેમ શૂટ કરતા, દરેક ફિલ્મને પ્રતિ સેકંડ ચોવીસ ફ્રેમથી એક્સપોઝ કરતા.' ગંગુએ યાદ કરતાં કહ્યું. એ મુવી કેમેરાથી કરાતું, પણ 'લગભગ સ્ટીલ કેમેરા જેવું જ' થતું. તુલસીએ ઉમેરણ કરતાં કહ્યું. "અમે ટપકાં કરતા અને શૂટ કરતા. કોઈ ગ્રાફિક્સ નહીં. ચહેરાનો એકે એક ઈંચ સ્પોટ બાય સ્પોટ બદલાતો. અમે એ હાથે જ કરેલું.'
'લગભગ સ્ટીલ કેમેરા જેવું જ' - એ વાત સાચી. કેમ કે, એમ ન થાય તો કેમેરાના આંચકા આવે અને આખી વાત બગડી જાય.



('દહશત'ના સેટ પર દૈત્ય બનેલા ઓમ શિવપુરી સાથે રામસે બંધુઓ)


છેક છેલ્લે માસ્ક આવે. તુલસીએ આ પ્રક્રિયા અને તેમાં લાગેલા સમયની વાત કરી ત્યારે આખો પ્રોજેક્ટ માન્યામાં ન આવે એવો જણાયો. "માસ્ક વિશેષ હતા." અર્જુન (રામસે) જણાવે છે. "સ્પેશ્યલ લેટેક્સના. આથી ચહેરાના હાવભાવ પડદા પર બરાબર દેખાય. એ માસ્ક જેવું ન લાગે. પાત્રનો જ એ ચહેરો છે એમ જણાય."
અને ઓમ શિવપુરી? 'એ વિશેષ અભિનેતા હતા, એક મહાન અભિનેતા.' તુલસીએ કહ્યું.
બધું જ વિશેષ હતું. તમે 'દહશત' ન જોઈ હોય તો ફક્ત દેવ કુમારના રૂપાંતર માટે જોજો. શમસુદ્દીને પોતાનો ભાગ મસ્ત રીતે કર્યો છે, છતાં એવી દલીલ કરી શકાય કે એના ભાગે અગ્રવાલની જેમ ખાસ કશું કરવાનું નહોતું. અગ્રવાલ થકી રામસે બંધુઓએ જાદુ કર્યો હતો. એમનો એ સૌથી મહાન દૈત્ય- માનવ. એ એક જ એવા હતા કે જેને ટકરની મદદની જરૂર નહોતી.

(વિશેષ નોંધ: મુંબઈસ્થિત ફિલ્મઈતિહાસકાર મિત્ર શિશિરકૃષ્ણ શર્માએ લીધેલી અનિરુદ્ધ અગ્રવાલની મુલાકાત અહીં ક્લિક કરીને વાંચી શકાશે. અનિરુદ્ધ અગ્રવાલ અજય અગ્રવાલ તરીકે પણ ઓળખાય છે.)
(Excerpt from 'Don't disturb the dead', the story of the Ramsay brothers, by Shamya Dasgupta)
(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.)
(Published by: HarperCollins India, 2017)

(તસવીરો નેટ પરથી) 




Friday, January 16, 2026

મુર્દે ને પકડ લિયા

 ફિલ્મના નિર્માણ વિશે તુલસી અને અર્જુન સાવ અલગ, પણ એકસરખી બિહામણી કથાઓ જણાવે છે. બન્ને કથાઓ યોગ્ય રીતે જ મહાબળેશ્વરના કબ્રસ્તાનમાં આકાર લે છે. એ કબ્રસ્તાનનો હવાલો સંભાળતા ચર્ચના ફાધર પાસેથી તેમણે પરવાનગી લીધેલી. એક દૃશ્યાવલિ માટે તેમણે જમીનમાં ખોદવાનું હતું. વટેમાર્ગુઓને કે બીજા કોઈને એટલે કે જમીનમાંના મૃતદેહોને કશી હાનિ ન પહોંચે એવું ખોદવાનું સ્થળ શોધવામાં તેમને સ્થાનિકોએ મદદ કરી. 'ડોન્ટ ડિસ્ટર્બ ધ ડેડ'- અર્જુને નાટ્યાત્મક રીતે પોતાની આંખો પહોળી કરીને કહ્યું. અમારી વાતચીતમાં ઘણી વાર તેમણે આવું કરેલું.

તુલસીના જણાવ્યા અનુસાર: 'લોકો ખોદકામ કરી રહ્યા હતા, અને અચાનક તેમને એક અડધો મૃતદેહ મળ્યો. હાડપિંજર નહીં, પણ શરીર.' ત્યાં ઉપસ્થિત સહુ કોઈ ગભરાઈ ગયા એ તો ખરું જ, પણ જોતજોતાંમાં ગામવાળાઓ આના વિરોધમાં ઊભા થઈ ગયા. અમારા માટે મુસીબત ઊભી કરવાની અને શૂટિંગમાં અવરોધ નાખવાની તેમણે ધમકીઓ આપી. 'એમને અમે ટાઢા પાડ્યા, ફાધર સાથે મળીને અમે પ્રાર્થના કરી અને એ કબર પર મીણબત્તીઓ સળગાવીને મૃતદેહને પાછો કબરમાં મૂકીને તેને યોગ્ય રીતે દફનાવ્યો.'
અર્જુનની વાત શૂટિંગના પછીના દિવસની છે. તેમણે કહેલું, 'એ દિવસે અમે પેક અપ કરી દીધેલું. મને યાદ છે ત્યાં સુધી વહેલી સવારના ત્રણ વાગેલા. બાકીના બધા જતા રહેલા, પણ ક્રૂના સભ્યો વાયર, કેબલ અને બીજી સામગ્રી ભેગી કરી રહ્યા હતા. અર્જુન (એ પોતાની જાતને ત્રીજા પુરુષમાં સંબોધે છે) આ બધી કામગીરી પર નજર રાખી રહ્યો હતો. તેણે કારની ડીકીમાં મૂકેલા આઈસ બોક્સમાંથી બીઅર કાઢ્યો અને પીવા બેઠો. વાતાવરણ સહેજ ડરામણું હતું. એમ લાગવું એ માનવસહજ પ્રકૃતિ છે. રાતનાં પંખીઓ જાતભાતના અવાજ કાઢી રહ્યા હતા અને ઠંંડો પવન વાતો હતો. અચાનક મારા કાને ચીસાચીસ પડી. એક જણ બૂમાબૂમ કરી રહ્યો હતો, 'મુર્દે ને પકડ લિયા, મુર્દે ને પકડ લિયા.' હું એ સ્થળે દોડ્યો. હું બહુ ડરી ગયો હતો. પણ કંઈ થયું નહોતું. એ માણસના હાથમાં એક ભારેખમ લાઈટ હતી- પચીસેક કિલોની. એ હાથમાંથી સરકી ગઈ હતી, અને એનો પગ કબરમાં પડ્યો હતો. એમાં એક શબપેટી હતી, પણ જૂની. એ માણસના પોતાના વજનને કારણે તેનો પગ એ પેટીમાં પેસી ગયો હતો અને તેને લાગ્યું કે શબે તેને ઝાલ્યો છે.'
તુલસી અને અર્જુન સાથે વાત અલગ અલગ થઈ, પણ વાત કરતાં કરતાં સાઉન્ડ ઈફેક્ટ સાથે કહેવાની તેમની શૈલી એક સમાન હતી. અર્જુન કરતાં તુલસીની વધુ.
તુલસી વાત કહે, ખાસ કરીને ડરામણી વાત, ત્યારે તેમની આંખો ઉષ્માસભર અને મલકાતી રહેતી. 'શ....શ...' એમ એ બોલે ત્યારે એમના હોઠ સંકોચાતા. વૃક્ષોમાંથી કે પાંદડામાંથી પસાર થતા પવન વિશે તેઓ કહે ત્યારે એમના હાથ ધીમે ધીમે ફેલાતા. અર્જુન પણ આમ જ કરતા. ઠક..ઠક..ઠક. તુલસી પગરવનું વર્ણન કરતાં અવાજ કરતા. વ્હૂ....વ્હૂ...વ્હૂ...- ભારેખમ શ્વાસનો અવાજ, એ શ્વાસ લેતા અને પછી છોડતા. તેમના હાથ લયબદ્ધ રીતે હાલતા અને આંખો સંકોચાતી, ને પહોળી થતી. એમાં ખેંચાઈ જ જવાય. તેઓ જાણતા હતા કે યોગ્ય વાતાવરણ શી રીતે ખડું કરવું- પડદા ઊપર તેમજ પડદાની બહાર પણ.

(Excerpt from 'Don't disturb the dead', the story of the Ramsay brothers, by Shamya Dasgupta)
(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.)
(Published by: HarperCollins India, 2017)

Tuesday, January 13, 2026

એ દૈત્યો અમારા સ્ટાર હતા

ક્રિસ્ટોફર ટકરને રામસે ફિલ્મ્સમાંની એકે ફિલ્મનાં નામ યાદ નથી કે જેમાં પોતે મદદ કરી હોય. પણ આખા પરિવારને તે ભાવપૂર્વક યાદ કરે છે. 'હું પ્રોસ્થેટિક્સમાં કામ કરી રહ્યો હતો, અને મને સહેજે યાદ નથી કે તેમણે મને શી રીતે શોધ્યો. અમે કદી મળ્યા નથી. તેઓ કેટલીક ફિલ્મો બનાવી રહ્યા હતા અને મારી પાસે તેઓ એના હોરર માસ્ક બનાવડાવવા માગતા હતા. તેમને ચોક્કસ માસ્ક કે શસ્ત્ર કે એવું બધું જોઈતું હતું. આથી મેં અનેક વસ્તુઓ બનાવી. મને વિગતવાર એ બધું યાદ નથી. અમે ક્યારેક ફોન પર વાત કરી છે, પણ લંડનમાં એમનો એક એજન્ટ હતો એ આવતો અને મારી પાસેથી વસ્તુઓ લઈ જતો. હું ધારું છું કે એ બધું તે ભારત મોકલી આપતો હશે.

વાત કરતાં ટકરને યાદ આવ્યું, 'ખરું કહું તો મેં એમની એકે ફિલ્મ જોઈ નથી. એ દિવસોમાં અમારે ત્યાં ભારતીય ફિલ્મો ખાસ આવતી નહીં. મને કહેવામાં આવેલું કે એ બધી નાના બજેટની ફિલ્મો હતી. હું માનું છે કે મારી પાસે એવું કંઈ પણ જોવાનો સમય કે જાણકારી નહોતી. પ્રામાણિકતાથી કહું તો મને એનીય જાણકારી નથી કે મેં એમની કઈ કઈ ફિલ્મ માટે કામ કર્યું. પોતાની જરૂરિયાત બાબતે તેઓ મને બહુ ઝીણવટથી જણાવતા. તેઓ મને નિશ્ચિતપણે જણાવતા કે તેમને 'ધ હન્ચબેક ઓફ નોત્ર દામ' ફિલ્મમાં છે એવો કે પછી ડ્રેક્યુલાની કોઈ ફિલ્મમાં હોય એવો માસ્ક જોઈએ છે. એ હંમેશાં હોલીવુડની કોઈ ફિલ્મમાં હોય એ પ્રકારનો રહેતો. તેઓ મને નિશ્ચિત સૂચનાઓ આપતા અને પછી બાકીનું હું મારી રીતે કરી લેતો. મને યાદ છે ત્યાં સુધી તેઓ મને વારંવાર કૉલ કરતા.'
તેઓ એમ જ કરતા. ટકર સાથે સૌથી વધુ વ્યવહાર અર્જુન (રામસે) કરતા. પોતાના ભાઈઓ સાથે તેઓ વાસ્તવિક આયોજનની ચર્ચા કરીને પછી એ બધું ટકરને સમજાવતા.
'મને લાગે છે કે એ બધું રામસેના પિતાથી શરૂ થયેલું.' ટકરને પૂછતાં તેમણે સહજ રીતે જ આમ કહ્યું, 'ચોક્કસપણે કહી શકું એમ નથી, પણ એ જ હશે, કેમ કે, પછી તેમના પુત્ર કે પુત્રો મને ફોન કરતા અને કહેતા, 'હું મિસ્ટર રામસેનો દીકરો છું.' આથી મને લાગે છે કે એ બધું અસલ મિ.રામસે દ્વારા જ આરંભાયું હશે. એટલે એ પિતા હોય કે પુત્ર, હું 'મિસ્ટર રામસે' જ કહેતો.'
'એ બહુ રસપ્રદ વાત છે કે ઘરઆંગણે કોઈકને શોધવાને બદલે હજારો માઈલ દૂર બેઠેલા મને તેમણે શોધી કાઢ્યો! કલ્પના કરી શકો છો! ત્યારે મારી પણ કંઈક પ્રતિષ્ઠા હશે. બીજું તો શું સમજવું! ઓછા બજેટની ફિલ્મો માટે- ખરેખર અસાધારણ કહેવાય. ઈંગ્લિશ ધોરણ મુજબ એ માસ્ક કંઈ ખર્ચાળ નહોતા, પણ ભારતીય ધોરણ અનુસાર સસ્તાય નહોતા.'
તુલસી (રામસે) સમજાવે છે એમ એ માસ્ક જ દૈત્યની અસર પેદા કરતા. સંગીતની બાબતે જેમ પ્રતિષ્ઠિત સંગીતકારનાંં એકાદ બે ગીતો ફિલ્મમાં હોય એટલે ફિલ્મની પ્રતિષ્ઠા વધી જાય, એવું જ માસ્કની બાબતમાં. એ દૈત્યો અમારા સ્ટાર હતા.' તુલસીએ વધુ એક વાર આમ જણાવ્યું. અને તેમણે માસ્ક પાછળ ખર્ચ કરવામાં કોઈ કસર છોડી નહોતી.



અર્જુન (રામસે)ના જણાવ્યા અનુસાર, ટકર પાસે અનેક માસ્ક તૈયાર રહેતા, અને રામસેની જરૂરિયાત અનુસાર થોડાઘણા ફેરફાર કરી દેતા. જો કે, ટકર આમ નથી કહેતા. તેમણે કહેલું, 'મિસ્ટર રામસે મને પોતાની જરૂરિયાત જણાવે ત્યારે હું નવેસરથી શરૂઆત કરતો. દરેક વખતે. સ્ટુડિયોમાં મારી ચોફેર વિખરાયેલા ઘણા માસ્ક મેં પૂરા કર્યા ન હોય. એ બધા સરખા જ હોય. એને પૂરા કરતાં એટલો જ સમય લાગે અને વરસો પછી એને જોતાં મને થાય, 'ઓહ! કાશ મેં આ પૂરો કર્યો હોત! એ પૂરો કરી શકાયો હોત તો બહેતર હોત.' હકીકતમાં મેં કરેલું કોઈ કામ પૂરું ન થયેલું હોય. પણ અલબત્ત, એ એક રીતે તૈયાર હોય.'
સૌથી વધુ મહેનત માસ્કમાં કરાતી, અને બાકીની બાબતો સામાન્ય રીતે પૅચવર્ક હતું. ટિફિનબોક્સની જેમ. માસ્ક નિયમીત બની ગયા એટલે કેમેરા એ દૈત્યોના ચહેરા પર જ રહેતો. એ વધુ ને વધુ દેખાતા ગયા, એમ એમના શરીરનો બાકીનો હિસ્સો પણ. લાંબા અસ્તવ્યસ્ત વાળ, વિચિત્ર દાંત, ભયાનક આંખો, ચહેરા પર પણ ગૂંચવાયેલા વાળ, અને હાથ- હાથ તો કાયમી ધોરણે એવા રહેતા. એ વાત કરું ત્યારે તુલસી રહસ્યમય રીતે હસે છે. મારું તારણ હતું કે કોથળાને કાપીને એની પર માટી લગાડવામાં આવતી જેથી તે ઘેરા દેખાય અને હાથ પર એ ચોંટી જાય, જેથી એનો દેખાવ રાક્ષસી લાગે. એવા હાથ સાથે લાંબા, વિકૃત નખથી એ પરિપૂર્ણ બને. પણ પત્રકારત્વની ભાષામાં કહીએ તો, રામસે નથી એનું સમર્થન કરતા કે નથી ઈન્કાર કરતા. આથી એ બાબતને આપણે 'ટ્રેડ સિક્રેટ' માનીને બાજુએ મૂકીએ.
(Excerpt from 'Don't disturb the dead', the story of the Ramsay brothers, by Shamya Dasgupta)
(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.)
(Published by: HarperCollins India, 2017)