પ્રીતિશ નંદીના અવસાનના સમાચાર આજે (9 જાન્યુઆરી, 2025) સવારે જાણ્યા ત્યારે કોઈક જૂના પરિચીતના અવસાનના સમાચાર જાણીને જે અનુભવાય એવું જ લાગ્યું. એવા પરિચીત જેની સાથે પરિચય હોય, પણ ઘણા અરસાથી એ જીવંત ન રહ્યો હોય. સાંજે ઉર્વીશ સાથે વાત થઈ અને એ પછી એ સમયના 'ધ ઈલસ્ટ્રેટેડ વીકલી ઑફ ઈન્ડિયા'ને યાદ કર્યું. કળા કે કાર્ટૂન પ્રત્યેની અભિરુચિનું અમારું ઘડતર કરવામાં પ્રીતિશ નંદીનો કેવડો મોટો ફાળો હતો! 'વીકલી'ને ઘણા તેના તંત્રીઓ ખુશવંતસીંઘ કે એમ.વી.કામથ થકી યાદ કરે છે, પણ અમારા માટે 'વીકલી' એટલે પ્રીતિશ નંદી.
1985માં હું વીસ વર્ષની વયે નોકરીમાં જોડાયો એ અગાઉ 'વીકલી'ના નામથી પરિચીત હતો, કેમ કે, પપ્પા ક્યારેક રેલ્વેના સ્ટૉલ પરથી તે લઈ આવતા. એ અંગ્રેજીમાં હોવાથી વાંચવાનું ખાસ બનતું નહીં, પણ તેનું કદ અને એમાં છપાયેલી તસવીરો ઉપરાંત તેના કાગળ અને શાહીની વિશિષ્ટ ગંધને કારણે તેનાં પાનાં ઊથલાવવા ગમતા. એમાં દેશની નદીઓમાં વિવિધ જળચરો અંગેનો એક વિશેષાંક અમે ઘણા અરસા સુધી સંઘરી રાખ્યો હતો. મારી કંપનીમાં 'વીકલી' આવતું હતું. તે વાંચનારા ઓછા હતાં. મોટે ભાગે મને જૂના અંક વાંચવા મળતા. તેમાં ક્યારેક રાજુ ભારતનના જૂનાં ફિલ્મી ગીતો વિશેના લેખ વાંચીને નવાઈ લાગતી કે આવા વિષય પર પણ લેખ હોઈ શકે? હરમંદિરસીંઘ 'હમરાઝ' વિશેનો રાજુનો લેખ 'The sardar of songs' એમાં જ વાંચેલો. એક 'વીકલી'માં આવેલો, વડાપ્રધાનના નિકટના ગણાતા સ્વામી ચંદ્રાસ્વામીને ખુલ્લા પાડતો લેખ 'Exposed' પણ એમાં જ વાંચીને બહુ રોમાંચિત થયેલા.
ધીમે ધીમે હું રેલ્વે સ્ટેશનેથી ખરીદતો થયો. દર અઠવાડિયે તે પ્રકાશિત થતું અને નિયમીતપણે સ્ટૉલ પર આવી જતું. કિંમત પણ કદાચ દસેક રૂપિયા જેટલી હતી. સ્ટેશનેથી 'વીકલી' ખરીદીને ઘેર લાવતો અને ઉર્વીશ સાથે પણ એની વાત થતી રહેતી. એક વાર એમ થયું કે આનું લવાજમ ભરી દઈએ તો? કદાચ પાંચસોની આસપાસ લવાજમ હશે. એ અમે ભરી દીધું એટલે હવે 'વીકલી' ઘેર આવતું થયું. એ સમયગાળો એવો હતો કે મારી નોકરી શરૂ થયેલી, લગ્ન થવાને વાર હતી, અને વાંચન ઊપરાંતની વિવિધ બાબતોમાં રસરુચિ કેળવાતાં જતાં હતાં. બિલકુલ આ સમયગાળામાં પ્રીતિશ સંપાદિત 'વીકલી' અમને મળ્યું. અમારા માટે જાણે એક નવી જ સૃષ્ટિ ખૂલવા લાગી. કળા, કલાકારો, કાર્ટૂન, ફિલ્મ, મગજને કસતા કોયડા, ટૂંકી વાર્તા, પત્રકારત્વની વિશિષ્ટ મુલાકાતો....દર સપ્તાહે 'વીકલી'ના થાળમાં આ બધું પીરસાતું. 'વીકલી'નું કદ ઘણું મોટું, એટલે એમાં છપાતા શ્વેતશ્યામ ફોટાનો પ્રભાવ જ જુદો. ઝાઝો શ્રમ કર્યા વિના નામ ગણાવું તોય કેટકેટલું પહેલા ઝપાટે જ યાદ આવી જાય એવું છે:
ઉન્નીએ ચીતરેલું પ્રીતિશનું કેરિકેચર |
હેમંત મોરપરીયા અને મારીઓ મીરાન્ડા તેમજ બ્રિજેન ઠક્કરની કાર્ટૂન કોલમ, આ જ કાર્ટૂનિસ્ટોનાં કોઈ એક વિષય પરનાં ડબલ સ્પ્રેડ આવતાં. (યોગાનુયોગે કાર્ટૂનિસ્ટ સતીશ આચાર્યે પણ તેમના કાર્ટૂનપ્રેમ વિશે લખ્યું છે) દર સપ્તાહનાં ચૂંટેલાં કાર્ટૂનો માટે 'National Lampoon' નામનું આખું પાનું ફાળવાતું, જે જોઈને વિવિધ કાર્ટૂનિસ્ટોની શૈલી ઓળખવાની કવાયત અમે કરતા. કાર્ટૂનિસ્ટ ઉન્નીએ એમને શ્રદ્ધાંજલિ આપતાં યોગ્ય રીતે જ લખ્યું છે કે '(કાર્ટૂનિસ્ટ) શંકર પછીના સૌથી વધુ કાર્ટૂનિસ્ટ ફ્રેન્ડલી એડિટર.'
'માય આર્ટ' કોલમમાં દર વખતે અલગ અલગ ક્ષેત્રની વ્યક્તિ 'પોતાની કળા' વિશે લખતા. એમાં સચીન તેંડુલકર પણ હોય, અને હુસેન પણ! મુકુલ શર્માનું 'માઈન્ડ સ્પોર્ટ્સ' પાનું, જેમાં અનેક પ્રકારની શબ્દરમતો અને કોયડા રહેતા. સમીર મોંડલનાં વૉટર કલર ચિત્રોથી શોભતાં અનેક મુખપૃષ્ઠ, 'એડીટર્સ ચોઈસ'નામનું છેલ્લું પાનું, જેમાં ફિલ્મ, પુસ્તક, ચિત્ર પ્રદર્શન વગેરેથી લઈને કોઈ પણ વિષય અંગે લખાણ હોય. 'રીઅલ ઈશ્યૂઝ' ટાઈટલવાળી એક કવર સ્ટોરી તો પ્રીતિશ જ વિચારી શકે એવી હતી. એમાં દેશની તત્કાલીન મુખ્ય સમસ્યાઓ વિશે ટૂંકમાં લખાણ હતું, અને એ દરેક સમસ્યાઓ અંગે જાણીતા ચિત્રકારોએ દોરેલાં ચિત્રો. માનસ કમલ બિશ્વાસ નામનો ચિત્રકાર સાવ ઝૂંપડામાં રહેતો હતો, પણ પ્રીતિશે એને પોંખેલો, અને અવારનવાર તેનાં ચિત્રો 'વીકલી'માં દેખા દેતાં. આવું તો કેટકેટલું યાદ આવે!
વીસરાયેલા ફિલ્મ કલાકારો વિશેની 'વીકલી'ની કવરસ્ટોરી 'Fade Out' વાંચ્યા પછીના અરસામાં અમે કે.એન.સિંઘ, ભગવાન જેવા કલાકારોને મળ્યા ત્યારે એ સ્ટોરીના સંદર્ભ સાથે વાત કરવાની મજા આવી હતી. (કે.એન.સિંઘની દૃષ્ટિ નહીંવત રહેલી, પણ યાદશક્તિ ટકોરાબંધ. તેમણે કહેલું, 'ઉસને ટાઈટલ ભી અચ્છા દિયા થા- ફેડ આઉટ. હમ 'ફેડ આઉટ' હી તો હો ગયે હૈ)
એક અંગત અનુસંધાન તો ભૂલાય નહીં એવું છે.
ક્રિકેટર સચીનનો ત્યારે ઉદય થઈ રહ્યો હતો. એ વખતે તેમનું સમીર મોંડલે દોરેલું વૉટર કલર ચિત્ર 'વીકલી'ના ટાઈટલ પેજ પર હતું. એ જ રીતે ચંદ્રશેખર વડાપ્રધાન બન્યા ત્યારે સમીર જ ચીતરેલું વૉટર કલર ટાઈટલ પર હતું.
1991ના અરસામાં ચાલુ નોકરીએ મેં વડોદરાની ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સમાં પ્રવેશપરીક્ષા આપેલી અને મારે પેઈન્ટિંગ શાખામાં પ્રવેશ લેવો હતો. એમાં એક પેપર થિયરીનું હતું. એક સવાલ એવો પૂછાતો કે તમને ગમતા કોઈ એક ચિત્રનું વિવરણ કરો. મને ખ્યાલ નથી, કેવળ ધારણા છે કે સામાન્ય રીતે લોકો મોનાલીસા કે વાન ગોગના કોઈ ચિત્ર કે એ પ્રકારે જાણીતાં ચિત્રો વિશે લખતાં હશે. તેને બદલે મેં 'વીકલી'ના કવર પેજ પર સમીરે ચીતરેલા ચંદ્રશેખરના વૉટર કલર ચિત્રનું વિવરણ લખેલું. એને કારણે મારા થિયરીમાં વધુ માર્ક્સ આવ્યા અને મારી ઈચ્છા ડિપ્લોમામાં પ્રવેશ લેવાની હતી તેને બદલે મને ડિગ્રી કોર્સમાં પ્રવેશ મેળવવા સૂચવાયું. અને મેં એમાં પ્રવેશ લીધો. (જો કે, પછી એ પૂરો ન થઈ શક્યો એ અલગ વાત છે)
સમીર મોંડલ સાથે પરોક્ષ નાતો એવો બંધાયેલો કે તેમનાં ચિત્રો જોવાં કે તેના વિશે વાંચવું બહુ ગમતું. આગળ જતાં ચિત્રકાર વૃંદાવન સોલંકી અને ચિત્રાબહેન સોલંકી સાથે દોસ્તી બંધાઈ. તેમને પણ અમારા સમીર પ્રત્યેના અનુરાગ વિશે જાણ. ચિત્રાબહેનને એક પાર્ટીમાં સમીર મોંડલ મળ્યા ત્યારે તેમણે એક વીઝીટીંગ કાર્ડની પાછળ સમીર પાસે ખાસ ઉર્વીશને ઉદ્દેશીને સંદેશ લખાવેલો અને સમીરે નાનકડા ચિત્ર સાથે પ્રેમપૂર્વક એ લખી આપેલો. (એ કાર્ડ મહેમદાવાદના ઘરની દિવાલ પર ફ્રેમમાં શોભે છે)
આજે વિચારતાં એમ લાગે છે કે બહુ યોગ્ય વયે, સમયે પ્રીતિશનું 'વીકલી' અમને મળ્યું. એ વાત આજે ત્રણ સાડા ત્રણ દાયકા જૂની થઈ. પણ આજે લાગે છે કે આજીવન ચાલે એવા બહુવિધ શોખના ઘડતરમાં પ્રીતિશના 'વીકલી'એ પાયાનું પ્રદાન કર્યું.
એ પછી કદાચ પોતાની કંપની શરૂ કરવા તેમણે 'ટાઈમ્સ' ગૃપ છોડ્યું, અને અનિલ ધારકરે 'વીકલી'ની જવાબદારી સંભાળી. આખરે 1993માં એનું પ્રકાશન અટક્યું.
પ્રીતિશ સાથે અમારું એકપક્ષી જોડાણ 'વીકલી' થકી જ હતું. એ પછી તેમણે શું કર્યું, શું નહીં એમાં અમને રસ નહોતો. સિવાય કે તેઓ પ્રકાશન ક્ષેત્રે રહ્યા હોત! તેમણે ફિલ્મનિર્માણ શરૂ કરેલું અને અનેક ફિલ્મોનું નિર્માણ કર્યું.
જીવનકાળમાં કેટલીક વ્યક્તિઓ, વસ્તુઓ યોગ્ય સમયે મળી જાય તો એ જીવનમાં કેટલો મોટો ભાગ ભજવી શકે! કેવી કેવી વસ્તુઓ કેળવી શકે! એનું ઉદાહરણ એટલે પ્રીતિશ નંદી અને એમના સંપાદકપદ હેઠળનું 'વીકલી'.A
No comments:
Post a Comment