Saturday, March 23, 2024

આપ કે પીછે ચલેગી આપ કી પરછાઈયાં

અમદાવાદના સ્ક્રેપયાર્ડ ધ થિયેટર ખાતે 22 માર્ચ, શુક્રવારના રોજ 'કહત કાર્ટૂન...' શ્રેણીની છઠ્ઠી કડીની રજૂઆત થઈ. ઑક્ટોબર, 2023થી આરંભાયેલી આ શૃંખલામાં કાર્ટૂનકળાનાં વિવિધ આયામોને ઉજાગર કરવાનો અને એ રીતે તેને માણવાનો ઉપક્રમ છે. એક જુદા ઉપક્રમ તરીકે આરંભાયેલી આ શ્રેણી અહીં મળતા રહેલા સજ્જ શ્રોતાઓને કારણે હવે જુદી રીતે, જુદી દિશામાં આગળ વધી રહી છે. વિશ્વભરના કાર્ટૂનિસ્ટો શી રીતે વિવિધ પ્રયુક્તિઓ, ઉપકરણોને કાર્ટૂનમાં પ્રયોજે છે એ દર્શાવવાનો પ્રયત્ન આ શ્રેણીમાં થઈ રહ્યો છે.

વાર્તાલાપ દરમિયાન...

એ મુજબ, આ શ્રેણીનો વિષય હતો 'Shadows/પડછાયા'. આમ તો, હિન્દી ફિલ્મસંગીતના રસિયાને આ નામ પડતાં જ પેટાશિર્ષક તરીકે 'તૂ જહાં જહાં ચલેગા' ગીતની આ પંક્તિ જ યાદ આવે, અને મનેય એમ જ થયેલું. પણ પછી બીજા વિચારે ખ્યાલ આવ્યો કે આમાં 'પડછાયા' એટલે કે 'ગુપ્ત વ્યક્તિત્વ'ની વાત હોવાથી આને બદલે 'આપ કે પીછે ચલેગી આપ કી પરછાઈયાં' મિસરો વધુ ઉપયુક્ત છે, કેમ કે, તેની આગળનો મિસરો છે 'અપની હી કરની કા ફલ હૈ નેકિયાં રુસવાઈયાં.' કાર્યક્રમના આરંભે કાર્ટૂનમાં 'પડછાયા'ના ખ્યાલ વિશે વાત કરતાં વી. શાંતારામની ફિલ્મ 'પરછાંંઈ(1952)'ના આરંભિક કથનને તાજું કરવામાં આવ્યું, જેમાં કહેવાયેલું: 'દુનિયામાં દરેક માણસ એકલો જન્મતો નથી. તેની સાથે એક જોડીદાર પણ જન્મે છે અને એ છે તેનો પડછાયો.'
'પડછાયા'ની રજૂઆત કરનારનો પડછાયો
ગુજરાતીમાં 'પડછાયા' માટે 'છાયા', 'ઓળો', 'ઓછાયો' જેવા શબ્દો ઉપયોગમાં લેવાય છે, અને એ દરેકની અર્થચ્છાયા અલગ અલગ છે.
મનોવિજ્ઞાનમાં પણ 'પડછાયા'ને કેવળ ભૌતિક ઘટનાને બદલે 'અપ્રગટ, અને અસલ વ્યક્તિત્વ' તરીકે ઓળખાવાયું છે. આટલી પૂર્વભૂમિકા પછી વિશ્વભરના કાર્ટૂનિસ્ટોએ વિવિધ કાર્ટૂનોમાં કેવી કેવી રીતે પડછાયાને પ્રયોજ્યો છે, તેનાં ઉદાહરણ પડદે દેખાડાયાં અને સમાંતરે તેની પૃષ્ઠભૂમિની ઘટના.
આ કાર્ટૂનોમાં વ્યંગ્ય હોય એ તો સ્વાભાવિક છે, પણ મોટા ભાગનાં કાર્ટૂનમાં પીડાની તીણી ચીસ અને ક્યાંક આર્તનાદ પણ કાને પડે ત્યારે સમજાય કે એક ઘટનાની સચોટતા કે વેધકતા કાર્ટૂન દ્વારા કેટલી અસરકારક રીતે વ્યક્ત થાય છે, અને આ ઘટના વૈશ્વિક છે.
સ્ક્રેપયાર્ડની સૌથી વધુ મજા કહેવાયેલી વાતને મળતા તત્ક્ષણ પ્રતિસાદની અને વાર્તાલાપના સમાપન પછી થતી અનૌપચારિક વાતચીતની છે. અહીં આવનાર માત્ર ને માત્ર વિષયથી આકર્ષાઈને આવતા હોય છે. આવું સ્થળ, આવા શ્રોતાઓ ઊભા કરવા બદલ 'સ્ક્રેપયાર્ડ' અભિનંદનનું અધિકારી છે.

Cartoonist: Rajinder Puri

Cartoonist: Paco Baca

Cartoonist: Hasan Bleibel


Friday, March 22, 2024

જબ જબ જો જો હોના હૈ, તબ તબ સો સો હોતા હૈ.

 એક ફિલ્મમાં એક પાત્રના મોંએ આ તકિયાકલામ સાંભળવા મળે છે. આમ તો રમૂજપ્રેરક, છતાં વાસ્તવિક સંવાદ છે આ. છ મહિનાથી સ્ક્રેપયાર્ડમાં ચાલી રહેલી મારી 'કહત કાર્ટૂન' શ્રેણીને આ બરાબર લાગુ પડે છે.

કાર્ટૂનને જાહેરમાં બતાવી શકાય એ વિચાર મને પહેલવહેલો ગાંધીજીનાં કાર્ટૂન બાબતે આવેલો. એ માટેની તક મળી એટલે મેં 'વ્યંગ્યચિત્રોમાં ગાંધી' કાર્યક્રમ તૈયાર કર્યો. 2016ની 2 ઑક્ટોબરે પહેલી વાર એ દર્શાવ્યો એ પછી અનેક જગ્યાએ આ કાર્યક્રમ માટે કહેણ આવતું ગયું અને એ હું રજૂ કરતો ગયો. એ જ ક્રમમાં એક વાર ભાઈ પારસ દવેએ ગુતાલની શાળામાં આ કાર્યક્રમ માટે કહેણ મોકલ્યું. આ શાળા અને એના વિદ્યાર્થીઓ વિશે મને જાણ હતી અને પારસની નિસ્બત વિશે પણ, આથી મેં એક સૂચન કર્યું. તે એ કે વિદ્યાર્થીઓને સીધેસીધાં ગાંધીજીનાં કાર્ટૂન બતાવવાને બદલે પહેલાં એમને કાર્ટૂનકળા વિશે માહિતગાર કરીએ. પારસે આ વાત ઝીલી લીધી અને એ ખ્યાલ મનમાં રાખીને મેં 'આવો, કાર્ટૂન માણીએ' કાર્યક્રમ તૈયાર કર્યો. એ વર્ષ 2021નું. આ કાર્યક્રમ માટે પણ કહેણ આવવા લાગ્યાં અને તેની રજૂઆત થતી ચાલી.
એ દરમિયાન રાજુ પટેલ મને ધક્કા મારતા હતા કે મારે આ કાર્યક્રમ જાહેરમાં કરવા અને એ પણ ટિકિટવાળા. પણ એ માટેનો આયોજનપક્ષ સંભાળવાની મારી માનસિકતા નહોતી, તેથી એ દિશામાં હું આગળ વધ્યો નહીં. રાજુએ મને સ્ક્રેપયાર્ડમાં (કબીર ઠાકોર-નેહા શાહ) આ કાર્યક્રમ કરવા સૂચવ્યું. એક યા બીજા કારણસર આ ઠેલાતું રહ્યું. આખરે એ મુહૂર્ત આવ્યું 2023ના સપ્ટેમ્બરમાં.
મેં કબીરભાઈને ફોન કર્યો અને કાર્યક્રમ યોજવા અંગે જણાવ્યું તો તેમણે કહ્યું, 'અમે જ તમને આ કાર્યક્રમ માટે બોલાવવાનું વિચારતા હતા. બોલો, ગાંધીજીવાળો કાર્યક્રમ ક્યારે કરવો છે?" દરમિયાન ઑગષ્ટ, 2023થી 'નવનીત સમર્પણ'માં મારી શ્રેણી 'કાર્ટૂનકથા' આરંભાઈ હતી. આને કારણે મારી દૃષ્ટિ ગાંધીજી ઉપરાંતનાં કાર્ટૂનો તરફ વિસ્તરી રહી હતી. આથી મેં કહ્યું, 'ગાંધીજી ઉપરાંત પણ અનેક વિષયો છે મારી પાસે.' કબીરભાઈએ તત્ક્ષણ કહ્યું, "તો પછી આપણે દર મહિને સિરીઝ કરીએ."
મેં પહેલા હપતાનો વિષય આપી દીધો, 'બ્રિટીશ રાજથી સ્વરાજ સુધી.' મારા મનમાં હતું કે ઈતિહાસના વિવિધ બનાવો પર આધારિત કાર્ટૂન બતાવીશ. પણ પહેલા હપ્તાનો જે પ્રચંડ પ્રતિસાદ મળ્યો એનાથી મને અહીંના સજ્જ શ્રોતાગણનો અનુભવ થયો. આથી મેં જુદી રીતે વિચાર્યું. મને થયું કે ઘટનાકેન્દ્રી, વ્યક્તિકેન્દ્રી કે કાર્ટૂનિસ્ટકેન્દ્રી કાર્ટૂન તો ગમે ત્યારે બતાવી શકાય એમ છે, પણ કાર્ટૂનિસ્ટો જે ઉપકરણોને કાર્ટૂનમાં પ્રયોજે છે એના વિશે કાર્યક્રમ કરીએ તો? વિચાર આવ્યો એ પછી એવાં કાર્ટૂન શોધવાનાં શરૂ કર્યાં. એનાં એ જ કાર્ટૂનોનો સંગ્રહ જુદી રીતે, અલગ નજરીયાથી તપાસવા માંડ્યો. અને લાગ્યું કે આ કરવા જેવું છે.
આથી આ સિરીઝનો બીજો હપતો 'Metamorphosis: કાયાપલટની કમાલ' શિર્ષકથી કર્યો. એ પછી ત્રીજો હપતો 'Inspirations: કલ ભી, આજ ભી', ચોથો હપતો 'Gandhi: The omnipresent yet absent' અને પાંચમો હપતો 'Maps: નકશામાં જોયું, જાણે ન કશામાં' કર્યો. ઉત્તરોત્તર નવા નવા વિષય આ રીતે સૂઝતા ગયા એમ એનો અમલ પણ થતો ગયો. આ શ્રેણીનો છઠ્ઠો હપતો છે 'Shadows: આપ કે પીછે ચલેગી આપ કી પરછાઈયાં'.
આ કાર્યક્રમોમાં શ્રોતાઓના પ્રતિસાદથી નવા નવા વિષયો ખેડવાનું સાહસ કરવાનું મન થાય છે. અહીં ખાસ ઉલ્લેખ ભાઈ સાવન ઝાલરિયાનો કરવો જોઈએ. કાર્યક્રમના પહેલા જ હપતાથી તેનું પોસ્ટર તૈયાર કરવાની જવાબદારી તેણે સંભાળી છે. તેની સમજણશક્તિ અને કળાસૂઝ પર હું આફરીન છું. તેને હું શિર્ષક અને પેટાશિર્ષક મોકલું અને ફોનથી આખો વિચાર સમજાવું કે એ પોસ્ટર તૈયાર કરીને મોકલે. ભાગ્યે જ મારે એમાં કશો મૂળભૂત ફેરફાર કરવાનો થાય. ડિઝાઈનની મૂળભૂત વિભાવના એટલી જ કે પોસ્ટર થીમનો ખ્યાલ આપે, છતાં એના વિશે ધારણા ન કરી શકાય.









આમ, કાર્ટૂન માટેના પ્રેમથી શરૂ થયેલો તેનો સંગ્રહ આટલા વરસે 'કહત કાર્ટૂન' શ્રેણી સુધી પહોંચ્યો છે. ત્યારે પેલો જ સંવાદ યાદ આવે છે: 'જબ જબ જો જો હોના હૈ, તબ તબ સો સો હોતા હૈ.'
અહીં નામોલ્લેખ છે એમના આભારનો કોઈ ઉપક્રમ નથી, કેમ કે, હમસફરોનો આભાર ન મનાય. સફરનો આનંદ સૌ સાથે મળીને માણીએ છીએ. ઘણા મિત્રો મળે ત્યારે કહે કે હવે તેઓ કાર્ટૂનને નવી દૃષ્ટિથી જોવા લાગ્યા છે, ત્યારે એમ લાગે કે આ કવાયત સાર્થક છે.
હવે એટલું કહી શકું કે 'વ્યંગ્યચિત્રોમાં ગાંધી' ઉપરાંત કોઈ ચોક્કસ વિષય પર આધારિત કાર્ટૂનોનો કાર્યક્રમ કરવો હોય તો અવશ્ય થઈ શકે.
'કહત કાર્ટૂન' શ્રેણીની છઠ્ઠી કડી નિમિત્તે આટલી કેફિયત.
વધુ વિગતો આ શ્રેણીના બાર હપતા થાય ત્યારે.

Saturday, March 16, 2024

રુંવાડાં ખડા, આંખો ભીની

કાર્યક્રમનો, થઈ ગયેલા કાર્યક્રમનો અહેવાલ હોય. કાર્યક્રમના રીહર્સલનો કંઈ અહેવાલ હોય? પણ છે. આ અહેવાલ આવતી કાલે યોજાનારા કાર્યક્રમના રીહર્સલનો જ છે.

નડિયાદની જ નહીં, સમસ્ત ખેડા જિલ્લાની એક માત્ર મહિલા કોલેજ સૂરજબા મહિલા આર્ટ્સ કૉલેજ દ્વારા આવતી કાલે, 17 માર્ચની સવારે સાડા નવે એક કાર્યક્રમનું આયોજન છે, જેનું શિર્ષક છે 'સો દા'ડા સાસુના, એક દા'ડો વહુનો.'
આ કૉલેજના પ્રાચાર્ય પ્રો. હસિત મહેતા સાથે દીર્ઘ પરિચય છે, અને તેમની કાર્યશૈલીથી ઘણો પરિચીત છું.
આ કૉલેજ ખરા અર્થમાં અનન્ય કહી શકાય એવી છે. અહીં ભણવા આવતી એકે એક વિદ્યાર્થીનીઓની આગવી કહાણી છે. આપણે સામાન્ય જીવનમાં કલ્પી ન હોય એવી વિપરીતતાઓ વચ્ચે પણ તેઓ કૉલેજ આવે છે, એટલું જ નહીં, પોતાના ક્ષેત્રે નામ ઊજાળે છે. કોઈક વિદ્યાર્થીની ખેતરમાં પાણી વાળવાનું કામ કરે, કોઈ વિદ્યાર્થીની પશુપાલન કરે, કોઈક પતંગો બનાવે, કોઈક ગરબાનું સુશોભન કરે, તો કોઈક સાવ ફેંકી દીધેલી ચીજમાંથી સુશોભનની એવી કળાકૃતિઓ તૈયાર કરે કે આપણે કદી કલ્પ્યું સુદ્ધાં ન હોય! વિદ્યાર્થીનીઓ આ કામ કંઈ માત્ર શોખ પૂરો કરવા માટે નથી કરતી, પણ આજીવિકા લેખે આ કામ તેમણે અપનાવ્યું છે. એટલે કે શોખ તો ખરો જ, પણ તેને આજીવિકા તરીકે અપનાવીને તેઓ તેમાંથી પોતાના અભ્યાસનો ખર્ચ કાઢે છે, સાથોસાથ, પરિવારને પણ ટેકારૂપ થાય છે. અને આ બધું તેઓ સાવ સહજપણે કરે છે. એ તો વિદ્યાર્થીનીઓ સાથે જીવંત સંપર્ક રાખતા પ્રાચાર્ય તેમજ અધ્યાપકગણ થકી આ બધું જાણવા મળે ત્યારે ખબર પડે!
એક તરફ આર્થિક -સામાજિક વિપરીતતાઓ અને એમાં અભ્યાસ આગળ ધપાવવાનો, સાથોસાથ પોતાના કૌશલ્યને વિકસાવીને આજીવિકા પણ રળવાની! આ સંજોગો એ સાસુ! આ વિપરીતતાઓ એ સાસુ! આ પ્રણાલિ એ સાસુ! આ અવરોધો એ સાસુ! અને એના પાછા સોએ સો દા'ડા! આ બધા વચ્ચે પોતાની પ્રતિભાના, પોતાના કૌશલ્યના પ્રદર્શનનો અને તેને બીરદાવવાનો ઉપક્રમ એટલે 'એક દા'ડો વહુનો.'
આજે સવારના દસ વાગ્યાથી નડિયાદના 'ઈપ્કોવાલા હૉલ'માં શરૂ થયેલું રિહર્સલ બપોરે ત્રણેક વાગ્યે પત્યું. કોઈ કલ્પી શકે કે સ્ટેજ પર સિલાઈ મશીન ગોઠવાયાં હોય અને એની પર બે વિદ્યાર્થીનીઓ નિદર્શન કરે? ગરબાનું સુશોભન ત્રણ વિદ્યાર્થીઓ લાઈવ કરી બતાવે? અરે, એક ભૂતપૂર્વ વિદ્યાર્થીની સ્ટેજ પર વાનગી બનાવે! સ્ટેજ પર ગેસનો ચૂલો, તવો, અને તડકો! આ બધું નજર સામે થતું જોઈને રીતસર રુંવાડા ખડા થઈ ગયા! પણ આસ્થાના નામની વિદ્યાર્થીનીએ તો રીતસર આંખો ભીની કરાવી દીધી. પ્રજ્ઞાચક્ષુ એવી આસ્થાનાના ભાગે એક ગીત ગાવાનું હતું. એની તૈયારી તે કરીને આવી હતી, પણ છેલ્લી ઘડીએ અન્ય એક વિદ્યાર્થીની ન આવી શકી એટલે તેને બદલે આસ્થાનાનું વધુ એક ગીત મૂકવાનું નક્કી થયું. અડધો-પોણો કલાક જેટલા ટૂંકા સમયમાં આસ્થાનાએ એ આત્મસાત કરી લીધું અને જે સહજતાથી રજૂ કર્યું એ સાંભળીને રીતસર આંખો ભરાઈ આવી. (એના ગાયનની ઝલક આપતી નાનકડી ક્લીપ મૂકી છે.)
આ કાર્યક્રમના રિહર્સલમાં હાજર રહેવાનો રોમાંચ એવો હતો કે એમ લાગ્યું કે રિહર્સલના અહેવાલ થકી આ કાર્યક્રમની જાણ સૌને કરવી જોઈએ. આવતી કાલે આપ નડિયાદમાં હો કે નડિયાદ આવી શકો એમ હો તો આપનું આ અનોખા અને અભૂતપૂર્વ કાર્યક્રમમાં સ્વાગત છે. આ કાર્યક્રમ તેમાં ઉપસ્થિત રહેનાર સૌ કોઈના જીવનભરનું સંભારણું બની રહેશે એની ખાતરી. કાર્યક્રમના સ્થળ અને સમયની વિગતો અહીં મૂકેલી છે.
આવતી કાલના કાર્યક્રમના આજે થયેલા રિહર્સલની કેટલીક તસવીરો.


સિલાઈકામ અને ભરતગૂંથણનું નિદર્શન

રસોઈનું નિદર્શન

આયોજનની રૂપરેખા અંગે ચર્ચા
 

આસ્થાનાના સ્વરે ગવાયેલા ગીતની ઝલક

Friday, March 15, 2024

નમ્બરીયા...કર ગયા મુઝ પે જાદુ

 કોઈ પણ નવિન ચીજની પ્રસ્તુતિનો કાર્યક્રમ હોય અને પેટમાં પતંગિયાં ઊડે એવું જ મને છેલ્લા બે એક સપ્તાહથી થતું હતું. એમાં રોમાંચ ઉપરાંત અનિશ્ચિતતા અને તેને લઈને સહેજ અજંપાનો પણ ભાવ હોય. હિન્દી ફિલ્મોની ટાઈટલ ટ્રેક ધ્યાનપૂર્વક સાંભળવાનું અને એના વિશે ફેસબુક પર લખવાનું શરૂ કર્યા પછી ખ્યાલ આવ્યો કે હિન્દી સિનેમાનું આ ક્ષેત્ર લગભગ વણખેડાયેલું જ રહ્યું છે. ફેસબુક પર એકસો પચાસ ફિલ્મનાં ટાઈટલ મ્યુઝિક વિશે લખવા દરમિયાન એનાથી ત્રણ-ચાર ગણી ટાઈટલ ટ્રેક સાંભળવામાં આવી હશે. આમ છતાં, એની રજૂઆત કાર્યક્રમ દ્વારા થઈ શકે એવો વિચાર આવ્યો નહોતો, કેમ કે, એવો કાર્યક્રમ રાખે કોણ? અને કોઈ રાખે તો એમાં આવે કોણ?

આ બન્ને સવાલના જવાબ ગઈ કાલ, 14મી માર્ચે મળી ગયા. અમદાવાદના સાંસ્કૃતિક ધામ 'સ્ક્રેપયાર્ડ' સાથે મારો નાતો છેલ્લા છએક મહિનાથી બંધાયો છે, જેમાં દર મહિનાના ચોથા શુક્રવારે કાર્ટૂનકળાનાં વિવિધ આયામ વિશેનો કાર્યક્રમ રજૂ થાય છે. અહીંના કેળવાયેલા શ્રોતાગણ સમક્ષ આ કાર્યક્રમ ચોક્કસ થઈ શકે એમ મને લાગ્યું. પહેલાં મેં ઉર્વીશ સાથે કાર્યક્રમની રૂપરેખાની ચર્ચા કરી. એ પણ અઘરી કવાયત હતી, કેમ કે, હું નિજાનંદ માટે ટાઈટલ મ્યુઝિક સાંભળું એ અલગ વાત થઈ, અને એની રસપ્રદ રજૂઆત કરવી એ સાવ જુદું. બીજું, આ વિષય એવો છે કે એની સાથે ખાસ કથાઓ જોડાયેલી નથી. ઘણી મગજમારી પછી આખરે અમે અમુક સ્વરૂપ ઘડ્યું અને એ પછી 'સ્ક્રેપયાર્ડ'ના કબીરભાઈને એના વિશે વાત કરી. આ અનોખા કાર્યક્રમ માટે સકારણ અમે 14 માર્ચનો દિવસ નક્કી કર્યો. કેમ કે, 92 વર્ષ પહેલાં, 1931માં બરાબર આ જ દિવસે પ્રથમ ભારતીય બોલપટ 'આલમઆરા' રજૂઆત પામ્યું હતું.
કબીરભાઈ અને સાવને આ ઘટનાને સાંકળતું મસ્ત પોસ્ટર તૈયાર કર્યું. કાર્યક્રમનું શિર્ષક તેના વિષયને અનુરૂપ જ 'નમ્બરીયા' રખાયું. ધાર્યા મુજબ, આખેઆખી બે-ત્રણ પેઢીનું એની સાથે- આ શબ્દ સાથે અનુસંધાન નીકળ્યું. અનેક લોકો આ શિર્ષકથી આકર્ષાઈને આવ્યા.
મને સહેજ ફિકર એ હતી કે આટલા બધા લોકો મોટી અપેક્ષા સાથે આવ્યા હોય ત્યારે તેમનો રસ કાર્યક્રમમાં છેક સુધી જળવાઈ રહેશે ખરો? ખરેખર તો આ અજંપાએ જ કાર્યક્રમમાં શક્ય એટલું વૈવિધ્ય ઉમેરવાનો વિચાર આવતો ગયેલો.
પોસ્ટર જોઈને ઘણાને એવી પણ ગેરસમજ થયેલી કે આ 'આલમઆરા'નો શો છે, પણ એ તો આવતાં પહેલાં.
'નમ્બરીયા'નો કાર્યક્રમ હોય અને એની પહેલાં એની પૂર્વભૂમિકા બંધાતી હશે? આથી સીધા 'નમ્બરીયા' જ શરૂ થયા. 'જહોની મેરા નામ'ની કલ્યાણજી-આણંદજીએ તૈયાર કરેલી ટાઈટલ ટ્રેક શરૂ થતાં જ અંધારામાં પણ મને જણાયું કે એક હળવો રોમાંચ ફરી વળ્યો છે. થિયેટરમાં વાગતી એ જ રીતે સિસોટી પણ સંભળાઈ અને આખો માહોલ બની ગયો.

આજની રજૂઆત 'નમ્બરીયા'


કાર્યક્રમના આરંભ પહેલાં કબીરભાઈ દ્વારા
સ્ક્રેપયાર્ડની પ્રવૃત્તિ વિશે ટૂંકમાં પરિચય

ટાઈટલ ટ્રેક માણવામાં મગ્ન શ્રોતાગણ

બે ટ્રેકની વચ્ચે થોડી વાત,
સાથે કમ્પ્યુટર પર ઈશાન (તસવીર: બિનીત મોદી)

પ્રોત્સાહક પ્રતિભાવ

બસ, એ પછીનો દોઢેક કલાક અવનવાં આશ્ચર્યોથી ભરેલો હતો. હિન્દી ફિલ્મોનાં ટાઈટલ મ્યુઝિકમાં કેવી કેવી શૈલીઓ પ્રયોજાતી આવી છે, એમાં કેવું કેવું વૈવિધ્ય જોવા મળે છે એ ઉદાહરણ સાથે રજૂ થતું ગયું, જે ખરા અર્થમાં 'સરપ્રાઈઝ પેકેજ' બની રહ્યું. વચ્ચે વચ્ચે રજૂ થતી બારીકીઓ પ્રેક્ષકો સુધી પહોંચે અને એનો તત્ક્ષણ પ્રતિભાવ મળે એ જોઈને મજા આવે.
ફિલ્મસંગીતના ધુરંધર કહી શકાય એવા અનેક વડીલો-મિત્રો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા, એમ હું જેમને જરાય જાણતો નહોતો એવા સંગીતપ્રેમીઓ પણ માત્ર ને માત્ર આ વિષયના કારણે હાજર રહ્યા. એ આ વિષયનો પ્રતાપ.
અત્યાર સુધી મારી જાણમાં સંગીતના વિવિધ સ્ટેજ કાર્યક્રમોમાં ટાઈટલ મ્યુઝીકની અમુક ટ્રેક વગાડાતી સાંભળી છે, પણ આખેઆખા ટાઈટલ મ્યુઝીક પર કોઈ કાર્યક્રમ થયો હોય એવું કમ સે કમ મારી જાણમાં નથી. એ રીતે પણ આ કાર્યક્રમ વિશિષ્ટ બની રહ્યો.
હિન્દી ફિલ્મસંગીતના આવડા મોટા મહાસાગરમાંથી આ તો એક વાટકી જેટલું જ આચમન હતું. આ શ્રેણીમાં બીજો કાર્યક્રમ કરવાનું અત્યારે તો મનથી નક્કી છે.
(તસવીરો: ઈશાન કોઠારી અને બિનીત મોદી)

Wednesday, March 13, 2024

જ્યોતિભાઈના જન્મદિને

 ગઈ કાલ 12 માર્ચે જ્યોતિ ભટ્ટનો 90મો જન્મદિન હતો. એ નિમિત્તે તેમની દીકરી જાઈ તેમજ તેમના બૃહદ પરિવારે એક નાનકડા, અનૌપચારિક છતાં આત્મીય કાર્યક્રમનું આયોજન કરેલું. વડોદરાના કલાવર્તુળમાં જ્યોતિભાઈ અને જ્યોત્સ્નાબહેનનું નામ બહુ આદરપૂર્વક લેવાય છે. જ્યોત્સ્નાબહેને તો થોડા સમય પહેલાં જ વિદાય લીધી. જ્યોતિભાઈની પ્રાથમિક ઓળખ ચિત્રકાર, તસવીરકાર, પ્રિન્ટમેકર તરીકે આપી શકાય. તેમણે કળાવિષયક લેખો પણ ગુજરાતીમાં લખ્યા છે, જેનો સંચય રમણિકભાઈ ઝાપડીયાની સંસ્થા 'કલા પ્રતિષ્ઠાન' દ્વારા 'રૂપ નામ જૂજવાં' શિર્ષકથી પ્રકાશિત કરેલો છે. પણ આ બધાથી ઉપર જ્યોતિભાઈની ઓળખ એટલે એક સાચા શિક્ષકની, માર્ગદર્શકની.

1991માં ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સ સાથે મારો એકાદ વર્ષ જેટલો ટૂંકો સંબંધ બંધાયો એ જ વરસે જ્યોતિભાઈ નિવૃત્ત થયેલા. પેઈન્ટિંગ વિભાગ દ્વારા તેમને અપાયેલી ફેરવેલ દરમિયાન તેમણે પોતાનો પ્રતિભાવ નહોતો પાઠવ્યો, બલ્કે તેઓ એ પાઠવી નહોતા શક્યા એ હદે તેઓ લાગણીવશ થઈ ગયેલા. આ લાગણીવશતા અને બીજી તરફ હેતુલક્ષિતા- બન્ને તેમની પ્રકૃતિમાં સહજપણે જોવા મળે.


ગઈ કાલના કાર્યક્રમમાં તેમના મિત્રો, સગાં, શુભેચ્છકોએ તેમના વિશે પોતાના અનુભવો ટૂંકમાં કહેવાનો ઉપક્રમ રાખેલો. અને એ પછી સૌથી છેલ્લે જ્યોતિભાઈનો પોતાનો પ્રતિભાવ. પણ જ્યોતિભાઈ વતી આ પ્રતિભાવ મિત્ર પિયૂષ ઠક્કર દ્વારા વાંચી સંભળાવવામાં આવ્યો. જ્યોતિભાઈની આંખ સાવ ઓછું કામ આપે છે, અને ઉત્તરોત્તર તે ક્ષીણ થતી રહી છે. આમ છતાં, તેમનો જીવનરસ સૂકાયો નથી. વાંચન માટે તેમને ત્યાં એક સહાયક આવે છે, જે તેમને વિવિધ લેખો, પુસ્તકોમાંથી વાંચી સંભળાવે છે. દેશવિદેશમાં પ્રસરેલા તેમના વિદ્યાર્થીઓ અને શુભેચ્છકો હજી 'સર'ની ખબરઅંતર લેતા રહે છે, અને પોતાનું ઘર સમજીને તેમને ત્યાં મળવા આવે છે. વિદ્યાર્થીઓનો આવો નિ:સ્વાર્થ પ્રેમ પામવાનું સદ્ભાગ્ય ઓછા લોકોને સાંપડતું હોય છે!
ગઈ કાલના કાર્યક્રમની ઝલક આપતી કેટલીક તસવીરો.
જ્યોતિભાઈનો બૃહદ પરિવાર

વિવિધ આમંત્રિતો દ્વારા જ્યોતિભાઈ સાથેનાં
પોતાનાં સંભારણાંની ટૂંકમાં રજૂઆત

પિયૂષ ઠક્કર દ્વારા જ્યોતિભાઈના પ્રતિભાવનું પઠન