Friday, March 22, 2024

જબ જબ જો જો હોના હૈ, તબ તબ સો સો હોતા હૈ.

 એક ફિલ્મમાં એક પાત્રના મોંએ આ તકિયાકલામ સાંભળવા મળે છે. આમ તો રમૂજપ્રેરક, છતાં વાસ્તવિક સંવાદ છે આ. છ મહિનાથી સ્ક્રેપયાર્ડમાં ચાલી રહેલી મારી 'કહત કાર્ટૂન' શ્રેણીને આ બરાબર લાગુ પડે છે.

કાર્ટૂનને જાહેરમાં બતાવી શકાય એ વિચાર મને પહેલવહેલો ગાંધીજીનાં કાર્ટૂન બાબતે આવેલો. એ માટેની તક મળી એટલે મેં 'વ્યંગ્યચિત્રોમાં ગાંધી' કાર્યક્રમ તૈયાર કર્યો. 2016ની 2 ઑક્ટોબરે પહેલી વાર એ દર્શાવ્યો એ પછી અનેક જગ્યાએ આ કાર્યક્રમ માટે કહેણ આવતું ગયું અને એ હું રજૂ કરતો ગયો. એ જ ક્રમમાં એક વાર ભાઈ પારસ દવેએ ગુતાલની શાળામાં આ કાર્યક્રમ માટે કહેણ મોકલ્યું. આ શાળા અને એના વિદ્યાર્થીઓ વિશે મને જાણ હતી અને પારસની નિસ્બત વિશે પણ, આથી મેં એક સૂચન કર્યું. તે એ કે વિદ્યાર્થીઓને સીધેસીધાં ગાંધીજીનાં કાર્ટૂન બતાવવાને બદલે પહેલાં એમને કાર્ટૂનકળા વિશે માહિતગાર કરીએ. પારસે આ વાત ઝીલી લીધી અને એ ખ્યાલ મનમાં રાખીને મેં 'આવો, કાર્ટૂન માણીએ' કાર્યક્રમ તૈયાર કર્યો. એ વર્ષ 2021નું. આ કાર્યક્રમ માટે પણ કહેણ આવવા લાગ્યાં અને તેની રજૂઆત થતી ચાલી.
એ દરમિયાન રાજુ પટેલ મને ધક્કા મારતા હતા કે મારે આ કાર્યક્રમ જાહેરમાં કરવા અને એ પણ ટિકિટવાળા. પણ એ માટેનો આયોજનપક્ષ સંભાળવાની મારી માનસિકતા નહોતી, તેથી એ દિશામાં હું આગળ વધ્યો નહીં. રાજુએ મને સ્ક્રેપયાર્ડમાં (કબીર ઠાકોર-નેહા શાહ) આ કાર્યક્રમ કરવા સૂચવ્યું. એક યા બીજા કારણસર આ ઠેલાતું રહ્યું. આખરે એ મુહૂર્ત આવ્યું 2023ના સપ્ટેમ્બરમાં.
મેં કબીરભાઈને ફોન કર્યો અને કાર્યક્રમ યોજવા અંગે જણાવ્યું તો તેમણે કહ્યું, 'અમે જ તમને આ કાર્યક્રમ માટે બોલાવવાનું વિચારતા હતા. બોલો, ગાંધીજીવાળો કાર્યક્રમ ક્યારે કરવો છે?" દરમિયાન ઑગષ્ટ, 2023થી 'નવનીત સમર્પણ'માં મારી શ્રેણી 'કાર્ટૂનકથા' આરંભાઈ હતી. આને કારણે મારી દૃષ્ટિ ગાંધીજી ઉપરાંતનાં કાર્ટૂનો તરફ વિસ્તરી રહી હતી. આથી મેં કહ્યું, 'ગાંધીજી ઉપરાંત પણ અનેક વિષયો છે મારી પાસે.' કબીરભાઈએ તત્ક્ષણ કહ્યું, "તો પછી આપણે દર મહિને સિરીઝ કરીએ."
મેં પહેલા હપતાનો વિષય આપી દીધો, 'બ્રિટીશ રાજથી સ્વરાજ સુધી.' મારા મનમાં હતું કે ઈતિહાસના વિવિધ બનાવો પર આધારિત કાર્ટૂન બતાવીશ. પણ પહેલા હપ્તાનો જે પ્રચંડ પ્રતિસાદ મળ્યો એનાથી મને અહીંના સજ્જ શ્રોતાગણનો અનુભવ થયો. આથી મેં જુદી રીતે વિચાર્યું. મને થયું કે ઘટનાકેન્દ્રી, વ્યક્તિકેન્દ્રી કે કાર્ટૂનિસ્ટકેન્દ્રી કાર્ટૂન તો ગમે ત્યારે બતાવી શકાય એમ છે, પણ કાર્ટૂનિસ્ટો જે ઉપકરણોને કાર્ટૂનમાં પ્રયોજે છે એના વિશે કાર્યક્રમ કરીએ તો? વિચાર આવ્યો એ પછી એવાં કાર્ટૂન શોધવાનાં શરૂ કર્યાં. એનાં એ જ કાર્ટૂનોનો સંગ્રહ જુદી રીતે, અલગ નજરીયાથી તપાસવા માંડ્યો. અને લાગ્યું કે આ કરવા જેવું છે.
આથી આ સિરીઝનો બીજો હપતો 'Metamorphosis: કાયાપલટની કમાલ' શિર્ષકથી કર્યો. એ પછી ત્રીજો હપતો 'Inspirations: કલ ભી, આજ ભી', ચોથો હપતો 'Gandhi: The omnipresent yet absent' અને પાંચમો હપતો 'Maps: નકશામાં જોયું, જાણે ન કશામાં' કર્યો. ઉત્તરોત્તર નવા નવા વિષય આ રીતે સૂઝતા ગયા એમ એનો અમલ પણ થતો ગયો. આ શ્રેણીનો છઠ્ઠો હપતો છે 'Shadows: આપ કે પીછે ચલેગી આપ કી પરછાઈયાં'.
આ કાર્યક્રમોમાં શ્રોતાઓના પ્રતિસાદથી નવા નવા વિષયો ખેડવાનું સાહસ કરવાનું મન થાય છે. અહીં ખાસ ઉલ્લેખ ભાઈ સાવન ઝાલરિયાનો કરવો જોઈએ. કાર્યક્રમના પહેલા જ હપતાથી તેનું પોસ્ટર તૈયાર કરવાની જવાબદારી તેણે સંભાળી છે. તેની સમજણશક્તિ અને કળાસૂઝ પર હું આફરીન છું. તેને હું શિર્ષક અને પેટાશિર્ષક મોકલું અને ફોનથી આખો વિચાર સમજાવું કે એ પોસ્ટર તૈયાર કરીને મોકલે. ભાગ્યે જ મારે એમાં કશો મૂળભૂત ફેરફાર કરવાનો થાય. ડિઝાઈનની મૂળભૂત વિભાવના એટલી જ કે પોસ્ટર થીમનો ખ્યાલ આપે, છતાં એના વિશે ધારણા ન કરી શકાય.









આમ, કાર્ટૂન માટેના પ્રેમથી શરૂ થયેલો તેનો સંગ્રહ આટલા વરસે 'કહત કાર્ટૂન' શ્રેણી સુધી પહોંચ્યો છે. ત્યારે પેલો જ સંવાદ યાદ આવે છે: 'જબ જબ જો જો હોના હૈ, તબ તબ સો સો હોતા હૈ.'
અહીં નામોલ્લેખ છે એમના આભારનો કોઈ ઉપક્રમ નથી, કેમ કે, હમસફરોનો આભાર ન મનાય. સફરનો આનંદ સૌ સાથે મળીને માણીએ છીએ. ઘણા મિત્રો મળે ત્યારે કહે કે હવે તેઓ કાર્ટૂનને નવી દૃષ્ટિથી જોવા લાગ્યા છે, ત્યારે એમ લાગે કે આ કવાયત સાર્થક છે.
હવે એટલું કહી શકું કે 'વ્યંગ્યચિત્રોમાં ગાંધી' ઉપરાંત કોઈ ચોક્કસ વિષય પર આધારિત કાર્ટૂનોનો કાર્યક્રમ કરવો હોય તો અવશ્ય થઈ શકે.
'કહત કાર્ટૂન' શ્રેણીની છઠ્ઠી કડી નિમિત્તે આટલી કેફિયત.
વધુ વિગતો આ શ્રેણીના બાર હપતા થાય ત્યારે.

No comments:

Post a Comment