કાર્યક્રમનો, થઈ ગયેલા કાર્યક્રમનો અહેવાલ હોય. કાર્યક્રમના રીહર્સલનો કંઈ અહેવાલ હોય? પણ છે. આ અહેવાલ આવતી કાલે યોજાનારા કાર્યક્રમના રીહર્સલનો જ છે.
નડિયાદની જ નહીં, સમસ્ત ખેડા જિલ્લાની એક માત્ર મહિલા કોલેજ સૂરજબા મહિલા આર્ટ્સ કૉલેજ દ્વારા આવતી કાલે, 17 માર્ચની સવારે સાડા નવે એક કાર્યક્રમનું આયોજન છે, જેનું શિર્ષક છે 'સો દા'ડા સાસુના, એક દા'ડો વહુનો.'
આ કૉલેજના પ્રાચાર્ય પ્રો. હસિત મહેતા સાથે દીર્ઘ પરિચય છે, અને તેમની કાર્યશૈલીથી ઘણો પરિચીત છું.
આ કૉલેજ ખરા અર્થમાં અનન્ય કહી શકાય એવી છે. અહીં ભણવા આવતી એકે એક વિદ્યાર્થીનીઓની આગવી કહાણી છે. આપણે સામાન્ય જીવનમાં કલ્પી ન હોય એવી વિપરીતતાઓ વચ્ચે પણ તેઓ કૉલેજ આવે છે, એટલું જ નહીં, પોતાના ક્ષેત્રે નામ ઊજાળે છે. કોઈક વિદ્યાર્થીની ખેતરમાં પાણી વાળવાનું કામ કરે, કોઈ વિદ્યાર્થીની પશુપાલન કરે, કોઈક પતંગો બનાવે, કોઈક ગરબાનું સુશોભન કરે, તો કોઈક સાવ ફેંકી દીધેલી ચીજમાંથી સુશોભનની એવી કળાકૃતિઓ તૈયાર કરે કે આપણે કદી કલ્પ્યું સુદ્ધાં ન હોય! વિદ્યાર્થીનીઓ આ કામ કંઈ માત્ર શોખ પૂરો કરવા માટે નથી કરતી, પણ આજીવિકા લેખે આ કામ તેમણે અપનાવ્યું છે. એટલે કે શોખ તો ખરો જ, પણ તેને આજીવિકા તરીકે અપનાવીને તેઓ તેમાંથી પોતાના અભ્યાસનો ખર્ચ કાઢે છે, સાથોસાથ, પરિવારને પણ ટેકારૂપ થાય છે. અને આ બધું તેઓ સાવ સહજપણે કરે છે. એ તો વિદ્યાર્થીનીઓ સાથે જીવંત સંપર્ક રાખતા પ્રાચાર્ય તેમજ અધ્યાપકગણ થકી આ બધું જાણવા મળે ત્યારે ખબર પડે!
એક તરફ આર્થિક -સામાજિક વિપરીતતાઓ અને એમાં અભ્યાસ આગળ ધપાવવાનો, સાથોસાથ પોતાના કૌશલ્યને વિકસાવીને આજીવિકા પણ રળવાની! આ સંજોગો એ સાસુ! આ વિપરીતતાઓ એ સાસુ! આ પ્રણાલિ એ સાસુ! આ અવરોધો એ સાસુ! અને એના પાછા સોએ સો દા'ડા! આ બધા વચ્ચે પોતાની પ્રતિભાના, પોતાના કૌશલ્યના પ્રદર્શનનો અને તેને બીરદાવવાનો ઉપક્રમ એટલે 'એક દા'ડો વહુનો.'
આજે સવારના દસ વાગ્યાથી નડિયાદના 'ઈપ્કોવાલા હૉલ'માં શરૂ થયેલું રિહર્સલ બપોરે ત્રણેક વાગ્યે પત્યું. કોઈ કલ્પી શકે કે સ્ટેજ પર સિલાઈ મશીન ગોઠવાયાં હોય અને એની પર બે વિદ્યાર્થીનીઓ નિદર્શન કરે? ગરબાનું સુશોભન ત્રણ વિદ્યાર્થીઓ લાઈવ કરી બતાવે? અરે, એક ભૂતપૂર્વ વિદ્યાર્થીની સ્ટેજ પર વાનગી બનાવે! સ્ટેજ પર ગેસનો ચૂલો, તવો, અને તડકો! આ બધું નજર સામે થતું જોઈને રીતસર રુંવાડા ખડા થઈ ગયા! પણ આસ્થાના નામની વિદ્યાર્થીનીએ તો રીતસર આંખો ભીની કરાવી દીધી. પ્રજ્ઞાચક્ષુ એવી આસ્થાનાના ભાગે એક ગીત ગાવાનું હતું. એની તૈયારી તે કરીને આવી હતી, પણ છેલ્લી ઘડીએ અન્ય એક વિદ્યાર્થીની ન આવી શકી એટલે તેને બદલે આસ્થાનાનું વધુ એક ગીત મૂકવાનું નક્કી થયું. અડધો-પોણો કલાક જેટલા ટૂંકા સમયમાં આસ્થાનાએ એ આત્મસાત કરી લીધું અને જે સહજતાથી રજૂ કર્યું એ સાંભળીને રીતસર આંખો ભરાઈ આવી. (એના ગાયનની ઝલક આપતી નાનકડી ક્લીપ મૂકી છે.)
આ કાર્યક્રમના રિહર્સલમાં હાજર રહેવાનો રોમાંચ એવો હતો કે એમ લાગ્યું કે રિહર્સલના અહેવાલ થકી આ કાર્યક્રમની જાણ સૌને કરવી જોઈએ. આવતી કાલે આપ નડિયાદમાં હો કે નડિયાદ આવી શકો એમ હો તો આપનું આ અનોખા અને અભૂતપૂર્વ કાર્યક્રમમાં સ્વાગત છે. આ કાર્યક્રમ તેમાં ઉપસ્થિત રહેનાર સૌ કોઈના જીવનભરનું સંભારણું બની રહેશે એની ખાતરી. કાર્યક્રમના સ્થળ અને સમયની વિગતો અહીં મૂકેલી છે.
આવતી કાલના કાર્યક્રમના આજે થયેલા રિહર્સલની કેટલીક તસવીરો.
No comments:
Post a Comment