ગઈ કાલ 12 માર્ચે જ્યોતિ ભટ્ટનો 90મો જન્મદિન હતો. એ નિમિત્તે તેમની દીકરી જાઈ તેમજ તેમના બૃહદ પરિવારે એક નાનકડા, અનૌપચારિક છતાં આત્મીય કાર્યક્રમનું આયોજન કરેલું. વડોદરાના કલાવર્તુળમાં જ્યોતિભાઈ અને જ્યોત્સ્નાબહેનનું નામ બહુ આદરપૂર્વક લેવાય છે. જ્યોત્સ્નાબહેને તો થોડા સમય પહેલાં જ વિદાય લીધી. જ્યોતિભાઈની પ્રાથમિક ઓળખ ચિત્રકાર, તસવીરકાર, પ્રિન્ટમેકર તરીકે આપી શકાય. તેમણે કળાવિષયક લેખો પણ ગુજરાતીમાં લખ્યા છે, જેનો સંચય રમણિકભાઈ ઝાપડીયાની સંસ્થા 'કલા પ્રતિષ્ઠાન' દ્વારા 'રૂપ નામ જૂજવાં' શિર્ષકથી પ્રકાશિત કરેલો છે. પણ આ બધાથી ઉપર જ્યોતિભાઈની ઓળખ એટલે એક સાચા શિક્ષકની, માર્ગદર્શકની.
1991માં ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સ સાથે મારો એકાદ વર્ષ જેટલો ટૂંકો સંબંધ બંધાયો એ જ વરસે જ્યોતિભાઈ નિવૃત્ત થયેલા. પેઈન્ટિંગ વિભાગ દ્વારા તેમને અપાયેલી ફેરવેલ દરમિયાન તેમણે પોતાનો પ્રતિભાવ નહોતો પાઠવ્યો, બલ્કે તેઓ એ પાઠવી નહોતા શક્યા એ હદે તેઓ લાગણીવશ થઈ ગયેલા. આ લાગણીવશતા અને બીજી તરફ હેતુલક્ષિતા- બન્ને તેમની પ્રકૃતિમાં સહજપણે જોવા મળે.
ગઈ કાલના કાર્યક્રમમાં તેમના મિત્રો, સગાં, શુભેચ્છકોએ તેમના વિશે પોતાના અનુભવો ટૂંકમાં કહેવાનો ઉપક્રમ રાખેલો. અને એ પછી સૌથી છેલ્લે જ્યોતિભાઈનો પોતાનો પ્રતિભાવ. પણ જ્યોતિભાઈ વતી આ પ્રતિભાવ મિત્ર પિયૂષ ઠક્કર દ્વારા વાંચી સંભળાવવામાં આવ્યો. જ્યોતિભાઈની આંખ સાવ ઓછું કામ આપે છે, અને ઉત્તરોત્તર તે ક્ષીણ થતી રહી છે. આમ છતાં, તેમનો જીવનરસ સૂકાયો નથી. વાંચન માટે તેમને ત્યાં એક સહાયક આવે છે, જે તેમને વિવિધ લેખો, પુસ્તકોમાંથી વાંચી સંભળાવે છે. દેશવિદેશમાં પ્રસરેલા તેમના વિદ્યાર્થીઓ અને શુભેચ્છકો હજી 'સર'ની ખબરઅંતર લેતા રહે છે, અને પોતાનું ઘર સમજીને તેમને ત્યાં મળવા આવે છે. વિદ્યાર્થીઓનો આવો નિ:સ્વાર્થ પ્રેમ પામવાનું સદ્ભાગ્ય ઓછા લોકોને સાંપડતું હોય છે!
ગઈ કાલના કાર્યક્રમની ઝલક આપતી કેટલીક તસવીરો.
No comments:
Post a Comment