પાંચ વર્ષનો સમયગાળો લાંબો કહેવાય કે ટૂંકો ગણાય કે મધ્યમ? એનો આધાર આપણે શું છીએ તેની પર છે. ‘શું છીએ’ વિચારતાં આપણા મનમાં ડૉક્ટર, ઈજનેર, વકીલ, જજ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે એવા કોઈ વ્યવસાયનો ખ્યાલ સામાન્ય રીતે આવશે. તેને બદલે એમ વિચારવાનું છે કે આપણે માણસ છીએ કે માખી, હાથી છીએ કે હીપોપોટેમસ, શાહુડી છીએ કે શિયાળ! 'થીન્કીંગ આઉટ ઓફ બોક્સ'નો જમાનો છે!
ટ્યૂશનસ્ય પ્રથમ દિવસે |
પાંચ વર્ષે બાળક સિનીયર કે.જી. પૂરું કરીને પહેલા ધોરણમાં આવે
છે અને પોતાના ટ્યુશનજીવનનો આરંભ કરે છે. આટલા સમયગાળામાં મધમાખીની રાણીનો એક અવતાર
પૂરો થાય છે, જ્યારે સાદી મધમાખીની પાંચ જિંદગી પૂરી થાય છે-
જો પછીના અવતારોમાં એ માખી તરીકે જન્મે તો.
લોબસ્ટટર: પહલા ઘંટા બચપન હૈ |
ટચૂકડું ગીનીપીગ પણ વૃદ્ધ થાય છે અને વિચારે છે કે હવે મારે
એક જ વરસ બાકી રહ્યું, પણ મોટા થઈ જ ન શકાયું.
લોબસ્ટરનું ત્રીજા ભાગનું જીવન આટલા સમયગાળામાં સંપન્ન થાય છે.
ઘેટું: હવે સ્વતંત્રપણે વિચારવાનું આ છેલ્લું વરસ. |
કવિ નીરજના શબ્દોમાં
કહીએ તો એનો ‘પહલા ઘંટા બચપન હૈ’ પૂરો થાય છે અને જવાની તેમજ બુઢાપાના પાંચ પાંચ
વરસ બાકી રહે છે- જો કોઈ રેસ્ટોરાંમાં વાનગી તરીકે તે ન પીરસાય તો. એ જ રીતે ઘેટાના
જીવનનો પહેલો ‘ઘંટો’ પણ વીતી જાય છે અને તેનામાં એ સમજ આવી જાય છે કે આપણે હવે સ્વતંત્રપણે
નહીં, પણ સમાજમાં સૌની પછવાડે ચાલવાનું છે. બકરીને
થાય છે કે ‘મેં..મેં’ કરવાના હવે દસ જ વરસ
બાકી રહ્યા ગણાય. આવતા ભવે માણસ ન બનાય તો? માણસ બનીએ અને ન કરે
નારાયણ ને ગુજરાતી અખબારમાં સિનીયર કોલમીસ્ટ ન બનાય તો? એનાં
કરતાં આ ભવે જે તક મળી એનો ઉપયોગ કરી લેવો. ઉંદર બિલાડીના પંજે
કે માણસના હાથે ચાર વરસ સુધીમાં મરાઈ ન જાય તો પાંચમે વરસે તેના વારસદારો તેની વરસી
ઉજવે છે. દર વરસે આ રીતે કોઈ ને કોઈ મૂષક મહાનુભાવની વરસી આવતી હોય છે અને તેમના જ્ઞાતિભોજનનો
અવસર યોજાતો રહે છે. સરકારે માત્ર નાગરિકોનું જ ધ્યાન નથી રાખવાનું હોતું. આથી તેમણે
દર વરસે ફરજિયાત પુસ્તકમેળા યોજવા પડે છે.
ઉંદર: કબ હૈ પુસ્તકમેલા? |
શાહુડી પાંચમા વરસે પોતાના જીવનનો ચોથો ભાગ સંપન્ન કરે છે, અને તેના વાળ (પીંછાં/સિસોળીયાં) ઓળી શકાય એવા
બનવા લાગે છે. શાહુડીઓ ઓળતી નથી એ અલગ વાત છે.
કાંગારૂને થાય છે કે બહોત ગઈ ને થોડી રહી. જેટલાં કાઢ્યાં છે
એટલાં હવે ક્યાં કાઢવાનાં છે. માટે હવે સુખેદુ:ખે
બાકીના ચાર વરસ ઠેકડા મારવાનો આનંદ લૂંટી લો, પછી આવતા ભવે વાંદરા
કે માણસ ન બન્યા તો? ગાલાપગોસના કાચબાઓ
પાંચ વરસના થાય ત્યાં સુધી તો એમની બિરાદરીવાળા એમને જન્મેલા ગણતા હશે કે કેમ એ જ સવાલ
છે. બસો વરસના તેમના આયુષ્યમાં કેટલી બધી ‘જનરેશન’ એક સાથે જીવતી હશે અને કેટલી બધી ‘જનરેશન ગેપ’ હશે? કદાચ આ ‘ગેપ’ને કારણે જ તેઓ ગાલાપગોસ ટાપુ છોડીને ક્યાંય જતા
ન હોય એમ બને.
કાચબો: ઘણી જનરેશન, બહુ બધી ગેપ |
ઘોડો વિચારતો હશે કે અમારામાં અને માણસમાં કેટલું સામ્ય છે!
પાંચ વર્ષની ઉંમરથી અમારી પીઠ પર બોજો લદાઈ જાય છે. જો કે, તેને એ તફાવત બાબતે આશ્ચર્ય થતું હશે કે અશ્વસમાજમાં
‘લાઈફ એન્ડ્સ એટ ફોર્ટી’ની કહેવત છે, જ્યારે માનવસમાજમાં
‘લાઈફ બીગીન્સ એટ ફોર્ટી’ની કહેવત શાથી પડી હશે?
પાંચ વર્ષની ગરોળી પોતાની ઉંમરના એલિગેટરના બચ્ચાને દબડાવતી
હોય એમ બને, પણ બહુ ઝડપથી તેને ખ્યાલ આવી જતો હશે કે ‘મગર! ક્યા કરેં, અપની રાહેં જુદા હૈ’.
**** **** ****
બોક્સની બહાર વિચારવાનો બોજો |
આજકાલ ‘આઉટ ઑફ બોક્સ’ વિચારવાની ફેશન છે. સારું છે કે આ બિમારી ફક્ત
માણસમાં જ છે. એરકન્ડીશનર, ફ્રીઝ, ટી.વી. અને એવી સેંકડો પ્રોડક્ટો ‘આઉટ ઑફ બોક્સ’ વિચારશે એ દિવસે
આપણું આવી બનવાનું છે. પાંચ વર્ષમાં શું શું
કેવું કેવું થઈ શકે એની આ કેવળ ઝલક માત્ર છે. કોઈને પણ સવાલ થાય એ અગાઉ જણાવી દઉં કે
આજના દિવસે આ બ્લોગ પણ પાંચ વર્ષ પૂરાં કરીને છઠ્ઠા વર્ષમાં પ્રવેશી રહ્યો છે. એ કેવો
બનાવવા ધાર્યો હતો, કેવો બન્યો
છે, અને હજી કેવો બનશે એ અંગે બહુ ફિકર ન કરશો. કેમ કે, ઉપર જોયું એમ પાંચ વર્ષનો ગાળો નથી મોટો કે નથી નાનો કે નથી મધ્યમ. આધાર
સમયગાળા પર નહીં, પણ આપણે ‘શું’ છીએ એની પર છે.
મારે એટલું જ કહેવાનું કે
મને નિયમીતપણે અનિયમીતરૂપે બ્લોગ લખવાની મજા આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક તે વંચાઈ
રહ્યો છે તેનો આનંદ છે. આથી પ્રતિભાવ લખનારા, ન લખનારા, વાંચનારા, અહીં બ્લોગપોસ્ટરૂપે
પ્રદાન કરનારા સહુ કોઈનો આભાર.
મજાની સફરનો પાંચમો મુકામ |
સાથેસાથે
ગૂગલની બ્લોગર સર્વિસ, યૂ ટ્યુબ સર્વિસ તેમજ સમગ્રપણે ઈન્ટરનેટ પર
અનેકવિધ વિગતોનું પ્રદાન કરનાર નામીઅનામી અનેક પ્રદાતાઓને ધન્યવાદ, જેમના વિના
કદાચ આ શક્ય ન બન્યું હોત.
(સ્પષ્ટતા: લેખમાં ઉલ્લેખાયેલા જીવોનું આયુષ્ય સરેરાશ ગણ્યું છે અને એક વેબસાઈટ પરથી તૈયાર લીધું છે. કોઈ જીવ એથી ઓછું જીવે તો તકરાર અને વધુ જીવે તો ફરિયાદ કરવી નહીં. તેમજ સમયસર મૃત્યુ પામે તો અમને અભિનંદન પણ પાઠવવા નહીં.)
(નોંધ: તમામ તસવીરો નેટ પરથી)
(નોંધ: તમામ તસવીરો નેટ પરથી)
ઝડપથી ભાગતા ઇંટરનેટી જગતમાં પાંચ વર્ષ જીવવું એ નાની વાત નથી! આયુષ્યનો આ દોર લંબાતો રહે એવી શુભેચ્છાઓ.
ReplyDeleteઆભાર, દીપકભાઈ!
Deleteશૌખીયા બ્લૉગ્સ વિષે એક એવું તારણ કરાયાનું યાદ આવે છે કે આ પ્રકારના બ્લૉગ ત્રણથી પાંચ વર્ષની વયે ક્યાં તો બૂઢા થઇ જાય છે કે ક્યાં તો અવસાન પામે છે.
ReplyDeleteનિયમિતતામાં અનિયમિતતા એ પોયાની પ્રાથમિક જવાબદારીઓની વ્યસ્તતામાંથી જન્મતી વિશેષ પરિસ્થિતિઓને અન્યો સાથે વહેંચવા માટે સમય કાઢી શકવાની સજ્જતા ગણીએ તો એ પોતાનાં તાણને હળવી પણ કરી શકે અને પોતાની સર્જનાત્મકતાની ધારને સતેજ પણ કરી શકે.
ખેર, ફિલસૂફીની આ વાતો ડોળવાનો આ પ્રસંગ નથી.
આજે તો છે આ સીમાચિહ્ન સિદ્ધ કરવાનો આનંદ કરવાનો અને વહેંચવાનો.
એ ઉજવણીમાં અમે પણ શામિલ....
'તાણને હળવી પણ કરી શકે અને પોતાની સર્જનાત્મકતાની ધારને સતેજ પણ કરી શકે' - આ બહુ ગમ્યું, અશોકભાઈ!
Delete(સ્પષ્ટતા: લેખમાં ઉલ્લેખાયેલા જીવોનું આયુષ્ય સરેરાશ ગણ્યું છે અને એક વેબસાઈટ પરથી તૈયાર લીધું છે. કોઈ જીવ એથી ઓછું જીવે તો તકરાર અને વધુ જીવે તો ફરિયાદ કરવી નહીં. તેમજ સમયસર મૃત્યુ પામે તો અમને અભિનંદન પણ પાઠવવા નહીં.)
ReplyDelete-------
ઘન્નું ઘન્નું જીવો અને રંગ પુર્યા કરો.
સુરેશભાઈ, તમારી શુભેચ્છાઓ આમ મળતી રહે એ જ અપેક્ષા.
Deleteઅભિનંદન. કાચબાનું આયુષ્ય મળે.
ReplyDeleteઆભાર, કલ્પનાબેન! કાચબાના વચકો પણ કાચબા હોય તો મંજૂર છે!
Delete'Palette' નામાભિધાનને બિલકુલ સાર્થક કરે એટલું વિષયોનું વૈવિધ્ય, જરૂરી લિંક્સ, ફોટા, ચિત્રો વગેરે વડે ખુબ જ આનંદદાયક બની રહેતો આ બ્લોગ વધુ ને વધુ વૈવિધ્યસભર બનશે એવી શ્રધ્ધા સહ હ્રદયની શુભેચ્છા.
ReplyDeleteપિયુષભાઈ, તમારી પાસે ઘણું બધું આપવા જેવું છે. હવે તમારો બ્લોગ શરૂ કરાવવાની ફિરાકમાં છું.
Deleteખુબ ખુબ અભિનંદન બિરેનભાઈ , વર્ષો સુધી આવું સુંદર લખાણ લખતા રહો તેવી શુભેચ્છાઓ .તમને વાંચવાના મોડા સારું કર્યા ( ઉર્વીશભાઈ ની સરખામણી માં ) પણ હવે નિયમિત વાચક થઇ ગયા છે.
ReplyDelete-રાજન શાહ ( નડિયાદ/vancouver)
આભાર, રાજનભાઈ! મોડો મોડો, પણ પરિચય થયો એનો બહુ આનંદ.
Delete