Friday, March 31, 2023

કરકસરનો પર્યાય

"હૃષિદા માટે ઓછા બજેટની વ્યાખ્યા તેમની ખુદની જ ઓળખ સમાન હતી. જેમ કે, પોતાના જ મકાનમાં તેઓ ડ્રોઈંગ રૂમનો સેટ ઊભો કરતા. પછી ઑફિસના દૃશ્યની જરૂર પડે તો એ જ સ્થળેથી બધું હટાવીને નવું ફર્નિચર મૂકાવી દેતા. બેડરુમના દૃશ્ય માટે પછી આ જ ઑફિસના ફર્નિચરને સ્થાને પલંગ વગેરે મૂકાઈ જતાં. હૃષિદાનો સાળો આર્ટ ડિરેક્ટર હતો અને છાશવારે આ બધી જફામાંથી પસાર થવાનું તેના ભાગે આવતું. અચાનક હૃષિદા તેમને કહેતા, 'આ બેય દીવાલોને ફટાફટ રંગાવી દો.' કેમ કે, એમ ન કરે તો બીજા દૃશ્યમાં એ જ ઘર કોઈ બીજા, નવા ઘર જેવું ન લાગે. આ રીતે એનો એ જ રુમ અલગ અલગ રૂમ કે અલગ અલગ ઘરને દર્શાવવા માટે વાપરી શકાતો. લઘુથી લઘુતર બજેટમાં શી રીતે કામ કરવું એ હૃષિદા પાસેથી શીખી શકાતું."

"અમે 'ખૂબસૂરત' માટે એક ગીતનું શૂટિંગ કરી રહ્યા હતા. એ ગીત (સારે નિયમ તોડ દો..)માં જ એક થિયેટરનું નાનકડું દૃશ્ય હતું. ખાસ મોટો ખર્ચ કર્યા વિના એ કરવાના ઉપાય વિચારવાની સૂચના હૃષિદાએ આર્ટ ડિરેક્ટરને આપી. 'બે મિનીટના ગીત માટે હું આખો સ્ટુડિયો બુક ન કરી શકું. એ બહુ ખર્ચાળ થઈ પડે.' આર્ટ ડિરેક્ટરે પોતાના દિમાગને બરાબર કસ્યું અને આ ગીતને ધાબા પર શૂટ કરવા સૂચવ્યું. હૃષિદાને તો જાણે હાથમાં ચાંદ પકડાવી દીધો હોય લાગ્યું. 'ગજબ આઈડિયા છે. પાણીની ટાંકી, પાઈપો અને ખુલ્લી જગ્યા- ધાબાનું પોતાનું એક આગવું કેરેક્ટર છે.' એમ જ કરવામાં આવ્યું. સીન તેમજ સંવાદમાં એ મુજબ ફેરફાર કરવાની મને સૂચના આપવામાં આવી. કાગળના બે મોટા કટઆઉટ અને કપડા વડે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું. ફિલ્મમાં ગીત આવે છે ત્યારે આ સેટિંગ પારિવારિક ભાવનાનાં સ્પંદનોની ઉષ્માને ઓર ઉપર ઉઠાવતું હોવાનું જણાય છે. "
- ગુલઝાર (ગુલઝાર લિખીત સંસ્મરણો 'Actually...I met them' પુસ્તકના એક અંશનો મુક્તાનુવાદ, 2021)
નોંધ: ઉપરોક્ત અંશમાં જે ગીતનો ઉલ્લેખ છે એ 'ખૂબસૂરત'નું ગીત અહીં જોઈ શકાશે.

No comments:

Post a Comment