Sunday, March 12, 2023

અકાદમી જેવા એકલવીરના જન્મદિને

 જ્યોતીન્દ્ર માનશંકર ભટ્ટનો આજે 89મો (જન્મવર્ષ 1934) જન્મદિન છે. આ નામ કદાચ થોડું અજાણ્યું લાગે, પણ 'જ્યોતિ ભટ્ટ' કહેતાં તેમની ઓળખાણ તરત પડી જાય. 'જ્યોતિભાઈ' તરીકે જાણીતા આ કલાકારને કોઈ એક ઓળખમાં બાંધવા મુશ્કેલ છે. ચિત્રકાર, પ્રિન્ટમેકર, તસવીરકાર તરીકે તેઓ જાણીતા છે. ઉપરાંત તેમનું લેખન પણ ઉત્તમ કક્ષાનું છે. તેમનાં લખાણો મુખ્યત્વે કળાવિષયક અને ગુજરાતીમાં હોય છે.

ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સમાં મેં 1991માં પેઈન્ટીંગ વિભાગમાં પ્રવેશ લીધો એ તેમનું કૉલેજમાં છેલ્લું વરસ હતું. આથી તેમનો થોડોઘણો લાભ મળી શક્યો ખરો. એકાદ વરસમાં મેં પણ કૉલેજ છોડી. મને તેઓ એક ઉમદા પ્રાધ્યાપક તરીકે યાદ રહેલા, અને તેમને હું યાદ રહું એવી કોઈ શક્યતા નહોતી. એ પછી 1996- 97ની આસપાસ હોમાય વ્યારાવાલાનું સરનામું મેળવવા માટે મેં તેમને ફોન કરેલો. ત્યાર પછી મારા સંજોગો બદલાયા અને 2007થી પૂર્ણ સમયના લેખનક્ષેત્રે હું પ્રવેશ્યો. ફેબ્રુઆરી, 2008થી 'અહા!જિંદગી' માસિકમાં 'ગુર્જરરત્ન' નામે મારી કોલમ શરૂ થઈ, જેમાં વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરનારા ગુજરાતીઓ વિશે મારે તેમની મુલાકાત લઈને લખવાનું હતું. એ ક્રમમાં બરાબર એકાદ વરસ પછી, એટલે કે ફેબ્રુઆરી, 2009માં મેં જ્યોતિભાઈનો સંપર્ક કર્યો. અમે રૂબરૂ મળ્યા. બે દિવસ સુધી લીધેલા તેમના સુદીર્ઘ ઈન્ટરવ્યૂના આધારે લખાયેલો એ લેખ 'અહા!જિંદગી'ના માર્ચ, 2009માં પ્રકાશિત થયો. એ લેખ જ્યોતિભાઈ સાથેના અનિયમીત સંપર્કનું નિમિત્ત બની રહ્યો. ત્યારથી લઈને આજ સુધી, અમે એકમેકના અનિયમીત, છતાં નિયમીત સંપર્કમાં છીએ. (એ લેખ હવે 'ગુર્જરરત્ન' નામના મારા પુસ્તકમાં છે.)
તેમને મળવાનું નાનામોટા કોઈ કામસર ગોઠવાય, પણ મળવા જઈએ અને કામની વાત પૂરી થાય એ પછી અલકમલકની વાતો નીકળે. તેઓ 'મૅડ'ના પણ પ્રેમી, એટલે એના વિશે વાત થાય જ, ઉપરાંત બીજા અનેક વિષયો પર વાત થાય. 2009 પછી તેમની દૃષ્ટિ સતત નબળી થતી ચાલી છે, અને હવે તો એ સાવ ક્ષીણ થઈ ગઈ છે. છતાં તેમનો વાંચનરસ એટલો જ પ્રબળ રહી શક્યો છે. હવે તેઓ એક સહાયક પાસે પોતાને ગમતું વાંચન કરાવે છે, એટલું જ નહીં, તેનો પ્રતિભાવ પણ આપે છે.
જ્યોતિભાઈની વાત કરીએ એટલે જ્યોત્સ્નાબહેનને અવશ્ય યાદ કરવાં પડે. દેશનાં અગ્રણી સીરામીસીસ્ટ એવાં જ્યોત્સ્નાબહેન પણ એટલાં જ પ્રેમાળ. જુલાઈ, 2020માં તેમનું અવસાન થયું અને તેમની જોડી ખંડિત થઈ. જ્યોતિભાઈને તેમની ખોટ કેવી અનુભવાતી હશે એ કલ્પી શકાય એમ છે, પણ તેમણે જે સકારાત્મકતાથી પોતાની જાતને સંભાળી લીધી છે એ જોઈજાણીને આનંદ થાય એવું છે.
ચારેક દિવસ પહેલાં એક કામ અંગે તેમને મળવા જવાનું બન્યું અને રાબેતા મુજબ વૈવિધ્યસભર વાતોમાં અમે થોડો સમય ગાળ્યો. આ વખતે તેમનાં દીકરી જાઈ પણ હતાં.

જ્યોતિભાઈ સાથે અનૌપચારિક વાતચીત (તસવીર સૌજન્ય: જાઈ સિંઘ)

જ્યોતિભાઈની તસવીર અંગેનાં ઘણાં પુસ્તક પ્રકાશિત થયાં છે, જેમાંના કેટલાંકનાં નામ આ મુજબ છે: Parallels that Meet, The Photographic Eye of Jyoti Bhatt,The Inner Eye and the Outer Eye, Jyoti Bhatt: Time & Time Again, Where? When? Why? Photologue by Jyoti Bhatt વગેરે.
તેમનાં કળાવિષયક લખાણો 'રૂપ નામ જૂજવાં' પુસ્તકમાં (પ્રકાશક: ગુજરાત કલા પ્રતિષ્ઠાન, સુરત) તેમજ વાસવી ઓઝા સંપાદિત 'Modernism/ Murderism: The Modern Art Debate in Kumar' પુસ્તકમાં સંઘરાયેલાં છે.
પોતાના કામ થકી અનેકો માટે પ્રેરણારૂપ બની રહેનાર તેમજ જીવનરસથી સભર અભિગમ દાખવનાર જ્યોતિભાઈને જન્મદિને અનેકાનેક શુભેચ્છાઓ.

No comments:

Post a Comment