આજે રણછોડભાઈ શાહનો જન્મદિવસ છે.
તેમની મુખ્ય ઓળખ ભરૂચસ્થિત અૅમિટી સ્કૂલના સ્થાપક-સંચાલક તરીકેની, પણ એટલી સાંકડી ઓળખમાં તેમને કેદ કરી ન શકાય. અમારો પરિચય દસ-અગિયાર વરસનો ખરો, પણ છેલ્લા ચારેક વરસથી તેમના નિકટના પરિચયમાં આવવાનું બન્યું. તેનું એક કારણ એ કે તેઓ કામચલાઉ ધોરણે વડોદરામાં વસવાટ કરવા આવ્યા છે. ભૌગોલિક અંતર આ રીતે સાવ ઘટી ગયું હોવાથી અમે તેનો ભરપૂર લાભ લીધો અને હજી લઈ રહ્યા છીએ. અઠવાડિયે ઓછામાં ઓછું એક વાર અને વધુમાં વધુ ગમે એટલી વાર અમે નિયમીત મળતા રહ્યા છીએ.
રણછોડભાઈ શાહ (*) |
અૅમિટીના સાડા ત્રણ દાયકાના કેળવણીકાર્યનું દસ્તાવેજીકરણ ત્રણ-ચાર વરસથી મને સોંપવામાં આવ્યું એ આ બાબતનું મૂળ નિમિત્ત, પણ એ તો એની ગતિએ થયા કરે છે. ખરી મજા અમારી મુલાકાતોની અને એ દરમિયાન અનેકવિધ બાબતો અંગેની ચર્ચાની હોય છે. એના વિષયોમાં ફિલ્મ હોય, સંગીત હોય, સાહિત્ય હોય, શિક્ષણ હોય, સમાજ હોય, વ્યક્તિ હોય, અને બીજી અનેક બાબતો ઉપરાંત સાથે ચાનો કપ હોય.
શિક્ષણના ક્ષેત્રની ઘણી મહત્ત્વની અંત:દૃષ્ટિ મને તેમની પાસેથી જાણવા મળી. શિક્ષણનો તેમનો અભિગમ બહુ વિશિષ્ટ અને સંશોધનાત્મક તેમજ વિશ્લેષણાત્મક હોવાથી એકે એક પાસાં અંગે તેમની પાસે ચોક્કસ દૃષ્ટિ અને એની પાછળનો ખ્યાલ રહેલો છે. એ વિશે વધુ આજે અને અહીં લખવું પ્રસ્તુત નથી. આજે વાત કરવી છે તેમની કેટલીક વિશેષતાઓની.
તેમની સૌજન્યશીલતા અને અનૌપચારિક અભિગમથી તેઓ ઝડપભેર કોઈને પણ આત્મીય બનાવી શકે છે.સામા માણસની દરકાર લેવાની તેમની પ્રકૃતિ ખરેખર તો તેમના સમગ્ર પરિવારની, અને આમ જોઈએ તો પૂરેપૂરા અૅમિટી પરિવારની છે. અને આ બધું સાવ સહજપણે, કશું કરી દેખાડવાના ભાવ વિના! સ્વજનો પ્રત્યે નાની વાતે આભાર દર્શાવવાની કે કોઈ સારા કામ માટે અભિનંદન પાઠવવામાં તેઓ જરાય દિલચોરી ન કરે. એ જ રીતે પોતાને ના ગમતી બાબત પણ તેઓ જરાય કડવાશ વિના જણાવી દે.
દીકરી મિત્તલબહેન-અભયભાઈના લગ્નની રજતજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં આભાર પ્રદર્શિત કરતા રણછોડભાઈ |
તેમની મૂળ ભૂખ તો સારી સંગતની છે, અને એ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. વિવિધ ક્ષેત્રની વિવિધ વ્યક્તિઓને સામે ચાલીને તેઓ મળવાનું ગોઠવે. સમરસિયા મિત્રો સાથે બેસવું તેમને ગમે, એવા મિત્રોના મિત્રોને પણ તેઓ મળવાની ઈચ્છા કરે. અને આમ કરવામાં પોતાની વય, હોદ્દો કે એવી બીજી કોઈ ભૌતિક બાબત એમને ન નડે. તેમના આ વડોદરાનિવાસ દરમિયાન અમે અવારનવાર આવા 'કાર્યક્રમ' યોજતા રહીએ છીએ.
દીપક સોલિયાના વડોદરા રોકાણ દરમિયાન ગપ્પાંગોષ્ઠિ વખતે (ડાબેથી) રણછોડભાઈ, દીપક સોલિયા, હેતલ દેસાઈ, બીરેન કોઠારી |
પોતાની શાળામાં વિવિધ ક્ષેત્રની વ્યક્તિઓની આવનજાવન રહે અને તેનો લાભ વિદ્યાર્થીઓને તો મળે જ, ઉપરાંત કોર ગૃપ' તરીકે ઓળખાતા, અૅમિટીના વિવિધ વિભાગોના આચાર્યો સાથે આવી વ્યક્તિઓની અનૌપચારિક ગોષ્ઠિ યોજાય એ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે.
રણછોડભાઈ (વચ્ચે) સાથે અૅમિટીના આચાર્ય પ્રકાશભાઈ મહેતા (ડાબે) અને ભરૂચના તત્કાલીન કલેક્ટર (*) સંદીપ સાંગલે (જમણે) |
કેળવણી અંગેની તેમની સમજણ, સૂઝ અને દૃષ્ટિકોણ આગવો હોવાને કારણે તેમને 'દુ:ખી' થવાનાં કારણો પૂરતાં મળી રહે એની નવાઈ નથી, અને તેઓ દુ:ખી થાય છે પણ ખરા. છતાં વાસ્તવિકતા સ્વીકારીને ચોકક્સ સંજોગોમાં પોતાનાથી શું થઈ શકે એમ છે એની પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમની આ બાબત મને સૌથી ગમતી છે.
વાંચનના તેઓ પ્રેમી, અને ભેટરૂપે પુસ્તક આપવાના અવસર તેઓ શોધતા જ રહે. તેમની શાળામાં નવા જોડાનાર શિક્ષકનું સ્વાગત પુસ્તકથી થાય, શાળામાં વાંચનને લગતા વિવિધ ઉપક્રમ યોજાય એ તો જાણે બરાબર, પણ એ સિવાય મિત્ર-સ્નેહીઓને પ્રસંગોચિત પુસ્તક આપવું તેમને બહુ ગમે. એક ઉદાહરણ: એક વાર અમારી રાબેતા મુજબની મુલાકાત દરમિયાન વાતવાતમાં મેં એમને (મારી પત્ની) કામિનીનો પગ મચકોડાઈ ગયો હોવાનું જણાવ્યું. તેમણે મનોમન આ વાત નોંધી લીધી હશે. એ પછી બે-ત્રણ દિવસમાં કુરિયર દ્વારા 'માંદગીને પણ માણીએ' પુસ્તક કામિનીના નામે આવ્યું. તેમાં ઉઘડતા પાને પ્રમેશબહેન મહેતાનો અંગત રીતે લખાયેલો શુભેચ્છાસંદેશ પણ ખરો. આવી તો અનેક નાનીનાની બાબતે તેમની દરકારનો અનુભવ થાય.
સ્નેહીઓની દરકાર લેવાની ચેષ્ટા |
અૅમિટી (ભરૂચ)માં કોર ગૃપની નિયમીત મિટિંગ |
Happy Birthday Shah Sir and Sir your article is too good. You expressed Amity School and Shah Sir journey so well.
ReplyDeleteI am extremely proud and honoured to have been part of this amazing team,... Happy Birthday to you sir. Thank you Biren sir...
ReplyDeleteHappy birthday Shah Sir.. દિશાદર્શક એવા તમોને જન્મદિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ
ReplyDeleteHappy Birthday Shah Sir and great depiction of the journey by Biren Kothari Sir.
ReplyDelete