"યાર, આપણે બહુ જ જાગ્રત નાગરિક છીએ એ ખરું, પણ તમને કહું? લગ્નમાં બૅન્ડવાજાં તો જોઈએ જ. એ વિના વરઘોડાની મઝા જ નહીં! એય દસ મીટર પહોળા રોડ પર, બેય હાથ ઊંચા કરીને બૅન્ડવાજા પર 'ઈસ દેશ કા યારોં ક્યા કહના' વાગે ત્યારે નાચવાની મજા જ ઓર છે."
Saturday, April 30, 2022
હકારાત્મકતાનો હાહાકાર
Friday, April 29, 2022
અજમાવી જુઓ
તમારી બોરિંગ જિંદગીને રસપ્રદ (એન્ડ વાઈસે વર્સા) બનાવતા ટોપ ટેન ઘરેલુ નુસ્ખા
Thursday, April 28, 2022
'મને મળતી માહિતી જિગ-સૉ પઝલના છૂટા ટુકડાઓ જેવી હતી'
માધ્યમ ભલે મોટું કે નાનું હોય, પણ આપણા દિલની વાત જણાવવાનો અવકાશ મળે ત્યારે આનંદ જ આવતો હોય છે. 'સાગર મુવીટોન' અને તેના સ્થાપક ચીમનલાલ દેસાઈ વિષેની દીપાબહેન દેસાઈ સાથેની પ્રશ્નોત્તરી 'બ્રહ્મક્ષત્રિય મુખપત્ર'ના ડિસેમ્બર, 19 ના અંકમાં પ્રકાશિત થઈ હતી. આ પુસ્તક વિષે કદાચ પહેલી વાર આવા સવાલજવાબ થયા છે. દીપાબહેનના આભાર સાથે રસ ધરાવતા મિત્રો માટે એ પૃષ્ઠ અહીં મૂક્યાં છે.
Wednesday, April 27, 2022
પાંચ મિનીટમાં પતાવટ
ફેસબુક કે વૉટ્સેપ પર 'ફાઈવ મિનીટ હેક્સ'/Five minute hacks અને 'ડી.આઈ.વાય'/D.I.Y. (Do It Yourself)ની અનેક વિડીયો જોયા પછી લાધેલું જ્ઞાન:
- સૌ પ્રથમ તો કપડાંના શોરૂમમાં જાવ. ત્યાંથી તમારા માપનું જિન્સ પેન્ટ ખરીદો. એની લંબાઈ વધુ હોય તો એને શોરૂમમાં જ ઑલ્ટર કરાવવાનો આગ્રહ રાખો. આ જિન્સને લઈને ઘેર આવો.
- એક જૂની કાતર લો. એનાથી જિન્સ પેન્ટના બન્ને પાયચા કાપી નાંખો. એક પાયચું લઈને એને તળિયેથી સીવી દો. ઉપરનો ભાગ ખુલ્લો રહેશે.
- રેતી અને સિમેન્ટનું મિશ્રણ તૈયાર કરો. એમાં પાણી ઉમેરો.
- હવે પાયચાના ખુલ્લા ભાગમાં તમારો ડાબો હાથ સરકાવો. મુઠ્ઠી વાળેલી રાખો.
- જમણા હાથે રેતી અને સિમેન્ટનું મિશ્રણ પાયચામાં ભરતા જાવ. છેક ઉપર સુધી એને ભરી દો. મિશ્રણ ઠરે ત્યાં સુધી રાહ જુઓ. એ પછી તમારો હાથ ખેંચી લો.
- પછી કાતર વડે પાયચું કાપીને દૂર કરતા જાવ.
- જુઓ કે અંદર કશું બને છે?
- એનો શો ઉપયોગ થઈ શકે એમ છે?
Tuesday, April 26, 2022
આગવાં, છતાં અવગણાતાં અખબારનાં ઈલસ્ટ્રેશન
દૃશ્યકળા એટલે કે વિઝ્યુઅલ આર્ટ્સ આપણા જીવનનુંં એ હદે અભિન્ન અંગ બની ગઈ હોય છે કે આપણે લગભગ તેને અવગણીએ છીએ. રંગ, આકૃતિ, રંગસંયોજનો આપણી નજરે પડે છે, પણ મનમાં ભાગ્યે જ નોંધાતા હશે. પૂર્વપ્રાથમિકનાં બાળકોને શિક્ષણ આ રીતે આપવામાં આવે છે, પણ મોટે ભાગે બને છે એમ, આગળ જતાં તેમનું મુખ્ય લક્ષ્ય અંક અને શબ્દો જ બની રહે છે.
Monday, April 25, 2022
કલેશ્વરી: અનાયાસે મળી ગયેલો ખજાનો
અમસ્તા રખડવા નીકળ્યા હોઈએ અને અચાનક કોઈ ખજાનો હાથ લાગી જાય એવું જ ત્રણેક વરસ અગાઉ માર્ચ, 2019માં બનેલું. કલેશ્વરી (બોલચાલમાં એને 'કલ્લેશ્વરી' કહેવાય છે) નો મહાશિવરાત્રિનો મેળો હતો, એમાં જવાનું નક્કી કર્યું. ત્યાં અમુક પુરાણાં સ્થાપત્યો છે એવો આછોપાતળો ખ્યાલ હતો. પણ મેળાની ભીડમાં કદાચ એને જોવાનો મોકો નહીંં મળે એમ લાગતું હતું. એવું હોય તો આ સ્થળે ફરીથી આવીશું, એમ વિચારીને અમે 4 માર્ચના રોજ કલેશ્વરી ઉપડ્યા. લુણાવાડાથી મોડાસાના રસ્તે તે આવેલું છે.
'વહુની વાવ'ના નામે ઓળખાતી ચાર મજલી વાવ. આની નજીકમાં જ 'સાસુની વાવ' તરીકે ઓળખાતી ચાર મજલી વાવ છે. |
'હેડંબા કુંડ' તરીકે ઓળખાતો કુંડ, જેમાં ચાર દિશામાં ચાર શિલ્પોની પેનલ મૂકાયેલી હતી. હાલ તેમાંથી માત્ર બે જ રહી છે. |
'અર્જુન ચોરી' તરીકે ઓળખાતું સ્થાપત્ય, જ્યાં અર્જુને લગ્ન કર્યું હોવાની વાયકા છે. આ સ્થાપત્ય શિવમંદિર હોવાનું સ્પષ્ટપણે જણાય છે. |
એક સ્થળે આ પ્રકારનાં શિલ્પો ચોરસ જગ્યામાં મૂકાયેલાં છે. આમાંના મોટા ભાગનાં શિલ્પો અહીં દેખાય છે એવી અખંડ અવસ્થામાં છે. |
Sunday, April 24, 2022
એડેનિયમને ઉછેરતાં
'ફાંટાબાજ' એટલે 'ભગવદ્ગોમંડળ'ના અર્થ મુજબ મનમોજી, મનસ્વી, તરંગી. જો કે, છાપાના ઘરેડ વાચકોને 'ફાંટાબાજ' શબ્દની પછવાડે જ 'કુદરત' શબ્દ સંભળાઈ ગયો હશે. ઘણાને તો મોટા માથાવાળું બાળક, ઓમનો આકારવાળું રીંગણું કે ગણેશજી જેવું દેખાતું પપૈયું સુદ્ધાં દેખાઈ ગયું હશે. એ હદે આપણાં અખબારોએ આ શબ્દયુગ્મને પ્રચલિત કરી દીધું છે. અલબત્ત, કુદરત ફાંટાબાજ છે એમાં ના નહીં. તેની કેટલીય રચનાઓ વિશે જેટલું પણ જાણવા મળે ત્યારે આશ્ચર્ય થયા વિના રહે નહીં.
એડેનિયમનાં બી |
બીજ પર પાથરેલી માટી |
બીજમાં થઈ રહેલી ફૂટ |
'વીરગતિ'ને પ્રાપ્ત થયેલા રોપા |
પૂર્ણ વિકસીત પ્રકાંડવાળું એડેનિયમ |
ગાંઠવાળું પ્રકાંડ |
Saturday, April 23, 2022
વિશ્વ પુસ્તક દિવસ
આજે 'વિશ્વ પુસ્તક દિવસ' છે.
Friday, April 22, 2022
આઈયે, પધારીયે....
સંસ્થામાં નિમંત્રીત કે અનિમંત્રીત (અતિથિ) મહેમાનોનું સ્વાગત કરવાનો એક શિષ્ટાચાર જોવા મળે છે. એ માટે સંસ્થાઓ પોતપોતાની પરંપરાઓને અનુસરતી જોવા મળે છે. ઘણે ઠેકાણે મહેમાનના માથાના કદથી મોટો પુષ્પગુચ્છ તેમને અપાય છે. આ પ્રકારના પુષ્પગુચ્છ સામાન્ય રીતે યજમાન આપે અને મહેમાન લે એટલા પૂરતા જ ઉપયોગી છે. મહેમાને એ સ્વીકારીને બાજુએ મૂક્યો એટલે એ પુષ્પગુચ્છ નકામો. અમુક સંસ્થામાં, ત્યાંના જ બગીચામાં ઉગેલી વનસ્પતિ વડે તૈયાર કરાયેલો આકર્ષક પુષ્પગુચ્છ આપવામાં આવે છે. કાર્યક્રમમાંથી સીધું ઘેર આવવાનું હોય તો અમે યાદ રાખીને આ પુષ્પગુચ્છ ઘેર લઈ આવતા, જેનો ઉપયોગ કામિની રંગોળી બનાવવામાં કરતી.
'અૅમિટી સ્કૂલ'ની સ્વાગતસામગ્રી |
વનસ્થળીની આશ્રમશાળાની સ્વાગતસામગ્રી |
Thursday, April 21, 2022
મમ્મીના 84 મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે
મમ્મી, સ્મિતાબહેન કોઠારી, આજે 83 વર્ષ પૂરાં કરીને 84મા વર્ષમાં પ્રવેશી રહ્યાં છે. માતા વિશે, તે ઉંમરના આ પડાવે હોય ત્યારે કહી શકાય કે ‘એમનાં વિશે પુસ્તક લખી શકાય.’ પણ, અહીં તેમના વિશે થોડા લસરકામાં વાત કરવી છે.
મમ્મીનાં વિવિધ સ્વરૂપો-વિવિધ સંબંધોમાં તેમની ‘અસ્મિતા’—એક મુખ્ય ઓળખ ઉભરે છેઃ સૌને તે પ્રસન્નતામૂર્તિ અને પોતીકાં લાગે છે. ઘણાં લોકો માટે વાત કરવાનું, ક્યારેક હૈયું ઠાલવવાનું તે એક વિશ્વાસપાત્ર ઠેકાણું રહ્યાં છે, 1960માં સાંઢાસાલ જેવા નાનકડા ગામેથી પરણીને ઘણે દૂર મહેમદાવાદ આવ્યાં, ત્યાર પછી અનેક પ્રકારના સંજોગોમાં તે મુકાયાં છે. છતાં તેમના વર્તનમાં અને તેમના ચહેરા પરના સ્મિતમાં પરિવર્તન આવ્યું નથી. એવી અનેક ક્ષણોનો હું પણ સાક્ષી રહ્યો છું.
કામ વગર બેસી રહેવાનું તેમની પ્રકૃતિમાં જ નહીં. સિવણકામ તેમનો પ્રિય શોખ. એમાંય બાળકો માટે ઝભલાં સિવવાનું એમને બહુ ગમે. એમાં તે અવનવી ડિઝાઈન બનાવે. સગાંસ્નેહી ઉપરાંત આડોશીપાડોશીને ત્યાં પણ સંતાનજન્મ થયો હોય તો તે કાપડના નાના ટુકડામાંથી નવજાત શિશુ માટે ખાસ ઝભલું સીવે અને બહુ પ્રેમથી ભેટમાં આપે.
વસ્તુઓની જાળવણી કરવી, નાની નાની નોંધ રાખવી અને યોગ્ય લેબલિંગ કરવું તેમની વિશેષતા. હું અને ઉર્વીશ નાના હતા ત્યારનાં અમારાં સ્વેટર તેમણે એવાં જાળવેલા કે અમારાં સંતાનોએ પણ તે હોંશેહોંશે પહેર્યાં. એવી બીજી અનેક જૂની ચીજવસ્તુઓ તેમણે જાળવેલી. અમારા—મારા અને ઉર્વીશના—દસ્તાવેજીકરણના સંસ્કારનું મૂળ કદાચ તેમની આ ખાસિયતમાં હશે.
મારાં દાદીમા કપિલાબહેન કોઠારીનો સ્વભાવ એકદમ આકરો. દિલનાં ભલાં, પણ કશું ચલાવી ન લે. મમ્મીએ એમની સવલતો એવી રીતે જાળવી કે બા એમનો ઉલ્લેખ હંમેશાં ‘મારી સ્મિતા’ તરીકે કરતાં. એ વખતે કાયમ અમારા ઓટલે બેસતા એક પાડોશીનો કાયમી ડાયલોગ હતો, ‘આ ઘરમાં સાસુ-વહુ રહે છે કે મા-દીકરી, એ જ ખબર પડતી નથી.’
મારા પપ્પાના શિક્ષક અને વડીલ કનુકાકા દાયકાઓ સુધી અમારા પરિવારનો હિસ્સો બનીને રહ્યા. તેમના કરકસરના અને બીજા પણ આગ્રહો જુદા પ્રકારના. તે પણ મમ્મીથી અત્યંત પ્રસન્ન રહે. પપ્પા સ્વભાવે ઉગ્ર. આર્થિક અને તબિયતની ચડતીપડતી આવી. તેમના છેલ્લા બેએક દાયકા પેરાલીસીસની હળવી અસર તળે ગયા. તેમનો અકારણ ગુસ્સો પણ મમ્મીએ જ સૌથી વધુ વેઠવાનો આવ્યો. તેમ છતાં, આગળ કહ્યું તેમ, તેમણે તેમનો સ્મિતવાળો સ્થાયી ભાવ ન ખોયો.
અમારાં મિત્રો-સગાંવહાલાં એ બધાંને અમારું ઘર પોતીકું લાગતું રહ્યું છે, તેમાં પરિવારના બીજા સભ્યો ઉપરાંત ધરી તરીકે મમ્મીનો સૌથી મોટો હિસ્સો. તેમનો સસ્મિત આવકાર અને વડીલાઈના ભાર વગરનું પ્રેમાળપણું સૌ કોઈ અનુભવે અને પછીથી અમને કહે પણ ખરાં.
અમારાં બંને ભાઈઓનાં લગ્ન થયાં પછી તેમણે ભૂમિકા બદલી. પહેલાં કામિની અને પછી સોનલ આવ્યાં. ત્યાર પછી ધીમે ધીમે તેમણે કામ છોડ્યું નહીં, પણ કર્તાભાવ ખાસ્સી હદે છોડી દીધો. અમારાં સંતાનોને બાનો ભરપૂર લાભ મળ્યો. તેના કારણે શચિ, ઇશાન અને આસ્થા—ત્રણેને બા જોડે બહુ ફાવે. એ ત્રણે હવે પોતપોતાની રીતે બાના સંપર્કમાં રહે છે અને નિયમિત રીતે વાત કરે છે. કારણ કે, બા થોડા વખતથી મોબાઇલ ફોન પણ વાપરે છે. (વોટ્સએપ વાપરતાં નથી)
મોબાઇલ ફોનથી તે સિનિયર સિટીઝનનાં બહેનપણીઓ અને ઇન્દિરામાસી (પટેલ) જેવાં જૂનાં પરિચિતો સાથે નવેસરથી સંપર્કમાં અને આનંદમાં રહે છે. ઉપરાંત ઘરનું ઝીણું ઝીણું કામકાજ તેમણે જરાય છોડ્યું નથી. તે ન હોય તો ઘરમાં તેમની ગેરહાજરી વરતાય અને સાલે એ હદે તે સક્રિય છે. અમુક વાનગીઓ હજી એમની ‘મોનોપોલી’ ગણાય છે, જેમ કે, ઠોર (અથવા મઠડી). નવા પ્રયોગો કરવાનો અને નવું શીખવાનો તેમનો ઉત્સાહ ઓછો થયો નથી.
તેમનો ઉછેર અને ઘણુંખરું જીવન પરંપરાગત ધાર્મિકતા સાથે ગયું, પણ તે અંધશ્રદ્ધા તરફ કદી ન વળ્યાં. સેવાપૂજા અને હવેલીએ જવાનું ખરું, પણ તેમની આસ્તિકતા કોઈને નડે નહીં એવી. રૂઢ અર્થમાં ‘પ્રગતિશીલ’ ન કહેવાય કે ન લાગે, પણ મનની મોકળાશ અને ખુલ્લાપણું બહુ. એક વાર નિકટના વર્તુળમાં સજાતીય લગ્નનો પ્રસંગ આવ્યો ત્યારે મને મૂંઝવણ હતી કે તેમને કેવી રીતે સમજાવીશ? પણ તેમને સમજાવવાની જરૂર જ ન પડી. તેમણે એ સમાચાર સાવ સ્વાભાવિક રીતે, સ્વસ્થતાથી સાંભળ્યા અને આનંદ વ્યક્ત કર્યો. પછી તો એ દંપતિ ઘરે આવ્યું ત્યારે વડીલ તરીકે જે કંઈ વ્યવહાર કરવાનો હોય તે પણ કર્યો.
પાછું જોઈને વિચારતાં લાગે છે કે અમારા પર કોઈ પણ જાતની માન્યતાઓ કે વિચારો અનાયાસે સુદ્ધાં થોપી દેવાને બદલે અમને અમારી રીતે વિકસવા દીધા એ એમનું અમારા ઘડતરમાં કદાચ સૌથી મોટું પ્રદાન ગણી શકાય. સંતાનોનું ધ્યાન પણ રાખવું અને તેમના નિર્ણય પર વિશ્વાસ રાખવો, એ એટલું સહેલું નથી. માતાપિતા બનેલાં દરેકને તે સમજાતું જ હશે.
ખાસ આ નિમિત્તે ઉર્વીશે તૈયાર કરેલી આ વિડીયો ક્લીપમાં મમ્મીના વ્યક્તિત્ત્વનો કંઈક અંદાજ આવશે. (ક્લીપની અવધિ: 1 મિનીટ, 4 સેકન્ડ)
Wednesday, April 20, 2022
એક રાષ્ટ્ર, એક પ્રશ્નપત્ર
પરીક્ષાની તારીખો આવવા લાગી છે. આ ખાસ સમય માટે હવે પ્રશ્નપત્રો પણ ખાસ કાઢવા પડશે. મોટે ભાગે એમ.સી.ક્યૂ.વાળા. એમાં પણ જવાબોના વિકલ્પ એવા મૂકવાના કે કોઈ પણ વિકલ્પે ટીક કરવામાં આવે તો જવાબ સાચો જ પડે. ઊંચી ટકાવારી માટે ચોરી કે શિરજોરી કરતાં આ વિકલ્પ નૈતિક રીતે બહેતર છે.