Wednesday, April 21, 2021

નીરોની નિખાલસતા



રોમ બહુ નસીબદાર હતું કે તેને નીરો જેવો શાસક મળ્યો હતો. રોમની સાંસ્કૃતિક ધરોહરનો તે પ્રેરક હતો. તેના શાસનકાળ દરમિયાન રાજ્ય દ્વારા પ્રેરિત ફીડલવાદનના વર્ગો નિ:શુલ્ક ચલાવાતા હતા અને એ રીતે રોમના પ્રજાજનોનો એક સંભ્રાન્ત વર્ગ તૈયાર થઈ રહ્યો હતો.

રોમમાં ઠેરઠેર પાકા માર્ગોનું નિર્માણ થઈ રહ્યું હતું, જે ધરતીથી સહેજ ઉંચાઈ પર હતા. તે 'હાઈવે' તરીકે ઓળખાતા અને રોમના નગરજનો આ હાઈવે જોઈને બહુ હરખાતા.
રોમના પ્રજાજનો મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલા હતા. એક મોટો વર્ગ એવો હતો કે જેમનાં પરિવારજનો રાજ્યપ્રેરિત ફીડલવાદનના વર્ગો નિયમિતપણે ભરતા હતા.
બીજો વર્ગ પ્રમાણમાં ઓછો હતો અને એ દૃઢપણે માનતો કે રોમને હાઈવેની કે ફીડલની જરૂર નથી, બલ્કે જે વિસ્તારોમાં આવાસની સુવિધા નથી ત્યાં પહેલાં આવાસ બનવા જોઈએ. કેમ કે, જે પ્રકારના આવાસમાં એ વર્ગ રહેતો હતો ત્યાં ગમે ત્યારે આગ ફાટી નીકળવાની સંભાવના જણાતી હતી.
આ વર્ગને એમ કહીને ચૂપ કરી દેવાતો કે રોમ પર થતા સશસ્ત્ર આક્રમણને ખાળવા માટે હાઈવે જરૂરી જ નહીં, અનિવાર્ય છે અને ફીડલ તો રોમની સાંસ્કૃતિક ઓળખ છે. રોમન પ્રજાજનો એનાથી ગર્વભેર માથું ઉંચું રાખીને કહી શકે છે કે રોમન હોવા બદલ અમને ગર્વ છે.
આખરે આગ ફાટી નીકળી. કહેવાય છે કે ફીડલવાદનના વર્ગોની જેમ જ આ આગ પણ રાજ્યપ્રેરિત હતી. જોતજોતાંમાં આગ પ્રસરવા લાગી. તેનો સૌથી અસરગ્રસ્ત વર્ગ કહેવા લાગ્યો કે અમારી રજૂઆતને તમે અવગણી એનું આ પરિણામ છે.
એ વખતે રોમનો સંભ્રાન્ત વર્ગ આ વર્ગને સલાહ આપતો કે અત્યારે રાજ્યની ટીકા કરવાને બદલે તમે તમારા જાન બચાવવાની પેરવી કરો. આપણે આપણા મહાન રાજ્યને વિશ્વવિજેતા બનાવવાનું છે. પેલા વર્ગ પાસે બીજો કોઈ ઉપાય નહોતો, કેમ કે, તેમની પ્રાથમિકતા જાન બચાવવાની જ હતી.
રોમમાં ત્યારે લોકોને દફન કરવાનો રિવાજ હતો. કબ્રસ્તાન પર એક મોટું પાટિયું ચીતરવામાં આવેલું, જેની પર નીરોનું તૈલચિત્ર મૂકાયું હતું. આ તૈલચિત્રની નીચે લખેલું: 'આજે દફન થયેલાના આંકડા'. એની બાજુમાં એક ખાનું હતું, જેમાં 'ચોકડી' (X) ની નિશાની મૂકાતી. આ જોઈને સંભ્રાન્ત વર્ગ હરખાતો કે સમ્રાટ નીરો નગરજનોની કેવી દરકાર રાખે છે. રોમની આગમાં કોઈ કહેતાં કોઈ જાનહાનિ થઈ નથી.
પછીનાં વરસોમાં નીરોએ નિખાલસતાથી કબૂલ્યું કે પોતે દફન થયેલાઓના સાચેસાચા આંકડા દર્શાવતા હતા, પણ તે એ રીતે દર્શાવાતા હતા કે જેથી પ્રજાજનોમાં ભય ન ફેલાય. એક ચોકડી એટલે દસ જણ. આ પદ્ધતિ તેમના નિષ્ણાત પ્રચાર સેનાપતિઓએ અખત્યાર કરી હતી.
ત્યારથી લઈને આજ સુધી રોમન લિપિમાં 'X'નો અર્થ 'દસ' થાય છે.

(By clicking on image, the URL will be reached.) 
(The images are symbolic) 

No comments:

Post a Comment