Tuesday, April 6, 2021

અલવિદા, કિશનભાઈ!

 

મુંબઈના 'દોસ્તી બિલ્ડર્સ'ના સ્થાપક, 'સદ્ભાવના સંઘ'ના પ્રણેતા કિશનભાઈ ગોરડીયાના આજે વહેલી સવારે, 88 વર્ષની વયે થયેલા અવસાનના સમાચાર મળ્યા એ સાથે તેમની સાથે છેલ્લા ચાર વરસ દરમિયાન ગાળેલો સમય મનમાં પુનર્જિવીત થઈ ઉઠ્યો.

2016માં તેમની જીવનકથા આલેખવાનું સૂચન વડીલમિત્ર રમેશ ઓઝાએ કર્યું ત્યારે ખુદ કિશનભાઈ પોતાની જીવનકથા લખાવવા બાબતે ખચકાતા હતા. 'એક સર્વોદયવાદી બિલ્ડરની જીવનકથા' જેવું વિરોધાભાસી શિર્ષક મારા મનમાં રમતું થઈ ગયેલું. અમે એક મુલાકાત ગોઠવી. એમાં મેં એમને કન્વિન્સ કરવાનો પ્રયત્ન ન કર્યો, પણ જીવનકથાના આલેખન અંગેની ગેરસમજ દૂર કરી. એ તેમને ગળે ઉતરી, પણ એ પહેલી મુલાકાતમાં તેમના વ્યક્તિત્ત્વની કેટલીક લાક્ષણિકતાઓ ધ્યાનમાં આવી. તેમની વિશ્લેષણ શક્તિ અને મૂલ્યાંકનક્ષમતા એવાં તીવ્ર હતા કે પોતાની જાતનું પણ એ તદ્દન ruthless બનીને વિશ્લેષણ કરતા. તે બોલવાનું શરૂ કરે એટલે અસ્ખલિતપણે બોલતા. હું એકાદ સવાલનું ટ્રીગર દાબું એટલે તે વાત શરૂ કરે. ક્યારેક ફંટાઈ જાય તો જાતે જ કહેતા, 'હું બીજી વાત પર જતો રહ્યો, નહીં?' જે રીતે તેમની એક વાતમાંથી બીજી વાત નીકળતી જતી એ જોતાં મને કવિ હુલ્લડ મુરાદાબાદીની રચના 'પહલી ગલી મેં દૂસરી ગલી હૈ...' યાદ આવી જતી. હું અગાઉથી નક્કી કરીને મુંબઈ બે યા ત્રણ દિવસ માટે જતો. બપોરથી સાંજ સુધી તેમના ઈન્ટરવ્યૂનો કાર્યક્રમ વડાલા ખાતે 'સદ્ભાવના સંઘ' ખાતે રહેતો. ખરી મઝા એ પછીની હતી. તેમનું નિવાસસ્થાન નેપિયન સી રોડ પર, જ્યારે હું પેડર રોડ પર મારા કાકાને ત્યાં ઉતરતો. આથી વડાલાથી અમે સાથે જ નીકળતા અને કિશનભાઈ સહેજ ફરીને મને પેડર રોડ પર ઉતારીને આગળ વધતા. આ કલાક-સવા કલાક દરમિયાન અનેક વાતચીત થતી, જેમાં અંગત, પારિવારિક સહિત વિવિધ બાબતો ચર્ચાતી. ચાલીસ વરસ પહેલાં પોતાના મનમાં શો વિચાર આવેલો એ પણ તે મને નિખાલસતાથી કહેતા. આને કારણે એક વિશિષ્ટ આત્મીયતા અમારી વચ્ચે થઈ ગયેલી.
તેમની જીવનકથાનું આલેખન ક્યારનું પૂરું થઈ ગયું હતું. એ પછી ગયા ફેબ્રુઆરીમાં ખાસ ત્રણ દિવસ એમણે ફાળવ્યા. આ ત્રણ દિવસ દરમિયાન મેં એમની જીવનકથાનું વાંચન એમની સમક્ષ કર્યું. સાથે વર્ષાબેન (વિદ્યા વિલાસ) જેવા તેમનાં જૂનાં સાથીદાર પણ ઉપસ્થિત હતાં. એ રીતે જરૂરી સુધારાવધારા પણ કરતા ગયા. એ પછી તેમનાં અંગત કારણોસર તેના પ્રકાશનમાં વિલંબ થતો રહ્યો.
વચ્ચે એક વાર તેમની તબિયત લથડી ત્યારે તેમણે ડૉક્ટરને પૂછેલું કે પોતે કેટલું જીવી શકે એમ છે. એક વાર વાતચીતમાં તેમણે મને કહેલું કે મેં દોઢ વર્ષનું આયોજન કરેલું છે. આ સમજતાં મને અડધી સેકન્ડ થયેલી અને સમજાયું ત્યારે રીતસર એક લખલખું પસાર થઈ ગયેલું. કોઈ માણસ આ હદની હેતુલક્ષિતાથી પોતાના વિશે વાત કરે?
ગયે વરસે કોવિડની સ્થિતિ દરમિયાન ફોન પર વાતચીત થઈ ત્યારે તેમણે એ જ રીતે કહેલું, ‘મારા બિલ્ડીંગમાં એક પછી એક એમ બે જણનાં મૃત્યુ થયાં. હવે સૌથી મોટો હું જ છું એટલે મારો વારો છે.’ મેં હસીને કહેલું, ‘પુસ્તક પ્રકાશિત કર્યા વિના અમે તમને જવા નહીં દઈએ.’
તેમની જીવનકથાનું શિર્ષક પણ વાતવાતમાં સૂઝેલું. એક વાર અમારી વડાલા-પેડર રોડ મુસાફરીમાં એ કહે, 'આજે સવારે મેં પેલી કવિતા વાંચી- ભોમિયા વિના ભમવા'તા મારે ડુંગરા.' એ વાંચીને મને લાગ્યું કે એ કવિતા મને જ લાગુ પડે છે.' મેં કહ્યું, 'તો આપણે એની પરથી જ શિર્ષક વિચારીએ ને!' એ રીતે અમે 'ભોમિયા વિના ભમ્યો હું ડુંગરા' શિર્ષક નક્કી કરેલું.
તેમની વિવિધ પ્રવૃત્તિઓ વિશે લખાતું રહેશે, પણ તેમનો અંગત પરિચય વિશિષ્ટ રીતે સ્મરણ બનીને રહેશે. તેમની જીવનકથા પ્રકાશિત થાય કે ન થાય, પણ મારા જીવનના એક પ્રકરણ તરીકે તે સદાય અંકિત રહેશે.

અહીં તેમનો સંક્ષિપ્ત પરિચય કેવળ જાણકારી માટે મૂકું છું.

કિશનભાઈ ગોરડીયા: ભોમિયા વિનાની જીવનસફર

(6-12-1932થી 6-4-2021)

કેટલાક લોકો એવા હોય છે કે જેઓ કોઈ પણ જાતના માર્ગદર્શકની ખેવના રાખ્યા વિના સફરે નીકળી પડે છે. પછીનો રસ્તો કેવો હશે એની યા સફળતા કે નિષ્ફળતાની ફિકર કર્યા વિના તેઓ આગળ વધતા રહે છે. 88 વર્ષની જીવનસફર ખેડીને વિદાય લેનાર કિશનભાઈની સફર કંઈક આવી રહી હતી.

ચુનીલાલ ધરમશી ગોરડિયા અને ચંદ્રભાગાબહેનનાં કુલ છ સંતાનોમાં કિશનભાઈ ચોથા ક્રમે હતા. ચાવંડ અને મહુવામાં બાળપણનાં આરંભિક વરસો વીતાવ્યાં પછી પોતાની પાંચ-છ વર્ષની ઉંમરે પરિવાર સાથે કિશનભાઈને મુંબઈ આવી જવાનું બન્યું. કિશનભાઈની બાર વર્ષની વયે માતાનું અવસાન થતાં ઘરની જવાબદારીનો અહેસાસ તેમને તીવ્રપણે થયો. પિતાજીની તબિયત પણ અસ્થિર રહેવા લાગી. મેટ્રિક પાસ થયા પછી પારિવારિક સંજોગોને કારણે તેમણે આગળ અભ્યાસ કરવાનો વિચાર માંડી વાળ્યો. પોતાને માર્ગદર્શન આપે એવું કોઈ હતું નહીં. તેમણે જાતે જ એ નિર્ણય લીધો અને નોકરી શોધવા લાગ્યા. એક સર્જિકલ કંપનીમાં નોકરી મળી.

એ પછી તેમનાં નોકરીનાં ક્ષેત્ર બદલાતાં રહ્યાં. તેમણે શિક્ષક તરીકે કામ કર્યું, વળી પાછા સર્જિકલ કંપનીમાં આવ્યા. બિલકુલ આ જ રીતે તે ઈમ્પોર્ટ-એક્સપોર્ટ લાયસન્‍સ ક્ષેત્રે આવ્યા. આ સમયગાળા દરમિયાન તે ગાંધીસાહિત્ય અને સર્વોદયસાહિત્યના સંપર્કમાં આવ્યા અને તેનાથી ખૂબ પ્રભાવિત થયા. તેમનો જીવ આ ક્ષેત્ર તરફ પ્રબળ ખેંચાણ અનુભવતો હતો, પણ પારિવારિક સંજોગો તેમને એ તરફ જતાં રોકતા હતા. ઈમ્પોર્ટ-એક્સપોર્ટ લાયસન્‍સનું કામ તેમણે સ્વતંત્રપણે શરૂ કર્યું ત્યારે એ ક્ષેત્રે રહેલા ફરજિયાત ભ્રષ્ટાચારનો તેમને ખ્યાલ આવ્યો. એવે વખતે કેદારનાથજીએ તેમને સમાધાન સૂચવ્યું.

એ જ રીતે તેમણે સાબુનું એક કારખાનું સંભાળ્યું. જેમ જેમ તે વ્યવસાયના ક્ષેત્રને છોડીને સેવામાર્ગે જવા વિચારતા એમ તે વ્યાવસાયિક બાબતોમાં અનાયાસે ઊંડા ઉતરતા જતા. 1970ના દાયકાના ઉત્તરાર્ધમાં તેમણે વડાલામાં એક જમીન રાખી અને પહેલવહેલું બિલ્ડીંગ તૈયાર કરાવ્યું. આ એક એવો પાયો હતો કે જેના પર આખી ભાવિ ઈમારત તૈયાર થવાની હતી. આગળ જતાં કિશનભાઈના પુત્ર દીપકભાઈએ દોસ્તી બિલ્ડર્સનું સુકાન સંભાળ્યું અને પોતાની સૂઝ વડે તે મુંબઈના શ્રેષ્ઠ બિલ્ડરોની હરોળમાં બિરાજ્યા.

કિશનભાઈનું ખેંચાણ સામાજિક કાર્યો પ્રત્યે હતું. તેમણે હવે એ તરફ ધ્યાન કેન્‍દ્રિત કર્યું. જો કે, સામાજિક કાર્યોમાં તેમનું મુખ્ય લક્ષ્ય નાગરિકોના ઉત્થાન પ્રત્યે વિશેષ હતું. એ અંગેનાં વિવિધ કાર્યો તે કરતા રહ્યા. આખરે 2006માં તેમણે સદ્‍ભાવના સંઘની સ્થાપના કરી અને આ કાર્યો માટે નક્કર આયોજન કર્યું. સદ્‍ભાવનાનો અર્થ ઘણો વ્યાપક તેમણે રાખ્યો હતો. એ અનુસાર નાગરિક જાગૃતિના વિવિધ કાર્યક્રમો તે યોજતા હતા. સદ્‍ભાવના સંઘના મૂળમાં વિનોબાજીએ આપેલી આચાર્યકુળની વિભાવના હતી, જેમાં સમાજના વિવિધ ક્ષેત્રના લોકો સંકળાય અને તંદુરસ્ત સમાજનું નિર્માણ કરે એ ખ્યાલ મુખ્ય હતો. કિશનભાઈ પોતે ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને અનુસરતા હતા, જેમાં પોતે પોતાની સંપત્તિના માલિક નહીં, પણ ટ્રસ્ટી હોવાની ભાવના હતી. 

પોતાનો પૂર્ણ સમય તે સદ્‍ભાવના સંઘમાં જ આપતા હતા. છેલ્લે છેલ્લે શારિરીક વિપરીતતા હોવા છતાં તે સદ્‍ભાવના સંઘમાં લગભગ નિયમિત આવતા.

22 માર્ચે તેમને કોવિડ-19ને કારણે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમની સારવારમાં સૌ કોઈ ખડેપગે રહ્યા. પોતાનો દેહ સમાજનાં કાર્યો માટે ઊપયોગી બની રહે એ બાબતે સતત સભાન રહેતા કિશનભાઈ અનેક શારિરીક તકલીફોનો સામનો એક યોદ્ધાની જેમ કરતા આવ્યા હતા. પણ આ યુદ્ધ જીવન સાથેનું તેમનું અંતિમ યુદ્ધ બની રહ્યું. આખરે 6 એપ્રિલના રોજ વહેલી સવારે તેમણે દેહ છોડ્યો. 

પોતાની જાત સહિત કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનું હેતુલક્ષી મૂલ્યાંકન કરવાની તેમની ક્ષમતા તેમની આગવી વિશેષતા હતી. આ કારણે જ તેમનાં પત્ની રસિકાબેન, પુત્ર દીપકભાઈ, પુત્રવધૂ સેજલબેન, પૌત્ર અનુજ, પૌત્રી શ્રદ્ધા, પુત્રી સાધનાબેન, જમાઈ નૈમિષભાઈ અને દોહિત્રી અમી- જમાઈ અર્થ તેમજ તેમનાં સંતાનો આશા, અહાના, દોહિત્રી બંસી- જમાઈ ચાર્લી તેમજ તેમનો પુત્ર દિલ્લોન–એમ સમસ્ત ગોરડીયા પરિવાર કે સદ્‍ભાવના સંઘનાં સભ્યો તો ખરા જ, પણ કિશનભાઈના સંપર્કમાં આવ્યાં હોય એવા સહુ કોઈને એક વડીલ-મિત્ર-શુભચિંતક ગુમાવવાની લાગણી કિશનભાઈની વિદાયથી અનુભવાઈ રહી છે.

1 comment:

  1. સોનલ ચારણીયાApril 8, 2021 at 1:52 PM

    શત શત નમન:

    ReplyDelete