રોમન સામ્રાજ્ય ખ્રિસ્તી ધર્મ કરતાં જૂનું હતું. નીરોના શાસન સમયે ખ્રિસ્તી ધર્મ નવોસવો હતો. આ ધર્મના અનુયાયીઓ માટેની દાઝ નીરોની રગરગમાં હતી. તેમને હેરાનપરેશાન કરવાની એક પણ તક તે ચૂકતો નહીં. રોમની ભીષણ આગ બાબતે નીરોએ ખ્રિસ્તીઓને જવાબદાર ઠેરવવા પ્રયાસો કર્યા. આમ તો એ ઉઘાડું સત્ય હતું કે આ આગ પાછળ ખુદ નીરો જ કારણભૂત હતો. પણ નીરોને કહે કોણ? અને શું કરવા કહે? નીરોની 'ગુડબુક'માં રહેવાનો, એ રીતે જે કંઈ નાનોમોટો લાભ થાય તો એ લેવાનો મોકો કોણ છોડે? જો કે, આ વર્ગના મોટા ભાગના લોકોને ખબર હતી કે નીરો પાસે 'ગુડબુક' તો શું, 'બુક' જેવું પણ કશું નહોતું. એ મુખ્યત્વે પોતાની અંત:પ્રેરણાને વશ થઈને વર્તતો. એટલું ખરું કે પેલી આગ પછી ખ્રિસ્તીધર્મીઓને હેરાન કરવાનો નીરોને જ નહીં, રોમનોને પણ જાણે કે પરવાનો મળી ગયો હતો.
નીરોએ એક ગુપ્ત સૈન્ય ઉભું કર્યું હતું. આ સૈન્યની કોઈ કૂચ યોજાતી નહીં કે નહોતો તેનો કોઈ સેનાપતિ. સહુ સૈનિકો પોતપોતાને ઘેર જ રહેતા અને સેનાપતિપદ સંભાળતા. તેમનું કામ એ હતું કે રોમમાં કોઈ પણ ઘટના બને તેને દુર્ઘટના તરીકે ચીતરવી અને એ દુર્ઘટના માટે ખ્રિસ્તીઓને જવાબદાર ઠેરવવા. આ સૈન્યમાં જોડાવા માટેની મુખ્ય લાયકાત રોમન લિપિમાં લખવાની આવડત કહી શકાય. પણ એથી મોટી લાયકાત હતી ખ્રિસ્તીદ્વેષ. જેમનામાં એ હાડોહાડ ભરેલો હોય એમને રોમન લિપિ શીખી જતાં વાર ન લાગતી. કોઈને રોમન લિપિ શીખવાની ઈચ્છા ન હોય અને એને માત્ર ચીતરતાં આવડતું હોય તો એ એવાં ચિત્રો ચીતરતો કે જેનાથી ખ્રિસ્તીઓ વિરુદ્ધ લાગણી ભડકી ઉઠે. આવાં ચિત્રો જોતજોતામાં રોમનાં મુખ્ય સ્થળોએ લાગી જતા.
ગુપ્ત સૈનિકોની જેમ નીરોએ કેટલાંક વન્ય પશુઓને પણ પાળ્યાં હતાં. સિંહ અને વાઘ તેને અતિ પ્રિય હતાં. આ ઉપરાંત જરખ, લોંકડી, શિયાળ પણ ખરાં. આ સિંહ અને વાઘ સાચેસાચા, ચાર પગવાળાં માંસાહારી હતા. પોતાને સિંહ કે વાઘ તરીકે ઓળખાવતા રોમના લેખકો નહીં. વર્ષમાં બેથી ત્રણ વાર રોમમાં 'મૃત્યુ પસંદગી ઉત્સવ' ઉજવાતો. એક મોટા કોલોઝિયમમાં રોમનો એકઠા થતા. સ્વાભાવિક છે કે એ નિ:શુલ્ક ન હોય, કેમ કે, રોમના રાજ્યની આવકનો મુખ્ય સ્રોત આવા ઉત્સવો થકી એકઠી થતી રકમનો હતો. આ વિશેષ ઉત્સવમાં વચ્ચોવચ્ચ કેટલાક ખ્રિસ્તીઓને ઉભા રખાતા. તેમને અહીં રખાયેલાં પાંજરા નજીક લઈ જવાતા. એ પછી તેમને પૂછવામાં આવતું કે તેઓ કયા વન્ય પશુ દ્વારા અને કઈ રીતનું મૃત્યુ ઈચ્છે છે. કોઈક પોતાની પસંદગીના સિંહના પાંજરામાં જવાનું પસંદ કરતું. ઉદામ વિચારસરણીવાળો કોઈક કહેતો કે પોતાને જાહેરમાં, સૌ જુએ એમ આઠ ફૂટિયો વાઘ ફાડી ખાય કે જેથી રોમનો આ ક્રૂર હત્યાકાંડને જુએ અને સમજે કે પોતાનો શાસક કેવો ક્રૂર છે. આમ થાય ત્યારે રોમનો આવું લાઈવ મનોરંજન જોવાનું નસીબ પોતાને પ્રાપ્ત થયું એ બદલ સમ્રાટ નીરોનો આભાર માનતા. કેટલાક ભીરુ લોકો પણ હતા, જે ઈચ્છતા કે પોતાનું મૃત્યુ વાઘ કે સિંહ દ્વારા નહીં, પણ શિયાળ દ્વારા થાય. એમને માટે વિશેષ સુવિધા હતી. સૌ પ્રથમ તો આવા ઉમેદવારની હથેળીઓ અને પગના પંજા કાપી નખાતા. એ પછી શિયાળનું ચામડું લાવવામાં આવતું. આ ચામડામાં પેલા ઉમેદવારને જેમ તેમ કરીને ગોઠવવામાં આવતો. તેને ચાર પગે ચાલવાની ફરજ પડાતી. એ પછી ક્યાંકથી જંગલી કૂતરા આવી જતા અને 'શિયાળ'નું કામ તમામ થતું.
આ સમયે આખું કોલોઝિયમ તાળીઓના ગડગડાટ અને ગગનભેદી જયઘોષથી ગાજી ઉઠતું. સમ્રાટ નીરો બે હાથ પહોળા કરી, માથું નમાવીને જયઘોષ ઝીલતો. એ જોઈને રોમનો પોરસાતા અને કહેતા: 'આ બધું કરવા છતાં આપણો સમ્રાટ કેટલો વિનમ્ર છે! આપણી પેઢી કેવી ખુશનસીબ કે એમના સમયમાં જીવવાનું આપણને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું.'
એ પણ ઈતિહાસની વક્રતા ગણવી રહી કે નીરોના શાસનકાળના આશરે ત્રણસો વરસ પછી, સમ્રાટ થિયોડોસીયસ દ્વારા ખ્રિસ્તી ધર્મને રોમન સામ્રાજ્યના અધિકૃત ધર્મ તરીકે ઘોષિત કરવામાં આવ્યો.
પાઠ ભણાવવાની ઈતિહાસની રીત નીરોની જેમ જ આગવી હોય છે.
(By clicking image, the URL will be reached)
(The images are symbolic)
No comments:
Post a Comment