Wednesday, September 27, 2017

હાર્મોનિકાવાદન: હૈયે તે હોઠે (૧)


-ઈશાન કોઠારી 

(10 અને 11 સપ્ટેમ્બર, 2017ના રોજ જયપુરમાં 'ઈન્‍ડીયન માઉથ ઓર્ગન પ્લેયર્સ મીટ- 2017 નો એક અનોખો કાર્યક્રમ યોજાઈ ગયો. દેશભરમાંથી એકઠા થયેલા હાર્મોનિકાવાદકોએ અહીં જલસો કર્યો અને કરાવ્યો. મારા દીકરા ઈશાને પણ તેમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો તેણે લખેલો અહેવાલ અહીં પ્રસ્તુત છે. મૂળ અહેવાલ તેણે લખ્યો છે, જેનું મેં માત્ર ભાષાકીય પરામર્શન કર્યું છે.) 

9મી સપ્ટેમ્બરની રાત્રે સાડા દસની વડોદરાથી જયપુર જવા માટેની અમારી ટ્રેન હતી. અમે સ્ટેશન પર દોઢેક કલાક પહેલાં પહોંચી ગયા હતા. મારા સિવાય બીજા ત્રણ જણા હતા મનિષભાઈ, ભરતભાઈ અને અનવરભાઈ, જેઓ મારાથી ઉંમરમાં પંદર-વીસ વર્ષ મોટા હતા. હું પહોંચ્યો ત્યારે બાકીના ત્રણે આવી ગયા હતા એ મને 'સંભળાઈ' ગયું.
અમે સૌ જયપુરમાં ભરાનારી બે દિવસીય ‘ઈન્‍ડીયન માઉથ ઓર્ગન પ્લેયર્સ મીટ’ - આઈ.એમ.પી.-2017માં ભાગ લેવા જઈ રહ્યા હતા. છ-સાત મહિનાથી મેં વડોદરાના પ્રસિદ્ધ હાર્મોનિકા (માઉથ ઓર્ગન) વાદક અજિતસિંહ ગાયકવાડ પાસે આ વાદ્ય શીખવાનું શરૂ કર્યું હતું. મારી બૅચમાં બીજા નવેક શોખીનો હતા. ખિસ્સામાં સમાઈ જાય એવું, કોઈ પણ જાતના વીજળી જોડાણ વિના, માત્ર ફૂંક વડે વગાડી શકાતું આ વાદ્ય અદ્‍ભુત છે. આ વાદ્ય હવે લુપ્ત થતું ચાલ્યું છે, ત્યારે તેના ખરેખરા શોખીનો પોતાનાં શહેરોમાં મંડળો બનાવીને તેને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આવા શોખીનો દેશભરમાં પથરાયેલા છે, જેમના દ્વારા દર વરસે અલગ અલગ શહેરોમાં ‘આઈ.એમ.પી.’નું આયોજન કરવામાં આવે છે. અમે આવા મેળાવડામાં વડોદરાનું પ્રતિનિધિત્વ કરવાના હતા.
મારા સાથીદારોએ સ્ટેશન પર ઉભા ઉભા હાર્મોનિકાવાદન ચાલુ કરી દીધું હતું.  હું પહોંચ્યો એટલે હું પણ તેમાં જોડાઈ ગયો. અમને વગાડતા જોઈને સ્ટેશન પર ઘણા બધા લોકો ભેગા થઈ ગયા. આમ, અહીંથી જ મજા પાડવાની શરૂ થઈ ગઈ. ટ્રેનમાં પણ આ ક્રમ અમે ચાલુ રાખ્યો. અમે ટ્રેનમાં અમારી મસ્તીમાં વગાડી રહ્યા હતા.
ટ્રેનમાં જ શરૂ થઈ ગઈ મહેફિલ: (ડાબેથી) અનવરભાઈ, સુધાંશુભાઈ, ઈશાન,
મનીષભાઈ અને ભરતભાઈ

  થોડી વાર પછી એક બહેન અમારી પાસે આવ્યાં. તેઓ હાર્મોનિકાના સૂર સાંભળીને ચાર-પાંચ ડબ્બા ઓળંગીને આવ્યાં હતાં. તેમણે કહ્યું, ‘મેં આ સાંભળ્યું અને મને રસ પડ્યો એટલે હું છેક અહીં આવી છું.’ વાતચીતમાં તેમણે જણાવ્યું કે તેમણે આર.ડી.બર્મનનાં ગીતો પર પી.એચ.ડી. કરી છે. તેમણે અમને પૂછ્યું, ‘તમે પ્રોફેશનલી આ વગાડો છો?’ અમે ના પાડી, પણ તેમને મળીને ઘણો આનંદ થયો. બીજા દિવસે સવારે અગિયારેક વાગ્યે અમે જયપુર ઉતર્યા.

**** **** ****

જયપુર થી 30 કીમી દૂર આવેલી ‘હોટેલ જયબાગ પેલેસ’માં આ કાર્યક્રમ તેમજ સૌના રહેવાની વ્યવસ્થા હતી. અમે સહેજ મોડા પડ્યા. કાર્યક્રમ સવારે 10 વાગે ચાલુ થઈ ગયો હતો. પહોંચીને અમે રજિસ્ટ્રેશન વગેરે વિધિ પતાવી અને અમારા રૂમમાં પહોંચ્યા.
સ્વાગતમ્
અમારે એ જ સાંજે આ કાર્યક્રમમાં વગાડવાનું હતું, તેથી અમે સૌએ ભેગા મળીને થોડી પ્રેક્ટિસ કરી. પરવારીને અમે હૉલમાં પહોંચ્યા.

એક મોટા હૉલમાં આખો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ પ્રોગ્રામમાં અનેક જાણીતા ચહેરા અને માસ્ટર્સ જોવા મળ્યા. અજિત સર પાસે શિખવા જવા ઉપરાંત હું યૂ ટ્યૂબ પર મૂકાયેલા ટ્યુટોરિયલ જોઈને શિખવાનો પ્રયત્ન કરું છું. જેમના ટ્યૂટોરિયલ્‍સ જોઈને હું શિખું છું, તેમાંના ઘણા અહીં આવેલા હતા.
પુણે, બેંગલોર, મુંબઈ, અમદાવાદ, સુરત, દાહોદ, ઈન્‍દોર જેવા વિવિધ શહેરોમાંથી લોકો આવ્યા હતા. પ્રોગ્રામમાં અલગ અલગ શહેર મુજબ સૌને સમય ફાળવવામાં આવ્યો હતો, જેમાં સમૂહવાદન તેમજ એકલવાદન પણ હતું. બે પ્રકારે લોકો સંગત કરતા. સ્ટેજ પર ત્રણ સાજિંદાઓ હતા, જેઓ કી-બોર્ડ અને રીધમ વિભાગ સંભાળતા. કોઈ ઈચ્છે તો તેમની સંગત કરી શકાતી. એ સિવાય રીધમનો ભાગ ઘણા લોકો પોતાના મોબાઈલ ફોનમાં લેતા આવેલા, જે સ્ટેજ પર જતાં અગાઉ ત્યાં આપી દેવાથી એ તૈયાર ટ્રેક પર વાદન કરી શકાતું.
હાર્મોનિકાવાદન સાંભળી રહેલા અન્ય વાદકો 
હૉલમાં પહોંચતાં જ આખો માહોલ સંગીતમય જણાયો. વારાફરતી સૌ આવીને હાર્મોનિકા વગાડતા હતા. એક તરફ મુખ્ય સ્ટેજ હતું, જેની આગળ બેઠકવ્યવસ્થા ગોઠવાયેલી હતી. બીજી તરફ ભોજનની વ્યવસ્થા પણ ગોઠવાયેલી હતી. કેટલાક લોકો ખુરશીઓમાં બેઠેલા હતા, કેટલાક ફરતા હતા, કેટલાક જમતા હતા. અમે થોડી વાર વાદન સાંભળ્યું અને પછી થાળી હાથમાં લીધી.
અમારો વારો પાંચ વાગ્યે હતો. વડોદરાના જ વેંકટેશ સર અમારા પહેલાં જયપુર આવી ગયા હતા. અમારે સૌએ ભેગા વગાડવાનું હતું. મને બહુ અવઢવ થતી હતી. મેં પૂરતી પ્રેકટીસ કરી હતી, પણ છતાં હજી તેમાં ભૂલો થતી હતી. મને લાગ્યું કે આટલા મોટા મેળાવડામાં વગાડીએ અને ભૂલ પડે તો કેવું ખરાબ લાગે! અમારે ગૃપમાં ગાયત્રી મંત્ર વગાડવાનો હતો, પણ ત્યાર પછી ‘મેડલી’માં સૌએ વારાફરતી એકલવાદન કરવાનું હતું. મેં મારી મૂંઝવણ વેંકટેશ સરને કહી અને જણાવ્યું કે હું ગૃપમાં વગાડીશ, પણ મારે એકલા વગાડવું નથી. આ સાંભળીને વેંકટેશ સરે મને પ્રોત્સાહન આપ્યું અને કહ્યું કે ભૂલ તો બધાને પડતી હોય છે. એની ચિંતા નહીં કરવાની. તારે વગાડવાનું જ છે. તેમણે ભરતભાઈ અને મનિષભાઈને જણાવ્યું કે તેઓ મારી સાથે રહીને મને બૅક અપ પૂરો પાડે, અને ક્યાંક હું અટકું કે મારી ભૂલ પડે તો તેઓ તરત ઝીલી લે. આમ, મને ઘણી હિંમત મળી અને હું તૈયાર થઈ ગયો.
અમારી ટીમનું વાદન (ડાબેથી)
ઈશાન, ભરતભાઈ,  મનિષભાઈ
અમારો વારો આવ્યો. અમે સાત જણા સ્ટેજ પર પહોંચ્યા, જેમાં સુધાંશુભાઈ અને બીજા એક મિત્ર દાહોદથી આવેલા હતા. દાહોદના મિત્ર હાર્મોનિકા નહીં, પણ ‘મેલોડીકા’ વગાડવાના હતા. વેંકટેશ સરે અમારા સૌનો પરિચય આપ્યો, જેમાં જણાવ્યું કે ઈશાન અમારી ટીમનો સૌથી નાનો સભ્ય છે. ત્યાર પછી અમે સ્ટેજ પરના રીધમીસ્ટની સંગતે ગાયત્રી મંત્રનું વાદન શરૂ કર્યું. અહીં તેની ક્લીપ મૂકી છે.


સામાન્ય રીતે મોટા ભાગના લોકો ફિલ્મનાં ગીતો વગાડતાં હતાં. આવામાં ગાયત્રી મંત્ર જરા જુદો પડતો હતો. સૌએ અમને તાળીઓથી વધાવી લીધા. (દરેકને એ રીતે વધાવવામાં આવતા હતા.) ત્યાર પછી એકલવાદન હતું. સૌથી પહેલો વારો મનિષભાઈનો હતો, જેમણે ‘યારાના’નું ગીત ‘છૂકર મેરે મન કો’ બહુ સરસ રીતે વગાડ્યું. તેમના પછી અનવરભાઈએ ‘કટીપતંગ’નું ‘પ્યાર દીવાના હોતા હૈ’ વગાડ્યું. ભરતભાઈએ ‘બ્રહ્મચારી’નું ‘આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જબાન પર’ વગાડ્યું. ત્યાર પછી મારો વારો હતો. મારે ‘બ્લેકમેલ’નું ગીત ‘પલ પલ દિલ કે પાસ’ વગાડવાનું હતું, જે મેં પણ ઠીક કહી શકાય એ રીતે એટલે કે ભૂલ વિના વગાડ્યું. રીધમ સાથે તાલ બેસાડવામાં થોડી મુશ્કેલી પડતી હોય છે, પણ એ સામાન્ય બાબત છે. વેંકટેશ સરે ‘અનાડી’નું ‘વો ચાંદ ખિલા’ વગાડ્યું.
ત્યાર પછી અમારે ફરી સમૂહવાદન કરવાનું હતું. અમે સૌએ મળીને ‘શોલે’નું ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે’ વગાડ્યું. ત્યાર પછી ‘લવ ઈન ટોક્યો’નું ‘સાયોનારા’ વગાડીને અમે મંચ પરથી વિદાય લીધી
કાર્યક્રમ સાંજના સાતેક સુધી હૉલમાં ચાલ્યો.
રાતનું આયોજન હોટેલના વિશાળ પ્રાંગણમાં હતું. એક સ્ટેજ ઉભું કરવામાં આવેલું અને બેઠકવ્યવસ્થા પણ. ભોજન પણ અહીં જ હતું. જેને પોતાનું વાદન કરવું હોય તે સ્ટેજ પર જઈને પોતાનું નામ અને ગીતની વિગત લખાવી આવે એ મુજબ તેમના નામની ઘોષણા થતી.

વિવિધ શહેરોની મહિલાઓના એક જૂથે મસ્ત વાદન કર્યું

આ કાર્યક્રમ બહુ જ મઝાનો હતો. એક તો રાતની ઠંડક હતી, ખુલ્લી, વિશાળ જગ્યા હતી અને એકે એક કલાકારો પોતાની મસ્તીમાં વગાડતા જતા હતા.

બેંગ્લોરના 'સાંઈ તેજસ' ગૃપના સભ્યોએ જલસો કરાવ્યો
ઘણા ઉત્સાહીઓ જોશમાં આવીને મંચ પાસે પહોંચીને કે પોતે ઉભા હતા એ જગ્યાએ નાચતા પણ હતા. સાંજના આ કાર્યક્રમમાં કેટલાક કલાકારોના વાદનની ક્લીપ અલગ પોસ્ટમાં મૂકીશું. રાતના સાડા બાર એક વાગ્યે સૌ પોતપોતાના રૂમમાં ગયા.
**** **** ****

બીજા દિવસે પણ આ જ પ્રકારનો કાર્યક્રમ હતો. સવારે કાર્યક્રમને હજી વાર હતી. એ વખતે ઘણા વાદકો પોતપોતાના રૂમની બહાર નીકળ્યા. એ સૌએ પેસેજમાં જ હાર્મોનિકા વગાડવાનું ચાલુ કર્યું. તેમનું જોઈને બીજાઓ પણ રૂમની બહાર નીકળતા ગયા અને પોતપોતાની રીતે વગાડતા ગયા. અમે ચારે જણા પણ તેમાં જોડાયા. કેટલાક લોકો બહાર નીકળીને સ્વીમીંગ પુલ પાસે પહોંચ્યા અને ત્યાં વગાડવા માંડ્યા. હૉલના કાર્યક્રમમાં આવી એવી જ મઝા અહીં પણ આવી. પછી સમય થતાં સૌ બ્રેકફાસ્ટ માટે ગયા. અહીં સૌ એકબીજાનો પરિચય કરતા હતા અને મુક્ત રીતે હળતામળતા હતા.

ફોટોટાઈમ: (ડાબેથી) કપિલદેવ (દાહોદ),અનવરભાઈ, વેંકટેશ સર,
ઈશાન, ભરતભાઈ અને મનિષભાઈ
ભારેખમ બ્રેકફાસ્ટ લીધા પછી કાર્યક્રમ શરૂ થયો. ફરી એ જ રંગત જામી. દરેક ગૃપ પોતાના વારા મુજબ આવતું જાય અને વગાડતું જાય. 6 વર્ષના બાળકથી લઈને સિત્તેર-પંચોતેરના વૃદ્ધ પણ હાર્મોનિકા વગાડતા હતા.
બીજા દિવસે વાદન ઉપરાંત ટેકનિકલ સેશન પણ હતું, જેમાં હાર્મોનિકાવાદનની વિવિધ ટેકનિકની જાણકારી કેટલાક ઉસ્તાદો આપતા હતા. બેન્ડીંગ, ટંગીંગ જેવી ટેકનિકો વિશે તેમાં સારી જાણકારી આપવામાં આવી.
અલગ અલગ કદ અને કિંમતનાં હાર્મોનિકા 
હૉલમાં એક તરફ હાર્મોનિકાનું વેચાણ પણ થઈ રહ્યું હતું, જેમાં વિવિધ રેન્‍જના હાર્મોનિકા મૂકાયેલાં હતાં. મેં પણ ત્યાં આંટો માર્યો. બે-ચાર હાર્મોનિકાનો મેં ટ્રાયલ લીધો- ખાસ તો એક વેંતથી પણ નાનું એક હાર્મોનિકા હતું એ વગાડી જોયું. જો કે, અત્યારે તે ખરીદવાનું નહોતું.
બપોરના ભાગે ફોટો સેશન હતું, જેમાં સૌના વ્યક્તિગત ફોટા હોટેલની ઈમારતના બેકગ્રાઉન્‍ડમાં લેવામાં આવતા હતા અને આ ફોટા એક સિરામીકના મગ પર છાપીને મગ સોવેનિયર તરીકે ભેટમાં અપાતો હતો. ‘સાંઈ તેજસ’ નામનું બેંગ્લોરનું એક ગૃપ ‘આઈ લવ હાર્મોનિકા’ છાપેલા બેજ લઈને આવ્યા હતા, અને તે વેચતા હતા.
કાયમી યાદગીરી 
અમે પણ તે ખરીદ્યા. આ ઉપરાંત આગલા દિવસે સૌને ‘આઈ.એમ.પી.-2017’ લખેલી ટી-શર્ટ પણ આપવામાં આવી હતી, જેને ચડાવીને ઘણા બધા લોકો ફરતા હતા. ફોટો સેશનમાં તમામ વાદકોએ એક સાથે ગૃપ ફોટો પડાવ્યો. ‘સર, આપ પીછે ચલે જાઈએ’, ‘સર, આપ ઈધર ખડે રહેં’, ‘આપ થોડે સે અંદર આ જાઓ’ જેવી કાયમી સૂચનાઓ પછી ભરબપોરે, રાજસ્થાનના તડકામાં કરાયેલું આ સેશન પણ મઝાનું રહ્યું.

આઈ.એમ.પી.ના તમામ વાદકો એક જ ફ્રેમમાં 
આખા દિવસ પછી રાત્રે પણ વાદનની મહેફિલ ચાલુ રહી. બે દિવસ સુધી કાનમાં સતત હાર્મોનિકાના સૂર જ ગૂંજતા રહ્યા. ત્રીજા દિવસે સવારે અમારે પાછા આવવા માટે નીકળવાનું હતું. બે દિવસ અગાઉ સાવ અજાણ્યા હતા એવા ઘણા લોકો હવે પરિચીત બની ગયા હતા. એ સૌની વિદાય લઈને અમે સ્ટેશને જવા નીકળ્યા. ટ્રેન ઉપડ્યા પછી એક વાર સૌ બરાબર ગોઠવાઈ ગયા એટલે ફરી પાછા સૌએ પોતપોતાનાં હાર્મોનિકા કાઢ્યાં અને વગાડવાનું શરૂ કર્યું. આમ ને આમ, વડોદરા આવી ગયું.


(તસવીરો: Harmonica Enthusiasts of Baroda,  Harmonica Enthusiasts of Pink City અને ઈશાન કોઠારી)

2 comments:

  1. વિગતવાર અને મજેદાર અહેવાલ વાંચીને આ વખતે જયપુર ખાતે IMP મેળાવડામાં જોડાઈ ન શક્યાનો રંજ સહેજ ઘટ્યો. સોલો માટે 'એકલવાદન' પ્રયોગ ખુબ જ બંધબેસતો છે. અને હા, ભાઈ ઈશાનના એકલવાદનની કલીપ માટે કેટલી રાહ જોવાની છે?

    ReplyDelete