Friday, October 13, 2017

સંસ્કૃતિની શોધમાં (૧)

- પૂર્વી મોદી મલકાણ
(પૂર્વી મોદી મલકાણે અગાઉ પાકિસ્તાનના પ્રવાસે  શ્રેણી લખેલી હતી. જેમાં તેમણે પાકિસ્તાનના પોતાના વિવિધ અનુભવોને આલેખ્યા હતા. હવે સંસ્કૃતિની શોધમાં શ્રેણી દ્વારા તેઓ ફરી એકવાર વિવિધ સ્થળોનાં પ્રવાસવર્ણનનું રસપ્રદ આલેખન કરશે.) 

વો ઘડી આયેગી...આયેગી...આ ગઈ....
આ સફરની શરૂઆત ક્યાંથી કરું?, જે વર્ષમાં મેં પાકિસ્તાન છોડયું હતું ત્યાંથી કરું? કારણ કે પાકિસ્તાનની એ ભૂમિને, એ વર્ષને, એ પળને હું  ક્યારેય ભૂલી જ નથી. તેથી અતીતમાંસ્થિર થયેલી એ જ પળોથી મારી બીજી સફરની શરૂઆત કરું છું.

મારી પ્રથમ પાકિસ્તાન ટૂર પૂરી થયા પછી, બીજી ટૂર કરવાનું મન વારંવાર થતું. પણ દર વર્ષે કોઈને કોઈ કારણસર એ પાછળ ઠેલાઈ જતું. આખરે ૨૦૧૬માં અમે ફરીથી જવાનું નક્કી કર્યું. અમે અમારા પાસપોર્ટ અને અન્ય ખાસ ડોકયુમેન્‍ટની તૈયારી કરવા લાગ્યાં. ૨૦૧૧નાં કેટલાક ડોકયુમેન્‍ટ્સ પણ કામ આવ્યાં. પછી વારો આવ્યો વિઝા મેળવવા માટે પાસપોર્ટ મોકલવાનો. અમે નક્કી કર્યું કે પાસપોર્ટ મોકલી દઈએ. જેથી બે-ત્રણ વીકમાં વિઝા મળી જાય. પણ કોણ જાણે અમને શું સૂઝયું કે અમે પાક એમ્બેસીમાં ફોન કર્યો તોજાણવા મળ્યું કે વિઝા મેળવવા માટે ઓછામાં ઓછા ત્રણ મહિના લાગશે. અમને થયું કે અમારી પહેલી ટૂરમાં વિઝા માટે દોઢ મહિનો લીધેલો અને આ વખતે સીધા ત્રણ મહિના ?ને ય કેવળ વિઝા માટે ?આ પાકિસ્તાનને કોઈ બિઝનેસ જોઈએ છે કે નહીં?પણ ચર્ચા કરવાનો કોઈ અર્થ ન હતો. આથી અમે વિચારવા લાગ્યાં કે હવે શું કરવું. કારણ કે એકવાર પાસપોર્ટને એમ્બેસીમાં મોકલી દઈએ તો અમે યુ.એસની બહાર ક્યાંય ન નીકળી શકીએ અને અમારે માટે બીજી ઓફિસ ટૂર લાઇનમાં ઊભી જ હતી. તેથી વિચાર કર્યો કે  પાકિસ્તાન એમ્બેસીને જ પૂછી જોઈએ. આથી અમે તેમને ફોન કર્યો તો તેઓએ કહ્યું કે તમે બીજો પાસપોર્ટ બનાવડાવો અને અમને એ મોકલી આપો. તેથી તમારી  વિઝા પ્રોસેસ શરૂ થઈ જાય અને મૂળ પાસપોર્ટ વડે તમે બીજી ટૂર કરી શકો.એ મુજબ અમે બીજા પાસપોર્ટ માટે યુ.એસ એમ્બેસીમાં અરજી આપી. બીજો પાસપોર્ટ અમને બીજે જ અઠવાડિયે મળી ગયો જે અમે પાક.એમ્બેસી માં મોકલ્યો.ત્યાંથી વિઝા સાથે આવે તે પહેલાં અમે અમારી બીજી ટૂરમાં નીકળી ગયાં. પહેલાં આ ટૂરમાં જર્મની, પાકિસ્તાન અને ચાઈના હતું; પણ આ વિઝા પ્રોબ્લેમને કારણે અમારી ટૂરનો માર્ગ બદલાઈ ગયો.

પાક એમ્બેસીમાં વિઝા માટે મોકલેલો અમારો પાસપોર્ટ પાછો આવે તે પહેલા અમેરિકામાં વાતાવરણ બદલાઈ ચૂક્યું હતું. ટ્રમ્પ સરકારનાં રોજ નવા નખરાં સામે આવતાં હતાં. અમે અમારી ૨૦૧૬ની એ ટૂરમાંથી પાછા આવી ગયાં પણ આ હજુ અમને પાસપોર્ટ મળ્યો ન હતો તેથીઅમે વિચાર્યું કે કદાચ ક્રિસમસ ગિફટ તરીકે અમને પાક વિઝા મળી જશે, પણ અમારી ક્રિસમસ પાકની ગિફટ વગર પસાર થઈ ગઈ. ક્રિસમસ દરમ્યાન ઈન્ડિયાથી મહેમાન આવેલાં. તેથી જાન્યુઆરીમાં તેમનીસાથે અમારો ફ્લોરિડાનો પ્રવાસ શરૂ થયો. આ પ્રવાસ દરમ્યાન અમને ખબર પડી કે પાકે અમારો પાસપોર્ટ વિઝા સાથે મોકલી આપ્યો છે. અમે બહુ ખુશ થયાં, પણ હવે સવાલ એ હતો કે વિઝા કેટલા મહિના માટે મળ્યો છે. અમે ઘરે જઈને ચેક કર્યું તો ખબર પડી કે વિઝા ત્રણ મહિનાનો છે, પણ આ દરમ્યાન પાક એમ્બેસીએ અમારો પાસપોર્ટ પકડી રાખ્યો હતો તેથી હવે આ ત્રણ મહિનામાંથી કેવળ ૨૦ દિવસ જ બચ્યાં હતા.હવે અમે સમયસર ન નિકળીએ તો આ વિઝા નકામો થઈ જાય. આથી અમે અમારા મહેમાનને જલ્દી જલ્દી બીજે ઘેર મોકલ્યાં અને અમે અમારી બેગ પેક કરી. ત્યાં અમેરિકન એમ્બેસીમાંથી અમને સૂચના મળી કે અમારે પાકિસ્તાન જવાનું રદ કરવું કારણ કે ટ્રમ્પ સરકાર નથી ઇચ્છતી કે પોતાના કોઈ નાગરિકો ત્યાં જાય. આ જાણીને અમારા મનમાં ઊછળતા કૂદતા વિચારોને જોરદાર બ્રેક લાગી ગઈ. અમને થયું,ગ્રહણ ટાણે આ સાપ ક્યાંથી નીકળ્યો? હવે શું કરવું? આ અંગે જેમ જેમ નજીકના લોકો સાથે વાત કરવા લાગી તેમ બધાંએઅમને આગળ વધવાની ના પાડી. આટલું ઓછું હોય તેમ ઓફિસવાળા પણ ડરી ગયા. છતાં અમે બંનેએ વિચાર કર્યો કે ગયે વખતે પણ આમ જ હતું, ને આવતી વખતે પણ આમ જ થશે. શું આપણે દરેક વખતે ડરીને બેસી રહીશું? ઘણા વિચારને અંતે અમને લાગવા લાગ્યું કે આપણે આપણા મૂળ પ્રોગ્રામને વળગી રહીએ. આમ વિચારી અમે નીકળી પડ્યાં અને અમારો આ વખતના પ્રવાસનો રૂટ બનાવ્યો જર્મની, પાકિસ્તાન, મસ્કત અને ઈન્ડિયા. આવવા જવાના સમય સાથે એક વીક જર્મની, બે વીક પાકિસ્તાન, ૩ દિવસ મસ્કત અને લગભગ બે વીક ઈન્ડિયા. આ પ્રોગ્રામમાંથી અમારો પ્રથમ હોલ્ટ હતો જર્મનીના લાડેનબર્ગટાઉનમાં.

લાડેનબર્ગ: આજ કલ મેં ઢલ ગયા

અમે ફિલાડેલ્ફિયાથી ફ્રેન્કફર્ટ એરપોર્ટ પહોંચ્યાં ત્યારે વરસાદ પડી ચૂક્યો હશે,તેથી ઠંડી સારી એવી હતી. અહીં સૌથી અજબ વાત એ લાગી કે એરપોર્ટ સ્ટાફ એરપોર્ટની અંદર અવરજવર કરવા માટે સાઇકલનો ઉપયોગ કરતો હતો. આ બાઇકરોને જોતાં જોતાં અમે ચાલવાનું શરૂ કર્યું. લગભગ ૨૦ -૨૫ મિનિટ ચાલ્યાં બાદ અમે રેન્ટલ કારના એરિયામાં પહોંચી ગયાં. અહીંથી અમે કાર ભાડે લીધી અને લાડેનબર્ગ જવા નીકળ્યાં. ફ્રેન્કફર્ટથી લાડેનબર્ગ પહોંચતાં લગભગ બે કલાક થાય. આમ તો અમેરિકાના ફાસ્ટ ડ્રાઇવિંગની અમને આદત છે, પણ અમેરિકાથી વધુ ફાસ્ટ ડ્રાઇવિંગનો અનુભવ મને અહીં થયો. ૨૧૦ માઈલની સ્પીડે જતી અમારી કાર જાણે હવા સાથે વાત કરતી હોય તેમ જર્મનીના હાઇવે પર દોડવા લાગી. માટે માટે આટલી સ્પીડ ડરની વાત હતી,પણ અમારી આજુબાજુમાંથી અને અમને ઓવરટેક કરીને દોડતી કારોની સરખામણીએ અમારી કારની સ્પીડ સૌથી ઓછી હતી.
લાડેનબર્ગનો નકશો (*)


લાડેનબર્ગ પહોંચ્યાં પછી અમારો ઉતારો હોટેલ લિયોનાર્ડમાં હતો. આમ તો આ ટાઉન જર્મનીનું સૌથી જૂનું ગામ છે. જેની સ્થાપના પહેલી સદીમાં થઈ હતી. સૌ પ્રથમ આ ટાઉનનું નામ સેલેસ્ટ કે સેલ્ટિક રાખવામાં આવ્યું હતું, પણ ૯૮ AD માં આ ટાઉન ઉપર રોમનોએ કબ્જો જમાવ્યો, તે પછી આ ટાઉનનું નામ “લોપોડુનુમ” ( Lopodunum) રાખવામાં આવ્યું. આ સમય દરમ્યાન રોમનોએ આ ટાઉનને કલાત્મક રૂપ આપ્યું અને અનેક સુંદર ઇમારતો બનાવી. રોમનોનો સમય પૂરો થયાં બાદ લગભગ છેલ્લા ૧૦૦૦ વર્ષમાં આ ટાઉન ૭ થી ૮ વાર તૂટ્યું અને ઊભું થયું. પછી રશિયનોએ આ ટાઉન પર કબ્જો કર્યો ત્યારે તેમણે આ ટાઉનના રોમન ઇતિહાસ સમા બિલ્ડીંગો અને ઘરોમાં ખૂબ તોડફોડ કરી. ખાસ કરીને ટાઉનને બે ભાગમાં વહેંચતી એક દીવાલ પર રશિયનોએ કેથેડ્રલ (બેસેલિક) બનાવ્યું. વારંવાર તૂટ્યા બાદ આ ટાઉનનો છેલ્લો જિર્ણોધ્ધાર ૧૬૨૦ માં થયો.
રોમન અવશેષો 

સમયાંતરે રોમનોએ આપેલું આ 'લોપોડુનુમ' નામ પણ ખોવાઈ ગયું
, અને તેને લોકો “લાડેનબર્ગ” તરીકે ઓળખવા લાગ્યા. આ નામ જર્મન નાગરિક “એલ્બર્ટ લાડેનબર્ગ”પરથી આવ્યું, જેઓ કેમેસ્ટ્રીના ડો. પ્રોફેસર હતા. ( જન્મ: ૧૮૪૨, મૃત્યુ:- ૧૯૧૧=૬૯ વર્ષ ) પ્રો. એલ્બર્ટે ૧૮૯૬ માં કેટલાક પુસ્તકો લખ્યાં. આ પુસ્તકોમાંથી એક પુસ્તક આ ટાઉન પર પણ હતું. આ પુસ્તકમાં તેમણે આ ટાઉનનો ઉલ્લેખ કરતાંલખ્યું હતું કે “આ ટાઉન ઉપર જો પુરાતત્ત્વ વિભાગ ધ્યાન આપે તો અહીં રોમન સમયની અનેક નિશાનીઓ મળી આવે.”જર્મન સરકારે આ બાબત ઉપર ધ્યાન દેવાનું ચાલુ કર્યું ત્યાં સુધીમાં ઇતિહાસ ઘણો બદલાઈ ગયો હતો. એક પછી એક એમ બે વિશ્વયુધ્ધ વચ્ચે જર્મની ફસાઈ ગયું હતું જેથી ઇતિહાસને બાજુમાં મૂકી જર્મની તે સમયનાં વર્તમાનને સંભાળવામાં મગ્ન થઈ ગયું. ( આ વિશ્વયુધ્ધ દરમ્યાન એક મુખ્ય વાત એ બની હતી કે આ સમયગાળા દરમ્યાન જર્મન સરકારે આ ઐતિહાસિક ટાઉન પરથી લશ્કરી વિમાનો (પ્લેન) ઉડાડવાની મંજૂરી આપી ન હતી. ) પણ આ સમય દરમ્યાન જર્મન સૈનિકોની એક ટુકડી આવેલી. જેમણે ટાઉન બહાર રહેલાં ખેતરોમાં ડેરાતંબૂ જમાવેલ. ટેન્ટ બાંધવા માટે ખોદકામ કરતી વખતે તેમના હાથમાં વિવિધ યુગની અનેક વસ્તુઓ હાથમાં આવેલી. આ વસ્તુઓ તેમણે ટાઉનના એક જર્મનના ઘરમાં રાખેલી. પાછળથી તે જર્મન નાગરિકે આ બધી વસ્તુઓનું મ્યુઝિયમ બનાવ્યું. આજે આ હોમ મ્યુઝિયમ વીકમાં બુધવાર અને શનિવાર એમ બે દિવસ માટે ખૂલે છે.રહી વાત રોમન યુગના અન્ય અવશેષો માટેની.૧૯૫૨માં એટલે કે પ્રો લાડેનબર્ગના મૃત્યુનાં ૪૧ વર્ષ પછી જર્મન સરકારે અમેરિકન પુરાતત્ત્વવિદોની મદદથી રોમન સમયના અવશેષો શોધી કાઢવાનું કામ ચાલુ કર્યું,જે ૧૯૫૮ સુધી ચાલ્યું. 
ટાઉન વ્યૂ 
આ કાર્યમાં જર્મન સરકારને સ્થાનિક  લોકોનો પણ મોટો સહકાર મળ્યો.( જો કે, આજે પણ ખોદકામ દરમ્યાન વિવિધ સમયનાં સિક્કાઓ, પોટરી, વાસણો, ઈંટ, જ્વેલરી, રત્નો, શિલ્પ વગેરે મળતાં રહે છે, તેથી આ અવશેષો શોધવાનું કાર્ય અટક્યું નથી.અમેરિકન સર્વે પ્રમાણે અહીં મળતી વસ્તુઓમાં પ્રાચીન જર્મન અને રશિયન વસ્તુઓ પણ છે.) જર્મન પુરાતત્વવિદ્ ડો. બેર્ન્ડમાર્ક હ્યુકેમેસનાં મતે હજુ બીજા બે હજાર વર્ષ સુધીનું કામ પણ અત્યારે કરવામાં આવે તો પણ આ ટાઉનનો પ્રાચીનતમ ખજાનો પૂરો થાય તેમ નથી, કારણ કે આ ભૂમિ પોતાના પેટાળમાં અનેક સંસ્કૃતિને સંઘરીને બેઠી છે.
કોબલર સ્ટોનવાળા રસ્તા 
આજે આ ટાઉનનો વ્યૂ ઘણો જ અલગ છે. ટાઉનના રસ્તાઓનું નામ રોમન સમ્રાટોનાં નામ 
(ડોમીટીયન, ટ્રાજન અને વેલેન્ટિનિયન ) પરથી અપાયેલું છે. ટાઉનમાં જૂના સમયની યાદ સતત રહે તે માટે ટાઉનની સ્ટ્રીટ્સ અને રસ્તાઓ કોબલર સ્ટોનમાંથી બનાવવામાં આવેલા છે; જે આપણને વોલ્ટ ડિઝનીની બ્યુટી એન્ડ ધ બિસ્ટ’,‘સ્નોવ્હાઇટ જેવી ફેરીટેઇલ મુવીની યાદ અપાવી દે છે. કેવળ ગલીઓ અને રસ્તા જ નહીં પણ આ ટાઉનને બે નદીઓની વચ્ચે વહેંચાતું જોવાનો આનંદ અદ્‍ભુત છે;રોજ સાંજે નદીનાં પાણીમાં સંધ્યાસ્નાન માટે ઊતરતો સૂર્ય સોહી ઊઠે છે. આ ટાઉનનો જૂનો હિસ્સો રાઈન નદીને કિનારે અને નવો હિસ્સો નેકર નદીને કિનારે વસેલો છે. 

આ ટાઉનની ઉત્તરપશ્ચિમમાં હાઈડલબર્ગ અને પૂર્વમાં મેન્નહૈમની નામનાં ટાઉન આવેલા છે. ઓલ્ડ ટાઉનની મધ્યમાં આવેલ આ કેથેડ્રલ જોવા જઈએ ત્યારે કેથેડ્રલ પરિસરની પાછળના ભાગમાં મૂળ દીવાલના અવશેષોની સાથે ખાસ મુદ્રાઓ અને સંજ્ઞાઓ તરફ નજર અચૂક જાય.
દિવાલમાં ચણાયેલી 1000 વર્ષ પુરાણી રોમન મુદ્રિકા

આ કેથેડ્રલ સિવાય પણ અનેક રોમનો અવશેષો પર નવા બિલ્ડીંગો બંધાયેલા જોવા મળે છે તેથી ઇતિહાસના અભ્યાસુઓ વારંવાર અહીં અભ્યાસ અર્થે આવતા રહે છે. તેમ છતાં આ ટાઉનને મુખ્ય ઓળખ મળી “કાર્લ ફેડરીક” નામના વિજ્ઞાની થકી. કાર્લ ફેડરીકનો પરિચય મેળવવા માટે આપણે મોટરકારના ઇતિહાસ તરફ જવું પડે. ધનિકોની માનીતી ગણાતી “મર્સીડીઝ બેન્ઝ કાર” ના ફાઉન્ડર અને વિજ્ઞાની “કાર્લ ફ્રેડરીક બેન્ઝ”નો અહીં જન્મ થયો હતો. ( જન્મ:- ૨૫ મી નવેમ્બર ૧૮૪૪ -મૃત્યુ :- એપ્રિલ ૪ ૧૯૨૯ = ૮૫ વર્ષ ) આજે પણ આ ટાઉનમાં કાર્લ બેન્ઝનું મ્યુઝિયમ કમ ઘર અને ગેરેજ અહીં જ છે. કાર્લ બેન્ઝની યાદમાં દર વર્ષે અહીં સપ્ટે થી નવે સુધીના વીકએન્ડમાં ઓટોમોબાઇલ્સ ફેસ્ટિવલ યોજાય છે ત્યારે વિશ્વભરની વિવિધ કાર અને ઓટોમોબાઇલ્સનું પ્રદર્શન અને હરીફાઈ યોજાય છે. ફેસ્ટિવલ અને ઉત્સવોની વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનાના બીજા વીકમાં રાઈન નદીને કિનારે “ઓલ્ડ ટાઉન ફેસ્ટિવલ” ઉજવવામાં આવે છે ત્યારે ડ્રેગન બોટ રેસ યોજવામાં આવે છે. આ ઉત્સવ દરમ્યાન અનેક આકર્ષણો સાથે ચાર ચાંદ લગાવે છે  ક્લાસિકલ જર્મન મ્યુઝિક બેન્ડ અને ઓરકેસ્ટ્રા છે. આ દિવસ એવો હોય છે જ્યારે બાળકો સહિત પૂરા ટાઉનમાં ઉત્સાહ છવાઈ જાય છે.
લાડેનબર્ગની એક સ્ટ્રીટ 
આવવા જવાના ગણીને અહીં કેવળ ત્રણ દિવસ હતા, જે મારે માટે પૂરતા હતા. અમે હોટેલ પર પહોંચ્યાં ત્યારે સાંજ પડવા આવેલી. તેથી અમે હોટેલ પર જ રહેવાનું નક્કી કર્યું. બીજે દિવસે સવારે બ્રેકફાસ્ટ લેવા ગયાં,ત્યારે જોયું કે અહીં અનેક જાતની બ્રેડ હતી. આ ઉપરાંત વેજ નાસ્તામાં મુસળી, સિરિયલ, ફ્રૂટ્સ, હર્બ બટર અને પ્લેઇન બટર, પેનકેક,વોફલ્સ,ફ્રૂટ્સ અને એન્જલ કેક,સ્ટર ફ્રાઈડ પોટેટો હતાં અને નોનવેજમાં બોઈલ્ડ એગ્સ, એગ આમલેટ, હેમ, બેકન, ચિકન પેટી, પોર્ક ચિપ્સહતી અને ડ્રિંકમાં ઓરેન્જ, એપ્પલ જ્યુસ, પ્લેઇન યોગર્ટ અને ફ્રૂટ યોગર્ટ, ગરમ અને ઠંડુ દૂધ, બ્લેક કોફી, આઈસ કોફી, કોલ્ડ કોફી, એક્સપ્રેસો અને કેપૂચીનો કોફી હતી. આ ઉપરાંતકોમ્બુચા અને ગ્રીન ટી પણ ખરી. અહીં ઘણી જ વેજ વેરાયટી હતી. પણ મારે માટે સૌથી વધુ આકર્ષણ બની પેપરનીકલ બ્લેક બ્રેડ, સાવર ડોહ બ્રેડ અને કોમ્બુચા. કોમ્બુચા...ને સરળ ભાષામાં આથેલી ગ્રીન ટી તરીકે ઓળખી શકાય. આપણે ત્યાં જેમ બ્રેડ,નાન વગેરેમાં ઉપરના બેક્ટેરિયાની જરૂર પડે છે તેજ રીતે કોમ્બુચામાં પણ યીસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ યીસ્ટ નાખેલી ગ્રીન -ટી ને જારમાં ૭ થી ૧૦ દિવસ રાખવામાં આવે છે, ત્યાર પછી તેનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં અમે શાંતિથી નાસ્તો કર્યા પછી થોડીવારમાં મી.મલકાણ ઓફિસે જવા નીકળી ગયા અને તેમના ગયાં બાદ હું પણ કેમેરો લઈને ટાઉન જોવા નીકળી પડી. 
**** **** ***** 
અમારી હોટેલ લિયોનાર્ડોથી બહાર નીકળતાં ૧૦ મિનિટના અંતરે રાઈન નદી વહેતી હતી. હોટેલથી નદી સુધીના રસ્તાની બંને બાજુએથી ઓક, પાઇન અને બ્રાઉન મેપલનાં ટ્રી હવામાં જે રીતે વાતો કરી રહ્યાં હતાં તે જોઈને મન અત્યંત પ્રસન્ન થઈ ગયું. અહીં જોયું કે મારી જેમ ચાલનારા ઘણા ઓછા હતા, પણ લાડેનબર્ગમાં સ્ત્રીઓ અને બાળકોનું કોઈ પ્રિય વાહન હોય તો તે સાઇકલ. સાઇકલની બાબતમાં નાના-મોટા બધાં જ અહીં સરખા હતા. સાઇકલની આગળ અને પાછળની બાજુ નાની ટોકરી (બાસ્કેટ) અને નાની લાઇટ લગાવેલી હોય, સાઇકલ સવારે હેલ્મેટ પહેરી હોય અને હેન્ડલ ઉપર બેલ રાખેલી હોય. દરેક ટ્રાફિક લાઇટ ઉપર સાઇકલ સવાર ઊભો રહે.ટ્રાફિક વધુ હોય તો તે લાલ લાઇટનું સિગ્નલ પાળે અન્યથા લાલ લાઇટને એ ક્રોસ કરીને જતો રહે.ટાઉનમાં ફરતાં બીજી એ વાત નોંધી કે મોટેભાગે સ્ત્રીઓ સવારે જોવામાં આવતી અને બાળકો સાંજે જોવામાં આવતાં.
(ક્રમશ:) 2 comments:

  1. Nice to see you again Poorviji on this artical. Mazaa aavi gai.
    Dadu Chicago...

    ReplyDelete
  2. સરસ પ્રવાસ વર્ણન. જાતે ગયા હોઈએ તેવો આનંદ આવ્યો.

    ReplyDelete