Wednesday, March 23, 2022

કાર્ટૂનમાં કૉમનમેન (1) : કાકાજી

 અખબારમાં આવતાં કાર્ટૂનો સામાન્ય રીતે બે શ્રેણીમાં મૂકી શકાય. પહેલું તે પૉકેટ કાર્ટૂન, જેને 'ગેગ' કાર્ટૂન પણ કહેવાય છે. એક કોલમની પહોળાઈ ધરાવતા આ કાર્ટૂનમાં કોઈ એક પરિસ્થિતિ અને તેની નીચે એને અનુરૂપ લખાણ યા સંવાદ લખાયેલા હોય છે. એટલે કે અન્ય કાર્ટૂનપ્રકારમાં હોય છે એમ સ્પીચબલૂનમાં લખાયેલા સંવાદ અહીં હોતા નથી. સંભવત: તેના નાના કદને કારણે. બીજા પ્રકારનું કાર્ટૂન 'એડિટોરીયલ કાર્ટૂન' કહેવાય છે, જેની પહોળાઈ બેથી ત્રણ કોલમની હોય છે. તે રોજેરોજ નહીં, પણ અઠવાડિયામાં અમુક દિવસોએ જ આવે છે. આ કાર્ટૂન સામાન્ય રીતે અખબારના સંપાદકીય પૃષ્ઠ પર આવતું હોવાથી તે આ નામે ઓળખાય છે.

ભારતીય કાર્ટૂનિંગમાં 'કૉમન મેન'ની પરંપરા ચોક્કસપણે ક્યારથી આરંભાઈ એ ખ્યાલ નથી, પણ એટલું ચોક્કસ કે જેને કાર્ટૂન વિશે કશી ખબર ન હોય એનેય આર.કે.લક્ષ્મણના કૉમન મેન વિશે જાણ હોય. કોણ છે આ કૉમન મેન? દેશની મોટા ભાગની મધ્યમવર્ગીય જનતાના પ્રતિનિધિરૂપ કૉમન મેનને મોટા ભાગના કાર્ટૂનિસ્ટોએ વિવિધ ઘટનાઓ, રાજકીય નિર્ણય, તેનાં પરિણામ વગેરેને સાક્ષીભાવે ભોગવતો બતાવ્યો છે. એ બોલકો નથી, પણ 'એક્સપ્રેસીવ' છે. એટલે કે કોઈ પણ ઘટના વિશે એણે ટીપ્પણી ભાગ્યે જ કરવાની હોય છે. મોટા ભાગના કિસ્સામાં એણે એનો ભોગ જ બનવાનું હોય છે. એક પ્રચલિત કથા મુજબ, ઈશુ ખ્રિસ્તને ક્રોસ પર ચડાવવામાં આવી રહ્યા હતા એ વખતે તેમનો એક શિષ્ય પોતાના દાંતના દુ:ખાવાની ફરિયાદ કરતો હતો. ક્યાં એક તરફ માનવજાતના ઈતિહાસની કરુણતમ ઘટના, અને બીજી તરફ પેલાની સરખામણીએ સાવ સામાન્ય વ્યક્તિગત દર્દ! પણ એ દર્દ જેણે અનુભવ્યું હોય એ જ સમજી શકે! બિલકુલ એ જ રીતે દેશ કે દુનિયામાં જે કંઈ સારીનરસી ઘટના બને, કૉમન મેનને પોતાનું 'બજેટ' ખોરવાઈ જવાની જ ભીતિ રહે. એ સતત એના વિશે જ વિચારતો હોય અને એ ગણતરી મનોમન ચાલતી હોય એટલે એના ચહેરાના હાવભાવરૂપે એ દેખાય, પણ શબ્દો તરીકે ભાગ્યે જ બહાર આવી શકે. દેશમાં શાસન બદલાયું, સમય બદલાયો, કૉમન મેનનું જીવનધોરણ પણ બદલાયું, આમ છતાં, તેની મનોસ્થિતિ કે માનસિકતામાં ભાગ્યે જ કશો ફરક પડ્યો!
આર.કે.લક્ષ્મણના કૉમનમેનનું કશું નામ નહોતું. પણ બીજા ઘણા કાર્ટૂનિસ્ટોના કૉમન મેન નામધારી હતા, અને ક્વચિત્ બોલતા પણ હતા.
લક્ષ્મણના સમકાલીન, અને અમુક રીતે લક્ષ્મણથી વધુ ધારદાર વ્યંગ્યચિત્રો બનાવનાર કાર્ટૂનિસ્ટ હતા બાળાસાહેબ ઠાકરે. તેમણે એક કૉમન મેન સર્જ્યો, જેનું નામ હતું કાકાજી. અસલ મરાઠી 'માણૂસ'. વી. શાંતારામની ફિલ્મોમાં દેખાતાં વૃદ્ધ પાત્રોને હોય છે એવી 'વૉલરસ' જેવી મૂછો, ઘસાઈ ગયેલી સમૃદ્ધિના પ્રતિક જેવો કાળો, જર્જરિત કોટ, ધોતી, માથે ટોપી, પગમાં સ્લીપર અને હાથમાં લાકડી! આ તેનો બાહ્ય દેખાવ. લક્ષ્મણનો કૉમન મેન સામાન્ય રીતે 'મૂઢ' બનીને બનાવો જોતો-સાંભળતો. તેની સરખામણીએ કાકાજી ઘણા 'ગતિશીલ' જણાતા. એક સમયના વેસ્ટ ઈન્ડિયન બૉલરોના બાઉન્સરથી બચવા મથતા બેટ્સમેનની જેમ, પરિસ્થિતિના મારથી બચવા માટે તે આમથી તેમ ગતિ કરતા રહેતા.

ચિત્રકાર સોહમ સેને બનાવેલા ચિત્રમાં બાળાસાહેબની સાથે કાકાજી 
બાળાસાહેબનાં ચીતરેલાં કાર્ટૂનોનું સંકલન પ્રકાશિત થયેલું છે. જો કે, એ કાર્ટૂનો મોટે ભાગે 'એડિટોરિયલ' હોવાથી એમાં કાકાજીની હાજરી નથી. નેટ પર પણ મોટે ભાગે તેમનાં આ પ્રકારનાં- કાકાજી વિનાનાં કાર્ટૂનો જોવા મળે છે. આથી કાકાજીની વિવિધ મુદ્રાઓ જ અહીં મૂકી શકાઈ છે.


બર્ફીલું ધામ બદ્રીનાથ (4)

 ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ. બન્ને એક જ માનાં સંતાન જેવાં કહી શકાય. હિમાલયની ગિરિમાળાઓમાં આવેલા આ પ્રદેશો હોવા છતાં બન્નેમાં ઘણો તફાવત જોઈ શકાય. વહીવટી રીતે જોઈએ તો હિમાચલ પ્રદેશની સરખામણીએ ઉત્તરાખંડ રાજ્ય ઘણું નવું ગણાય. અગાઉ તે ઉત્તર પ્રદેશનો હિસ્સો હતું. આ કારણે ઘણી બધી રીતે તે હિમાચલ પ્રદેશની સરખામણીએ પાછળ રહ્યું. એ જો કે, વહીવટી વાત થઈ. ભૂગોળની રીતે પણ આ પ્રદેશોમાં ફરક જોવા મળે. હિમાચલના લોકો વધુ મળતાવડા, હસમુખા અને સુંદર લાગે. કદાચ પ્રવાસીઓને તેમણે અનિવાર્ય અતિથિ તરીકે સ્વીકારી લીધા હોવાથી એમ હોઈ શકે. ઉત્તરાખંડમાં હજી એ ધીમે ધીમે થશે એમ લાગે છે.

બન્ને પ્રદેશમાં આવેલા પર્વતોમાં ખાસ તફાવત ન હોવો જોઈએ એમ મને હતું, પણ એ લાગ્યો. ઉત્તરાખંડના પહાડો પર વૃક્ષો અને જંગલોનું પ્રમાણ સાવ ઓછું જણાયું. સરખામણીએ હિમાચલમાં તે વધુ લાગે. ખાસ કરીને દેવદારનાં વૃક્ષો તેની ઓળખ સમાં છે, જેનું પ્રમાણ ઉત્તરાખંડમાં ઓછું જણાય. બોલીનો ફરક પણ ઊડીને આંખે વળગે. હિમાચલના લોકોની બોલીમાં પંજાબી છાંટ જણાય.


હિમાલયના પહાડોમાં મુખ્ય ત્રણ ભાગ તેની ઊંચાઈ મુજબ પાડવામાં આવ્યા છે- નિમ્ન, મધ્યમ અને ઉચ્ચ. દસેક હજાર ફીટની ઊંચાઈવાળા પહાડો નિમ્નની શ્રેણીમાં આવે છે. ઉત્તરાખંડમાં, ખાસ કરીને બદ્રીનાથ વિસ્તારના પહાડોનું બંધારણ જોઈને એમ જ લાગે કે એ હમણાં જ ફસકી પડશે.


વચ્ચે મોટા મોટા પથ્થરો દેખાય, છતાં દૂરથી જોતાં એ માટીના ઢગ જેવા જ લાગે. આ વિસ્તારમાં ભૂસ્ખલનનો પ્રકોપ અવારનવાર થતો રહે છે, તેનું કારણ પણ આ ખડકો જોઈને સમજાઈ જાય.


ભારત ઊપરાંત પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ, તિબેટ, ભૂતાન જેવા દેશોને પણ હિમાલય સ્પર્શે છે. જો કે, તેનો સૌથી વધુ ભૌગોલિક લાભ ભારતને મળે છે. હિમાલયની મુલાકાત વખતે શાળામાં ભણેલી ભૂગોળલક્ષી અનેક બાબતો પણ યાદ આવતી રહે અને ખ્યાલ આવે કે એ સમયે આવી મુલાકાત ગોઠવવામાં આવી હોત તો કેવી મઝા આવત!
હિમાલયના ખડકો મુખ્ય ત્રણ પ્રકારના છે: અગ્નિકૃત, જળકૃત અને રૂપાંતરિત. અમે પચમઢી ગયા ત્યારે ત્યાંના ગાઈડે દેખાડેલું કે પચમઢીમાંના સાતપૂડાના પહાડોનું બંધારણ પણ હિમાલયના પહાડોને મળતું આવે છે.


આપણે આ અદ્ભુત અને શ્રેષ્ઠતમ પર્વતને શી રીતે જોઈએ છીએ? ટૂંકમાં કહીએ તો, આપણે ત્યાં જઈએ છીએ, બે હાથ જોડીને શિશ નમાવીએ છીએ અને આપણા ભાગનો કચરો આ નગાધિરાજને અર્પણ કરીને, હળવા થઈને, કોરાકટ પાછા વળીએ છીએ.
(ક્રમશ:) 

Tuesday, March 22, 2022

બર્ફીલું ધામ બદ્રીનાથ (3)

 બદ્રીનાથથી ત્રણેક કિ.મી.દૂર આવેલું માણા અને માણાથી છ-સાત કિ.મી.ના અંતરે આવેલા વસુધારા ફૉલ્સ. એક તરફ ખીણ, ખીણમાં વહેતો સરસ્વતી નદીનો પ્રવાહ અને સહેજ ત્રાંસા ચઢાણવાળી પથરાળ પગદંડી. વચ્ચે એકાદ ગ્લેશિયર પણ ઓળંગવું પડે ત્યારે નીચેથી તે 'ભપ્પ' તો નહીં થઈ જાય ને, એવી બીક પણ લાગે. સવારે દસ-સાડા દસે નીકળીએ તો આરામથી ચાલતાં ચાલતાં બપોર સુધી પહોંચી રહેવાય. વચ્ચે કંઈ કહેતાં કંઈ જ ન મળે. હા, થોડા પ્રવાસીઓ મળતા રહે, જેઓ પાસેની ખીણમાં પૂરઝડપે વહેતી નદીના રવને દબાવી દે એવા અવાજે પોતાનાં શ્રાવ્યસાધનો થકી જાતભાતનાં ગીતો સાંભળતા હોય અને આપણા જેવાને પણ નિ:શુલ્ક શ્રવણલાભ આપતા રહેતા હોય. અમારા આ પ્રવાસની વ્યવસ્થા જેણે કરેલી એ સોમેશની ઑફિસમાં અમે લાકડીઓ જોઈ હતી. આથી અમે ચારેએ લાકડીઓ લઈ લીધેલી, જે બહુ આશીર્વાદરૂપ અને મોટે ભાગે તો ઈર્ષારૂપ પુરવાર થઈ. માણામાં અમને મળતા મોટા ભાગના પ્રવાસીઓ અમારી પાસે લાકડી જોઈને આશ્ચર્ય પામતા અને 'ક્યાંથી લીધી?' એમ પૂછતા. અનેક લોકોએ તો શરમ મૂકીને અમારી પાસે લાકડી માગી પણ ખરી. 'અમને આપી દો ને? અમારાથી ચડાતું નથી' વગેરે... અમે પણ શરમ જાળવીને 'આ અમારી નથી. અમારે પાછી આપવાની છે' કહીને તે ન આપી. પણ તેના હોવાથી ખરેખર ઘણો ફાયદો થયો.

કેટલીક વાર્તાઓમાં આવે છે કે 'તેને કહેવામાં આવેલું કે પાછું વાળીને જોતો નહીં. પણ તેનાથી રહેવાયું નહીં અને તેણે પાછું ફરીને જોયું એ સાથે જ....' વસુધારાનો આખો રસ્તો એવો છે કે પાછું વાળીને જોયા કરવાનું જ મન થયા કરે. માણા ગામ દીવાસળીનાં ખોખાં ગોઠવ્યાં હોય એમ નાનકડું થતું જાય. અને જે પર્વત પ્રવાસના સમયે એકદમ ઊંચો જણાતો હોય તે હવે આપણા 'લેવલ'માં આવતો જાય. ત્યારે લાગે કે આપણે ઊંચાઈ પકડી રહ્યા છીએ. મોટે ભાગે બપોર સુધી આકાશ એકદમ સ્વચ્છ હોય. 'નીલે નીલે અંબર પે' એટલે શું એનો ખ્યાલ બરાબર આવી શકે એવું. આ તસવીરમાં એ જોઈ શકાશે.

વસુધારા જતાં 
વસુધારા જતાં શરૂઆતમાં ઓછા ચઢાણવાળો રસ્તો આવે. પછી વળાંકો આવતા જાય અને પછી ચઢાણ પણ આવે. વચ્ચે વચ્ચે જામેલો બરફ પણ જોવા મળે. ગાઈડના જણાવ્યા મુજબ અહીં ક્યારેક વન્ય પશુઓ (ખાસ કરીને જંગલી ગાય, હિમરીંછ કે સફેદ વાઘ) પણ આવી ચડે. અહીંના પર્વતો સાવ ખડકાળ, વૃક્ષો વિનાના હોવાથી તેમની ઊંચાઈ હોય એનાથી પણ વધુ જણાય. પથ્થરો પર લીલ બાઝીને સૂકાઈ ગઈ હોવાથી આખો પર્વત લીલી ઝાંય ધરાવતો જણાય. હિમરીંછ, હિમમાનવ અને તેનાં પગલાંનો ઉલ્લેખ અનેક સાહસકથાઓ કે રહસ્યકથાઓમાં આવે છે. જો કે, અમને ખાત્રી હતી કે અમે કંઈ એવા વી.આઈ.પી. નથી કે હિમરીંછ અમને ખાસ મળવા માટે આવે. 'જલસો'ની ખ્યાતિ હજી ગુજરાતમાં પણ પૂરતી પહોંચી નથી, તો ઉત્તરાખંડનું રીંછ એ માંગે એટલી બધી હકારાત્મકતા કેળવવાની બાકી રહી ગઈ છે! અગાઉ કહ્યું એમ રસ્તામાં અનેક જગ્યાએ બરફ જામેલો હતો. ક્યાંક તો તેની પર પગ મૂકીને જવું પડતું. આવા એક સ્થાને 'જો મિલ ગયા ઉસી કો રીંછ સમઝ લિયા'ના ન્યાયે જામેલા બરફમાં હિમરીંછનો આકાર કલ્પી લીધો. જેને શ્રદ્ધા હશે તેને એ હિમરીંછ જરૂર જણાશે. અને શ્રદ્ધા નહીં હોય એણે હજી લાંબી મજલ કાપવાની છે એમ સમજી લેવું.
વસુધારાને રસ્તે 

****
નામમાં કશું બળ્યું નથી, પણ નામની આગળપાછળ લગાડાતાં શિંગડાં-પૂંછડાંઓમાં તો સર્વસ્વ છે. ધર્મસ્થળો-યાત્રાધામોમાં આસ્થાનો જે નિર્દય વ્યાપાર ચાલતો હોય છે એ જોઈને ક્યારેક સંસાર પરથી મન ઊઠી જાય. પણ આવાં સ્થાનોમાં સંસાર ત્યાગીને આવેલા મહાનુભાવોની આસક્તિ જોઈને એમ લાગે કે આપણે સંસારમાં રહીને પણ સંન્યાસીજીવન જીવી રહ્યા છીએ. દાઢીધારી-ભગવાધારીઓને પેન્ટ-શર્ટ પહેરેલો મનુષ્યમાત્ર 'બચ્ચા' લાગે અને એ 'બચ્ચા'ને 'સેવા કરવાની તક' મળી રહે એ માટે તેઓ પોતાની ભૂખ અનુસાર ચાની, ભોજનની કે દક્ષિણાની માગણી કરતા રહે. ક્યાંક કોઈ માગણી ન કરે તો સંસારી જીવો વતી અમુકતમુક રૂપિયામાં અનુષ્ઠાન કરી આપવાની, એ માટે અમુકતમુક રકમની દક્ષિણા આપવાની અને નિર્ધારીત દિવસે એસ.એમ.એસ. દ્વારા આપણા નામનું અનુષ્ઠાન આરંભ તેમજ સંપન્ન થવાની જાણ પણ કરવાની ઑફર આપે.
હિમાલયમાં સિદ્ધ યોગીઓ વસતા હતા (કે છે) એમ વાંચતા આવ્યા છીએ અને તેઓ માનવવસતિથી ઘણા દૂર રહીને હજારો વર્ષોનું આયુષ્ય પામે છે એમ પણ વાંચવામાં આવેલું. જો કે, હિમાલયની જેમ નજીક જઈએ અને આપણામાં કોઈ પણ સ્થળના સ્પંદનો અનુભવવા જેટલી સંવેદનશીલતા બચી હોય તો એટલા સમય પૂરતા આપણે પણ યોગીની સમકક્ષ અવસ્થામાં આવી જઈએ એવી તાકાત હિમાલયમાં છે.
બદ્રીનાથથી ત્રણ કિ.મી. દૂર આવેલું માણા ગામ 'ભારતીય સરહદનું છેલ્લું ગામ' કહેવાય છે, જ્યાંથી ચીનની (તિબેટની) સરહદ 40-45 કિ.મી. જેટલી છે. માણામાં 'ભારતીય સરહદના છેલ્લા ટી-સ્ટૉલ' પર ચા પીધા પછી ત્યાંથી સાતેક કિ.મી. દૂર 'વસુધારા ફૉલ' નામની અદ્ભુત જગા આવેલી છે. જતાં-આવતાં થઈને લગભગ ચૌદેક કિ.મી.ની આ ટ્રેક સરસ્વતી નદીના કાંઠે કાંઠે દોરી જાય છે. અને છેલ્લે પર્વત પરથી પડતી બે ધારાઓ તેમજ નીચે જમા થયેલા બરફના ઢગના અદ્ભુત દર્શનમાં પરિણમે છે.
આ સ્થળે પહોંચતાં પહેલાં એક ભાંગ્યાતૂટ્યા બાંધકામ પર લગાડેલા એક પાટિયા પર નજર પડી અને એમાં 'યોગીસમ્રાટ' વાંચતા જ મનોમન મલકાઈ જવાયું. આ સ્થળે રીતસર પીઠભર લંબાવી દઈને મેં સહજયોગ અવસ્થા સાધ્ય કરી લીધી.
એ જ અવસ્થામાં આંખ ખોલતાં 'યે હસીં વાદિયાં, યે ખુલા આસમાં'ની અનુભૂતિ થઈ. 
બપોરના ચારેક વાગ્યે અમે પાછા ફરવાનું શરૂ કર્યું ત્યારે પણ વળી વળીને પાછું જોયા કરવાની લાલચ રોકી શકાતી નહોતી. અમે જોયું તો અચાનક પાછળના પર્વત પર વાતાવરણ બદલાતું જણાયું. ભૂરું આકાશ ધીમે ધીમે શ્વેતશ્યામ થવા લાગ્યું. અમને ખ્યાલ આવ્યો કે છેક પાછળ દેખાતા આ પર્વત પર હિમવર્ષા શરૂ થઈ છે.
વસુધારાથી પાછા વળતાં 

ધીમે ધીમે બર્ફીલો પવન ફૂંકાવા લાગ્યો. તેની ગતિ વધવા લાગી. સદ્ભાગ્યે અમારી પીઠ પર તે ફૂંકાતો હોવાથી અમને ચાલવામાં મુશ્કેલી પડતી નહોતી. પણ 'હાડ થિજાવી દે એવો' પવન એટલે શું એની અનુભૂતિ બરાબર થઈ ગઈ. પાછળના પર્વત પર આકાશ વધુ ને વધુ ધૂંધળું થવા લાગ્યું. ધીમે ધીમે અમારી પડખેના પર્વત પર પણ એ પ્રસરતું જણાયું. 'જલ્દી ચાલો', 'જલ્દી ચાલો'ની સૂચના છતાં નીચે રસ્તો જ એવો હતો કે ઝડપથી ચાલી ન શકાય. આખરે અમે સાડા છની આસપાસ માણા ગામે પાછા આવ્યા અને 'ભારતીય સરહદની આખરી ચાની દુકાન' પર ચા પીવા બેઠા. ત્યારે બદ્રીનાથના જે ભાઈએ અમારી સાથે ગાઈડ મોકલેલો એ ભાઈએ બૂમ પાડી. તે પોતાની કાર લઈને તપાસ કરવા આવ્યો હતો. તેણે કહ્યું, 'હું તો ટેન્ટ લઈને આવી ગયો છું.'
જો કે, અનેક લોકો બદ્રીનાથમાં અમાર્રી રાહ જોતા હોવાથી ટેન્ટમાં રોકાવાની બહુ ઈચ્છા છતાં એ કાર્યક્રમ અમારે માંડવાળ કરવો પડ્યો અને અમે માણાથી બદ્રીનાથ આવી ગયા. રસ્તામાં જાણવા મળ્યું કે ઉત્તરાખંડની સરકારે વાતાવરણ બાબતે રેડ એલર્ટ જાહેર કર્યું હતું.

(ક્રમશ:) 

Monday, March 21, 2022

બર્ફીલું ધામ બદ્રીનાથ (2) :

 મોટા ભાગનાં ધર્મસ્થાનોની મુલાકાત લેતાં લાગે કે ઈશ્વર (જો હોય તો) બીજે ગમે ત્યાં ભલે હોય, પણ અહીં તો ચોક્કસપણે નહીં હોય. બદ્રીનાથ પણ આમાંથી બાકાત શી રીતે રહી શકે? તેનું ભૌગોલિક સ્થાન સ્વર્ગીય કહી શકાય એવું છે. મંદિરનો ભાગ પણ સુંદર છે. અહીં લગભગ આખા ભારતમાંથી ભક્તજનો દર્શનાર્થે આવતા હોય છે. તેમની વ્યવસ્થા સંભાળવા માટે રેલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી એક જ લાઈનમાં સૌ ઊભા રહી શકે. પણ આપણા લોકોને એક જ લાઈનમાં સરખા ઊભા રહેવું ફાવતું નથી. વ્યવસ્થા જાળવવા માટે ઠેરઠેર પોલિસ ઊભેલા હોય છે.

મંદિરના પ્રવેશદ્વારે વધુ પોલિસો હોય છે, જેઓ એક નિશ્ચિત સંખ્યામાં ભક્તોને અંદર પ્રવેશ આપે અને બાકીનાને અટકાવી રાખે. આને કારણે લાઈન ક્યારેક સ્થગિત થઈ જાય અને ક્યારેક ઝડપભેર આગળ વધે. લાઈન આગળ વધે ત્યારે વાંધો ન આવે, પણ એ સ્થગિત થઈ જાય એટલે દર્શનાર્થીઓની વ્યાકુળતા વધવા લાગે. એક દંપતિ લાંબી લાઈન જોઈને હરેરી ગયું અને લાઈનમાં વચ્ચેથી ઘૂસ મારવા પ્રયત્ન કરવા લાગ્યું. કોઈકે અટકાવ્યા એટલે કાકા શર્ટ ઊંચું કરીને કમરે બાંધેલો બેલ્ટ બતાવવાની ચેષ્ટા કરતાં કહેવા લાગ્યા, 'બિમાર હૂં ઈસલિયે....' જો કે, તેમને જોઈને મને થયું કે મારે પણ ગયા વરસનો હેલ્થ ચેકઅપનો રિપોર્ટ સાથે રાખવા જેવો હતો.
દર્શનાર્થીઓને કષ્ટ ન પડે એ માટે ઊપર પતરાં મૂકાયેલાં છે. આ પતરાં જે થાંભલા પર મૂકાયેલાં છે એ થાંભલાઓ પર શિલાજીત સહિતની અનેક ઔષધિઓ બનાવતી કોઈ ફાર્મસીઓની વિવિધ દવાઓની જાહેરખબર મૂકાયેલી છે. અહીં પણ ફૂલોની માળાઓ, પ્રસાદ, બીબાં વડે કપાળ પર નામ લખી આપનારાઓની અવરજવર સતત ચાલુ હોય. એમનો તો વેપાર જ આસ્થાનો. આ બધું જોતાં જોતાં સમય પસાર થાય અને આપણો નંબર આવશે એમ લાગે.
મંદિરનું પ્રવેશદ્વાર સાવ છેટું હતું ત્યારે ત્યાં લાઈનની બહાર ઊભેલા બે સજ્જનો પોલિસ સાથે કશી માથાકૂટ કરતા હોય એમ લાગ્યું. સહેજ કાન સરવા કર્યા તો સંભળાયું, 'ભૈયા, ઈતની લાઈન મેં હમારા નંબર કબ લગેગા? આપ અપના જો ખર્ચાપાની હોતા હૈ વો લે લો ઔર....' પેલા પોલિસો આનાકાની કરી રહ્યા હતા. 'સા'બ, ઐસા નહીં હોતા. યહાં પર સી.સી.ટી.વી. કૈમરે લગે હૈ....' દર્શનની લ્હાયમાં પેલા ભાઈઓ એ પણ ભૂલી જાય કે સી.સી.ટી.વી.થી પણ મોટી કોઈ આંખ તેમને જોઈ રહી હશે. (ગુર્જરગૌરવના પ્રહરીઓને જણાવવાનું કે એ ભાઈઓ ગુજરાતી નહોતા.) આમ છતાં, પેલા બન્ને ભાઈઓ લાગેલા જ રહ્યા. રેલિગની બહાર આવ્યા પછી થોડો ભાગ એવો છે કે જે ખુલ્લો હોય. અત્યાર સુધી એક જ રહેલી લાઈન અહીં આવતાં બે-ત્રણ થઈ ગઈ. અમાનવીય ધક્કામુક્કી શરૂ થઈ ગઈ. દરવાજા પાસે ઊભા રહેલા પોલિસનું આ બાબતે ધ્યાન દોર્યું તો એ કહે, 'ક્યા કરેં, સા'બ! લોગ બીચ મેં ઘૂસ જાતે હૈં, સમઝતે હી નહીં હૈ...'
કાકાસાહેબ કાલેલકરે 'બદરીધામ'માં વર્ણવેલો એક કિસ્સો આવો જ હતો. એ તો કેટલાં વરસો અગાઉની વાત છે. તેમણે જણાવ્યા પ્રમાણે હાથમાં પ્રસાદનો થાળ લઈને મંદિરમાં પ્રવેશેલી એક યુવતીને ધક્કો વાગે છે અને થાળમાં રહેલો પ્રસાદ વેરાઈ જાય છે. પેલી યુવતી નિરાશ થઈ જાય છે. કાકાસાહેબ તેને આશ્વાસન આપતાં કંઈક આવું કહે છે, 'તું તો કોઈ પૂજારી દ્વારા પ્રસાદ ચડાવત, પણ ભગવાનની ઈચ્છા એવી છે કે એ સીધો તારા હાથે જ ચડાવાય. આ ભૂમિનો એક એક પથ્થર પવિત્ર છે, તેથી......'
આ બધું જોઈ-વાંચી-સાંભળીને સખત ત્રાસ લાગે, જે પ્રકૃતિની ગોદમાં ગયા વિના હળવો ન થઈ શકે.



(ક્રમશ:) 

Sunday, March 20, 2022

બર્ફીલું ધામ બદ્રીનાથ (1)

(2018ના એપ્રિલ, મે દરમિયાન અમે બદ્રીનાથનો પ્રવાસ કર્યો હતો. ત્યાંથી આવ્યા પછી ફેસબુક પર છૂટકછૂટક લખાયેલા સંસ્મરણોને અહીં એક સાથે મૂકવાનો પ્રયત્ન કર્યો છે.) 

અમારા મહેમદાવાદના ઘરની સામે આજે જ્યાં બિપીનભાઈ શ્રોફનું નિવાસસ્થાન છે, ત્યાં અસલમાં એક ખરી (ખળી) હતી. જેનો દરવાજો ક્યારેક ખૂલતો. આ ખરીની દિવાલ પર મહેમદાવાદની ત્યારની એક માત્ર ટૉકીઝ 'આશા'માં રજૂ થતી ફિલ્મોનાં પોસ્ટરો લાગતાં. જો કે, આ દિવાલ એવી હતી કે એક વાર લાગેલું પોસ્ટર વરસો સુધી લાગેલું રહેતું. એ રીતે 'અપના દેશ'નું પોસ્ટર કેટલાય વખત સુધી રહેલું. સવારે જાગીને છજામાં ઉભા રહીએ કે સીધી નજર ત્યાં જ પડે એવું એનું સ્થાન રહેતું. પછી એ પોસ્ટર ફાટતું, ચીરાતું, અને તેની હાલત એવી થઈ જતી કે તેની નીચે લગાડેલું અગાઉની ફિલ્મનું પોસ્ટર પણ અડધુંપડધું દેખાતું હોય. મારી સાવ બાલ્યાવસ્થામાં કેટલાંક દૃશ્યો મને બરાબર યાદ રહી ગયાં છે એમાંનું એક તે 'બદ્રીનાથ યાત્રા' ફિલ્મનું પોસ્ટર. 1967 માં રજૂઆત પામેલી આ ફિલ્મ મહેમદાવાદમાં કદાચ ત્રણ-ચાર વર્ષ પછી, એટલે કે મારી ચાર-પાંચ વર્ષની ઉંમરે આવી હશે. કેટલું ચાલી હશે એ ખબર નથી, પણ તેનું પોસ્ટર મારા એ સમયની યાદગીરીનો હિસ્સો બની રહ્યું હતું. પોસ્ટરમાંના એક પણ ચહેરાને હું જાણતો નહોતો. મને તેમાં પર્વત પર જતા એક યાત્રાળુનું છાયાચિત્ર બરાબર યાદ રહી ગયું છે. બદ્રીનાથ એટલે શું અને તે ક્યાં આવ્યું એ પણ ખબર નહોતી. પણ એટલી ખબર આ પોસ્ટર દ્વારા પડેલી કે તે કોઈક પર્વત પર આવેલું હશે.


ત્યાર પછી ફરતા થયા, પ્રવાસ કરતા થયા અને જાણતા થયા એમ ખ્યાલ આવ્યો કે બદ્રીનાથ ચાર ધામ પૈકીનું એક મહત્ત્વનું ધામ છે. જો કે, મારો મુખ્ય રસ પ્રવાસનો હોવાથી ધાર્મિક સ્થળ પ્રાથમિકતામાં જલ્દી ન આવે એ સ્વાભાવિક છે. આવામાં એક તક મળી બદ્રીનાથની 'યાત્રા' કરવાની. જો કે, આ 'યાત્રા'માં જોડાતા પૂર્વે એટલું સ્પષ્ટ હતું કે અમારા માટે તે યાત્રા ઓછી અને પ્રવાસ વધુ હતો. અમારા સગાં ગૌરાંગ શાહ અને ભાવિની શાહે બદ્રીનાથમાં શ્રી ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હતું, અને ઓછામાં ઓછા દોઢસો સ્વજનોને લઈ જવાનું તેમણે ગોઠવ્યું હતું. અમારા અભિગમને જાણતા હોવાથી અમને 'એ બહાને ત્યાં ફરાશે'ની છૂટ આપવામાં આવી હતી, જેનો અમે ભરપૂર લાભ લીધો.
આમ, નાનપણમાં વરસો સુધી અનાયાસે જે નજરે પડતું રહ્યું હતું એ 'બદ્રીનાથ યાત્રા'નું પોસ્ટર જીવંત બની ગયું. અમે ચારેએ આ પ્રવાસનો આનંદ લીધો અને બરાબર રખડપટ્ટી કરી. તેનો તસવીરી- સચિત્ર અહેવાલ.
**** 
પહાડ તરફની સફર ગજબ હોય છે. જતી વખતે સાવ મેદાની પ્રદેશમાંથી પહાડી પ્રદેશમાં પ્રવેશ કરીએ એ સાથે જ વાંકાચૂકા રસ્તાઓ અને ચઢાણ શરૂ થઈ જાય અને અચાનક જ અત્યાર સુધીની શુષ્ક લાગતી મુસાફરી જીવંત બની જાય. દરેક વળાંકે બારીની બહાર જોતાં દૃશ્યો બદલાતાં રહે. જો કે, મેદાની પ્રદેશમાંથી આવતા જાગ્રત માવતરો પોતે કે પોતાના બાળકને બારીએ બેસવાનો આગ્રહ કરે ત્યારે એમ લાગે કે તેમની સૌંદર્યદૃષ્ટિ સારી કહેવાય! પણ બહુ ઝડપથી બારીએ બેસવાનું રહસ્ય સમજાઈ જાય. 'સહદેવસિન્ડ્રોમ' મુજબ તેમને પહેલેથી જ્ઞાન હોય કે વાંકાચૂકા રસ્તે પેટમાં દુ:ખે, ચક્કર આવે અને 'વૉમિટ જેવું' લાગશે. આગોતરા ઊપચાર તરીકે જાતભાતની ચૂસવાની ગોળીઓ પાઉચમાં મૂકેલી હોય એ મોંમાં મૂકાઈ જાય. ત્યાર પછી બારીએ બેસીને, અગાઉ જણાવેલાં લક્ષણો દેખા દે તેની બંધ આંખે રાહ જોયા કરવાની. આમાંનું કોઈ લક્ષણ દેખા ન દે તો અસુખ થઈ જાય. બારી નજીક બેસવાનું મુખ્ય કારણ પણ એ જ કે 'કંઈક' થાય તો બારી હાથવગી હોય.

બદ્રીનાથને રસ્તે 

આ કારણે રસ્તે આવતાં અનેક સ્થળો અને તેનું સૌંદર્ય ભાગ્યે જ માણી શકાય. ખાસ કરીને હિમાલયના ચઢાણ વખતે તો હિમશિખરોનાં પહેલવહેલાં દર્શન થાય એ સાથે જ અનેરો રોમાંચ અનુભવાય. તેની ટોચ માત્ર દેખાતી હોય તો વાંકાચૂકા વળીને પણ એ જોયા કરવાનું મન થતું રહે. ઊંચાઈ વધતી જાય એમ વાતાવરણ બદલાય અને વનસ્પતિની ઘટ્ટતા પણ ઓછી થાય. પણ સૌથી વિસ્મય પમાડે એવું કશું હોય તો અહીંનું હવામાન, તેમાં ઊગતાં ફૂલો અને ફળોની વિપુલતા. 
સાવ સાદા, ટીનના ડબલાઓમાં ફૂલો ઊગાડેલાં હોય અને છતાં આખો છોડ ફૂલોથી રીતસર લચી પડ્યો હોય. સામાન્યમાં સામાન્ય મકાનોમાં પણ આવાં ડબલાં જોવા મળે. અહીંના લોકો ફૂલોના શોખીન હશે કે પછી એક રિવાજ લેખે તે ઊગાડાતા હશે એ ખબર નથી, પણ તેને કારણે મકાનનો આખો દેખાવ જ બદલાઈ જાય.
બદ્રીનાથને રસ્તે

અહીં મૂકેલી બન્ને તસવીરો બદ્રીનાથ જતાં અને આવતાં રસ્તે આવેલા કોઈ મકાનની છે. દિવાલનો ભૂરો રંગ બહુ સામાન્ય છે. તેનું પણ એક રીતે ચલણ જ હશે. પણ મને તો એ રંગ અહીંના આકાશ સાથે અનુસંધાન સાધતો હોય એવો જણાયો. સમાજવિજ્ઞાનીની શૈલીએ એવી થિયરી આપી શકાય કે વિશાળ આસમાન તળે રહેતા હોવાથી અહીંના લોકો પોતાના મકાનની દિવાલો પર પણ એ જ રંગ લગાવે છે.
મેદાની પ્રદેશોમાં રહેતા આપણા જેવા લોકો અહીં આવાં અઢળક ફૂલો જોઈને શું કરતા હશે એનું સહેલાઈથી અનુમાન કરી શકાય એમ છે.
ગમે તે હોય, પહાડી સ્થળ તરફ જવાની સફરનો જે રોમાંચ હોય છે એવો અને એટલો રોમાંચ ત્યાંથી પાછા ફરતી વેળા જળવાતો નથી.
**** 
બદ્રીનાથ આશરે દસેક હજાર ફીટની ઊંચાઈએ વસેલું છે, છતાં તેની ચોફેર પર્વતો હોવાથી તે ખીણમાં હોવાનું જણાય. મોટા ભાગના પર્વતોની ટોચ હિમચ્છાદિત હોય અને એટલી નજીક લાગે કે જાણે ચાલીને ત્યાં પહોંચી જઈએ એમ થાય.
વડોદરાના 43 અંશ તાપમાનમાંથી છૂટીને દિલ્હી-શ્રીનગર (ઉત્તરાખંડ) માં રોકાણ કરીને બદ્રીનાથ પહોંચ્યા ત્યારે જાણે કે ઓવનમાંથી નીકળીને સીધા ફ્રીઝમાં આવી ગયા હોઈએ એમ લાગ્યું. અમે પહોંચ્યા એના બે-એક દિવસ અગાઉ જ હિમવર્ષા થઈ હતી, જેની નિશાનીરૂપે રસ્તાની કોરે બરફના થર જોવા મળતા હતા. બહાર ઉભા રહીએ તેના કરતાં રૂમમાં વધુ ઠંડી લાગતી હતી. ફ્રીઝમાં મૂકેલી ચીજવસ્તુઓની જેમ રૂમમાં પડેલી એકે એક વસ્તુઓ ઠંડીગાર લાગતી હતી.
ખીણમાં હોવાને કારણે અહીં અજવાળું સવારના પાંચેક વાગ્યે થઈ જતું, પણ સૂર્યોદય સાતની આસપાસ થતો. અમારો ઊતારો બદ્રીનાથના પ્રવેશમાં જ આવેલા આંતરરાજ્ય બસ સ્થાનકની સામે આવેલા સદ્ગુરુ આશ્રમમાં, ત્રીજા માળે હતો. આ રૂમમાં ફોલ્સ સિલીંગ હતી, પણ તેની પર આવેલા છાપરે બરફના થર જામેલા હતા, જેને કારણે રૂમનું તાપમાન બહાર કરતાં પણ ઓછું જણાતું. (સેલફોનમાં એક સવારે તે 1 અંશ બતાવતું હતું.)
આમ છતાં, સવારની એક અલગ મઝા હતી. અમારી રૂમની પાછળ થતા સૂર્યોદયને કારણે રૂમની સામે આવેલા હિમશિખરો પર સૂર્યનો સીધો પ્રકાશ પડતો હોવાથી ત્યાંથી ખસવાનું મન જ ન થતું. છેક ઊપલા માળેથી જોતાં જાણે કે આપણે આપોઆપ સાક્ષીભાવમાં આવી જતા હોઈએ એમ લાગતું. નીચે રોજિંદી ચહલપહલ શરૂ થઈ જતી.
આવી એક સવારનું અમારા રૂમની બારીમાંથી દેખાતું દૃશ્ય, જે અમે પહોંચ્યા પછીના ત્રીજા દિવસની સવારે ચીતર્યું હતું.

ત્રીજે માળે આવેલા ઉતારામાંથી બારીબહાર દેખાતું દૃશ્ય 



(ક્રમશ:) 

Saturday, March 19, 2022

કેરળના કાર્ટૂનિસ્ટ (7): અજિત નિનાન

 કેરળ સ્કૂલના કાર્ટૂનિસ્ટોની પહેલી પેઢી શંકરની ગણીએ, એ પછીની પેઢી અબુ, વિજયન, કુટ્ટી વગેરેની ગણીએ તો કાર્ટૂનિસ્ટ અજિત નિનાન (હિન્દીમાં 'નૈનન' પણ લખાય છે) ને ત્રીજી પેઢીના ગણાવી શકાય. અબુના તે ભાણેજ થાય. અજિતનો જન્મ અલબત્ત, હૈદરાબાદમાં, અને તે કાર્યરત દિલ્હીમાં છે, છતાં તેમને કેરળ સ્કૂલના કાર્ટૂનિસ્ટ કહી શકાય. અજિતનાં કાર્ટૂનોની એક આગવી શૈલી છે, જે તેમને કેરળ સ્કૂલનાં કાર્ટૂનિસ્ટોથી અલગ તારવે છે. તેમણે 'ઈન્ડિયા ટુડે' જેવા સામયિકથી શરૂઆત કરી એટલે તેમનાં કાર્ટૂનો રંગીન રહેતાં. અત્યાર સુધી કેરળ સ્કૂલના કાર્ટૂનિસ્ટનાં કાર્ટૂન મોટે ભાગે અખબારમાં પ્રકાશિત થતા હોવાથી તે શ્વેતશ્યામ હતા. આમ, રંગને લઈને અજિતનાં કાર્ટૂન વિશેષ આકર્ષક જણાયા. આ ઉપરાંત તેમનાં કાર્ટૂનમાં રેખાઓ પાતળી તથા ચિત્રની બારીકીઓ ઘણી જોવા મળતી, જેને લીધે આખી ફ્રેમ ભરેલી જણાતી. કેરળ સ્કૂલનાં મોટા ભાગના કાર્ટૂનિસ્ટો ખપ પૂરતા ચિત્રાંકનો જ કરે છે એવું મારું નિરીક્ષણ છે. 'ટાઈમ્સ ઑફ ઈન્ડિયા'માં અજિતનાં કાર્ટૂનો આવતાં થયાં ત્યારે તેમાં પણ એ રંગીન આવતાં. આથી અજિતનાં કાર્ટૂનો રંગીન જ હોય એવી એક સામાન્ય છાપ પડી ગઈ.

અજિત નિનાન

'ટાઈમ્સ'માં 'જસ્ટ લાઈક ધેટ'ના નામે તેમનાં પોકેટ કાર્ટૂન મોટે ભાગે લક્ષ્મણનાં કાર્ટૂન તરીકે ફોરવર્ડ થતાં હતાં. પોતાનાં કાર્ટૂનમાં તે ભાગ્યે જ સહી કરે છે, આથી મોટા ભાગના લોકોને મન 'ટાઈમ્સ એટલે લક્ષ્મણ' એ જ મનમાં બેઠેલું હોવાથી આમ થાય છે. 'આઈટૂન' નામે વિભાગમાં તેમણે એક નવો પ્રયોગ હાથ ધરેલો છે. 


તેમાં વિચાર સુનિલ અગ્રવાલનો અને ચિત્રાંકન અજિતનું એ રીતે એ 'ટાઈમ્સ'માં પ્રકાશિત થાય છે. એજ રીતે જગ સુરૈયા સાથેની તેમની જુગલબંદી 'લાઈક ધેટ ઓન્લી'ના નામે પ્રકાશિત થતી. 


આ ઉપરાંત ચહેરાના રૂપાંતરણમાં અજિતની મહારત છે. એક ચહેરાને ચોથા તબક્કે સાવ ભળતી જ વસ્તુમાં રૂપાંતરિત કરવાની તેમની ખાસિયત છે. 

કાર્ટૂન ઉપરાંત તે 'ટાઈમ્સ'માં ઈલસ્ટ્રેશન પણ બનાવે છે. એમ તો તેમણે 'ડિટેક્ટીવ મૂછવાલા' નામે પાત્ર પણ સર્જેલું અને તેની ચિત્રપટ્ટી દોરતા હતા.
અજિત નિનાનની કળાના કેટલાક નમૂના અહીં જોઈ શકાશે.



Friday, March 18, 2022

કેરળના કાર્ટૂનિસ્ટ (6) : રવિશંકર

 1980ના દાયકાના ઉત્તરાર્ધમાં 'ધ ઈલસ્ટ્રેટેડ વીકલી ઑફ ઈન્ડિયા'ના અમે નિયમિત ગ્રાહક બન્યા એ અરસામાં પ્રિતીશ નાંદી તેના સંપાદક હતા. તેમના સંપાદકપદ હેઠળ 'વીકલી'માં વિવિધ પ્રકારની કળાઓને એક યા બીજા પ્રકારે સ્થાન મળતું. તેમણે 'નેશનલ લેમ્પૂન' નામનો એક વિભાગ શરૂ કરેલો, જેમાં જે તે સપ્તાહનાં ચૂંટેલાં કાર્ટૂનો મૂકાતાં. આ ઉપરાંત એક આખા પાનામાં ઉપરના ભાગે મારિયો મીરાન્ડા અને નીચેના ભાગે હેમંત મોરપરિયાની કાર્ટૂન પટ્ટી શરૂ થયેલી. ઘણી વાર આ બન્ને કાર્ટૂનિસ્ટોના ડબલ સ્પ્રેડ કોઈ એક વિષય પર આવતા એ અલગ. કાર્ટૂનમાં અમારી રુચિ ઘડવામાં આ બધાનો મહત્ત્વનો ફાળો. આ બધાં પાનાં હજી અમે સાચવેલાં છે, તેનું બાઈન્ડિંગ કરાવેલું છે. એ સમયે 'ઈન્ડિયા ટુડે'માં રવિશંકર જોડાયેલા. તેમનાં કાર્ટૂનોની અલગ મઝા હતી. કેરળ સ્કૂલની લાક્ષણિકતા અનુસાર તેમનાં કાર્ટૂનમાં મુખ્ય વિષય સિવાયની ડિટેલ ઓછી જોવા મળતી, પણ મુખ્ય વિષયમાં તે અનેક રેખાઓ ચીતરતા. તેને લઈને તેમનાં કાર્ટૂનની શૈલી જોતાવેંત ઓળખાઈ જતી. તેમની લાંબી સહી પણ જાણે કે ચિત્રાંકનનો ભાગ હોય એવી જણાતી.

રવિશંકર 

જો કે, એ બધા ઉપરાંત તેમનાં કાર્ટૂનોની વિશેષતા હતી તેની વેધકતા. એ સમયે વડાપ્રધાન રાજીવ ગાંધીના છબરડાયુગનો સુવર્ણકાળ હતો. રવિશંકર તેમનાં કાર્ટૂનોમાં જે બેરહેમીપૂર્વક રાજીવની ફીરકી લેતા એ જોઈને મઝા પણ આવતી, અને કદીક રાજીવ માટે સહાનુભૂતિ પણ થઈ આવતી. જેમ કે, એ વખતે ટી.વી.ના નામે એક માત્ર દૂરદર્શન હતું, અને દૂરદર્શન પર કોઈ પણ સમયે વડાપ્રધાનનો ચહેરો જ દેખાયા કરતો. રવિશંકરે રાજીવને નાર્સિસસ તરીકે ચીતર્યા, પણ પાણીને બદલે પોતાનું પ્રતિબિંબ તે ટી.વી.માં જોઈ રહ્યા હોય એમ દેખાડ્યું. ગાંધીજીની વિસરાયેલી સ્મૃતિ વિશેનું તેમનું એક કાર્ટૂન સદાબહાર છે. એક ચરખા આગળ તકતી મૂકેલી બતાવાઈ છે, જેની પર લખેલું: 'Bapu Spun here.' અને એ જ ચરખા પર બાઝેલા જાળામાં રહેલો એક કરોળિયો બોલે: 'And I spin here.'

એ તો પછી જાણ થઈ કે તે જાણીતા કાર્ટૂનિસ્ટ ઓ.વી.વિજયનના ભત્રીજા થાય. એટ્ટીથ રવિશંકર તેમનું આખું નામ. અમે તેમને કાર્ટૂનિસ્ટ તરીકે જાણ્યા પણ એ ઉપરાંત તે લેખક હતા. આગળ જતાં તેમણે કાર્ટૂનિસ્ટ તરીકેની કારકિર્દીને બદલે લેખનની કારકિર્દીને પ્રાધાન્ય આપવાનો નિર્ણય કર્યો ત્યારે અમારા જેવા ઘણા દુ:ખી થયા હતા. યાદ છે ત્યાં સુધી કાર્ટૂનિસ્ટ હેમંત મોરપરિયાએ રવિશંકરને ઉદ્દેશીને એક પત્રરૂપી લેખ લખેલો, જેમાં તેમણે લખેલું: 'રવિ બેટા, કમ સૂન. મધર (ઇન્ડિયા) ઈઝ સિરીયસ.' દેશની એવી સ્થિતિમાં રવિશંકર જેવા વ્યંગકારની જરૂર કેટલી બધી છે એવો એ લેખનો ધ્વનિ હતો.
રવિશંકરનાં કાર્ટૂન હવે જવલ્લે જોવા મળે છે. તેમનાં લખાણો વાંચવાનો સમય રહેતો નથી. કેરળ સ્કૂલના આ કાર્ટૂનિસ્ટનાં કેટલાંક કાર્ટૂન.