બદ્રીનાથથી ત્રણેક કિ.મી.દૂર આવેલું માણા અને માણાથી છ-સાત કિ.મી.ના અંતરે આવેલા વસુધારા ફૉલ્સ. એક તરફ ખીણ, ખીણમાં વહેતો સરસ્વતી નદીનો પ્રવાહ અને સહેજ ત્રાંસા ચઢાણવાળી પથરાળ પગદંડી. વચ્ચે એકાદ ગ્લેશિયર પણ ઓળંગવું પડે ત્યારે નીચેથી તે 'ભપ્પ' તો નહીં થઈ જાય ને, એવી બીક પણ લાગે. સવારે દસ-સાડા દસે નીકળીએ તો આરામથી ચાલતાં ચાલતાં બપોર સુધી પહોંચી રહેવાય. વચ્ચે કંઈ કહેતાં કંઈ જ ન મળે. હા, થોડા પ્રવાસીઓ મળતા રહે, જેઓ પાસેની ખીણમાં પૂરઝડપે વહેતી નદીના રવને દબાવી દે એવા અવાજે પોતાનાં શ્રાવ્યસાધનો થકી જાતભાતનાં ગીતો સાંભળતા હોય અને આપણા જેવાને પણ નિ:શુલ્ક શ્રવણલાભ આપતા રહેતા હોય. અમારા આ પ્રવાસની વ્યવસ્થા જેણે કરેલી એ સોમેશની ઑફિસમાં અમે લાકડીઓ જોઈ હતી. આથી અમે ચારેએ લાકડીઓ લઈ લીધેલી, જે બહુ આશીર્વાદરૂપ અને મોટે ભાગે તો ઈર્ષારૂપ પુરવાર થઈ. માણામાં અમને મળતા મોટા ભાગના પ્રવાસીઓ અમારી પાસે લાકડી જોઈને આશ્ચર્ય પામતા અને 'ક્યાંથી લીધી?' એમ પૂછતા. અનેક લોકોએ તો શરમ મૂકીને અમારી પાસે લાકડી માગી પણ ખરી. 'અમને આપી દો ને? અમારાથી ચડાતું નથી' વગેરે... અમે પણ શરમ જાળવીને 'આ અમારી નથી. અમારે પાછી આપવાની છે' કહીને તે ન આપી. પણ તેના હોવાથી ખરેખર ઘણો ફાયદો થયો.
કેટલીક વાર્તાઓમાં આવે છે કે 'તેને કહેવામાં આવેલું કે પાછું વાળીને જોતો નહીં. પણ તેનાથી રહેવાયું નહીં અને તેણે પાછું ફરીને જોયું એ સાથે જ....' વસુધારાનો આખો રસ્તો એવો છે કે પાછું વાળીને જોયા કરવાનું જ મન થયા કરે. માણા ગામ દીવાસળીનાં ખોખાં ગોઠવ્યાં હોય એમ નાનકડું થતું જાય. અને જે પર્વત પ્રવાસના સમયે એકદમ ઊંચો જણાતો હોય તે હવે આપણા 'લેવલ'માં આવતો જાય. ત્યારે લાગે કે આપણે ઊંચાઈ પકડી રહ્યા છીએ. મોટે ભાગે બપોર સુધી આકાશ એકદમ સ્વચ્છ હોય. 'નીલે નીલે અંબર પે' એટલે શું એનો ખ્યાલ બરાબર આવી શકે એવું. આ તસવીરમાં એ જોઈ શકાશે.
 |
વસુધારા જતાં |
વસુધારા જતાં શરૂઆતમાં ઓછા ચઢાણવાળો રસ્તો આવે. પછી વળાંકો આવતા જાય અને પછી ચઢાણ પણ આવે. વચ્ચે વચ્ચે જામેલો બરફ પણ જોવા મળે. ગાઈડના જણાવ્યા મુજબ અહીં ક્યારેક વન્ય પશુઓ (ખાસ કરીને જંગલી ગાય, હિમરીંછ કે સફેદ વાઘ) પણ આવી ચડે. અહીંના પર્વતો સાવ ખડકાળ, વૃક્ષો વિનાના હોવાથી તેમની ઊંચાઈ હોય એનાથી પણ વધુ જણાય. પથ્થરો પર લીલ બાઝીને સૂકાઈ ગઈ હોવાથી આખો પર્વત લીલી ઝાંય ધરાવતો જણાય. હિમરીંછ, હિમમાનવ અને તેનાં પગલાંનો ઉલ્લેખ અનેક સાહસકથાઓ કે રહસ્યકથાઓમાં આવે છે. જો કે, અમને ખાત્રી હતી કે અમે કંઈ એવા વી.આઈ.પી. નથી કે હિમરીંછ અમને ખાસ મળવા માટે આવે. 'જલસો'ની ખ્યાતિ હજી ગુજરાતમાં પણ પૂરતી પહોંચી નથી, તો ઉત્તરાખંડનું રીંછ એ માંગે એટલી બધી હકારાત્મકતા કેળવવાની બાકી રહી ગઈ છે! અગાઉ કહ્યું એમ રસ્તામાં અનેક જગ્યાએ બરફ જામેલો હતો. ક્યાંક તો તેની પર પગ મૂકીને જવું પડતું. આવા એક સ્થાને 'જો મિલ ગયા ઉસી કો રીંછ સમઝ લિયા'ના ન્યાયે જામેલા બરફમાં હિમરીંછનો આકાર કલ્પી લીધો. જેને શ્રદ્ધા હશે તેને એ હિમરીંછ જરૂર જણાશે. અને શ્રદ્ધા નહીં હોય એણે હજી લાંબી મજલ કાપવાની છે એમ સમજી લેવું.
 |
વસુધારાને રસ્તે |
****
નામમાં કશું બળ્યું નથી, પણ નામની આગળપાછળ લગાડાતાં શિંગડાં-પૂંછડાંઓમાં તો સર્વસ્વ છે. ધર્મસ્થળો-યાત્રાધામોમાં આસ્થાનો જે નિર્દય વ્યાપાર ચાલતો હોય છે એ જોઈને ક્યારેક સંસાર પરથી મન ઊઠી જાય. પણ આવાં સ્થાનોમાં સંસાર ત્યાગીને આવેલા મહાનુભાવોની આસક્તિ જોઈને એમ લાગે કે આપણે સંસારમાં રહીને પણ સંન્યાસીજીવન જીવી રહ્યા છીએ. દાઢીધારી-ભગવાધારીઓને પેન્ટ-શર્ટ પહેરેલો મનુષ્યમાત્ર 'બચ્ચા' લાગે અને એ 'બચ્ચા'ને 'સેવા કરવાની તક' મળી રહે એ માટે તેઓ પોતાની ભૂખ અનુસાર ચાની, ભોજનની કે દક્ષિણાની માગણી કરતા રહે. ક્યાંક કોઈ માગણી ન કરે તો સંસારી જીવો વતી અમુકતમુક રૂપિયામાં અનુષ્ઠાન કરી આપવાની, એ માટે અમુકતમુક રકમની દક્ષિણા આપવાની અને નિર્ધારીત દિવસે એસ.એમ.એસ. દ્વારા આપણા નામનું અનુષ્ઠાન આરંભ તેમજ સંપન્ન થવાની જાણ પણ કરવાની ઑફર આપે.
હિમાલયમાં સિદ્ધ યોગીઓ વસતા હતા (કે છે) એમ વાંચતા આવ્યા છીએ અને તેઓ માનવવસતિથી ઘણા દૂર રહીને હજારો વર્ષોનું આયુષ્ય પામે છે એમ પણ વાંચવામાં આવેલું. જો કે, હિમાલયની જેમ નજીક જઈએ અને આપણામાં કોઈ પણ સ્થળના સ્પંદનો અનુભવવા જેટલી સંવેદનશીલતા બચી હોય તો એટલા સમય પૂરતા આપણે પણ યોગીની સમકક્ષ અવસ્થામાં આવી જઈએ એવી તાકાત હિમાલયમાં છે.
બદ્રીનાથથી ત્રણ કિ.મી. દૂર આવેલું માણા ગામ 'ભારતીય સરહદનું છેલ્લું ગામ' કહેવાય છે, જ્યાંથી ચીનની (તિબેટની) સરહદ 40-45 કિ.મી. જેટલી છે. માણામાં 'ભારતીય સરહદના છેલ્લા ટી-સ્ટૉલ' પર ચા પીધા પછી ત્યાંથી સાતેક કિ.મી. દૂર 'વસુધારા ફૉલ' નામની અદ્ભુત જગા આવેલી છે. જતાં-આવતાં થઈને લગભગ ચૌદેક કિ.મી.ની આ ટ્રેક સરસ્વતી નદીના કાંઠે કાંઠે દોરી જાય છે. અને છેલ્લે પર્વત પરથી પડતી બે ધારાઓ તેમજ નીચે જમા થયેલા બરફના ઢગના અદ્ભુત દર્શનમાં પરિણમે છે.
આ સ્થળે પહોંચતાં પહેલાં એક ભાંગ્યાતૂટ્યા બાંધકામ પર લગાડેલા એક પાટિયા પર નજર પડી અને એમાં 'યોગીસમ્રાટ' વાંચતા જ મનોમન મલકાઈ જવાયું. આ સ્થળે રીતસર પીઠભર લંબાવી દઈને મેં સહજયોગ અવસ્થા સાધ્ય કરી લીધી.
એ જ અવસ્થામાં આંખ ખોલતાં 'યે હસીં વાદિયાં, યે ખુલા આસમાં'ની અનુભૂતિ થઈ.
બપોરના ચારેક વાગ્યે અમે પાછા ફરવાનું શરૂ કર્યું ત્યારે પણ વળી વળીને પાછું જોયા કરવાની લાલચ રોકી શકાતી નહોતી. અમે જોયું તો અચાનક પાછળના પર્વત પર વાતાવરણ બદલાતું જણાયું. ભૂરું આકાશ ધીમે ધીમે શ્વેતશ્યામ થવા લાગ્યું. અમને ખ્યાલ આવ્યો કે છેક પાછળ દેખાતા આ પર્વત પર હિમવર્ષા શરૂ થઈ છે.
 |
વસુધારાથી પાછા વળતાં |
ધીમે ધીમે બર્ફીલો પવન ફૂંકાવા લાગ્યો. તેની ગતિ વધવા લાગી. સદ્
ભાગ્યે અમારી પીઠ પર તે ફૂંકાતો હોવાથી અમને ચાલવામાં મુશ્કેલી પડતી નહોતી. પણ 'હાડ થિજાવી દે એવો' પવન એટલે શું એની અનુભૂતિ બરાબર થઈ ગઈ. પાછળના પર્વત પર આકાશ વધુ ને વધુ ધૂંધળું થવા લાગ્યું. ધીમે ધીમે અમારી પડખેના પર્વત પર પણ એ પ્રસરતું જણાયું. 'જલ્દી ચાલો', 'જલ્દી ચાલો'ની સૂચના છતાં નીચે રસ્તો જ એવો હતો કે ઝડપથી ચાલી ન શકાય. આખરે અમે સાડા છની આસપાસ માણા ગામે પાછા આવ્યા અને 'ભારતીય સરહદની આખરી ચાની દુકાન' પર ચા પીવા બેઠા. ત્યારે બદ્રીનાથના જે ભાઈએ અમારી સાથે ગાઈડ મોકલેલો એ ભાઈએ બૂમ પાડી. તે પોતાની કાર લઈને તપાસ કરવા આવ્યો હતો. તેણે કહ્યું, 'હું તો ટેન્ટ લઈને આવી ગયો છું.'
જો કે, અનેક લોકો બદ્રીનાથમાં અમાર્રી રાહ જોતા હોવાથી ટેન્ટમાં રોકાવાની બહુ ઈચ્છા છતાં એ કાર્યક્રમ અમારે માંડવાળ કરવો પડ્યો અને અમે માણાથી બદ્રીનાથ આવી ગયા. રસ્તામાં જાણવા મળ્યું કે ઉત્તરાખંડની સરકારે વાતાવરણ બાબતે રેડ એલર્ટ જાહેર કર્યું હતું.
(ક્રમશ:)
No comments:
Post a Comment