Sunday, November 20, 2016

દિલ હૈ છોટા-સા, છોટી-સી આશા

-ઉત્પલ ભટ્ટ 

(ઉત્પલ ભટ્ટે લખેલી 'પ્રોજેક્ટ યુનિફોર્મ'ની આ પોસ્ટ દિવાળી વેકેશન શરૂ થતાં પહેલાં મૂકવાની હતી. પણ સંજોગોવશાત્ એ શક્ય ન બન્યું, તેથી હવે મૂકું છું. 'પ્રોજેક્ટ યુનિફોર્મ'ને લગતી અન્ય પોસ્ટ્સ અહીં વાંચી શકાશે.

દીવાળીની રજાઓ શરૂ થાય તે પહેલાં એકાદ આશ્રમ શાળાના બાળકોનું માપ લઇ આવવું તેવું નક્કી કરેલું હતું. વખતે મારે પણ જયેશ સાથે થકવી નાંખતી અઘરી મુસાફરી કરવી હતી. ચીચીના ગાંવઠા આશ્રમશાળાના આચાર્ય શ્રી યશવંતભાઇ સાથે વાત કરી તો જાણવા મળ્યું કે ખૂબ અંતરિયાળ વિસ્તારમાં આવેલી 'લીંગા આશ્રમ શાળા' માં યુનિફોર્મની જરૂરિયાત છે. એટલે હું અને જયેશ તા. ૧૬ ઓક્ટોબરે રાતે ૧૧ વાગ્યે ઉપડતી 'અમદાવાદ-નાશિક' એસ.ટી. બસમાં બેઠા. ગીતામંદિર ખાતે આવેલા એસ.ટી. બસ સ્ટેન્ડના રંગરૂપ બદલીને બહુમાળી મકાનો ધરાવતું એસ.ટી. સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે પરંતુ તેથી કરીને મુસાફરોને કોઇ પણ પ્રકારનો ફાયદો થયો હોય તેવું લાગ્યું નહિ. બરાબર ૧૧ વાગ્યે બસ ઉપડી એટલે જયેશે સીધું ઉંઘવાનું શરૂ કર્યું. ડ્રાઇવરે કિશોરકુમાર-લતા મંગેશકરના એવરગ્રીન ગીતો મૂક્યા એટલે મને સાંભળવાની મઝા પડી ગઇ. કલાકમાં તો બસમાં ઠંડીએ પોત પ્રકાશવાનું શરૂ કર્યું એટલે શાલ ઓઢવી પડી. આમને આમ જાગતા-ઉંઘતા વડોદરા-સુરત-બારડોલી-વાંસદા થઇને સવારે વાગ્યે અમે વઘઇ બસ સ્ટેન્ડ આવી પહોંચ્યા. આખી રાત ઠંડીમાં ઠુઠવાઇને અમે કૂકડા જેવા થઇને બસમાંથી ઉતર્યા! ડાંગમાં ઠંડીની જોરદાર શરૂઆત થઇ ચૂકી છે એનો ચમકારો અમને વહેલી સવારે મળી ગયો. અમને લેવા કોઇ આવ્યું હતું એટલે જે શિક્ષકને ફોન લાગે તેને ફોન કરવાના શરૂ કર્યા અને બધી કસરતને અંતે એવી જાણ થઇ કે વઘઇ રહેતા યશવંતભાઇ અમને લેવા આવશે. આવે ત્યાં સુધી બસ સ્ટેન્ડની બહાર આવેલી ચા ની કીટલી પર અમે બે આખી ગરમાગરમ ચા મંગાવીને એની ચૂસકીઓ મારી.

**** **** ****

૧૫-૨૦ મિનિટમાં જૂની મારુતિ-૮૦૦ લઇને યશવંતભાઇ આવી પહોંચ્યા. હું એમને પહેલી વખત રૂબરૂ મળ્યો. ખૂબ ઉત્સાહી એવા લગભગ ૫૦-૫૫ ના યશવંતભાઇની ગાડીમાં ગોઠવાયા અને એમણે પોતાની અને ડાંગ વિશેની અલક-મલકની વાતો શરૂ કરી
(ડાબેથી) જયેશ-યશવંતભાઈ અને બાબરભાઈ 
વઘઇથી આહવા થઇને લીંગા જવાનો રસ્તો ૫૦ કિ.મી. નો છે અને પહોંચતા લગભગ બે કલાક જેવું લાગે. રસ્તામાં ચીચીના ગાંવઠા આશ્રમશાળામાં યશવંતભાઇને થોડું કામ હતું એટલે નાનો એવો વિરામ લીધો
સમૂહ ભોજનયજ્ઞ 
સવાર સવારમાં આશ્રમ શાળાના બાળકો ચોખામાંથી કાંકરા વીણી રહ્યા હતા. કેટલીક છોકરીઓ-છોકરાઓ રોટલી વણી રહ્યા હતા. તો બે છોકરીઓ રસોઇયાને રોટલી બનાવવામાં મદદ કરી રહી હતી. લોકો સાથે અલપ-ઝલપ વાતો કરીને નીકળ્યા અને યશવંતભાઇ સાથે વાતો શરૂ થઇ. આગલા દિવસે (રવિવાર, ૧૬ ઓક્ટોબર) આહવા ખાતે ખેલ મહાકુંભ હતો એમાં બધી આશ્રમ શાળાના ઘણા બધા બાળકોએ ભાગ લીધો હતો એની વાતો ચાલી. યશવંતભાઇનું એવું કહેવું હતું કે પ્રોજેક્ટ યુનિફોર્મના બ્રાઉન-લાઇટ બ્રાઉન યુનિફોર્મને લીધે બધી આશ્રમશાળાઓના વિદ્યાર્થીઓ જુદા ઓળખાઇ આવે છે. થોડા સમય પહેલાં ડુંગરડા આશ્રમશાળાના બે બાળકો ભાગીને બિલિમોરા તરફ ગયા તેમને યુનિફોર્મના રંગને લીધે પોલીસે બિલિમોરા સ્ટેશને પકડી પાડ્યા હતા. આમ યુનિફોર્મ ડાંગમાં પ્રખ્યાત થતો જઇ રહ્યો છે એ જાણીને આનંદ થયો!
**** **** ****

ચારેય તરફ લીલોતરી, ખેતી, સાગ-વાંસના વૃક્ષો અને નીરવ શાંતિ ધરાવતો રસ્તો કપાતો જઇ રહ્યો હતો અને અમારી વાતો ચાલુ હતી. ગાંઠનું ગોપીચંદન કરનારા, મૂળ ડાંગના અને ડાંગપ્રેમી, બીજા માટે ઘસાઇ છૂટનારા અને ઉત્સાહી એવા યશવંતભાઇની ઓળખ ધીમેધીમે ખૂલી રહી હતી. રસ્તામાં બોરખલ ગામ આવ્યું અને પેલો ધમણ ચલાવતો લુહાર દેખાયો
બોરખલ ગામનો લુહાર 
વખતે તો ગાડી ઉભી રાખીને એનો ફોટો પાડી લીધો. ત્યાં દાતરડાને ધાર કાઢવાનું કાર્ય ચાલી રહ્યું હતું. બોરખલથી આહવા અને ત્યાંથી એક રસ્તો લીંગા તરફ ફંટાયો. રસ્તામાં એક બાઇકસવારે યશવંતભાઇને જોઇને હાથ કર્યો અને મળવા રોકાયો. ચીચીના ગાંવઠા આશ્રમશાળામાંથી ભણીને સીવીલ એન્જિનિયર બનેલો તે યુવાન જી.પી.એસ.સી. પરીક્ષા પાસ કરીને હવે સરકારી નોકરીના ઓર્ડરની રાહ જોઇ રહ્યો છે. 'મન હોય તો માળવે જવાય' કહેવત અહીં સાર્થક થતી લાગી. પાંચ- કિ.મી. આગળ વધ્યા ત્યાં તો અદભૂત દૃશ્ય જોવા મળ્યું. ચારે તરફ પહાડોથી ઘેરાયેલું ખીણ પ્રદેશમાં આવેલું લીંગા ગામ, એક તરફ વહેતી નાનકડી નદી અને સામે કાંઠે આવેલી લીંગા આશ્રમ શાળા
લીંગા ગામ 
આવું આહ્લાદક દૃશ્ય જોઇને અમારો અડધો થાક ઉતરી ગયો. લીંગા આશ્રમશાળા પહોંચવા માટે થોડુંક ફરીને જવું પડે તેમ હતું. ડાંગમાં કુલ પાંચ રાજાઓ છે એમાના એક લીંગાના રાજા. રાજા અતિશય ગરીબી ભોગવતા દરિદ્રનારાયણ પ્રકારના રાજા છે. નદી પાર કરીને આશ્રમ શાળા પહોંચ્યા ત્યારે અમારૂં સ્વાગત કરવા માટે આચાર્ય શ્રી હરિભાઇ હાજર હતા. યશવંતભાઇએ એમની ઔપચારિક મુલાકાત કરાવી અને અમે દૈનિક ક્રિયાઓ પતાવવાની શરૂ કરી. નહાવા માટે અહીં ખુલ્લા બાથરૂમ છે એટલે સંકોચ સાથે ખુલ્લામાં નહાયા પરંતુ બંબાના ગરમ-ગરમ પાણીએ અમારો આખી રાતના ઉજાગરાનો થાક ઉતારી દીધો.
લીંગા શાળા 
પછી તો જયેશે બધો વહીવટ હાથમાં લીધો! રાબેતા મુજબ બધા બાળકોના માપ લેવાયા. વચ્ચે ચા આવી તે પીધી. કુલ ૧૬૮ બાળકો આશ્રમ શાળામાં રહીને અભ્યાસ કરે છે. વર્ષથી સરકારે બધી આશ્રમશાળાઓમાં ધોરણ શરૂ કર્યું છે એટલે હવે બધે વિદ્યાર્થીઓની સંખ્યા ૧૨૦ થી વધીને ૧૬૦ થી ઉપર થઇ ગઇ છે, જે કેટલીક આશ્રમ શાળાઓમાં ૨૦૦ સુધી પહોંચી છે. માપ લેવાનું કામ પૂરું થયું એટલે અમે બધા બાળકો સાથે થોડી વાતચીત કરી.
તા. ૨૭ ઓક્ટોબરથી દીવાળીનું વેકેશન પડવાનું હોવાથી બધા ઘેર જવાના, ફટાકડા ફોડવાના મૂડમાં હતા. એમને દીવાળીના તહેવારની આગોતરી શુભેચ્છાઓ આપી. કકડીને ભૂખ લાગી હોવાથી અમે 'ડાંગી થાળી' જમવા બેઠા. નાગલીનો લાલ રોટલો, મસ્ત અડદની દાળ અને આખી ડુંગળી. આવું સાદું અને સાત્વિક ભોજન લઇને પછી આરામ કરવાની ઇચ્છા થઇ આવી પરંતુ સમયના અભાવે તે 'લક્ઝરી' શક્ય બની!! તમે જ્યારે ડાંગની મુલાકાત લો ત્યારે ડાંગી થાળી જરૂરથી ખાજો. શહેરોમાં રહીને પોસાઇ ના શકે તેવી મોંઘી થાળીઓ ખાઇને તમે ખોરાકનો મૂળ સ્વાદ અને તેની મીઠાશ સાવ ભૂલી ચૂક્યા છો. ભોજનની ખરી મીઠાશ 'ડાઇનીંગ હોલ'માં નહિ પરંતુ ડાંગી થાળીમાં મળશે. વઘઇમાં આવેલું 'સખી મંડળ' ઓર્ડર મુજબ તદ્દન વ્યાજબી ભાવે ડાંગી ભોજન બનાવી આપે છે.
બપોરે ૧૨ વાગ્યે વઘઇ તરફનો વળતો પ્રવાસ આરંભ્યો. ફરીથી યશવંતભાઇ સાથે વાતોનો દોર ચાલ્યો. હાલમાં તેઓએ સેક્ન્ડ હેન્ડ મારૂતિ-૮૦૦ લીધી છે એટલે ખુશ હતા. એમને પુત્રીઓ છે. સૌથી મોટી પુત્રી MSW કરીને વઘઇ સ્થિત એન.જી..માં કાઉન્સેલરની નોકરી કરે છે. વચેટ પુત્રી સીવીલ એન્જીનિયરિંગમાં ડિપ્લોમા કરે છે અને નાની પુત્રી દસમા ધોરણમાં છે. બધી પુત્રીઓ સરસ રીતે ભણીને પગભર થાય તેવી તેમની નેમ છે. ઘણા વખતે સમવિચારોવાળા ગાંઠનું ગોપીચંદન કરનારા વ્યક્તિને મળવાનું થયું એટલે મઝા પડી ગઇ. અમને કંપની આપવા અને આશ્રમ શાળાના બાળકોને શક્ય તેટલી તમામ મદદ થાય તેનાથી વધીને એમની કોઇ અપેક્ષા નહોતી. લગભગ વાગ્યે અમે વઘઇ રેલ્વે સ્ટેશનની બરોબર સામે આવેલા તેમના ઘેર પહોંચ્યા. મારી ઇચ્છા વઘઇ-બિલિમોરા નેરોગેજ ટ્રેનમાં સફર કરવાની હતી પરંતુ દિવસે અડધે રસ્તે ટ્રેન ખોટકાઇ હોવાથી ફેરો રદ કરવામાં આવ્યો હતો. નજીકના ભવિષ્યમાં ટ્રેનમાં મુસાફરી કરવાની અદમ્ય ઇચ્છા છે. વઘઇથી સુરત પહોંચવા માટે ભર બપોરે એસ.ટી. સિવાય બીજો કોઇ વિકલ્પ ઉપલબ્ધ નહોતો એટલે ફરીથી વઘઇ બસ સ્ટેન્ડ પહોંચ્યા અને ત્રણ વાગ્યે વઘઇ-સુરતની ચિક્કાર ભરેલી બસ પકડી. સાંજે વાગ્યે ભરચક ટ્રાફિકમાં સુરત પહોંચ્યા અને દોડીને સુરત સ્ટેશનથી :૨૦ ની દાદર-અજમેર એક્સપ્રેસ પકડી. ટ્રેનમાં બેસતાની સાથે થાકીને ઠૂસ થયેલો જયેશ ફરીથી ઉંઘી ગયો! રાત્રે ૧૦:૩૦ વાગ્યે અમદાવાદ સ્ટેશન આવ્યું. ઘેર પહોંચ્યા પછી ચોવીસ કલાકની રેપીડ મુસાફરી કરીને (પ્રવાસના કુલ કિ.મી. ૧૦૦૦) થાકીને ચૂરચૂર થયેલું શરીર ક્યારે નિદ્રાધીન થયું તેની ખબર પડી.
**** **** **** 

દીવાળી વેકેશન તા. ૧૭ નવેમ્બરના રોજ પૂર્ણ થઈ ગયું છે. લીંગા આશ્રમશાળાના બાળકોના યુનિફોર્મ સિવાઇને તૈયાર થઇ જવા આવ્યા છે. વખતે યુનિફોર્મ સાથે કંપાસ બોક્સ, અંડરવેર, સાડીઓ આપવાનો ઇરાદો છે. મારી શાળાની સહાધ્યાયી અને હાલ કર્મશીલ એવી માલા શાહે વખતે ઘણી બધી નોટબૂક્સ અને ચોપડાઓ મોકલાવ્યા છે. લગભગ ત્રણેક શાળાઓમાં વહેંચી શકાય તેટલા છે. બધી આશ્રમશાળાઓમાં ધોરણ શરૂ થયું છે એટલે દીવાળી પછીથી સેનેટરી નેપકીનનો પ્રોજેક્ટ આશ્રમશાળાઓની ધોરણ ની વિદ્યાર્થીનીઓ માટે પણ શરૂ કરીશું. ઉઘડતી શાળાએ યશવંતભાઇની મદદ લઇને વઘઇ ખાતે ચારથી પાંચ હાઇસ્કૂલની વિદ્યાર્થીનીઓ માટે ગાયનેકોલોજીસ્ટનો કેમ્પ યોજવાનું પણ આયોજન થઇ રહ્યું છે. અમદાવાદના જાણીતા ગાયનેકોલોજીસ્ટ્સ ડૉ. અમી અને ડૉ. સુજલ મુન્શીએ ડાંગ આવવાની હોંશેહોંશે તૈયારી બતાવી છે.
ટૂંકમાં રાત થોડી ને વેશ ઝાઝા છે એટલે અમે હવે કામે લાગીએ! આગામી અહેવાલ બહુ ઝડપથી. 
મારો સંપર્ક આપ મેલ bhatt.utpal@gmail.com દ્વારા કે ફોન દ્વારા 7016110805 પર અથવા આ બ્લોગના માધ્યમથી પણ કરી શકો છો

(તસવીરો: ઉત્પલ ભટ્ટ) 

Wednesday, November 16, 2016

લાકડીના બન્ને છેડે ગાંધી


ગાંધીજીના પ્રપૌત્ર કનુ ગાંધીનું ૭ નવેમ્બર, ૨૦૧૬ને સોમવારના રોજ અવસાન થયું. જુહુના સાગરતટે ગાંધીજીની લાકડીને છેડેથી પકડીને ચાલતા બાળક કનુ ગાંધીની આ તસવીર વિશ્વપ્રસિદ્ધ છે. એ રીતે જોઈએ તો આ તસવીર કેવળ તસવીર ન બની રહેતાં એક પ્રતીક સમી બની રહી છે.


આ તસવીરમાંની વ્યક્તિઓ અને ચીજો એ હદે જાણીતાં બની રહ્યાં છે કે તેના આધારે અનેક કાર્ટૂનિસ્ટોએ વખતોવખત કાર્ટૂનો ચીતર્યાં છે, જેમાં ક્યારેક લાકડી બદલાય છે, ક્યારેક તેને પકડનાર, ક્યારેક તેને દોરનાર, તો ક્યારેક બધા જ. આમ છતાં, જે કહેવું છે તે કહેવાઈ જાય છે. 
અહીં કેટલાક એવાં કાર્ટૂનો એક સાથે મૂકેલાં છે, જે આ તસવીરના કથાવસ્તુ પર આધારીત છે, પણ દોરાયાં છે જુદા જુદા કાર્ટૂનિસ્ટો દ્વારા, જુદી જુદી ઘટનાઓ પર, જુદે જુદે સમયે.

અબુ અબ્રાહમે દોરેલા આ કાર્ટૂનમાં એ સમયગાળાની વાત હોય એમ લાગે છે, જ્યારે નેતાઓ હજી ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ આચરતાં ડરતા હતા. 


કેશવનું ધ હિન્‍દુમાં પ્રકાશિત થયેલું આ કાર્ટૂન ધીરેન્‍દ્ર શર્માના એક લેખ સાથે મૂકવામાં આવ્યું હતું. દિલ્હીસ્થિત જે.એન.યુ,ના સાયન્‍સ પોલિસી સેન્‍ટરના ભૂતપૂર્વ વડાએ આ લેખમાં પોતે ક્યારેક ગાંધીમાર્ગે આરંભેલું નિષ્ફળતાને શી રીતે વર્યું તેની વાત કરી હતી. એક સ્થાનિક નેતાએ આ આંદોલનને ટેકો આપવાની તૈયારી દર્શાવી. સ્થળ પર આવીને તેમણે આંદોલનકારીઓને સુરક્ષા કર્મચારીઓ પર કોઈ કારણ વિના હુમલો કરવા જણાવ્યું. આંદોલનકારીઓએ એમ કરવાનો ઈન્‍કાર કર્યો ત્યારે અકળાયેલા નેતાએ કહ્યું, તો પછી થઈ રહ્યું તમારું આંદોલન! આ કાર્ટૂનમાં ગાંધીજીને દોરવાને બદલે લાકડીથી ખેંચીને નેતા ઉગ્રતા તરફ ઢસડી રહ્યા છે. ગાંધીજીના બૅકગ્રાઉન્ડનો શાંત રંગ અને નેતાના બૅકગ્રાઉન્‍ડનો લાલ રંગ તેમજ નેતાના મુખભાવ આ હકીકત સ્પષ્ટ કરે છે. 

કોંગ્રેસમાં ગાંધીજી હતા ત્યારે સ્વદેશીની બોલબાલા હતી. કાળક્રમે કોંગ્રેસનું વિસર્જન થયું, અને મનમોહનસીંઘને દેશના વડાપ્રધાનપદે બેસવાનું બન્યું. આ કાળમાં વિદેશીની બોલબાલા વધી. એ બન્ને કાળનો વિરોધાભાસ કુરીલના આ કાર્ટૂનમાં બતાવવામાં આવ્યો છે. 


 ‘થોમ્મીના નામે કાર્ટૂન ચીતરતા મલયાલી કાર્ટૂનીસ્ટ ડૉ. થોમસના આ કાર્ટૂનનું શીર્ષક છે ગાંધીમાર્ગ’.  કાર્ટૂન સ્વયંસ્પષ્ટ છે. 











થોમ્મીના આ બીજા કાર્ટૂનમાં રાહુલ ગાંધી અને મનમોહનસીંઘને દર્શાવ્યા છે. રાહુલ ગાંધી કોંગ્રેસમાં 
પોતાની ભૂમિકા વધારે એવા એંધાણ મળ્યાના સમાચાર પર આ કાર્ટૂન આધારીત છે. 


૨૦૧૩ની ગાંધી જયંતિ કંઈક વિશિષ્ટ બની રહી હતી. ભ્રષ્ટ સાંસદોની બરતરફી સૂચવતા વટહુકમનો રાહુલ ગાંધીએ વિરોધ કર્યો હતો. આ વટહુકમ પાછળ રાહુલના પોતાના પક્ષનો મુખ્ય હાથ હતો. મંજુલે રાહુલ ગાંધીનું આ તોફાન અને તેનાથી મૂઢ થઈ ગયેલા મનમોહનસીંઘ બતાવ્યા છે, અને પાછળ ભીંત પર ગાંધીજી તેમજ કનુ ગાંધીવાળી છબિ પણ બતાવી છે. છબિમાં લાકડી લઈને દોરનાર બાળક અને બહાર અચાનક તોફાની બનીને પકડનારના ગળામાં લાકડી ખોસતા બાળકનો દેખીતો વિરોધાભાસ જોઈ શકાય છે. 

કુરીલના આ કાર્ટૂનમાં ત્યારે અને અત્યારેની શૈલીએ રાજકીય સ્થિતિ દર્શાવી છે. એક જમાનો હતો કે કોંગ્રેસ ગાંધીજીને અનુસરતી. એમ કરવામાં ગૌરવનો ભાવ અનુભવાતો. ઉપલા કાર્ટૂનમાં કોંગ્રેસના માથે દૈવી તેજવર્તુળ બતાવાયું છે. બીજા કાર્ટૂનમાં અત્યારની પરિસ્થિતિ છે. હવે કૌભાંડો અને ભ્રષ્ટાચારથી ભરપૂર કોંગ્રેસ રાહુલ ગાંધીને અનુસરે છે. ગાંધીજીની કેડે લટકતી ઘડીયાળ અને રાહુલના ખિસ્સામાં ડોકાતો મોબાઈલ ફોન બદલાયેલો જમાનો સૂચવે છે. અહીં કોંગ્રેસના માથે શેતાની વર્તુળ દેખાડ્યું છે. બન્ને કાર્ટૂનમાં કોંગ્રેસ અને તેને દોરનારના કદની અદલાબદલી ઘણું બધું કહી જાય છે.


નરેન્‍દ્ર મોદી વડાપ્રધાન બન્યાને હજી માંડ અઢી વર્ષ થયા છે. કુરીલના આ કાર્ટૂનમાં ક્વીટ ઈન્‍ડીયા મુવમેન્‍ટ (હિંદ છોડો ચળવળ) દરમ્યાન ગાંધીજીની પછવાડે દોરતી કોંગ્રેસ બતાવાઈ છે. વડાપ્રધાન બન્યા પછી નરેન્‍દ્ર મોદીએ ક્લીન ઈન્‍ડીયા મુવમેન્‍ટ (સ્વચ્છ ભારત અભિયાન)ની ઘોષણા કરી. વિરોધ પક્ષ આપના નેતા અરવિંદ કેજરીવાલે આ અભિયાનને ટેકો જાહેર કર્યો. આપનું પોતાનું નિશાન ઝાડુ છે. ગાંધીચીંધ્યા સ્વચ્છતાના માર્ગે વડાપ્રધાન મોદી ચાલી રહ્યા છે. કોણ કોને દોરી રહ્યું છે એ અસ્પષ્ટ છે, પણ ઝાડુનો સળીઓવાળો ભાગ મોદી પાસે છે, તેથી તેમની પાછળ કેજરીવાલ આવતા જણાય છે. પણ કેજરીવાલના ચહેરાના ભાવ જોતાં જણાય છે કે તેમણે ઝાડુના હાથાને ફક્ત આપવા ખાતર ટેકો આપેલો છે. 

આ કાર્ટૂન તાજેતરનું છે. પાંચસો અને હજારની નોટોને ચલણમાં રદ કરવાના પગલાંની પ્રશંસા કરતા આ કાર્ટૂનમાં પણ બન્ને કાળની પરિસ્થિતિઓ બતાવી છે. દાંડી માર્ચ (કૂચ) વખતે દેશ આખો ગાંધીની સાથે હતો. અત્યારે મોદી દંડા માર્ચ કરી રહ્યા છે. તેમના એક હાથમાં સ્વચ્છતા અભિયાનનું ઝાડુ છે, જે કાળા નાણાંનો કચરો સાફ કરવા માટે છે. બીજા હાથમાં કઠોર નિર્ણયરૂપી દંડો છે. પહેલા ચિત્રમાં અંગ્રેજ સૈનિકો ગાંધીના પગલાને વિસ્મયથી નિહાળી રહ્યા છે. બીજા ચિત્રમાં કેજરીવાલ, લાલુપ્રસાદ, મમતા બેનરજી જેવા નેતાઓ ગભરાયેલા કે ચકિત અવસ્થામાં જોઈ શકાય છે. પાછળ ચાલતા બાળકરૂપી દેશનો પહેરવેશ પણ બદલાયેલો સમયગાળો સૂચવે છે.આ કાર્ટૂન પણ કુરીલનું છે. 



એ કેવળ યોગાનુયોગ છે કે અહીં મૂકેલાં કુલ નવ કાર્ટૂનમાંથી ચાર કાર્ટૂનો કુરીલના છે. 
ગાંધીજી ગયા, અને હવે કનુ ગાંધીએ પણ વિદાય લીધી, પણ આ તસવીર યુગો સુધી કાર્ટૂનિસ્ટોને અવનવાં અર્થઘટનો માટે પ્રેરણા આપતી રહેશે.


(Disclaimer: All the cartoons above are either from personal collection or taken from net which are meant not for any commercial purpose. Breach of copyright, if any may please be brought to this blogger’s notice, and it will be removed at the earliest.

Tuesday, November 15, 2016

હું કોઈ મોટો ચિત્રકાર નથી છતાં....


આમ તો હું કોઈ વ્યવસાયી ડૉક્ટર નથી, પણ મને નાનપણથી તોડફોડ બહુ ગમે. એટલે હવે નિજાનંદ માટે આવાં ઓપરેશનો કરું છું. તમારું ઓપરેશન પતે પછી તમે મને નિખાલસ પ્રતિભાવ આપજો કે એ કેવું થયું!’ જરા વિચારો કે કોઈ ઓળખીતા ડૉક્ટર આપણને ઓપરેશન ટેબલ પર સૂવાડીને આમ કહે તો? 

કંઈક આવી જ લાગણી મને કોઈ પુસ્તકની પ્રસ્તાવનાના આરંભે ‘હું કોઈ વ્યવસાયી લેખક નથી, છતાં.....’ વાંચીને થાય છે. કોણ જાણે કેમ, ઘણા બધા લોકોને પોતાના પુસ્તકનું લખાણ આ વાક્યથી કરવાની બહુ મઝા આવતી હોય છે. આવા સ્વકથનને અંતે તેઓ મોટે ભાગે લખતા હોય છે, કોઈ ક્ષતિ દેખાય તો આગોતરી ક્ષમા માગી લઉં છું, કેમ કે, હું કોઈ વ્યવસાયી લેખક નથી. આટલી નમ્રતા છતાં એમ લાગે કે તેઓ એમ કહેવા માંગે છે, જુઓ, હું કોઈ વ્યવસાયી લેખક નથી, છતાં એને પણ ટક્કર મારે એવું લખ્યું છે ને! આ તો મારી પાસે સમય નથી, નહીંતર હું લખવાના વ્યવસાયમાં પડું તો ભલભલા વ્યવસાયી લેખકોને ભૂ પાઈ દઉં.

એક સજ્જને પોતે લખેલી પુસ્તિકા મોકલી અને સાથે મોકલેલા પત્રમાં આમ જણાવીને છેલ્લે લખ્યું, આપના નિખાલસ પ્રતિભાવ આપશો. મેં નિખાલસ પ્રતિભાવમાં લખ્યું, આપ વ્યવસાયી લેખક નથી, છતાં આ પુસ્તક લખ્યું, તેને બદલે કોઈ વ્યવસાયી લેખકની સેવા લેવા જેવી હતી, કેમ કે, પુસ્તકમાં ખૂબ ક્ષતિઓ રહી ગઈ છે. બસ! એ સજ્જને મને મોકલેલું એ પહેલું અને છેલ્લું પુસ્તક બની રહ્યું. અલબત્ત, તેમણે લખેલું એ છેલ્લું પુસ્તક નહીં હોય એની મને ખાતરી છે. ખબર નહીં કેમ, લોકોને પોતાની જાતને નિજાનંદી લેખક’, સેવાભાવી લેખક વગેરે ગણાવવામાં કોઈ વિકૃત આનંદ આવે છે.

આટલું પિંજણ કરવાનું કારણ એ કે આ પોસ્ટ પૂરતી હિંમત એકઠી કરીને હું કહેવા માંગું છું, હું કોઈ મોટો ચિત્રકાર નથી છતાં...’આ વાક્ય દ્વારા આ પોસ્ટનો આરંભ કરીને બહુ બધી નિખાલસતાથી લખ્યું હોત, મને આવડ્યું એવું ચીતર્યું છે, તમે મને ટપારજો, કે સુધારજો. તો ઘણાએ કહ્યું હોત, ભાઈ, તું લખવામાં ખોટો આવ્યો. તુંં ચિત્રકાર બન્યો હોત તો.... આમ સૂચવનારા મિત્રો કદાચ એમ કહેવા માંગતા હોય કે, '.....તો લેખને કશું ગુમાવ્યું ન હોત.' 

અગાઉ હું પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં હતો ત્યારે ઘણા કહેતા, તું અહીં ખોટો આવ્યો. તારે લખવામાં જવા જેવું હતું. મને પણ એમ લાગેલું એટલે દસેક વર્ષ અગાઉ લખવામાં આવી ગયેલો. એટલે હાલ પૂરતો બીજા કશામાં જવાનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે. એટલું સમજાયું છે કે અમુક શોખ સમાંતરે પણ ચાલી શકે, જો આપણે તેને ફક્ત નિજાનંદ માટે રાખતા હોઈએ.

આટલી પૂર્વભૂમિકા પછી મૂળ વાત. એક તબક્કે ચિત્રકળા તરફનું પ્રબળ આકર્ષણ ને અમુક મિત્રોના દબાણને લઈને કૉલેજ પૂરી કર્યાના દસ વર્ષ પછી વડોદરાની ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સમાં પ્રવેશ મેળવેલો. અટપટી પ્રવેશપ્રક્રિયા પસાર કર્યા પછી કૉલેજનાં પગથિયાં ચડવાનાં થયાં, મઝા બહુ આવતી હતી, પણ સમયની અનુકૂળતા અને બીજા નાનામોટા પ્રશ્નો નડતા હતા. તેથી દોઢેક વર્ષ માંડ પૂરું કરી શક્યો. પણ એ ગાળામાં એક નવી સૃષ્ટિનો પરિચય થયો.

એ વખતે અભ્યાસ માટે દોરવાં પડેલાં ચિત્રોમાં ખાસ ભલીવાર નહોતી, પણ મઝા ખૂબ આવી. અધવચ્ચે છોડવી પડેલી એ કૉલેજ પછી છૂટુંછવાયું કામ મેં ચાલુ રાખેલું, જેમાં મુખ્યત્વે પેન ડ્રોઈંગ હતા, કેમ કે, ક્યાંય પણ ગયા હોઈએ તો એ ઝડપથી દોરાઈ શકે. અને પછી તેનું ડીટેલીંગ ઘેર આવીને શાંતિથી કરી શકાય. આ વલણ પણ ઓછું થતું ગયું, અને સંપૂર્ણપણે લેખનમાં પ્રવેશ્યા પછી સદંતર બંધ.

પણ જૂન, ૨૦૧૬માં મિત્રો સાથે માધવપુરનો ટૂંકો પ્રવાસ કરવાનો થયો ત્યારે પંદરેક વર્ષના અંતરાલ પછી પેન અને સ્કેચબુક ફરી હાથમાં પકડ્યાં. કામ ફાવશે કે નહીં, એની ચિંતા કર્યા વગર શરૂ કર્યું. પહેલાં બ્લૉગનું માધ્યમ ન હતું, હવે એ ઉપલબ્ધ છે, તેથી અહીં મૂકવાની પણ હિંમત એકઠી કરી.
હવે આમાં ઊંડા ઉતરવાની, ગમતું કામ કરતા જવાની ઈચ્છા થાય છે, પણ હવે એ માટેનો સમય નથી. એ થાય ત્યારે ખરું.

મારી પાસે અગાઉનાં બનાવેલાં થોડાં ડ્રોઈંગ છે, અને નવાં શરૂ કરેલાં પણ ખરાં. પણ આ પોસ્ટમાં માત્ર ને માત્ર મહેમદાવાદનાં ડ્રોઈંગ મૂક્યાં છે. થોડી એની વાત. 
મહેમદાવાદમાં જીવનના આરંભકાળના ત્રણેક દાયકા વીતાવ્યા હોવાથી તેનો લગાવ હોય એ સ્વાભાવિક છે, પણ તેમાં દોરવા કે ફોટા પાડવા જેવું શું ખ્યાલ પછી આવતો ગયો. હવે અમદાવાદના આક્રમણને કારણે મહેમદાવાદની સ્કાયલાઈન બદલાઈ રહી છે. અમારા ત્રણ માળના ઘરના છાપરે ચડ્યા પછી ગામ પૂરું થતાં જે લીલોતરી દેખાતી હતી, ત્યાં હવે લાઈનબંધ એપાર્ટમેન્‍ટ ઉભા થયેલા જોઈ શકાય છે. મહેમદાવાદના નદીકિનારે ઉભા થયેલા નખશીખ વ્યવસાયી સંકુલ એવા સિદ્ધિ વિનાયક ધર્મસ્થાનને લઈને બહારના લોકોનો ધસારો વધ્યો છે. આમ છતાં, મહેમદાવાદ નગરની મૂળભૂત ઓળખ ઘણે અંશે જળવાઈ રહી છે એમ લાગે.

ઢળતા છાપરાંવાળાં મકાનો, પ્લાસ્ટર વિનાની દિવાલો, ધાબું ધરાવતા સાંકડાં અને ઉભાં મકાનો, ધાબુ અને છાપરાંની જુગલબંદી વગેરે થકી હજી તેની આગવી ઓળખ જળવાઈ રહી હોવાનું મને લાગે છે. તે કેટલી ટકશે એ ખબર નથી. અહીં એવાં કેટલાક ચિત્રો મૂકેલાં છે, જે મેં ફક્ત ઘરમાં રહ્યે રહ્યે,  બાલ્કનીમાંથી કે ધાબા પર જઈને બનાવેલા છે. .

**** **** ****

શેરીનું આ દૃશ્ય અમારા ઘરમાંથી દેખાતું હતું. આ દૃશ્ય હજી આવું છે, પણ તેમાં છેલ્લે જે ઝરુખા અને છાપરાવાળું બાંધકામ છે, એ હવે તૂટી ગયું છે, અને ત્યાં હારબંધ દુકાનોવાળું કઢંગું શોપિંગ સેન્‍ટર બની ગયું છે. લુહારવાડથી નડીયાદી દરવાજા તરફનો આ રસ્તો છે. વૉટરપ્રૂફ ઈન્‍ક વડે બનાવેલું આ ચિત્ર કદાચ ૧૯૯૩-૯૪ના ગાળાનું હશે, એમ લાગે છે. 

લુહારવાડથી નડીયાદી દરવાજા તરફ જતો રસ્તો 

આ દૃશ્યો મારા ઘરના ધાબામાંથી દેખાતાં દૃશ્યો છે.

સામે દેખાતું જેઠાકાકા પંચાલનું ચારમાળી મકાન વરસોથી તેની પ્લાસ્ટર વિનાની ઈંટો, અને ત્રાંસા આકારને કારણે ધ્યાન ખેંચે એવું છે. આ મકાનની અંદરની રચના હિન્‍દુ વર્ણવ્યવસ્થાની યાદ અપાવે. ઉપર ચડવા માટે દરેક માળને વટાવવો પડે. તેમના ધાબે પહેલાં હારબંધ ગીધો બેસતાં હતાં. હવે આવી વીઝીટીંગ ફેકલ્ટીઓ ક્યારેક આવી ચડે છે. 

લુહારવાડથી ખાંટવગા જવાના રસ્તાને નાકે

અમારા મકાનનું સ્થાન એ રીતનું છે કે તેની સામેની બાજુએ ખાંટવગો છે, પાછળની બાજુ દેસાઈપોળ છે, અને આજુઆજુ લુહારવાડ છે. ઈતિહાસની ભાષામાં કહીએ તો તે અનેક સંસ્કૃતિઓના ત્રિભેટે ઉભેલું છે. આ ચિત્રમાં સાવ ડાબે લુહારવાડનાં અમુક મકાનો છે, પાછળ કદાચ વ્યાસવાડાના મકાનો છે, અને જમણે આગળ વધતાં દેખાતાં મકાનો દેસાઈપોળનાં છે.

લુહારવાડ, તેની પાછળ વ્યાસવાડો, જમણે દેસાઈપોળનાં મકાનો 

આ ચિત્રમાં મારા ઘરની બીજી તરફનો ભાગ છે, જે બજાર તરીકે ઓળખાય છે. આ મકાનોની નીચે બજાર તરફ જતો મુખ્ય માર્ગ છે. આ મકાનો કાછિયાવાડનાં છે.

બજાર તરફ જવાના રસ્તે કાછિયાવાડનો ભાગ 
ધાબેથી સાવ સામે દેખાતું આ મસમોટું કોમ્પ્લેક્સ નવું બાંધકામ છે. જૂની આશા ટોકીઝ હતી, તેની આગળ બની ગયેલું આ સંકુલ હોય એમ લાગે છે. પશ્ચિમે આવેલા આ સંકુલનું ચિત્ર બનાવ્યું ત્યારે સૂર્ય પશ્ચિમે હોવાથી પ્રકાશ પાછળથી આવતો હતો. તેને લઈને આખું બાંધકામ સળંગ હોય એમ લાગે છે. પણ સવારના, આ મકાનની ઉપર પડતા પ્રકાશમાં વાત અલગ હતી. આ મકાનનો સામે દેખાતો ભાગ ઓછો છે, અને વધુ લાંબો ભાગ પડખામાં છે.

વારાહી માતાથી સ્ટેશનના રસ્તે આશા ટૉકીઝની
આગળના ભાગે બનેલું કોમ્પ્લેક્સ

મારા ઘરના શયનખંડમાંથી બરાબર સામે દેખાતી આ બારીને ચાર ભાગમાં વિભાજીત કરતાં દરેકમાં અલગ અલગ દૃશ્યો જોવા મળે છે. 


મહેમદાવાદદર્શન પછી હવે ઘરનું દર્શન.
મહેમદાવાદના અમારા ઘરના અનેક સ્થાનો પિક્ચરપરફેક્ટ છે. આવાં બે સ્થાનો.
નીચેથી પહેલા માળે આવવાના દાદરનો ભાગ, જેમાં જૂના મકાનનો લાકડાનો કઠેરો મૂક્યો છે. 
ઘરના દાદરની પાછળ આવેલી પહેલા માળની બેઠકનો ભાગ 

પુસ્તકોનો ખજાનો આ ભાગમાં સચવાયેલો છે.

પુસ્તકોની સમાંતર સૃષ્ટિ
હું કોઈ મોટો ચિત્રકાર નથી, પણ.... આમ કહેવાની કેવી મઝા આવે? ચિત્રકળાના અભ્યાસીઓ આમાં રહેલી ત્રુટિઓ તરત પામી જશે. અન્ય રસિકોને આ ચિત્રો વાન ગોગ કે પિકાસોની સમકક્ષ લાગી શકે. આવા બે અંતિમોની વચ્ચે જ આપણે આપણો આનંદ મેળવી લેવાનો હોય છે. ખાસ કરીને આપણે વ્યવસાયી એક્સ વાય ઝેડ ન હોઈએ અને એ બનવાની શક્યતા પણ ન હોય ત્યારે. 


Saturday, November 5, 2016

ચાંદા-સૂરજના મહેલ: ખંડહર બચે હુએ હૈં, ઈમારત નહીં રહી


મહેમદાવાદના વતની હોવા છતાં, મહેમદાવાદમાં વરસો સુધી રહેવા છતાં અને મહેમદાવાદ છોડ્યા પછી પણ ત્યાંનો જીવંત સંપર્ક હોવા છતાં ચાંદા-સૂરજના મહેલ વિશે સાંભળેલું બહુ, કદી તેની મુલાકાત લેવાનું બન્યું નહોતું. શાળામાં ક્યારેક મારું ગામ વિશે લખતાં તેનો ઉલ્લેખ જોવાલાયક સ્થળ તરીકે કર્યો હોય એટલું જ. કદી તેને જોવા જવાનો વિચાર નહીં આવેલો. ટ્રેનમાં અમદાવાદથી આવતાં વાત્રક નદીના પુલ પર જમણી તરફ દેખાતાં ખંડેર ચાંદા-સૂરજના મહેલ હોવાની ખબર હતી. ક્યારેક કોઈ મિત્ર આગળ ત્યાં જવાની ઈચ્છા વ્યક્ત કરી હશે, પણ ત્યાં કશું નથી જેવો જવાબ મળતાં વિચાર માંડવાળ કરી દેવાયો હશે.

**** **** ****

મહેમદાવાદની વાત કરવી હોય તો અમદાવાદના ઉલ્લેખ વિના કરી ન શકાય. મહેમદાવાદના ઈતિહાસ વિશે મહેમદાવાદ: એક અધ્યયન નામના નાનકડા પુસ્તકમાં ભાઈ મહંમદ મુસ્તાકે ટૂંકમાં માહિતી જણાવી છે. એ મુજબ ગુજરાતમાં મહંમદશાહ નામના કુલ ત્રણ રાજાઓ થઈ ગયા. તેમાં સૌથી પરાક્રમી અને જાણીતો સુલતાન એટલે મહેમૂદશાહ. તેનું મૂળ નામ ફતેહખાન હતું. ચૌદ વર્ષની વયે તે નાસીરૂદ્દીન દુનિયા વઉદ્દીન અબુલ ફતાહ મહેમૂદશાહ નામ ધારણ કરીને ઈ.સ. ૧૪૫૮માં તખ્ત પર બિરાજમાન થયો. જૂનાગઢ અને પાવાગઢ નામના બે મહત્ત્વના ગઢ જીત્યા હોવાથી તે મહેમૂદ બેગડો તરીકે ઓળખાયો.

અમદાવાદથી દક્ષિણે વાત્રક નદીને કાંઠે તેણે એક નગર વસાવવાનું નક્કી કર્યું અને પોતાના એક ઉમરાવ મલેક મહેમૂદ નિઝામને આ કામ સોંપ્યું. આમ, ઈ.સ. ૧૪૬૫માં મહેમદાવાદ નગર વસાવવામાં આવ્યું. અલબત્ત, આગળ જતાં મહેમદાવાદ પર સુલતાન શાહુદ્દીન મહેમૂદે (ત્રીજા) પણ રાજ્ય કર્યું.
મહેમદાવાદ એક જમાનામાં ગુજરાતનું પાટનગર રહી ચૂક્યું હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. એ બધી વાતોમાં ઊંડા ન ઉતરીએ તો પણ મહેમદાવાદમાં આજે ઘણી જર્જરીત ઈમારતો તેના એક જમાનાના ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરે છે, જેમાંની મોટા ભાગની જીર્ણશીર્ણ અવસ્થામાં છે.
**** **** ****
થોડા વખત અગાઉ મહેમદાવાદ રહેતા મિત્ર નિલેશ પટેલે ફેસબુક પર ચાંદા-સૂરજના મહેલની પોતે લીધેલી મુલાકાતની તસવીરો મૂકી. એ જોયા પછી તેની સાથે ફોન પર વાત થઈ એટલે તેણે જણાવ્યું કે હવે ચાંદા-સૂરજના મહેલ સુધી જવા માટેનો રસ્તો બનાવી દેવામાં આવ્યો છે.

ફરી પેલું કુતૂહલ સળવળી ઉઠ્યું અને તેની મુલાકાત લેવાના મનસૂબા ઘડાતા રહ્યા. આખરે આ દિવાળીની રજાઓમાં ત્યાં જવું એમ નક્કી કર્યું. આજે જઈશું, કાલે જઈશુંમાં એ ઠેલાતું રહ્યું. મારી ઈચ્છા ઈશાનને લઈને ત્યાં જવાની હતી. પણ એ શક્ય ન બન્યું. દરમિયાન બિનીત મોદીને મહેમદાવાદ આવવાનું બન્યું અને અમે બન્નેએ એકલા ત્યાં જવાનું નક્કી કર્યું.

રેલ્વેના ક્રોસિંગને ઓળંગ્યા પછીનો આખો વિસ્તાર મારા માટે અજાણ્યો હતો. એક બે વસાહતો પાર કરીને આખરે અમે ત્યાં પહોંચ્યા ખરા. એ સ્થળનું તસવીરી વર્ણન. 

મહંમદ મુસ્તાકના પુસ્તક અનુસાર ચાંદા-સૂરજનો મહેલ ઈ.સ.૧૫૪૬માં બનાવવામાં આવ્યો હતો. આ સિવાય બીજી માહિતી ભાગ્યે જ ઉપલબ્ધ બની શકી છે. 

વચ્ચોવચ દેખાતી આ કેડીની બન્ને બાજુએ બે મહેલોના ખંડેર છે, જેની બહારની દિવાલો જોઈ શકાય છે. ઢાળ ચડતો આ રસ્તો આગળ જતાં ઢાળ ઉતરે છે અને નદીના પટ તરફ જાય છે. 



કેડીની જમણી તરફ નજીકની દિવાલ ઓછી ખંડીત છે.


કેડીની જમણી તરફ છેક સામા છેડે તૂટેલી આ દિવાલ જોઈ શકાય છે. ક્યારેક અન્ય દિવાલો તેમજ અંદરનાં ખંડો હોવાની સાબિતી પથ્થર જેવી સામગ્રીના બનેલા ભોંયતળીયા જોવાથી મળે છે.


સામે દેખાતી આ દિવાલમાં ગોખલા, તૂટેલી કમાનો વગેરે જોઈ શકાય છે. 


ફક્ત ઈંટોની બનેલી દિવાલમાં દેખાતા ગોખલા મહેમદાવાદનાં અન્ય મુસ્લિમ સ્થાપત્યની શૈલી 
મુજબના છે. 


આ દિવાલ પૂરી થાય ત્યાંથી નીચે સીધી વાત્રક નદી નજરે પડે છે. 


થોડે દૂર રેલ્વેબ્રીજ પણ જોઈ શકાય છે, જ્યાંથી અમદાવાદ તરફ જતી-આવતી ટ્રેનોની અવરજવર રહે છે.


હવે કેડીની ડાબી તરફની દિવાલનો ભાગ.
આ દિવાલ શરૂ થાય એ અગાઉ તેની પડખે કાટખૂણે એક કેડી છે. એ કેડીના છેડે બીજી દિવાલ છે, જે મહેલના ડાબી બાજુના વિસ્તારનો અંદાજ આપે છે.


આ છે ડાબી તરફના હિસ્સાની છેવાડાની દિવાલ.


અહીં અમુક ભોંયરા પણ છે એમ જાણવા મળ્યું, પણ ઝાડીઝાંખરાને કારણે તે પૂરાઈ ગયા હોય એમ લાગે છે. મહેલની દિવાલો પૂરી થાય ત્યાં લીલા રંગની એક ધજા દેખાઈ. 


ઢાળ ઉતરતાં જણાયું કે ત્યાં એક દરગાહ છે. અહીં સેવા આપી રહેલા મહેમદાવાદના સજ્જન શ્રી રહેમતુલ્લા પઠાણે અમને દરગાહ જોવા માટે બોલાવ્યા. આ દરગાહ હઝરત ચાંદ સૈયદ બાવાની છે. તેઓ મહેમૂદ બેગડાના સલાહકાર હતા એમ કહેવાય છે.તેમની સાથે વાતોમાં જાણવા મળ્યું કે અહીં મહોરમ પછીના અઠવાડિયે મોટો ઉર્સ ભરાય છે અને દસ-પંદર હજાર મુલાકાતીઓ અહીં આવે છે. એ સમયે અહીં ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે, અને મહેમદાવાદનું એક સેવાભાવી જૂથ આ તમામ વ્યવસ્થા સંભાળે છે.




વાત્રક નદીને બિલકુલ કાંઠે ઉંચાણમાં બનાવેલા આ કિલ્લાનું સ્થળ આજે પણ અદ્‍ભુત લાગે છે. તે બનાવાયો એ વખતે કેવું રમણીય હશે એનો અંદાજ આજે પણ આવી શકે છે. 



વર્તમાન પ્રણાલિ મુજબ અમે જાતે આ સ્થળની મુલાકાત લીધી હોવાના પુરાવારૂપે સ્વછબિ લઈને વિદાય લીધી. 
(ડાબેથી) બીરેન કોઠારી અને બિનીત મોદી 

(શિર્ષક પંક્તિ: દુષ્યંતકુમાર)