Friday, June 27, 2014

બન કે કલી, બન કે સબા, બાગે વફા મેં...


વ્યક્તિની હયાતિ બાદ તેની સાથેનો સંબંધ પૂરો થઈ ગયેલો ગણાય? કે ન ગણાય? આ એક સવાલ ઘણી વાર મૂંઝવતો હોય છે. અમુક સંબંધો એવા હોય છે કે એ આરંભાય ગમે ત્યારે, પણ તેનો અંત કદી થતો નથી. તેને સગપણનું કે અન્ય કોઈ લેબલ મારવું અઘરું છે. અને લેબલ મારવું પણ શા માટે જોઈએ? આવા એક સંબંધની, તેના વિસ્તારની વાત કરવી છે, જે આમ તો સાવ ટૂંકી છે, છતાં લાંબી ચાલે એમ છે. 

                                           **** **** ****

“અમારામાં તો મૃતદેહને કૂવામાં મૂકવામાં આવે છે, જેથી કાગડા, ગીધ જેવા પક્ષીઓ તેને ખાઈ શકે. પણ હવે ગીધની વસ્તી એટલી રહી નથી. મારો મૃતદેહ દિવસો સુધી પડ્યો રહે એ ઠીક નહીં. તેથી મને એમ છે કે મારા દેહને અગ્નિસંસ્કાર આપવામાં આવે.”
આટલું વાંચીને એ સમજાઈ જાય કે આ બોલનાર કોઈ પારસી હશે. પોતાના મૃતદેહ વિષે આટલી હેતુલક્ષીતાથી વાત કરનાર હતાં હોમાય વ્યારાવાલા. આવી વાત એ કરે તે સમજી શકાય એમ છે. કેમ કે, તેમની ઉંમર ૯૬-૯૭ની આસપાસ હતી. આવું એ ક્યારેક બોલે ત્યારે અમને સાંભળવું ગમતું નહીં, તેથી એ બાબતે અમારે કશું કહેવાનું કે હોંકારો ભણવાનો સવાલ ન હતો.
અમે એટલે હું અને મારો મિત્ર પરેશ પ્રજાપતિ. પરેશનો પરિચય હોમાયબેનના સંદર્ભે થોડો આપી દઉં. અસલમાં પરેશ ઉર્વીશનો સહાધ્યાયી. પણ નોકરી માટે વડોદરામાં સ્થાયી થવાને કારણે એવા ભેદ રહ્યા નહીં, અને એ અમારો પારિવારિક મિત્ર બની રહ્યો છે. અનેક અજાણ્યાં સ્થળોના પ્રવાસ અમે બહુ મોજપૂર્વક સાથે ખેડ્યા છે. એક તબક્કે મેં બન્નેનો પરસ્પર પરિચય કરાવ્યો. કોઈ પણ નવા જોડાણમાં બને એમ આરંભે અનેક પ્રકારના અવરોધો પછી પરેશ અને હોમાયબેનનું જોડાણ અતિ મજબૂત બનતું ગયું. તેણે પોતાનું મકાન બનાવ્યું એ હોમાયબેનના ઘરથી સાવ નજીક છે, જ્યારે મારું ઘર હોમાયબેનના ઘરથી પ્રમાણમાં દૂર કહી શકાય એવું. એટલે ધીમે ધીમે હોમાયબેનની મુલાકાત પરેશનો નિત્યક્રમ બની ગઈ. પોતાની તમામ પ્રતિકૂળતાઓ વચ્ચે પણ દિવસમાં ઓછામાં ઓછી એક વખત પરેશ હોમાયબેનની મુલાકાત લે જ. પરેશનાં પરિવારજનો પણ એટલી જ દરકાર રાખે. જો કે, સામે હોમાયબેન હતાં, જે એક સ્વતંત્ર, ખુદ્દાર તેમજ સ્વનિર્ભર રીતે જીવવાં ટેવાયેલાં હતાં અને એ જ રીતે રહેવા માગતાં હતાં. આથી અમારે તેમને જે પણ સહાય કરવાની હોય એ તેમની આ ભાવનાને બરકરાર રાખીને કરવાની, એવી વણલખી કે વણકહી સમજણ હતી.
પરેશ ઘણી વાર તેમને ત્યાં જાય, કંઈક કામ કરી આપે, ક્યારેક બેસીને વાતો કરે. જો કે, હોમાયબેનની વાતોમાં ભાગ્યે જ મોટા ભાગના વૃદ્ધોની જેમ અતીતરાગ છલકાય. કંઈ અવનવા વિષયોની વાતો અનાયાસે નીકળતી રહે. અંગત વાતો તે ભાગ્યે જ ઉખેળે, અને નાછૂટકે કરે તે પણ કોઈ સંદર્ભ હોય તો જ, અને એટલા પૂરતી જ. પરેશ આગળ એક વાર એ પોતાના પતિ માણેકશા વિષે કહેતાં હતાં. માણેકશાના અવસાન પછી તેમનાં અસ્થિનું વિસર્જન તેમના પ્રિય સ્થળ એવા આગ્રાના કિલ્લાની આસપાસ તેમણે કર્યું હતું. દીકરા ફારૂક સાથે પોતાની ફીયાટમાં તે ગયાં હતાં. આ વાત પૂરી કર્યા પછી સહજપણે તે બોલ્યાં, એમ તો ગંગા નદીમાં મારાં અસ્થિનું વિસર્જન થાય એવી મારી ઈચ્છા છે. પણ પછી આ વિચારને ભૂંસી નાંખવા માંગતા હોય એમ કહ્યું, પણ એ બધું કોણ કરે?’ પરેશને આમાં કંઈ કહેવાનું હતું નહીં. વાત ત્યાં પૂરી થઈ. પણ શું ખરેખર વાત પૂરી થઈ હતી ખરી?

**** **** ****


તારીખ: ૧૬ મી જાન્યુઆરી, ૨૦૧૨. સમય: બપોરના બારની આસપાસનો. સ્થળ: હોમાય વ્યારાવાલાનું ઘર. ઓળખ સંસ્થાવાળાં નિમિષાબેન, પાડોશી જયશ્રીબેન મિશ્રા, ઘરકામ કરનાર ડાહીબેન, દિલ્હીસ્થિત મિત્ર આશીમ ઘોષ, ચરિત્રકાર સબીના ગડીહોક, શ્રીમતી અર્નવાઝ હવેવાલા, કામિની કોઠારી, બીરેન કોઠારી, ઉર્વીશ કોઠારી, પ્રતિક્ષા તેમજ પરેશ પ્રજાપતિ. આ સૌ એક યા બીજી રીતે હોમાયબેન સાથે સંકળાયેલાં, અને પોતપોતાની અનુકૂળતા મુજબ તેમને મળવા આવનારાં. તેથી એકબીજાના નામથી પરિચીત, પણ અમુક જણ સિવાય કોઈ એકબીજાને મળેલા નહીં. આ દિવસે સૌ એક સાથે હાજર હતાં,અને એ પણ હોમાયબેનના ઘરમાં. છતાં હોમાયબેન હાજર ન હતાં. કલાક પહેલાં જ સૌ તેમને અંતિમ વિદાય આપીને આવ્યાં હતાં. હોમાયબેનની ઈચ્છા મુજબ તેમના દેહને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા હતા. બપોર પછી તેમનાં અસ્થિફૂલો એકઠા કરવાં સ્મશાને જવાનું હતું. પરેશે એ જવાબદારી સ્વીકારી.
ધરી ગયા પછી: (ડાબેથી) પરેશ, પ્રતિક્ષા, કામિની, સબીના, ડાહીબેન, આશીમ,
શ્રીમતી હવેવાલા, નિમિષા શાહ, બીરેન. 


થોડી વારમાં સૌ વિખરાયાં.

**** **** ****

હોમાય વ્યારાવાલા ઉદ્યાન 

વડોદરાનાં તત્કાલીન મેયર ડૉ. જ્યોતિબહેન પંડ્યા હોમાયબેન માટે ખૂબ આદર ધરાવતાં હતાં. તે આગલે દિવસે આવેલાં, એટલું જ નહીં, સ્મશાનયાત્રા માટે જરૂરી અમુક સુવિધાઓ પણ તેમણે ગોઠવી આપેલી. હોમાયબેનના બાગકામના શોખની તેમને જાણ હતી, તેથી પહેલો વિચાર તેમને એ આવ્યો કે એકાદ બગીચાનું નામ હોમાયબેનની સ્મૃતિમાં રાખવું જોઈએ. ખરા દિલથી તે આમ ઈચ્છતાં હતાં, એટલે તેમણે એ દિશામાં કામ શરૂ કર્યું. 
તેમના ધ્યાનમાં આવ્યું કે હોમાયબેન રહેતાં હતાં એ જ વિસ્તારમાં એક બગીચો તૈયાર થયેલો છે, અને તેનું લોકાર્પણ તેમજ નામકરણ બાકી છે. ટી.પી.૧૩માં આવેલા આ બગીચાનું નામકરણ હોમાયબેનના નામે કરવાનો તેમણે નિર્ણય લઈ લીધો. હોમાયબેનના અવસાનના પંદરેક દિવસમાં જ, એટલે કે ૩૦ મી જાન્યુઆરીએ આ બગીચાને ખુલ્લો મૂકવામાં આવ્યો.

સ્મૃતિના સ્થૂળ અવશેષ 
અમે એક આયોજન વિચારી રાખ્યું હતું. ભલે એ સ્થૂળ કહેવાય તો એમ, કે ઘેલછા લાગે તો એમ. ખરેખર જે તીવ્ર સંવેદન અમે અનુભવતા હતા, તેનું એ પ્રતિબિંબ હતું. પરેશ પાસે હોમાયબેનના અસ્થિફૂલના બે નાનકડા કુંભ હતા. એમાંના એક કુંભમાંના અસ્થિનું વિસર્જન અમે હોમાય વ્યારાવાલા ઉદ્યાનમાં રોપાયેલા ફૂલછોડની માટીમાં કરવાનું નક્કી કર્યું હતું. બગીચો ખુલ્લો મૂકાતાં જ અમે એ કામ સંપન્ન કર્યું, અને હોમાયબેનનાં અસ્થિને તેમને બહુ વહાલા હતા એવા ફૂલછોડને, તેમનું નામ ધરાવતા બગીચામાં જ અર્પણ કર્યાં. આ હતું પ્રથમ ચરણ.

**** **** ****

પ્રતિક્ષા અને પરેશ પ્રજાપતિ હરદ્વારમાં અસ્થિ વિસર્જન વેળાએ
પરેશના મનમાં હજી પેલી ગંગા નદીવાળી વાત ચોંટી રહી હતી. અસ્થિને હરદ્વારમાં આપણા વતી મોકલી આપે એવી સેવાભાવી સંસ્થાઓ પણ છે, છતાં પરેશ એ કામ એ રીતે કરવા ઈચ્છતો ન હતો. તેની ઈચ્છા જાતે જ હરદ્વાર જવાની હતી. આ બધો સમય તેણે એ અસ્થિ પોતાના ઘરમાં જાળવી રાખ્યાં. આખરે એક-દોઢ વરસ પછી અનુકૂળતા ગોઠવાતાં તે પોતે ખાસ હરદ્વાર ગયો. હરદ્વારની ગંગા નદીમાં તેણે ભાવપૂર્વક એ અસ્થિનું વિસર્જન કર્યું. હોમાયબેન હોત તો તેમને કહેત,”આજ પછી કરે કોણ?’ જેવો પ્રશ્ન કદી પરેશ આગળ કરતા નહીં. કેમ કે, એ કદી એમ કહેશે જ નહીં કે- મૈં હૂં ના! એ સીધેસીધું કામ જ પતાવી દેશે. ખેર! આ વિસર્જન હોમાયબેનની ઈચ્છા મુજબ થયું. હવે વાત પૂરી?

**** **** ****

હોમાયબેન સાથે અમારી જે મિત્રતા હતી, એ જોતાં અમારોય કંઈક હકદાવો તેમની પર બનતો હતો. હોમાયબેને જતનપૂર્વક ઉછેરેલાં ફૂલછોડ પરેશે ઘણા સમય સુધી તેમને ઘેર જ રહેવા દીધા હતા. તે જાતે જઈને તેમને પાણી પાતો. એ બહાને હોમાયબેનના ઘરની મુલાકાત લઈને સંપર્ક જીવંત રહે એવી તેની ઈચ્છા. પણ વ્યાવહારિક રીતે એ મુશ્કેલ હતું. છેવટે સારા એવા સમય પછી તે આ કૂંડાઓને પોતાને ઘેર લેતો આવ્યો. અમારા બન્નેની ઈચ્છા એવી કે હોમાયબેનનાં અસ્થિઓનો અમુક હિસ્સો આ ફૂલછોડની માટીમાં પણ વિસર્જિત કરવો. અને એ રીતે તેમના દ્વારા જ ઉછેરાયેલા આ ફૂલછોડને તેમના થકી જ પલ્લવિત રાખવા. એ કામ પરેશે કરી દીધું. પણ હજી એક ઈચ્છા બાકી હતી, જે હજી ગયે મહિને જ પૂરી થઈ.
વહીં પે કહીં હમ તુમ સે મિલેંગે 
મારા ઘરમાં પણ ઘણા ફૂલછોડ છે. તેથી મને એમ હતું કે હોમાયબેનના અસ્તિત્વનો થોડો અંશ મારા ઘરની માટીમાં પણ ભળે અને એ રીતે તેમની સ્મૃતિ અમારી આસપાસ અનુભવાતી રહે. પરેશે મારા માટે સાચવી રાખેલાં એ અસ્થિ તેણે મને આપ્યાં અને મારે ઘેર લાવીને તેને ફૂલછોડની માટીમાં વિસર્જિત કર્યાં એ ક્ષણની અનુભૂતિ આ લખતી વેળાએ સુદ્ધાં કરી શકું છું, પણ તેનું વર્ણન કરી શકતો નથી. ચપટીભર કે મુઠ્ઠીભર રાખસ્વરૂપે હોમાયબેનની હયાતિ ત્યારે પણ અનુભવાઈ રહી હતી.

વ્યક્તિની હયાતિ વિના સંબંધ પૂરો થઈ ગયેલો ગણાય? કે ન ગણાય? એ સવાલનો જવાબ હજી મળ્યો નથી. અને ખરેખર તો હોમાયબેન પૂરતો એ મેળવવાની ઈચ્છા પણ નથી. 

મજરૂહ સાહેબના શબ્દો અનાયાસે મનમાં ગૂંજતા રહે છે: 

જબ હમ ના હોંગે, 
જબ હમારી ખાક પે તુમ રુકોગે, ચલતે ચલતે, 
અશ્કોં સે ભીગી ચાંદની મેં, એક સદા સી સુનોગે, ચલતે ચલતે, 
વહીં પે કહીં, વહીં પે કહીં હમ, 
તુમ સે મિલેંગે, 
બન કે કલી, બન કે સબા, બાગે વફા મેં... 

બન કે કલી, બન કે સબા, બાગે વફા મેં...

10 comments:

 1. વાંચીને ફરી સ્મરણ અને આંખો છલકાયાં.
  પરેશ ને હું સાથે ભણતા ત્યારે એની છાપ સાવ જુદી અને શુષ્ક- ગણતરીબાજ માણસ તરીકેની હતી. જે બહુ ઝડપથી ખોટી હોવાનું આપણને બહુ ઝડપથી લાગ્યું હતું.
  એની સાથે અંગતતા થયા પછી અેની ઋજુતા-સંવેદનશીલતાનો ખરો પરિચય થયો હતો. એ બધું જાણતા હોવા છતાં હોમાયબહેન વિશેનો એનો ભાવ અને હોમાયબહેનની એણે કરેલી 'સેવા' વિશે જેટલી વાર વિચારું ત્યારે અહોભાવ થાય છે અને પરીયો આપણો મિત્ર છે એનું ગૌરવ થાય છે.
  ('સેવા' શબ્દ અવતરણમાં એટલે લખ્યો છે કે એની સામે પરીયાને વાંધો પડશે, એની મને ખબર છે. એ શું કહેશે એ પણ જાણું છું. એ કહેશે કે માની સેવા કરી હોય તો એ કંઇ સેવા કહેવાય?)

  ReplyDelete
 2. ઉત્કંઠાJune 27, 2014 at 11:34 PM

  ભાવસભર અનુભવ, જે માત્ર તમારા લોકોનો ના રહેતાં, અમારા બધાં સુધી પહોંચ્યો..

  ReplyDelete
 3. ખૂબ જ લાગણીસભર લખાણ. તમારા સૌનો હોમાયબહેન તરફનો પ્રેમ આ રીતે ફૂલ બનીને ખીલતો રહે અને એમની યાદ સદા તાજી રહે એ જ શુભેચ્છા.

  ReplyDelete
 4. You wrote in words but touch the "HEART"...too much expressive.

  ReplyDelete
 5. આમે ય પારસી લોકો માટે હમેશા મનમાં આદર। અને એમાં ય હોમાયજી માટે તો અહોભાવ, ખુબ સરસ વાત લખી, આનાથી સારી અંજલિ શું હોઈ શકે, એ matter of fact lady માટે

  ReplyDelete
 6. કહેવાયેલી વાત અને કહેવાની રીત... બન્ને હૃદયસ્પર્શી!

  ReplyDelete
 7. બીરેન કોઠારીJune 30, 2014 at 1:55 PM

  આભાર, મિત્રો!

  ReplyDelete
 8. બહુ જ હૃદયસ્પર્શી

  ReplyDelete