Monday, December 8, 2025

અમે ટોમ હેન્‍ક્સને લેવાનું વિચારતા હતા

- હરીશ શાહ

નાના બજેટની અંગ્રેજી ફિલ્મો બનાવતા કેટલાક ભારતીય નિર્માતાઓને હું જાણતો હતો. મેં નક્કી કર્યું કે જો મિ.બચ્ચન મારી ફિલ્મ ન કરે તો હું ત્યાં નાના બજેટની ફિલ્મ બનાવીશ. કમ સે કમ, અહીં કલાકારો એક સમયે એક જ ફિલ્મમાં કામ કરે છે અને એક ફિલ્મ વીસ દિવસમાં બની જશે. સચીન ભૌમિકે મને ફોન કરીને જણાવ્યું કે પોતે ન્યૂ યોર્ક આવી રહ્યા છે અને 'મારી સાથે થોડા દિવસ રહી શકે?' હર્ષદે હા પાડી. બે દિવસ પછી મેં સચીનને મારો આઈડિયા કહ્યો, આથી તેમણે વાર્તા કહી, જે હર્ષદ અને તેમના મિત્ર મનુ સવાણીને પસંદ આવી. સચીને એ આઈડિયાને ડેવેલપ કર્યો અને એક સપ્તાહમાં સ્ક્રીપ્ટનો ડ્રાફ્ટ બનાવી દીધો. એ પછી તે ભારત પાછા ગયા. હર્ષદ અને મનુએ મને કહ્યું કે તેઓ અડધા ભાગનાં નાણાં મેળવવામાં મને મદદ કરશે. અમારી ફિલ્મ 'એસ્કેપ ટુ ઈન્ડિયા'ની સ્ક્રિપ્ટ લખવા માટે હોલીવૂડના લેખકને નીમવા તેમજ બાકીના અડધા નાણાં મેળવવા માટે હું લોસ એન્જેલિસ ગયો. થોડા દિવસ હું બેવર્લી હિલ્ટન હોટેલમાં રહ્યો અને પોતાના કામ સાથે થોડા લેખકોને મળ્યો. મને ડેનિઅલ આર્થર રેનું કામ તેમજ એક વ્યક્તિ તરીકે પણ એ પસંદ આવ્યા. અમે પંદર હજાર ડોલરમાં એક ડીલ તૈયાર કર્યું, અને એક વર્ષમાં તેમણે મને ત્રણ ડ્રાફ્ટ આપવાના હતા. ત્યાં હું દિગ્દર્શક જગમોહન મુંદડા અને વિક્ટર ભલ્લાને મળ્યો. તેમણે આનંદ અમૃતરાજ સાથે સહયોગમાં થોડી ફિલ્મો બનાવી હતી. આ ફિલ્મો સોફ્ટ પોર્ન પ્રકારની હતી, અને મુખ્યત્વે ત્રીજા વિશ્વના દેશોમાં રજૂઆત કરાતી હતી. યુ.એસ.માં કેવળ વિડીયો જ રજૂઆત પામતા. એ દિવસોમાં અમે ટોમ હેન્ક્સને મુખ્ય ભૂમિકામાં લેવાનું વિચારતા હતા, પણ એ જ વર્ષે એમની 'બીગ' રજૂઆત પામી અને એ ખરા અર્થમાં 'બીગ' બની ગયા. 'એસ્કેપ ટુ ઈન્ડિયા'નું દિગ્દર્શન હું કરવા માગતો હતો જગમોહન મુંદડા સાથે કામ કરવાના સંજોગો નહોતા. પણ ફરી વાર હું એલ.એ. ગયો ત્યારે વિક્ટર મને એમના ઘેર લઈ ગયો અને મારી ફિલ્મના નિર્માણમાં મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો.
(Excerpt from 'Tryst with Films' by Harish Shah, published by Notion Press)

(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.)
(હરીશ શાહ હિન્દી ફિલ્મોના જાણીતા નિર્માતા હતા.)

Sunday, December 7, 2025

લેટ ક્યું આયે? દાઢી કરતે દેર હુઈ

 - અવિનાશ ઓક

અમિત કુમાર અને બાબલાભાઈનાં પત્ની કંચનજી દ્વારા ગવાયેલા 'લૈલા ઓ લૈલા'ની વાત પર પાછા આવીએ. કંચનજીને આ ગીત કેવી રીતે મળ્યું એની વાત. આ ગીત અમિત કુમાર અને આશાદીદી પાસે ગવડાવવાનું આયોજન હતું. આશાજી રેકોર્ડિંગની તારીખે ઉપલબ્ધ નહોતાં. આથી એવું નક્કી થયું કે રેફરન્સ ટ્રેક કંચનજી ગાશે. સામાન્ય રીતે આ જ પ્રથા હતી અને હજી છે. અમારી પાસે ફક્ત બે ટ્રેકનાં રેકોર્ડિંગ મશીન હતાં. આથી અમારે ફુલ સ્ટીરીયો મ્યુઝીક ટ્રેક રેકોર્ડ કરવાની હતી; કરાઓકેની જેમ. એ પછી અમિત કુમાર અને કંચનજીના ગાયન સાથે મિક્સ કરતી વખતે એને બીજા ટુ ટ્રેક મશીન પર લાઈવ વગાડવાની હતી. યાદ રહે કે રેકોર્ડેડ સંગીત ટુ ટ્રેક્સમાં મિક્સ કરાયેલું સંગીત અને રીવર્બ પ્રોસેસિંંગ વગેરે સાથેની ગાયકીને મિક્સ કરવાનું હતું. એ બહુ કડાકૂટવાળું કામ હતું. દમનજી (સૂદ)એ બહુ ઠંડકથી અને શાંતિપૂર્વક એ પાર પાડ્યું.
ટેક પછી સાઉન્ડ બેલેન્સ માટે કશું થઈ શકે એમ હતું નહીં, કેમ કે, ગીત મિક્સ કરાયેલું હતું. એ 'પતી' ગયું હતું: અમે કહેતા એમ 'બચ્ચા પૈદા હો ગયા'. સૌ રાજી હતા. આ કડાકૂટવાળી પ્રક્રિયા ફિરોઝ ખાને અનુભવી હતી, અને તેમણે જાહેર કરી દીધું કે 'બસ, વાત પૂરી. આપણે ફિલ્મમાં આ જ ફાઈનલ ગીત રાખીએ છીએ.' આશાદીદી દ્વારા 'લૈલા મૈં લૈલા' ગીતને રેકોર્ડ કરવાની એક સારી તક અમે ગુમાવી. અલબત્ત, કંચનજીએ શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપ્યું અને એક યાદગાર ગીત આપ્યું. કંચનજી બહુ મૈત્રીપૂર્ણ અને નિષ્ઠાવાન કલાકાર હતાં. દુ:ખની વાત છે કે તેમણે આ જગત બહુ વહેલું છોડી દીધું.
કુરબાની 1980ના દાયકાનું ભારતભરનું બેસ્ટ સેલિંગ આલ્બમ બની રહ્યું.
'જાંબાઝ'નું વિશેષ મહત્ત્વ હતું. કલ્યાણજી- આણંદજી 'તેરા સાથ હૈ કિતના પ્યારા' ગીતનું રેકોર્ડિંગ કરી રહ્યા હતા. જિનીયસ ગાયક કિશોરકુમાર પહેલવહેલી વાર અમારા સ્ટુડિયોમાં પધારી રહ્યા હતા. એ અને કલ્યાણજીભાઈ તેમની મસ્તી માટે સંગીત ઉદ્યોગમાં બહુ જાણીતા હતા.
એ દિવસે કિશોરદા મોડા પડ્યા એટલે કલ્યાણજીભાઈએ કારણ પૂછ્યું.
કિશોરદાએ કહ્યું, 'દાઢી કરતે દેર હુઈ.'
પણ એ ક્લિન શેવ્ડ દેખાતા નહોતા. આથી કલ્યાણજીભાઈએ કહ્યું, 'દિખતા તો નહીં હૈ.'
કિશોરદાએ જવાબમાં કહ્યું કે દાઢી કરકે નિકલા થા, મગર આતે આતે ફિર બઢ ગઈ શાયદ! ડબલ્યુ.ઓ.એ. સુધી પહોંચવાના લાંબા રસ્તે થયેલા વિલંબ બદલ કેવી મસ્ત ટીપ્પણી. અમારા સ્ટુડિયો માં કિશોરકુમારની એ પહેલી અને છેલ્લી વારની મુલાકાત!

(excerpt from 'Unspooling Memories' by Avinash Oak, Hedwig Media House, 2023)
(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.
- અવિનાશ ઓક ફિલ્મજગતના બહુ જાણીતા સાઉન્ડ રેકોર્ડિસ્ટ છે.)

Friday, December 5, 2025

સ્ટિરિયો રેકોર્ડિંગનો એ પહેલવહેલો રોમાંચ

 - અવિનાશ ઓક

અમે 1979માં રેકોર્ડ કરેલા ગીત 'લૈલા મૈં લૈલા'નો પણ રસપ્રદ ઈતિહાસ છે. ફિરોઝખાનની ફિલ્મ 'કુરબાની'નું એ ગીત હતું, જેનું નામ પહેલાં 'કસક' રખાયેલું. ફિલ્મના સંગીતકાર હતા કલ્યાણજી- આણંદજી. પાકિસ્તાની ગાયિકા નાઝીયા હસને ગાયેલું, બીદ્દુ નિર્મિત ગીત ફિર્ઝખાને લંડનમાં રેકોર્ડ કરી દીધેલું. એ સ્ટિરિયોમાં હતું. 'લૈલા મૈં લૈલા'ના રેકોર્ડિંગનો મુદ્દો આવ્યો ત્યારે ફિરોઝખાને તેને પણ સ્ટિરિયોમાં રેકોર્ડ કરવાનો આગ્રહ રાખ્યો. કલ્યાણજી-આણંદજીએ એમ કરવાની પોતાની અક્ષમતા દર્શાવી, કેમ કે, બોલીવુડમાં એ સમયે એનું ચલણ નહોતું. મોટે ભાગે બધું મોનોમાં જ થતું.
એ તબક્કે બાબલાભાઈએ સૂચવ્યું કે વેસ્ટર્ન આઉટડોર નામના સ્ટુડિયોમાં સ્ટિરિયો રેકોર્ડિંગ કરી શકાશે. પણ કલ્યાણજી-આણંદજી સાશંક હતા. તેમણે કહ્યું કે 'ડબલ્યુ.ઓ.એ.' ફિલ્મનો સ્ટુડિયો નથી. તેમના આવા અભિપ્રાયની પૃષ્ઠભૂમિ પણ મજાની છે. તેમનો મુદ્દો સાચો હતો. એ વખતે એમ જ માની લેવાતું કે તમે ફિલ્મ (સેલ્યુલોઈડ) માટે કશું પણ રેકોર્ડિંંગ કરવાના હો તો એને 35 એમ.એમ. ઓપ્ટિકલ કે મેગ્નેટિક રેકોર્ડર પર જ કરવાનું, તો જ તે ચલચિત્ર સાથે 'સીન્ક' થાય. વાત એકદમ સાચી હતી. (1980માં યશ ચોપડાએ 'સિલસિલા'નાં ગીતો કફ પરેડ વિસ્તારમાં આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાંના એચ.એમ.વી.ના નવા રેકોર્ડિંગ સ્ટુડિયોમાં રેકોર્ડ કરેલાં‌. એ સ્ટુડિયો સામાન્યપણે વપરાતી 35 એમ.એમ.ની મેગ્નેટિક ટેપને બદલે એક ઈંચની ટેપ પર આઠ ટ્રેકના રેકોર્ડિંગની સુવિધા ધરાવતો હતો. યુરોપનાં સ્થળોએ શૂટ કરેલાં દૃશ્યો સાથે ગીતો 'સીન્ક' નહોતાં થતાં. મહાન રેકોર્ડિંગ જીનિયસ મંગેશ દેસાઈએ ઊપાય શોધીને ગીતોને ફરી રેકોર્ડ કરવાનો ખર્ચ અને સમય બચાવેલો.)
બાબલાભાઈએ અમારી સાથેનાં તેમનાં ડિસ્કો દાંડિયાનાં બધાં આલ્બમ સ્ટિરિયોમાં રેકોર્ડ કરેલાં. એમણે કહ્યું કે આપણે પ્રયત્ન કરીએ, તો 'સીન્ક'નો મુદ્દો ડબલ્યુ.ઓ.એ.વાળા સંભાળી લેશે. આવી ખાતરી પછી કલ્યાણજી-આણંદજી તૈયાર થયા. 'સીન્ક' બાબતે અમે નિશ્ચિત હતા, કેમ કે, ફિલ્મો માટે અમે રેકોર્ડિંગ કરી જ રહ્યા હતા, પણ એ મોનોમાં હતાં. સ્ટિરિયોમાંનાં ગીતો માટે પ્રક્રિયા આવી જ હતી. અમારી પદ્ધતિ સાદી, પણ જફાવાળી હતી. પહેલાં અમે બે કે ચાર ટ્રેક પર ગીત રેકોર્ડ કરતા. એ પછી તેને પા ઈંચની ટેપવાળા રેકોર્ડર પર મિક્સ કરતા. એમાં એટલું જ હતું કે એ બન્ને ટ્રેક મોનોની રહેતી. પછી અમે ટેપ રેકોર્ડરને પ્રભાદેવીમાં આવેલા રાજશ્રી પ્રોડકશન્સના ફિલ્મ ટ્રાન્સફર રૂમમાં લઈ જતા. ત્યાં દિનશાબાબા (બીલીમોરીઆ) નામના સિનીયર એન્જિનિયર સંભાળપૂર્વક એને 35 એમ.એમ.મેગ્નેટિક કોટ ટેપ પર ટ્રાન્સફર કરતા. એ પછી નિર્માણ માટે 35 એમ.એમ.ટેપ માસ્ટર ટેપ બની જતી. એને તેઓ ઓપ્ટિકલ, પા ઈંચની ટેપ વગેરે વિવિધ ફોર્મેટ પર ટ્રાન્સફર કરતા. પા ઈંચની ટેપ શૂટિંગના હેતુ માટે વપરાતી.
'લૈલા ઓ લૈલા'નું રેકોર્ડિંગ સેશન મને બરાબર યાદ છે. અમે તમામ માઈકને ભોંય પર મૂકીને બધા સાજિંદાઓને સ્ટિરિયો ટેક માટે ગોઠવેલા. બાબલાજી રોટોમ્ડ્રમ્સ નામનું પોતાનું નવું પહેલી વાર ઊપયોગમાં લઈ રહ્યા હતા. ડ્રમહેડ ફેરવીને એના આખા સપ્તકનું ટ્યુનિંગ એક સપાટામાં ઝડપભેર થઈ જતું. અમે બે માઈકને એ-બી સ્ટિરિયો રેકોર્ડિંગ મોડ પર ગોઠવ્યાં અને તેમના આઉટપુટને સાવ જમણા અને ડાબા સ્પીકર આગળ મૂક્યાં. બાબલાભાઈએ એમની પીક અપ પેટર્નમાં જેવું ડ્રમ વગાડ્યું કે લોકો ઊભા થઈ ગયા. મુંબઈમાં ફિલ્મ રેકોર્ડિંગમાં સ્ટિરિયોનો રોમાંચ અનુભવી શકાય એ પહેલવહેલી વાર સાંભળવા મળ્યું.
અહીં મારે એ નોંધવું જ રહ્યું કે એકાદ દાયકા અગાઉ ફિલ્મદૃષ્ટા ડૉ. વી. શાંતારામ અને સૂઝબૂઝ ધરાવતા કુશળ કસબી મંગેશ દેસાઈએ સ્ટિરિયોનો સફળ પ્રયોગ કરેલો. એ ફિલ્મ હતી 'જલ બિન મછલી, નૃત્ય બિન બીજલી.'
(excerpt from 'Unspooling Memories' by Avinash Oak, Hedwig Media House, 2023)

(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.
- અવિનાશ ઓક ફિલ્મજગતના બહુ જાણીતા સાઉન્ડ રેકોર્ડિસ્ટ છે.)

Thursday, December 4, 2025

ચાર કરોડની ખોટ અને સાત વરસનો વેડફાટ

- હરીશ શાહ

મારી ફિલ્મ 'જાલ ધ ટ્રેપ' અમે સની દેઓલને સાઈન કર્યા પછી સાત વરસે પૂરી થઈ. અમારું પહેલું ટીઝર ટેલીવિઝન પર પ્રસારિત થયું. તેની બહુ પ્રશંસા થઈ.
પંદર દિવસ પછી અમારે ફિલ્મનો પ્રચાર અટકાવવો પડ્યો, કેમ કે, સની અને અમારા મુંબઈના વિતરક પ્રવિણ શાહના મનમાં કંઈક બીજું આયોજન હતું. એ બન્ને ઈચ્છતા હતા કે 'હીરો' પહેલી રીલિઝ થાય અને એ પછી 'જાલ'. અમે બનતા પ્રયત્નો કર્યા, પણ પ્રવિણ શાહે ફિલ્મને 'હીરો'ની પહેલાં રીલિઝ થવા ન દીધી. એપ્રિલમાં 'હીરો'ની રજૂઆત થઈ એ દિવસે અમે ગોરેગાંવના ફિલ્મસીટીની એડલેબ્સમાં 'જાલ'નો ટ્રાયલ યોજ્યો. ફિલ્મ પૂરી થતાં, એડલેબ્સમાં સોએક લોકો ઉપસ્થિત હતા એમણે તાળીઓહી ફિલ્મને વધાવી. પ્રવિણ શાહ ત્યાં મૂંગામંતર થઈને ઊભા રહ્યા, કેમ કે, એમણે પોતાની બન્ને ફિલ્મોને મારી નાખી હતી. એમણે કહેલું, 'મેં પહેલાં 'જાલ' જોઈ હોત તો એને હું પહેલી રિલીઝ કરત અને 'હીરો'ને પછી.' એમ કર્યું હોત તો બન્ને ફિલ્મો હીટ થાત. પણ થવાનું હતું એ થઈ ગયું અને સની તેમજ પ્રવિણ શાહની ભૂલોની કિંમત અમારે ચૂકવવી પડી.
'જાલ'નો ટ્રાયલ રેમનર્ડ લેબોરેટરીમાં યોજ્યો ત્યારે ધર્મેન્દ્રનાં પત્ની પોતાનાં મિત્રો અને સગાંઓને આ ફિલ્મ બતાવવા ઈચ્છતાં હતાં. ઈન્ટરવલમાં અમે ચા, નાસ્તો, સોફ્ટ ડ્રીન્ક વગેરે પીરસ્યાં. ટ્રાયલ શો પછી તમામ આમંત્રિતોએ વિદાય લીધી. પ્રકાશ (કૌર) ભાભી રીક્ષા બોલાવી રહ્યાં હતાં કે મેં એમને અટકાવ્યાં અને મારી કારમાં એમને બેસાડ્યાં.
એમને ઘેર પહોંચ્યા પછી તેમણે એક સરસ વાત કરી. તેમણે કહ્યું, 'હરીશભાઈ, મને ખબર છે કે સનીએ તમને બહુ હેરાન કર્યા છે, પણ તમારી ફિલ્મ બહુ સારી છે અને તમારી બધી તકલીફો પૂરી થશે.' મેં એમનો આભાર માન્યો અને ત્યાંથી નીકળ્યો. જુલાઈમાં અમે વિશ્વભરમાં ફિલ્મની રજૂઆત કરી. વિતરકોએ પોતે રોકેલાં નાણાં પાછા મેળવ્યા, પણ એક અવિચારી અભિનેતાને કારણે અમને ચાર કરોડની ખોટ ગઈ અને સાત વરસ વેડફાયાં.
(Excerpt from 'Tryst with Films' by Harish Shah, published by Notion Press)

(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.)
(હરીશ શાહ હિન્દી ફિલ્મોના જાણીતા નિર્માતા હતા.)

Wednesday, December 3, 2025

શ્રી ખખ્ખર પ્રસન્ન

વાત તો ઘણા વખતથી ચાલી રહી હતી, પણ અનુકૂળતા આજે ગોઠવાઈ. ભૂપેન ખખ્ખરનું પુસ્તક માર્ચ, 2025માં પ્રકાશિત થયું એ પછી તેના પ્રેરક અમરીશભાઈ કોન્ટ્રાક્ટર અને મિત્ર હીતેશભાઈ રાણા (સર્જન આર્ટ ગેલરી) વિવિધ સ્થળોએ તેના વાર્તાલાપ ગોઠવાય એવો સક્રિય પ્રયત્ન કરી રહ્યા છે. ખાસ કરીને ફાઈન આર્ટ્સ કોલેજોમાં કે અન્ય કળાવર્તુળોમાં એ ગોઠવાય એવો પ્રયત્ન છે. અલબત્ત, સાહિત્યવર્તુળો શી રીતે બાકાત રાખી શકાય? કેમ કે, આખરે તો આ એક જીવનકથા છે. અમરીશભાઈ અને હીતેશભાઈના પ્રયત્નોથી આ પુસ્તકના વાર્તાલાપ સાર્વજનિક ફાઈન આર્ટ્સ કોલેજ (સુરત), ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સ (વડોદરા), ગ્રંથગોષ્ઠિ (વડોદરા), બુક લવર્સ મીટ (ભરૂચ)માં યોજાઈ ચૂક્યા છે. આ જ શ્રેણીમાં અમદાવાદની શેઠ સી.એન.કોલેજ ઓફ ફાઈન આર્ટ્સમાં પણ એના પ્રયત્નો ચાલી રહ્યા હતા, જેના પરિણામરૂપે આજે સવારે અગિયાર વાગ્યે આ કાર્યક્રમ યોજાયો.

સવારના આઠેક વાગ્યે વડોદરાથી હિતેશભાઈ અને નેહાબહેન રાણા, અમરીશભાઈ કોન્ટ્રાક્ટર અને હું નીકળ્યા અને સાડા દસ સુધીમાં સ્થળ પર પહોંચી ગયાં. ત્યાં ડીન શ્રી મનીષભાઈ મોદી અને ગાયત્રીબહેન ત્રિવેદીએ આવકાર્યા. હજી અમારો પરિચય થઈ રહ્યો હતો ત્યાં જ મુખ્ય અતિથિ અમીત અંબાલાલ પણ આવી પહોંચ્યા. ઔપચારિક આપલે પછી સૌ કાર્યક્રમસ્થળે પહોંચ્યા. અહીં વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ પહેલેથી હાજર હતા. આ ઊપરાંત અમદાવાદના કેટલાક મિત્રો પણ આવી પહોંચ્યા હતા. શરદભાઈ રાવલ, મિતેષ પરમાર, ભરતભાઈ ચોકસી જેવા પરિચીતોને મળીને, થોડી ગપસપ કરીને આનંદ થયો. એ પછી કાર્યક્રમ આરંભાયો.

સંચાલન ગાયત્રીબહેન ત્રિવેદીએ સંભાળેલું. સૌના સ્વાગત પછી તેમણે પ્રસ્તાવના બાંધીને મને વક્તવ્ય માટે નિમંત્ર્યો. વીસ-પચીસ મિનીટમાં મેં મુખ્યત્વે પુસ્તકની લેખનપ્રક્રિયા વિશે વાત કરી. એ પછી અમીત અંબાલાલે ભૂપેન સાથેનાં પોતાનાં સંસ્મરણો તાજાં કરીને તેમની રમૂજી શૈલીના કેટલાક કિસ્સા જણાવ્યા. તેમના પછી હીતેશભાઈ રાણાએ ભૂપેનના અંતિમ વરસોમાં પોતે શી રીતે તેમની સાથે જોડાયા એની સંવેદનશીલ વાત કરી. સૌથી આખરમાં અમરીશભાઈએ પોતાના પિતાજી વલ્લવભાઈ અને ભૂપેનની દોસ્તી વિશે જણાવીને આ પુસ્તક તૈયાર કરાવવા પાછળનો પોતાનો હેતુ જણાવ્યો. આમ, પુસ્તકનાં વિવિધ પાસાંની વાત થઈ. છેલ્લે કેમ્પસ ડાયરેક્ટર વૈશાલીબહેન શાહે પ્રતિભાવ આપ્યો. મનીષભાઈ મોદીએ આભાર વ્યક્ત કર્યો. વિદ્યાર્થીઓએ થોડા સવાલ પણ પૂછ્યા. એ ઉપક્રમ હંમેશાં આવકાર્ય હોય છે.

અમે સામાન્ય રીતે એવું કરતા હોઈએ છીએ કે આવા કાર્યક્રમ માટે જવાનું થાય ત્યારે ભૂપેનનાં ચિત્રોની છબિઓ લેતા જઈએ છીએ અને જે તે સ્થળે તેને પ્રદર્શિત કરીએ છીએ, જેથી તેમના કામનો સૌને કંઈક પરિચય થાય.

આમ, લગભગ સવાથી દોઢ કલાકના નિર્ધારીત આયોજનમાં આ કાર્યક્રમ આટોપાયો. કાર્યક્રમ પછી હળવામળવાનો ક્રમ ચાલે એ મઝાનો હોય છે.

એ પછી અમે તરત જ વડોદરા પાછા આવવા નીકળી ગયા.

આમ, ભૂપેનના પુસ્તકપ્રકાશન કાર્યક્રમને બાદ કરીએ તો આ નવ મહિનામાં યોજાયેલો આ પાંચમો વાર્તાલાપ હતો, જે માટેના નિષ્ઠાપૂર્વકના અને નિસ્બતપૂર્વકના પ્રયત્નો હીતેશભાઈ અને અમરીશભાઈના સતત રહ્યા.
હજી વિવિધ સ્થળોએ આ પુસ્તકનો વાર્તાલાપ યોજવાનું આયોજન છે જ. કદાચ ભાવનગર, રાજકોટ કે એવાં અન્ય કેન્દ્રોમાં. જોઈએ એ શી રીતે થાય છે!


ચા-નાસ્તા અગાઉ સ્ટુડિયોમાં


કાર્યક્રમ અગાઉ ચા-નાસ્તા સાથે
અનૌપચારિક વાતચીત


ગાયત્રીબહેન ત્રિવેદી દ્વારા ઉદબોધન


કાર્યક્રમની તૈયારીરૂપે કોલેજ દ્વારા
બનાવાયેલું ભૂપેનનું પોર્ટ્રેટ

ઉપસ્થિત વિદ્યાર્થીઓ

(તસવીર સૌજન્ય: મિતેષ પરમાર, ભરત ચોકસી)

Tuesday, December 2, 2025

વો તુમ જો કરના હૈ વો કરો.

- અવિનાશ ઓક

એ સમયના અગ્રણી રેકોર્ડ લેબલ ગણાતા પોલિડોર પ્રિમીયમ રેકોર્ડ્સ દ્વારા મને મળેલી 'ઑન ધ જોબ ટ્રેનિંગ'ની અદ્ભુત તક મને યાદ છે. 1975નો એ અરસો. પોલિડોરના એ એન્ડ આર (આર્ટિસ્ટ્સ એન્ડ રેપર્ટર) મેનેજર અરુણ અમીને મને બોલાવીને કહ્યું કે મારે એક દુર્લભ અને એટલે જ વિશેષ એવા એક પ્રકલ્પ પર કામ કરવાનું છે. હું રોમાંચિત થઈ ગયો. સદાબહાર હીટ ફિલ્મ 'શોલે'ની ઓરિજીનલ સાઉન્ડ ટ્રેકનાં 1/4 ઈંચનાં સ્પૂલ તેઓ લઈને આવેલા. એમાંથી મારે ચાલીસ મિનીટના મહત્ત્વના અને રસપ્રદ સંવાદો પસંદ કરવાના હતા. એ ફિલ્મના સંવાદો એટલા લોકપ્રિય બની ગયેલા કે આ લોન્ગ પ્લે રેકોર્ડની માગ ઊભી થયેલી. હવે મારી જવાબદારી હતી આ સાઉન્ડટ્રેકને એ રીતે સંપાદિત કરવાની, કે જેથી તમામ લોકપ્રિય સંવાદનો એમાં સમાવેશ થઈ જાય, એમ કથાપ્રવાહ પણ જળવાઈ રહે. રેકોર્ડની એક તરફની વીસ મિનીટ, એમ કુલ 40 મિનીટની લંબાઈમાં આ કરવાનું. આ વિનાઈલ લોન્ગ પ્લે રેકોર્ડ હતી. અરુણજીએ કહ્યું કે આ અનુભવ બહુ ભયાવહ અને સમય માગી લે એવો રહેશે. મેં પડકાર ઝીલી લીધો. 1/4 ઈંચની અઢળક એનેલોગ ટેપનું સંપાદન કરવાનું હતું. પહેલાં તો ડબલ્યુ.ઓ.એ.ના સ્ટુડિયો 'સી'માં હું ગોઠવાયો. એક રૂમનો એ નાનકડો સ્ટુડિયો હતો, જે રેડિયો પ્રોગ્રામની બહુવિધ નકલ બનાવવા તેમજ વિવિધ પ્રકારના સંપાદનકાર્ય માટે ઊપયોગમાં લેવાતો. મેં ત્યાં સાઉન્ડટ્રેક સાંભળી અને કેટલીક નોંધ ટપકાવી. મેં ફિલ્મ કેવળ એક જ વાર જોયેલી. અરુણજીએ કહેલું કે મારે એકથી વધુ વાર ફિલ્મ જોવી હશે તો મારી પસંદગીના કોઈ પણ થિયેટરમાં એની વ્યવસ્થા કરી શકાશે. આથી મેં મિનર્વા થિયેટરમાં 'શોલે' અનેક વાર જોઈ. ત્યાં એ 70 મિ.મી.માં અને સિક્સ ટ્રેક મેગ્નેટિક સરાઉન્ડ સાઉન્ડમાં પ્રદર્શિત થતી હતી. ફિલ્મ માણવાની અને ધ્વનિનાં તત્ત્વોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની એ જબરદસ્ત અનુભૂતિ હતી. એનાથી મને ખરા અર્થમાં ફિલ્મને 'સાંભળતાં' શિખવા મળ્યું.
મેં ત્રણ દિવસ સુધી આખી ટ્રેકનું સંપાદન કર્યું. પહેલાં તો કથાપ્રવાહને ક્ષતિ ન પહોંચે એવા સહેલાઈથી કાઢી શકાય એવા ભાગને દૂર કર્યા. આમ છતાં, લગભગ 80 મિનીટનું રેકોર્ડિંગ બાકી રહ્યું. મેં અરુણજીને બોલાવ્યા અને હવે પછીની બેઠકમાં હાજર રહેવા જણાવ્યું, જેથી મને ફાઈનલ એડિટિંગમાં મદદ મળી રહે. એમણે કહ્યું, 'વો તુમ જો કરના હૈ કરો. આપણે કુલ ચાલીસ મિનીટમાં એ આવી જવું જોઈએ.' બાકીના ત્રણ દિવસમાં મેં પચાસ મિનીટમાં એ પૂરું કર્યું. પણ એ પછી દસ મિનીટમાં કયા સંવાદને કાઢવા એ નિર્ણય લેવો બહુ કઠિન હતો. હેતુલક્ષી નિર્ણય લઈ શકાય એ માટે મેં વારંવાર એ સાંભળ્યા. સ્ટુડિયોમાં ચારે કોર સ્પૂલ ટેપનાં ગૂંચળા પથરાયેલાં હતાં. મારા ગળા અને ખભા ફરતે પણ ટેપ વીંટળાયેલી રહેતી. હું 'ટેપ મેન' જેવો દેખાતો. સ્ટુડિયોની બાજુમાં આવેલી ઓફિસના વિસ્તારમાં 'કિતને આદમી થે?', 'અરે ઓ સાંભા!' જેવા સંવાદો પડઘાતા રહેતા. આખરે એ કઠિન કામ મેં પૂરું કર્યું. જબરો અનુભવ હતો એ. અનન્ય કહી શકાય એવો, કેમ કે, એ પહેલાં કે એ પછી આ પ્રકારની કોઈ એલ.પી. બની નથી.
(excerpt from 'Unspooling Memories' by Avinash Oak, Hedwig Media House, 2023)

(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.

- અવિનાશ ઓક ફિલ્મજગતના બહુ જાણીતા સાઉન્ડ રેકોર્ડિસ્ટ છે.)

Monday, December 1, 2025

સ્મૃતિનાં આલ્બમ અને તેમાં રહેલી તસવીરો

- યેસુદાસન

એક વાર કેટલાક મિત્રો ફિલ્મ અભિનેતા મધુના ઉમા ફિલ્મ સ્ટુડિયોની મુલાકાતે આવ્યા. સ્ટુડિયોની પાછળ દૂર દેખાતી ટેકરીઓ અને ખેતરો તરફ આંગળી ચીંધીને એમણે મધુને પૂછ્યું, 'આ બધો પણ સ્ટુડિયોનો હિસ્સો છે?' મધુએ પોતે મલયાલમ ફિલ્મ 'ચેમ્મીન'માં પોતે ભજવેલા પાત્ર પરીકુટ્ટીની શૈલીએ વ્યંગ્યમાં મલકાઈને કહ્યું, 'હા, હા. એ બધું જ મારું છે, જો તમે એને ઝૂમ લેન્સથી જુઓ તો.'
આપણા નેતાઓ ઝૂમ લેન્સ જેવા જ હોય છે. તેઓ દૂરની ચીજોને પોતાને માટે ફોકસમાં લઈ આવે છે. તેમને સતત લાઈમલાઈટમાં રહેવું હોય છે, તેઓ સતત પોતાની તસવીરો લેવાય તેમજ પોતાને વિશે લખાય એમ ઝંખે છે. તેઓ માને છે કે કેમેરાનું ફોકસ તેમની પર નહીં રહે તો પોતે 'આઉટ ઓફ ફોકસ' થઈ જશે. તેઓ રામ ઐયર સરની જેમ માનતા નથી કે તસવીરો લેવાથી પોતાનું આયુષ્ય ટૂંકાઈ જશે. એથી વિપરીત, જ્યારે પણ તસવીરો લેવાય ત્યારે એ નાનકડા સમૂહના રાજા છે, અને પોતે દીર્ઘ, પ્રભાવશાળી જીવન જીવશે.
ફોટો આલ્બમ આપણી પ્રગતિની જેમ આપણી પીછેહઠના દસ્તાવેજનું કામ પણ કરે છે. લોકો મોહનલાલ, મમ્મૂટી કે જયરામ જેવી પ્રભાવશાળી વ્યક્તિઓની સાથે પોતાની તસવીરો આલ્બમમાં કે બેઠકખંડના ટેબલ પર પ્રદર્શિત કરીને આનંદ માણે છે. મોટે ભાગે એવું જોવા મળ્યું છે કે લોકો પોતાના ઉચ્ચતમ સમય દરમિયાન પ્રભાવશાળી વ્યક્તિઓ સાથેની પોતાની તસવીરો દેખાડતા હોય છે, પણ જ્યારે પોતાનો ખરાબ સમય હોય ત્યારે એને છુપાવવાનો પ્રયત્ન કરે છે.
જેમ કે, રાષ્ટ્રપતિ શંકરદયાલ શર્મા કોંગ્રેસના પ્રમુખ હતા ત્યારની, કે કેરળના વિત્ત મંત્રી શ્રી શિવદાસ મેનનની શૈક્ષણિક કારકિર્દી વખતની તસવીર, કે પછી બાલ ઠાકરે કાર્ટૂનિસ્ટ હતા એ વખતની યા (અભિનેતા) ઈન્દ્રન્સ સિવણકામ કરતા હતા ત્યારની એમની સાથેની તસવીરો. એ સહુ અત્યારે બહુ લોકપ્રિય છે. એથી વિરુધ્ધ, ચન્દ્રાસ્વામી, નરસિંહરાવ અને જયલલિતાનું હવે કોઈ મૂલ્ય નથી, કેમ કે, પાવર અને પ્રભાવની તેમની ઊતરતી કળા છે. કેટલાક લોકો તો એમની સાથેની પોતાની તસવીરો આલ્બમમાંથી હટાવી લેવાની હદ સુધી જાય છે.
(Excerpt from 'Finishing Lines', an autobiography by Cartoonist Yesudasan.)

(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.)

(Published by: The Alcove publishers, Gurgaon, 2025)

Sunday, November 30, 2025

'જે પરમાત્મા! એમ જોયા ની કર.'

- બીરેન કોઠારી

રમેશ ભોયાના અવસાનના સમાચાર વહેલી બપોરે (30 નવેમ્બર, 2025ને રવિવારે) મળ્યા. એ સાથે કેટકેટલી વાતો યાદ આવી ગઈ! એક સમયે મારો સહકાર્યકર રહી ચૂકેલો રમેશ નવોસવો જોડાયો ત્યારે એના શારિરીક બંધારણથી અલગ પડી આવતો. ઊંચાઈ ઓછી, શ્યામ વર્ણ, અને ગોળમટોળ આકાર. કપાળે નાના 'યુ' આકારમાં ત્રણ ટપકાં ધરાવતું લાલ રંગનું તિલક. જે મળે એને પોતાની છાતીએ હથેળી અડકાડીને, સહેજ માથું નમાવીને 'જય પરમાત્મા'નું અભિવાદન કરતો. રમૂજીલાલ દ્વારા સ્થપાયેલા મોક્ષમાર્ગી સંપ્રદાયનો એ અનુયાયી હોવાની ખબર પછી પડી. જોતજોતાંમાં તે સૌ કોઈનો લાડકો બની ગયો. મુખ્ય કારણ એનો ભલોભોળો અને નિષ્કપટ સ્વભાવ. બહુ ઝડપથી સૌ એને 'રમેશ' કે 'ભોયા'ને બદલે 'પરમાત્મા' કહીને જ સંબોધવા લાગેલા.

રમેશ ભોયા (તસવીર સૌજન્ય: જસવંત દરજી) 


એની બોલી સાંભળીને રમૂજ થતી. દક્ષિણ ગુજરાતની છાંટવાળા 'આઈવો', 'ગિયો' જેવા ઉચ્ચારો ઊપરાંત મોટે ભાગે તુંકારે બોલાવવાની રીત. એ પોતાના પિતાજી વિશે વાત કરે તોય કહે, 'ફાધર હમણાં આઈવો છે.'
ધરમપુર પાસે પર્વતની ગોદમાં વસેલું લુહેરી ગામ એનું વતન. કેટલાક મિત્રો એના વતન ગયેલા. એક વાર હું પણ મારા પરિવાર સાથે એને ત્યાં ગયેલો. ધરમપુરથી બસ કે વાહન ન મળ્યું. તો એનો ભાઈ શાંતિલાલ 'સ્પ્લેન્ડર' બાઈક પર અમને ચાર અને એ પોતે એમ પાંચેને બેસાડીને પથરાળ રસ્તે લુહેરી લઈ ગયેલો. ગામ કે નગરમાં ફળિયાની વ્યાખ્યાથી સાવ વિપરીત આ પહાડી ગામનું ફળિયું. એક એક ઘર એકમેકથી કેટલુંય છેટું. ગામનું સ્થાન જાણે સીધું જ કોઈ ચિત્રપોથીમાંથી બહાર કાઢીને મૂકી દીધું હોય એવું. સહેજ દૂર પર્વત દેખાતા હોય. આગળ ખુલ્લી જગ્યા અને પાછળ વહેતું ઝરણું. રસ્તાની સામેની બાજુએ છાંયાદાર વૃક્ષો. મન ફાવે ત્યાં ફરો, બેસો. મારાથી બોલાઈ ગયું, 'યાર, આવી જગ્યા છોડીને તું નોકરી કેમ કરે છે?'

ભોયાને ગામ લુહેરી ગયો ત્યારે મેં બનાવેલો સ્કેચ

તાડનાં ઝાડ પુષ્કળ. ભોયાએ ગામમાંથી બે માણસોને બોલાવ્યા. તેઓ તાડના ઝાડ પર ચડ્યા અને ઊપરથી તાડનાં મોટાં મોટાં ફળ તોડીને નીચે પાડ્યાં. એમાંથી અમે સૌએ તાડફળી ખાધી. કોઈક સરકારી અધિકારી કશા કામે આવેલા એમનેય થાળીમાં તાડફળી ધરવામાં આવી એ જોઈને બહુ નવાઈ લાગી. ભોયાના પિતાજી ગામના સરપંચ હતા, અને ગામમાં એમની ઘંટી પણ ખરી. અમે સૌ આવેલાં એટલે ભોયાએ પેલા પર્વતો પર ચડવાનો કાર્યક્રમ બનાવેલો. ત્યાં એક ગુફા હતી, જેમાં વાઘની આવનજાવન રહેતી એમ કહેવાતું. મારાં બન્ને સંતાનો નાનાં હતાં એટલે જવાય ત્યાં સુધી જવું એમ વિચારેલું. પણ ભોયાએ ગામમાંથી બે ખાસ માણસોને તેડાવ્યા. એ લોકોએ મારાં સંતાનોને તેડીને પર્વત ચડાવેલો. પેલી ગુફા પણ અમે જોઈ. એ વખતે હું સ્કેચબુક પણ લઈ ગયેલો. ત્યાં મેં સ્કેચ પણ બનાવ્યા અને ઘેર આવીને તેને પૂરા કર્યા. અહીં ભોજનમાં ચોખાના રોટલા સામાન્ય. પણ અમે આવેલા એટલે ધરમપુરથી શિખંડ મંગાવવામાં આવેલો. બે દિવસના યાદગાર રોકાણ પછી અમે પાછા આવેલા.

લુહેરીમાં ભોયાના ઘરનો બનાવેલો સ્કેચ
નોકરી પર બીજી પાળી (બપોરના બેથી રાતના દસ સુધી)માં સાંજે સૌ ભેગા જમવા બેસતા. મોટા ભાગના લોકો ઘેરથી ટિફિન લઈને આવતા. એમાં ભોયાએ લાવેલા ચોખાના રોટલાની બહુ માંગ રહેતી. કેરીની સિઝન હોય એટલે ભોયા ખાસ રાજાપુરી કેરીઓ લઈ આવે. એ વખતે બીજી પાળીમાં કેરીની જયાફત હોય. રાજાપુરી કેરી આટલી મીઠી હોય એ એના દ્વારા જાણેલું. ક્યારેક એ ફણસ લાવતો. એની બહુ માંગ ન રહેતી, પણ મને એ ભાવતું. એટલે ક્યારેક એની થોડી પેશીઓ હું ઘેર પણ લેતો આવતો.
મને ખાસ ખ્યાલ નહોતો કે એ કયો સંપ્રદાય પાળે છે. પણ એને ઘેર ગયો ત્યારે જોયું તો એ સંપ્રદાયનું એ વિસ્તારમાં ઘણું ચલણ હતું. એટલે થોડી પૂછપરછ કરી. એમાંથી ખબર પડી કે એ સંપ્રદાયના સ્થાપક રમૂજીલાલ હતા. અત્યાર સુધી આ નામ મેં એક જ વાર સાંભળેલું, કેમ કે, એ નામે મણિનગર સ્ટેશન નજીક એક હૉલ છે. આથી મેં લાગલું પૂછ્યું, 'મણિનગર હૉલ છે એ જ આ?' એટલે ભોયા ખુશ થઈ ગયો. એણે એ પછી વધુ વિગત જણાવી. એ હૉલમાં રમૂજીલાલનું મંદિર પણ છે. ત્યાં એ ઘણી વાર જતો અને આવીને એના વિશે જણાવતો.
એ કૂંકણા જનજાતિનો હતો. એ વિસ્તારની કેટલીક સંસ્થાનું લેખનકાર્ય મેં કરેલું હોવાથી ત્યાંની કેટલીક જનજાતિઓનાં નામ વિશે મને ખ્યાલ હતો. આથી ક્યારેક સમય મળે ત્યારે એની બોલી અને એના શબ્દો વિશે વાત પણ નીકળતી.
તેની દીકરી જિગિષા અને દીકરા જિજ્ઞેશ વિશે પણ વાત થતી રહેતી. જો કે, 2007માં મેં મારું ક્ષેત્ર બદલ્યું એ પછી અમારું મળવાનું ઘટ્યું. કદી કોઈક પ્રસંગે કે સ્નેહમિલનમાં મળી જઈએ ત્યારે અલપઝલપ વાત થતી. હમણાં ઘણા વખતથી મળાયું નહોતું કે નહોતા કશા સમાચાર.

નિવૃત્તિ વખતે રમેશ ભોયા (ડાબે)
અને જયંતિ મકવાણા

(તસવીર સૌજન્યઃ રાજેન્‍દ્ર પી. પટેલ) 

આજે બી.એસ.પટેલ અને આર.પી.પટેલને પૂછતાં જાણવા મળ્યું કે દોઢેક વર્ષ અગાઉ તે નિવૃત્ત થયો એ અરસામાં જ તેને આંતરડાના કેન્સરનું નિદાન થયેલું અને સર્જરી કરવામાં આવેલી. એ પછી કિમોથેરાપી શરૂ થયેલી. આથી તે અમદાવાદ હતો. અચાનક તેના અવસાનના સમાચાર સાંભળીને આઘાત લાગ્યો. પૃથ્વીલોકમાંથી વિદાય લઈને ભોયા ચિત્રગુપ્ત આગળ ઊભો રહેશે અને કહેશે, 'જે પરમાત્મા! એમ જોયા ની કર. વહેલો આવી ગિયો તિમાં ચોપડામાં મારું નામ ની ઓહે.' ચિત્રગુપ્તે ચોપડો બાજુએ મૂકીને આ સરળ, સહૃદય માણસને પ્રવેશ આપવો જ પડશે.

Friday, November 28, 2025

કીડી- હાથીની સમાન મૂંઝવણ અને બીજું બધું

કાર્ટૂન જોવા-માણવામાં રસ હજી કોઈકને પડે, પણ એને ચીતરવામાં? હા, ઘણા ટી.વી.પરનાં કાર્ટૂન કેરેક્ટરને ચીતરે છે અને માને છે કે પોતેય કાર્ટૂન બનાવે છે. એટલે પહેલાં એ ગેરમાન્યતાનો ભંગ, એ પછી સાચા 'ગેગ' કાર્ટૂનની સમજ, અને છેલ્લે એ શી રીતે દોરાય એની વાત. આ બધું કલાક બે કલાકમાં ન થઈ શકે. આ કારણે કોઈ શૈક્ષણિક સંસ્થાને આમાં ભાગ્યે જ રસ પડે. અલબત્ત, કાર્ટૂન દોરતાં શીખવવાની પહેલવહેલી કાર્યશાળા શિક્ષકમિત્ર પારસ દવે (ગુતાલ) દ્વારા જ યોજાઈ હતી. પણ એ શાળાનાં બાળકો. કોલેજવાળાને આવા બધામાં રસ પડે?

નડિયાદની યુ.ટી.એસ.મહિલા આર્ટ્સ કોલેજના દૃષ્ટિવંત પ્રાચાર્ય ડૉ. હસિત મહેતાએ કહ્યું કે એમની કોલેજની વિદ્યાર્થીનીઓ માટે કાર્ટૂનની કાર્યશાળા કરવી છે. ખરેખર તો કાર્ટૂનની નહીં, પણ કેરિકેચર ચીતરતાં શીખવવાની. આવી વિશિષ્ટ માગણી પહેલવહેલી વાર આવી એટલે મારે 'ધંધે લાગવું' પડ્યું. (ડૉ. હસિત મહેતાનો એ જ આશય હતો, જે સફળ થયો) અમે ચર્ચા કરી અને તારણ કાઢ્યું કે એક વખતમાં એ શક્ય ન બને. એના માટે ઓછામાં ઓછી ત્રણ વર્કશોપ કરવી પડે. એમણે કહ્યું, "તો કરો." એટલે કેરિકેચર દોરતાં શીખવવાના ભાગરૂપે પહેલી વર્કશોપ 27 અને 28 નવેમ્બર એમ બે દિવસ દરમિયાન યોજાઈ. ચીતરવાનો શોખ હોય કે ન હોય એવી, પણ કશુંક નવું શીખવામાં રસ ધરાવતી પચીસ-ત્રીસ વિદ્યાર્થીનીઓ એમાં સામેલ થઈ.

કાર્ટૂન વિશેની પૂર્વભૂમિકા

કેવાં કેવાં દૃશ્યમાધ્યમો કાર્ટૂન નથી એનું નિદર્શન

માનવાકૃતિ દોરવાની સરળ રીતનું નિદર્શન

આ બે દિવસમાં ચીતરવાની વાત ખાસ નહોતી કરવાની, પણ કાર્ટૂન એટલે શું? અથવા તો કાર્ટૂન સાથે ભેળસેળ કરાતી કઈ કઈ ચીજો હકીકતમાં કાર્ટૂન નથી એની વાત થઈ. એ પછી કાર્ટૂનના વિવિધ વિષય, એની વિવિધ શૈલીઓ વગેરેની રજૂઆત કરવામાં આવી. સહભાગિતા વિના આવી કાર્યશાળા અધૂરી ગણાય. એટલે બોર્ડ પર કોઈ એક વસ્તુનું ચિત્ર દોરીને એની પરથી કાર્ટૂન બને એ રીતે શું શું ઉમેરતા જવાય એ કવાયત બહુ મજાની રહી. જેમ કે, એક ખુરશી ચીતર્યા પછી દરેક જણ એમાં એક એક વસ્તુ એવી ઉમેરે કે એનાથી રમૂજ પેદા થાય. એક વિદ્યાર્થીનીએ હાથી દોરવાનું સૂચન કર્યું. અને બીજીએ કીડી. હાથી અને કીડીની બન્નેની મૂંઝવણ એક સરખી હતી. 'આ ખુરશી પર બેસવું શી રીતે?' આ રીતે વિવિધ ચીજો દોરીને અવનવી ટીપ્પણીઓ થઈ. બે દિવસ દરમિયાન મુખ્ય આશય એ હતો કે કાર્ટૂન એટલે શું અને શું નહીં એ બરાબર સમજી લેવું. બીજું એ પણ સમજી લેવું કે કાર્ટૂન માટે સૌથી મહત્ત્વનો છે વિચાર. ચીતરવાની આવડત પછીના ક્રમે આવે. આવી અનેક બાબતોની ચર્ચા આ બે દિવસમાં થઈ અને સહુએ એનો આનંદ માણ્યો.
આ કાર્યશાળાનો હવે પછીનો બીજો અને સઘન તબક્કો થોડા દિવસ પછી યોજાશે, જેમાં કેરિકેચર મહત્ત્વનો મુદ્દો રહેશે. ત્યાં સુધી તેઓ વિવિધ ટેક્નિકનો મહાવરો કરે એ માટે અમુક ટીપ્સ પણ આપવામાં આવી. આ સમગ્ર ઉપક્રમમાં પ્રો. નેન્સી મેકવાને સંયોજકની ભૂમિકા ભજવી. હવે આગામી તબક્કા માટે અધુ તૈયારી મારે કરવાની છે. વિદ્યાર્થીનીઓ તો એ ઝીલવા તત્પર જ છે.
(તસવીર સૌજન્ય: પ્રો. નેન્‍સી મેકવાન)

Wednesday, November 26, 2025

ત્યાં કાગડો અને અહીં કોયલ

- સઈ પરાંજપે

એક સરસ બનાવ મને યાદ આવે છે. નેહા (દિપ્તી નવલ) સાથે ઓમી (રાકેશ બેદી)ની મુલાકાતના વાસ્તવિક અને કાલ્પનિક વર્ણનવાળાં દૃશ્ય પર અમે કામ કરી રહ્યા હતાં. 'વાસ્તવિક' મુલાકાત દરમિયાન નેહા ઓમીને પ્લમ્બરનો માણસ ધારીને બેસિનનો નળ રીપેર કરવા જણાવે છે. ચૂપચાપ બહાર નીકળી જઈને ઓમી સમય પસાર કરવા માટે એક મ્યુનિસિપલ પાર્કમાં જઈને બેસે છે. જ્યારે મિત્રો સમક્ષ વર્ણવેલા કાલ્પનિક દૃશ્યમાં તે કોઈ પરીકથા જેવા માહોલમાં બતાવાયો છે. મંગેશજી (દેસાઈ, સાઉન્ડ રેકોર્ડિસ્ટ)એ ફિલ્મને અધવચ્ચે અટકાવી દીધી અને કહ્યું, 'સઈ બાઈ, આપણે એવું કરીએ તો? મ્યુનિસિપલ પાર્કવાળા દૃશ્યમાં વાસ્તવિક વર્ણન વખતે કાગડાના 'કા...કા'ની સાઉન્ડટ્રેક મૂકીએ અને 'ડ્રીમ વર્ઝન'માં કોયલના ટહુકા મૂકીએ તો?' શું કહેવું છે?' મારે શું કહેવાનું હોય! હું આશ્ચર્ય અને અહોભાવથી દિગ્મૂઢ બની ગઈ. કેટલો અદ્ભુત વિચાર! કાગડાનું કર્કશ 'કાઉં કાઉં' અને કોયલના મધુર ટહુકાએ બન્ને દૃશ્યમાં મૂલ્યવૃદ્ધિ કરી. પરિણામ જોઈને અમે રોમાંચિત થઈ ગયાં. એ પછી મંગેશજીએ મારી સામે જોયું અને રમૂજમાં બોલ્યા, 'આ બધું કરવામાં અમને સહેજ મુશ્કેલી પડી. પણ કોઈ એની નોંધ લેશે કે એની તરફ કોઈનું ધ્યાન જશે કે કેમ એ સવાલ છે. જે હોય એ, આપણે બન્નેને આનંદ થયો ને! સર્જકતાની એ જ તો મઝા છે.'
(Excerpt from 'A Patchwork Quilt, a collage of my creative life by Sai Paranjpye)

(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.
(Published by: HarperCollins India, 2020)

(નોંધ: 'ચશ્મે બદ્દૂર'નું આ દૃશ્ય આ ક્લિપમાં જોઈ શકાશે. ક્લિપ એ જ દૃશ્યથી આરંભાશે અને 19.00 સુધી જોવાથી બન્ને દૃશ્યો અને મંગેશ દેસાઈની કમાલ 'જોઈ' શકાશે.)


Monday, November 24, 2025

જીના ઈસી કા નામ હૈ

શનિવારને 22મી નવેમ્બર, 2025ની સાંજે ભરૂચના બી.ડી.એમ.એ.દ્વારા ભૂપેન ખખ્ખર વિશેના મારા પુસ્તક અંગે વાર્તાલાપ હતો. આથી નક્કી એવું થયું કે સવારે જ હું ભરૂચ પહોંચી જાઉં અને એમિટી સ્કૂલમાં પહોંચું. ખરેખર તો એવું થયેલું કે ભરૂચના મારા કાર્યક્રમની જાણ માટે હું રણછોડભાઈને ફોન કરીને કશું કહું એ પહેલાં જ તેમણે 'વેલકમ ટુ ભરૂચ'નું આમંત્રણ આપી દીધું. આ શાળાના 37 વર્ષના કાર્યોનું પુસ્તકસ્વરૂપે દસ્તાવેજીકરણ કર્યું ત્યારે, એ પહેલાં અને એ પછી પણ શાળાનો સતત સંપર્ક રહ્યો છે. આથી એમિટીમાં જવાનું બહાનું શોધતો હોઉં. સવારે વડોદરાથી નીકળીને સીધા મારે એમિટી પહોંચવું એમ નક્કી થયું. વચગાળામાં એમિટીના પ્રકાશભાઈ મહેતાએ સૂચવ્યું કે મારે ત્યાંના શિક્ષકો સમક્ષ હોમાય વ્યારાવાલા વિશે વાત કરવી. પ્રિય વ્યક્તિ વિશે વાત કરવી કેમ ન ગમે? પ્રકાશભાઈએ એ પણ જણાવ્યું કે કેટલાક શિક્ષકોએ હોમાયબહેન વિશેનું મારું પુસ્તક વાંચેલું છે. ખાસ કરીને ગુજરાતી ન વાંચી શકતા શિક્ષકો એમના વિશે થોડું ગૂગલ પર વાંચી લે એવું મેં સૂચન કર્યું, જેથી એમને થોડી પૂર્વભૂમિકા રહે. મેં થોડી તૈયારી કરીને હોમાયબહેનના જીવનનો આલેખ મળી રહે એવું પ્રેઝન્ટેશન તૈયાર કર્યું.

એમિટીમાં પ્રવેશતાં જ એમ લાગે કે આ જાણે કે મારું બીજું ઘર છે, અને અહીં બધાં સ્વજનો જ છે. અહીં જઈએ એટલે પહેલાં હળવામળવાનો અને સાથે ચા-નાસ્તાનો દોર ચાલે. એમાં જાતભાતની વાતો નીકળે. પ્રમેશબહેન મહેતા થોડા નબળા સ્વાસ્થ્ય સાથે પણ ખાસ ઊપસ્થિત રહ્યાં. રણછોડભાઈની સાથે સંગીતાબહેન પણ આવી ગયાં. સાથે 'કોર ગૃપ'નાં સુશ્રી રીના તિવારી, નિવેદીતા ચટ્ટોપાધ્યાય, સુનિતા પાન્ડા, તોરલ પટેલ, સરોજ રાણા, સુબી ઝેવિયર પણ હંમેશ મુજબ જોડાયાં. ચા-નાસ્તા સાથે હસીમજાક સહિત વિવિધ પ્રકારની વાતો થઈ. એ પછી ત્રીજે માળે આવેલા હૉલમાં કાર્યક્રમ હતો.
પ્રકાશભાઈએ ઔપચારિક રીતે કાર્યક્રમ આરંભીને મને સુકાન સોંપ્યું.

પ્રકાશભાઈ મહેતા દ્વારા પૂર્વભૂમિકા અને પરિચય

(ડાબેથી) તોરલબહેન, રણછોડભાઈ, બીરેન, કામિની, સંગીતાબહેન,
રીનાબહેન અને નિવેદીતાબહેન
હોમાયબહેન વિશે વાત

રજૂઆત દરમિયાન
તસવીરો અને એની સાથે સાથે એક વ્યક્તિની જીવંતતાની કથા ઊઘડતી ગઈ અને યોગ્ય રીતે સામે છેડે પહોંચી રહી છે એમ લાગ્યું. એકાદ કલાક ક્યાં પસાર થઈ ગયો એની સૂધ પણ ન રહી. એમાંય હોમાયબહેનની અમારી સાથેની છેલ્લી બની રહેલી મુલાકાતની વિડીયો અને એમણે પોતાના સ્વરમાં બોલેલી અંગ્રેજી કવિતા સાંભળવાની અનુભૂતિ અવર્ણનીય હતી. મારી સાથે હોમાયબહેને જાતે બનાવેલી એકાદ બે ચીજો પણ હું લેતો આવેલો, જે સૌને હાથોહાથ જોવા માટે ફેરવવામાં આવી.
અપેક્ષા મુજબ જ આ રજૂઆત પછી સવાલોનો દોર ચાલ્યો. અને જે વાત રજૂઆતમાં આવી ન હતી એવી વાતો આમાં આવરી શકાઈ. હોમાયબહેન વિશે જ્યારે પણ વાત કરવાની આવે ત્યારે જેટલી મને એ કહેવાની મજા આવે છે એટલી જ સાંભળનારને પણ આવતી હોય એમ અનુભવાયું છે.
કાર્યક્રમ પછી ભોજન હતું. ભોજન દરમિયાન પણ વિવિધ વાતો અને ગપસપ ચાલી. એ પછી દોઢેક વાગ્યે મિત્ર દેવેન્દ્રસિંહ લેવા આવ્યા એટલે એમને ઘેર જવા નીકળ્યા.
આમ, દિવસનો પૂર્વાર્ધ બહુ સરસ રીતે, પરિચીતો- સ્નેહીઓની વચ્ચે વીત્યો. હવે સાંજની પ્રતિક્ષા હતી.
(તસવીર સૌજન્ય: અલ્પેશ પટેલ)

Sunday, November 23, 2025

ભૂપેન ખખ્ખરનાં સ્મરણોની વહેંચણી

22 નવેમ્બર, 2025ને શનિવારની સાંજે ભરૂચના બી.ડી.એમ.એ. ખાતે બુક લવર્સ મીટની 261મી કડી અંતર્ગત ભૂપેન ખખ્ખર વિશેના મારા પુસ્તકનો વાર્તાલાપ યોજાઈ ગયો. મઝાની વાત એ હતી કે આ પુસ્તકનું સાવ આરંભકાળે બીજ બાર- તેર વરસ અગાઉ ભરૂચના આ જ કાર્યક્રમમાં રોપાયેલું. મારા કોલેજકાળના મિત્ર દેવેન્દ્રસિંહ ગોહિલ દ્વારા પ્રો.રાવજીભાઈ પટેલ 'મોટા' વિશેનું મારું પુસ્તક 'ક્રાંતિકારી વિચારક' અમરીશભાઈ કોન્ટ્રાક્ટર પાસે પહોંચ્યું. એ વાંચ્યા પછી તેમને થયું કે ભૂપેન ખખ્ખર વિશે આવું પુસ્તક થવું જોઈએ.

એ પછીના લાંબા ઘટનાક્રમ પછી આખરે આ વર્ષના માર્ચમાં એ પુસ્તક પ્રકાશિત થયું. આ પુસ્તક વિશે કળાક્ષેત્રના તેમજ અન્ય વાચનરસિક લોકો પણ પરિચીત થાય એ હેતુથી તેના વિશેના વિવિધ વાર્તાલાપનું આયોજન થતું રહ્યું છે. વડોદરા અને સુરતની ફાઈન આર્ટ્સ કોલેજમાં તેમજ વડોદરાની 'ગ્રંથગોષ્ઠિ' પછી ભરૂચની બુક લવર્સ મીટમાં પણ એ થયું. આ ગોષ્ઠિના સંયોજક અંકુર બેન્કરે મુદ્દાસર કાર્યક્રમની ઔપચારિકતાઓને પૂરી કરીને સીધા વક્તવ્ય માટે આમંત્રણ આપ્યું. મીનલબહેન દવે, ઋષિભાઈ દવે, જે.કે.શાહ, દેવાંગ ઠાકોર આ કાર્યક્રમને સતત સંવારતા રહ્યા છે. એ સૌની હાજરી બહુ ઉત્સાહજનક બની રહી. તો ભરૂચના એમિટી પરિવારના શ્રીમતિ અને શ્રી રણછોડભાઈ શાહ, શ્રીમતિ અને શ્રી પ્રકાશભાઈ મહેતા પણ પધાર્યા. બકુલભાઈ પટેલ, શિલ્પકાર મિત્ર રોહિત પટેલ, નરેન સોનાર તેમજ રમણિકભાઈ અગ્રાવતને મળવાની તક મળી. એમ શૈલેષભાઈ પુરોહિત, કાજલબેન પુરોહિત સાથે પરિચય થયો. કામિની તેમજ મિત્રદંપતિ દેવેન્દ્રસિંહ ગોહિલ અને કાનન ગોહિલ સાથે અમરીશભાઈ તો ખરા જ. પણ આ બધાં નામ મેં એ હેતુથી નથી લખ્યાં કે અમે એકમેકને 'ઓબ્લાઈજ' કરીએ.
અસલમાં ભરૂચ સાથેનો મારો પરિચય કશો નહોતો. કોલેજના અભ્યાસ પછી મિત્ર દેવેન્દ્રસિંહે જી.એન.એફ.સી. ખાતે નોકરી લીધી અને એ ત્યાં રહેવા ગયો. એ પછી વરસો સુધી મારા માટે ભરૂચની એક માત્ર ઓળખ એટલે એનું ઘર બની રહેલી. કદી વિચાર્યું નહોતું કે ભરૂચમાં આટલા બધા પરિચય કેળવાશે. એટલે કાલે લગભગ પૂરેપૂરા ભરાયેલા હોલમાં જાણે કે સૌ પરિચીતો જ હોય એમ લાગતું હતું. ભૂપેનના જીવન, પુસ્તકની પ્રક્રિયા વિશે વાત કર્યા પછી અમરીશભાઈએ પોતાના તરફથી પણ ટૂંકમાં વાત મૂકી આપી.
કાર્યક્રમ પછી સૌને હળવામળવાનું પણ આકર્ષણ હોય છે. છેલ્લે મીનલબહેન, વિનોદભાઈ, ઋષિભાઈ સાથે ભોજન પછી વડોદરા આવવા નીકળ્યા.
કાર્યક્રમ લાઈવ કરવામાં આવ્યો હતો, જે આ લીન્ક પર સાંભળી શકાશે.

દીપપ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનો આરંભ
(પોડિયમ પર અંકુર બેન્
કર, નીચે બીરેન કોઠારી, દેવાંગ ઠાકોર,
અમરીશ કોન્
ટ્રાક્ટર, મીનલબહેન દવે) 

વક્તાનું સ્વાગત : (ડાબેથી) મીનલબહેન દવે, બીરેન કોઠારી,
દેવાંગ ઠાકોર, ઋષિ દવે

ભૂપેન વિશેની વિવિધ વાતો

અમરીશભાઈ દ્વારા બે મિત્રોની મૈત્રી વિશેની લાગણીસભર વાત

(તસવીર સૌજન્ય: અંકુર બેન્કર)-

Friday, November 21, 2025

અન્યના કામની પ્રશંસા પીઠ પાછળ કરવી દુર્લભ છે

- સઈ પરાંજપે

'ચશ્મે બદ્દૂર'ની લગભગ સમાંતરે જ રણધીર કપૂરની 'બીવી ઓ બીવી'નું નિર્માણ આર.કે.બેનર તળે થઈ રહ્યું હતું. આથી ડબિંગ, સાઉન્ડ ઈફેક્ટ્સના રેકોર્ડિંગ અને રિમિક્સિંગ બાબતે બન્ને ફિલ્મો વચ્ચે જાણે કે હોડ લાગેલી. અમારું શેડ્યુલ ચસોચસ રહેતું, આથી એક પક્ષ પોતાનું કામ પતાવે ત્યાં સુધી બીજા પક્ષે રાહ જોવી પડતી.
રાહ જોનારી ટીમ કન્ટ્રોલ રૂમમાં આવેલી કાચની પેનલમાંથી બીજી ફિલ્મ જોઈ શકતી. 'બીવી ઓ બીવી' અમારા કરતાં ત્રણ દિવસ વહેલી સંપન્ન થઈ અને યોગ્ય સમયે સેન્સર બોર્ડને મોકલવામાં આવી. એ ટીમમાંથી કોઈકે એ ફિલ્મ ગજબનાક કોમેડી હોવાનું પ્રશંસાના સૂરે કહ્યું ત્યારે રણધીર કપૂરે કહેલું: 'ચશ્મે બદ્દૂર' ની સરખામણીએ આ કંઈ ન કહેવાય. અસલ કોમેડી તો એ છે.' મારી ફિલ્મ સેન્સરમાં ગઈ ત્યારે મને આમ જણાવાયેલું. ફિલ્મનો આ સૌથી પહેલો પ્રતિભાવ અને મંજૂરીની મહોર કહી શકાય. ફિલ્મ જગતમાં કોઈ અન્યના કામની પ્રશંસા પીઠ પાછળ કરવી દુર્લભ છે. રણધીર કપૂરનો એ ઉદાર પ્રતિભાવ મને હજી યાદ રહી ગયો છે.
'ચશ્મે બદ્દૂર'ની રજૂઆત તારદેવ ખાતે આવેલા જમુના થિયેટરમાં કરવામાં આવી. એ થિયેટર હવે નથી રહ્યું. શરૂઆતના પાંચેક દિવસ થિયેટર લગભગ ખાલી જેવું રહેલું, પણ એ પછી અચાનક તેણે હરણફાળ ભરી અને એ પછી કદી અટકી નહીં. હાઉસફૂલનાં પાટિયાં કાયમ ઝૂલતાં રહેતાં. પ્રસાર માધ્યમોએ પણ માન્યામાં ન આવે એ રીતે તેની પર વરસી પડ્યાં. એક વાર મેં ગુલ (આનંદ, નિર્માતા)ને આ ફિલ્મ કોઈક ચોક્કસ સિનેમા હોલમાં રજૂ કરવાની સલાહ આપી. તેણે ગંભીરતાથી કહ્યું, 'જુઓ, મેં તમને શૂટિંગ દરમિયાન કદી એમ કહ્યું કે આ શોટ અમુક રીતે લેવો, કે કેમેરાને આ રીતે ગોઠવો?'તો પછી મારા ક્ષેત્રમાં તમે મને કેમ સલાહ આપો છો?'
'ચશ્મે બદ્દૂર' સંપૂર્ણપણે હીટ ફિલ્મ પુરવાર થઈ અને એ પણ વિવિધ વયજૂથના દર્શકોમાં. (ગુલને એની ક્રેડિટ મળી?) તાજગીસભર ફિલ્મ તરીકે તેની સરાહના કરવામાં આવી અને જોતજોતાંમાં તેને એક 'કલ્ટ' ફિલ્મનો દરજ્જ્જો પ્રાપ્ત થઈ ગયો. અલબત્ત, એને ક્યાંય એક તો શું, અડધો એવોર્ડ પણ પ્રાપ્ત ન થયો. (કોમેડી માટે એવોર્ડ? કદી સાંભળ્યો ખરો?)
(Excerpt from 'A Patchwork Quilt, a collage of my creative life by Sai Paranjpye)

(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.)
(Published by: HarperCollins India, 2020)

Thursday, November 20, 2025

સ્માઈલ પ્લીઈઈઈઝ....અને સાહેબની દોટ

- યેસુદાસન

ત્યારે હું મિડલ સ્કૂલમાં હતો. એક દિવસ મેં રામ ઐયર સરને પોતાની છત્રી સાથે શાળાના દરવાજાની બહાર દોડી જતા જોયા. એકાદ બે શિક્ષકો અને થોડા વિદ્યાર્થીઓ તેમની પાછળ દોડી રહ્યા હતા. છેવટે એ લોકોએ સરને આંબી લીધા અને પાછા શાળામાં લઈ આવ્યા.

મારો સહાધ્યાયી એ.સી.જોઝ મારી સાથે હતો. પહેલાં તો મને સમજાયું નહીં કે શાળાના મેદાન પર શું ચાલી રહ્યું છે. અમને કોઈકની બૂમ સંભળાઈ, 'રેડી, 'સ્માઈલ પ્લીઝ.' જેવો એ 'પ્લીઝ' બોલ્યો કે રામ ઐયર સરે ફરી વાર બહારની તરફ દોટ મૂકી. વધુ એક વાર થોડા લોકો તેમની પાછળ દોડ્યા અને તેમને પાછા લેતા આવ્યા. આ બધું શું થતું હતું એ જોવા માટે અમે કમ્પાઉન્ડ વૉલમાંથી અંદર જોયું. ખબર પડી કે ત્યાં વાર્ષિક ફોટો સેશન ચાલી રહ્યું હતું. દરેક શૈક્ષણિક વર્ષના અંતે એ યોજાતું હોય છે. ફોટોગ્રાફર દરેકને તેમની ઊંચાઈ મુજબ ઊભા રાખતો હતો. પણ જેવો તે તસવીર ખેંચવા તૈયાર થતો કે ઐયર સર દોટ મૂકતા અને આ સ્થળેથી દૂર જવાનો પ્રયત્ન કરતા. તેઓ પોતાનો ચહેરો તસવીરમાં આવવા દેવા નહોતા માગતા.

એ વરિષ્ઠ શિક્ષક માનતા હતા કે કોઈ વ્યક્તિની તસવીર ખેંચવામાં આવે તો એનું આયુષ્ય ઘટી જાય. એમના જણાવ્યા અનુસાર, જેટલી વાર પોતાની છબિ નેગેટીવ પર અંકિત થાય કે જીવનનું એક વર્ષ ઘટી જતું. તેમને ડર હતો કે વારેવારે તસવીર લેવડાવવાથી પોતે પેન્શન લેવાપાત્ર નહીં રહે. (ત્યાં સુધી જીવશે નહીંં) આજે તો રામ ઐયર અમારી વચ્ચે નથી, અને પચાસ વર્ષ કરતાંય જૂની પેલી નેગેટીવો પણ કોઈની પાસે સચવાયેલી નથી. તેમના ઘણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રોમાં મહત્ત્વનાં સ્થાન શોભાવે છે, પણ ઐયર સરના ફોટોગ્રાફી અંગેના વિચારોમાં કોઈ માનતું નથી. તસવીરો લેવા અને લેવડાવવા બાબતે એ સૌ પાગલ કહી શકાય એ હદે જાય છે.

(Excerpt from 'Finishing Lines', an autobiography by Cartoonist Yesudasan.)

(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.

(Published by: The Alcove publishers, Gurgaon, 2025)