રંગોળી એક રીતે ઘરગથ્થુ કલા છે. રોજબરોજના જીવનમાં કશુંક સર્જનાત્મક કર્યાનો આનંદ એ આપે છે, સાથે એ પણ શીખવે છે કે સર્જન નિતનવું થતું રહેવું જોઈએ. દક્ષિણ ભારતમાં ગૃહિણીઓ ઘરઆંગણે રોજેરોજ સફેદ રંગોળી કરે છે, જેમાં મોટે ભાગે વળાંકવાળી રેખાઓથી બનેલી ભાત હોય છે. આ ઊપરાંત મકર સંક્રાંતિ (પોંગલ) દરમિયાન પણ માર્ગ પર બનેલી મોટી રંગોળી અમને જોવા મળેલી. આપણી તરફ રંગોળી સામાન્ય રીતે દિવાળીના દિવસોમાં કરાય છે, તો વિવિધ સંસ્થાઓમાં તે કોઈ પ્રસંગવિશેષ વખતે પણ કરવામાં આવે છે. વડોદરાના રંગોળી કલાકારો વિશાળ કદની રંગોળી બનાવીને તેને પ્રદર્શિત કરે છે, જેને જોવા માટે લોકો ટિકિટ ખર્ચીને આવે છે. આ રંગોળીઓમાં પ્રકારવૈવિધ્ય ધ્યાન ખેંચે એવું હોય છે. નડિયાદના ડાહીલક્ષ્મી પુસ્તકાલયમાં દર મહિનાના પહેલા રવિવારે યોજાતા પુસ્તક વાર્તાલાપના કાર્યક્રમ 'ગ્રંથનો પંથ'માં અહીંના વિદ્યાર્થી સ્વયંસેવકો જે તે પુસ્તકના મુખપૃષ્ઠને રંગોળી દ્વારા બનાવે છે. મિત્ર હસિત મહેતા પોતે રંગોળી બનાવવાના જબરા શોખીન. વડોદરાના મિત્ર કમલેશ વ્યાસ 'સહજ રંગોળી ગૃપ' ચલાવે છે, જેમાં તેઓ રંગોળી શીખવે પણ છે. તેમના સભ્યો પાણીમાં રંગોળીથી લઈને અનેકવિધ વિષયો, વ્યક્તિઓને આ માધ્યમમાં ઊતારે છે. વખત અગાઉ વાંચેલું કે જ્યોતિભાઈ ભટ્ટનાં માતા ખરેલા પાંદડાં, ફૂલ વગેરેની રંગોળી બનાવે છે. અમે રંગોળી રોજ બનાવતા નથી, પણ દિવાળી દરમિયાન મહેમદાવાદ જઈએ ત્યારે રોજેરોજ અને લગભગ બધા જ પોતપોતાની રંગોળી બનાવીએ એવો રિવાજ. પણ એ સિવાય બાકીના દિવસોએ કશું નહીં.
વડોદરાના અમારા ઘરમાં, બહાર કૂંડામાં ઊગાડેલા અને ઉછેરેલા બગીચામાં રોજેરોજ પાંદડાં ખરે. ઝાડુ મારતી વખતે ધૂળની સાથે આ ખરેલાં પાંદડાં આવે એ જોઈને કામિનીને એક વાર થયું કે આનું કંઈક કરીએ. એટલે તેણે એવાં પાંદડાં અથવા તો લીલાસૂકા કચરાની રંગોળી કરી. આમ તો ભાત જ બનાવી, પણ રંગ વાપરીને બનાવેલી રંગોળી કરતાં એ જરા જુદી પડતી હતી એટલે મજા આવી. બીજું ભયસ્થાન એ હતું કે પવનના એક ઝપાટે આ રંગોળી વીંખાઈ જાય એવો ડર હતો, પણ સર્જનનો આનંદ એથી ચડિયાતો હતો. તેણે ધીમે ધીમે ભાતરંગોળી બનાવવા માંડી અને ફેસબુક પર મૂકવા માંડી. તેની એ રંગોળી પર ટીપ્પણીઓ થતી, પણ સાથે મજાકમસ્તી બહુ ચાલતી. ભાતરંગોળીઓ ઘણી બધી કર્યા પછી તેને લાગ્યું કે આ પ્રકાર બહુ થયો. એકવિધતા લાગે છે. હવે આ પદ્ધતિ બદલીએ. એટલે પ્રકાર બદલાયો અને એમાં ભાતને બદલે વિવિધ દૃશ્યસ્વરૂપો આવવા લાગ્યાં. એમાં મજા આવી, સાથેસાથે બીજા પ્રકાર ઊમેરાવા લાગ્યા. જેમ કે, વ્યક્તિઓના ચહેરા, સાંપ્રત ઘટનાઓ વગેરે.. આમાં માધ્યમની મર્યાદા બહુ નડતી, પણ એને લઈને જ કામ પડકારજનક બનતું હતું. આમાં ઘણું ખેડાણ થયું. પછી ધીમે ધીમે વ્યસ્તતાને કારણે એ અટક્યું.
દરમિયાન કલોલની 'હોલી ચાઈલ્ડ સ્કૂલ'ના હરીશભાઈ બ્રહ્મભટ્ટ સાથે પરિચય થયો, અને શાળાનું મુખપત્ર 'સંપર્ક' આવતું થયું. એમાં હરીશભાઈ દ્વારા લખાતું પ્રાસ્તવિક અને આચાર્યા હેતલબહેન પટેલ દ્વારા લખાતું સંપાદકીય રસપૂર્વક વાંચવાનું બને, કેમ કે, એમાં શાળાની તાસીર ઝળકતી જણાય. આવા એક સંપાદકીયમાં હેતલબહેને લખેલું કે શાળાના પ્રાંગણમાં રહેલાં ફૂલપાંદડામાંથી વિદ્યાર્થીનીઓ રંગોળી બનાવે છે. આ વાંચીને મેં હેતલબહેનને એ રંગોળીઓના ફોટા મોકલવા વિનંતી કરી, જે તેમણે વિના વિલંબે મોકલી આપ્યા. વિદ્યાર્થીનીઓ વિવિધ પ્રકારની ભાતરંગોળી બનાવતી હતી. મેં તેમને કામિનીની વિવિધ પ્રકારની રંગોળીના ફોટા મોકલીને વિદ્યાર્થીનીઓને એ બતાવવા જણાવ્યું, જેથી તેઓ અન્ય પ્રકારમાં પણ ખેડાણ કરી શકે. એ પછી હેતલબહેન જે રંગોળીના ફોટા મોકલતાં એ સાવ અલગ પ્રકારની રંગોળીના હતા. દરમિયાન મારી કલોલની મુલાકાત ગોઠવાઈ એટલે વિદ્યાર્થીનીઓના એ જૂથને મળવાનું ગોઠવવા હેતલબહેનને મેં વિનંતી કરી. તેમણે બહુ ઉલટભેર એ મુલાકાત ગોઠવી આપી. કામિનીએ એ બેઠકમાં રંગોળીના મધ્યમની મર્યાદાને અતિક્રમીને, છતાં તેના સ્વરૂપની ઓળખ જાળવી રાખીને વિવિધ અખતરા શી રીતે થાય એની વાત કરી, જેમાં સૌને બહુ મજા આવી. વિદ્યાર્થીનીઓએ સવાલો પણ કર્યા. આમ, સમગ્રપણે પોણો કલાક- કલાકની એ બેઠક બહુ ફળદાયી બની રહી. આપણે એવો વહેમ રાખતા હોઈએ કે સામાવાળાને કંઈક આપીને જઈએ, પણ ખુલ્લું મન રાખીને સંવાદ કરીએ તો ખરેખર આપણે કંઈક મેળવતાં હોઈએ છીએ. અહીં અમને એવો જ અનુભવ થયો. સાથે એમ પણ લાગ્યું કે વિદ્યાર્થીઓના વિચારવિશ્વની ક્ષિતિજો વિસ્તરે એવો અભિગમ ધરાવનાર શાળા સંચાલકો, શિક્ષકો સૌ ખરેખર અભિનંદનને પાત્ર છે, કેમ કે, તેમણે છેવટે તો એક ચોકઠામાં કામ કરવાનું છે, છતાં તેઓ આ રીતનો સન્નિષ્ઠ પ્રયત્ન કરી રહ્યા છે.
અહીં એ કલોલની હોલી ચાઈલ્ડ સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વરા રોજેરોજ કરાતી ફૂલપર્ણની રંગોળીના કેટલાક નમૂના મૂક્યા છે, જે મને હેતલબહેન રોજેરોજ મોકલતાં રહ્યાં છે.
No comments:
Post a Comment