શાળાકાળમાં અલંકાર ભણતી વખતે અપાતાં વિવિધ અલંકારનાં ઉદાહરણમાં યમક અલંકારનું આ ઉદાહરણ યાદ રહી ગયેલું, જે આમ તો બહુ ચવાઈ ગયેલું છે. પણ 'કહત કાર્ટૂન...'ના પાંચમા હપ્તામાં પેટાશિર્ષક તરીકે મને એ જ યાદ આવ્યું, અને એકદમ બંધબેસતું લાગ્યું. કેમ કે, વિષય હતો કાર્ટૂનમાં નકશાના ઉપયોગનો.કાર્યક્રમની રજૂઆત દરમિયાન
23 ફેબ્રુઆરીએ સાંજે સાડા સાતે સ્ક્રેપયાર્ડમાં આ વિષયની રજૂઆત કરવામાં આવી ત્યારે ગુજરાતના નકશાથી લઈને વિશ્વના વિવિધ દેશોના નકશાઓને કાર્ટૂનમાં શી રીતે પ્રયોજવામાં આવ્યા તે બતાવવામાં આવ્યું. કાર્ટૂનમાં રમૂજ અને વ્યંગ્ય અનિવાર્યપણે હોય જ, પણ કોણ જાણે કેમ, નકશાઓ વિશેનાં કાર્ટૂન જોતાં એક જાતનો ખોફ મનમાં અનાયાસે ઊભો થતો ગયો. કેમ કે, કાર્ટૂનમાં વિવિધ કાર્ટૂનિસ્ટો નકશાઓ ક્યારે પ્રયોજે છે એનાં કારણ તપાસ્યાં તો ખ્યાલ આવ્યો કે પ્રાદેશિક વિભાજન, રાજકીય અસ્થિરતા, આર્થિક સંકટ, લશ્કરી શાસન, કુદરતી આપત્તિ જેવી વિપરીત પરિસ્થિતિઓ આ માટે જવાબદાર હોય છે, જે જરાય રમૂજપ્રેરક નથી હોતી. પરિસ્થિતિની ગંભીરતાને બરાબર પહોંચાડવા માટે કાર્ટૂનિસ્ટો તેને વ્યંગ્યમાં વીંટાળીને રજૂ કરે છે. આમાં, ખાસ કરીને સિરીયા અને ગાઝાના નકશાઓનો કાર્ટૂનમાં ઉપયોગ થયેલો જોતાં હૈયે રીતસર ચિરાડો પડી જાય.
આ વિષય વિશાળ વ્યાપ ધરાવે છે એ તો તેને હાથમાં લીધો ત્યારે જ સમજાઈ ગયેલું. સવાલ એ હતો કે એમાંથી કાર્ટૂનની પસંદગી શી રીતે કરવી. બહુ અઘરું કામ હતું, પણ ધીમે ધીમે એ સમજ સ્પષ્ટ થતી ગઈ અને આખરે એમ વિચાર્યું કે નકશાનાં કાર્ટૂનમાં વપરાયેલાં શક્ય એટલાં વૈવિધ્ય આવરી લેવાય એ રીતે પસંદગી કરવી.
સ્ક્રેપયાર્ડના સજ્જ શ્રોતાઓ એવા છે કે વાતચીત દરમિઆન તેઓ પણ પૂરક વિગતો પૂરી પાડે અને મૂલ્યવૃદ્ધિ કરે, છતાં કાર્યક્રમની રજૂઆતમાં ભંગ ન પડે. આવા શ્રોતાઓ તૈયાર કરવાનું શ્રેય કબીર ઠાકોર-નેહા શાહ દંપતિને જાય છે. તેમના ઉલટપૂર્વકના સહયોગથી હવે મનમાં કાર્ટૂન બાબતે જ નહીં, બીજા પણ અનેક વિષયો સૂઝી રહ્યા છે, જે પૈકી એકની ઘોષણા એ જ દિવસે કરી હતી. અહીં ફેસબુક પર તે ટૂંક સમયમાં કરીશું.
(ડાબેથી) શરદ રાવલ, પિયૂષભાઈ પંડ્યા, દીપક સોલિયા, ડૉ. દુર્ગેશ મોદી, કબીર ઠાકોર, બીરેન કોઠારી, ઉર્વીશ કોઠારી, પરેશ પ્રજાપતિ, નિખીલભાઈ રિંદાણી |
'કહત કાર્ટૂન...'ની પાંચમી કડીની રજૂઆત પછી એટલું જ કહેવાનું કે 'કહત કાર્ટૂન આનંદ ભયો હૈ.'
ગાઝાનો નકશો (કાર્ટૂનિસ્ટ: Mikail Ciftci) |
સિરીયાનો નકશો (કાર્ટૂનિસ્ટ: Abdullah Al-darqawi) |
ઓસ્ટ્રેલિયાનો નકશો (કાર્ટૂનિસ્ટ: John Ditchburn) |
No comments:
Post a Comment