Tuesday, August 31, 2021

ભૂપેન ખખ્ખરનાં ચિત્રોનો આસ્વાદ (18)

રોગ અને રોગી

પોતાની કૃતિ પર જે તે સર્જકની માનસિક-શારિરીક સ્થિતિની થતી અસર વિશે અનેક ચર્ચા થતી રહે છે. વિન્સેન્ટ વાન ગોગ જેવા ચિત્રકારના આ પાસા વિશે અનેક અભ્યાસ થયા છે. સ્કીઝોફેનિયાથી પીડાતા વિન્સેન્ટે એ અવસ્થામાં પણ ચિત્ર ચાલુ જ રાખ્યું હતું, પણ તેમના રંગો અને બ્રશસ્ટ્રોકમાં દેખીતું પરિવર્તન જોઈ શકાય છે. ઉગ્ર રંગો અને આક્રમક સ્ટ્રોક્સ તેમના આ ગાળામાં દોરાયેલાં ચિત્રોમાં મુખ્ય બાબત છે. wheatfield with crows શિર્ષકવાળા તેમના ચિત્રમાં તેમણે ચીતરેલા કાગડા તેમની આ મનોસ્થિતિના સૂચક છે, એમ આ અરસાનાં તેમણે ચીતરેલાં સેલ્ફ પોર્ટ્રેટમાં પણ એનો ખ્યાલ આવે છે.

આવું કદાચ કોઈ પણ સર્જક સાથે બની શકે.
ભૂપેન ખખ્ખરનું અવસાન 2003માં થયું એ અગાઉ 1998ની આખરમાં તેમને પ્રોસ્ટેટના કેન્સરનું નિદાન થયું. આ સાડા ત્રણ-ચાર વરસનાં તેમણે ચીતરેલા ચિત્રોમાં રોગ અને રોગીનો વિષય કેન્દ્રસ્થાને છે. એમાંનાં કેટલાંક ચિત્રો અહીં મૂક્યાં છે.
Dentist by Bhupen Khakhar 

Blind Babubhai by Bhupen Khakhar

Beauty is skin deep only by Bhupen Khakhar 


Bullet shot in stomach by Bhupen Khakhar 


Injured head of Raju by Bhupen Khakhar 

Monday, August 30, 2021

ભૂપેન ખખ્ખરનાં ચિત્રોનો આસ્વાદ (17)

ઓળખ વિનાના સામાન્ય લોકો  

ભૂપેન ખખ્ખરનાં ચિત્રોમાં જોવા મળતાં પાત્રો રોજિંદા જીવનમાં આપણી આસપાસ રહેતાં હોય, અને કદાચ આપણે એમની નોંધ પણ લેવાની તસ્દી ન લીધી હોય એવા લોકો ખાસ જોવા મળે છે. ભૂપેનને એક કલાકાર તરીકે એવા લોકોમાં, એમના જીવનમાં રસ હતો. સાવ સસ્તું, ચમકતું, ચટાપટાવાળું ખમીસ પહેરેલા કોઈ શ્રમિક શ્રેણીના માણસની કે તેના ચિત્રની સામુંય આપણે ન જોઈએ, કે જોઈએ તો પણ અણગમાથી. તેને બદલે ભૂપેને બહુ પ્રેમથી એમને ચીતર્યા. નાયલોનનું ચળકતું ખમીસ અને એની ચટાપટાવાળી ભાત પણ ચીતરી. કેમ? જે લગાવથી તેણે એ પહેર્યું હતું એ ભૂપેનને આકર્ષતું હતું. આથી જ તેમણે એને એ રીતે ચીતર્યું કે દર્શકને એમાં ભૂપેનનો ખુદનો સ્પર્શ જણાય. એ બેહૂદું, વિચિત્ર કે અરુચિકર પણ જણાય, છતાં જોનાર એની પરથી નજર હટાવી શકે નહીં. અને જો કોઈ ભદ્ર માનસિકતાવાળો દર્શક એની પરથી નજર હટાવી લે તો પણ વારેવારે એની નજર ત્યાં ખેંચાયા વિના રહે નહીં. આવા લોકો દ્વારા વપરાશમાં લેવાતી વિવિધ ચીજવસ્તુઓ અને એમાંથી ઝળકતો એમનો 'કળાપ્રેમ' ભૂપેનને બહુ આકર્ષતો. જેમ કે, આ શ્રેણીમાં અગાઉ વાત થઈ ગઈ એ 'ધ વેધરમેન' નામના ચિત્રમાં હવામાનવેત્તાના ઘરના આંતરિક સુશોભનમાં તેના ઘરમાં પથરાયેલા ગાલીચાની ભાત, પડદા અને પલંગ પર બિછાવેલી ચાદર સુદ્ધાં ભૂપેને બારીકાઈથી ચીતરી છે. તેણે પહેરેલા લેંઘાના ચટાપટા પણ મસ્ત રીતે ચીતર્યા છે. 

Ranchchodbhai relaxing in bed 

'Ranchhodbhai Relaxing in bed/પથારીમાં આરામ કરતા રણછોડભાઈ' ચિત્રમાં સાવ નિમ્ન વર્ગના ગણાતા રણછોડભાઈએ ઓઢેલી રજાઈ ભૂપેને પ્રેમથી ચીતરી છે. સાથે સાથે તેમના નાનકડા ઘરના બારણાની બારસાખ પર લટકતું ભૂંગળીઓવાળું તોરણ, દૂર ખીંટીએ ટીંગાતાં એમના કોટ અને ટોપી વગેરે એવી ખૂબીથી ચીતર્યું છે કે જોનારને એ સ્થળે હોવાનો, એને સ્પર્શ કર્યો હોવાનો ભાસ થાય. એ જ ચિત્રમાં, ઘરના બીજા ભાગમાં ચડ્ડીભેર એક યુવક અરીસામાં જોઈને વાળ ઓળી રહ્યો છે. અંડાકાર અરીસો કેબીનેટ પર મસ્ત રીતે ગોઠવેલો છે. અને પથારીમાં રહેલા રણછોડભાઈના વાળ પણ એકદમ સુવ્યવસ્થિત રીતે ઓળેલા છે. તેમનું સફેદ પહેરણ, કાંડે બાંધેલી ઘડિયાળ વગેરે જોઈને એમ જ લાગે કે રણછોડભાઈએ ભૂપેનને સિટિંગ આપ્યું હશે. (રણછોડભાઈ ભૂપેનના અનેક મિત્રોમાંના એક હતા, જે એક 'હોટેલ' ચલાવતા. પહેલાં તે રેલ્વે સ્ટેશને કૂલી હતા, એ પછી 'બૂટલેગર' બન્યા અને છેલ્લે ગાંઠિયા-ચા, ચવાણું વગેરે મળે એવી 'હોટેલ' ખોલી. તેમના ઘરની અને તેમની હોટેલની મુલાકાત અમે લીધેલી અને તેમના દીકરા કાલીદાસે એ જ હોટેલ પર અમને ચા પીવડાવેલી. આ કાલીદાસને પણ ભૂપેને એક ચિત્રમાં ચીતર્યા છે.) રણછોડભાઈની બીજી તરફ રહેલો અવકાશ આખા ચિત્રને એક વિશિષ્ટ પરિમાણ આપે છે. એ પણ જોવા જેવું છે કે આરામ કરતા રણછોડભાઈ પૂર્ણ પરિધાનમાં છે, ઘડિયાળ સુદ્ધાં તેમણે પહેરેલી છે, જ્યારે વાળ ઓળતો યુવાન માત્ર ચડ્ડીભેર છે. કદાચ તે સ્નાન કરીને આવ્યો હોય એમ બને. આ ચિત્ર ભૂપેને 1975માં તૈલરંગોમાં ચીતરેલું.

Man wearing Red scarf

                            'Man wearing red scarf/લાલ ગમછો પહેરેલો માણસ' શિર્ષકવાળા ચિત્રમાં એક પ્રૌઢ છે, જેણે ટોપી પહેરેલી છે, માથા ફરતે લાલ ગમછો એ રીતે વીંટાળ્યો છે કે કાન ઢંકાઈ જાય. એ ગમછા પર ટોપી આવી જાય. ટપકાંવાળું શર્ટ કે પહેરણ અને તેની પર પહેરેલું સોનેરી ટપકાંવાળું સ્વેટર. એકદમ 'ચીપ' લાગે એવા ટેસ્ટવાળો આવો પહેરવેશ પહેરનાર પણ કેવો હશે! પણ અહીં આ ચિત્રમાં તેની ટોપી, ગમછો, શર્ટ કે સ્વેટરનું પોત જાણે કે ચિત્રકારે પોતે સ્પર્શીને ચીતર્યું હોય એવું જણાય. એ ફોટોજેનિક સુંદર નહીં, પણ વાસ્તવિક હોય એવું કુરૂપ લાગે અને છતાં એને જોવાની મઝા આવે. પ્રૌઢના હાથમાં કોઈક પુસ્તક છે. પાકા અને સાદા પૂંઠાવાળું, દેવનાગરીમાં લખાયેલું કોઈ શિર્ષક ધરાવતું આ પુસ્તક સંભવત: ધર્મને લગતું કોઈક પુસ્તક હશે. પ્રૌઢના ચહેરા પર કોઈ વિશેષ ભાવ નથી. એ બીજી તરફ જોઈ રહ્યો છે. તેની પૃષ્ઠભૂમિમાં માત્ર લીલો રંગ છે, અને લઘુચિત્રશૈલીમાં હોય એવાં કાળાંધોળાં, કેસરી વાદળ બતાવ્યાં છે. આ માણસને જોઈને એમ જ લાગે કે આને આપણે આપણી આસપાસ જ ક્યાંક ને ક્યાંક રોજ જોતા હોઈએ છીએ. એ ટોળામાં હોય તો ઓળખાઈ જાય એવી કોઈ વિશેષતા એનામાં નથી, પણ ભૂપેને બહુ પ્રેમપૂર્વક આ માણસના જીવનરસને ચીતર્યો છે. આ ચિત્ર તેમણે 1981માં તૈલરંગોમાં ચીતરેલું.

Man eating jalebi 

                    ભૂપેનનું એક અતિ જાણીતું ચિત્ર 'Man eating jalebi/જલેબી ખાતો માણસ' પણ આવી શ્રેણીનું છે. ચિત્રની અગ્રભૂમિમાં જમણી તરફ એક પ્રૌઢ બેઠેલો છે. કાળી ટોપી અને ખૂલતું ખમીસ તેણે પહેરેલાં છે. ગળામાં લાલ ગમછો હોય એમ લાગે છે. કોઈક 'હોટેલ'ની ખુરશી પર તે ગોઠવાયો છે, અને સામે આરસના ટૉપવાળું ટેબલ છે. તેના એક હાથમાં જલેબી છે, અને બીજી જલેબી પ્લેટમાં પડેલી છે. તેની આંખો સીધી જ દર્શકની સામે છે. તેના હાથના પંજા શરીરના પ્રમાણમાં વધુ પડતા મોટા છે. ખુરશીની ફ્રેમ જાડી લોખંડની પાઈપની છે, જેની વચ્ચેનો ભાગ પ્લાસ્ટિકથી ભરેલો છે. ખુરશીની પાછળ રેલિંગ છે અને તેની પાછળ પૃષ્ઠભૂમિમાં દરિયો.
જલેબી ખાનારના ચહેરા પર આનંદના ભાવ છે, જાણે કે આ ક્ષણે જલેબી ખાવી એ જ એના જીવનનો કેન્દ્રભાવ હોય. જલેબી ખાવાની મઝા તે ગરમાગરમ હોય તો બેવડાઈ જાય અને આવી નાની હોટેલમાં ગરમાગરમ જલેબીની પ્લેટ મળતી હોય છે. કદાચ પ્લેટમાંની જલેબી ઠંડી જાય તો એને ખાવાની મઝા જતી રહે. પણ આ પ્રૌઢ બિલકુલ નિરાંતભાવે તે આરોગી રહ્યો છે. જાણે કે જીવનની આ ક્ષણોનો આસ્વાદ તે જલેબીને ધીમેથી ચાવતો હોય એમ, કશી ઉતાવળ વિના લઈ રહ્યો છે.
તેની પાછળ એકદમ ભૂરા, કેલેન્ડરીયા રંગનો દરિયો છે. એક તરફ સડક છે અને સામે ગામ હોય એમ લાગે છે. સૌથી નજીક બે વ્યક્તિઓ બેઠેલી છે, જેમાં એક પ્રમાણમાં જુવાન છે, અને સફેદ વાળવાળી વ્યક્તિ પ્રૌઢ. તેઓ કશીક વાત કરી રહ્યા છે. સડક પર એક કાર જઈ રહી છે અને દરિયામાં દેખાતા વહાણમાં એક વ્યક્તિ જઈ રહી છે. એ વ્યક્તિ એકાકી છે. એ કદાચ કોઈક દૂરના પ્રવાસે જતી હોય એમ પણ બને. સામે છેડે દેખાતું ગામ બિલકુલ લઘુચિત્ર શૈલીનું છે. પાછળ દેખાતું પાણી દરિયાનું જ છે, અને નદીનું નહીં, એમ શી રીતે કહી શકાય? પેલા ગામમાં ઊગેલાં નાળિયેરીનાં વૃક્ષો સૂચવે છે કે આ દરિયો છે. નદી હોય તો મુસાફરી કદાચ સામે પાર સુધીની- ટૂંકી હોય, પણ દરિયાની મુસાફરી લાંબી- અનંત તરફની હોય એવો ભાવ છે. કદાચ આ ચિત્રમાં સૌનું એકાકીપણું સૂચવાયું હોય એમ લાગે છે. અને એ એકાકીપણા સાથે વિવિધ વ્યક્તિઓ પોતાની રીતે કામ પાર પાડી રહી જણાય છે. આ ચિત્ર તેમણે 1974માં તૈલરંગોમાં ચીતરેલું. 'હોટેલ'નો આગલો ભાગ કદાચ કોઈક રેસ્તોરાંના સ્કેચના આધારે, અને પાછળનો લેન્ડસ્કેપ અન્ય કોઈ દૃશ્યના આધારે બનાવ્યો હશે એમ લાગે છે. દરિયો હોય એવા સ્થળોમાં મુંબઈ ઉપરાંત જાફરાબાદની મુલાકાત પણ ભૂપેને લીધી હતી. એટલે શક્ય છે કે આ લેન્ડસ્કેપ એ બેમાંથી કોઈક સ્થળનો હોય. (કે ન પણ હોય.)

Saturday, August 28, 2021

ભૂપેન ખખ્ખરનાં ચિત્રોનો આસ્વાદ (16)

ચિત્ર દ્વારા સ્વકથન  

ઈસપની જાણીતી બોધકથા છે. પિતાપુત્ર પોતાના ગધેડાને લઈને પરગામ જવા નીકળે છે. બન્ને ચાલતા હોય છે, સાથે ગધેડો પણ. રસ્તામાં એક ગામ આવે છે. ગામના લોકો આ જોઈને હાંસી ઉડાવતા કહે છે, 'ખરા મૂરખ છે! છતે ગધેડે બેય ચાલતા જાય છે.' ટીકાથી વ્યથિત થયેલા પિતાપુત્ર પૈકી પિતા ગધેડા પર બેસે છે, પુત્ર તેમની સાથે ચાલે છે. રસ્તે કોક કહે છે, 'ખરો બાપ છે આ તો! બિચારા નાજુક છોકરાને ચલાવે છે, અને પોતે ગધેડા પર ચડી બેઠો છે!' વ્યથિત થયેલા પિતા નીચે ઉતરી જાય છે, અને પુત્રને ગધેડા પર બેસાડે છે. પોતે સાથે ચાલે છે. વળી બીજું કોક મળે છે એ કહે છે, 'છોકરો કેવો બેશરમ છે! ઘરડા બાપને ચલાવે છે અને પોતે મોજથી ગધેડા પર ગોઠવાઈ ગયો છે.' હવે શું કરવું એ બેયને સમજાતું નથી. આખરે છોકરો પણ નીચે ઉતરી જાય છે. પિતાપુત્ર મળીને ગધેડાને ઊંચકી લે છે. પણ એક નદી પાર કરવા જતાં ગધેડો પડી જાય છે, ડૂબીને મરણ પામે છે. ત્યારે બાપ દીકરાને કહે છે, 'લોકોનું કહ્યું ન માન્યું હોત તો?' આ કથા પાઠાંતરે મોટા ભાગના લોકોને યાદ હશે.

ચિત્રકાર ભૂપેન ખખ્ખરે આ બોધકથાનો ઉપયોગ પોતાના એક ચિત્રમાં કરીને પોતાના એક મહત્ત્વના વલણની ઘોષણા કરી. આજે 'સમલૈંગિક ચિત્રકાર' તરીકે ઓળખાતા ભૂપેનની એ ઓળખ હજી જાહેર થઈ નહોતી. અંગત વર્તુળમાં સૌ એ જાણતા હતા. ખુદ ભૂપેનને એ જાહેર કરતાં સંકોચ થતો હતો. પણ 1979માં તે ઈન્ગ્લેન્ડના પ્રવાસે ગયા અને ત્યાં રહ્યા ત્યારે તેમણે જોયું કે ત્યાં આ બાબતનો કોઈ છોછ નથી. બલ્કે ત્યાં સમલૈંગિકો મુક્ત રીતે હરેફરે છે, સાથે રહે છે, અને ઘણે અંશે સમાજમાં સ્વીકાર્ય છે. આ જોયા પછી તેમનામાં હિંમતનો સંચાર થયો. ઈન્ગ્લેન્ડથી પાછા આવ્યા પછી થોડા સમયમાં તેમનાં માતા મહાલક્ષ્મીબેનનું અવસાન થયું અને ભૂપેન એકલા પડ્યા. 1981માં તેમણે આ ચિત્ર બનાવ્યું, જેનું શિર્ષક છે 'You can't please all/તમે સહુ કોઈને રાજી રાખી શકો નહીં.' ભૂપેનનું આ ચિત્ર આત્મકથાનક કહી શકાય. ચિત્રમાં તેમણે બાપદીકરો અને ગધેડાના પાત્રને દર્શાવ્યું છે, પણ એમની આસપાસ જનજીવન દર્શાવ્યું છે, જે પોતાની રીતે ચાલતું રહે છે. કોઈને બાપદીકરા તરફ જોવાની ફુરસદ નથી.
કોઈક ઓટલે બેઠેલું છે, તો કોક મકાનની ઓસરીમાં ખાટલો ઢાળીને. કોઈક આંબે આવેલી કેરીઓ વેડી રહ્યું છે. કોઈક ઘરમાં સદ્ગતની છબિ પર હાર ચડાવીને કદાચ પાઠ થઈ રહ્યા છે. કોઈક કારનું બોનેટ ખોલીને એમાં માથું નાખીને ઊભો છે, તો કોઈક સાયકલવાળાની દુકાને બેસીને છાપું વાંચે છે. દૂર ક્યાંક મજૂરો મકાનના બાંધકામમાં વ્યસ્ત છે. ઘરમાં મહિલાઓ અને પુરુષો અલગ અલગ બેસીને ગપાટા હાંકી રહ્યા છે.
પોતાના મકાનની ઓસરીમાં ઊભેલો એક પુરુષ આ તમામ દૃશ્યોને સાક્ષીભાવે નિહાળી રહ્યો છે. એ પુરુષ કદાચ સૂઈને જાગ્યો છે. તે સંપૂર્ણ નગ્નાવસ્થામાં છે. તેના ચહેરા પર કોઈ વિશેષ ભાવ નથી. કદાચ બાપદીકરો અને ગધેડાવાળો ઘટનાક્રમ જોઈને તે વિચારી રહ્યો છે, 'તમે સહુ કોઈને રાજી રાખી શકો નહીં.' પૂર્ણ કદની આ માનવાકૃતિની સરખામણીએ સામે શેરીમાં દેખાતી માનવાકૃતિઓનું કદ ઘણું નાનું છે. શેરીનાં મકાનો અને આંબાનું ઝાડ બિલકુલ લઘુચિત્ર શૈલીમાં ચીતરેલા જણાય છે. મુખ્ય માનવાકૃતિની એનેટોમી પ્રમાણમાપ વિનાની છે, પણ ચિત્રનો સંદેશ એકદમ સ્પષ્ટ છે. આ આકૃતિનો ચહેરો ખુદ ભૂપેન ખખ્ખરનો હોય એમ જણાય છે. ઓસરીમાં વાળીને ઉપર ચડાવેલી ચટાઈની ભાત સુદ્ધાં ચીતરવામાં આવી છે. એ જ રીતે સૂકવવા મૂકેલા ટુવાલના રુંછાં પણ દર્શાવવામાં આવ્યા છે.
આજે આટલાં વરસે પણ આ ચિત્ર તેમની ઓળખ સમાન બની રહ્યું છે. 2016માં લંડનની ખ્યાતનામ ટેટ ગેલરીમાં ભૂપેનનાં ચિત્રોનું પ્રદર્શન યોજાયું એનું નામ જ You can't please allહતું, તેમજ એ નિમિત્તે તેમના દ્વારા પ્રકાશિત પુસ્તકનું નામ પણ You can't please all છે.
ચિત્રમાં વપરાયેલા રંગો ભૂપેનની શૈલીની લાક્ષણિક ઓળખ સમા છે. આ ચિત્રને બરાબર માણવા માટે તેને મેગ્નિફાય કરીને તેમાં ચીતરાયેલી વિવિધ ઘટનાઓ જોવા જેવી છે.

You Can't please all by Bhupen Khakhar 


Friday, August 27, 2021

ભૂપેન ખખ્ખરનાં ચિત્રોનો આસ્વાદ (15)

ભૂપેન ખખ્ખરની શૈલી પર ચિત્રકારોનો પ્રભાવ 

ભૂપેન ખખ્ખરની ચિત્રશૈલી પર બે ચિત્રકારોનો મુખ્ય પ્રભાવ હોવાની વાત જાણીતી છે. એમાંના એક તે બ્રિટીશ ચિત્રકાર ડેવિડ હૉકની/David Hockney અને બીજા હતા ફ્રેન્ચ ચિત્રકાર હેન્રી રુસો/Henry Rousseau. આ બન્ને ચિત્રકારોનો સમયગાળો અલગ અલગ છે. હૉકની વીસમી સદીમાં થઈ ગયા, અને લગભગ ભૂપેનના સમકાલીન કહી શકાય. રુસો ઓગણીસમી સદીમાં, ઉત્તર પ્રભાવવાદ/Post impresionismના ગાળામાં થઈ ગયા.

ભૂપેન આ બન્નેની શૈલીથી પ્રભાવિત થયા હશે, પણ તેમણે કોઈની નકલ કરવાને બદલે પોતાની આગવી શૈલી નીપજાવી. હૉકનીએ પોપ આર્ટનો પ્રકાર અજમાવેલો, અને ભડકીલા રંગોનો પોતાનાં ચિત્રોમાં તેમણે ઉપયોગ કર્યો. ભૂપેનનાં ચિત્રોમાં જોવા મળતા ભડકીલા, પણ ભારતીય શૈલીના રંગો કદાચ હૉકનીમાંથી લેવાયેલી પ્રેરણા હોઈ શકે.

ડેવિડ હૉકનીનું એક ચિત્ર 

ડેવિડ હૉકનીનું એક ચિત્ર 

રુસોની શૈલી આદિમવાદ/Primitivism કહેવાય છે. આ પ્રકારના ચિત્રોમાં એક કેળવાયેલો કલાકાર જે પૂર્ણતાથી આકૃતિઓ ચીતરે તેનો અભાવ હોય છે. કંઈક અંશે અણઘડપણું આ શૈલીની ઓળખ કહી શકાય. ભૂપેનનાં ચિત્રોમાં આ શૈલી ઘણી વાર જોવા મળે છે.
Jungle in Paris by Henry Rousseau


A painting by Henry Rousseau

અલબત્ત, ભૂપેનની મૌલિકતા તેમના ચિત્રોમાં જોવા મળતી ભારતીયતામાં હતી, જેમાં ભારત બહારના લોકોને વિશેષ રસ પડ્યો. વિકસવા મથતું શહેર, તેમાં હરતાફરતા માણસો, તેમના વ્યવસાય, તેમની જાતીય સમસ્યાઓ, તેમની મુશ્કેલીઓ, તેના થકી ઊભી થતી રમૂજી પરિસ્થિતો ભૂપેનનાં ચિત્રોમાં તેમના તીવ્ર નિરીક્ષણ થકી ઝળકવા માંડી.
અહીં હૉકની અને રુસોની શૈલી સાથે ભૂપેનની શૈલીના સામ્યનો અને તફાવતનો અંદાજ આવી શકે એટલા માટે બન્ને કલાકારોએ ચીતરેલાં બબ્બે ચિત્રો અને એકાદ ચિત્ર ભૂપેનનું મૂક્યું છે. એ જોઈને ખ્યાલ આવશે કે ભૂપેન કઈ રીતે મૌલિક હતા.
ભૂપેન ખખ્ખરનું એક ચિત્ર 


Thursday, August 26, 2021

ભૂપેન ખખ્ખરનાં ચિત્રોનો આસ્વાદ (14)

કરણ ગ્રોવરનું પોર્ટ્રેટ  

ભૂપેન ખખ્ખરે ચીતરેલાં કેટલાંક પોર્ટ્રેટ વિશે વાત કરી રહ્યા હોઈએ ત્યારે કરણ ગ્રોવરનું ભૂપેને ચીતરેલું આ પોર્ટ્રેટ ઉલ્લેખનીય છે. કરણ ગ્રોવર વડોદરાસ્થિત જગવિખ્યાત આર્કિટેક્ટ છે. ચાંપાનેર માટેનો તેમનો લગાવ જાણીતો છે. ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન અપાવવામાં તેમના પ્રયત્નોનું ઘણું પ્રદાન રહેલું છે. ભૂપેનના તે મિત્ર પણ હતા. (એ વ્યક્તિ તરીકે કેવા છે એની વાત અસ્થાને છે)

ભૂપેને ચીતરેલા તેમના પોર્ટ્રેટનું શિર્ષક છે Portrait of Karan Grover near Champaner/ચાંપાનેર નજીક કરણ ગ્રોવરનું પોર્ટ્રેટ. આ ચિત્રમાં બે રંગોનું પ્રભુત્વ વધુ જણાય છે. એક તો ભૂરો અને બીજો કાળો. કરણ ગ્રોવરના પોશાકમાં આ રંગો એ રીતે ચીતરાયા છે કે તે પશ્ચાદ્ભૂનો જ એક ભાગ જણાય. શ્વેતશ્યામ ચિત્રોમાં કલાકારો કાળા રંગનો ઉપયોગ કરે એ અલગ વાત છે, પણ ભૂપેને રંગીન ચિત્રમાં કરેલો કાળા રંગનો ઉપયોગ આખા ચિત્રને એક જુદું જ પરિમાણ આપે છે. પૃષ્ઠભૂમિમાં પર્વતો છે, જે પાવાગઢ હોઈ શકે. તેની પર કિલ્લાની દિવાલ, કમાન, છત્રી, ગુંબજ જેવાં વિવિધ બાંધકામ છે. ઉંચાનીચા ભાગને લઈને છાયાપ્રકાશ છે ખરો, પણ સમગ્રપણે આ ચિત્ર એક ડાર્ક ચિત્ર હોવાનું અનુભવાય છે. પૃષ્ઠભૂમિની શૈલી લઘુચિત્રની છે. પાછળ રહેલી માનવાકૃતિઓમાં અમુક અંધારામાં છે, અમુકના શરીરના કેટલાક ભાગ પર પ્રકાશ પડે છે. આ આકૃતિઓના શરીરનું પ્રમાણમાપ યોગ્ય નથી, પણ તે વધુ વાસ્તવિક જણાય છે. ભૂરા રંગનું આકાશ અદ્દલ લઘુચિત્રોમાં હોય છે એ જ રંગનું છે. પહેરણની બાંયમાંથી બહાર નીકળતા કરણ ગ્રોવરના હાથના આંગળા પણ પ્રમાણમાપ વિનાના છે, આમ છતાં કરણ ગ્રોવરનું આખેઆખું વ્યક્તિત્વ આ ચિત્રમાં ઉપસી આવે છે. તેમના ભૂરા રંગના પહેરણ પર સોનેરી ટપકાં તેમનો રજવાડી મિજાજ બતાવે છે. સામાન્ય પોર્ટ્રેટમાં હોય છે એમ મુખ્ય પાત્ર અહીં કેન્વાસની વચ્ચે નથી, પણ ડાબી તરફ છે, જેથી પૃષ્ઠભૂમિ ચીતરવા માટે પૂરતો અવકાશ મળી રહે છે, જે આ પાત્રથી અલગ કરી શકાય એમ નથી.



Wednesday, August 25, 2021

ભૂપેન ખખ્ખરનાં ચિત્રોનો આસ્વાદ (13)

સલમાન રશ્દીનું પોર્ટ્રેટ  

ભૂપેન ખખ્ખરે ચીતરેલાં મર્યાદિત પોર્ટ્રેટમાંનું એક સલમાન રશ્દીનું છે. રશ્દીનું આ પોર્ટ્રેટ ચીતરવાનું કામ ભૂપેનને શી રીતે સોંપાયું એ કથા પણ રસપ્રદ છે. અહીં એ લોભ ટાળીને માત્ર ને માત્ર પોર્ટ્રેટકેન્દ્રી વાત કરીએ.

સલમાન રશ્દીના પોર્ટ્રેટનું શિર્ષક છે The Moor/ ધ મૂર. યુરોપીય લોકો સામાન્ય રીતે મુસ્લિમો માટે આ શબ્દપ્રયોગ કરતા હોય છે. આનો સંદર્ભ હતો સલમાન રશ્દીની નવલકથા The Moor's last sigh.
રશ્દીનું આ પોર્ટ્રેઈટ ભૂપેને અસલ ભારતીય રજવાડી શૈલીમાં ચીતર્યું, જેમાં તેમને પારદર્શક નાયલોન શર્ટ પહેરેલા બતાવ્યા. ભૂપેને ચારકોલ વડે ચહેરાની રેખા ચીતરવાની શરૂ કરી અને રશ્દીના ચહેરાનો આકાર ઉપસવા લાગ્યો. ચિત્ર તૈયાર થયું ત્યારે રશ્દી ચીતરાયેલા હતા, પણ તેમનું ચિત્રણ તેમની નવલકથામાંના મૂરના પાત્ર જેવું જણાતું હતું. આમ વિષય અને પાત્ર પરસ્પર એકરૂપ બની ગયા હતા. ભૂપેને કહેલું: ‘તમને બન્નેને ચીતર્યા છે. તમને મૂર તરીકે અને મૂરને તમારી જેમ.’ સલમાન રશ્દીના પોર્ટ્રેટનું શિર્ષક ભૂપેને ‘ધ મૂર/The Moor’ રાખ્યું. રશ્દીની આસપાસ તેમની નવલકથાનાં પાત્રો અને ઘટનાઓ ચીતરાયેલાં છે. ચિત્રની પૃષ્ઠભૂમિ લઘુચિત્રની શૈલીમાં ચીતરાયેલી છે. સલમાન રશ્દીનો ચહેરો પિક્ચર પરફેક્ટ નથી જણાતો, તેમાં એનેટોમીનું પ્રમાણ નથી જળવાયું, છતાં તેમાં સલમાન રશ્દીપણું ઝળકે છે. ચિત્રમાં કાળા રંગનો ઉપયોગ પણ વધુ પ્રમાણમાં થયો છે.
પણ આ ચિત્રની કથા આટલી નથી. રશ્દીએ આ પોર્ટ્રેટના સિટીંગ દરમિયાન ભૂપેનને એક સત્યઘટના જણાવેલી, જે આ મુજબ હતી.
રશ્દીનો જન્મ મુંબઈ ખાતે થયેલો. તેમનો જન્મ થતાં અગાઉ તેમનાં માતાપિતાએ મુંબઈના એક ચિત્રકાર પાસે બાળકોને ગમે એ રીતનાં થોડાં ચિત્રો દોરાવડાવ્યાં. આ ચિત્રકાર હતા કૃષ્ણ ખન્ના, જે આગળ જતાં ખૂબ નામ કમાયા. એ સમયે તે સંઘર્ષરત કલાકાર હતા. બીજાં ચિત્રોની સાથે કૃષ્ણ ખન્નાએ સલમાનની માતાનું પણ ચિત્ર દોર્યું. અલબત્ત, એ વખતે હજી સલમાનનો જન્મ થયો ન હતો. સલમાનના પિતાને આ ચિત્ર પસંદ ન આવ્યું. આથી તેમણે એ ચિત્ર ખરીદવાનો ઈન્કાર કરી દીધો. આ કેન્વાસને ખન્નાએ પોતાના એક ચિત્રકાર મિત્ર એમ.એફ.હુસેનના સ્ટુડિયોમાં મૂક્યો. હુસેને એક વખત આ ચિત્રની ઉપર જ નવું ચિત્ર ચીતર્યું. કેન્વાસ પર આ શક્ય છે. એ નવું ચિત્ર વેચાઈ પણ ગયું.
વરસો પછી સલમાન રશ્દીને આ બાબતની જાણ થઈ. બી.બી.સી.એ હુસેન પાસેથી એ ચિત્રના સગડ મેળવવાના પ્રયત્નો આદર્યા. બી.બી.સી.ની ટીમે હુસેનનો સંપર્ક કર્યો ત્યારે હુસેને આવી કોઈ ઘટના બની હોવાનો ઈન્કા ર કરી દીધો અને ચિત્રનો અતોપતો જણાવવાની સીધી ના પાડી દીધી. કૃષ્ણ ખન્નાએ આ જાણીને કહેલું: ‘પોતાના ચિત્રની તમામ વિગત હુસેન જાણતા હોય છે. પણ તેમને લાગ્યું હશે કે રશ્દીની માતાનું ચિત્ર મેળવવા માટે આ લોકો પોતાનું બનાવેલું ચિત્ર નષ્ટ કરી દેશે. તેમને એ બાબતે પણ અસુખ લાગ્યું હશે કે આ લોકો કૃષ્ણ ખન્નાના ચિત્રની પાછળ પડી ગયા છે અને પોતાના ચિત્રની કશી પડી નથી.’ ખન્નાના આરંભિક કાળનું આ કાર્ય હોવાથી રશ્દીના પિતાનો નિર્ણય સાચો હશે, અને એ ચિત્ર આબેહૂબ નહીં, પણ સૂચક હશે એમ માનીને આખરે સૌએ મન મનાવવું પડ્યું.
રશ્દીની માતાના ચિત્રની ઉપર દોરાયેલા ચિત્રની વાત ભૂપેનના દિલમાં ઊતરી ગઈ. તેમણે રશ્દીનું પોર્ટ્રેટ એ રીતે ચીતર્યું કે વિષય (રશ્દી) અને પાત્ર (મૂર) એકમેકની ઉપર આવે. આ રીતે તેમણે પેલા ખોવાયેલા ચિત્ર પર બનાવાયેલા ચિત્રવાળા પ્રસંગનું સાટું વાળતા હોય એમ યુક્તિપૂર્વક એ વાત પોર્ટ્રેટમાં વણી લીધી.
આ ઉપરાંત આ નવલકથાની કથનશૈલીમાં પણ જાણે કે આવી બાબત પ્રતિબિંબીત થતી હતી. તેમાં ઈતિહાસ અને કલ્પનાના તાણાવાણા એ રીતે ગૂંથવામાં આવ્યા હતા, જાણે કે એક શબ્દની નીચે બીજો શબ્દ છુપાયેલો હોય. વાત કોઈક કાલ્પનિક પાત્રની હોય, પણ તેનો સંદર્ભ ઈતિહાસના કોઈક પાત્ર સાથે હોય.
એટલે કે નજર સામેના એક પાત્રની પાછળ ભૂતકાળનું કોઈ પાત્ર છુપાયેલું હોય.
સલમાન રશ્દીનું ભૂપેને તૈયાર કરેલું આ પોર્ટ્રેટ લંડનની નેશનલ પોર્ટ્રેઈટ ગેલેરીમાં મૂકાયું, અને ભૂપેન એવા પહેલવહેલા ભારતીય ચિત્રકાર બન્યા, જેમનું ચિત્ર અહીં પ્રદર્શિત થયું હોય. આ નવલકથામાં રશ્દીએ ભૂપેનની ઢબછબ ધરાવતા એક હિસાબનીશનું પાત્ર આલેખ્યું હતું.

સલમાન રશ્દીના પોર્ટ્રેટ માટેનું રેખાંકન

સલમાન રશ્દીનું ભૂપેને તૈયાર કરેલું પોર્ટ્રેટ 'ધ મૂર'

Tuesday, August 24, 2021

ભૂપેન ખખ્ખરનાં ચિત્રોનો આસ્વાદ (12)

વાત પોર્ટ્રેટની, ખાસ કરીને ભૂપેન ખખ્ખરે ચીતરેલાં પોર્ટ્રેટની કરીએ તો એવી પ્રચલિત છાપ છે કે તેમણે પોર્ટ્રેટ ઓછાં ચીતર્યાં છે. એમાંય સ્ત્રીઓ...એમનાં સાવ ઓછાં ચિત્રોમાં સ્ત્રીઓ જોવા મળે છે. ગુલામ મોહમ્મદ શેખનાં પત્ની નિલીમા શેખને તેમણે 'Mrs. Nilima Sheikh looking at ornage flower/નારંગી રંગના ફૂલ તરફ જોઈ રહેલાં શ્રીમતી નીલિમા શેખ' શિર્ષકવાળા ચિત્રમાં ચીતર્યાં છે. નિલીમા શેખે મને એક મુલાકાતમાં કહેલું, 'ભૂપેને ખુશમિજાજ ચીતરી હોય એવી એક માત્ર સ્ત્રીનું ચિત્ર મારું છે.' તેમની વાત સાચી છે.

જો કે, ભૂપેને એક અનન્ય મહિલાનું પોર્ટ્રેટ તેની તસવીર પરથી ચીતરેલું. એ મહિલાનું નામ રખમાબાઈ. 19મી સદીના ઉત્તરાર્ધમાં જન્મેલી રખમાબાઈની અગિયાર વર્ષની વયે, એ જમાનાના રિવાજ મુજબ લગ્ન થઈ ગયું. પતિની ઉંમર બાવીસ વર્ષની. લગ્ન પછી અગિયાર વર્ષ સુધી રખમાબાઈ પિયરમાં જ રહ્યાં અને કેળવણી પ્રાપ્ત કરતાં રહ્યાં. તેમનો પતિ કશું કરતો નહોતો. રખમાબાઈનો વિકાસ થતો રહ્યો, આથી કાળક્રમે સ્થિતિ એવી ઊભી થઈ કે આવા નકામા પતિને ત્યાં જવાના વિચારમાત્રથી તેમને દહેશત લાગવા માંડી. પતિએ પત્નીને પામવા માટે મુંબઈની વડી અદાલતમાં મુકદ્દમો દાખલ કર્યો. અદાલતે રખમાબાઈને પતિને ત્યાં જવાનો હુકમ કર્યો. હજી 'સત્યાગ્રહ' શબ્દનો જન્મ થયો નહોતો એવે સમયે રખમાબાઈએ ભરી અદાલતમાં ઘોષણા કરી દીધી કે પોતે એવા પતિને ત્યાં જવા કરતાં જેલની સજા ભોગવશે. એ એવો સમય હતો કે જેલની સજા ભોગવવાનું કોઈ સ્ત્રી તો ઠીક, પુરુષ સુદ્ધાં વિચારી ન શકે. અલબત્ત, આખરે રખમાબાઈની જીત થઈ. બે હજાર રૂપિયા લઈને તેમના પતિએ મામલો નિપટાવ્યો. રખમાબાઈ એ પછી ઈન્ગ્લેન્ડ ગયાં અને ડૉક્ટર બનીને સ્વદેશ પરત ફર્યાં. તેમના જીવન પરથી મરાઠીમાં 'ડૉક્ટર રખમાબાઈ' નામે ફિલ્મ પણ બની છે, જેની રજૂઆત 2016માં થઈ હતી.
દિલ્હીસ્થિત ઈતિહાસકાર સુધીર ચન્દ્રે આ અસાધારણ મહિલાના અસાધારણ મુકદ્દમાને ધ્યાનમાં રાખીને એક પુસ્તક લખ્યું. 'Enslaved Daughters' નામનું આ પુસ્તક 1998માં ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રકાશિત થયેલું. આ પુસ્તકનું આવરણ ભૂપેને ચીતરેલું. સુધીર ચન્દ્ર અને ભૂપેન ખાસ મિત્રો હતા. સુધીર ચન્‍દ્ર એ સમયે સુરતના 'સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝ' સાથે સંકળાયેલા હતા. ભૂપેને રખમાબાઈની એક તસવીર માંગી અને તેની પરથી પોર્ટ્રેટ ચીતર્યું.
આ પુસ્તકની પછી તો અનેક આવૃત્તિ થઈ.
ભૂપેને ચીતરેલું આ પોર્ટ્રેટ જુઓ. એનેટોમીની રીતે એ પૂર્ણ નથી. પણ રખમાબાઈની આંખો દર્શકને વિચલીત કરી મૂકે છે. ચહેરો કદાચ વર્તમાનને કારણે ઉદાસ છે, પણ તેની આંખોમાં ચિંતાના ભાવ સાથે ભવિષ્ય માટેનો દૃઢ સંકલ્પ હોય એમ જણાય છે. સુધીર ચન્દ્રે પોતે લખ્યું છે એમ, 'અનાયાસે જ ભૂપેને દોરેલા એ અસાધારણ મહિલાના ચિત્રમાં 'એન્ડ્રોજની'/ઉભયલિંગીપણું પણ ઝળકે છે.
પોર્ટ્રેટમાં સામાન્ય રીતે કાળો રંગ વાપરવાની હિંમત ઓછા કલાકારો કરે છે. ભૂપેને એવી કોઈ પરવા વિના એનો ઉપયોગ કર્યો છે એ જોવા જેવું છે.
ભૂપેનનાં અનેક ચિત્રોની એ ખાસિયત હતી કે એમાં એન્ડ્રોજનીની ઝલક જોવા મળતી. એ વિશે વધુ વાત આગળ ઉપર કરીશું.
ભૂપેને ચીતરેલું રખમાબાઈનું પોર્ટ્રેટ 

આ પુસ્તકની સુધીર ચન્‍દ્રે ભૂપેનને આપેલી
નકલ પર સુધીર ચન્દ્રના હસ્તાક્ષર
અને લખાણ

ડાબે રખમાબાઈની મૂળ તસવીર
અને જમણે તેમના જીવન પર બનેલી ફિલ્મની જાહેરખબર,
જેમાં તન્નિષ્ઠા ચેટરજીએ આ ભૂમિકા ભજવી હતી.

Monday, August 23, 2021

ભૂપેન ખખ્ખરનાં ચિત્રોનો આસ્વાદ (11)

પોર્ટ્રેટ  

પોર્ટ્રેટ એટલે ચહેરો દર્શાવતું ચિત્ર, છબિ, રેખાંકન કે પ્રિન્ટ. તેમાં માત્ર માથાનો એટલે કે ચહેરાનો ભાગ હોય કે બહુ બહુ તો ખભાનો ભાગ હોય. સ્વાભાવિક છે કે એમાં જે તે વ્યક્તિની ઓળખ સ્પષ્ટપણે છતી થતી હોય. કેમેરા વડે એવી તસવીર લેવામાં સરળતા છે, પણ ચિત્ર દોરનારના ભાગે મહેનત થોડી વધુ આવે. પણ શું માત્ર ચહેરો ઓળખાય એવીજ છબિ કે ચિત્રને પોર્ટ્રેટ કહેવાય? એમ હોય તો પાસપોર્ટ સાઈઝના ફોટાને પોર્ટ્રેટની શ્રેણીમાં મૂકવો પડે. તેને બદલે એવો વિચાર સુદ્ધાં આપણને નથી આવતો કે પાસપોર્ટ સાઈઝના ફોટાને પોર્ટ્રેટ ગણીએ.

એનો અર્થ એ કે પોર્ટ્રેટમાં માત્ર ચહેરાનું સામ્ય પૂરતું નથી. એ વ્યક્તિના વ્યક્તિત્ત્વની ઓળખ એમાં છતી થવી જોઈએ. કેમેરામાં યોગ્ય પ્રકાશ અને યોગ્ય એન્ગલ તેમજ પાત્રના મૂડ થકી આ થઈ શકે છે. ચિત્રમાં આ કામ એક જ વારમાં પૂરું થતું નથી. એ તબક્કાવાર ચાલતું રહે છે. એમાં ઘણી વાર પાત્ર સિટીંગ આપે અને કલાકાર તેનું ચિત્ર બનાવે તો ક્યારેક જે તે પાત્રની છબિનો પણ આધાર લેવામાં આવે છે. ઘણા બધાના ઘરમાં પોતાના દાદા કે પરદાદાનું આવું પોર્ટ્રેટ હશે યા હવે કદાચ કાઢી નાંખ્યું હશે. આ પ્રકારનું પોર્ટ્રેટ કરનારા ઘણા વ્યાવસાયિક ચિત્રકારો હતા.
ભૂપેન ખખ્ખરનાં ચિત્રોમાં શરૂઆતના તબક્કે માનવાકૃતિઓનું કદ તેના પરિવેશની સરખામણીએ ઘણું નાનું હતું એ આપણે જોયું. ધીમે ધીમે એ કદ વધતું જાય છે, અને પોતાના જીવનના છેલ્લા બે દાયકા દરમિયાન તેમણે પૂર્ણ કદની માનવાકૃતિઓ પોતાના ચિત્રમાં પ્રયોજી. તેમનાં ચિત્રો જોતાં એ ખ્યાલ આવે છે કે તેમનાં પાત્રોના ચહેરા વિચિત્ર જણાય છે. એમ એટલે લાગે છે કેમ કે, આપણે સામાન્ય રીતે ચહેરાને રૂપાળા, પ્રકાશમાં જોવા ટેવાયેલા છીએ. ભૂપેનનાં પાત્રો ભાગ્યે જ હસતા જોવા મળે, કેમ કે, એક તો એ પાત્રોની મુખરેખાઓ જ આબેહૂબ ન હોય, એનેટોમીની રીતે એ સુડોળ ન હોય, અને ખાસ કરીને દર્શકની સામે જોતાં એ પાત્રોમાં એવું કશુંક હોય જે જોનારને વિહ્વળ કરી મૂકે. તેમનાં પાત્રો આસપાસના પરિવેશનો જ એક ભાગ લાગે. એમ પણ કહેવાતું કે ભૂપેનને માનવાકૃતિઓ બનાવવામાં એટલી ફાવટ નહોતી. પોર્ટ્રેટ પર એમણે ખાસ હાથ અજમાવ્યો નહોતો. અલબત્ત, ભૂપેન સતત શીખતા રહેતા ચિત્રકાર હતા. પોતાને શું આવડે છે, અને ખાસ તો શું નથી આવડતું એ બાબતે એ બહુ સ્પષ્ટ હતા.
સુરેશ જોશીનું ભૂપેને કરેલું રેખાંકન 
મૂળ તો તેમને માણસમાં રસ હતો. રસ પડે એ માણસને પછી તે ચીતરતા. ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાના પ્રવાહથી એક નવો વળાંક લાવવામાં કારણભૂત એવા સુરેશ જોશી સાથે ભૂપેનને બહુ ફાવતું. બન્ને જાસૂસી કથાઓના અને ખાસ કરીને સિમેનોનની જાસૂસી કથાઓના ચાહક. સુરેશભાઈ અને ભૂપેન બન્ને વડોદરામાં હતા એટલે તેમનો સંપર્ક પણ ખરો. ભૂપેન વાર્તાઓ પણ લખતા.
સાઠ-સીત્તેરના દાયકામાં અમદાવાદમાં પણ સાહિત્યિક ઉથલપાથલ થઈ રહી હતી. 'રે મઠ' દ્વારા પરંપરાગત સાહિત્યની વિભાવનાઓ સામે બંડ પોકારવાનું શરૂ થઈ ગયું હતું. ઉમાશંકર જોશી અત્યંત આદરણીય કવિ, પણ છેવટે તેમનું સ્થાન 'પરંપરાગતવાળી છાવણી'માં હતું. ભૂપેનની ઉઠકબેઠક અમદાવાદના બળવાખોર સાહિત્યકારો સાથે ખરી, અને એમાં સ્વાભાવિકપણે જ ઉમાશંકર જોશી ન હોય. તેમની સાથે ભૂપેનનો પરિચય થયો 1986માં, અને એ પણ અમેરિકામાં. ભૂપેન અમેરિકાના પ્રવાસે હતા એ દરમિયાન ઉમાશંકર જોશીને ત્યાં જવાનું થયું. એ વખતે મધુ રાય, સુનિલ કોઠારી પણ હતા. સહુ ત્યાં ભેગા રહ્યા, ફર્યા અને મઝા કરી. એ પછી ભૂપેન અને ઉમાશંકરનો પરિચય કેળવાતો ગયો અને અમદાવાદ આવે ત્યારે ભૂપેન ખાસ ઉમાશંકર જોશીને મળવા જતા. આ મૈત્રીના ફળસ્વરૂપ ભૂપેને ઉમાશંકર જોશીનું એક પોર્ટ્રેટ ચીતર્યું. અલબત્ત, એ ક્યાં અને કયા સંજોગોમાં ચીતર્યું એ વિશે માહિતી મળી શકી નથી. મૂળ વાત એ છે કે ગુજરાતી સાહિત્યના બે ધ્રુવ કહી શકાય એવા સુરેશ જોશી અને ઉમાશંકર જોશી વચ્ચે ભૂપેન ખખ્ખર લઘુત્તમ સામાન્ય અવયવ બની રહ્યા.
ભૂપેન ખખ્ખરે દોરેલું ઉમાશંકર જોશીનું પોર્ટ્રેટ 

સુરેશ જોશીનું ભૂપેને બનાવેલું રેખાંકન સુરેશભાઈના પુસ્તક 'અહો બત્ કિમ આશ્ચર્યમ્' ના મુખપૃષ્ઠ પર જોવા મળે છે, જ્યારે ઉમાશંકર જોશીના ભૂપેને બનાવેલા પોર્ટ્રેટને ચંદુભાઈ મહેરિયા, મનિષી જાની તેમજ સ્વાતિ જોશી દ્વારા સંપાદિત પુસ્તક 'ઉમાશંકર જોશીની વિચારયાત્રા' (પ્રકાશન, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, 2011) ના મુખપૃષ્ઠ પર સ્થાન આપવામાં આવ્યું છે.
આ બન્ને પોર્ટ્રેટમાં ચહેરાના સામ્યની સાથોસાથ બન્નેની લાક્ષણિકતાઓ ભૂપેને કેવી સરસ રીતે ઝીલી છે એ ખાસ જોવા જેવું છે.
બે યુગપ્રવર્તક સાહિત્યકારોને જોડતી કડી એક ચિત્રકાર હોય એ કેવો સંયોગ!

Sunday, August 22, 2021

ભૂપેન ખખ્ખરનાં ચિત્રોનો આસ્વાદ (10)

ભારતીય ચિત્રકારની નજરે ઈન્‍ગ્લેન્‍ડ

1979ના જાન્યુઆરીથી સપ્ટેમ્બરનો, આશરે નવેક મહિનાનો લંડનનિવાસ ભૂપેનના ત્યાર પછીના જીવન માટે અતિ મહત્ત્વનો બની રહ્યો હતો. લંડનમાં રહીને તેમણે અંગ્રેજોના રોજિંદા જીવનને નજીકથી જાણ્યું. એ જીવન વિશેનાં ચિત્રો બનાવ્યાં અને એ ચિત્રો ત્યાં પ્રદર્શિત થયાં ત્યારે અંગ્રેજોને એ બાબતમાં રસ પડ્યો કે એક ભારતીય કલાકાર અંગ્રેજી જીવનને કઈ રીતે જુએ છે. આ શ્રેણીનું એક ચિત્ર Man in pub અગાઉ આપણે અહીં જોયું.

આવું જ એક અન્ય જાણીતું બનેલું ચિત્ર હતું The weatherman/હવામાનવેત્તા. ‘ધ વેધરમેન’ ચિત્ર બનાવવા પાછળની કથા પણ રસપ્રદ છે. ભૂપેને નીરખ્યું કે અંગ્રેજો હવામાન બાબતે આખો દિવસ ચિંતિત હોય છે. એમની વાતચીતનો મુખ્ય વિષય હવામાનની આસપાસ જ હોય છે. એક ભારતીયને આ વાત રમૂજી લાગે એ સ્વાભાવિક છે, કેમ કે, ભારતમાં હવામાન વિશે ભાગ્યે જ વાત થતી હોય.

Jack Scott 

જેક સ્કૉટ નામનો એક હવામાનવેત્તા ટી.વી. પર સતત દેખા દેતો અને હવામાન અંગેની માહિતી આપતો રહેતો. ભૂપેનને એ જોવાની મઝા આવતી. તેમના ચહેરાનો ઉપયોગ ભૂપેને આ ચિત્રમાં કર્યો. એક હવામાનવેત્તા પોતાની પત્નીને પ્રેમ કરવા માટે આગળ વધી રહ્યો છે, અને સ્પષ્ટ છે કે એ સ્ત્રી એને નન્નો ભણવાની છે. અંગ્રેજોના હવામાન અંગેના વળગણના પ્રતીકરૂપે ભૂપેને એના દીવાનખંડમાં હવામાનનો આલેખ અને વિશ્વનો નકશો ટીંગાડેલો બતાવ્યો.
આ જ ચિત્રમાં છેક દૂર બે માનવાકૃતિઓ દેખાય છે, જે આ જ દંપતિ છે.

The weatherman 

ચિત્રમાં અંગ્રેજોના ઘરનું આંતરિક સુશોભન, દીવાલો અને ફરસ પરના ગાલીચાની ડિઝાઈન સુદ્ધાં ચીતરેલી છે. આ ચિત્ર પ્રદર્શિત કરવાનું હતું ત્યારે ભૂપેને નિમંત્રિતોની યાદીમાં જેક સ્કૉટનું નામ ખાસ લખાવેલું. જેક સ્કૉટ આવ્યા પણ ખરા. તે પોતાનો ચહેરો ઓળખી ન શક્યા, પણ ચિત્ર જોઈને રાજી થઈ ગયેલા. તેમણે કહેલું કે એમના ઘરમાં એવા જ હવામાનના નક્શા છે. દુનિયાનો નક્શો શયનખંડમાં નથી, ફ્રીજ પાસે છે. એમણે કહ્યું કે ચિત્રમાં છે એવી બારી પણ એમના ઘરમાં છે.
લંડનમાં બનાવેલું ભૂપેનનું વધુ એક ચિત્ર એટલે Butcher's Shop in London/લંડનમાં કસાઈની દુકાન.

Butcher's shop in London

બાથ એકેડેમી કે જ્યાં ભૂપેન ભણાવવા જતા ત્યાંના વડા જો હોપ અને એમનાં પત્ની મેરી હોપનું પોર્ટ્રેટ ભૂપેને બનાવેલું. એ પોર્ટ્રેટમાં પશ્ચાદભૂ લંડનની છે, પણ તેની શૈલી ભારતીય લઘુચિત્રોની છે.

Portrait of Joe and Mary Hope

લંડનમાં યોજાયેલા ભૂપેનના ચિત્રપ્રદર્શને ત્યાંના કળારસિકોમાં ભારતીય ચિત્રકળામાં રસ જાગ્રત કર્યો. આ પ્રદર્શનમાં ભૂપેને બનાવેલાં અન્ય ચિત્રો પણ મૂકવામાં આવ્યાં હતાં.

(Pics from net) 

Saturday, August 21, 2021

ભૂપેન ખખ્ખરનાં ચિત્રોનો આસ્વાદ (9)

લઘુચિત્ર શૈલીમાં ચીતરેલાં ચિત્રો  

ભારતીય લઘુચિત્રોની શૈલીથી આપણામાંના મોટા ભાગના પરિચીત હશે, કેમ કે, દરેકને ઘેર કોઈક ને કોઈક રીતે એવું એકાદું ચિત્ર હશે જ. લઘુચિત્રોમાં મોગલ, મેવાડ, કાંગડા જેવી વિવિધ શૈલીઓ પ્રચલિત હતી. યુરોપિયન ચિત્રકળાથી વિપરીત એ સપાટ (Flat), પરિપ્રેક્ષ્ય (perspective)ના અભાવવાળી, છાયાપ્રકાશની રમત વિનાની રહેતી. તેમાં ઝીણવટનું મહત્ત્વ ઘણું હતું. માનો કે ચંપાનું કે નાળિયેરીનું ઝાડ હોય તો એનાં એકે એક પાનની નસોનું ચિત્રણ કરાયું હોય. મકાનનું ચિત્ર હોય તો એ આર્કિટેક્ચરની રીતે ખોટું ચિતરાયેલું હોઈ શકે, પણ એની જાળીઓ-દરવાજા વગેરેની ભાત એકદમ બારીકીથી ચીતરાયેલી હોય. તેમાં પ્રાકૃતિક તત્ત્વો- પશુ, પક્ષી, વનરાજી-નો ઉપયોગ છૂટથી કરાતો. વાસ્તવદર્શી ચિત્રકળાના સામાન્ય નિયમ અનુસાર નજીકની વસ્તુ મોટી અને ઘેરી જણાય, અને દૂરની વસ્તુ નાની અને આછી, પણ લઘુચિત્રોમાં આ નિયમ સામાન્યપણે જોવા મળતો નહીં. લઘુચિત્રોની બીજી વિશેષતા એ હતી કે એમાં માનવાકૃતિઓનું કદ બહુ મોટું નહોતું. કેમ કે, એમાં મહત્ત્વ વ્યક્તિની સાથેસાથે આસપાસના વાતાવરણનું પણ રહેતું. તદુપરાંત તેમાં દર્શાવાતા ચહેરા મોટે ભાગે પ્રોફાઈલ (પડખે દોરાયેલા)માં રહેતા, જ્યારે શરીરનો અગ્ર ભાગ દોરવામાં આવતો. અહીં મેવાડ શૈલીનું એક લઘુચિત્ર લાક્ષણિક લઘુચિત્ર કેવું હોય એનો ખ્યાલ આપવા માટે મૂક્યું છે.

મેવાડ શૈલીનું એક લઘુચિત્ર 

ભગવાન શ્રીકૃષ્ણના જીવનના વિવિધ પ્રસંગો લગભગ દરેક લઘુચિત્રશૈલીમાં જોવા મળે છે. એ ઉપરાંત મોગલ શાસકોનાં ચિત્રો પણ આ શૈલીમાં જોઈ શકાય છે.
ભૂપેન ખખ્ખરે સાઠના દાયકાના મધ્યમાં ગુલામ મોહમ્મદ શેખ સાથે રાજસ્થાનમાં-કોટા-બુંદી-ઉદેપુર-નાથદ્વારાનો પ્રવાસ કર્યો. એ પછી તેઓ ચંડીગઢના મ્યુઝિયમમાં પણ ગયા. અનેક અનેક લઘુચિત્રો તેમની નજર તળેથી પસાર થયા. એ પછી સહજપણે તેમનાં ચિત્રોમાં લઘુચિત્રશૈલીનો પ્રવેશ થયો.
પોતાની કળાયાત્રાનો આરંભ ભૂપેને કોલાજથી કરેલો. (જેના વિશે અગાઉની પોસ્ટમાં લખાયું છે) એ યાત્રાના આગળના તબક્કામાં તેમણે લઘુચિત્રોની શૈલી અપનાવી.
એટલે એમાં વિષયો આધુનિક હોય, વાતાવરણ પણ પ્રવર્તમાન હોય, પણ શૈલી લઘુચિત્રોની. ભૂપેને બનાવેલાં ચિત્રો જોવાથી ખ્યાલ આવશે કે તેમણે આ શૈલીનો ઉપયોગ શી રીતે કર્યો.
આગળ જતાં ભૂપેનની શૈલીમાં પરિવર્તન આવતું ગયું, છતાં લઘુચિત્રશૈલીની કેટલીક બાબતો તેમનાં ચિત્રોમાં દેખાતી રહી જ. આ શ્રેણીમાં અગાઉ મૂકેલાં 'ગુરુ જયંતિ', 'પરિવારમાં મૃત્યુ' જેવાં ચિત્રોમાં એ તત્ત્વો બરકરાર જણાય છે.

American survey officer

Republic Day 

Landscape with canon

Church and Gardener


Man Leaving (Going abroad) 

Portrait of Shri Shankerbhai Patel near Red Fort

 

(Pics from net) 

Friday, August 20, 2021

ભૂપેન ખખ્ખરનાં ચિત્રોનો આસ્વાદ (8)

કોલાજ 

વિસંગતિ, વક્રતા અને વિચિત્રતા આપણા જીવનમાં વણાઈ ગયેલી છે. રોજબરોજ એવાં કેટલાંય દૃશ્યોના આપણે સાક્ષી કે હિસ્સેદાર બનતાં હોઈએ છીએ કે આપણે એની સાવ ઉપેક્ષા કરતા થઈ જઈએ છીએ. કોઈક મોંઘાદાટ સ્થળે પેટ ભરીને ખાધા પછી, ઘણું બધું ચાખવા ખાતર મંગાવીને એ ન ભાવતાં તેને એમનું એમ રહેવા દીધા પછી બહાર આવીએ અને પોતાના વાહનમાં ગોઠવાઈએ ત્યાં જ કોઈક મહિલા કે બાળક આવીને આપણી આગળ હાથ લાંબો કરતી પોતાના પેટ તરફ ઈશારો કરે છે અને આપણે એને અવગણીને વાહનની ચાવી ફેરવીએ છીએ. હરવાફરવાના સ્થળે વિવિધ રાઈડમાં ટિકિટ ખરીદીને બેઠા પછી એ સ્થળેથી બહાર આવીએ ત્યારે કોઈક બાળક ફુગ્ગા કે પ્લાસ્ટિકનાં રમકડાં વેચવા માટે આપણી આગળ ધરે છે. એની કાંખમાં નાનો ભાઈ કે બહેન પણ હોઈ શકે. આપણે એને અવગણીને આગળ વધી જઈએ છીએ. માર્ગની આજુબાજુથી ગેરકાયદે દબાણો તોડવા માટે આખું તંત્ર કામે લાગી જાય, પણ માર્ગની વચ્ચે આવેલી કબર કે મંદિર પર લોકોની એવી ભીડ ઉમટે છે કે ટ્રાફિક જામ થઈ જાય. કોઈ બહુમાળી ઈમારતના દાદર ચડતાં તેના લાલ ખૂણા આપની નજરે પડે છે, અને એ લાલ રંગની ઉપર મૂકાયેલી વિવિધ દેવીદેવતાઓ કે સંતોની છબિ ધરાવતી ટાઈલ્સ આપણને દેખાય છે. ધર્મસ્થાનોની અંદર ઉમટતી શ્રદ્ધાળુઓની ભીડ અને તેની બહાર જોવા મળતી ભિક્ષુકોની ભીડ જોયા પછી સવાલ થાય કે ભિક્ષુકો ક્યાં વધારે છે? અંદર કે બહાર? ધર્મસ્થાનની અંદર દિવસમાં ચચ્ચાર વાર કદાચ સફાઈ થતી હશે અને એ સેવા આપવા માટે 'સેવકો' પડાપડી કરતા હશે, પણ એ જ ધર્મસ્થાનની બહારની દિવાલે લાલ અક્ષરે લખ્યું હશે, 'સ્વચ્છતા જાળવો' અથવા 'અહીં ગંદકી કરવી નહીં.'

આવી તો કેટલીય પરિસ્થિતિઓ આપણા રોજિંદા જીવનમાં પેદા થતી રહે છે. ભૂપેન ખખ્ખરની ઝીણી નજરે આવી બાબતો આવતી, અને તેમની લાક્ષણિક રમૂજ તેમાં ભળતી. આથી સાવ શરૂઆતમાં તેમણે કોઈક વિષય પર ચિત્રો બનાવવાને બદલે કોલાજ બનાવ્યાં.
સસ્તાં, ફૂટપાથિયાં ચિત્રો- ઓલિયોગ્રાફમાંથી કાપેલી દેવીદેવતાઓની છબિઓને ચોંટાડીને તેની આસપાસ લાલ, ભૂરો, પીળો જેવા ભડકીલા રંગોના થપેડા કર્યા. એની પર 'ગ્રાફિટી' (ભીંત પર લખાયેલાં લખાણો) પણ એમની એમ રાખી. અમુક કોલાજમાં તેમણે કંતાનના ટુકડા ગોઠવીને એની પર રંગના થપેડા લગાવ્યા છે. આમાં અલબત્ત, 'ચિત્ર' કહી શકાય એવું કશું નહોતું. જે હતું એ સંયોજન અને કલ્પના હતી. પણ તેમનાં આવાં કોલાજની નોંધ લેવાઈ. ભૂપેન આવી બાબતો પર ટીપ્પણી કરતા નહીં, કેમ કે, આ સારું ને પેલું ખરાબ, એવી કોઈ વાત તેમણે કહેવી નહોતી. તેમને તો એ જ દર્શાવવું હતું કે આમ છે.
તેમના સાવ શરૂઆતના ગાળાના કેટલાક કોલાજ અહીં મૂકેલા છે.






(pics from net) 

Thursday, August 19, 2021

ભૂપેન ખખ્ખરનાં ચિત્રોનો આસ્વાદ (7)

વ્યાપાર ચિત્રો

ભૂપેન ખખ્ખરનાં દોરેલાં ચિત્રોમાં કેટલીક બાબતો તરત નજરે ચડે. તેમની શૈલી ઘણી રીતે અલગ પડે છે એ ખ્યાલ આવે, પણ એ ચોક્કસપણે શી રીતે?

ભૂપેનનાં ચિત્રો કદી છબિ જેવાં પિક્ચર પરફેક્ટ નથી હોતાં. પિક્ચર પરફેક્ટ ચિત્રો દોરવાં હોય તો એને દોરવાની શી જરૂર? તસવીર ક્યાં નથી લઈ શકાતી? ભૂપેનને એ ચીતરવામાં વધુ રસ કે જે એમણે પોતે નીરખ્યું હોય. આથી તે એક વ્યક્તિ કે વિષય દોરે તો એની આસપાસની આખી સૃષ્ટિ બનાવતા.
તેમની માનવાકૃતિઓ પણ વિચિત્ર લાગે. એવું કેમ? માનવશરીરરચના (એનેટોમી)નું આખું વિજ્ઞાન છે, જેમાં શરીરના પ્રત્યેક અંગોના એકમેકના સંદર્ભે ચોક્કસ પ્રમાણમાપ છે. તેનો વિગતે અભ્યાસ લિયોનાર્દ દ વીન્ચીએ કર્યો હતો. કળાશાખાના વિદ્યાર્થીઓ માટે ‘મોડેલિંગ’ (સામેની વ્યક્તિની જોઈને દોરાતું ચિત્ર) થકી શરીરરચનાનો અભ્યાસ કરવો ફરજિયાત હોય છે. ભૂપેન તેમના મોટા ભાગના ચિત્રોમાં શરીરરચનાના નિયમને અનુસર્યા નથી. આથી તેમની બનાવાયેલી માનવાકૃતિઓના શરીરનું પ્રમાણમાપ પહેલી નજરે વિચિત્ર લાગે.
આ માનવાકૃતિઓનો દેખાવ પણ એવો જ. ભૂપેને દોરતી વખતે એ ‘કેવાં હોવાં જોઈએ’નું નહીં, પણ ‘એ કેવાં છે’નું ધ્યાન રાખ્યું છે. આથી તે વાસ્તવિક વધુ લાગે છે.
વ્યક્તિ સામાન્ય હોય કે અસામાન્ય, તેની આસપાસ આખી એક સૃષ્ટિ હોય છે. ભૂપેને આ સૃષ્ટિનો અભ્યાસ કર્યો અને તેને પોતાના ચિત્રોમાં ખડી કરવાનો પ્રયત્ન કર્યો. તેમણે બનાવેલાં ‘Trade paintings’ની શ્રેણીમાં આ સૃષ્ટિ જોઈ શકાય છે, અને એમ તો તેમનાં દરેક ચિત્રમાં એ છે જ. અવકાશ પણ આ સૃષ્ટિનો એક હિસ્સો હોય છે.
ભૂપેન દ્વારા વપરાશમાં લેવાતા રંગોની વાત કરીએ તો એ ખ્યાલ આવે કે એની પણ એક ચોક્કસ શૈલી છે. એ શૈલીને સમજતાં પહેલાં થોડી પૂર્વભૂમિકા જાણીએ. અસલ અને મોંઘી કલાકૃતિઓ કદાચ કેવળ અમીરોને પોસાતી હશે. એનો અર્થ એવો નથી કે એ સિવાયના વર્ગના લોકોનો કળાપ્રેમ ઓછો હોય છે. કળાની પોતાની વ્યાખ્યા અને પહોંચ મુજબ સૌ પોતાના સ્થાનને સુશોભિત રાખતા હોય છે. એક સમયે કેલેન્ડરોનો જમાનો હતો. કેલેન્ડરો બે પ્રકારનાં રહેતાં. પહેલા પ્રકારમાં બાર, છ, ચાર કે ત્રણ મહિનાના જૂથ અનુસાર અનુક્રમે એક, બે, ત્રણ કે ચાર પાનાં તેમાં રહેતા અને એ દરેક પાન પર કોઈક છબિ યા ચિત્ર રહેતું. મોટે ભાગે કુદરતી દૃશ્યો, ગ્રામ્યજીવનની ગતિવિધિઓ, વન્ય પશુઓ, ધાર્મિક-પૌરાણિક પ્રસંગોનું આલેખન વગેરે તેના વિષય રહેતા. આ કેલેન્ડર દર વરસે બદલવું પડતું, અને એ પૂરું થયા પછી પણ તેને સાચવી રાખનારા હતા. બીજા પ્રકારમાં કેલેન્ડર પૂંઠાનું રહેતું, જેની પર કોઈક ધાર્મિક-પૌરાણિક ચિત્ર રહેતું. તેની નીચે ડટ્ટો લગાવવાનો રહેતો. આ ડટ્ટો દર વરસે નવો આવે, પણ તે જેની પર લગાવાય એ પૂંઠું એનું એ જ રહેતું. કેલેન્ડરોમાં મોટે ભાગે ભડકીલા રંગો રહેતા, કેમ કે, એ કંઈ કોઈ કલાકૃતિ નહીં, પણ જથ્થાબંધ તૈયાર થતી ચીજ હતી, જેનો ઉપયોગ એક સાથે વિવિધ વર્ગના લોકો કરતા. શિવકાશીમાં છપાતા ફટાકડાનાં ખોખાં પરનાં ચિત્રો જોવાથી આ બાબતનો વધુ ખ્યાલ આવશે.

શિવકાશીના ફટાકડા પરનું એક ચિત્ર 

બનતું એવું કે ઘણાને ઘેર કલાકૃતિ તરીકે એક માત્ર કેલેન્ડર જ રહેતું. (અડવાણી-ઓર્લિકોન કંપનીનું છ રાગ પર આધારિત ચિત્રોનું એક કેલેન્ડર અમારે ત્યાં હતું, જેમાંથી દીપક રાગના ચિત્રને અમે ફ્રેમ કરાવ્યું હતું.)
ભૂપેને રંગોની પોતાની સમજ અહીંથી લીધી. મુંબઈના ખેતવાડીની ચાલીમાં ઉછરેલા ભૂપેન પછી વડોદરા સ્થાયી થવા આવ્યા. આસપાસના સમાજનું નિરીક્ષણ તે બારીકીથી કરતા. પોતાનાં ચિત્રોમાં તેમણે કેલેન્ડરમાં જોવા મળે એવા ભડકીલા રંગોનો ઉપયોગ કરવા માંડ્યો. રંગોના ઉપયોગનું અલાયદું સૌંદર્યશાસ્ત્ર છે, જેમાં અમુક સંયોજનો વર્જ્ય ગણાય. અલબત્ત, એવો કોઈ નિયમ નથી, પણ સૌંદર્યશાસ્ત્રનો એ તકાદો છે. ભૂપેને સાવ સહજપણે, પોતે કોઈ ‘બળવાખોર’ કૃત્ય કરી રહ્યા છે એવા દાવા વિના આ કામ કર્યું. મોટા ભાગના ચિત્રકારો સીધેસીધો કાળા રંગનો ઉપયોગ પોતાના રંગીન ચિત્રમાં ટાળતા હોય છે. ભૂપેને એવી કશી પરવા કર્યા વિના, પોતાને જે ‘દેખાતું’ હતું, એ જ ચીતર્યું.
આ શ્રેણીમાં અગાઉ મૂકેલાં અને હવે પછી મૂકાનારાં ચિત્રોમાં ભૂપેનની આ ખાસિયતો તરત નજરે પડશે.
અહીં ભૂપેને ચીતરેલી ‘Trade paintings’ પૈકી બે ચિત્ર મૂક્યાં છે. એકનું શિર્ષક છે ‘Barber’s shop’ અને બીજાનું છે ‘De-lux Tailors’. આ બન્ને ચિત્રો તેમણે 1972માં તૈલરંગો વડે ચીતર્યાં હતાં.
સાવ અદના કારીગરોની આસપાસની સૃષ્ટિ ભૂપેને કેવી બારીકીથી અને પ્રેમથી ચીતરી છે એ જોવા જેવું છે. ચિત્રનું રસદર્શન સૌ પોતપોતાની રીતે કરે એમાં જ એની મઝા છે.

De lux Tailors 


Barber's shop 

Wednesday, August 18, 2021

ભૂપેન ખખ્ખરનાં ચિત્રોનો આસ્વાદ (6)

 જનતા વૉચ રિપેરીંગ  

અંગ્રેજોના ભારતમાં આગમનની સાથેસાથે બીજી અનેક ચીજોનું આગમન થયું. અઢારમી સદીમાં 'કંપની સ્કૂલ' તરીકે ઓળખાતી ચિત્રશૈલી પ્રચલિત બની. યુરોપીય ચિત્રકળાનાં વિવિધ સ્વરૂપોનું ભારતમાં આગમન થયું, જેને ભારતીય ચિત્રકારોએ પણ અપનાવ્યાં. મૂળ ભારતીય એવી લઘુચિત્રશૈલીમાં યુરોપીય કળાનાં તત્ત્વોનું મિશ્રણ કરીને તેમણે અનેક ચિત્રો દોર્યાં. આ ચિત્રોના વિષય તરીકે મુખ્યત્વે ભારતીય જનજીવન, તેનું વૈવિધ્ય, જાતિ-જનજાતિ અને તેના વ્યવસાયો વગેરે રહેતાં. કંપની ચિત્રશૈલીનો ઊંડો પ્રભાવ ભારતીય ચિત્રકારો પર રહ્યો. અનેક ચિત્રો તેમણે ચીતર્યાં.

ભૂપેન ખખ્ખરે કદાચ આ ચિત્રશૈલીથી પ્રેરિત થઈને પોતે ચિત્રો ચીતરવાં શરૂ કર્યાં. આ ચિત્રશ્રેણી 'Trade paintings' તરીકે ઓળખાય છે. 1970ના દાયકામાં ભારતીય નગરોમાં જે કેટલાક સામાન્ય વ્યવસાયો હતા એને તેમણે ચીતરવાનું શરૂ કર્યું. આ વ્યવસાયો એવા હતા કે જેમાં કશો ભપકો નહોતો. તેને 'વ્યવસાય' કહેતાં પણ અમુક લોકો ખચકાય એવો તેનો પ્રકાર, અને છતાં એ આપણા રોજિંદા જીવનના અંગ જેવા હતા. વડોદરા શહેરના મુખ્ય વિસ્તારોમાં ભૂપેન હરતાફરતા અને સ્કેચ દોરતા. એ પછી તેમણે એક પછી એક ચિત્રો બનાવવાનું શરૂ કર્યું.
આ શ્રેણીએ કલારસિકોનું ધ્યાન આકર્ષ્યું- ખાસ કરીને વિદેશી કલારસિકોનું, કેમ કે, ભૂપેનના ચિત્રોમાં જે ભારત જોવા મળતું હતું એ તેમણે ક્યાંય જોયું ન હતું. ભારત એટલે ગ્રામ્ય જીવન, યોગ, મદારી, રાજાઓની ભૂમિ- આ ખ્યાલ પ્રચલિત હતો. તેને બદલે ભૂપેનનાં ચિત્રોમાં એક શહેરીપણું જોવા મળતું હતું. આ શહેરીપણું બિલકુલ ભારતીય પણ હતું.
1972માં તેમણે ચીતરેલું 'જનતા વૉચ રિપેરિંગ' નામનું આ તૈલચિત્ર એ શ્રેણીમાંનું એક છે. દુકાનનું નામ સુદ્ધાં તેમણે ગુજરાતીમાં લખેલું છે. આંખે બિલોરી કાચ પહેરીને કાંડા ઘડિયાળના નાના નાના પૂરજાની મરમ્મત કરતા ઘડિયાળીના હાથ પણ કદાચ એ કારણથી જ તેના શરીરના પ્રમાણમાં નાના ચીતર્યા છે. બહારની તરફ પૂર્ણ કદનાં બે કાંડા ઘડિયાળ ચીતરાયેલાં છે, અને અંદરની દિવાલ પર સામે દિવાલ ઘડિયાળો છે, તો બૉક્સમાં એલાર્મ ઘડિયાળના ડબલાં છે.

Janta watch repairing 

Monday, August 16, 2021

ભૂપેન ખખ્ખરનાં ચિત્રોનો આસ્વાદ (5)

બંદૂક સાથેનો મુક્તિવાહિની સૈનિક

'સૈનિક' શબ્દ કાને પડતાં જ આપણી નજર સમક્ષ ચુસ્ત, ગણવેશમાં સજ્જ, હાથમાં હથિયાર લઈને ટટ્ટાર ઊભેલા માણસની આકૃતિ ખડી થઈ જાય. સ્ફૂર્તિ, સજ્જતા અને શિસ્તની તે પ્રતિકૃતિ હોય. આની સરખામણીએ ભૂપેન ખખ્ખરે દોરેલું બંદૂક સાથેનો મુક્તિવાહિની સૈનિક/Muktibahini Soldier with a gun શિર્ષકવાળું ચિત્ર સાવ વિરોધાભાસી જણાય.

1972માં તેમણે તૈલરંગો વડે બનાવેલા આ ચિત્રનો સમયગાળો પાકિસ્તાન સાથેના યુદ્ધને પગલે બાંગ્લાદેશનું સર્જન થયા પછીનો છે. સ્થાનિક બાંગ્લાદેશી યુવકોને ભારતીય સેનાએ પ્રશિક્ષણ આપીને મુક્તિવાહિની નામે ફોજ તૈયાર કરી હતી, જેણે ગોરિલા પદ્ધતિએ હુમલા કરીને પાકિસ્તાની સેનાને થકવી દીધી હતી. આવો જ એક મુક્તિવાહિની સૈનિક ભૂપેને ચીતર્યો છે.
તે ગણવેશમાં નહીં, પણ બનિયાન જેવા ઘરેલુ પહેરવેશમાં છે. ચશ્મા પહેરે છે, જે કદાચ કોઈ સૈનિકના ચહેરા પર ભાગ્યે જ જોવા મળે. તેના ચહેરા પર આક્રમકતા કે ક્રૂરતાનો નહીં, પણ શાંતિનો ભાવ છે. તેની દૃષ્ટિ સીધી જ દર્શક તરફ હોવાથી આ ભાવ વધુ પ્રબળપણે અનુભવાય છે. હજી વધુ ધ્યાનથી જોઈએ તો સૈનિકના ચહેરામાં ખુદ કલાકારના એટલે કે ભૂપેનના ચહેરાની ઝલક જોઈ શકાય છે.
ચિત્રની ડાબી તરફ બાંગ્લાદેશનો, અને જમણી તરફ ભારતનો રાષ્ટ્રધ્વજ છે. ભૂપેને પોતે લખ્યું છે એ મુજબ, 'ભારતના પાકિસ્તાન સાથેના યુદ્ધને પગલે અનેક કલાકારો રાજકીય ચિત્રો દોરવા પ્રેરાયા. મને અફસોસ એટલો જ છે કે યુદ્ધ સમાપ્ત થયા પછી હું એ માટે પ્રેરાયો. કોણ જાણે કેમ, પણ શરૂઆતમાં હું એ માટે પ્રેરિત નહોતો થયો.'
ચિત્રની પશ્ચાદ્ ભૂમાં યુદ્ધનાં દૃશ્યો છે, જેમાં વિમાન, ટેન્ક, સૈનિકો વગેરે બતાવાયાં છે. ત્રણ મુક્તિવાહિની સૈનિકો પણ છે. ભૂપેને લખ્યું છે: 'યુદ્ધ પોતે કંઈ સારી બાબત નથી, છતાં ઘણી વાર તે રાષ્ટ્ર માટે ફરજિયાત બની રહે છે. જેમ મહાભારતમાં સામે પક્ષે પોતાનાં સ્વજનોને જોઈને અર્જુન લડવાની ના પાડી દે છે, ત્યારે ભગવાન કૃષ્ણ તેને 'ધર્મયુદ્ધ' માટે તૈયાર કરે છે.'
ભૂપેનના લખ્યા મુજબ તેમણે આ ચિત્રમાં યુદ્ધના સેનાપતિઓને અગ્રતા નથી આપી, કેમ કે, આખરે એ બાંગ્લાદેશની સ્વતંત્રતા માટેની લડાઈ હતી. આ યુદ્ધમાં સ્વાતંત્ર્યનો હેતુ મુખ્ય હતો.
આ ચિત્રમાં તેમણે પોતાની શૈલીમાં પરિવર્તન કર્યું છે. તે તૈયાર થયું છે તૈલરંગો વડે, પણ તેનો ઉપયોગ જળરંગો જેવો છે, એટલે કે તે જળરંગની જેમ પારદર્શક અને પાતળા છે. આ ચિત્રમાંનાં વિમાન, ટેન્ક, સૈનિકો તેમણે અખબારોમાં તેમજ ધ ઈલસ્ટ્રેટેડ વીકલીમાં પ્રકાશિત તસવીરોના આધારે બનાવ્યાં છે, જ્યારે મુક્તિવાહિની સૈનિકોનું ચિત્ર 'ઈન્ડિયન ન્યુસ રિવ્યુ'ની તસવીરના આધારે બનાવ્યું છે.

Muktibahini soldier with a gun

Sunday, August 15, 2021

ભૂપેન ખખ્ખરનાં ચિત્રોનો આસ્વાદ (4)

યાત્રાએ જઈ રહેલાં માતાપિતાનું પોર્ટ્રેટ

માતાપિતા જાત્રાએ જઈ રહ્યાં હોય તો એ આનંદનો અવસર ગણાય. પણ ઘરમાં રહેલો તેમનો તરુણ પુત્ર આ કારણે ખૂબ એકલવાયાપણું અનુભવી રહ્યો છે. ભૂપેન ખખ્ખરે 1971માં ચીતરેલા આ ચિત્રનું શિર્ષક છે: 'Portraits of My Mother and My Father going To Yatra'/ યાત્રાએ જઈ રહેલાં મારા માતા અને પિતાનું પોર્ટ્રેટ. આ તૈલચિત્રમાં લઘુચિત્ર/Miniature શૈલીનાં તત્ત્વોનો પુષ્કળ ઉપયોગ થયેલો જોઈ શકાય છે. લઘુચિત્રશૈલીમાં એક એક વસ્તુઓના ઝીણવટભર્યા આલેખન પર વધુ ધ્યાન આપવામાં આવે છે. પણ તે સપાટ (Flat) જણાતા હોય છે. એટલે કે તેમાં ઊંડાઈનું પરિમાણ અનુભવી શકાતું નથી. અહીં દોરાયેલાં વૃક્ષો, મકાન, દૂર દેખાતા પહાડો વગેરે લઘુચિત્રશૈલીનાં છે.

આ ચિત્ર દોર્યું ત્યારે ભૂપેન વડોદરાના રેસિડેન્સી બંગલો ખાતે રહેતા હતા. અહીં ચિત્રમાં ગ્રે રંગનો એ બંગલો જોઈ શકાય છે.
પુત્ર ભૂપેનને મૂકીને માતાપિતા યાત્રાએ ગયાં હશે અને તેને લઈને તરુણ વયના ભૂપેનને જે ભયાનક એકલતા સાલી હશે એ ઘરમાં ખુરશી પર બેઠેલી માનવાકૃતિ અને તેની ફરતે બતાવેલા અવકાશ થકી ઉપસાવવામાં આવી છે. પૃષ્ઠભૂમિમાં ગંગા નદી અને તેનાં તીર્થસ્થાનો દર્શાવાયાં છે.
તીર્થયાત્રાનું મહત્ત્વ પ્રત્યેક શ્રદ્ધાળુઓ માટે આગવું હોય છે, અને એનો એક આનંદ પણ હોય છે, છતાં આ ચિત્રમાં આનંદને બદલે ઉદાસી અને એકલતા વધુ નજરે પડે છે. ભૂપેને આ ચિત્ર વિશે લખેલું: 'સૌએ પોતપોતાનો ક્રોસ ઊંચકવો પડે છે.' ચિત્રનાં મુખ્ય પાત્રો સામે જોતાં, જોઈ રહેતાં દર્શકને આનંદની અનુભૂતિ નહીં, પણ એક પ્રકારની વિહ્વળતા અનુભવાય છે.
ચિત્રની અગ્રભૂમિમાં પિતા પરમાનંદ અને માતા મહાલક્ષ્મીનું પોર્ટ્રેટ છે. પિતાની નજર સીધી દર્શકો સમક્ષ છે, જ્યારે માતા સહેજ બીજી તરફ જોઈ રહ્યાં છે. ભૂપેને એ વિશે લખેલું: 'લગ્નબંધન થકી માતા અને પિતા સમાજની દૃષ્ટિએ એક ગણાય છે, પણ છતાં તેઓ અલાયદી વ્યક્તિ છે. આ કારણે મેં માતાને દૂર તરફ અને પિતાને દર્શક સમક્ષ જોતાં બતાવ્યાં છે.'
પોતાની ત્રુટિઓ પ્રત્યે સભાન, અને શીખવા માટે સદાય તત્પર રહેતા ભૂપેને વધુમાં લખેલું: 'વૃક્ષો ધરાવતો લીલોછમ બગીચો અને નાનકડું તળાવ એકલતાના પ્રતીકાત્મક અર્થઘટનમાં કશો ઊમેરો કરતા નથી. તેને બદલે મેં હાથમાં રેકેટ પકડીને ટેનિસ કોર્ટમાં ઊભેલો એક જ ખેલાડી બતાવ્યો હોત તો એકલતા સારી રીતે ઉપસી શકત.'
ઈમારતના સ્તંભનો ઘેરો ગુલાબી પડછાયો જોનારનું ધ્યાન આકર્ષે છે.
ચિત્રમાંના કયા રંગોની પ્રેરણા ક્યાંથી મળી એનો ઉલ્લેખ કરતાં ભૂપેને લખેલું છે: 'પીળો રંગ ગુલામ મોહમ્મદ શેખના ચિત્રમાંથી લીધો છે. મકાનનો બ્રાઉન રંગનો પડછાયો (ઈટાલિયન કલાકાર) કીરીકોના ચિત્રમાંથી લીધો છે. માતાનું પોર્ટ્રેટ તેમના એક ફોટોગ્રાફ પરથી બનાવ્યું છે. પિતાનું પોર્ટ્રેટ સ્મૃતિના આધારે બનાવ્યું છે. તે ચોકસાઈપૂર્ણ નથી. ફૂલહાર ગીવ પટેલના ચિત્રમાંથી લીધેલા છે.'
મઝા એ છે કે વિવિધ ચિત્રોમાંથી પ્રેરિત થઈને વિવિધ બાબતો ભૂપેને આ ચિત્રમાં બનાવી હોવા છતાં આખા ચિત્રની શૈલી પર ભૂપેનની મુદ્રા છે.
વધુ એક નોંધપાત્ર બાબત એ છે કે અત્યાર સુધી ભૂપેનનાં ચિત્રોમાં માનવાકૃતિઓનું કદ ખાસ્સું નાનું રહેતું હતું. આ ચિત્રમાં એમણે માતાપિતાનાં પોર્ટ્રેટ બનાવીને પોતાની એ શૈલીને વિકસાવવાનો પ્રયત્ન કર્યો છે, જે આગળ જતાં વધુ વિકસતી રહી હતી, અને ભૂપેનની કારકિર્દીના મધ્યાહ્ને માનવાકૃતિઓ કેન્દ્રસ્થાને આવતી રહી હતી.

Portraits of My Mother and My Father going To Yatra