Friday, April 30, 2021

નીરો અને રોમના પ્રબુદ્ધો

 રોમના પ્રબુદ્ધ લોકોનો આગવો પ્રભાવ હતો. આ પ્રભાવનો વિસ્તાર ક્યાંથી શરૂ થાય છે, અને ક્યાં સમાપ્ત થાય છે એનાથી તેઓ અનભિજ્ઞ હતા, અને એ જાણવાની તેમને ફિકર પણ નહોતી. પ્રભાવ આખરે પ્રભાવ છે. એની કંઈ સીમા નક્કી થાય? નીરો જાણતો હતો કે પ્રબુદ્ધો ગમે એટલા બુદ્ધિવાન હોય, તેઓ કદી સંગઠિત થવાના નથી. એક ભયસ્થાન એ હતું કે તેઓ પોતપોતાની રીતે સામાન્ય રોમનોને જાગ્રત કરી શકે. નીરો પોતે સંગીતનો જાણકાર હતો. એ પોતે તો દૃઢપણે આમ માનતો. આથી તેને બરાબર ખબર હતી કે પ્રબુદ્ધ લોકો પોતાના રાજ્યની શાન સમા છે. એ કંઈ રોમન પ્રજાજનો નથી કે કારણ વિના એમનાં માથાં ધડથી અલગ કરી દેવાય.

તેણે એક નિર્ણય લીધો. તેની પોતાની દૃષ્ટિએ રોમના જે પ્રબુદ્ધ લોકો હતા એ સૌને તેમણે વિશાળ અને અલાયદા આવાસ ફાળવવાની ઘોષણા કરી. ઝાડ પરથી સફરજન પાકીને ખરે એ પહેલાં આ આવાસો તૈયાર થઈ જશે એમ તેણે જણાવ્યું. આ ઘોષણા સાંભળીને રોમના પ્રબુદ્ધ લોકો રાજીરાજી થઈ ગયા. કેટલાકે નીરોની સ્તુતિમાં કાવ્યો લખ્યાં, કેટલાકે લલિત નિબંધ લખ્યા, તો કેટલાકે પોતાના રોબને હવામાં ઉછાળીને ખુશી વ્યક્ત કરી.
પ્રબુદ્ધો હવે ગેલમાં આવી ગયા હતા. ખરું જોતાં નીરોનો આ 'એમ્પરર્સ બ્લો' (Emperor's Blow) હતો, જેમાં તેણે એક ઝાટકે, ટીપુંય લોહી વહાવ્યા વિના રોમન બૌદ્ધિકોને હલાલ કરી નાખ્યા હતા. એ શી રીતે?
રોમના મુખ્ય ચોકને ખુલ્લો પ્રદર્શન ચોક કહી શકાય. અહીં વિવિધ પ્રજાજનોને, વિવિધ ગુનાસર, વિવિધ સજાઓ જાહેરમાં ફટકારાતી. એક વખત એક રોમન પ્રબુદ્ધ ચોકમાં ટહેલવા નીકળ્યા. તેમણે જોયું કે બે રોમન સૈનિકો હાથમાં તલવાર લઈને ઉભેલા છે. નીચે એક માણસ ઘૂંટણિયે પડેલો છે. તલવારનો ઘા થશે અને પેલાનું ડોકું ધડથી અલગ. પ્રબુદ્ધને કુતૂહલ થયું. તેણે પેલા ઘૂંટણિયે પડેલા નાગરિકને કહ્યું, 'ભાઈ, તેં શું કર્યું છે?' નાગરિક બોલ્યો, 'એ જ તો આ શેતાનો મને કહેતા નથી. તમે તો પ્રબુદ્ધ છો. એમને સમજાવો ને! કમ સે કમ જણાવે તો ખરા કે મારો શિરચ્છેદ કયા કારણથી કરે છે?' 


પ્રબુદ્ધજન એ નાગરિકને કહે, 'જો ભાઈ, મને સમજાઈ ગયું. એક તો તેં પગમાં જોડા નથી પહેર્યા. શરીર ફરતે રોબ નથી વીંટાળ્યો. માથું ખુલ્લું રાખેલું છે. રોમ જેવા સુંદર નગરની શાનમાં તું ઘટાડો કરી રહ્યો છે. રોમ વિશ્વનું સર્વોત્તમ સામ્રાજ્ય છે. અને તારા જીવન કરતાં રોમની કિર્તી વધુ અગત્યની છે. હવે તું સામેના આકાશમાં દેવતાઓએ પૂરેલી રંગોળીનો આનંદ માણ. તને ખબર પણ નહીં પડે કે તારું ડોકું અલગ થયું.' આમ કહીને રોમન પ્રબુદ્ધે મોં ફેરવ્યું એ સાથે જ 'ખચ્ચ' અવાજ આવ્યો.
બીજા એક રોમન પ્રબુદ્ધ ઘોડા પર ફરવા નીકળેલા. એક સ્થળે તેમણે જોયું કે કેટલાક લોકોને બાંધેલા છે, અને એક ટોળું તેમની ફરતે મશાલ લઈને ઊભેલું છે. કુતૂહલ અને જિજ્ઞાસા પ્રબુદ્ધોનો સ્થાયી ભાવ હોય છે. તેને વશ થઈને તે પેલા બાંધેલા માણસો પાસે ગયા. તેમને જોઈને બાંધેલા લોકો રીતસર કરગરી ઉઠ્યા. 'આપ તો પ્રબુદ્ધ છો. અમને બચાવી લો. આ લોકો અમને જીવતા સળગાવી મૂકશે. કંઈક કરો.' આ સાંભળીને રોમન પ્રબુદ્ધ ખળભળી ઉઠ્યા. આટલી ક્રૂરતા એક માણસ બીજા માણસ સાથે શી રીતે આચરી શકે? તે હાથમાં મશાલો લઈને ઉભેલા લોકો તરફ ફર્યા અને કહ્યું, 'હે શાણા રોમનો, આપને હું અરજ કરું છું કે આપ આ લોકોને જીવતા ન સળગાવો. તેમને કેટલી પીડા થતી હશે એ વિચારો. કાલે ઉઠીને આપણી સાથે આવું થાય તો?' રોમન પ્રબુદ્ધની વાણીનો પ્રભાવ પડ્યો. ટોળું સહેજ શાંત પડ્યું. ટોળામાંના એક જણે કહ્યું, 'આપ તો પ્રબુદ્ધ છો અને અમે તો ઓછું ભણેલા, જડ. આપને તો સમ્રાટ નીરોએ અલાયદા આવાસ ફાળવવાની ઘોષણા કરી છે. આપ જ અમને સૂચવો કે અમે શું કરીએ?' રોમન પ્રબુદ્ધે ઊંડો વિચાર કર્યો અને કહ્યું, 'તમે એ લોકોને જીવતા ન સળગાવો. પહેલાં એમને મારી નાંખો અને પછી સળગાવો. એનાથી એમને જરાય પીડા નહીં થાય.' આ સાંભળીને ટોળું ગેલમાં આવી ગયું. 


બાંધેલા માણસોની ચીસો ટોળાની ચીચીયારીમાં ભળી ગઈ.
નીરોને ઝડપથી આ ઘટનાની જાણ થઈ. પોતાના રાજ્યના લોકો અન્ય કોઈનો આદેશ માને એ કેમ ચાલે? આજે એ કોઈકની સજા ફેરવાવે છે, અને કાલે બીજું કંઈક કરે! તેણે વધુ એક આદેશ જારી કર્યો.
બીજા દિવસે રોમના મુખ્ય ચોકમાં ભડથું થયેલું કોઈનું શરીર મળી આવ્યું. એ કોણ હતું એ ખબર પડતી નહોતી, પણ લાગતું હતું કે એને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો.
અન્ય એક રોમન પ્રબુદ્ધ ચોકમાં ટહેલવા નીકળ્યા અને તેમણે આ જોયું. તેમનાથી સહજપણે પોતાનું નાક દબાઈ ગયું. એ પછી તેમણે આકાશ તરફ જોયું અને ગણગણ્યા: 'મારે સમ્રાટને જણાવવું પડશે કે રોમના ચોકમાં સરેઆમ લાશ પડેલી હોય એ દૃશ્ય અજુગતું લાગે છે. માથા વિનાની લાશ માટે ભૂરા રંગની પેટી, બળી ગયેલા શરીર માટે લાલ પેટી, અને સડી ગયેલી લાશ માટે લીલા રંગની પેટીનો ઉપયોગ થવો જોઈએ. આ પેટીઓને સફરજનનાં ઝાડને છાંયે મૂકવી. એનાથી ચોકનું સૌંદર્ય વધશે.'


રોમમાં ક્યાંય સફરજનનાં વૃક્ષો નહોતાં, પણ રોમન પ્રબુદ્ધોને પોતાના શાસક પર અડગ શ્રદ્ધા હતી કે ઝાડ પરથી સફરજન પાકીને ખરે એ પહેલાં તેમના આવાસો તૈયાર થઈ જશે.
રોમના પ્રબુદ્ધ લોકોનો આગવો પ્રભાવ હતો.

(By clicking the image, the URL will be reached)
(The images are symbolic) 

Thursday, April 29, 2021

નીરો અને એપોલોના સ્થાનક પરના હુમલાખોરો

રોમના લોકો ખૂબ ધાર્મિક હતા. અનેકવિધ દેવીદેવતાઓમાં તેમની આસ્થા હતી. ખ્રિસ્તી ધર્મ અસ્તિત્ત્વમાં આવ્યો એ પહેલાંથી તેઓ વિવિધ દેવતાઓને પૂજતા. અમુક રોમન દેવતાઓ ગ્રીક દેવતાઓ સાથે સામ્ય ધરાવતા હતા. પોતાનાં દેવતાઓ માટે રોમનોએ આસ્થાનાં કેન્દ્રોનું નિર્માણ કરેલું. આજે જેને આપણે 'મંદિર' તરીકે ઓળખીએ છીએ એવું કંઈક. પણ એ આસ્થાકેન્દ્રો એક રીતે રોમન સાંસ્કૃતિક જગતનો હિસ્સો હોવાનો દાવો કરવામાં આવતો. રોમન સંસ્કૃતિનો ઈતિહાસ લોહીયાળ યુદ્ધોથી લથપથ હતો. 'લોહીયાળ યુદ્ધ' શબ્દ ચલણમાં હોય એનો અર્થ એ કે 'બિનલોહીયાળ યુદ્ધ' જેવી કોઈક ચીજ પણ અસ્તિત્ત્વમાં હતી. વાત સાચી. રોમન સૈનિકો પોતાની ક્રૂરતા માટે પ્રસિદ્ધ હતા. કેટલીક વાર, દુશ્મન સૈન્ય નાનું હોય ત્યારે તેઓ આખેઆખા સૈન્યને સળગાવી મૂકતા. આમ કરવામાં લોહીનું એક ટીપુંય ન વહેતું અને એ યુદ્ધ બિનલોહીયાળ ગણાતું.

નીરોએ ગાદી સંભાળી એ પછી તેણે આવી ક્રૂર અને અમાનવીય પદ્ધતિ અટકાવી. તેણે કહ્યું કે યુદ્ધ તો લોહીયાળ જ હોવું જોઈએ. લોહીયાળ હોય તો જ એ યુદ્ધ કહેવાય. અને એવું યુદ્ધ લડીએ તો જ જીત્યાનો ઓડકાર આવે. કોઈને જીવતા સળગાવી દેવા કાયરતા છે.
નીરોના મનમાં શું ચાલી રહ્યું છે એ તો કોને ખબર હોય? નીરોના મનમાં સ્પષ્ટ હતું કે યુદ્ધ એને જ કહેવાય કે જે પોતાના રાજ્ય સિવાયના લોકો સાથે લડાય. પોતાના રાજ્યના લોકો સાથે પ્રેમપૂર્વક બિનલોહીયાળ પદ્ધતિથી કામ પાર પાડવામાં વાંધો નહીં. બલ્કે પોતે પોતાનાં નગરજનોનું રક્ત વહેતું જોઈ શકે એમ નથી, એટલે રોમન પ્રજા માટે બિનલોહીયાળ પદ્ધતિ જ અપનાવવી.
નીરોનું દિમાગ એટલું તેજ ચાલતું કે કોઈ સલાહકાર તેના દિમાગના ચાલતા વિચારોની ગતિને આંબી શકતો નહીં. આથી નીરોએ માત્ર 'અમલ'દારોની જ નિમણૂંક કરી હતી, એક પણ સલાહકારની નહીં.


એક વખત, સાંજના સમયે એપોલો દેવતાના મંદિર પર ચાર ઘોડેસવાર સૈનિકો ધસી આવ્યા. તેઓ ક્યાંથી આવ્યા, આટલો સખત ચોકીપહેરો વટાવીને શી રીતે છેક મંદિર સુધી પહોંચી ગયા- આવા સવાલ કોઈને થાય એ પહેલાં તેમણે આડેધડ તલવારો વીંઝવાની શરૂ કરી દીધી. સ્વાભાવિક છે કે એપોલો દેવતાના આસ્થાકેન્દ્રે અનેક રોમનો ઉજાણી માટે એકઠા થયેલા હતા. નાસભાગ મચી ગઈ. આડેધડ તલવારબાજીમાં કેટલાય રોમનો ઘવાયા. સૌ પોતપોતાનો જીવ બચાવવા જ્યાં જગ્યા મળે ત્યાં સંતાવા લાગ્યા.
જોતજોતાંમાં સમગ્ર રોમમાં સમાચાર પ્રસરી ગયા કે એપોલોના સ્થાનકે કોઈક અજાણ્યા હુમલાખોરોએ હુમલો કર્યો છે. રોમન સૈન્યે કૂચ આદરી. નીરોએ ફીડલ ટ્યૂન અપ કરી. તાલબદ્ધ સંગીત સાથે આખું રોમ વીંધીને સૈન્ય એપોલો સ્થાનકે આવ્યું. રસ્તામાં લોકો નીરોનો જયઘોષ બોલાવતા રહ્યા.
જોતજોતાંમાં ઘોડેસવાર સૈન્ય એપોલો સ્થાનકે પહોંચ્યું. પેલા ચાર ઘોડેસવારોની આડેધડ તલવારબાજી હજી ચાલુ હતી. છુપાઈ ગયેલા રોમનોને શોધી શોધીને તેઓ બહાર કાઢતા હતા અને તલવાર વીંઝતા હતા. નીરોના સૈન્યે તેમને ઘેરી લીધા. નીરોના અગણિત ઘોડેસવાર સૈનિકો સામે ચાર ઘોડેસવારોની શી વિસાત? ગણતરીની મિનીટોમાં જ તેઓ રહેંસાઈ ગયા. આ દૃશ્ય જોઈને સ્થાનકના સંકુલમાં છુપાઈ ગયેલા રોમનો બહાર નીકળવા લાગ્યા.
જોતજોતાંમાં નીરોનો સમગ્ર રોમમાં જયજયકાર થઈ ગયો. પેલા ચારે ઘોડેસવારોનાં શબની તલાશી લેવામાં આવી. અમુકના પોશાકમાં હીબ્રૂ ભાષામાં લખાયેલું લખાણ મળી આવ્યું. એકાદા સૈનિકના પોશાકમાં ખજૂર અને કાજુ પણ મળી આવ્યાં. સ્પષ્ટ હતું કે તેઓ યહૂદી હતા અને રોમન સામ્રાજ્યને તબાહ કરવા માટે આવ્યા હતા.
આવા સમયે સમ્રાટ નીરોએ લીધેલાં ત્વરિત પગલાંથી રોમનોને અહેસાસ થયો કે નીરોના હાથમાં પોતાનું ભાવિ સલામત છે. આ અહેસાસ ઉત્તરોત્તર બળવત્તર બનતો ગયો, કેમ કે, એ પછી યહૂદીઓ તરફથી એક પણ હુમલો થયો નહીં. એમ તો એ પહેલાં પણ યહૂદીઓએ ક્યાં હુમલો કર્યો હતો?

(By clicking on image, the URL will be reached) 
(The images are symbolic) 

Wednesday, April 28, 2021

નીરો અને તેની પરના હુમલાખોરો

રોમન સમ્રાટોની પરંપરામાં એક માત્ર નીરો જ એવો હતો કે જેને દાઢી હતી. રોમન સમ્રાટોનાં ચિત્રો અને શિલ્પોમાં તેમના વાંકડિયા વાળ સામાન્ય તત્ત્વ છે. દાઢી એક માત્ર નીરોના ચહેરા પર જોવા મળે છે. આ દાઢીને પણ વિશિષ્ટ રીતે બતાવાઈ છે. નીરોની દાઢી થોભિયાના ભાગેથી વિસ્તરીને ગળા સુધી પહોંચે છે. બાકીના ચહેરા પર તે નથી. એ સમયે ગ્રીસમાં ફિલસૂફો, વિચારકો પૂર્ણ કક્ષાની દાઢી વધારતા. તેને બદલે નીરોએ પ્રમાણમાં આછી દાઢી રાખેલી. એક વાયકા એવી છે કે નીરોએ પોતાનું વધુ પડતું વજન છુપાવવા દાઢી વધારેલી.

નીરોના ઉછેરના આરંભિક વરસોમાં તેની માતા અગ્રીપીનાનો પ્રભાવ ઘણો રહ્યો. ગાદી સંભાળ્યા પછી નીરો પોતાની માતૃભક્ત સંતાનની છબિ ઉપસાવવા માટે અગ્રીપીનાને વારેતહેવારે મળવા જતો. માને મળવા જાય ત્યારે તેની સાથે મોટો રસાલો રહેતો. એક પુત્રે માતા સાથે કેવા વિવેકથી વર્તવું જોઈએ એનું જીવતુંજાગતું ઉદાહરણ એટલે નીરો- આવી વાતો રોમના ચોરેચૌટે ચર્ચાતી. કહેવાની જરૂર નથી કે પેલા રસાલાવાળા જ આવા મુદ્દા લોકોને આપતા. શાસનના પાંચેક વર્ષ પછી નીરોને લાગ્યું કે પોતાની ચોક્કસ પ્રકારની છબિ હવે પ્રજાના મનમાં બેસી ગઈ છે, અને પોતાની ગમે એવી નિષ્ઠુરતા કે નાલાયકી પ્રજા વેઠી લે એવી થઈ ગઈ છે. હવે અગ્રીપીનાની તેને જરૂર નહોતી. કેમ કે, નીરો જ્યારે અગ્રીપીનાને મળવા જાય ત્યારે અગ્રીપીના એને શિખામણના બે શબ્દો કહેતી, રાજ શી રીતે ચલાવવું એ સમજાવતી. નીરોને ક્યારનું થતું હતું કે અગ્રીપીના ભલે મા રહી, પણ હવે એ પોતાની હદ પાર કરી રહી છે. બસ, એક દિવસ તેણે અગ્રીપીનાની હત્યા કરાવી દીધી. સમગ્ર રોમમાં સહાનુભૂતિનું પ્રચંડ મોજું ફરી વળ્યું. અગ્રીપીના કેવળ નીરોની જ નહીં, સમગ્ર રોમની માતા હતી એમ ચીતરેલાં પાટિયાં રોમના જાહેરસ્થળોએ જોવા મળવા લાગ્યા.
નીરોને આવી અપેક્ષા નહોતી. તેણે ધાર્યું હતું એવી રોમની પ્રજા મૂરખ નહોતી. બલ્કે એથી અનેકગણી મૂરખ હતી. તેણે મનોમન એક યોજના ઘડી કાઢી. બહુ ઝડપથી તેનો અમલ શરૂ થયો.
રોમની ભાગોળે, વહેલી સવારે ચારથી પાંચની વચ્ચે બે ભાલાધારી ઘોડેસવારોની લાશ મળી આવી. સાબદા રોમન સૈન્યે રોમનોને જણાવ્યું કે જિબ્રાલ્ટરથી બે હત્યારા સમ્રાટ નીરોનો જાન લેવા માટે આવ્યા હતા. રોમન સૈન્યે તેમની મુરાદ બર ન આવવા દીધી. આ બે ઘોડેસવારોનાં શબ રોમના ચોકમાં, વચ્ચોવચ મૂકવામાં આવ્યા. કેટલાક શાણાઓએ એ જોઈને કહ્યું, 'આ લોકો તો રોમન જ લાગે છે. જિબ્રાલ્ટરવાળા આવો પોશાક નથી પહેરતા.' આ શાણાઓને રોમન સૈનિકોએ તરત ઝબ્બે કરી લીધા.
એના થોડા દિવસ પછી આ શાણાઓનાં શબ રોમની ભાગોળે, એ જ સમયે મળી આવ્યાં. તેમણે ચિત્રવિચિત્ર વસ્ત્રો પહેરેલાં હતાં. તેમના હાથમાં રહેલા ભાલા જોઈને લાગતું હતું કે જાણે તેમણે લખવા માટે કલમ પકડી ન હોય! ફરી સમાચાર વહેતા થયા કે સમ્રાટ નીરોની હત્યા કરવા માટે મોરોક્કોથી મારાઓ આવ્યા હતા. સાબદા રોમન સૈન્યે તેમને પૂરા કરી દીધા છે. આ મારાઓનાં શબ રોમના ચોકમાં મૂકવામાં આવ્યા. અહીં જતાંઆવતાં રોમનો તેની તરફ નજર કરતા, અને એક હાથ ઉંચો કરીને પોકારતા, 'સમ્રાટ નીરોનો જય!'


રોમના નગરજનોને હવે લાગવા માંડ્યું કે રોમની દોમદોમ જાહોજલાલી અને તેના શાસક નીરોની બહાદુરીથી રોમન સામ્રાજ્યનાં અન્ય પ્રદેશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અને કેવળ પોતાનો સમ્રાટ નીરો એક જ એવી વ્યક્તિ છે કે જે આ દુશ્મનોને પહોંચી વળે.
રોમનો સાવ ભોળા નહોતા. તેઓ જાણતા હતા કે રોમની ભાગોળે, સવારે ચારથી પાંચની વચ્ચે જ, ભાલા વડે કોઈ નીરોને મારવા આવે એ વાત ગળે ઉતરે એવી નથી. પણ નીરોએ તેમના મનમાં એવો ડર ભરી દીધો હતો કે તેમને લાગતું કે નીરો સિવાય કોઈ પોતાને આવાં આક્રમણોથી બચાવી શકે એમ નથી.
આથી, નીરોના શાસનમાં રોમન પ્રજા શાંતિપૂર્વક રહેતી હતી.

(By clicking on image, URL will be reached) 
(The images are symbolic) 

Tuesday, April 27, 2021

નીરો અને ખ્રિસ્તીઓ

રોમન સામ્રાજ્ય ખ્રિસ્તી ધર્મ કરતાં જૂનું હતું. નીરોના શાસન સમયે ખ્રિસ્તી ધર્મ નવોસવો હતો. આ ધર્મના અનુયાયીઓ માટેની દાઝ નીરોની રગરગમાં હતી. તેમને હેરાનપરેશાન કરવાની એક પણ તક તે ચૂકતો નહીં. રોમની ભીષણ આગ બાબતે નીરોએ ખ્રિસ્તીઓને જવાબદાર ઠેરવવા પ્રયાસો કર્યા. આમ તો એ ઉઘાડું સત્ય હતું કે આ આગ પાછળ ખુદ નીરો જ કારણભૂત હતો. પણ નીરોને કહે કોણ? અને શું કરવા કહે? નીરોની 'ગુડબુક'માં રહેવાનો, એ રીતે જે કંઈ નાનોમોટો લાભ થાય તો એ લેવાનો મોકો કોણ છોડે? જો કે, આ વર્ગના મોટા ભાગના લોકોને ખબર હતી કે નીરો પાસે 'ગુડબુક' તો શું, 'બુક' જેવું પણ કશું નહોતું. એ મુખ્યત્વે પોતાની અંત:પ્રેરણાને વશ થઈને વર્તતો. એટલું ખરું કે પેલી આગ પછી ખ્રિસ્તીધર્મીઓને હેરાન કરવાનો નીરોને જ નહીં, રોમનોને પણ જાણે કે પરવાનો મળી ગયો હતો.

નીરોએ એક ગુપ્ત સૈન્ય ઉભું કર્યું હતું. આ સૈન્યની કોઈ કૂચ યોજાતી નહીં કે નહોતો તેનો કોઈ સેનાપતિ. સહુ સૈનિકો પોતપોતાને ઘેર જ રહેતા અને સેનાપતિપદ સંભાળતા. તેમનું કામ એ હતું કે રોમમાં કોઈ પણ ઘટના બને તેને દુર્ઘટના તરીકે ચીતરવી અને એ દુર્ઘટના માટે ખ્રિસ્તીઓને જવાબદાર ઠેરવવા. આ સૈન્યમાં જોડાવા માટેની મુખ્ય લાયકાત રોમન લિપિમાં લખવાની આવડત કહી શકાય. પણ એથી મોટી લાયકાત હતી ખ્રિસ્તીદ્વેષ. જેમનામાં એ હાડોહાડ ભરેલો હોય એમને રોમન લિપિ શીખી જતાં વાર ન લાગતી. કોઈને રોમન લિપિ શીખવાની ઈચ્છા ન હોય અને એને માત્ર ચીતરતાં આવડતું હોય તો એ એવાં ચિત્રો ચીતરતો કે જેનાથી ખ્રિસ્તીઓ વિરુદ્ધ લાગણી ભડકી ઉઠે. આવાં ચિત્રો જોતજોતામાં રોમનાં મુખ્ય સ્થળોએ લાગી જતા.
ગુપ્ત સૈનિકોની જેમ નીરોએ કેટલાંક વન્ય પશુઓને પણ પાળ્યાં હતાં. સિંહ અને વાઘ તેને અતિ પ્રિય હતાં. આ ઉપરાંત જરખ, લોંકડી, શિયાળ પણ ખરાં. આ સિંહ અને વાઘ સાચેસાચા, ચાર પગવાળાં માંસાહારી હતા. પોતાને સિંહ કે વાઘ તરીકે ઓળખાવતા રોમના લેખકો નહીં. વર્ષમાં બેથી ત્રણ વાર રોમમાં 'મૃત્યુ પસંદગી ઉત્સવ' ઉજવાતો. એક મોટા કોલોઝિયમમાં રોમનો એકઠા થતા. સ્વાભાવિક છે કે એ નિ:શુલ્ક ન હોય, કેમ કે, રોમના રાજ્યની આવકનો મુખ્ય સ્રોત આવા ઉત્સવો થકી એકઠી થતી રકમનો હતો. આ વિશેષ ઉત્સવમાં વચ્ચોવચ્ચ કેટલાક ખ્રિસ્તીઓને ઉભા રખાતા. તેમને અહીં રખાયેલાં પાંજરા નજીક લઈ જવાતા. એ પછી તેમને પૂછવામાં આવતું કે તેઓ કયા વન્ય પશુ દ્વારા અને કઈ રીતનું મૃત્યુ ઈચ્છે છે. કોઈક પોતાની પસંદગીના સિંહના પાંજરામાં જવાનું પસંદ કરતું. ઉદામ વિચારસરણીવાળો કોઈક કહેતો કે પોતાને જાહેરમાં, સૌ જુએ એમ આઠ ફૂટિયો વાઘ ફાડી ખાય કે જેથી રોમનો આ ક્રૂર હત્યાકાંડને જુએ અને સમજે કે પોતાનો શાસક કેવો ક્રૂર છે. આમ થાય ત્યારે રોમનો આવું લાઈવ મનોરંજન જોવાનું નસીબ પોતાને પ્રાપ્ત થયું એ બદલ સમ્રાટ નીરોનો આભાર માનતા. કેટલાક ભીરુ લોકો પણ હતા, જે ઈચ્છતા કે પોતાનું મૃત્યુ વાઘ કે સિંહ દ્વારા નહીં, પણ શિયાળ દ્વારા થાય. એમને માટે વિશેષ સુવિધા હતી. સૌ પ્રથમ તો આવા ઉમેદવારની હથેળીઓ અને પગના પંજા કાપી નખાતા. એ પછી શિયાળનું ચામડું લાવવામાં આવતું. આ ચામડામાં પેલા ઉમેદવારને જેમ તેમ કરીને ગોઠવવામાં આવતો. તેને ચાર પગે ચાલવાની ફરજ પડાતી. એ પછી ક્યાંકથી જંગલી કૂતરા આવી જતા અને 'શિયાળ'નું કામ તમામ થતું.


આ સમયે આખું કોલોઝિયમ તાળીઓના ગડગડાટ અને ગગનભેદી જયઘોષથી ગાજી ઉઠતું. સમ્રાટ નીરો બે હાથ પહોળા કરી, માથું નમાવીને જયઘોષ ઝીલતો. એ જોઈને રોમનો પોરસાતા અને કહેતા: 'આ બધું કરવા છતાં આપણો સમ્રાટ કેટલો વિનમ્ર છે! આપણી પેઢી કેવી ખુશનસીબ કે એમના સમયમાં જીવવાનું આપણને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું.'
એ પણ ઈતિહાસની વક્રતા ગણવી રહી કે નીરોના શાસનકાળના આશરે ત્રણસો વરસ પછી, સમ્રાટ થિયોડોસીયસ દ્વારા ખ્રિસ્તી ધર્મને રોમન સામ્રાજ્યના અધિકૃત ધર્મ તરીકે ઘોષિત કરવામાં આવ્યો.
પાઠ ભણાવવાની ઈતિહાસની રીત નીરોની જેમ જ આગવી હોય છે.

(By clicking image, the URL will be reached) 
(The images are symbolic) 

Monday, April 26, 2021

નીરો અને અગ્નિશામક સેવા


સમ્રાટ નીરોને તેમના કેટલાક શાણા સલાહકારોએ જણાવ્યું કે રોમમાં અગ્નિશામક સેવાનો આરંભ કરવો જોઈએ. પ્રજાને માથે ખોટા ખર્ચ નાખવાનો વિચાર પોતાના સિવાય અન્ય કોઈને આવી જ શી રીતે શકે? આ વિચારે નીરો ગુસ્સે ભરાયો. તેણે સલાહકારોને બરાબર ધમકાવ્યા. તેમને રોમની બહાર તગેડી મૂકવાની ધમકી આપી. સલાહકારો ડાળી પર રહેલા સૂકા પાંદડાની જેમ ધ્રુજવા લાગ્યા. પોતાની ધમકીની બરાબર અસર થઈ છે એ જોયા પછી નીરોએ પૂછ્યું, 'મને તમારું આયોજન જણાવો.'

એક સલાહકારના દાંત હજી કકડતા હતા. નીરોએ તેમની બત્રીસીમાં બાવળની ડાળખીનો એક ટુકડો ખોસીને કહ્યું, 'ડોન્ટ બી અફ્રેઈડ. જસ્ટ ટેલ મી.' આ જોઈને બાજુમાં ઉભેલા બીજા સલાહકાર સ્વસ્થ થઈ ગયા. તેમણે નીરોને અગ્નિશામક સેવાનું મહત્ત્વ સમજાવ્યું. તેનો સાર એ હતો કે મહત્વ જરૂરિયાતનું નહીં, જરૂરિયાત હોય એ દેખાડવાનું છે. નીરોને આ સૂચન ગળે ઉતર્યું. પોતાને એ સૂચન બરાબર સમજાયું છે એ દર્શાવવા તેણે એ સલાહકારને કહ્યું, 'ઓકે. હવે મને તમે પુરવાર કરી દેખાડો કે તમારી આ રાજમાં જરૂરિયાત શી છે. તમે પાંચ મિનીટમાં એ સમજાવી ન શકો તો મારે તમારી જરૂર નથી એમ પુરવાર થશે. અને નીરોને જેની જરૂર નથી, એની આ પૃથ્વી પર પણ કોઈ જરૂર નથી.' પાંચ મિનીટ થવામાં હજી ખાસ્સી દોઢ મિનીટ બાકી હતી અને એ સલાહકારનું હૃદય બંધ પડી ગયું. નીરોએ અન્ય સલાહકારો સમક્ષ જોઈને હાસ્ય વેર્યું અને બોલ્યો, 'જો ડર ગયા, સમજો મર ગયા.'
આમ છતાં, નીરોના સલાહકાર મંડળમાં રહેવા માટે રોમના પ્રબુદ્ધજનો પડાપડી કરતા હતા. તેઓ માનતા હતા કે મોત તો ગમે ત્યારે આવવાનું છે, પણ નીરોજી એ માટે નિમિત્ત બને એવું સદ્ભાગ્ય ક્યાં!'
નીરોએ આખરે અગ્નિશામક સેવાઓનો આરંભ કર્યો. એ માટેનો સઘળો જશ તેને ખાતે જ હોય એ સ્વાભાવિક છે. પાણી ભરેલાં, લાલ રંગે રંગાયેલાં લાકડાનાં ખોખાંને બે ઘોડા ખેંચતા હોય એવાં દૃશ્યો રોમનો માટે સહજ બન્યાં. અમુક રોમનો એ વાતે હરખાતા કે આગ લાગવાની શક્યતા સુદ્ધાં નથી, છતાં સમ્રાટે કેવી અદ્ભુત વ્યવસ્થા કરી છે! કેટલાક લોકો છાનેછપને બબડતા કે આ બધો દેખાડો છે. ખરેખર આગ લાગશે ત્યારે આ ઘોડાબંબા શોધ્યા નહીં જડે. તેઓ અંદરોઅંદર આ સેવાને 'અગ્નિશામક સેવા'ને બદલે 'અગ્નિભ્રામક સેવા' કહેતા. જો કે, આમ બોલનારા રોમદ્રોહીમાં ખપી જતા, અને એમ મનાતું કે તેઓ એમ ઈચ્છે છે કે રોમમાં આગ લાગે. આથી જ આવા લોકો છાનેછપને, એકોક્તિની જેમ આવું બોલતા.
રોમમાં જ્યારે આગની જ્વાળાઓએ દેખા દીધી ત્યારે છાનેછપને આવું બોલતા લોકોને રોમન પ્રજા શોધવા લાગી. શોધી શોધીને તેમને ફટકારવા માંડી. તેમને કહ્યું, 'તમે વાંકદેખા છો. તમે રોમદ્રોહી છો. અને તમારી બોલેલી વાત સાચી પડે એટલા માટે તમે જ આગ લગાવવાનું કાવતરું ઘડ્યું છે.' પેલા લોકો બે હાથ જોડતા અને કહેતા, 'તમારે અમને મારવા હોય તો પછી મારજો, અત્યારે પેલા ઘોડાબંબા મંગાવવાની વ્યવસ્થા કરો. આ આગ અત્યારે નહીં ડામો તો કાલે એ આખા રોમને ભરખી જશે.'
પેલાઓની કાકલૂદીની કોઈ અસર ન થઈ. તેમને ફટકારવાનું ચાલુ રહ્યું. અચાનક સૌના હાથ થંભી ગયા. માર ખાઈ રહેલા લોકોએ કોણીએથી બન્ને હાથ વાળીને પોતાના માથા પર મૂકી રાખ્યા હતા અને પ્રહારની રાહ જોઈ રહ્યા હતા. પણ પ્રહાર આવ્યો નહીં. ઉંચે જોયું તો ટોળું કોઈક બીજી દિશામાં જોઈ રહ્યું હતું. આ શો ચમત્કાર થયો એ માર ખાનારાઓને ન સમજાયું. ટોળું હવે બીજે ક્યાંક ફંટાઈ ગયું છે એ જોઈને તેઓ હળવેકથી ઉભા થયા. ટોળામાં ગુસપુસ સંભળાતી હતી.
'ફીડલનું ટ્યુનિંગ કરાવતા લાગે છે.'
'અહાહા! મને એમનું ફીડલવાદન બહુ ગમે છે.'
'આવો મહાન સમ્રાટ બીજો થાવો નથી. ઠંડી ક્રૂરતા અને સંગીતપ્રેમનો કેટલો અદ્ભુત સમન્વય છે!'
'ચાલો, ભેરુઓ, આપણે ત્યાં પહોંચીએ. ત્યાં સુધીમાં ટ્યુનિંગનું કામ પૂરું થશે અને દિવ્ય સંગીતના સૂરોનો આરંભ થશે.'
માર ખાતાં ખાતાં બચી ગયેલા મુઠ્ઠીભર લોકોએ સમ્રાટ નીરોનો આભાર માન્યો કે જેમના ફીડલ ટ્યુનિંગે તેમનો જાન બચાવ્યો હતો. તેઓ મનોમન બોલ્યા, 'અમારો જાન તો નીરોએ બચાવી લીધો, પણ તમારો જાન આ નીરો જ લેશે. જોજો, બેટ્ટાઓ!'
આમ બોલીને આ લોકોએ રોમની બહાર દોરી જતા રસ્તાની દિશામાં ડગ માંડ્યા. ડગ શું માંડ્યા, મુઠ્ઠીઓ વાળીને દોટ જ મૂકી. ઘણે દૂર પહોંચ્યા પછી તેમણે પાછું વાળીને જોયું તો પેલી આગના ધુમાડા ધીમે ધીમે ઘટ્ટ બની રહ્યા હતા. હજી ફીડલ ટ્યુનિંગ ચાલી રહ્યું હતું અને 'ટીંગ...ટોંગ..ટંગ...ટંગ..' જેવા અવાજ સંભળાતા હતા.

(By clicking on the image, the URL will be reached) 
(The images are symbolic) 

Sunday, April 25, 2021

નીરો અને આઠ ઘોડાવાળી બગીનું રોમન મોડેલ


રોમન સામ્રાજ્ય આમ તો ઈસવી સન પૂર્વેથી અસ્તિત્ત્વમાં હતું, અને એ સમયે મહાન રાજ્ય ગણાતું હતું. પણ નીરોએ ગાદીનશીન થયા પછી પ્રચારનો જે મારો શરૂ કર્યો, તેને કારણે રોમનોને એમ જ લાગવા માંડ્યું કે રોમની સ્થાપના જ નીરોશ્રીએ કરી છે. જુલિયસ સીઝર અને ઑગસ્ટસ સીઝર જેવા પૂર્વસૂરિઓ વિશે સૌ જાણતા હતા, પણ નીરોને કોઈ નાખુશ કરવા માંગતું નહોતું. નીરોને રાજી રાખવામાં રોમનોને ફાયદો જણાતો હતો. કેમ કે, નીરોએ શરૂઆતમાં પ્રજાવત્સલ હોવાની છબિ ઉભી કરી હતી. કોઈ પણ રોમને, સાવ બાળબોધી લખાણનું પુસ્તક લખ્યું હોય તો પણ તેને એમ થતું કે સમ્રાટ નીરોના દરબારમાં તેનું લોકાર્પણ થાય. આમ થાય તો નીરોની ધાકે એ પુસ્તકની અનેક નકલ લોકોએ ખરીદવી પડે, એટલું જ નહીં, વાંચ્યા પહેલાં જ એને 'શ્રેષ્ઠતમ ચિંતન સાહિત્ય' ધરાવતું પુસ્તક ઘોષિત કરવું પડે. આ કારણે સગીર વયનો એવો કોઈ રોમન ભાગ્યે જ બચ્યો હતો કે જેણે પુસ્તક ન લખ્યું હોય, અને એ પોતાની જાતને ચિંતક ન ગણતો હોય.

આને કારણે જે પ્રથા કે પરંપરા ઊભી થઈ તેને લોકોએ જ 'રોમન મોડેલ' નામ આપ્યું. એ સમયે આમ રોમનો ઘોડા પર આવનજાવન કરતા. ઉમરાવો બે ઘોડાની બગી લઈને નીકળતા, જ્યારે નીરો ચાર ઘોડાની બગીનો ઉપયોગ કરતો. એ પરંપરામાં આ 'રોમન મોડેલ'ને 'આઠ ઘોડાની બગીવાળું મોડેલ' ઘોષિત કરવામાં આવ્યું.


નીરોને લાગ્યું કે આ રીતે રોમનું કદ પોતાનાથી મોટું થઈ જાય એ યોગ્ય ન કહેવાય. આથી તેણે ફરમાન બહાર પાડ્યું કે હવે પછી કોઈ રોમન ચિંતનસાહિત્ય લખી શકશે નહીં. નીરોજીએ ફરમાન બહાર પાડ્યું તો કંઈક સમજીવિચારીને જ પાડ્યું હશે, એમ માનીને રોમનોએ કલમને મ્યાન કરી દીધી. પણ ચિંતનસાહિત્યના તેઓ એવા આદિ થઈ ગયેલા કે તેમનો જીવ સોરવાવા લાગ્યો. આ જોઈને નીરોને બહુ આનંદ થયો. તેમણે હવે 'પ્રજાના લાભાર્થે' બીજું ફરમાન બહાર પાડ્યું કે 'રોમન સામ્રાજ્યમાં ચિંતનસાહિત્ય માત્ર ને માત્ર નીરો જ લખી શકશે. અને રોમનસામ્રાજ્યમાં હવે સૈનિકોની નહીં, ચિંતનસાહિત્યસહાયકોની ભરતી કરવાની છે. એ માટેની લઘુત્તમ લાયકાત એ હશે કે તે જન્મેલો હોવો જોઈએ. કોઈ માતા પોતાના ગર્ભસ્થ શિશુ માટે ચિંતનસાહિત્યસહાયક તરીકે ભરતી કરી શકશે નહીં.
આનું પરિણામ એ આવ્યું કે રોમમાં ગલીએ ગલીએ, ઘેર ઘેર, રૂમે રૂમે, ખુરશીએ ખુરશીએ ચિંતનસાહિત્યસહાયકો મળવા લાગ્યા.
પછીના વરસોમાં રોમની ભીષણ આગ લાગવાની હતી ત્યારે નીરોજીના દરબારમાં હોવાથી આ આખી પ્રજાતિને ગંધ આવી ગઈ હતી કે 'આઠ ઘોડાવાળી બગી'ના મોડેલમાંથી હવે બગી છૂટી પડી જવાની છે. આગોતરી સાવચેતી લઈને આ આખી પ્રજાતિ હોડકામાં બેસીને ક્યાંક હિજરત કરી ગઈ.
એ પછી એ ચિંતનસાહિત્યસહાયકોનું શું થયું એની કોઈને જાણ નથી.
સદીઓ પછી ઈકબાલ નામના એક એશિયન કવિએ લખ્યું ત્યારે ગણિતજ્ઞોને આખી ઘટનાનો તાળો બેઠો.
આ રહી ઈકબાલની એ પંક્તિઓ:

'યૂનાન-ઓ-મિસ્ર-રોમાં, સબ મિટ ગયે જહાં સે,
ક્યા બાત હૈ કિ પસ્તી ખૂટતી નહીં હમારી.'

(By clicking the image, URL will be reached) 
(The images are symbolic) 

Saturday, April 24, 2021

વિશ્વ પુસ્તક દિવસ: પુસ્તકોની સાથે લેખકોની વાત

 23 એપ્રિલનો દિવસ 'વિશ્વ પુસ્તક દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.

આ નિમિત્તે થોડી વાત. 

મારા જેવા ઘણા લોકો હશે કે જેમની આજીવિકા પુસ્તકલેખન થકી હશે. ગુજરાતીમાં કોલમલેખન આજીવિકાનો સ્રોત બની રહે એ અપવાદરૂપ હશે, નિયમ કદી નહીં. લેખકો અનેક રીતે હાથવગા હોય છે. પૂજવા માટે, તેમજ ઠેબે ચડાવવા માટે-નાં બે અંતિમોની વચ્ચેના અનેક વિકલ્પે. ચૌદ વરસ અગાઉ જીવનકથાના આલેખન ક્ષેત્રે મેં પૂર્ણ સમય માટે પ્રવેશ કર્યો ત્યારે મારા એક હિતેચ્છુ વડીલે કહેલું, 'મને તમારી ચિંતા થાય છે. કેમ કે, હવે કોઈ પુસ્તકો ખરીદતું નથી. તો તમારું કેમ ચાલશે?' એ સાચા હિતેચ્છુ હતા એટલે મેં કહેલું કે પુસ્તકો લખવાનો છું, પણ એના વેચાણથી આજીવિકા મળે એવું કશું નથી. આ મોડેલ તેમને સમજવામાં મુશ્કેલી પડી. મૂળ વાત એ છે કે લેખકોની લેખન થકી થતી આવકના સ્રોત અંગે મોટા ભાગના લોકો માત્ર અંદાજ માંડે છે. પુસ્તકપ્રસારના જ ભેખધારી એવા એક અત્યંત આદરણીય વડીલને મેં સાહજિક રીતે પ્રશ્ન પૂછેલો: 'આપની આજીવિકા પ્રકાશન થકી જ છે, પણ આપના થકી કેટલા લેખકોને આજીવિકા મળી?' તેમણે બહુ નિખાલસતાથી જવાબ આપેલો કે એકેને નહીં.

 

પુસ્તક વિશે, લેખકના વ્યક્તિત્વ વિશે, લેખકની કુટેવો વિશે ઘણાં ચર્ચાયુદ્ધો ફાટી નીકળતાં હોય છે, પણ મોટે ભાગે એ અધ્ધરતાલ જ હોય છે, અને એમાં પાયાની માહિતીનો અભાવ હોય છે. આથી કદી એમાં ભાગ લેવાનું મન જ થતું નથી.
ઉદાહરણ તરીકે- મારું કોઈ પુસ્તક 'સાર્થક પ્રકાશન' દ્વારા પ્રકાશિત થાય, તો સ્વાભાવિક છે કે એમાં મને રોયલ્ટી પૂરેપૂરી ઈમાનદારીથી ચૂકવવામાં આવે. મારા કોઈ એક પુસ્તકની તમામ નકલો એક જ મહિનામાં વેચાઈ જાય અને મને એની રોયલ્ટી પૂરેપૂરી ચૂકવાય તો મારા ઘરનો એક મહિનાના રાશનનો ખર્ચ પણ ન નીકળે. આ વાસ્તવિકતા છે. ગુજરાતીમાં પુસ્તકવેચાણના આંકડા મેળવવાની જરૂર નથી. એ કેવા અને કેટલા ઓછા છે એ સૌ જાણે જ છે.
લેખકની વ્યાખ્યા હવે વધુ વિસ્તરી છે, અને અન્ય ક્ષેત્રોમાં ઠરીઠામ હોય એવા વ્યાવસાયિકો લેખનક્ષેત્રે આવ્યા છે. કદાચ એમની લેખન અભિવ્યક્તિ સારી હશે, કે પછી લેખનના ગ્લેમરથી અંજાઈને હશે કે પછી અન્ય કોઈ કારણ હોઈ શકે. ઘણાને લેખન થકી આજીવિકા રળવાની નથી, પણ 'આમ હોવા છતાં પોતે લેખક છે' એ કહેવડાવવાની કીક હોય છે.
વાત એટલી જ છે કે માત્ર ને માત્ર લેખન પર નભતા લોકોએ- એને તમે લેખક કહો, કલમજીવી કહો કે કલમઘસુ કહો, આજીવિકા માટે જ્યાં વ્યાવસાયિક લેખનનું કામ મળી રહે એ સ્વીકારવું પડે. એમાં અંગત પસંદગીને સ્થાન હોતું નથી, એ હવે ઉપરનું ઉદાહરણ વાંચીને સમજાયું હશે.
કોઈ લેખક પોતાના પુસ્તકનો પ્રચાર કરે તો પણ એ ઘણી વાર ટીકાને પાત્ર બને છે. હકીકત એ છે કે એ રીતેય એનાં પુસ્તકો વેચાઈ વેચાઈને કેટલાં વેચાવાનાં? અરે, માનો કે બધાં જ વેચાઈ ગયાં તોય શું?
લેખકોનાં લખાણનું મૂલ્યાંકન, ટીકા કે પ્રશંસા અવશ્ય થવા જોઈએ, કેમ કે, આખરે તો એ જાહેર લખાણ હોય છે. પણ અમુક લખાણો વ્યાવસાયિક ધોરણે હોય તો એનું મૂલ્યાંકન એ રીતે થાય. જેમ કે, થોડા દિવસ અગાઉ મેં મારા પુસ્તકોની યાદી મૂકી હતી, જેમાંના મોટા ભાગના મારા વ્યાવસાયિક કામો છે. કોઈને મારે મૂલ્યાંકન કરવા કહેવું હોય તો બિનવ્યાવસાયિક એવાં બે જ પુસ્તકો- 'ગુર્જરરત્ન' અને 'સળી નહીં, સાવરણી'નું નામ આપું.


ઘણા સમય સુધી મનાતું કે લેખન શોખ માટે જ થાય. સરસ્વતીને ન વેચાય વગેરે..વગેરે...હજી ઘણા એ માન્યતામાં જીવે છે. સરસ્વતીને જો વેચાતી ન હોય તો શાળામાં ફી ન લેવાવી જોઈએ. લેખન તો એક કૌશલ્ય છે, અને એ કૌશલ્ય થકી કોઈ આજીવિકા રળે એમાં ખોટું શું? માતૃભાષાની સેવા તો એ બિલકુલ નથી. લેખક પોતાને આવડતી ભાષામાં લખે એમાં સેવા શેની?
'વિશ્વ પુસ્તક દિવસ' નિમિત્તે પુસ્તકોનો મહિમા ગાવ, પુસ્તકોને ગાળો બોલો, દેખાડો કરો કે બીજું જે ગમે એ કરો, પણ સાથે પુસ્તકના લેખકોને યાદ કરજો. 'ફલાણા લેખક ડાઉન ટુ અર્થ છે', 'મારે એમની સાથે બહુ સારો સંબંધ છે', 'એ લેખક સારા હોવા ઉપરાંત બહુ સારા માણસ છે', 'લેખક સારો, પણ માણસ વાહિયાત'- આવું બધું કહીને નહીં, પણ એના લખાણનું મૂલ્યાંકન કરીને, પુનર્મૂલ્યાંકન કરતા રહીને....શક્ય હોય તો પુસ્તકો સામટા ખરીદીને ભેટ આપવાની કુટેવ પાડવાને બદલે તમારાં સ્નેહીજનોને એ ખરીદવા માટે પ્રેરીને...
બાકી તો વાચકોની ચર્ચા લખાણલક્ષી હોવાને બદલે આ જ રીતે લેખકલક્ષી રહેશે તો મનોરંજન મળતું રહેવાનું છે.

Thursday, April 22, 2021

નીરો અને રોમન અંક પદ્ધતિ


રોમન સમ્રાટ નીરોએ રોમની ભીષણ આગમાં માર્યા ગયેલા મૃતકોના આંકડા છુપાવ્યા ન હતા, એમ પુરવાર થયું. તેને કારણે રોમન અંક પદ્ધતિ વિશે વધુ સંશોધન કરવામાં આવ્યું. ઈતિહાસ સર્જાઈ રહ્યો હોય ત્યારે પણ એને મનગમતા સ્વરૂપે મચડી શકાતો હોય તો બે હજાર-એકવીસસો વરસ પહેલાંના ઈતિહાસમાં ગમે એ રંગ પૂરી શકાય. એ ન્યાયે રોમન અંક પદ્ધતિ અને નીરોનો સંબંધ જાણવો બહુ રસપ્રદ બની રહે એમ છે.

સૌ જાણે છે એમ નીરો સ્વપ્રસિદ્ધિભૂખ્યો હતો. તે આત્મમુગ્ધ પણ હતો. અગાઉ ગ્રીક પુરાણકથાઓમાં નાર્સિસસ નામનું એક કાલ્પનિક પાત્ર હતું, જે પોતાની જાતના પ્રેમમાં ગળાડૂબ હતો, અને આખો દિવસ એક તળાવના પાણીમાં મુગ્ધપણે પોતાનું પ્રતિબિંબ જોયા કરતો. કદાચ આ પ્રથમાક્ષરના નામવાળાને આવો અભિશાપ હશે! નાર્સિસસનું કાલ્પનિક પાત્ર સર્જનારને સપનેય ખ્યાલ નહીં હોય કે નાર્સિસસને ટક્કર મારે એવાં વાસ્તવિક પાત્રો કેવળ ગ્રીસમાં નહીં, સમગ્ર પૃથ્વી પર સમયેસમયે અવતાર લેતાં રહેવાનાં હતાં.
નીરોએ જેમ દસના અંક માટે X ની સંજ્ઞા વાપરી, એમ તેને થયું કે એકથી સો સુધીના વિવિધ અંક માટે શક્ય હોય ત્યાં N નો ઉપયોગ કરવો. નીરોએ ઉમરાવોની સભા બોલાવી. ઉમરાવો અતિ બુદ્ધિશાળી હતા, પણ વતન કાજે ફના થવાની ભાવનાનો તેમનામાં અભાવ હતો. આથી સૌ પ્રથમ તો સૌએ નીરોના આ વિચારને હોંશે હોંશે વધાવી લીધો. નીરોએ એક સમિતિનું ગઠન કર્યું.
આ સમિતિએ કેટલીક શક્યતાઓ પર વિચાર કર્યો અને પોતાનું તારણ-કમ-સૂચન નીરોને જણાવ્યું. એ મુજબ જો રોમન અંક પદ્ધતિમાં N દાખલ કરવામાં આવે તો અત્યારે તો એ ચાલી જાય, પણ દૂરના ભાવિમાં આ જ નામધારી કોઈ શાસક થાય તો એ એમ ઠસાવે કે આ પદ્ધતિ પોતે જ શરૂ કરી. નીરોને આ વાત ગળે ઉતરી. સમિતિએ સૂચવ્યું, 'સમ્રાટજી, મહત્ત્વ આપના નામનું છે કે 'હું'નું? એટલે કે કેપીટલ 'આઈ'નું?' નીરોએ કહ્યું, 'કેપીટલ આઈનું.' આ સાંભળતાં જ સમિતિએ પોતે ગુપ્ત રીતે તૈયાર કરેલો ચાર્ટ દેખાડ્યો. એમાં એક માટે I, બે માટે II, ત્રણ માટે III હતાં. આ ઉપરાંત તેમણે અમુક અંતરે અન્ય અક્ષરો ઘુસાડ્યા, જે નીરોનાં સગાંસંબંધિઓ સાથે સંકળાયેલાં હતાં.
જેમ કે, પાંચ માટે V નું સૂચન હતું. કેમ? નીરોની પત્ની જુલિયાની દાદીનું નામ Vipsania Aggripina હતું. દસ માટે તો X સંજ્ઞા હતી જ. એ પછી સીધા પચાસ માટે નીરોની સાસુ Livilla ના નામ પરથી L સૂચવાયું. સો માટે કાકા Claudius ના નામ પરથી C ની સંજ્ઞા નક્કી થઈ. એ પછી પાંચસો માટે નીરોના સસરા Drususના નામે D પસંદ કરવામાં આવ્યો. અને એક હજાર માટે નીરોના નાના Marcus ના નામ પરથી M નક્કી થયો.
પોતાનાં અનેક પરિવારજનોની હત્યા નીરોએ કરાવી હતી. આથી તેને લાગ્યું કે બસ, આટલી યાદગીરી પૂરતી છે. એક હજારથી આગળની ગણતરીની જરૂર હશે તો આ જ સંજ્ઞાઓ કામમાં લેતા રહેવાશે.
આમ, નીરોએ રોમન અંકના નામકરણની પદ્ધતિમાં પોતાનો 'કેપિટલ આઈ' રાખીને ડહાપણનું કામ કર્યું એમ તેના સલાહકારોને લાગતું હતું. સલાહકારો સાચા પણ હતા. ભવિષ્યમાં આ નામધારી કોઈ શાસક થાય તો એ ગમે એવો નાર્સિસસ હોય તો પણ એ સામાન્ય રીતે પોતાના નામનો જ પ્રથમાક્ષર મૂકાવે. 'કેપિટલ આઈ' મૂકાવાનો એને વિચાર સુદ્ધાં ન આવે. તદુપરાંત એ પણ ખરું કે આવો શાસક ભવિષ્યમાં થાય તો તેને એમ જ લાગે કે 'કેપિટલ આઈ' પોતાની જ સંજ્ઞા છે. 
રોમનો શાસક નીરો કેટલો પરિવારપ્રેમી હતો, અને તેના સલાહકારો કેવા દૂરંદેશી હતા! આજ સુધી આ રોમન અંક પદ્ધતિ એમની એમ ચાલી આવી છે, અને એમાં કોઈ જ ફેરફાર કરાયો નથી, એ જ તેમની દૂરદર્શિતાનું જીવતુંજાગતું ઉદાહરણ છે.

(By clicking on image, the URL will be reached)  
(The images are symbolic) 

Wednesday, April 21, 2021

નીરોની નિખાલસતા



રોમ બહુ નસીબદાર હતું કે તેને નીરો જેવો શાસક મળ્યો હતો. રોમની સાંસ્કૃતિક ધરોહરનો તે પ્રેરક હતો. તેના શાસનકાળ દરમિયાન રાજ્ય દ્વારા પ્રેરિત ફીડલવાદનના વર્ગો નિ:શુલ્ક ચલાવાતા હતા અને એ રીતે રોમના પ્રજાજનોનો એક સંભ્રાન્ત વર્ગ તૈયાર થઈ રહ્યો હતો.

રોમમાં ઠેરઠેર પાકા માર્ગોનું નિર્માણ થઈ રહ્યું હતું, જે ધરતીથી સહેજ ઉંચાઈ પર હતા. તે 'હાઈવે' તરીકે ઓળખાતા અને રોમના નગરજનો આ હાઈવે જોઈને બહુ હરખાતા.
રોમના પ્રજાજનો મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલા હતા. એક મોટો વર્ગ એવો હતો કે જેમનાં પરિવારજનો રાજ્યપ્રેરિત ફીડલવાદનના વર્ગો નિયમિતપણે ભરતા હતા.
બીજો વર્ગ પ્રમાણમાં ઓછો હતો અને એ દૃઢપણે માનતો કે રોમને હાઈવેની કે ફીડલની જરૂર નથી, બલ્કે જે વિસ્તારોમાં આવાસની સુવિધા નથી ત્યાં પહેલાં આવાસ બનવા જોઈએ. કેમ કે, જે પ્રકારના આવાસમાં એ વર્ગ રહેતો હતો ત્યાં ગમે ત્યારે આગ ફાટી નીકળવાની સંભાવના જણાતી હતી.
આ વર્ગને એમ કહીને ચૂપ કરી દેવાતો કે રોમ પર થતા સશસ્ત્ર આક્રમણને ખાળવા માટે હાઈવે જરૂરી જ નહીં, અનિવાર્ય છે અને ફીડલ તો રોમની સાંસ્કૃતિક ઓળખ છે. રોમન પ્રજાજનો એનાથી ગર્વભેર માથું ઉંચું રાખીને કહી શકે છે કે રોમન હોવા બદલ અમને ગર્વ છે.
આખરે આગ ફાટી નીકળી. કહેવાય છે કે ફીડલવાદનના વર્ગોની જેમ જ આ આગ પણ રાજ્યપ્રેરિત હતી. જોતજોતાંમાં આગ પ્રસરવા લાગી. તેનો સૌથી અસરગ્રસ્ત વર્ગ કહેવા લાગ્યો કે અમારી રજૂઆતને તમે અવગણી એનું આ પરિણામ છે.
એ વખતે રોમનો સંભ્રાન્ત વર્ગ આ વર્ગને સલાહ આપતો કે અત્યારે રાજ્યની ટીકા કરવાને બદલે તમે તમારા જાન બચાવવાની પેરવી કરો. આપણે આપણા મહાન રાજ્યને વિશ્વવિજેતા બનાવવાનું છે. પેલા વર્ગ પાસે બીજો કોઈ ઉપાય નહોતો, કેમ કે, તેમની પ્રાથમિકતા જાન બચાવવાની જ હતી.
રોમમાં ત્યારે લોકોને દફન કરવાનો રિવાજ હતો. કબ્રસ્તાન પર એક મોટું પાટિયું ચીતરવામાં આવેલું, જેની પર નીરોનું તૈલચિત્ર મૂકાયું હતું. આ તૈલચિત્રની નીચે લખેલું: 'આજે દફન થયેલાના આંકડા'. એની બાજુમાં એક ખાનું હતું, જેમાં 'ચોકડી' (X) ની નિશાની મૂકાતી. આ જોઈને સંભ્રાન્ત વર્ગ હરખાતો કે સમ્રાટ નીરો નગરજનોની કેવી દરકાર રાખે છે. રોમની આગમાં કોઈ કહેતાં કોઈ જાનહાનિ થઈ નથી.
પછીનાં વરસોમાં નીરોએ નિખાલસતાથી કબૂલ્યું કે પોતે દફન થયેલાઓના સાચેસાચા આંકડા દર્શાવતા હતા, પણ તે એ રીતે દર્શાવાતા હતા કે જેથી પ્રજાજનોમાં ભય ન ફેલાય. એક ચોકડી એટલે દસ જણ. આ પદ્ધતિ તેમના નિષ્ણાત પ્રચાર સેનાપતિઓએ અખત્યાર કરી હતી.
ત્યારથી લઈને આજ સુધી રોમન લિપિમાં 'X'નો અર્થ 'દસ' થાય છે.

(By clicking on image, the URL will be reached.) 
(The images are symbolic) 

Tuesday, April 20, 2021

નીરોની અપીલ અને તેનો અમલ


 રોમના નગરજનો ભીષણ આગથી પહેલાં તો મિલકત બચાવવા, અને પછી જાન બચાવવા માટે ભાગાભાગ કરી રહ્યા હતા. ચોમેર બધું સળગી રહ્યું હતું એટલે ક્યાં જવું એ સમજાતું નહોતું. તેમને ફીડલના સૂર સંભળાઈ રહ્યા હતા. એ સાંભળીને તેમને લાગતું હતું કે ચોક્કસ, ક્યાંક એવી જગ્યા હજી બચી છે કે જ્યાં આગ પહોંચી નથી, અને સંગીતનો જલસો ચાલી રહ્યો છે.

આમ છતાં, તેઓ ડરેલા હતા, કેમ કે, રસ્તે મળતા ઘોડેસવાર સૈનિકો તેમને પકડતા, ફટકારતા અને અગ્નિપ્રતિરોધક પોષાક ન પહેરવા બદલ આકરો દંડ ફટકારતા. આ સૈનિકોથી બચવા રોમના લોકો મુખ્ય માર્ગને બદલે ગલીકૂંચીઓમાં થઈને દોડધામ કરતા. આ સ્થળે જો કે, આગથી ભરખાઈ જવાનું જોખમ વધુ હતું. આટલું ઓછું હતું એમ આ ગલીકૂંચીઓમાં કોક અજાણ્યા લોકોનાં ટોળાં દેખાવા માંડ્યા.
કદાચ પોતાના માનવંતા સમ્રાટ નીરોએ તેમને મદદ કાજે મોકલ્યા હશે એમ માનીને સંતાયેલાં નગરજનો બહાર નીકળવા લાગ્યા. પેલા અજાણ્યા લોકો તેમની નજીક આવતા, અને ગળામાં પહેરેલી સોનાની, ચાંદીની ચેઈન ખેંચીને તોડી લેતા. આ જોઈને નાગરિકો ઓર ગભરાયા. કેટલાક નાગરિકોએ ગળામાં પહેરેલી ચેઈન જાતે જ કાઢીને અજાણ્યાઓને ધરવા માંડી. પેલા અજાણ્યાઓ ઓર અકળાયા. તેમણે એ ચેઈન નાગરિકોને પાછી પહેરાવી અને પછી ખેંચીને તોડી.
દરેક વખતે ચેઈન તોડે એ સાથે તેઓ બૂમ પાડીને પૂછતા, 'બંધ થઈ?' ગલીની બહાર ઉભેલો તેમનામાંનો જ એક જણ કપાળે નેજવું કરીને જોતો, અને પછી આદેશ આપતો, 'હજી ચાલુ જ છે, કામચોરો. બરાબર કામ કરો.'
આખરે એક નાગરિકથી ન રહેવાયું. તેણે પૂછ્યું, 'મહેરબાન, તમે અમને લૂંટી તો લીધા જ છે. હવે જરા એટલું જણાવવા કૃપા કરશો કે આપ આ શું પૂછી રહ્યા છો?'
એક અજાણ્યો અટક્યો. પૂછનાર નાગરિકની સામે જોયું. તુચ્છકારભર્યું હસ્યો અને બોલ્યો, 'તને શું લાગે છે? અમે બધા ચેઈનસ્નેચર છીએ? તને ખબર નથી લાગતી કે આપણા માનવંતા સમ્રાટ નીરોએ સૌને અપીલ કરી છે કે આપણા નગરની આ ભીષણ આગને કાબૂમાં લેવી હશે તો ચેઈન તોડવી પડશે. અમે સમ્રાટના આદેશનું પાલન કરી રહ્યા છીએ. તુંય કરવા માંડ, નહીંતર આગ તને ભરખી જશે. અને બચી ગયો તો નીરોજીના ફરમાનના દ્રોહનો ગુનો લાગશે.' આટલું બોલીને તેણે ગલીના નાકે ઉભેલા પોતાના જોડીદારને કહ્યું: 'આ ગલીમાં કોઈ ચેઈન બાકી નથી. હવે કેવું છે? બંધ થઈ?'
એવામાં એ ગલીમાં સળગી ગયેલાં મકાનોનો કાટમાળ પડ્યો. આગ તો ન ઓલવાઈ, પણ જીવન ઓલવાઈ ગયાં.
(By clicking on image, the URL will be reached) 
(The images are symbolic) 

Monday, April 19, 2021

નીરોની પ્રેસ કૉન્‍‍ફરન્સ




આખરે નીરોની પ્રેસ કૉન્‍ફરન્સ યોજાઈ.

વહેલી સવારે તે યોજવામાં આવેલી, છતાં ઘણા લોકો તેમાં હાજર રહ્યા.
લોકો ઉત્સુકતાથી રાહ જોઈને બેઠા કે નીરો ક્યારે આવે.
નીરોને આવવામાં વિલંબ થયો એ દરમિયાન સૌને ચા-કૉફી પીરસવામાં આવ્યાં.
એ પછી પણ નીરો ન આવ્યો.
રાહ જોતાં જોતાં ભોજનનો સમય થવા આવ્યો, છતાં લોકોએ ધીરજ ટકાવી રાખી. નીરોને એમ કંઈ ઓછો છોડાય?
આખરે બપોરે નીરો આવ્યો.
સૌને હાશ થઈ.
પણ એ રાહત ક્ષણજીવી નીવડી.
નીરોનું રૂપાંતર તાડીમાં થઈ ગયું હતું.
પછી શું?
તાડીને વાઈન માનીને સૌએ ટટકાવી અને ખુશ થતાં થતાં ઘેર ગયાં.
સૌનો એક જ પ્રતિભાવ હતો: 'આટલુંય કોણ કરે છે?'
(By clicking on image, the URL will be reached.) 
(The images are symbolic) 

Tuesday, April 13, 2021

રોમ ભડકે બળી રહ્યું હતું ત્યારે....


- નીરો 'ધ ગ્રેટેસ્ટ લાઈવ ફાયર શો ઑન અર્થ'ના નામે એની મોંઘીદાટ ટિકીટો વેચી રહ્યો હતો.
- તમામ અગ્નિશમન વાહનો તેણે પોતાના મહેલના પ્રાંગણમાં મૂકાવી દીધા હતા.
- 'અગ્નિશમન વાહનો ક્યાં છે?' એમ તેને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું: 'કેલીગુલાને પૂછો.'
- 'રોમન સમાચાર'ના કટારલેખકો 'અગ્નિ, આશકા અને એરિસ્ટોટલ', 'અઢારની ઉંમરે અગ્નિશિખાનો રોમાંચ' જેવા ચિંતનમિશ્રિત રોમાન્સપૂર્ણ લેખો લખી રહ્યા હતા.
- આકાશને આંબવા મથતી અગનજ્વાળાઓની ટોચે ઉડતા ઝીણા ઝીણા તણખા જોઈને એક કટારલેખકે લખ્યું, 'નીરોજીના આ અવતારકૃત્યને વધાવવા દેવો આકાશમાંથી જાણે કે અગ્નિપુષ્પવૃષ્ટિ કરી રહ્યા હતા.'
- આગથી બચવા દોડધામ કરી રહેલા લોકોને રોમના ભદ્ર સમાજના લોકો નકારાત્મક માનસિકતા દૂર કરીને હકારાત્મકતા અપનાવવાનો ઉપદેશ આપતા હતા.
- એવું નહોતું કે નીરોની ટીકા કરનારા નહોતા. એક આખો વર્ગ માની રહ્યો હતો કે નીરોજીએ ફીડલને ટ્યૂન કરાવીને વગાડવા જેવી હતી. આ રીતે ફીડલ બેસૂરી વાગી રહી છે.
- નીરોના સૈનિકો લોકોને 'અગ્નિ પ્રતિરોધક પોષાક' ન પહેરવા બદલ જેલમાં પૂરી રહ્યા હતા. જો કે, 'અગ્નિ પ્રતિરોધક પોષાક' એટલે શું એ ન તો નાગરિકો જાણતા હતા કે ન સૈનિકો.
- 'આ આગ લાગી જ શી રીતે?' એમ કોઈ છાનેછપને પૂછે તો તેને 'આર્મેનિયામાં આગ લાગી ત્યારે તમે ક્યાં હતા?' એમ પૂછીને તેનાં સગાંવહાલાં જ ચૂપ કરી દેતા. આમાંના ઘણાને એ ખબર નહોતી કે આર્મેનિયા ક્યાં આવ્યું. જેમને એ ખબર હતી તેમને એ ખ્યાલ નહોતો કે ત્યાં આગ ક્યારે લાગેલી.
- કેટલાય જાગ્રત અને શિક્ષિત નાગરિકો રોમનોને અપીલ કરતા રહેતા કે ડરશો નહીં, પોતાના ઘરમાં જ રહો. કેમ કે, બહાર નીકળશો અને આગમાં લપેટાઈ જશો તો ઘરનાંને જાણ સુદ્ધાં નહીં થાય. એને બદલે પોતાના ઘરમાં રહીને સૌ સ્વજનોની સાથે અને સામે જ બળવામાં જીવનનું સાર્થક્ય છે.
- નીરોના ચાહકોને લાગતું કે આવી અદ્ભુત અને અભૂતપૂર્વ આગ થકી રોમન સામ્રાજ્ય કેવળ પૃથ્વી પર જ નહીં, બલ્કે સમગ્ર બ્રહ્માંડમાં વિસ્તરશે. જે આમ ન માને તેને 'રોમદ્રોહી' જાહેર કરીને શિરચ્છેદ કરવામાં આવતો.
- ફીડલ વગાડી રહેલા નીરોના પગનો અંગૂઠો કેટલી તાલબદ્ધ રીતે ડોલી રહ્યો છે એ જોઈને અનેક સામંતો હરખાતા. જો કે, નીરોના પગનો અંગૂઠો કોઈની નજરે ન પડે એ સ્વાભાવિક છે.
- લાગલગાટ લાગતી, પ્રસરતી આગ પછી જ્યારે સળગી જવા લાયક કશું જ બચ્યું નહીં ત્યારે કુદરતી ક્રમમાં એ આગ શમી. નીરોએ આ દિવસને 'અગ્નિવિજય ઉત્સવ' તરીકે ઉજવ્યો. એ પછી અનેક સપ્તાહો સુધી લોકલાડીલા રોમન સમ્રાટ નીરોએ શી રીતે અગ્નિરાક્ષસને મહાત કર્યો તેની વાત રોમના કટારલેખકો લખતા રહ્યા. એ વાંચનાર કોઈ બચ્યું ન હતું.

(By clicking on image, the URL will be reached.) 
(The images are symbolic) 

Tuesday, April 6, 2021

અલવિદા, કિશનભાઈ!

 

મુંબઈના 'દોસ્તી બિલ્ડર્સ'ના સ્થાપક, 'સદ્ભાવના સંઘ'ના પ્રણેતા કિશનભાઈ ગોરડીયાના આજે વહેલી સવારે, 88 વર્ષની વયે થયેલા અવસાનના સમાચાર મળ્યા એ સાથે તેમની સાથે છેલ્લા ચાર વરસ દરમિયાન ગાળેલો સમય મનમાં પુનર્જિવીત થઈ ઉઠ્યો.

2016માં તેમની જીવનકથા આલેખવાનું સૂચન વડીલમિત્ર રમેશ ઓઝાએ કર્યું ત્યારે ખુદ કિશનભાઈ પોતાની જીવનકથા લખાવવા બાબતે ખચકાતા હતા. 'એક સર્વોદયવાદી બિલ્ડરની જીવનકથા' જેવું વિરોધાભાસી શિર્ષક મારા મનમાં રમતું થઈ ગયેલું. અમે એક મુલાકાત ગોઠવી. એમાં મેં એમને કન્વિન્સ કરવાનો પ્રયત્ન ન કર્યો, પણ જીવનકથાના આલેખન અંગેની ગેરસમજ દૂર કરી. એ તેમને ગળે ઉતરી, પણ એ પહેલી મુલાકાતમાં તેમના વ્યક્તિત્ત્વની કેટલીક લાક્ષણિકતાઓ ધ્યાનમાં આવી. તેમની વિશ્લેષણ શક્તિ અને મૂલ્યાંકનક્ષમતા એવાં તીવ્ર હતા કે પોતાની જાતનું પણ એ તદ્દન ruthless બનીને વિશ્લેષણ કરતા. તે બોલવાનું શરૂ કરે એટલે અસ્ખલિતપણે બોલતા. હું એકાદ સવાલનું ટ્રીગર દાબું એટલે તે વાત શરૂ કરે. ક્યારેક ફંટાઈ જાય તો જાતે જ કહેતા, 'હું બીજી વાત પર જતો રહ્યો, નહીં?' જે રીતે તેમની એક વાતમાંથી બીજી વાત નીકળતી જતી એ જોતાં મને કવિ હુલ્લડ મુરાદાબાદીની રચના 'પહલી ગલી મેં દૂસરી ગલી હૈ...' યાદ આવી જતી. હું અગાઉથી નક્કી કરીને મુંબઈ બે યા ત્રણ દિવસ માટે જતો. બપોરથી સાંજ સુધી તેમના ઈન્ટરવ્યૂનો કાર્યક્રમ વડાલા ખાતે 'સદ્ભાવના સંઘ' ખાતે રહેતો. ખરી મઝા એ પછીની હતી. તેમનું નિવાસસ્થાન નેપિયન સી રોડ પર, જ્યારે હું પેડર રોડ પર મારા કાકાને ત્યાં ઉતરતો. આથી વડાલાથી અમે સાથે જ નીકળતા અને કિશનભાઈ સહેજ ફરીને મને પેડર રોડ પર ઉતારીને આગળ વધતા. આ કલાક-સવા કલાક દરમિયાન અનેક વાતચીત થતી, જેમાં અંગત, પારિવારિક સહિત વિવિધ બાબતો ચર્ચાતી. ચાલીસ વરસ પહેલાં પોતાના મનમાં શો વિચાર આવેલો એ પણ તે મને નિખાલસતાથી કહેતા. આને કારણે એક વિશિષ્ટ આત્મીયતા અમારી વચ્ચે થઈ ગયેલી.
તેમની જીવનકથાનું આલેખન ક્યારનું પૂરું થઈ ગયું હતું. એ પછી ગયા ફેબ્રુઆરીમાં ખાસ ત્રણ દિવસ એમણે ફાળવ્યા. આ ત્રણ દિવસ દરમિયાન મેં એમની જીવનકથાનું વાંચન એમની સમક્ષ કર્યું. સાથે વર્ષાબેન (વિદ્યા વિલાસ) જેવા તેમનાં જૂનાં સાથીદાર પણ ઉપસ્થિત હતાં. એ રીતે જરૂરી સુધારાવધારા પણ કરતા ગયા. એ પછી તેમનાં અંગત કારણોસર તેના પ્રકાશનમાં વિલંબ થતો રહ્યો.
વચ્ચે એક વાર તેમની તબિયત લથડી ત્યારે તેમણે ડૉક્ટરને પૂછેલું કે પોતે કેટલું જીવી શકે એમ છે. એક વાર વાતચીતમાં તેમણે મને કહેલું કે મેં દોઢ વર્ષનું આયોજન કરેલું છે. આ સમજતાં મને અડધી સેકન્ડ થયેલી અને સમજાયું ત્યારે રીતસર એક લખલખું પસાર થઈ ગયેલું. કોઈ માણસ આ હદની હેતુલક્ષિતાથી પોતાના વિશે વાત કરે?
ગયે વરસે કોવિડની સ્થિતિ દરમિયાન ફોન પર વાતચીત થઈ ત્યારે તેમણે એ જ રીતે કહેલું, ‘મારા બિલ્ડીંગમાં એક પછી એક એમ બે જણનાં મૃત્યુ થયાં. હવે સૌથી મોટો હું જ છું એટલે મારો વારો છે.’ મેં હસીને કહેલું, ‘પુસ્તક પ્રકાશિત કર્યા વિના અમે તમને જવા નહીં દઈએ.’
તેમની જીવનકથાનું શિર્ષક પણ વાતવાતમાં સૂઝેલું. એક વાર અમારી વડાલા-પેડર રોડ મુસાફરીમાં એ કહે, 'આજે સવારે મેં પેલી કવિતા વાંચી- ભોમિયા વિના ભમવા'તા મારે ડુંગરા.' એ વાંચીને મને લાગ્યું કે એ કવિતા મને જ લાગુ પડે છે.' મેં કહ્યું, 'તો આપણે એની પરથી જ શિર્ષક વિચારીએ ને!' એ રીતે અમે 'ભોમિયા વિના ભમ્યો હું ડુંગરા' શિર્ષક નક્કી કરેલું.
તેમની વિવિધ પ્રવૃત્તિઓ વિશે લખાતું રહેશે, પણ તેમનો અંગત પરિચય વિશિષ્ટ રીતે સ્મરણ બનીને રહેશે. તેમની જીવનકથા પ્રકાશિત થાય કે ન થાય, પણ મારા જીવનના એક પ્રકરણ તરીકે તે સદાય અંકિત રહેશે.

અહીં તેમનો સંક્ષિપ્ત પરિચય કેવળ જાણકારી માટે મૂકું છું.

કિશનભાઈ ગોરડીયા: ભોમિયા વિનાની જીવનસફર

(6-12-1932થી 6-4-2021)

કેટલાક લોકો એવા હોય છે કે જેઓ કોઈ પણ જાતના માર્ગદર્શકની ખેવના રાખ્યા વિના સફરે નીકળી પડે છે. પછીનો રસ્તો કેવો હશે એની યા સફળતા કે નિષ્ફળતાની ફિકર કર્યા વિના તેઓ આગળ વધતા રહે છે. 88 વર્ષની જીવનસફર ખેડીને વિદાય લેનાર કિશનભાઈની સફર કંઈક આવી રહી હતી.

ચુનીલાલ ધરમશી ગોરડિયા અને ચંદ્રભાગાબહેનનાં કુલ છ સંતાનોમાં કિશનભાઈ ચોથા ક્રમે હતા. ચાવંડ અને મહુવામાં બાળપણનાં આરંભિક વરસો વીતાવ્યાં પછી પોતાની પાંચ-છ વર્ષની ઉંમરે પરિવાર સાથે કિશનભાઈને મુંબઈ આવી જવાનું બન્યું. કિશનભાઈની બાર વર્ષની વયે માતાનું અવસાન થતાં ઘરની જવાબદારીનો અહેસાસ તેમને તીવ્રપણે થયો. પિતાજીની તબિયત પણ અસ્થિર રહેવા લાગી. મેટ્રિક પાસ થયા પછી પારિવારિક સંજોગોને કારણે તેમણે આગળ અભ્યાસ કરવાનો વિચાર માંડી વાળ્યો. પોતાને માર્ગદર્શન આપે એવું કોઈ હતું નહીં. તેમણે જાતે જ એ નિર્ણય લીધો અને નોકરી શોધવા લાગ્યા. એક સર્જિકલ કંપનીમાં નોકરી મળી.

એ પછી તેમનાં નોકરીનાં ક્ષેત્ર બદલાતાં રહ્યાં. તેમણે શિક્ષક તરીકે કામ કર્યું, વળી પાછા સર્જિકલ કંપનીમાં આવ્યા. બિલકુલ આ જ રીતે તે ઈમ્પોર્ટ-એક્સપોર્ટ લાયસન્‍સ ક્ષેત્રે આવ્યા. આ સમયગાળા દરમિયાન તે ગાંધીસાહિત્ય અને સર્વોદયસાહિત્યના સંપર્કમાં આવ્યા અને તેનાથી ખૂબ પ્રભાવિત થયા. તેમનો જીવ આ ક્ષેત્ર તરફ પ્રબળ ખેંચાણ અનુભવતો હતો, પણ પારિવારિક સંજોગો તેમને એ તરફ જતાં રોકતા હતા. ઈમ્પોર્ટ-એક્સપોર્ટ લાયસન્‍સનું કામ તેમણે સ્વતંત્રપણે શરૂ કર્યું ત્યારે એ ક્ષેત્રે રહેલા ફરજિયાત ભ્રષ્ટાચારનો તેમને ખ્યાલ આવ્યો. એવે વખતે કેદારનાથજીએ તેમને સમાધાન સૂચવ્યું.

એ જ રીતે તેમણે સાબુનું એક કારખાનું સંભાળ્યું. જેમ જેમ તે વ્યવસાયના ક્ષેત્રને છોડીને સેવામાર્ગે જવા વિચારતા એમ તે વ્યાવસાયિક બાબતોમાં અનાયાસે ઊંડા ઉતરતા જતા. 1970ના દાયકાના ઉત્તરાર્ધમાં તેમણે વડાલામાં એક જમીન રાખી અને પહેલવહેલું બિલ્ડીંગ તૈયાર કરાવ્યું. આ એક એવો પાયો હતો કે જેના પર આખી ભાવિ ઈમારત તૈયાર થવાની હતી. આગળ જતાં કિશનભાઈના પુત્ર દીપકભાઈએ દોસ્તી બિલ્ડર્સનું સુકાન સંભાળ્યું અને પોતાની સૂઝ વડે તે મુંબઈના શ્રેષ્ઠ બિલ્ડરોની હરોળમાં બિરાજ્યા.

કિશનભાઈનું ખેંચાણ સામાજિક કાર્યો પ્રત્યે હતું. તેમણે હવે એ તરફ ધ્યાન કેન્‍દ્રિત કર્યું. જો કે, સામાજિક કાર્યોમાં તેમનું મુખ્ય લક્ષ્ય નાગરિકોના ઉત્થાન પ્રત્યે વિશેષ હતું. એ અંગેનાં વિવિધ કાર્યો તે કરતા રહ્યા. આખરે 2006માં તેમણે સદ્‍ભાવના સંઘની સ્થાપના કરી અને આ કાર્યો માટે નક્કર આયોજન કર્યું. સદ્‍ભાવનાનો અર્થ ઘણો વ્યાપક તેમણે રાખ્યો હતો. એ અનુસાર નાગરિક જાગૃતિના વિવિધ કાર્યક્રમો તે યોજતા હતા. સદ્‍ભાવના સંઘના મૂળમાં વિનોબાજીએ આપેલી આચાર્યકુળની વિભાવના હતી, જેમાં સમાજના વિવિધ ક્ષેત્રના લોકો સંકળાય અને તંદુરસ્ત સમાજનું નિર્માણ કરે એ ખ્યાલ મુખ્ય હતો. કિશનભાઈ પોતે ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને અનુસરતા હતા, જેમાં પોતે પોતાની સંપત્તિના માલિક નહીં, પણ ટ્રસ્ટી હોવાની ભાવના હતી. 

પોતાનો પૂર્ણ સમય તે સદ્‍ભાવના સંઘમાં જ આપતા હતા. છેલ્લે છેલ્લે શારિરીક વિપરીતતા હોવા છતાં તે સદ્‍ભાવના સંઘમાં લગભગ નિયમિત આવતા.

22 માર્ચે તેમને કોવિડ-19ને કારણે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમની સારવારમાં સૌ કોઈ ખડેપગે રહ્યા. પોતાનો દેહ સમાજનાં કાર્યો માટે ઊપયોગી બની રહે એ બાબતે સતત સભાન રહેતા કિશનભાઈ અનેક શારિરીક તકલીફોનો સામનો એક યોદ્ધાની જેમ કરતા આવ્યા હતા. પણ આ યુદ્ધ જીવન સાથેનું તેમનું અંતિમ યુદ્ધ બની રહ્યું. આખરે 6 એપ્રિલના રોજ વહેલી સવારે તેમણે દેહ છોડ્યો. 

પોતાની જાત સહિત કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનું હેતુલક્ષી મૂલ્યાંકન કરવાની તેમની ક્ષમતા તેમની આગવી વિશેષતા હતી. આ કારણે જ તેમનાં પત્ની રસિકાબેન, પુત્ર દીપકભાઈ, પુત્રવધૂ સેજલબેન, પૌત્ર અનુજ, પૌત્રી શ્રદ્ધા, પુત્રી સાધનાબેન, જમાઈ નૈમિષભાઈ અને દોહિત્રી અમી- જમાઈ અર્થ તેમજ તેમનાં સંતાનો આશા, અહાના, દોહિત્રી બંસી- જમાઈ ચાર્લી તેમજ તેમનો પુત્ર દિલ્લોન–એમ સમસ્ત ગોરડીયા પરિવાર કે સદ્‍ભાવના સંઘનાં સભ્યો તો ખરા જ, પણ કિશનભાઈના સંપર્કમાં આવ્યાં હોય એવા સહુ કોઈને એક વડીલ-મિત્ર-શુભચિંતક ગુમાવવાની લાગણી કિશનભાઈની વિદાયથી અનુભવાઈ રહી છે.

Friday, April 2, 2021

કવિતાબવિતા


ચાલો, દૂરથી સૌને ઑ'રાઈટ કરીએ,
જાણીને કરેલાને ઓવરસાઈટ કરીએ.
હીસ્ટ્રીશીટ બદલવાની ઝંઝટમાં કોણ પડે?
આવો, હીસ્ટ્રીને જ રીરાઈટ કરીએ.
કોરોના શું ઉખાડી લેવાનો અમારું?
પ્રજાને જ એ બહાને ટાઈટ કરીએ.
અંદરોઅંદર ઝઘડી લો પહેલાં,
પરવારો પછી પાકિસ્તાન સાથે ફાઈટ કરીએ.

(લખ્યા તારીખ: 2-4-2021)