Tuesday, July 31, 2012

પાકિસ્તાનના પ્રવાસે (૫)


                                                                   પૂર્વી મોદી મલકાણ 



ખાવ, પણ સરળ હપ્તે! 

વાઘા બોર્ડરથી પાછા ફરીને અમે રાતના અંધકારમાં રોશનીથી ઝળહળતા જૂના લાહોર શહેરના હૃદયમાં ખોવાઈ ગયાં અને લાહોરી બનીને લાહોરી લાલાઓ સાથે ભળી ગયાં. લાહોરના વિશાળ રસ્તાઓ પર લોકો ઘૂમી રહ્યાં હતાં. ચારે તરફ કોલાહલ અને શોરગુલ સાંભળતો હતો. કારનાં હોર્ન અને સાઇકલની ટ્રિંગ ટ્રિંગથી શહેરના મુખ્ય રસ્તાઓ ગુંજી રહ્યા હતા. ચારે તરફ ભીડ જ ભીડ નજરે પડતી હતી. આટલા બધા લોકોને આમ એકસાથે બહાર જોઈને મને ઘણું જ આશ્ચર્ય થયું. અમારા મિત્રે જણાવ્યું કે આ શહેરની ખાસિયત છે કે મોટા ભાગના લોકો લગભગ આખું અઠવાડિયું રાત્રે બહાર જ ભોજન લે છે. કોઈ ઘરમાં જમે તો સમાજ તેમને જુનવાણી ગણે છે. રેસ્ટોરન્ટમાં જમવા માટે દેવું કરવું પડે તો એ પણ કરીને, ઉધારી કરીને તેઓ રેસ્ટોરાંમાં જમે છે. મને થયું કે વાહ, રેસ્ટોરાંમાં જમવા માટે પણ લોન લેવાય છે. કહેવું પડે!
સોલ્ટ એન્ડ પેપર વીલેજ 
અમારા મિત્રનો પરિવાર અમને અહીં મળવાનો હતો. અમારે તેમની રાહ જોવાની હતી. તે આવે ત્યાં સુધી અમે માર્કેટમાં વિન્ડોશોપિંગ કરતા રહ્યા. લાહોરની અતિ પ્રખ્યાત પાપડ સ્ટ્રીટમાં અમે ગયાં, જ્યાં સ્ટ્રીટ ફૂડ તરીકે પાપડ બહુ જ પ્રખ્યાત છે. એક પ્લાસ્ટિકની બેગમાં પાપડ મૂકીને ફેરીયાઓ અહીં ફરતા રહે છે. વિવિધ મસાલાવાળા, વિવિધ ડ્રાય કરીવાળા કે ફ્રાઈડ ફિશવાળા પાપડ, બોઈલ્ડ ઈંડાના ટુકડાઓવાળા પાપડ તેઓ તૈયાર કરી આપે છે. અહીંના પ્લેન પાપડનો સ્વાદ લેતાં ખ્યાલ આવ્યો કે ચોખા, કોર્નના લોટમાં બટેટાનો માવો મિક્સ કરીને આ પાપડ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સાબુદાણા, નાચન, અડદ, મગ, કોર્ન,ચોખા તથા કાચી કેરીના પાપડ પણ જોવા મળ્યાં. અહીં થોડો સમય પસાર કર્યો એ દરમ્યાન અમારા મિત્રનો પરિવાર આવી પહોંચ્યો. તેમની સાથે અમે શહેરની ખૂબ પ્રખ્યાત એવી “Salt and Pepper Village” રેસ્ટોરાંમાં અમે ગયાં. આ રેસ્ટોરાં થિયેટર ટાઈમ પ્રમાણે ચાલે છે. તે ફક્ત સાંજના સમયે ખુલે છે, જેમાં થિયેટરના ટાઈમની જેમ શિફ્ટ ગોઠવેલી હોય છે, જેથી મહેમાનોએ પણ તે સમયમર્યાદામાં પોતાનું ભોજન પૂરું કરવું પડે છે. અહીં ડિનર લેવા માટે સામાન્ય રીતે એક અઠવાડિયા અગાઉ બુકિંગ થઈ જાય છે. બૂકિંગ વગર અહીં પ્રવેશ મળતો નથી. અમે લાહોર પહોંચ્યાં તે જ દિવસે અમારા મિત્રે રેસ્ટોરાંના મેનેજરને કહી રાખેલું કે અપના મુલ્ક દેખને કે લિયે ઈન્ડિયા સે ગેસ્ટ્સ આયે હૈ ઔર હમ ઉન્હે યહાં લેકે આના ચાહતે હૈ ઔર વો યહાં જ્યાદા રૂકનેવાલે નહીં હૈ, ક્યુંકી કલ વો વાપસ જા રહે હૈ. આ સાંભળીને મેનેજરે કહેલું કે હમારે મુલ્ક કે મહેમાન હમારે મહેમાન હૈ. તેણે તાત્કાલિક અમારા માટે સાંજે એક ટેબલ બૂક કરી આપ્યું હતું.

**** **** ****

અમે સોલ્ટ એન્ડ પેપર વિલેજ પહોંચ્યાં. અંદર પ્રવેશતાં જોયું તો શીંગચણા,મકાઇના ભૂટ્ટા અને નાના બાળકો માટે બલૂન લઈને હોટેલના ક્રૂ મેમ્બરો ફેરિયાની જેમ ગોઠવાઈ ગયા હતા. આ દૃશ્ય જોઈને મને અનાયાસે રાજકોટનું ગિરનાર થિયેટર યાદ આવી ગયું.
સોલ્ટ એન્ડ પેપર વિલેજની બાંધણી એકદમ વિશિષ્ટ હતી. અમુક હિસ્સો કોઈક નાનકડા, જૂના બંગલા જેવો લાગે, અમુક હિસ્સો જૂના જમાનામાં બનેલી માટીની હવેલીની યાદ દેવડાવે.
હોટેલનો મુખ્ય દરવાજો એકદમ જુનવાણી શૈલીની બાંધણીવાળો હતો. આ હોટેલની આંતરિક સજાવટ માટીનાં બનેલાં ઘરોની યાદ દેવડાવતી હતી.
 હોટેલની અંદરનો ભાગ અને વરંડો રંગબેરંગી લાઇટથી ઝળહળી રહ્યો હતો.
હોટેલની અંદરના ભાગમાં  બુફે માટે નાની નાની હાટડીઓ ઊભી કરવામાં આવેલી. અહીં અલાયદું ઓપન કિચન લઈને કૂક ઊભા હતા. બેગમ-એ-બિરયાની, ભલ્લા-એ-ખાસ, નાનેબહાર, બહારે લસ્સી,શામે કબાબ, પાયા મુર્ગ મુસ્સલમ, ગોશ્ત ખાના, મિલ્કી સેવૈયાં વગેરે જેવાં વિવિધ નામ આ હાટડીઓના આપવામાં આવેલા હતાં.
ભલ્લા-એ-ખાસ નામની હાટડીમાં વિવિધ પ્રકારની ચાટ મળતી હતી. જેમાં પાપડી પકોરા, બેદઈ, સમોસા, ભલ્લા, ગોલગપ્પા, બુંદી શીંગ, યામ,આલુ ટીક્કી વગેરે હતી.

લોકૂટનું ફળ 
ડિનરમાં લાહોરી ફૂડનો આનંદ માણ્યો. પછી મને ફ્રૂટ ચાટ સેન્ટરમાં નાની, લીલી સોપારી જેવુ દેખાતું પીળા રંગનું એક ફળ જોવા મળ્યું. જાણવા મળ્યું કે તેનું નામ લોકૂટ (Loquats) છે. તેની અંદર કથ્થાઇ રંગનું મોટું બી (ગોટલી) જોવા મળે છે. તેને ચાખ્યું તો છાલનો સ્વાદ થોડો તૂરો લાગ્યો, પણ અંદરનો ગર ખટમીઠો હતો. અમારા મિત્રને પૂછતાં તેમણે એ વિષે વધુ માહિતી આપી.  એ મુજબ આ ફળ અહીં એપ્રિલ-મેમાં જ જોવા મળે છે. કાચું હોય ત્યારે તેનો રંગ લીલો અને પાક્યા પછી પીળો થઈ જાય છે. અસલમાં આ ફળ જાપાનનું છે, ત્યાંથી એ ચીન ગયું અને ચીનથી તે પાકિસ્તાનમાં આવ્યું છે. આ ફળ બરાબર પાકી જાય એ પછી તેમાંથી હલવો બનાવવામાં આવે છે, જે અત્યંત સ્વાદિષ્ટ લાગે છે. મને તેનો હલવો ખાવાનો લાભ તો ન મળ્યો, પણ લાહોરમાં હતી ત્યાં સુધી મેં આ ફળનો સારો એવો લુત્ફ ઉઠાવ્યો. તેનો સ્વાદ મારા મોમાં એવો રહી ગયો હતો કે પાછા યુ એસ એ આવીને તેના વિષે વધુ જાણકારી મેળવી. મને જાણવા મળ્યું કે વિદેશી માર્કેટમાં આ ફળને જાપાનીઝ પ્લમ કહે છે. આ ફળનાં વૃક્ષ ૩૦ થી ૩૫ ફૂટ ઊંચાં હોય છે અને ફળમાં કેલ્શિયમ, ફૉસ્ફરસ, આર્યન, વિટામિન એ, વિટામિન સી તેમજ પોટેશિયમ વિશેષ પ્રમાણમાં હોય છે. માત્ર ફળ જ નહીં,લોકૂટ વૃક્ષના પાંદડાઓનો ઉપયોગ પણ ચા તરીકે થાય છે.
સોલ્ટ એન્ડ પેપરમાં રાતના જમણનો લુત્ફ ઉઠાવ્યા પછી અમે બહાર નીકળ્યા ત્યારે રાતના સાડા અગિયાર વાગ્યાં થયા હતા. રસ્તાઓ પર અવરજવર ઓછી થવા લાગી હતી. લાગતું હતું કે દિવસભર દોડતું રહેલું લાહોર શહેર હવે શાંત થઈને સુવાની તૈયારી કરતું હતું. બીજે દિવસે સવારે અગિયાર વાગે મળવાનું નક્કી કરીને અમે પણ અમારી હોટેલ તરફ પાછા વળ્યાં.

જરા સી આહટ હોતી હૈ તો....

પાકિસ્તાનના અત્યાર સુધી થયેલા સારા અનુભવની સામે અમારી હોટેલમાં આવતાં અમને જે અનુભવ થયો એ કંઈક વિચિત્ર હતો. થયેલું એવું કે મોડી બપોરેના સમયે અમે આ હોટેલમાં પ્રવેશ કર્યો ત્યારે ચેક-ઈન કરાવતી વખતે આંતરરાષ્ટ્રીય પ્રવાસી તરીકે અમારે અમારી ઓળખનું પ્રમાણ અહીં બતાવવાનું હતું. અમે અમારા પાસપોર્ટ એ માટે આપ્યા ત્યારે બૂથ પરના ડ્યૂટી મેનેજરે અમને પાસપોર્ટ ત્યાં મૂકીને જવાનો આગ્રહ રાખ્યો. મારા પતિએ તેને જે તપાસ કરવી હોય એ કરીને પાસપોર્ટ પાછા લેવાનો આગ્રહ રાખ્યો. મેનેજર કહે કે તમે રાત્રે પાછા આવો ત્યારે પાસપોર્ટ પાછા મળી જશે. અમને આ વાત ગળે ન ઉતરી. અમે કહ્યું કે ભલે ગમે એટલી વાર લાગે, પણ પાસપોર્ટ અમે અમારી સાથે જ રાખીશું, કેમ કે અમારે શહેરમાં ફરવાનું છે અને ત્યાં તેની ગમે ત્યારે જરૂર પડી શકે. મેનેજરે છેવટે કટાણા મોંએ જરૂરી માહિતી નોંધીને અમને પાસપોર્ટ આપ્યા ખરા, પણ અણગમાનો ભાવ તેના મોં પર સ્પષ્ટ દેખાતો હતો. અમને ખ્યાલ ન આવ્યો કે આવો દુરાગ્રહ રાખવા પાછળનું કારણ શું હશે. પછી અમે બહાર જવા નીકળ્યા ત્યારે સાવચેતીના પગલારૂપે કમ્યુટર બેગ અને પાસપોર્ટ સાથે જ લઈને નીકળેલા. કોણ જાણે કેમ, પણ અમને થતું હતું કે આ હોટેલમાં સલામતી નથી.
અમારી શંકા સાચી પડી હતી. મોડી રાત્રે અમે હોટેલ પર આવ્યાં. અમારી રૂમમાં પહોંચ્યાં અને જોયું તો અમારી બેગોનાં તાળાં ખોલેલાં હતાં અને બેગો ખુલ્લી પડેલી હતી. રૂમમાં પણ તલાશી લેવાઈ હોવાનું જણાતું હતું.
અમારા ગયા પછી રૂમમાં કોઈક આવ્યું હતું એ સીધી વાત હતી.જો કે, રૂમમાં કપડાં સિવાય કંઇ ન હતું, એટલે મનમાં શાંતિ હતી, છતાંય આ હરકત ગમે તેવી નહોતી. કદાચ અમે ભારતીય હતાં તેથી કે અમેરિકન હતાં તેને કારણે તપાસ કરવામાં આવી હશે. એમ પણ બને કે હોટેલવાળાને અમે પ્રવાસીને બદલે જાસૂસ જેવા લાગ્યાં હોઈએ. રૂમના બારણાની આઈ વીન્ડોમાંથી અમારા રૂમ તરફ આવતા અને જતા અજાણ્યા લોકોને હું ઉભડક જીવે નિહાળી રહી હતી. સૂવા પડ્યા પછી પણ પગરવના અવાજ કાને પડતા રહ્યા.
આ બાબતે હોટેલની મેનેજમેન્ટને ફરિયાદ કરવાનો અમને અર્થ લાગ્યો નહીં. તેને બદલે અમે ત્યાં રહેવાનું માંડી વાળ્યું અને બીજે દિવસે નાસ્તો લઈ હોટેલ છોડવાનું નક્કી કરી લીધું.  

**** **** ****

સવારે આંખ ખૂલી ત્યારે શહેર હજુ શાંત હતું. માર્કેટો બંધ હતી. સફાઈ કામદારો રસ્તા સાફ કરી રહ્યા હતા. હોટેલના મુખ્ય રોડ પર શોરબકોર થઈ આવી રહ્યો હતો, જે સાંભળતાં લાગતું હતું કે કશીક પ્રવૃતિ થઈ રહી હતી. તૈયાર થઈને અમે બ્રેકફાસ્ટ રૂમમાં ગયા, ત્યારે રસ્તા પર નજર પડતાં જોયું કે થોડા યુવાનો રસ્તા પર ક્રિકેટ રમી રહ્યા હતા.
વેજ નાસ્તામાં ફક્ત બ્રેડ અને બટર એ બે જ વસ્તુઓ મળી. મારે માટે એ પૂરતી હતી. જો કે, એ ફરજિયાત મળેલો વિકલ્પ હતો, કેમ કે આ સિવાયનો તમામ નાસ્તો નોન-વેજ હતો.  
મેં જોયું કે અહીંના લોકો મોટા ભાગે અમેરીકનની જેમ બ્લેક કોફી, અને બ્રિટિશરોની જેમ બ્લેક ટી વધુ પીવે છે. પણ હવે ચીનની અસરમાં પાકિસ્તાનમાં અમેરીકન કોફીનું સ્થાન ગ્રીન ટી લેવા લાગી છે. આપણી ચા દૂધવાળી ચા) નો સમાવેશ ભારતીય પીણામાં થાય છે.
તદ્પરાંત ભારતીય ચા વિષે એક રસપ્રદ બાબત એ જોવા મળી કે તેમાં ગળપણ માટે ખાંડનો નહીં, ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે, મને અહીં જે પીણું સૌથી વધુ ગમ્યું તે હતું કાવો. તેને બનાવવાની રીત પૂછતાં જાણવા મળ્યું કે પાણીમાં લવિંગ, તજ, એલચી, જીરું, વરીયાળી, હળદર, અજમો, મેથીના દાણા, આખા ધાણા, તુલસી, ફૂદીનો, નાગરવેલના પાન, આદુ વગેરે નાંખીને તેને ખૂબ ઉકાળવામાં આવે છે. વેઇટરનું કહેવું હતું કે આ કાવો આરોગ્ય માટે શ્રેષ્ઠ છે, કારણ કે તે કેફીન ફ્રી હોય છે અને સામાન્ય કિચનમાં આ બધી જ વસ્તુઓ સહેલાઈથી મળી રહે છે. આ કાવાનો સૌથી વધુ ઉપયોગ શિયાળામાં થાય છે.
નાસ્તાને પૂરો ન્યાય આપીને અમે બ્રેકફાસ્ટરૂમની બહાર નીકળ્યાં ત્યારે પણ રસ્તા પર મોર્નિંગ ક્રિકેટ મેચ ચાલુ હતી.

ઘટાયેં ફિર ભી છાયેગી,  મગર હમતુમ જુદા હોંગે 

આંખો જ જોઈ શકાય એવા 'આબાયા' 
અમારા મિત્ર સાથે સવારે અમે લાહોરની ટૂર શરૂ કરી એ અગાઉ અમે સામાન સાથે હોટેલ છોડી દીધી, કારણ કે પાકિસ્તાનમાં અમારો આ છેલ્લો દિવસ હતો. સફરની શરૂઆત જૂના લાહોરથી થઈ. લાહોર અને દિલ્હી આ બંને શહેર મોગલ બાદશાહોના હૃદયની વધુ નજીક હતાં. આ શહેરોનાં ઘણા વિસ્તારના નામ પણ એકબીજાને મળતા આવે છે. દિલ્હીમાં ચાંદની ચોક’/Chandni Chowk છે, તેમ ઇસ્લામાબાદ અને લાહોરમાં પણ ચાંદની ચોક છે. દિલ્હીમાં લાહોરી ગેટ’/Lahore Gate છે, તો લાહોરમાં દિલ્હી ગેટ’/Delhi Gate આવેલો છે.
ગઇકાલે અમે જૂના લાહોરમાં ફરેલાં, પણ આજે લાહોરના જે વિસ્તારમાં ફર્યાં એ વધુ જૂનો લાગતો હતો. શહેરની અંદરનો આ ભાગ નાની અને સાંકડી ગલીઓ, અનેક દરવાજાઓની અંદર વહેંચાયેલો છે. અંદરના આ વિસ્તારનો મોટાભાગનો વિકાસ મોગલ બાદશાહ શાહજહાં, ઔરંગઝેબ અને તેમના વજીરો, હાકેમ તેમજ સુબાઓ દ્વારા કરવામાં આવ્યો હતો, તેથી અહીં જૂનામાં જૂની બાંધણીવાળા મકાનો, દુકાનો અને ગલીઓ જોવા મળે છે. આ વિસ્તારમાંથી પસાર થતી વખતે અરેબિયન નાઇટ્સની અનેક વાર્તાઓ યાદ આવી રહી હતી. કેમ કે એ વાર્તાઓમાં આવે છે એમ અહીં રહેતી બાનુઓ પણ આખા ચહેરા અને આંખોને ઢાંકતાં આબાયા પહેરે છે. તેમાં આંખ પાસે જાળીવાળો ભાગ હોય, તેમાંથી જોવાનું. બે આંખોની વચ્ચે નાક પાસેથી પણ એ રીતે સિવેલું હોય કે આંખોની બે કીકી સિવાય કંઇ જ ન દેખાય. આ વિસ્તારની અન્ય સ્ત્રીઓ અને છોકરીઓએ પણ સલવાર કમીઝ પહેરેલાં હતાં અને તેમનાં ચહેરા દુપટ્ટાથી ઢાંકેલાં હતાં. મોટાભાગના પુરુષોએ પઠાણી પોષાક પહેરેલો હતો. તેમના માથા પર સાફો હતો કે મિયાં ટોપી પહેરેલી હતી. ખુલ્લા માથાવાળા મિયાં કે બીબી તો જવલ્લે જ જોવા મળતાં. આ જોઈને જ ખ્યાલ આવી જાય કે અહીંના લોકો ખૂબ રૂઢિચુસ્ત છે. આ રૂઢિચુસ્ત લોકો વચ્ચે અહીંના બજારમાં ફરવાનું મને જરા અજુગતું લાગતું હતું. એક તો મારો પહેરવેશ ભારતીય હતો અને બીજું મારો પગ. આ બંનેને કારણે લોકો મારી સામે ટીકીટીકીને જોઈ રહેતા હતા. આ વિસ્તારના ફોટા લેવાની મેં થોડીઘણી કોશીષ કરી, અહીંના લોકોને એ ગમ્યું નહીં. તેઓ ક્યારેક દેકારો બોલાવતા કે ટોળે વળી જતાં. તેમના મોં પર અણગમાનો  ભાવ સ્પષ્ટ દેખાતો. એટલે મેં ફોટા લેવાનું માંડવાળ જ કર્યું.

**** **** ****

વિલીયમ કારપેન્ટરની પીંછીએ વઝીરખાન મસ્જિદ 
આ શહેરની ગીચ, જુનવાણી અને નાની નાની ગલીઓની અંદર શાહજહાંના વજીરે  બનાવેલી મસ્જિદ વઝીરખાન/ Wazirkhan Mosque આવેલી છે. ત્યાં સમારકામ ચાલી રહ્યું હતું. પાકિસ્તાન સરકારે અમુક ઇમારતોને હેરિટેજ સ્થળ તરીકે વિકસાવી છે, તેમાં આ મસ્જિદનો પણ સમાવેશ થાય છે. શાહજહાંના વજીર શેખ ઈલ્મ-ઉદ-દ્દિન-અન્સારી, જે લાહોરના વજીરે આલા (ગવર્નર) હતા, તેમણે આ મસ્જિદ ૧૬૩૪માં બનાવડાવેલી. સાત વર્ષના સમયગાળામાં તે પૂરી થઈ હતી. બાદશાહના વજીરે આ મસ્જિદ બનાવેલી હોવાથી આ મસ્જિદને વઝીરેખાન મસ્જિદ નામ અપાયું. (તેને વઝીરેશાહ મસ્જિદ પણ કહે છે.) મોગલકાળની ઈમારતોમાં પથ્થરનો ઉપયોગ વધુ જોવા મળે છે, પણ ક્યારેક પથ્થરની અવેજીમાં લાલ ઈંટનો ઉપયોગ કરવામાં આવે છે. કાં પથ્થર પ્રાપ્ય નહીં હોય કાં તેની કિંમત વધી ગઈ હોય- ગમે તે કારણ હોય. આ મસ્જિદના બાંધકામમાં મોટેભાગે લાઈમ સ્ટોન, લાલ ઈંટ, ટેરાકોટા અને બહુ થોડા પ્રમાણમાં પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આરસ અને ટાઇલ્સનો પણ થોડોઘણો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મસ્જિદમાં રહેલી ઈંટો પર ખાસ લાલ રંગ મંગાવીને તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 
અહીં ફૂલપાનની ગૂંથણીવાળી ડિઝાઇન, અબ્રાસ્ક અને ગ્રાફિક ડિઝાઇન એટલી સુંદર રીતે કરવામાં આવી છે કે બસ તેને જ જોયા કરવાનું મન થાય. મસ્જિદની જમણી અને ડાબી તરફ ૧૦૦ ફૂટ ઊંચા બે મિનારા છે. આ મિનારાની ડિઝાઇન અને તેમાં પૂરવામાં આવેલા રંગને કારણે આ મિનારા દિવસ દરમ્યાન અત્યંત સુંદર અને મનમોહક લાગે છે. મસ્જિદની દીવાલો પર અરબી ભાષામાં કુરાનની આયાત લખવામાં આવી છે. ઉપરાંત આ ચારે દિશાની વિવિધ બાજુએ મોહંમદ પયગંબરનો પણ સંદેશો લખવામાં આવ્યો છે. આ મસ્જિદની અંદરની બાજુના ભોંયતળીયામાં ૧૪મી સદીના ઈરાનના સંત બાદશાહ મીરાન શાહની કબર આવેલી છે. કહેવાય છે કે આ કબર મસ્જિદ બની તે પહેલાંની છે. વઝીરશાહે મસ્જિદ બનાવડાવવાની શરૂઆત કરી ત્યારે કબરને યથાવત્ રાખીને તેની આજુબાજુ મસ્જિદ ચણી લીધી હતી. આ કબરની મુલાકાતે પણ ઘણા લોકો આવે છે..
અહીં ગરમી ઘણી હતી, પણ ઇમારતની અંદરના ભાગમાં ઘણી ઠંડક હતી. આ ઇમારતમાં પ્રવેશતાં જ એકસાથે એકાદ હજાર માણસો નમાઝ કરવા બેસી શકે એટલું વિશાળ કોર્ટયાર્ડ છે.
વઝીરખાન મસ્જિદ 
આ કોર્ટયાર્ડની ચારે દિશાએ લાકડાના બનેલા નાના નાના ૩૫ દરવાજાઓ છે, જેમાંના મોટાભાગના બંધ છે. બે- ત્રણ દરવાજા ખુલ્લા હતા તેમાંથી મેં કૂતુહલવશ જોયું તો ખ્યાલ આવ્યો કે તે નાના નાના રૂમ હતાં. આ મસ્જિદની ચારે દિશામાં ચાર દરવાજા છે, જે અલગ અલગ બજાર તરફ લઈ જાય છે. ઉત્તરનો દરવાજો કાશ્મીરી બજાર તરફ ખૂલે છે, તો પશ્ચિમનો દરવાજો દિલ્લી ગેટ તરફ લઈ જાય છે. કોર્ટયાર્ડની મધ્યમાં નાનો એવો ફુવારો છે. તેની પાસે નાનકડો ચોક છે, જ્યાં પગ ધોવાની વ્યવસ્થા છે. મસ્જિદમાં જનારાના પગ સ્વચ્છ હોય તે વાતનું ખાસ ધ્યાન રખાય છે.
આ કોર્ટયાર્ડ પાસે બે વૃધ્ધ ચોકીદાર બેઠેલા હતા. તેણે અમને જૂતાં બહાર કાઢીને મસ્જિદમાં જવા જણાવ્યું. અમને એમાં કશો વાંધો નહોતો, પણ મારા પગની તકલીફને કારણે મારા માટે એ મુશ્કેલ હતું. તેમને મેં વિનંતી કરી એટલે એક ચોકીદારે કહ્યું, "આ અલ્લાહની જગ્યા છે, તેથી અદબ રાખીને અલ્લાહ પાસે જઈએ તો વધુ સારૂં. પણ આપના પગમાં તકલીફ છે અને આ આપનો પગ......." એમ કહી તે થોડો વિચાર કરવા લાગ્યો. પછી વચલો રસ્તો કાઢતાં કહ્યું,“બીબીજી યે લિફાફે કો આપ આપકે બૂટ કે આસપાસ લગા દો. ઉસકે બાદ આપ મસ્જિદ મેં જાયેગી તો આપકી ઔર હમારી દોનોં કી બાત રહ જાયેગી.મારે બૂટ પણ ન કાઢવા પડે અને અલ્લાહના ઘરમાં તેની આમાન્યા જળવાય તેવો ઉપાય તેણે બતાવ્યો હતો. અમે એ રીતે અંદર પ્રવેશ્યાં ત્યારે કોર્ટયાર્ડમાં અનેક કબૂતરો અમારું સ્વાગત કરતાં હોય એમ ઊડી રહ્યાં હતા.
મસ્જિદનો દરવાજો ઘણો જ મોટો અને ઊંચો છે. વિશાળ દરવાજાના સ્તંભ પર બે છત્રીઓ છે. બહારની તરફની આખી ઇમારતનો રંગ લાલ અને કથ્થાઇ છે.
કોર્ટયાર્ડમાં વિશાળ કાર્પેટ બિછાવવામાં આવેલી છે, જેથી મસ્જિદના મુખ્ય ભાગમાં પ્રવેશીએ ત્યાં સુધીમાં ભીના પગ કોરા થઈ જાય. મસ્જિદના વિશાળ કોર્ટયાર્ડની બહારની બાજુની દિવાલોને અડીને અનેક વસાહતો ઊભી છે. મસ્જિદની ડાબી અને જમણી બાજુ ૧૦૦ ફૂટ ઊંચા મિનારાઓ ઊભા છે, જેના પર આછા વાદળી, ઘેરો બ્લૂ , લાલ, લીલા અને પીળા રંગની ગૂંથણીઓરૂપી ડિઝાઇન છે. કહેવાય છે કે જ્યારે વઝીરખાને મસ્જિદ બનાવી ત્યારે આ ગૂંથણીના અમુક ભાગમાં રત્નો (gemstones) લગાવડાવેલાં,જે બ્રિટિશ રાજ દરમ્યાન ચોરાઇ ગયાં અને તેની જગ્યાએ માર્બલમાં બનેલી ગૂંથણી અને રંગો આવી ગયાં. મોટાભાગની આ મસ્જિદમાં સુંદર રીતે કરેલું ટાઇલ વર્ક છે, જે આ મસ્જિદની શોભામાં ચાર ચાંદ લગાવી દે છે. આ ટાઇલ્સ વર્કમાં ખાસ કરીને પીળો, ઘાટો બ્લૂ, અને કથ્થાઇ રંગને ખાસ પ્રાધાન્ય આપવામાં આવેલું છે. દરવાજાના ગુંબજની દિવાલોમાં કરેલી ગૂંથણીમાં ફળોથી ઝૂલી રહેલા વૃક્ષો છે જેમાં કેસરી, લીલા અને પીળા રંગનું પ્રાધાન્ય જણાય છે. ગુંબજની ઉપર તરફ ગેલેરી પણ છે, પરંતુ બિસ્માર હાલતમાં હોવાથી ત્યાં જવાની પરવાનગી અપાતી નથી. મુખ્ય નમાઝખાનાની ગુંબજની દિવાલો પર 3D ગ્રાફિક ડિઝાઇન એટલી સુંદર છે કે તેનાથી આખો ખંડ સુશોભિત થઈ જાય છે.
અમે મુખ્ય નમાઝ ખંડમાં પહોંચ્યાં, ત્યારે એક માણસ ત્યાં નમાઝ પઢી રહ્યો હતો. અલ્લાહ પાસે દુઆ માંગવામાં તેને પરેશાની ન થાય તે હેતુથી અમે જરાપણ વાતચીત કર્યા વગર મસ્જિદ જોઈ રહ્યા હતા. પરંતુ થોડીવારમાં જ તે ઊભો થયો અને બહાર ચાલ્યો ગયો. અમને લાગ્યું કે તેની નમાઝ પૂરી થઈ ગઈ છે. અમે મસ્જિદ જોવાનું ચાલુ જ રાખ્યું. મસ્જિદના પ્રત્યેક ખૂણાને મન ભરીને જોયા પછી અમે પાછા કોર્ટયાર્ડ તરફ આવ્યા.
કોર્ટયાર્ડનું આકાશ કબૂતરોથી છવાયેલું હતું. તડકાનું સામ્રાજ્ય વધી ગયેલું હતું. ગરમીનો પારો ઉપર ચઢી ગયેલો હતો અને બપોરની નમાઝનો સમય થવા આવ્યો હતો. અમે વઝીરશાહ મસ્જિદ જોયા પછી લાહોરનાં બીજાં સ્થળો જોવા માટે ઉત્સુક હતાં.
મસ્જિદમાંથી બહાર આવતાં જોયું કે ગલી એકદમ સાંકડી હતી, પરંતુ ચોક પહોળો હતો અને આસપાસની ઇમારતો એકદમ જૂની હતી. એ ગલીના એક છેડે યુવાનો અને બાળકો ક્રિકેટ ખેલી રહ્યા હતા. તો બીજી તરફ ખૂણામાં થોડા યુવાનો ટોળે વળી રહ્યા હતા. તેમની વાતચીતનો અવાજ ખાસ્સો મોટો હોઈ મારું ધ્યાન તેમના તરફ ખેંચાયું પહેલી નજરે લાગ્યું કે ક્રિકેટ માટે જ કોઈ બોલચાલ ચાલી રહી હતી. પણ તેમના ચહેરા પરના હાવભાવ કંઈક બીજું કહી રહ્યા હતા. તેમના અવાજમાં ગુસ્સો અને ઉગ્રતા જણાતાં હતાં. ટોળામાંના એક માણસને હું ઓળખી ગઈ. અમે મસ્જિદમાં ફરતાં હતાં ત્યારે એ નમાઝ પઢી રહ્યો હતો. એ માણસ લોકોને કંઈક કહી રહ્યો હતો અને તેના કહેવાથી ટોળામાં રહેલા લોકો વધુ ને વધુ ગુસ્સામાં આવી રહ્યા જણાતા હતા. જો કે, ખરેખર એ ટોળામાં શું ચાલી રહ્યું છે તેનો ખ્યાલ નહોતો આવતો. એટલામાં અંદરથી પેલા ચોકીદાર બહાર આવ્યા અને ટોળા આગળ જઈને કશુંક કહ્યું. એ પછી ચોકીદાર અંદર જઇને અમારા સ્થાનિક મિત્ર સાથે વાત કરવા લાગ્યા. થોડી ક્ષણો વીતે ત્યાં જ અંદરથી મારા પતિ દોડતા બહાર આવ્યા અને કહે,“ચાલ જલ્દીથી. અહીંથી નીકળી જવું છે.
મેં નવાઈથી કહ્યું,“એમ જલ્દી કેવી રીતે કરાય? તમે જરા ધીરેથી ચાલો. આપણું ગૃપ પણ પાછળ છે.પણ એ કહે,“હમણાં તું એમની ચિંતા ન કર. એ લોકો પોતાની જાતે આવી જશે. પણ આપણે અહીંથી બને તેટલા ઝડપથી નીકળી જવાનું છે.તેમની ઉતાવળ જોઈને મને આશ્ચર્ય થતું હતું,  પણ હું તેમની જેમ ઝડપથી ચાલી શકું એમ ન હતી. તેથી મેં હળવાશથી કહ્યું,“અરે! જરા આરામથી ચાલો. તમારી ઝડપથી હું ચાલી શકું એમ નથી.તેમણે કહ્યું,“તારો પગ ભલે દુઃખે,  તું કારમાં બેસીને પછી પગને આરામ આપજે. પણ અહીંથી આપણે એક વાર બને તેટલી ઝડપથી નીકળી જવાનું છે. આ લાહોરનો જૂનો અને રૂઢિચુસ્ત વિસ્તાર છે,અને હવે નમાઝનો સમય થવા આવ્યો છે. માટે આપણે બને તેટલી જલ્દી આ વિસ્તારની બહાર નીકળી જઈએ.હજીય મને તેમની ઉતાવળ સમજાતી નહોતી. મેં કહ્યું,“આપણને ખબર જ છે ને કે આ વિસ્તાર એવો છે.પણ મારા પતિ કંઇ જ સાંભળવા માંગતા જ ન હતા. મને તેમનું વર્તન સમજાતું નહોતું. અમે બને તેટલી ઝડપથી આ સંવેદનશીલ વિસ્તારમાંથી નીકળી ગયા.
બહાર નીકળી ગયા પછી મારા પતિને હાશ થઈ. આખો મામલો મને પછી ખબર પડી. થયેલું એવું કે અમે મસ્જિદમાં ગયાં ત્યારે જે માણસ અંદર નમાઝ પઢી રહ્યો હતો તેને અમારું આવવું ગમ્યું ન હતું. બહાર નીકળીને ચોકમાં જઈને તેણે દેકારો મચાવ્યો અને પોતાના જેવા લોકોને એકઠા કરી દીધા. તેમના મનમાં કદાચ અમારું શું કરવું એ નક્કી હશે, પણ અમારા સ્થાનિક મિત્રને આ વાતની અણસાર આવી ગયો. એમણે અમને બને તેટલા ઝડપથી નીકળી અહીંથી બહાર નીકળી જવા માટે મારા પતિને કહ્યું. એ મિત્રે પેલા માણસને અને એકઠા થયેલા ટોળાને થોડા રૂપિયા ધરેલા અને તેમનું મોં બંધ કરાવેલું. (આ લખતી વખતે વિચારું છું કે અમે વધુ સમય ત્યાં રહ્યાં હોત તો કદાચ અમારું રામનામ સત્ય હૈ થઈ ગયું હોત.)
આ સાંભળીને મને કટાસરાજમાં થયેલો આવો જ અનુભવ યાદ આવી ગયો. મને આશ્ચર્ય થયું કે એક તરફ પાકિસ્તાન સરકાર અહીં પર્યટકોને આકર્ષવાનો પ્રયત્ન કરી રહી છે અને બીજી તરફ સ્થાનિક લોકો સરકારના આ પ્રયત્નને નિષ્ફળ બનાવી રહ્યા છે. પાકિસ્તાનની આ તાસીર પણ અમને જોવા- અનુભવવા મળી. આ પણ એક યાદગાર અનુભવ હતો.
અતિ સુંદર એવી વઝીરખાન મસ્જિદને પાછળ મૂકીને અમારી કાર નાની મોટી ગલીઓમાંથી પસાર થતી થતી બાદશાહી મસ્જિદ તરફ જઈ રહી હતી. બપોરનો લગભગ દોઢ વાગવા આવેલો અને ગરમી પણ ખાસ્સી હતી. ગરમીમાં રાહત મેળવવા માટે અમે એક ફાલૂદા કેફેની નાનકડી મુલાકાત લીધી. જાણવા મળ્યું કે આ કેફે ઈ.સ.૧૯૦૦માં શરૂ થયેલી. એ પછી અમે બાદશાહી મસ્જિદ તરફ આગળ વધ્યા.
બાદશાહી મસ્જિદ/Badshahi Mosque મોગલ બાદશાહ ઔરંગઝેબે બનાવેલી. ઈ.સ.૧૬૭૧માં તેનું બાંધકામ શરૂ થયેલું, જે ૧૬૭૩માં પૂરું થયેલું. આ મસ્જિદ પાકિસ્તાનની તેમજ સાઉથ એશિયાની બીજા નંબરની મસ્જિદ છે. અહીં એક સાથે ૫0,૦૦૦ માણસો બેસીને નમાઝ પઢી શકે છે. આ મસ્જિદ પણ વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલી છે. આ મસ્જિદનું બાંધકામ ચાલુ થયું ત્યારે રાવી નદીનો એક પ્રવાહ અહીંથી પસાર થતો હતો, જે આજે લગભગ લુપ્ત થઈ ગયો છે.

બાદશાહી મસ્જિદ 
ઈ.સ.૧૯૮૬ સુધી આ મસ્જિદ પાકિસ્તાનની સૌથી મોટી મસ્જિદ હોવાનું બહુમાન ધરાવતી હતી, જે હવે ઇસ્લામાબાદની ફૈઝલ મસ્જિદ ધરાવે છે. આ મસ્જિદના સંકુલમાં બીજી ચાર ઇમારતો આવેલી છે.મસ્જિદની સામે અને મુખ્ય દ્વારમાંથી પ્રવેશતાં ડાબી બાજુએ લાહોર ફોર્ટ આવેલો છે. લાહોર ફોર્ટ અને બાદશાહી મસ્જિદની વચ્ચે પાકિસ્તાની કવિ ઇકબાલની કબર આવેલી છે. લાહોર ફોર્ટની જમણી બાજુ શીખોનું ગુરુદ્વારા છે. શીખ મહારાજા રણજીતસિંઘે લાહોરનો કબ્જો ૧૭૯૯માં કરેલો. આ ઇમારતનું કોર્ટયાર્ડ સૌથી વિશાળ હોવાને કારણે તેમણે આ ઇમારતનો ઉપયોગ મિલીટરી બેઝ તરીકે કર્યો હતો. આ વિશાળ કોર્ટયાર્ડમાં શીખ સૈન્યના ઘોડા બાંધવામાં આવતા. તે વખતે આ મસ્જિદને થોડા ઘણા અંશે નુકશાન પહોંચેલું.

જો કે, બ્રિટિશરોએ લાહોરનો કબ્જો પોતાને હસ્તક લીધો એ પછી થયેલું નુકસાન અનેકગણું વધારે હતું.
ભારતમાં બ્રિટિશ રાજ્ય આવ્યા પછી બ્રિટિશરોએ લાહોર પર પણ કબ્જો કર્યો હતો. શીખોની જેમ તેમણે પણ આ વિશાળ ઇમારતનો મિલીટરી બેઝ તરીકે ઉપયોગ કરેલો અને ખાસ્સું નુકસાન પહોંચાડેલું. પરંતુ મુસ્લિમ ધર્મની પવિત્ર ઇમારત તરીકે બ્રિટિશરોએ તેની જાળવણી ન કરતાં લાહોરના મુસ્લિમો ઘણા જ ક્રોધિત થયેલા. આને કારણે બ્રિટિશરો અને ત્યાં રહેતી આમ મુસ્લિમ પ્રજા વચ્ચે અણબનાવ ચાલ્યા કરતો. આખરે બ્રિટિશ સરકારે આ ઇમારતનું સમારકામ ચાલુ કર્યું હતું.
લાહોર ફોર્ટ 
પાકિસ્તાની સરકારે હાલમાં આ મસ્જિદને રોજીંદી નમાઝ માટે તેમજ પ્રવાસીઓ માટે ખુલ્લી રાખી છે. અહીં નમાઝરૂમને સાત ભાગમાં વહેંચવામાં આવ્યો છે અને આખા નમાઝરૂમમાં આરસ તેમજ  રેડ સેન્ડ સ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ આરસ ઈરાનથી મંગાવવામાં આવેલો અને રેડ સેન્ડ સ્ટોન જયપુરથી મંગાવવામાં આવેલો. અહીં અનેક કમાન્ડો અને પોલીસો ફરજ પર તૈનાત જોવા મળ્યા. બાદશાહી મસ્જિદ જોયા પછી લાહોર ફોર્ટ અને શીખ ગુરુદ્વારા જોવાની મારી ઈચ્છા અધૂરી જ રહી કારણ કે મસ્જિદ જોતાં જોતાં જ મારા પગ જવાબ દઈ રહ્યા હતા. ઉપરાંત અમારે પાછું ઇસ્લામાબાદ પહોંચવાનો પણ સમય થઈ ચૂક્યો હતો.
લાહોરથી ફક્ત ચાર કલાકના અંતરે આવેલા હરિપુર હરપ્પાની મુલાકાત લેવાનો વિચાર આવ્યો,  પણ સમયના અભાવને કારણે તેમજ મારા પગની તકલીફને લઈને એ પડતું મૂકવું પડેલું. યુ એસ એ થી નીકળી ત્યારે મારા પગની કહાણી પણ આટલી લાંબી થઈ જશે તેનો ખ્યાલ ન હતો. છતાં આ અનોખા પ્રવાસને મેં માણ્યો હતો.

વો સુબહા કભી તો આયેગી 

લાહોર અને ઇસ્લામાબાદમાં ફર્યા પછી એ વિચાર પણ આવ્યો કે હું પાકિસ્તાન ન આવી હોત તો સિંધની આ સંસ્કૃતિને જાણવાનો મોકો મને ન મળ્યો હોત. જો કે, એક બાબતે અફસોસ થયો કે આજે પણ ભારતમાં કેટલાય ધર્મો એક સાથે અસ્તિત્વ ધરાવે છે, જ્યારે પાકિસ્તાનમાં એક પણ હિન્દુ ધર્મસ્થાન એવું જોવા મળ્યું નથી જે પોતાની રીતે સ્વતંત્ર હોય. થોડા સમય પહેલાં સમાચાર વાંચવામાં આવેલા કે હજુ પણ ત્યાં રહેતા હિન્દુ લોકો માટે સ્મશાનની વ્યવસ્થા નથી તેથી તેઓને પોતાના સ્વજનોના અંતિમ સંસ્કાર મુસ્લિમોની જેમ જ શબ દાટીને કરવા પડે છે. ક્યારેક એવું પણ બને છે કે સામાન્ય પ્રજામાં સહેલાઇથી ભળી જવાના આશયે અને પોતાની સલામતીના અર્થે પણ હિન્દુ લોકો બદલાઈ જાય છે. જે દેશની ધરતી પર રહીએ ત્યાંના રંગે રંગાવામાં કશું ખોટું નથી. પણ બીજી રીતે જોઈએ તો આપણા દેશમાં હિન્દુઓ સિવાયના અન્ય ધર્મોનો સહજપણે સ્વીકાર થયેલો છે એવું પાકિસ્તાનમાં થયું હોય એમ લાગ્યું નહીં. જો કે, પાકિસ્તાન સરકાર હિન્દુ ધર્મસ્થળો અને જૂની હિન્દુ સંસ્કૃતિ ધરાવતા સ્થળોને નવજીવન આપવા માટે પૂરો પ્રયત્ન કરી રહી છે અને થોડાઘણા અંશે તેમાં સફળતા મળી છે તે ખુશીની વાત છે. આશા રાખીએ કે હિન્દુ સંસ્કૃતિ માટે પાકિસ્તાનમાં આવતીકાલની સવાર કદાચ થોડી વધુ સારી અને સુરક્ષિત હશે.
આમ પાકિસ્તાનનો આ પ્રવાસ મારે માટે અતિ વિસ્મરણીય રહ્યો હતો, છતાં આ દેશને વધુ ને વધુ જોવાની, સમજવાની અને બાકી રહી ગયેલી સિંધ સંસ્કૃતિ તથા ગુરૂ ચાણક્યની તક્ષશિલાના ભગ્ન અવશેષો જોવાની મહેચ્છા જાગી ઉઠી હતી. મનમાં એ જ આશા સાથે પાછાં ફર્યાં કે નીકળી કે ફરી એકવાર આ દેશની ધરતીને નજીકથી જોવા મળી જાય. હજી હમણાં સુધી વર્તમાન હતી એ ક્ષણો હવે ભૂતકાળનું પાનું બની ગઈ હતી અને તે ભવિષ્ય બનશે કે નહીં એનો વિચાર કરતાં હું મારા પતિ સાથે એરપોર્ટ તરફ આગળ વધી ગઈ.


(સંપૂર્ણ)