Thursday, July 12, 2012

પાકિસ્તાનના પ્રવાસે-૩


- પૂર્વી મોદી મલકાણ 


સુહાના સફર ઔર યે મૌસમ હસીં

અમારા પાકિસ્તાન પહોંચ્યાના બીજા જ દિવસે બનેલી ઓસામાની હત્યાની ઘટનાને કારણે અમે થોડા હતપ્રભ હતાં. અમને આ ડરમાંથી બહાર કાઢવા માટે અમારા મિત્રે પોતાના પરિવાર સાથે લાહોર ફરવા જવાનો કાર્યક્રમ બનાવ્યો, જેથી પાક ધરતી પર આવેલી સિંધુ સંસ્કૃતિની પર્વતીય શિલાઓને, રાવી, જેલમ, અને ચિનાબના પાણીથી સિંચાયેલા હરિયાળા વૃક્ષોને, ધુમ્મસી સાંજ અને મેઘના રસબિન્દુઓથી રસાળ થયેલી સિંધુ સંસ્કૃતિને અમે નવી નજરે નિહાળી શકીએ.
સફરની શરૂઆતમાં જ અમારા મિત્રે કહ્યું કે લાહોર જતાં રસ્તામાં અનેક સુંદર સ્થળો આવે છે. આપણે એને માણતાં માણતાં ધીમી ગતિએ લાહોર પહોંચવાનું છે. અમે આ સાંભળીને બહુ રાજી થયાં.
ઇસ્લામાબાદથી લાહોર જતો રસ્તો એકદમ સુંદર અને સપાટ હતો. આજુબાજુની પહાડી સુંદરતાને જોતાં જોતાં આગળ વધવાનું હોઈ અમારો ઉત્સાહ પણ વધતો જતો હતો. સદભાગ્યે અમારો ડ્રાઈવર પણ મળતાવડો હતો. શરૂઆતમાં હું તેમનું નામ જાણતી ન હોવાથી તેમને ભૈયા કહીને સંબોધતી હતી. તેણે કહ્યું,“ આપ મને ભૈયાને બદલે ભાઈજાન કહેજો. એ રીતે તમે ઉર્દુના થોડા શબ્દો પણ શીખી શકશો.મને તેમની સાચી લાગી. કોઈ પણ દેશમાં જઈએ અને એની સંસ્કૃતિનો સાચો પરિચય મેળવવો હોય તો ત્યાંની ભાષા જાણવી ઘણી ઉપયોગી થઈ પડે. કારણ કે પાકિસ્તાનમાં જઈને હું તેમની સંસ્કૃતિ ન જાણી શકું તો એ પ્રવાસનો મતલબ શો? મેં તેમને ભાઇજાન કહેવાનું શરૂ કર્યું. મારી ઉત્સુકતા જોઈને એ પણ દરેક સ્થળ અને ગ્રામ્યજીવન અંગે માહિતી આપતો જતો હતો.
સોલ્ટ માઈન: આપકા નમક ખાયા હૈ  (*) 
ઇસ્લામાબાદથી લાહોર જતાં રસ્તામાં અમને સોલ્ટ માઈન/ Salt Mine જોવા મળી. આ સ્થળની માટી એકદમ લાલ રંગની હતી. આટલો ઘેરો લાલ વર્ણ જોઈને પહેલાં તો આશ્ચર્ય સાથે ઉત્સુકતા થઈ. પૂછતાં જાણવા મળ્યું કે સદીઓ અગાઉ મેસેડોનિયા/ Macedonia થી હજારો સૈનિકો સાથે નીકળેલો સમ્રાટ સિકંદર/ Alexander, The Great આ સ્થળેથી પસાર થયો હતો. અહીં  તેના ઘોડાઓ આ પથ્થરોને ચાટતા જોવા મળેલા. તપાસ કરાવતાં ખબર પડેલી કે અહીંના પથ્થરોમાં ખારાશ રહેલી છે. એ રીતે અહીં સોલ્ટ માઈન હોવાનું પહેલવહેલી વાર જાણવા મળેલું.
પાકિસ્તાની પુરાતત્વવિદોએ ખોદકામ કરતાં અહીં ૭૦૦૦ થી ૮૦૦૦ વર્ષ પૂર્વેના અવશેષો મળી આવ્યા છે. આ ખુલ્લી, વિશાળ અને સૂમસામ ભૂમિ પર સૂરજદાદાનાં કિરણો વધુ ગરમ જણાતા હતા અને મધ્યાહ્ન પણ થઈ ગયેલો. અમે અહીં રોકાયા વિના કટાસક્ષેત્ર તરફ આગળ વધ્યા. રસ્તામાં જેલમ, ચિનાબ જેવી પંજાબની લોકમાતાનાં દર્શન થયાં. રસ્તાઓની બન્ને બાજુ રહેલા ગ્રામીણ લોકો, ગ્રામ્ય વિસ્તાર અમારી નજરે પડતો હતો. અહીં બળદને બદલે ગધેડાને લારીએ જોડવામાં આવે છે તેમજ ગધેડા પર સામાન લાદીને લઈ જવામાં આવે છે. શણગારેલી ટ્રકો પણ રસ્તા પર દોડતી નજરે પડતી હતી. આ બધો નજારો જોતાં જોતાં અમે પર્વતીય રસ્તાઓ પર આગળ વધતાં જતાં હતાં.

કટાસરાજ: જય જય શિવશંકર

કટાસરાજ 
 કટાસરાજ મંદિર/ Katas Raj Temple એટલે ઇસ્લામાબાદ અને લાહોરની વચ્ચે આવેલું એક માત્ર હિંદુ મંદિર, જેના જિર્ણોદ્ધારનું કામ ખુદ પાકિસ્તાન સરકાર કરી રહી છે. પંજાબ પ્રાંતમાં આવેલા આ સ્થળનો ઇતિહાસ રસપ્રદ છે. હરીયાળી પહાડી અને શેતૂરના ઘેઘૂર અને લાંબા વૃક્ષોથી ઘેરાયેલા આ સ્થળે અમે પહોંચ્યા. અહીં અમને એક સ્થાનિક બિરાદર મળી ગયા. એ સજ્જન હોંશે હોંશે અમારા ગાઈડ બની ગયા. તેમણે અમને આખો વિસ્તાર આનંદપૂર્વક ફરી ફરીને બતાવ્યો.મંદિરોમાં દ્વાર પર તાળાં મારેલાં હતાં અને તે તાળાંઓની ચાવીઓ કોઈક બીજી વ્યક્તિ પાસે રહેતી હતી. આ સજ્જન ત્યાં જઈને ચાવી લઈ આવ્યા. તેના વડે તાળાંઓ ખોલીને અમને દર્શન કરાવ્યાં. વાતવાતમાં અમે પૂછ્યું કે એ અહીં શું કામ કરે છે. એ મુસ્લિમ સજ્જને ભાવપૂર્વક કહ્યું,“હિન્દુ યાત્રીઓની આસ્થાને તેમના ભગવાન સુધી પહોંચાડવાનું કામ હું કરું છું.  ભારતીય તહેવારો દરમ્યાન અનેક હિન્દુઓ અહીં આવીને આ શિવલિંગની પુજા કરે છે. પણ અહીં રહેવાની કોઈ વ્યવસ્થા નથી, તેથી સૌએ ઉતાવળે પાછા જવા નીકળી જવું પડે છે. આ હિન્દુ યાત્રીઓની માનતા મુજબ ભગવાન શિવને ફૂલ, દૂધ, ધૂપ વગેરે ધરાવવાનું કામ આ ભાઈ સંભાળે છે. એક મુસ્લિમ વ્યક્તિ હિન્દુઓના ધર્મને આટલું માન આપે છે તે જાણીને અમને જે આશ્ચર્ય અને આનંદ થયાં, તેને શબ્દોમાં મૂલવવાં અશક્ય છે. તેણે અમને આ સ્થળના ઈતિહાસની માહિતી ટૂંકમાં આપી.
ભારતનાં અન્ય શિવમંદિરો જેટલો જ પુરાણો ઈતિહાસ આ સ્થળનો પણ છે. આ મંદિરો છઠ્ઠી સદીથી દસમી સદી દરમ્યાન નિર્માણ પામ્યાં હોવાનું મનાય છે. પચાસેક એકર જેટલા વિસ્તારમાં ફેલાયેલું આ સંકુલ સાત મંદિરોમાં વહેંચાયેલું છે, જેમાં છ મંદિર નાનાં અને એક મુખ્ય મંદિર છે. વિભાજન પહેલાં આ સ્થળ હિન્દુઓના યાત્રાધામ તરીકે વિકસેલું હતું. અહીં આવેલા મંદિરોમાં શ્રી રામજીનું મંદિર, હનુમાનજીનું મંદિર, નૃસિંહ મંદિર અને શ્રી ઠાકુરજીની હવેલી વિદ્યમાન હતી. શિવમંદિર અહીં પ્રવેશતાંમાં જ છે, પણ બાકીના મંદિરોનો ધ્વંસ થયેલો છે. અહીંનું શિવલિંગ સ્વયંભૂ હોઈ તેનો વિશેષ મહિમા છે. તેની પુજા કરવા ૨૦૦૫માં એલ. કે. અડવાણી/ L.K.Advani પાકિસ્તાન આવેલા. એ પછી આ મંદિર હિન્દુ યાત્રીઓ માટે ખુલ્લુ મુકાયું છે.

કટાસરાજ સંકુલ વિહંગ નજરે 

અન્ય ઇમારતો, મંદિરો અને સ્તૂપ જોવા માટે પર્વત પર ચડવું પડે. ત્યાં જવા માટે પગથીયાંની વ્યવસ્થા છે,  પણ સમયના વહેણ સાથે તે ઘસાઈને જિર્ણ થઈ ગયા છે.
આ સ્થળ સાથે જોડાયેલી પૌરાણિક કથા પણ રસપ્રદ અને જાણીતી છે. દક્ષના યજ્ઞમાં પોતાના પતિ ભગવાન શિવનું અપમાન થયેલું જોઈ સતીએ દેહત્યાગ કર્યો એ મૂળ કથા જાણીતી છે. સતીના દેહના ટુકડાઓ પડ્યા એ સ્થળ શક્તિપીઠ તરીકે પૂજાય છે. સતીના વિરહમાં આંસુ સારનારા ભગવાન શિવના આંસું ઝીલવા માટે દેવરાજ ઇન્દ્રની આજ્ઞાથી સતીની એક સેવિકા ભગવાન શિવની સાથે સાથે હાથમાં કટાસ એટલે કે કટોરો લઈને ફરવા લાગી, જેથી આ આંસુ પૃથ્વી પર પડીને પ્રલયકારક ન બને. ધ્યાનપૂર્વક ઉપાડેલા કટોરામાંથી બે અશ્રુબિંદુઓ છલકાઇને પૃથ્વી પર પડ્યાં. આમાંનું એક બિંદુ રાજસ્થાનના અજમેર/Ajmer પાસે આવેલા પુષ્કર/ Pushkar માં પડ્યું, જ્યાં તે બિંદુ સરોવર તરીકે ઓળખાયું. બીજું બિંદુ પડ્યું આ કટાસક્ષેત્રમાં અને તે બન્યું બીજું બિંદુ સરોવર.
બિંદુ સરોવર: શિવની ગાથા સંભળાવતાં જળ

સરોવરનું જળ આજે પણ ભગવાન શિવની ગાથા સંભળાવી રહ્યું છે. આ સરોવરનું જળ સફેદ, કાળું અને અતિ પારદર્શક લીલું એવા ત્રણ રંગોની ઝાંયવાળું લાગે. લીલા રંગનું પાણી છે ત્યાં પાણીનો કુદરતી ઝરો છે. તે ભાગ લગભગ ત્રણસો ફીટ ઊંડો છે. સ્થાનિક લોકોની માન્યતા મુજબ ત્રણસો ફીટ પછી દરિયાનું પાણી વહી રહ્યું છે. બ્રિટિશરાજ દરમ્યાન અહીં એક લાઈબ્રેરી પણ હતી. આ લાઈબ્રેરીની દિવાલો ભવ્ય અતીતની યાદોને પોતાના વિશાળ હૃદયમાં સમાવીને બેઠી છે. ખોદકામ કરતાં અહીં અનેક ઇમારતો મળી આવી હતી, જેમાં એક બૌધ્ધ સ્તૂપ પણ હતો. પાકિસ્તાન સરકાર દ્વારા અહીંની અમુક ઇમારતોનું સમારકામ કરીને ત્યાં પોસ્ટ ઓફિસ શરૂ કરવામાં આવી છે. આ સ્થળની આસપાસ ઘણી જ હરિયાળી છે. પાકિસ્તાન સરકાર કહે છે કે આ ઇમારતોનું સંપૂર્ણ સમારકામ થયા પછી આ સ્થળ પર્યટન માટે વિકાસ પામશે. 
બૌદ્ધ સ્તૂપ 
આ સ્થળ સાથે જોડાયેલો બીજો ઇતિહાસ મહાભારત કાળનો છે. વનવાસ દરમ્યાન પાંડવોએ થોડો સમય અહીં વીતાવ્યો હતો. યુધિષ્ઠિરને યક્ષપ્રશ્નનો સામનો પણ અહીં જ કરવો પડ્યો હતો. આ સ્થળની આસપાસ નાના મોટા અનેક ડુંગરો છે અને તેમાં ઘણી જ ગુફાઓ બનેલી છે. પાંડવો કદાચ એમાં ક્યાંક રહ્યા હશે.

સામેના ભાગમાં સરકાર સંચાલિત બોયઝ હોસ્ટેલ છે. તેના ચોકીદારને અમારા આવવાની ખબર પડી એટલે એ અતિ ઉત્સાહિત થઈ ગયો. આ સ્થળના જૂના ફોટાનું આલ્બમ તે અમને દેખાડવા લઈ આવ્યો. આલ્બમનાં પાનાં ફેરવતાં ફેરવતાં બ્રિટિશ સમયમાં આ સ્થળ કેવું હતું તે દર્શાવતો એક ફોટો જોવા મળ્યો. અતિ દુર્લભ એવા એ ફોટાની કોપી અમે કરી લીધી.
ગાઈડ હવે અમને ઉપર તરફના મુખ્ય મંદિર તરફ લઈ ગયો. તાળું ખોલીને તેણે અમને મંદિરનું ગર્ભગૃહ બતાવ્યું. ગર્ભગૃહની અંદર એક ગુફા હતી, જેની અંદર જતાં ગોળાકારે બનેલા પગથિયાં નજરે પડ્યાં. આ પગથિયાં ચડીને મંદિરના કળશ સુધી પહોંચી શકાય તેવી વ્યવસ્થા હતી. મંદિરનો ખૂણેખૂણો અમે ફરી વળ્યા અને અમારી સ્મૃતિમાં તેને ભરી લીધું. પછી અમે તળેટીએ આવેલા મુખ્ય રસ્તા પરના સરોવર તરફ ચાલી નીકળ્યા.
અશ્મિના પથ્થરોની  બનેલી ઠાકુરની હવેલી
મુખ્ય રસ્તા તરફ જતાં લાલ પથ્થરોથી હવેલીના પ્રાંગણમાં અમે પ્રવેશ્યાં. જાણવા મળ્યું કે અહીં હઠીસિંહ કે હરિસિંહ નામના ઠાકુરનો પરિવાર રહેતો હતો. અમારા ગાઈડનું કહેવું હતું કે આ હવેલી બની રહી હતી ત્યારે આ હવેલીના ખંડની દીવાલ બનાવવા માટે અશ્મિના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેને ભરવા માટે સિમેન્ટ નહીં, બલ્કે રેતી વાપરવામાં આવી હતી. વિભાજન પછી ઠાકુર પરિવાર ભારતમાં સ્થાયી થઈ ગયો અને હવેલી ઉજ્જડ થઈ ગઇ. પછી તો તેને પણ તોડી નાખવામાં આવી. જો કે, અશ્મિના પથ્થરોની બનેલી દિવાલ આજે પણ ભૂતકાળના સાક્ષી સમી અડીખમ ઊભી છે. ભગ્ન થયેલા આ ખંડની દિવાલો પર હાથ ફેરવતાં ફેરવતાં અમે ભૂતકાળમાં અહીં થયેલા અનેક હાથોના સ્પર્શને ઓળખવા માટે પ્રયત્ન કરી જોયો,જેમાં અમને નિષ્ફળતા જ મળી. અહીંના ખંડેરોનો આગવો ઇતિહાસ છે. અહીં કેવળ હિન્દુ જ નહીં, બૌદ્ધ અને જૈન સંસ્કૃતિ પણ અસ્તિત્વ ધરાવતી હતી.
હવેલી: ખંડહર બતા રહા હૈ... 
આ સ્થળો પર અમે ફરતાં હતાં અને હવે અમારી મુલાકાત લગભગ પૂરી થવાની તૈયારીમાં જ હતી કે અમારો ડ્રાઈવર અમને કારમાં બેસી જવા માટે ઉતાવળ કરવા લાગ્યો. અમને તેની આવી ઓચિંતી ઉતાવળ સમજાઈ નહીં, પણ લાહોર પહોંચવામાં કદાચ મોડું થતું હશે એટલે એ ઉતાવળ કરતો હશે એમ લાગ્યું. ઉતાવળે અમે કારમાં ગોઠવાઈ ગયા એ સાથે જ તેણે કાર ઝડપથી ભગાવી.
થોડે આગળ નીકળી ગયા પછી ડ્રાઈવરે આ વાતનું રહસ્ય ખોલ્યું. થયેલું એવું કે જે બિરાદર પાસે ચાવી રહેતી હતી તેમને ખ્યાલ નહોતો કે ગાર્ડ કોઈ હિન્દુ યાત્રીને મંદિર બતાવવા માટે ચાવી માંગી રહ્યો છે. થોડા સમય પછી તેને અચાનક આ વાતની ખબર પડી કે એ અકળાયો. બરાબર ગુસ્સે થઈને તે બૂમો પાડવા લાગ્યો અને લોકોને ભેગા કરવા માટે ગામ તરફ દોડી ગયો. અમારા ડ્રાઈવરને પરિસ્થિતિની નજાકતનો અંદાજ આવી ગયો એટલે તેણે ઉતાવળે અમને કારમાં બેસાડી દીધાં અને કાર ભગાવી મૂકી. બનાવને કારણે અમે પણ સીધા જ ઈતિહાસના આ ભવ્ય પાનામાંથી બહાર આવીને વાસ્તવિક વર્તમાનમાં પટકાયા અને તે સાથે જ બને તેટલી જલ્દીથી અમે લાહોર તરફ આગળ વધી ગયાં.


લાહોર: બહારેં ફિર ભી આયેગી, મગર હમતુમ જુદા હોંગે

ઉબડખાબડ રસ્તા પર લગભગ પિસ્તાલીસ મિનિટની સફર પછી અમે લાહોર તરફ જતા મુખ્ય રસ્તા પર આવી પહોંચ્યા. રસ્તાની આસપાસ ગધેડા પર સામાન લાદીને જઇ રહેલો વણકરોનો સંઘ, ગાર અને માટીથી બનેલાં નાનાં ઘરો, કૂવામાંથી પાણી ખેંચી રહેલી બીબીઓ, ખેતરોમાં કાપણી કરી રહેલા પરિવારોનાં દૃશ્યો જોવા મળતાં હતાં, જે ઘણે અંશે ભારતના ગ્રામ્યવિસ્તાર જેવાં જ હતાં. એકાદ કલાકના ડ્રાઈવ પછી અમે રોશનસુલતાના નામના ઢાબા પાસે આવેલા પેટ્રોલપંપ પર થોભ્યા. એ બહાને કારમાંથી બહાર નીકળીને પગ છૂટા કર્યા. રોશન સુલતાના ઢાબા પર મહંમદ રફીના ગીતો ગુંજી રહ્યા હતા. મહંમદ રફીસાહેબનું વતન લાહોર હતું એ કારણ હશે આ ગીતોના પ્રેમ પાછળ? અંદર નજર કરી તો ઢાબાનો શો રૂમ હિન્દી ફિલ્મોનાં જૂનાં ગીતોની ઓડીયો કેસેટ્સથી ભરેલો હતો. સંગીતને ક્યાં સરહદ નડે છે! પેટ્રોલ ભરાવીને અમે આગળ વધ્યાં. રસ્તામાં એક જગાએ ગુજરાત નામ વાંચીને આશ્ચર્ય થયું કે અરે, પાકિસ્તાનમાં પણ ગુજરાત છે? ભાઇજાને માહિતી આપી કે આ ગુજરાત નાનકડું શહેર છે અને વિભાજન પછી ભારતમાંથી આવેલા અનેક હિન્દુપંજાબી પરિવારો તેમાં રહે છે. પંજાબી પરિવાર મોટા પ્રમાણમાં હોવાથી અહીંની મુખ્ય ભાષા પંજાબી છે. પાકિસ્તાનનું ગુજરાત જોતાં મને ભારતનું મારૂં ગુજરાત યાદ આવી ગયું.
હમ તો જાતે અપને ગાંવ 
રસ્તાની બેય બાજુએ લહેરાતા લીલાછમ અને ઊંચા વૃક્ષો નિહાળતાં નિહાળતાં અમે લાહોર આવી પહોંચ્યાં ત્યારે બપોરના ત્રણ વાગવા આવ્યા હતા. અમને બરાબર ભૂખ લાગેલી. અમે જૂના લાહોર તરફ ગયાં, જ્યાં અમારી હોટેલ હતી. જોવાલાયક તમામ સ્થળો પણ જૂના લાહોરમાં જ હતાં.  રસ્તાની આજુબાજુ સુંદર સ્થાપત્યવાળી લાલ ઈંટોની બનેલી મોગલ બાંધણીવાળી ઇમારતો નજરે પડતી હતી. અમારા મિત્ર અમને ચટકારા નામની પ્રખ્યાત રેસ્ટોરાંમાં લઈ ગયા. આ રેસ્ટોરાં લાહોરના હૃદય સમાન મનાય છે. અહીં વિવિધ પ્રકારની ચાટ મળતી હોવાથી ચટકારા’/Chatkhara નામ રાખવામાં આવ્યું હતું. ઇસ્લામાબાદની સરખામણીએ અહીં વિવિધ પ્રકારની વેજીટેરિયન ડિશનાં નામ મેનુમાં વાંચવા મળ્યાં. અમને ઘણી ખુશી થઈ. રેસ્ટોરાંવાળા પણ અમને જોઈને આનંદિત થઈ ગયા. મારો પરંપરાગત ભારતીય પોશાક જોઈને તેમને ખ્યાલ આવી ગયો હતો કે અમે ભારતથી આવેલા છીએ. જો કે, પછી અમારા મિત્ર સાથેની અમારી હિન્દી વાતચીત પરથી તે સમજી ગયા કે અમે ભારતના નહીં, પણ પરદેશના ભારતીય છીએ. અલબત્ત, કોઈ પરદેશી તેમના દેશની મુલાકાતે આવેલા જાણીને તેઓ ખુશ તો થયા જ. મેનુ વાંચતાં એક વાનગી પર મારી નજર ઠરી. વાનગીનું નામ હતું ગુજરાતી પૂરી”. પૂછતાં જાણવા મળ્યું કે તે એક પ્રકારની ચાટ છે. પણ આગળ લાગેલા ગુજરાતી નામને કારણે અમે તેનો ઓર્ડર પહેલો આપ્યો અને પછી લાહોર ઢોસા, લાહોર મિક્સ ચાટ અને હૈદરાબાદી થાળી ઓર્ડર કરી. ઓર્ડર કરેલી તમામ વાનગીઓ એક સાથે આવી. ગુજરાતી પૂરી જોઈ ત્યારે ખબર પડી કે એ દહીં બટેટા સેવપુરી હતી. મેં પૂછ્યું,“આને તમે ગુજરાતી પૂરી કહો છો તો પછી ગુજરાતી પૂરીને શું કહો છો?” આ સવાલ સાંભળીને એ લોકો મૂંઝાયા. તેમણે કહ્યું કે આ વાનગી બનાવતાં શીખવેલી તેમણે અમને આનું નામ ગુજરાતી પૂરી હોવાનું કહેલું. એટલે અમે પણ તેને આ જ નામે ઓળખીએ છીએ.
હૈદરાબાદી થાળીનો સ્વાદ આપણા આંધ્રના હૈદરાબાદની થાળીના સ્વાદને મળતો આવતો હતો કે નહીં તે ખબર નથી, કેમ કે ત્યાં જવાનો મોકો મળ્યો નથી. એટલું ખરું કે આંધ્રમાં રોજિંદા ખોરાકમાં આમલીનો બહોળો ઉપયોગ થાય છે તેમ આ હૈદરાબાદી થાળીમાં પણ આમલીનો સ્વાદ આગળ પડતો હતો. લાહોર મિક્સ ચાટ તો ભારતીય ભેળપુરી જ જોઈ લો. તો લાહોર ઢોસા એટલે સાંભાર અને ચટણી વગરના મસાલા ઢોસા. એમાં ભારતીય સ્વાદ ન હતો, પણ પાકિસ્તાનના મસાલાઓનો સ્વાદ આ ઢોસાને અનોખો બનાવતો હતો. અમનેય ઘણા દિવસ પછી ભારતીય સ્વાદની નજીક કહેવાય એવું ભોજન મળેલું, જેનો અમે ઘણો આનંદ લીધો. પેટપૂજા પતાવીને અમે અમારી હોટેલ તરફ જવા નીકળ્યાં.
રસ્તામાં લાહોર કોર્ટ હાઉસ/ Lahore Court House, મિનાર-એ-પાકિસ્તાન/ Minar-e-Pakistan, ગદ્દાફી સ્ટેડિયમ/ Gaddafi Stadium, જ્યાંથી થોડે જ દૂર શ્રીલંકન ક્રિકેટરોની બસ પર હુમલો થયેલો એ લાઈબ્રેરી સ્ક્વેર જોતાં જોતાં અમે હોટેલ પર પહોંચ્યાં. વીસેક મિનીટના બ્રેક પછી અમારે વાઘા બોર્ડર તરફ જવા નીકળવાનું હતું. અને વાઘા બોર્ડર તરફ જતી વખતે અમને લાહોર શહેર નજીકથી નિહાળવાનો અવસર મળ્યો.
પાક ધરતીના હૃદય સમું, રાવી નદીના કિનારે વસેલું પંજાબ પ્રાંતનું આ શહેર પાકિસ્તાનનું કરાંચી પછી બીજા નંબરનું શહેર છે. લગભગ ૧૦૦૦ વર્ષથી લાહોર પંજાબની રાજધાની છે અને પાકિસ્તાનની સાંસ્કૃતિક રાજધાની. લાહોર શહેરની સ્થાપના ભગવાન શ્રીરામના પુત્ર લવે કરી હોવાનું મનાય છે. તેનું પ્રાચીન નામ પણ લવપુરી હતું. આ શહેરે ઘણા શાસકો જોયા છે. ૧૧મી સદીમાં મહમદ ગઝનવી, ૧૩મી થી ૧૬મી સદીના પૂર્વાર્ધમાં મોગલ/Moghul શાસન, ૧૬મી સદીના ઉત્તરાર્ધથી ૧૯મી સદીના પૂર્વાર્ધ સુધી શીખ/Sikh શાસન અને ૧૯મી સદીથી ૨૦મી સદી સુધી અહીં બ્રિટિશ/British શાસન હતું. મોગલકાળમાં આ શહેરનો સૌથી વધુ વિકાસ થયો. તેનું મુખ્ય કારણ એ હતું કે મોગલ સામ્રાજ્યના વિકાસની શરૂઆત અહીંથી થઈ હોવાને કારણે આ શહેર મોગલ બાદશાહોને બહુ પ્યારું હતું. આ શહેરને તેઓ દિલ્હી પછીની બીજી રાજધાની તરીકે ઓળખાવતા. બ્રિટિશ લોકોએ મોગલ શૈલીમાં બનાવેલાં અનેક સ્થાપત્ય હજુ પણ લાહોર શહેરની શોભા વધારી રહ્યાં છે. વિભાજન પહેલાં અહીં ઘણાં હિન્દુ કુટુંબો રહેતાં હતાં. અહીં લાહોર ફોર્ટ/Lahore Fort, દાતા દરબાર/Data Darbar, શાહદરા બાગ/ Shahdara Bagh, બાદશાહી મસ્જિદ/ Badshahi Masjid, લાહોર મ્યુઝિયમ/ Lahore Museum વગેરે ઉપરાંત નાનીમોટી મસ્જિદરૂપી સુંદર બાંધણીવાળી અનેક ઇમારતો જોવા મળે છે.
લાહોર: કેનાલ તેરા પાની અમૃત (*) 
આ શહેરની વચ્ચોવચ્ચ કેનાલ પસાર થાય છે, જે લગભગ આખા શહેરના મુખ્ય રસ્તાઓને સાંકળે છે. કેનાલના પાણીનો ઉપયોગ ખેતીના કામ માટે થવો જોઈએ. એ થતો હશે કે કેમ એની જાણ નથી. પણ પાણી કંઈ ખાસ ચોખ્ખું ન હોવાં છતાં ગરમીના દિવસો હોઈ ઝૂંપડપટ્ટીના બાળકોને અહીં સ્નાન કરવાનો આનંદ લેતાં જોયાં, તો ક્યાંક કપડાં ધોવાતાં જોવા મળ્યા, તો કોઈક બીબીને ઘડામાં પાણી ભરતી જોઈ.
આ શહેરથી ૩૨ કિલોમીટર દૂર ભારત અને પાકિસ્તાનની સરહદ આવેલી છે, જેને વાઘા બોર્ડર તરીકે ઓળખવામાં આવે છે. સરહદની બીજી તરફ આવેલું ભારતનું અમૃતસર લાહોરથી માંડ પચાસેક કિલોમીટર છેટે છે. વિભાજન વખતે આ રસ્તે ભારત જનારા અને પાકિસ્તાન આવનારા લોકોની વધુ સંખ્યા હતી. હજુ પણ મોટર તથા બસ દ્વારા અનેક પ્રવાસીઓ અવરજવર કરે છે, સડક ઉપરાંત રેલમાર્ગ વડે પણ આ બંને શહેરો જોડાયેલા છે.
અમૃતસર ફરવા જનારા ઘણા ભારતીય પ્રવાસીઓ વાઘા બોર્ડરની મુલાકાત હવે લેતા થયા છે. પણ મારે સરહદની સામે પારથી એ મુલાકાત લેવાની થશે એનો અંદાજ નહોતો. 


(પાકિસ્તાનમાંથી જોવા મળેલા ભારતીય સરહદના યાદગાર નજારાની તેમજ લાહોરની મસ્જિદમાં થયેલા દિલધડક અનુભવની વાત હવે પછી) 


(તસવીરો: મિ.અને મિસીસ મલકાણ)

[નોધ: (*) નિશાનીવાળી તસવીરો નેટ પરથી લીધી છે.] 

4 comments:

 1. સ્નેહાળ ભાઈશ્રી બિરેનભાઈ, પૂર્વીબેન,
  સદેહે પાકિસ્તાનમાં (ભગીની પ્રદેશ) ફેરવી લાવ્યા હોય તેટલો જ આનંદ આ લેખ વાંચવાથી થયો, છતાં મન નહિ ભરાય એવું લાગતું હતું પણ અંતે હજુ આગળ કંઈક વધુ ફરવા /જાણવા મળશે એમ લાગ્યું એટલે હાશ થયું. આનું નામ આંગળી ચિંધ્યાનું પુણ્ય કહેવાય, કદાચ એનાથી વધારે, વહેંચીને ખાવામાં વધુ આનંદ આવે એવું માનતા પૂર્વીબેન , જરૂરથી તમને અનેરો આનંદ આવે એવી અભ્યર્થના.આમીન ...
  દાદુ શિકાગો

  ReplyDelete
 2. પૂર્વીજી– હું ઈચ્છું કે તમે પાછા અમેરિકા ન જતાં પાક.ના વધુને વધુ અનુભવો લખો. અને આ અનુભવોને પુસ્તક આકારે બહાર પાડવાના છે. એમ સમજીને લખો. જેથી પુસ્તકમાં બધું તુટક તુટક ન લાગે.
  આપની વાતો વાંચવાની મઝા આવે છે.કલમ ખૂબ હળવી અને સરળ છે.અઅને વર્ણન શક્તિ અદભૂત છે.
  આમ જોઈએ તો સાઠ–સિત્તેર વરસ પહેલાં એ પણ ભારત જ હતું ને !એટલે ભારતની ાસર બધે દેખાય.લાહોરની ગવર્મેંટ કોલેજ તો વિશ્વ વિખ્યાત છે. દેવ આનંદ– બલરાજ સહાની વિ. ત્યાં ભણ્યા હતા.બિરેનભાઈ તમને ધન્યવાદ. આ બહેન પાસે હજુ લખાવો.

  ReplyDelete
 3. પૂર્વિબેનની કલમ માણવાની અને તેની નજરે પાકિસ્તાન ફરવાનો ઉત્તમ આનંદ આવે છે. ખૂબજ સહજ વર્ણન સાથે લખને સતત માણવાની મજા આવે છે. ચાલો હ્જુ આગળ પણ સફર કરાવવાના હોઈ, જાણ આનંદ થયો.

  ReplyDelete
 4. ભરતકુમાર ઝાલાJuly 14, 2012 at 2:05 PM

  વાંચવાની મજા આવે છે.

  ReplyDelete