Wednesday, July 18, 2012

પાકિસ્તાનના પ્રવાસે (૪)


- પૂર્વી   મોદી મલકાણ 


ઈજ્જત વતન કી હમ સે હૈ

વાઘા બોર્ડર તરફ જતાં લાહોર શહેરને બહુ નજીકથી જોતાં જોતાં અમે આગળ વધવા લાગ્યાં. પિસ્તાળીસ મિનિટ જેટલું ડ્રાઈવ કર્યા પછી અમે વાઘા ગામની સરહદ પર આવી પહોંચ્યા. વાઘાશબ્દ પંજાબી ભાષાનો છે, જેનો અર્થ રસ્તોથાય છે.વિભાજન વખતે વાઘા/ Wagha ગામને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યું હતું. પાકિસ્તાન તરફનો ભાગ વાઘા અને ભારત તરફનો ભાગ અટારી’/Attari ના નામે ઓળખાય છે. તેને કારણે આ સરહદનું નામ છે વાઘા-અટારી સરહદ. અટલબિહારી વાજપેયીએ શરૂ કરાવેલી દિલ્હી-લાહોર બસ પણ આ જ રસ્તેથી પસાર થાય છે. અહીંથી રોજ જથ્થાબંધ માલસામાનની હેરફેર થાય છે. મધ્ય એશિયાને ભારત સાથે જોડતો આ માર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડ’ (જી.ટી.રોડ)/G.T.Road તરીકે ઈતિહાસમાં ઉલ્લેખાયેલો છે. 

દિલ્હી-લાહોર બસસેવા 
અહીંથી ચેકપોસ્ટ શરૂ થતી હતી. તેને કારણે કડક ચેકિંગ હતું. આ ગામ તો નાનું છે, પણ અહીં ઘણા પ્રવાસીઓ આવતા હોય છે. સાંજે પાંચ- સવા પાંચે અમે ત્યાં પહોંચ્યા ત્યારે સાંજનો કાર્યક્રમ શરૂ થવાનો હતો. તેને કારણે ઘણી જ ભીડ હતી. બંને દેશો વચ્ચેની બોર્ડરલાઇન જોવાનો મારા મનમાં અતિ ઉત્સાહ હતો. મનમાં ઉત્સાહના ફટાકડા ફૂટી રહ્યા હતા એમ કહું તો પણ ચાલે. બંને દેશના સૈનિકોને યુદ્ધમોરચામાં સામસામે નહીં, પણ  એક સાથે જોવાનો મારા માટે આ પ્રથમ અનુભવ હતો.
મને લાગતું હતું કે બચપણમાં જોયેલું એક સ્વપ્ન જાણે કે સાચું પડવાનું હતું. નાની હતી ત્યારે મને થતું કે હું પણ સૈનિક બનું. જો કે, પછી તો અનેક કારણોસર એ શક્ય ન બન્યું. આજે આટલા વર્ષે એ સ્વપ્નનું અનુસંધાન સંધાવાનું હતું. રસ્તે અવરજવર કરતા તમામ સૈનિકોને જોતાં જોતાં હું પણ જાણે અજાણે મારા સ્વપ્નને નજીકથી નિહાળી રહી હતી. સૈનિકો કોઈ પણ દેશના હોય, પણ પોતાના પરિવારથી દૂર રહીને આપણને અને આપણા દેશને સુરક્ષિત રાખે છે. આપણે શાંતિથી સૂઈ શકીએ એ માટે તેઓ રાત્રે જાગે છે. આ સૈનિકોને આટલા નજીકથી જોવાનો મારે માટે સોનેરી અવસર હતો.
વાઘા બોર્ડર નજીક આવતી ગઈ તેમ મનમાં એક પ્રકારની ઉત્તેજના છવાતી આવતી ગઈ. છેક પહોંચ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે કાર પાર્કિંગથી મુખ્ય સ્થળ એક માઈલના અંતરે છે અને ત્યાં પગપાળા જવું પડશે. મારા પગની તકલીફને કારણે એટલું ચાલવું મુશ્કેલ હતું. પણ છૂટકો નહીં જ હોય તો ચાલી કાઢીશું એમ વિચાર્યું. પાર્કિંગ સ્થળે એક સૈનિક ઉભેલો હતો. અમારા ડ્રાઇવરે તેને પૂછ્યું,“સાબ યે બેગમસાહેબા કો પૈર કા મસ્લા હૈ. ક્યા મૈં ઉનકો આગે ઉતારકર કાર કો મોડકર વાપસ લે આઉં?” વરદીધારી સૈનિક શિસ્તનો પાબંદ હોય છે. તેણે કડકાઈથી કહ્યું,“નહીં, નહીં. ઐસા નહીં ચલતા. આપકો કાર યહાં છોડની હોગી.અમને લાગ્યું કે રકઝક કરવાનો મતલબ નથી. ડ્રાઈવરને અમે ત્યાં જ ઉતારી દેવાનું કહ્યું. કાર ઊભી રહી અને મેં ઉતરવા માટે પહેલો પગ જમીન પર મૂક્યો. પેલા સૈનિકની નજર મારા પગ પર પડી. એ જોઈને વરદી પાછળ રહેલો ઈન્સાન જાગી ઉઠ્યો. તે તરત જ અમારી પાસે આવ્યો અને ડ્રાઈવરને કહેવા લાગ્યો,“નહીં,  નહીં. બેગમ સાહેબા કો કાર મેં હી આગે લે જાઓ. ડ્રાઈવરે કહ્યું,“સા, મૈંને ઇસીલિયે તો કહા થા કિ..  સૈનિક હસીને પંજાબી લહેકામાં કહે,“ઓ મેંનૂ કી પતા કિ બેગમસાહેબા કા એક પાંવ ઐસા હોગા?”  અમે કારમાં ગોઠવાયાં અને આગળ ગયાં. ત્યાં એક ગેઇટ હતો. અમારો ડ્રાઈવર કહે, હું કાર રિવર્સ લઈ લઉં પછી આપ અહીં ઉતરી જજો.હજુ અમારી વાત પૂરી થાય તે પહેલાં તો બીજો સૈનિક દોડતો આવ્યો અને ડ્રાઈવરને ખખડાવવા લાગ્યો કે તું અહીં સુધી કાર કેમ લાવ્યો? તને ખબર નથી?

ડ્રાઈવરે કહ્યું,“સાબ પીછે વાલે સરજીને હાં બોલા, ક્યુંકિ યે બેગમસાહેબા કો પાંવ કા મસ્લા હૈ ના, ઇસીલિયે.. સૈનિક પાછળના ભાગમાં હું બેઠી હતી એ તરફ આવ્યો અને બોલ્યો,“કાર કા ગ્લાસ ખોલો.બારીનો કાચ ઉતારવામાં આવ્યો. કાચ ખૂલતાં જ તેણે અંદર જોયું અને મારી સ્થિતિનો તેને ખ્યાલ આવી ગયો. તેણે રજા આપતાં કહ્યું,“આપ યહાં સે કાર મેં આગે ચલે જાઓ.પછી તેણે પોતાના સાથીઓને  ગેઇટ ખોલવાનો આદેશ આપ્યો. ગેઇટ ખૂલ્યો અને અમારી કાર અંદર પ્રવેશી ગઈ.
ચલો વાઘા 
એ સાથે જ મારું મન બેકાબૂ થઈ ગયું, હૃદયના ધબકારા એકદમ વધી ગયા. કાન સરવા થઈ ગયા. કારણ કે આજે હું મારા દેશને, મારા દેશની સીમાને, મારા દેશના લોકોને સરહદની સામે પારથી જોવાની હતી. દૂરથી વાગતા ગીતના શબ્દો કાને પડતા હતા મેરે દેશ કી ધરતી સોના ઉગલે, ઉગલે હીરે મોતી. બસ,  આ શબ્દો સાંભળતા જ મનમાં ઉછાળો આવ્યો કે મારા દેશની ધરતીની સીમામાં પ્રવેશીને મારા દેશની રજને માથે ચડાવીને તેનો ચાંદલો કરી લઉં, પણ શક્ય ન હતું. આમાં કોઈને વધારે પડતા લાગણીવેડા લાગે, પણ ત્યારે મારા મનમાં જે ભાવ જાગ્યા એ જ મેં લખ્યા છે. મનોમન મેં મારા દેશની ધરતીને પ્રણામ કર્યા અને પાક ધરતી પર આવી ગઈ. અમારા ડ્રાઇવરે એકદમ આગળ જઈને કાર પાર્ક કરી અને અમારા મિત્ર જઈને ટિકિટ લાવ્યા. અહીં પુરુષો અને સ્ત્રીઓ માટે બેસવાની અલાયદી વ્યવસ્થા હતી. આવું કેમ હશે એ સમજાયું નહીં. ભારતમાં પણ આવી જ વ્યવસ્થા છે કે કેમ એ ખ્યાલ નથી. અમારા મિત્રે આગળ જઈને ત્યાં ઉભેલા સૈનિકને પૂછ્યું,“સાહબજી, યે બેગમ સાહેબા હમારે સાથ આઈં હૈ, વો અપને મિયાં કે સાથ જા સકતી હૈ?” જવાબ મળ્યો,“નહીં નહીં, જનાની અલગ જાયેગી ઔર મિયાં અલગ સે બૈઠૈંગે.આ સાંભળીને અમારા મિત્રે અમને કહ્યું,“સોરી, યહાં અલગ બૈઠના હોગા આપકો.મેં કહ્યું,“વાંધો નહીં. મને મારી ટિકિટ આપો. મારા પતિની સાથે જવાશે ત્યાં સુધી તેમની સાથે જઈશ. પછી ધીરે ધીરે ચાલતી એકલી જઈશ.આમ કહીને મારા પતિનો હાથ પકડીને હું ધીરે ધીરે ચાલવા લાગી. મને ચાલતી જોઈને બીજો એક સોલ્જર અમારી પાસે દોડી આવ્યો. આવીને તેણે મારા પતિ સાથે હાથ મિલાવ્યા અને આવકાર આપતાં કહ્યું,“જનાબ, આપ અપની બીબી કે સાથ હી જાઈએ. અકેલે જાને કી જરૂરત નહીં.તેણે પોતાના સાથીદારને કહીને અમને છેક આગળ લઈ જવાની સૂચના આપી. અમે તેનો આભાર માન્યો અને પેલા સૈનિકની સાથે ચાલી નીકળ્યાં.
મારા પગ પર લોકોની નજર પડતાં જ સૌ મારી સામે જોતા હતા. આને કારણે મને થોડી શરમ આવતી હતી અને સંકોચ પણ થતો હતો. મારા પતિને મેં આ વાત કરી. એ કહે,“લોકો તને નહીં, પણ મને જુએ છે અને વિચારે છે કે આ માણસ પોતાની પત્નીનું કેટલું ધ્યાન રાખે છે!આમ કહીને તેમણે મારા મનને હળવું કરી દીધું.
અમે એ પાક સૈનિકની સાથે ચાલતાં ચાલતાં પાક સરહદના મુખ્ય ગેઇટ પર આવી પહોંચ્યા. સૈનિક ત્યાં ઉભો રહી ગયો અને અમને વી વી આઈ પી સભ્યો બેઠેલા હતા એ પ્રથમ હરોળમાં બેસવા જણાવ્યું. અમે તેનો આભાર માનીને બેઠા એ પછી તે પોતાની બીજી ડ્યૂટી સંભાળવા ચાલ્યો ગયો. પાકનું રાષ્ટ્રીય ગીત હમ ઝિંદા કૌમ હૈ, પાઇંદા કૌમ હૈ, હમ સબ કી હૈ પહેચાન, પાકિસ્તાન પાકિસ્તાન પાકિસ્તાન વાગી રહ્યું હતું.  

યહાં ચૌડી છાતી વીરોં કી

તાકત વતન કી હમ સે હૈ ... 
સંધ્યા સમયે રાષ્ટ્રધ્વજને સન્માન સાથે ઉતારી લેવાનો નિયમ દુનિયાના સર્વ દેશોમાં રહેલો છે. વાઘામાં પણ ભારત અને પાકિસ્તાન બન્ને પોતપોતાના રાષ્ટ્રધ્વજ ઉતારવાની પ્રક્રિયા શરૂ કર્યા પછી સરહદના દરવાજા બંધ કરવાની તૈયારી કરાય છે. ભારત-પાકિસ્તાનના આ દરવાજાઓ વચ્ચે માંડ પાંચ-છ મીટરનું અંતર છે. બંને દેશો વચ્ચે પરેડ આમ તો નવી વાત નથી,પણ પરેડ વખતે સૈનિકોના ચહેરા પર જે ભાવ હોય છે તે અતિ વિલક્ષણ હોય છે. પરેડ કરનાર પ્રત્યેક સૈનિકના ચહેરા કરડા (કડક ) અને ભાવવિહીન હોય છે. તેમના ચહેરા પરથી અંગારા વરસતા હોય એમ લાગે. ૧૯૫૯થી ખુલ્લી મુકાયેલી આ સરહદ પર રોજ સાંજે બંને દેશના સૈનિકો સામસામે આવીને ઊભા રહે છે ત્યારે બંને દેશના સૈનિકોના ચહેરા પર પોતાના દેશ પ્રત્યેની ચાહના દેખાતી હોય છે. બંને દેશના સૈનિકો પોતાની દેશદાઝ દર્શાવતા ધ્વજ ઉતારવાની પ્રક્રિયાને જોશપૂર્વક શરૂ કરે છે. આ પ્રક્રિયા દરમ્યાન બંને દેશના સૈનિકો સામસામે આવીને ઊભા રહે છે ત્યારે તેમની આંખોમાંથી નીતરતું ઝનૂન જોવા જેવું હોય છે. ભારત તરફથી બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો ખાખી પોશાકમાં અને લાલ સાફામાં શોભે છે અને પાકિસ્તાનના રેન્જરો પગથી માથા સુધી કાળા રંગના સલવાર, કમીઝ અને પગડીના રોફદાર પોશાકમાં સજ્જ હોય છે. મસ્તકને ઢાંકી દેતા વિશિષ્ટ સાફા જેવી પાઘડી તેમના રોફદાર પોશાકની સુંદરતામાં વધારો કરે છે. જો કે, ભારતના સૈનિકો શર્ટ અને પેન્ટના યુનિફોર્મ વધુ ચુસ્ત જણાય છે, તેની સરખામણીએ સલવાર અને કમીઝ જેવા ઢીલા પોષાકમાં પાકિસ્તાની સૈનિકો ઓછા ચુસ્ત જણાયા. જો કે, તેમની સ્ફૂર્તિ કાબિલેતારીફ હતી.

અમારા સ્ટેડિયમની સામે આવેલા સ્ટેડિયમમાં બેસેલા પુરુષો પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવી રહ્યા હતા. બાજુમાં ઉપરની તરફ એક નાનું સ્ટેડિયમ હતું જ્યાં સ્કૂલના બાળકો બેઠેલા હતા અને તેઓ પણ લા ઇલાહા, ઈલ્લલ્લાહના નારા લગાવી રહ્યા હતા.
સ્ટેડિયમના સૌથી ઉપરના ભાગમાં પાકિસ્તાન આર્મીનું બેન્ડ સંગીત રેલાવી રહ્યું હતું. તે ઊભા હતા એની પાછળની દિવાલ પર પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મહમદઅલી ઝીણા/ Mohammed Ali Jinnah નો ફોટો લગાવેલો હતો. ભારતની સરખામણીમાં પાકિસ્તાનનું સ્ટેડિયમ ઘણું જ નાનું છે. બંને દરવાજાઓની ફાટમાંથી જોવાનો મોકો મળતો ત્યારે અમે જોતાં કે ભારતના સ્ટેડિયમમાં બેઠેલો માનવસમુદાય મહાસાગરના વિશાળ તરંગો જેવો દેખાતો હતો.
હિમ્મત વતન કી હમ સે હૈ 

સીમાની પેલે ભારત તરફથી જયનાદ થતો ત્યારે એક સાથે ત્રણ વાર જયનાદ થતો. જેમ કે- ભારત માતા કી જય,ભારત માતા કી જય,ભારત માતા કી જય...! ભારતનો જયનાદ થાય કે તરત જ પાકિસ્તાન તરફના લોકો એ જયઘોષના ઘૂઘવાટને ઢાંકી દેવા માંગતા હોય તેમ બમણા જોરથી પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવા માંડતા. ભારત તરફથી આવતા જયનાદ સાંભળીને અમારા રુંવાડા ખડા થઈ જતા અને ભારતની સીમામાં પ્રવેશવાની અમારી ઈચ્છા અદમ્ય બની જતી. પણ એ ક્યાં શક્ય હતું? એમ જયનાદ સાંભળ્યા પછી અમારા હૃદયને રોકી રાખવું પણ મુશ્કેલ હતું. એક તબક્કે અમે પાકિસ્તાનમાં છીએ એ વીસરી જઈને અમે ભારત તરફથી જતા જયનાદમાં અમારો સૂર પૂરાવ્યો. જાણે કે અમારું દિલ અમારા કાબૂમાં નહોતું, નાનપણથી જ આ જયઘોષ બોલતા અને સાંભળતા આવ્યા હતા. આ કારણે અનાયાસે જ અમે એ જયઘોષમાં સામેલ થઈ ગયા હતા. પણ પાકિસ્તાન તરફથી બોલાતી ભારત માતા કી જય સાંભળીને ઘણા બધાનું ધ્યાન અમારા તરફ ખેંચાયું. પહેલાં તો અમને ખ્યાલ ન આવ્યો કે બધા કેમ અમારી સામું જોઈ રહ્યા છે, પણ પછી અમને ખ્યાલ આવ્યો. એક પાકિસ્તાની સૈનિક દૃઢ પગલે ચાલતો અમારી નજદીક આવતો દેખાયો. અમારી તરફ એને આવતો જોઈને અમે વિચારવા લાગ્યા કે એ આવીને શું કહેશે. પેલો સૈનિક અમારી સાવ પાસે આવી ગયો, સીધો સોટા જેવો ઉભો રહી ગયો અને એક હાથ ઉંચો કરીને એકદમ તાલબદ્ધ રીતે બોલ્યો, “પાકિસ્તા....આઆન ઝિંદા...આઆબાદ.” ફરી એક વાર તેણે એ જ મુદ્રામાં પુનરાવર્તન કર્યું. આનો મતલબ સાફ હતો કે અમારે પણ તેનો પડઘો પાડવો. પહેલાં તો અમને ડર લાગ્યો કે અમે કોઈ મોટો ગુનો કરી દીધો કે શું? પણ પછી લાગ્યું કે આ પ્રસંગને મોટા ભાગના લોકો દેશભક્તિના પ્રદર્શનના અવસર તરીકે જુએ છે. અને એમાં અમારા જેવા કોઈક આવી ચેષ્ટા અનાયાસે કરી બેસે એને એ લોકો પોતાના દેશપ્રેમ માટે પડકારરૂપ ગણે છે. જો કે, અમારાથી ભારત માતા કી જય બોલાઈ ગયું હતું એ પણ આવા જ દેશપ્રેમનું પરિણામ હતું. પાકિસ્તાન ઝીંદાબાદ બોલવાથી કંઈ મારી ભારતીય તરીકેની ઓળખ ભૂંસાઈ નહોતી જવાની. અમેરિકામાં વસીએ છીએ તો અમેરિકાના રાષ્ટ્રધ્વજને સલામ કરીએ જ છીએ ને! જે દેશમાં વસીએ કે જઈએ તો ત્યાંના નિતીનિયમોને માન આપવું રહ્યું. આખરે તો ભારત અને પાકિસ્તાન એક જ ભૂમિના અલગ પડેલા બે હિસ્સા હતા. તેનું સર્જન ભલે વેર અને બદલાની ભૂમિકા પર થયું, અને એ ગાળામાં માનવ હેવાન બન્યો. બાકી સાંસ્કૃતિક ગઠબંધનનાં મૂળિયાં એનાથી ક્યાંય વધુ મજબૂત અને ઊંડાં હતાં. જો કે, મને હજીય એમ થાય છે અને વખતોવખત થતું રહ્યું છે કે ભારત અને પાકિસ્તાનના સંબંધોને બિનરાજદ્વારી રીતે ઉકેલવાનો પ્રયત્ન ક્યારેય થશે કે કેમ? એમ થાય તો જ બન્ને વચ્ચેની દિવાલ તૂટી શકે.
ખેર, પેલા સૈનિકે અમારા મોંએ પાકિસ્તાન ઝીંદાબાદ સાંભળ્યું એ પછી એને સંતોષ થયો હોય એમ લાગ્યું. અને તેણે પાછા જવા માટે કદમ ઉપાડ્યા. પણ એ પાછો વળ્યો એ સાથે જ મારા કાને ફરીથી ભારતનો જયઘોષ પડ્યો અને અનાયાસે મારાથી એમાં સૂર પૂરાવાઈ ગયો. આ સાંભળીને તે પાછો આવ્યો અને અને ફરી અમારી સામે આવી હાથ ઊંચા કરી બોલ્યો, “પાકિસ્તાન ઝિંદાબાદ.” અમે એમાં સૂર પૂરાવીએ એ પહેલાં જ એ સૈનિકે અમારી તરફ જોયું અને ઈશારાથી અમને ભારત માતા કી જય બોલવાની ના પાડી. એ પછી થોડે દૂર જઈને એક ખૂણે એ ઉભો રહી ગયો.
એ પછી આખા કાર્યક્રમ દરમ્યાન આઠથી દસ વખત અલગ અલગ સૈનિકો અમારી પાસે આવ્યા. અમે ભારત માતા કી જય બોલી ન બેસીએ એની તકેદારી રાખવા માટે હોય કે પાકિસ્તાનમાં રહીને ભારત માતા કી જય બોલતા નમૂનાઓને જોવા માટે હોય- કારણ ગમે તે હોય, પણ અમારાથી થોડે દૂર જ તે ઉભા રહ્યા. 
એ વખતે અમે જોયું કે બંને દેશોના દરવાજાની વચ્ચે એક બિલાડી ફરી રહી હતી.
ઘડીકમાં તે ભારતના દરવાજામાં પ્રવેશ કરતી અને પાછી બહાર નીકળી જતી. થોડી વાર પછી ફરીથી પાકિસ્તાનના દરવાજામાંથી અંદર આવતી અને બહાર નીકળી જતી. થોડી વાર આમ ચાલતું રહ્યું. એ પછી થોડી વાર તે દેખાઈ જ નહીં, તેથી અમને લાગ્યું કે આખરે એ પોતાની જગ્યાએ પહોંચી ગઈ હશે. ત્યારે જ અમે જોયું તો એ બિલાડી ફરી ભારતના સૈનિકોની આજુબાજુ ફરી રહી હતી. થોડી વાર પછી ફરી એ પાકિસ્તાનની ધરતી પર આવી અને દોડતી દોડતી અમારી આંખો આગળથી નીકળીને ઓઝલ થઈ ગઈ. બિલાડીની આવી ગમ્મત જોઈ મને રેફયુજી ફિલ્મનું પંછી, નદીયા, પવન કે ઝોંકે, સરહદ ના કોઈ ઈસે રોકે ગીત યાદ આવી ગયું. મને થયું કે આ બિલાડી ભારત માતા કી જય અને પાકિસ્તાન ઝીંદાબાદથી સાવ પર હતી. કાશ, આપણું પણ એવું હોત તો!
ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવી મિત્રતા થઈ જાય અને કોઈ પણ બંધન વિના બંને દેશના લોકો એકબીજાને મળી શકે તો કેવું સારું. આશા રાખીએ કે આજે નહીં તો આવતી કાલે એવો સમય ચોક્કસ આવશે.
પાકિસ્તાઆઆઆન.............! 

લગભગ ૧૦- ૧૫ મિનિટ સુધી અમે પાકિસ્તાન તરફથી થતા નારાઓના અવાજને સાંભળીને આનંદ લીધો. પણ અમારી નજર બંધ દરવાજા પાછળ રહેલા આપણા ખુદના દેશની સીમા, સૈનિકો અને મારા ભારતવાસીઓને નિહાળી રહી હતી. મારા દેશની ભૂમિનાં દર્શન કર્યે ચાર-પાંચ વરસ વીતી ગયાં હતાં. માતૃભૂમિને આમ સામા છેડેથી નિહાળવાનો રોમાંચ અનેરો હતો.પ્રત્યેક પળે મને લાગતું હતું કે સીમાની પેલે પાર રહેલા મારા દેશના લોકો મને હાથ ઊંચા કરીને કરીને બોલાવી રહ્યા છે. પણ એમ જવાનું ક્યાં સરળ હતું? પોતાના દેશથી,  પોતાના દેશવાસીઓથી દૂર હોઈએ ત્યારે જ તેમની કિંમત સમજાય છે તે મારાથી બહેતર કોણ સમજી શકવાનું હતું?મારૂં મન આવી ગડમથલમાં હતું ત્યારે અચાનક નારાઓનો અવાજ વધુ બુલંદ થયો. તેને કારણે અમારી નજર એ તરફ ગઈ. અમે જોયું તો લીલાં વસ્ત્રો પહેરેલો એક વૃદ્ધ પાકિસ્તાનનો ધ્વજ લહેરાવતો ધીમા, પણ સ્થિર પગલે આવી રહ્યો હતો. તેને જોઈને લોકોમાં એક પ્રકારનો રોમાંચ છવાઈ ગયો હતો અને તેને કારણે નારાઓ વધુ ઉગ્ર થઈ ગયા. પાકિસ્તાનના મુખ્ય દરવાજા પાસે આવીને તે વૃદ્ધ ઊભો રહ્યો. ભારતને પોતાના દેશની તાકાત દર્શાવવા માંગતો હોય એમ તે બંને હાથ ઉપર કરીને ધ્વજ  લહેરાવવા લાગ્યો. થોડી વારમાં તેને સાથ આપવા માટે એક યુવાન પણ આવ્યો અને આ ક્રિયામાં જોડાયો. ધીમે ધીમે કરતાં કુલ ચાર જણા આવી ચેષ્ટાઓ કરવા લાગ્યા. જો કે, આવી ચેષ્ટાઓ બાલિશ લાગતી હતી, પણ આ તેમના દેશપ્રેમની અભિવ્યક્તિ હતી. પછી મુખ્ય સૈનિકો દ્વારા માર્ચ શરૂ થઈ. સૌ પ્રથમ બે, પછી ચાર અને તે પછી આઠઆઠના ગ્રુપમાં સૈનિકોની માર્ચ શરૂ થઈ. આ લગભગ ૩૦ મિનિટ સુધી ચાલ્યું.
પાકિસ્તાનના મુખ્ય દરવાજાઓની ફાટ વચ્ચેથી અમે વારે વારે ઈન્ડિયાના દરવાજાઓ તરફ પણ જોઈ રહ્યા હતા. ત્યાં પણ આમ જ ચાલી રહ્યું હતું. સૈનિકોના માર્ચીંગ વચ્ચે લોકો જોશપૂર્વક નારા લગાવી રહ્યા હતા. સૈનિકોના પોલાદી પગલાં, ખડતલ છાતી, હૃદયમાં દેશદાઝની ભાવના અને આંખોમાં દેખાતી લક્ષ્યને પામવાની એકાગ્રતા તેમને સામાન્ય વ્યક્તિઓથી અલગ તારવતા હતા. લગભગ ૩૦ મિનિટ પછી બંને દેશના દરવાજાઓ ખૂલ્યા. પાકિસ્તાનના વિશાળ દરવાજા સ્લાઈડીંગ હતા, જેને 

કલ કી 'હસીં' મુલાકાત કે લિયે...... 
સરકાવીને દિવાલની અંદર ખસેડી દેવાયા હતા, જ્યારે ભારતના દરવાજા ભારતની તરફ અંદર ખોલવામાં આવ્યા હતા. દરવાજા ખૂલતાંની સાથે જ નારાઓનો નાદ બેવડાઈ ગયો. બંને દેશના સૈનિકો પોતપોતાના દેશના દરવાજામાંથી બહાર આવીને મુખ્ય સીમારેખા પર મળ્યા. તેમની હિલચાલમાં ચિત્તા જેવી ચપળતા અને ત્વરા હતી. હસ્તધૂનન કર્યા પછી પોતપોતાના દેશના ગૌરવને છાજે તે રીતે માનપૂર્વક અને હરીફ દેશને જાણે પોતાના હાવભાવથી જ ડરાવી દેવાની ભાવના સાથે પોતાના પગ સામેવાળા સૈનિકના ખભા સુધી ઉછાળીને ડગલાં માંડ્યા. ખાસ પ્રકારની એક્શન સાથે ધ્વજ એકસાથે ઉતારવાનું ચાલુ થયું. ધ્વજ નીચે ઉતારતી વખતે દોરીને ક્રોસમાં રાખીને ઉતારવામાં આવે છે. જેમ હસ્તધૂનન કરે ત્યારે હથેળીઓ ક્રોસમાં હોય છે એમ જ. બંને દેશના ધ્વજ એકબીજાની ક્રોસમાં રહીને નીચે આવી ગયા પછી ધ્વજની ગડી વાળી લેવામાં આવી. ફરી એકવાર બંને દેશના સૈનિકોએ હસ્તધૂનન કર્યું અને ગડી કરેલા ધ્વજને મૂકી દેવામાં આવ્યો. ફરી બંને દેશનાં સૈનિકો સીમારેખા પર મળ્યા અને ફરી એકવાર તેઓએ હસ્તધૂનન કર્યા અને છૂટા પડ્યા. આ ક્રિયા પછી બંને દેશો વચ્ચે રહેલા દરવાજાઓને ફરી એક વાર બંધ કરી દેવામાં આવ્યા.
બીજે દિવસે સવારે ફરી ધ્વજ ચડાવવાની પ્રક્રિયા કરવામાં આવશે ત્યારે ફરી બંને દેશો વચ્ચેના દરવાજાઓ  ખોલી નાખવામાં આવશે. આ રીતે ધ્વજ ઉતારવાની અને ધ્વજ ચડાવવાની પ્રક્રિયાનો સમય લગભગ ૪૫ મિનિટનો હોય છે જે દરરોજ સવારે અને સાંજે થાય છે. આ પ્રક્રિયા રોજે રોજ અનેક પ્રવાસીઓને આકર્ષે છે. પરંતુ આ આખો નજારો સ્વયં જોવાનો આનંદ અનેરો હોય છે.

સાંજ પણ ઢળી ચૂકી હતી. સંધ્યાની લાલિમા ગગનને પોતાના રંગમાં રંગી રહી હતી. અહીં આવેલા લોકો પાછા જવા નીકળતા હતા, તેમની સાથે અમે પણ પાર્કિંગ તરફ જવા લાગ્યા. ઘણા લોકો બંધ દરવાજા પાસે ઊભા રહીને ફોટો લઈ રહ્યા હતા, તો અમુક જણા ધ્વજ લઈને ફરનારા સૈનિકો, કમાન્ડરોની સાથે ફોટો ખેંચી રહ્યા હતા. પણ ભારતીય સૈનિકોને નજીકથી જોવાની મારી લાલચ હું રોકી ન શકી, તેથી ભારતીય સૈનિકો ઊભા હતા તે તરફથી બહાર જવા માટે મેં મારા કદમ ધીરેથી ઉપાડ્યા.

મૈદાં મેં અગર હમ દટ જાયે

પાછા વળતાં મારી નજર એક ભારતીય સૈનિક પર પડી. તે ભારતના મુખ્ય દરવાજાથી પચીસેક મીટર દૂર ઉભેલો હતો. એ ઊભો હતો તે ભાગ ભારતીય સીમાની અંદર, પણ મુખ્ય ચોકીથી દૂર હતો. આ ભારતીય ચોકીનો પાછળના યાર્ડનો ભાગ હતો. સૈનિક ઊભો હતો ત્યાં તારની નાની સરખી વાડ હતી. વાડ પછી નાનકડો બગીચો હતો. બગીચામાં ખીલેલા લાલ રંગના ગુલાબ પ્રેમનો સંદેશો આપી દોસ્તીનો હાથ ફેલાવી રહ્યા હોય એમ લાગતું હતું. બગીચા પછી ફરી એક વાડ હતી. આ વાડ તરફ પાકિસ્તાનના બે સૈનિકો ઉભેલા હતા. મારું ધ્યાન અને નજર તો આપણા દેશના સૈનિક પર હતાં, જે તપ કરી રહેલા કોઈ સ્થિતપ્રજ્ઞ ઋષિની જેમ ફરજ બજાવતો ઉભેલો હતો. તેનો વર્ણ ગૌર અને ચહેરો ગોળમટોળ હતો. આંખો માંજરી હતી. એ યુવાનનાં કદકાઠી સામાન્ય હતાં. તેના હાથમાં બંદૂક એ રીતે શોભી રહી હતી, જેમ કોઈ ઋષિના હાથમાં કમંડળ. સામી છાતીએ લડનારો અને પોતાના લક્ષ્યને પોતાની કીકીમાં સમાવીને એ સૈનિક ભારતનું માન, અભિમાન અને સ્વાભિમાન લઈને ત્યાં ગર્વથી ઉભેલો હતો.
દિલબર કે લિયે દિલદાર હૈ હમ, દુશ્મન કે લિયે તલવાર હૈ હમ. 

ઉત્સુકતા અને ઉત્સાહપૂર્વક ક્યાંય સુધી હું તેને જોતી ઊભી રહી, પણ આ દરમ્યાન ન તો તે સૈનિકના મુખ પરના ભાવ પલટાયા કે ન તો તેની આંખ ફરી. બસ એક પૂતળાની માફક તે એકીટશે નિહાળતો અને મૌનનું ધ્યાન ધરતો ઊભો હતો. મારી બોલી અને મારા ભારતીય પોશાક પરથી અમે ભારતીય છીએ તે કદાચ સમજી ચૂક્યો હતો, પણ પોતાના મનના ભાવોને તે ચહેરા પર પ્રગટ કરતો ન હતો. એ સ્થિતપ્રજ્ઞ ઋષિને નિહાળતાં નિહાળતાં મારી વાચાળતા પણ ખીલી ઉઠી હતી અને મારા પતિ સાથે ઘણીબધી વાતો હું કરી રહી હતી.
ઘડીભર તો મને થયું કે લંડનના મેડમ તુષાદ વેક્સ મ્યુઝિયમમાં હોય છે એવું આ મીણનું પૂતળું તો નથી ને! આજે પણ એ ભારતીય સૈનિકની આંખો અને તેનો ચહેરો, મારા મનઃપટ પર એવો અંકિત થઈ ગયેલો છે કે ભૂલવા માંગુ તો પણ એને ભૂલી શકું એમ નથી. તેની સામેના બગીચા અને વાડ પછી પાકિસ્તાનની સીમા શરૂ થતી હતી ત્યાં ચોક્કસ અંતરે એક નહીં, બે પાકિસ્તાની સૈનિકો ઊભા હતા. તેઓ ત્યાં આવતા જતા પોતાના પાકિસ્તાની બિરાદરો સાથે વાતચીત કરી રહ્યા હતા. બબ્બે પાકિસ્તાની સૈનિકની સામે આપણા એક જ ભારતીય સૈનિકને ઉભેલો જોઈને મને આપણા સૈનિકો માટે ખૂબ ગર્વ થયો.
****************

આમ જ ભારતીય સૈનિકને જોતાં જોતાં ઘણો સમય વિતી ગયો હોઈ મારા પતિએ આગળ વધવા માટે મારો હાથ ખેંચ્યો ત્યારે હું કોઈ સ્વપ્નમાંથી બહાર આવી, ત્યારે જોયું કે સ્ટેડિયમમાં હવે જૂજ માણસો જ રહ્યા હતા અને પાકિસ્તાની સૈનિકો લોકોને બહાર જવામાં મદદ કરી રહ્યા હતા. આથી હું મારા પતિ સાથે તે ભારતીય સૈનિકને ત્યાં જ છોડી પાર્કિંગ લોટ તરફ ધીરા પગલે આગળ વધી ગઈ, ત્યારે શિફ્ટ બદલાવાની તૈયારી ચાલી રહી હતી. ઇલેક્ટ્રીક દિવડાઓ સૂરજના પ્રકાશની કમીને પૂરી કરવા મથતા હોય એમ બરાબર ઝળહળી રહ્યા હતા.
ધીરે ધીરે સૌની સાથે અમે પણ લાહોર તરફ જવા નીકળ્યા,ત્યારે અમારું હૈયું સીમાની પેલે પાર રહેલા ભારતની ભૂમિમાં સમાઈ ગયું હતું, અને વાઘાની સીમા અમારી પીઠ પાછળથી ઓઝલ થઈ રહી હતી.
જિસને લાહોર નહીં દેખ્યા, વો જન્મા હી નહીં સાંભળેલું. એ રીતે અમે લાહોર જોયેલું હતું એમ કહી શકાય. પણ હજી ખરા અર્થમાં તેને જોવાનું બાકી હતું. લાહોરમાં ફરીએ તો પાકિસ્તાનનો પ્રવાસ જ નહીં, જન્મેલું પણ સફળ થયું ગણાય.


[ લાહોરના લાલાઓ બનીને લાહોર ખૂંદવાનો અનુભવ આનંદદાયક હતો, એમ ધ્રૂજાવી દેનારો પણ હતો. એનું બયાન પાંચમા અને અંતિમ હપ્તામાં]   

(પહેલી, બીજી અને છેલ્લી તસવીર નેટ પરથી લીધી છે. અન્ય તસવીરો: મિ.અને મિસીસ મલકાણ) 


(નોંધ: ગયા સપ્તાહે થયેલા દારાસિંહના અવસાન નિમિત્તે તેમના જીવનનો આલેખ આપવાનો વિચાર હતો, ત્યાં આજે રાજેશ ખન્નાના અવસાનના સમાચાર મળ્યા. બન્ને અભિનેતાઓને શ્રદ્ધાંજલિ.) 

8 comments:

 1. બહુ જ સરસ લેખ બન્યો છે.મારા મિત્ર સરદાર નરિન્દરસિંહે પોતે વાઘા બોર્ડરનો આંખે દેખો અહેવાલ ભારત સાઈડનો આપ્યો હતો. અને પૂર્વીજીએ બીજી સાઈડની વાત કરી.પૂર્વીજી નસિબદાર છે કે ભારતનો જયનાદ કરવા બદલ ત્યાંની પોલીસે તેમને સવાલ જવાબ કરવા રોકી ન રાખ્યા.લશ્કરની હાજરીમાં એ એક મોટો ગુનો ગણાય.

  પૂર્વીજીને ધન્યવાદ– બિરેન કુમારને એક વધારાની સલામ.

  ReplyDelete
 2. એક નોંધ– જો ભારતના સૈનિકો વિષે અને સેના વીષે જાણવું હોય તો કેપ્ટન નરેન્દર્ ફણસે (ગુજરાતી)નું પુસ્તક "જીપ્સીની ડાયરી" વાંચો– કેપ્ટને અંદર ૧૯૬૫ અને ૧૯૭૧ ના પાક સાથેના યુધ્ધના પોતાના પ્રસંગો લખ્યા છે. કેપ્ટન પહેલી હરોળમાં લાહોર ફર્ંન્ટ પર હતા. "લાહોર દેખ્યા નહીં–નાટક વાંચવું હોય તો તે શરીફા વિજળીવાળાનો ાનુવાદ વાંચો.

  પૂર્વીજીને ધન્યવાદ– બિરેન કુમારને એક વધારાની સલામ.

  ReplyDelete
 3. બિરેનભાઈ, પૂર્વીબેન,
  નમસ્કાર.
  મઝામાં હશો. ચોથા ભાગના પ્રવાસમાં એટલું બધું તલ્લીન થઇ જવાયુકે . પૂર્વીબેનને જેલમાંથી બહાર કઢાવવા પડશે.
  પણ આગળ વાંચતા લાગ્યુકે સવારે એ ચોક્કસ દહીં ખાઈને નિકળ્યા હશે. નહીતો માછીમારોને વગર લેવે દેવે જેલમાં સડવા ધકેલી દેનાર પાકિસ્તાને તમને કેમના આવી હળવી સજા કરી જવા દીધા?? બચ ગયારે. આટલા ભાવુક નાં થવાય. .બાકી લેખ પૂરો થતા હાશ થઇ ગઈ.જાન બચી લાખો.......
  દાદુ શિકાગો..

  ReplyDelete
 4. પૂર્વી બેન મલકાણનો પાકિસ્તાન પ્રવાસનો ચોથો હપ્તો વાંચ્યો,ખરા હિંમતવાળા છે પૂર્વીબેન! વાઘા સરહદ પર પાકિસ્તાની બાજુએ બેસીને હિન્દુસ્તાનની ધરતીના સપનામાં રાચતા,અને 'ભારતમાતાની જય' બોલાવતા જતા હતા! સાચેજ તેઓ એક સૈનિક છે,આટલી હિંમત કોણ કરવાનું હતું?પાકિસ્તાની આમ આદમી કોઈ કોઈ વાર તેમના નેતાઓના ભાષણોથી હિન્દુસ્તાન વિરુદ્ધ થઇ જતા હશે,'ગરીબ પ્રજા તો જ્યાં દોરે ત્યાં જાય'એવો ઘાટ થતો હોય છે.પૂર્વીબેન તમે આંખે દેખ્યો હાલ વાંચકોને આપ્યો
  આપની હિંમતની બધાજ વાંચનારા દાદ આપશે.
  અત્રે એક વાતની નોંધ લેતાં કહેવાનું થાય છે કે હિન્દુસ્તાની મૂળના પંજાબી ઈંગ્લેન્ડમાં વસતા સિને-ટીવી,લેખક,અભિનેતા,નિર્દેશક સંજય ભાસ્કરે એક બીબીસી માટે 'ડોક્યુમેંટરી' બનાવેલી તેમાં તેને હિન્દુસ્તાનમાંથી વાઘા સરહદપાર કરી હતી ત્યારે આ આખો ધજા ચઢાવા ઉતારવાનો પ્રસંગ ખુબજ સરસ રીતે આવરી લીધો હતો,તે જોવાજેવો છે,તેને પણ પોતાની રીતે પ્રેક્ષકોને 'પાનો' ચડાવ્યો હતો જેમ પૂર્વી બેને વાંચકોને ચડાવ્યો!! સંજય ભાસ્કરતો તેના વડવાઓ ભાગલા પહેલાંના અખંડ હિંદુસ્તાનમાંથી આવ્યા હતા એટલે તેઓ પાકિસ્તાનના બીજા ગામડાઓમાં પણ જઈને સારાએવા દ્રશ્યો ઝડપી લીધા હતા,ત્યારે એમ લાગે કે આ પાકિસ્તાન અને હિન્દુસ્તાનના ગામડાઓમાં કઈ ફેર નથી!
  'સિર્ફ' ધર્મના નામે આ આખું નાટક રચાઈ ગયું!! એટલું કહેતા ઉમેરવાનું કે શું કોઈ
  ધર્મ આવું શીખવે છે?
  શ્રી બીરેન ભાઈ, પૂર્વી બેનનો હવે પછી છેલ્લો હપ્તો વાંચીને કોઈ વાંચક રચનાત્મક
  વિવેચન કરે તેવી આશા રાખીએ.
  સુંદર પ્રવાસ લેખ માટે આપનો અને પૂર્વી બેનનો આભાર.

  ReplyDelete
 5. પૂર્વિબેન દ્વારા વાઘા બોર્ડર પરનું જે વર્ણન -વિવેચન દાખવવામાં આવ્યું તે અતિ રસપ્રદ અને ઝકડી રાખે તેવો અનુભવ થયો. પાકિસ્તાનની બોર્ડરમાં રહી ભારત માતા કી જય બોલવાની હિંમત સહજ ભલે હતી પરંતુ તે અતિ ગંભીર ભૂલ તેઓની દ્રષ્ટિએ હતી, પરંતુ કહે છે ને કે 'સાંચ કો આંચ નહિ' ! પરમકૃપાળુએ રક્ષા કરવી પરિસ્થિતિને સાચવી લીધી એ જ બસ છે.

  આજ થી લગભગ ૨૦-૨૨ વર્ષ પહેલાનો દિવસ યાદ આપવી દીધો. હું પણ અમૃતસર ડૉ.દલજીતસિંહ ને ત્યાં મારા માતાજીની આંખનું ઓપરેશન કરવા (નંબર ઉતારવાનું ) ગયો હતો ત્યારે વાઘા બોર્ડરની મુલાકાત લીધી અહ્તિ અને પરેડ પણ માણી હતી. આ સમયે મારા દ્વારા પણ એક ભૂલ થઇ હતી કે બંને બોર્ડર ના દરવાજા ખુલ્લા હતા અને પાકિસ્તાની બોર્ડર પર પ્રવેશ કરવાની બાલીશતા કરી બેઠો. પરંતુ આપણા જવાને તૂરત જ પાછો ખેંચી લઇ અને સૂચના આપી કે યહ કયા કર રહે હો ? પીછે ખડે રહકર દેખો આરામ સે. એસી ગલતી કભી મત કરના. જે ભૂલ હવે સમજાઈ છે.

  ખૂબજ સુંદર લેખ બદલ બિરેનભાઇ તેમજ પૂર્વિબેન ને ધન્યાવાદ !

  ReplyDelete
 6. Well done for standing up for India not once, but twice !!
  Its a shame that ideology is dividing people who share the same blood.

  ReplyDelete
 7. નરેન્દ્રસિંહ રહેવરJuly 25, 2012 at 11:50 AM

  પૂર્વીબેનનો પાકિસ્તાન પ્રવાસ-૪ અદભૂત છે.
  વાઘા બોર્ડર અમૃતસરથી જોયેલી અને ખરેખર રુવાડા ઉભા થઈ જતાં,પરંતુ લાહોરથી ભારત-પાકિસ્તાન બોર્ડર માત્ર કલ્પના હતી,જે પૂર્વીબેનના શબ્દદેહ સાથે બેસીને જોવા મળી.
  પૂર્વીબેનનો અને આપનો ખુબ ખુબ આભાર.

  ReplyDelete
 8. પુર્વીબહેનનો આંખો દેખા હાલ અજબ લાગણીઓ ઉછાળે છે.

  તેના પુરમાં તણાઈ જઈને જરા સાહસતો લીધું પણ બધું સમુસુરતુ
  નીવડ્યું. નીચેની હવે બે લીંક ઘરમાં બેઠાં જુવો: કનક્ભાઈ રાવળ


  1. From India side: http://www.youtube.com/watch?v=B6HJ-hRE22s

  2. From Pakistan Side: http://www.youtube.com/watch?v=RLxjcVdegO8

  ReplyDelete