Friday, July 6, 2012

બારહ આંખે, દો હાથ
એક કંપનીની કોર્પોરેટ ઓફિસની કલ્પના કરો. કેવું હોય એનું માળખું, વિવિધ વિભાગ, તેમની કાર્યપદ્ધતિ અને કાર્યનો વ્યાપ?
એચ.આર.વિભાગ/H.R.Section પાસે તમામ કર્મચારી અને કર્મચારીને સંબંધિત અન્ય વ્યક્તિઓનાં નામ-સરનામાં અને કંપનીના સંપર્કોનો શહેર મુજબ ડેટાબેઝ હશે, જે જોઈએ ત્યારે હાથવગો હોય. પોતાના માણસની લાયકાત, પગાર અને અન્ય ભથ્થાંઓ, ઈન્ક્રીમેન્ટ, પ્રમોશન, એલ.ટી.સી; મેડીકલ, ડી.એ. ઉપરાંત જન્મદિન, લગ્નદિનપરિવારજનોના શુભ દિન જેવી અંગત માહિતી અહીંથી તરત મળી શકે. 
એના પરચેઝ/Purchase- એડમીન વિભાગમાં/Administration Section કંપની માટે જોઈતી તમામ ચીજવસ્તુઓ ખરીદવામાં આવતી હોય અને એ ખરીદતાં અગાઉ તેનો નિર્ધારીત જથ્થો, ગુણવત્તાની ચકાસણી અને ભાવતાલ સુધીની વિધિ થતી હોય. આ સિવાય ખરીદ કરેલી વસ્તુ કે સેવાની ચૂકવણી માટેની શરતો અને સમયમર્યાદા પણ નક્કી થતી હોય. સેલ્સ વિભાગ/ Sales Department ના સતત અને સખત પ્રયત્નોથી નવા નવા ઓર્ડરો કંપનીના આંગણે ઠલવાતા રહેતા હોય. 
કો-ઓર્ડીનેશન ઈઝ મસ્ટ, યુ સી! 

સેલ્સ વિભાગનો પૂરક એવો માર્કેટીંગ વિભાગ/ Marketing Department કંપનીના ઉત્પાદન અને સેવાઓ વિષે ગ્રાહકોને માહિતગાર કરવાનું અને તે માટે પ્રેરિત કરવાનું કામ કરે અને આ માટે વીજાણું, મુદ્રિત, મૌખિક એમ તમામ માધ્યમનો ઉપયોગ કરતો હોય. ગ્રાહકની જરૂરિયાતની સુક્ષ્મ સમજ ધરાવતા, તેની જરૂરત મુજબ સ્વરૂપમાં આવશ્યક ફેરફાર કરવાનો, અને એમ ન થાય તો ગ્રાહકને તેની જરૂરતમાં ફેરફાર કરવા માટે સમજાવવાનું કામ આ વિભાગના ધુરંધરો કરતા હોય. તેનાથી મળતી સફળતાને પ્રોડક્શન વિભાગ પોતાની ગુણવત્તાનો પ્રતાપ માને અને માર્કેટીંગ વિભાગ પોતાના કૌશલ્યનો- પણ પરિણામ એવું હોય કે વરસોવરસ કંપની જથ્થા અને ગુણવત્તા- બન્નેમાં પોતાના અગાઉના રેકોર્ડ તોડીને નવો વિક્રમ સ્થાપતી જતી હોય. 
ફાયનાન્સ વિભાગ/ Finance Section કર્મચારીઓનો પગાર તેમજ માલ આપનાર વેપારીઓનાં નાણાં સમયસર ચૂકવાય એની કાળજી રાખે. હિસાબ, બેન્કિંગ, શેર-મૂડી, અને વિવિધ વેરા વગેરેની પણ જવાબદારી આમાં સામેલ હોય. એચ.આર. વિભાગ અને સેલ્સ વિભાગના ડેટાબેઝનો સદુપયોગ કરીને પી.આર.વિભાગ/ P.R.Department વારેતહેવારે સૌને શુભેચ્છા, અભિનંદન પાઠવવા કે દુ:ખદ પ્રસંગે ખરખરો કરવા ઉપરાંત અવારનવાર ફોન કે રૂબરૂ મુલાકાત કે સહભોજન દ્વારા, સારેમાઠે પ્રસંગે હાજરી આપીને કર્મચારીઓ, ગ્રાહક, તેમનાં પરિવારજનો, સંબંધિત ખાતાં, રાજકીય પાર્ટી, અન્ય કંપની વગેરે સાથે જીવંત સંપર્ક રાખતો હોય. ટૂંકમાં મુખ્ય ધ્યેય ગુડવિલ અને ગુણવત્તાનું.

કોઈ પણ આદર્શ કંપનીમાં આટલી બાબતો હોવી જોઈએ. ખરેખર આમાંની કેટલી બાબતો કેટલે અંશે વાસ્તવિક હોય એ અલગ સવાલ છે. પણ આજે જે કંપનીનો અહીં પરિચય કરાવવાનો ઉપક્રમ છે, તેમાં ઉપર જણાવેલા વિભાગો, ઉપર જણાવ્યા મુજબ પૂરજોશમાં કાર્યરત છે જ. એ સિવાય આ કંપની જે કામ, જે રીતે કરે છે એની આછેરી ઝલક આપવાનો પ્રયાસ છે. અન્ય વિભાગો અંગે જણાવ્યું જ છે, પણ 
લાખ દુ:ખોં કી એક દવા હૈ... 
હવે વાત પી.આર. વિભાગથી આગળ વધારીએ. કંપની સાથે સંકળાયેલા નાનામોટા તમામ લોકોની નાનીમોટી જરૂરિયાતોની ખરેખરી ફિકર પણ આ વિભાગ કરે અને એનો નિવેડો લાવવાનો પણ પ્રયત્ન કરે. અને કેવી કેવી બાબતોની કઈ હદની ફિકર તેમજ નિસ્બત ? આ ઉદાહરણો પર નજર નાંખવાથી તેની રેન્જનો અંદાજ આવશે. 


ધારો કે, એક જણને હાથમાં ખંજવાળ આવે છે અને તેને કોઈકની હથેળીમાં તાલી મારવાનું મન થઈ આવ્યું છે, તો લગાવો ફોન. કંપની ખાસ ઓર્ડરથી લાકડાની બનાવડાવેલી મિકેનાઈઝ્ડ હથેળી મોકલી આપશે. ઈચ્છા થાય ત્યારે લગાવતા રહો તાલી. કોઈકને ત્યાં ગુજરાત સમાચારની રવિવારની પૂર્તિ ફેરિયો નાંખવાનું ભૂલી ગયો છે અને એમાં આવતી ધૈવત ત્રિવેદી લિખિત ધારાવાહીક નવલકથા લાઈટહાઉસનો હપ્તો વાંચ્યા વિના એનું પેટ સાફ નથી આવતું. રણકાવો કંપનીની ઓફિસે સવારસવારમાં ફોનની ઘંટડી અને કલાકમાં તો ગયા રવિવારનો, આ રવિવારનો તેમજ આવતા રવિવારે છપાનારો હપ્તો ઘેર આવી જશે. કોઈકની દીકરીને મુંબઈ જવા માટે ટ્રેનની ટિકિટ રીઝર્વ કરાવવાની છે, પણ ક્યારે મુંબઈ જવું એ નક્કી નથી. વાંધો નહીં, ઘેરબેઠાં બે-ત્રણ દિવસની ઈ-ટિકિટ આવી જશે. ઈચ્છો એ દિવસ નક્કી કરી લો. કોઈકના ભત્રીજાને શાળામાં પ્રવેશ અપાવવાનો છે અને શાળામાં સંખ્યા પૂરી થઈ ગઈ છે, ઉપરાંત પેલા બાળકની માર્કશીટ ખોવાઈ ગઈ છે. જાવ કંપનીમાં રૂબરૂ મળવા. કંપનીના કહેવાથી શાળાના આચાર્ય પોતે જ અહીં આવી જાય છે અને બાળકને ક્લાસની ચોઈસ આપે છે. કોઈકની ભાભીના મોટા ભાઈને ઈલાજ માટે ડૉક્ટર પાસે લઈ જવાના છે, પણ મોટા ભાઈ ગામડેથી બસમાં સવારના નવ વાગ્યે શહેરમાં આવી જાય છે,જ્યારે ડૉક્ટર બપોરે સાડા બારે આવવાના છે. કંપનીને જાણ કરો તો કંપનીની કાર બસસ્ટેન્ડ પર મોટા ભાઈને લેવા આવી જશે અને ત્રણ કલાક પોતાની એ.સી.ઓફિસમાં આરામથી બેસાડીને, જમાડીને સાડા બારે દવાખાને મૂકી જશે. કોઈકને પોતાના મિત્રના વૃદ્ધ પિતાના ઈલાજ માટે નાણાંની જરૂર છે, પણ ઈચ્છા એવી છે કે મિત્રને એ વાતની ખબર ન પડવી જોઈએ કે એને કોઈકે સહાય કરી છે. એનોય રસ્તો નીકળશે. એક પાર્ટી એવી છે કે જેને સહાય આપવી છે, પણ એ કોણે આપી એ જણાવવું નથી. પડી ગયો મેળ? કોઈકને વળી ઉદાસીનો મૂડ છે અને એને લાગે છે કે બસ,એ કોઈકને ફોન જોડે અને સામેવાળાને જોક કહે, તો કંપની જોક સાંભળવાની સુવિધા પણ આપે. એટલું જ નહીં, પેલાને 'ચેન્જ ઑફ ઓડીયન્સ' લાગે એટલે બીજી બે કંપનીનાય નંબર આપીને ત્યાં ફોન કરવા કહે. કોઈકને થાય કે બહાર જમવા જવું છે, પણ એકલા જવાનો કંટાળો આવે છે અને પૈસા પણ ખર્ચવા નથી. કંપની તરફથી કાર આવીને એને લઈ જશે અને સરસ જગાએ ભરપેટ જમાડશે. ઉપરથી એને મનપસંદ એવી તલત મહેમૂદનાં ગીતોની સી.ડી.પણ ભેટ આપશે. કોઈકના મિત્રના દીકરાને વિખ્યાત ફિલ્મ સ્ટારને મળવાનું અને તેની સાથે ફોટો પડાવવાનું મન છે, પણ તકલીફ એ છે કે મિત્ર કાચ્છઈ ગામમાં રહે છે અને દીકરો જીદ લઈને બેઠો છે કે મૂનચાંદ ખાન કાચ્છઈમાં આપણા ઘેર જ આવે અને પોતાના હાથે મને બોર્નવીટા પાય. એમાં શું? મૂનચાંદ ખાન ડમડમ બાબાનો ભક્ત છે અને ડમડમ બાબાની કેરીયર જ આ કંપની દ્વારા શરૂ થયેલી. એટલે બાબા કંપનીનું માન રાખશે અને મૂનચાંદ બાબાની ઈજ્જત કરશે અને કાચ્છઈ અવશ્ય પધારશે. કાચ્છઈમાં બોર્નવીટા ક્યાંથી લાવવું એ પ્રશ્ન ખરો, પણ કંપની એટલું ય ન કરે તો એ શા કામની? કોઈકના દૂરના સગાને પોતાના સદગત પિતાજીના નામે ક્યાંક
'જો ભી માંગો..' 
દાન આપવાનું મન થયું અને એ માટે એ સમારંભ કરવા ઈચ્છે છે તેમજ સદગત પિતાજીની ઈચ્છા મુજબ એ સમારંભના પ્રમુખ તરીકે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરના લેફ્ટનન્ટ જનરલ અબ્દુલ્લાને નિમંત્રવા ઈચ્છે છે. મુશ્કિલ હૈ. તપાસ કરતાં ખબર પડે છે કે લેફ્ટનન્ટ જનરલ તો વરસોથી કંપનીનાં ઉત્પાદનો વાપરે છે અને એ પોતે જ કંપનીની મુલાકાત લેવા ઉત્સુક છે. બન ગઈ બાત? કોઈક મિત્રના મિત્રની પત્નીની ભાભીએ ઉંટડીના દૂધમાંથી ડ્રાયફ્રુટ હલવો બનાવવાની રીત ટી.વી.પરના એક શોમાં જોઈ હતી (જેનું નામ એને યાદ નથી) અને તેને એ એપિસોડની સી.ડી.જોઈએ છે. કંપનીના અધિષ્ઠાતા આ કામ માટે ખુરશીમાં બેઠા બેઠા ડાબા હાથ વડે અડધી ચપટી વગાડે છે, જેને કારણે પેલાં બહેનને સિરીયલનું નામ યાદ આવી જાય છે. એ પછી એ પા ચપટી વગાડે છે, જેથી જોઈતી સી.ડી. સીધી જ યોગ્ય ઠેકાણે પહોંચી જાય છે. હજીય પા ચપટી બાકી રહી. કોઈક ભાઈના દૂરના વૃદ્ધ કાકાને પોતાની જુવાનીમાં જોયેલી ફિલ્મ ગૌનાનું રફી અને શમશાદે ગાયેલું ગીત મેરે દિલ કો જલાયા ન કરો સાંભળવાની ઈચ્છા થઈ છે. વળતા ઈ-મેલમાં આ ગીતની યુ-ટ્યૂબ લીન્ક અને તેનું એમ.પી.થ્રી સ્વરૂપ મોકલવામાં આવે છે અને બીજા દિવસે આ જ ગીતની સી.ડી.પણ આંગડિયા દ્વારા પહોંચાડી દેવાય છે. એ અગાઉ કાકાને ફોન પર તો તરત જ ગીત સંભળાવી દેવામાં આવ્યું હોય છે. 


આ યાદી આપવાનો હેતુ ફક્ત કંપનીના કાર્યના વ્યાપનો અંદાજ આપવાનો છે. અહીં દર્શાવેલા ઉદાહરણો કાલ્પનિક છે. પણ કલ્પના કરતાં સત્ય વધુ વિચિત્ર હોય છે. કહેવાનું એટલું જ નાની કે મોટી, ભાવનાત્મક કે ભૌતિક, તમામ પ્રકારની જરૂરત સંતોષવાનો સંનિષ્ઠ પ્રયત્ન કરવામાં આવે. અને આ કામોની કોઈ ભૌગોલિક મર્યાદા નહીં. કોઈ પણ ગામ,નગર, શહેર, દેશ કે ખંડમાં આ સેવા પૂરી પાડવામાં આવે. હા, પૃથ્વી સિવાયના ગ્રહો પર હજી માનવજીવન શોધાયું નથી એટલે ત્યાં કંપનીનો વ્યાપ ન હોય એ સ્વાભાવિક છે. 
એ પણ સ્વાભાવિક છે કે આના માટે અસંખ્ય પ્રવાસો પણ અવારનવાર અનેક સ્થળે ખેડવાના થાય, અને કંપનીના સંબંધિત અધિકારી જરાય આળસ કે કંટાળા વિના એ પ્રવાસ ખેડે. લીમ્કાની પેલી જાહેરખબરની જેમ  'પ્રવાસ પહેલાં પ્રવાસ' અને 'પ્રવાસ પછી પ્રવાસ' જેવી સ્થિતિ સર્જાવાની કશી નવાઈ નથી. 
પી.આર.વિભાગની આવી નિષ્ઠા, નિસ્બત અને તત્પરતા જોઈને ઘણા મજાકમાં આ વિભાગને મેઈક એ વીશ ફાઉન્ડેશન’/Make a wish foundation તરીકે પણ ઓળખે છે. કોઈ પણ માણસ, કંઈ પણ ઈચ્છા વ્યક્ત કરે, તેને પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન ખરા દિલથી કરવામાં આવે અને નવાઈ લાગે એવી વાત એ છે કે મોટા ભાગના કિસ્સામાં સફળતા પણ હાથ લાગે છે.
લીગલ વિભાગ: તુમ તુમ્હારા કામ કરો, હમ અપના. 
જો કે, મેઈક એ વીશ ફાઉન્ડેશન દ્વારા, સોરી, પી.આર.વિભાગ દ્વારા પ્રયત્ન ગમે એવો સંનિષ્ઠ હોય, એવું જરૂરી નથી કે દર વખતે બધું સમૂસૂતરું પાર ઉતરે. સવાલ ઈરાદાનો નહીં, બદલાયેલા સંજોગોનો અને અન્ય ઘણા પરિબળોનોય હોય છે. ક્યારેક કુરિયરના માણસના સ્લીપરની પટ્ટી તૂટી જાય, ક્યારેક સર્વર ડાઉન હોય, કંપની ચાલુ હોય, પણ બેન્કમાં રજા હોય, કોર્પોરેશન અચાનક રસ્તા ખોદી નાંખે.. આવાં ઘણા કાબૂ બહારના સંજોગો હોઈ શકે. પણ બધા આ વાત ક્યાંથી સમજે? આને કારણે કંપનીના લાભાર્થીઓ જ ક્યારેક કંપનીની સામે કોર્ટે ચડવાના કિસ્સા નોંધાયા છે.
આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સ્વાભાવિક રીતે જ કંપનીએ લીગલ વિભાગ/ Legal Department પણ રાખવો પડે. આ વિભાગ પણ ખાસ્સો કાર્યક્ષમ અને કાર્યરત છે. જો કે, આ વિભાગનું વલણ કોઈને શિક્ષા કરવાનું નહીં, પણ જરૂરી પાઠ યાદ કરાવવાનું જ હોય છે. તેની પ્રતિતિ એ વાતથી થઈ શકે છે કે આ વિભાગમાં ન્યાયી વલણના મુદ્રાલેખ સમી હાથમાં ત્રાજવાં પકડીને ઉભેલી ન્યાયની દેવીની તસવીર નથી, બલ્કે હથેળીમાં વીંછી મૂકીને ઉભેલા સાધુનું ચિત્ર છે. 

**** **** ****


કોઈ પણ કંપની વિષે અન્ય માહિતી મેળવ્યા પછી મનમાં થતો બીજો સવાલ એ હોય કે કંપની કરે છે શું? મતલબ કે એ કઈ લાઈનમાં છે અને શું બનાવે છે? પણ આ કંપનીના આટઆટલા વિભાગો અને તેની કાર્યશૈલી તેમજ કાર્ય અંગે જાણ્યા પછી મનમાં પહેલો સવાલ એ થઈ આવે કે આટલું વિરાટ તંત્ર નભાવવું કંપનીને શી રીતે પોષાય છે? એટલું ખરું કે કંપની માતબર છે. એનું મૂલ્ય મૂડીરોકાણ કે ઈક્વીટીની દૃષ્ટિએ ખબર નથી, પણ ગુડવીલની રીતે તો ખરી જ. પણ એવુંય નહીં કે એ માત્ર ગુડવીલ પર જ નભે છે. કેમ કે, ગુડવીલનું પ્રોડક્શન કંઈ ફેક્ટરીમાં ઓછું થાય છે? કંપનીની ગુડવીલ પણ કેવી? વરસમાં કોઈ પણ સમયે આ કંપનીનું ભરણું બહાર પડે કે લોકો એ ભરણું છલકાવી દે. પણ ગુડવીલ આ નથી. હકીકત એ છે કે કંપની પોતે ગમે એવા આર્થિક સંકટમાં હોય એ પોતે પોતાના માટે કદી ભરણું કાઢતી નથી. એનું ભરણું અન્ય કંપનીઓ કાજે જ હોય અને છતાં લોકો એને છલકાવી દે.

તેરા હાથ થામા તો હુએ મેહરબાં

જો કે, કંપનીના સંકુલમાં નજર કરવાથી એટલો અંદાજ તો આવે જ કે ઉત્પાદન ધમધમાટ ચાલી રહ્યું છે. સમયાંતરે તેનાં ઉત્પાદનો બહાર પડતાં જ રહે છે. અને એ તમામ ઉત્પાદનોમાં કંપનીની વિશ્વસનિયતા તેમજ ગુણવત્તાનું એ જ પરંપરાગત ધોરણ જાળવવામાં આવે છે, જેના માટે કંપની ખ્યાતનામ છે. કંપનીનો પોતાનો બ્લોગ પણ છે, જેના પર મૂકેલી વિગતોથી પણ કંપનીના માલની ગુણવત્તાનો અંદાજ આવી શકે એમ છે.

હવે પાયાનો સવાલ આવે છે. અને એ સવાલ એ કે કંપની ઉત્પાદન શેનું કરે છે? આ સવાલનો જવાબ સીધેસીધો આપવાને બદલે એક ઉદાહરણથી વધુ સ્પષ્ટ કરું. ટાટા સ્ટીલની જાહેરખબર જુઓ. મૂળભૂત રીતે સ્ટીલ બનાવવા માટે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત આ કંપની શી રીતે પોતાના ઉત્પાદનની વાત મૂકે છે? તેની સામાજિક, શૈક્ષણિક, તબીબી, રમતગમતલક્ષી અને બીજી અનેકવિધ સેવાપ્રવૃત્તિઓ વર્ણવતા જિંગલની સૌથી છેલ્લી લીટી છે ઈસ્પાત ભી હમ બનાતે હૈ’. કંપનીની જાહેરખબરનું સૂત્ર હતું: We also make steel. મતલબ કે જેના થકી તે આ બધી પ્રવૃત્તિઓ કરવા માટે સક્ષમ અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જાણીતી છે, તેને તો એ સાવ વિનમ્રતાથી સૌથી છેલ્લે ગણાવે છે.
આટલા વર્ણન પછીય આ જાહેરખબરને જોવાથી જ મારે જે કહેવું છે એ વધુ સ્પષ્ટ થશે. એટલે ક્લીક કરીને એ જોઈ જ લો. બિલકુલ આ જ શૈલીમાં આપણી કંપનીનું સૂત્ર મૂકી શકાય: We also create literature.
અત્યાર સુધી લખેલી તમામ વાતો તમને સાચી લાગી હશે, પણ આ વાંચતાં જ તમને લાગશે કે હવે ગપ્પાં મારવાનાં શરૂ થઈ ગયાં. ગપ્પું લાગતું જ હોય તો થોડાં બીજાં તથ્યો પણ ઉમેરી દઉં અને છેલ્લે એક સાથે જ જણાવી દઉં કે ઉપરોક્ત તમામ હકીકતો મારી જાણ મુજબ અને જાણ બહાર એમ બન્ને રીતે સાચી છે.
એટલે આગળનો સવાલ. કશો અંદાજ ખરો કે આ કંપની દ્વારા ઉપર જણાવેલી અને હજીય લખવાની બાકી રહી જતી કાર્યવિધિઓ માટે કેટલી મોટી સેના કામે લગાડાતી હશે? એનો સંપર્ક ક્યાં, ક્યારે કરવો? એમાં ક્યારે રજા હોય છે?
છેલ્લા સવાલનો જવાબ સૌથી પહેલો આપું. રવિવારે રજા’, બેંક હોલીડેના દિવસે કામકાજ બંધ રહેશે જેવી કશી વાયડાઈ આ કંપનીમાં જોવા નહીં મળે. બસ, રોજ બપોરના બેથી ચાર કામકાજ બંધ. એ સિવાય ૨૪×૭ પોતાના તમામ વિભાગો સહિત કંપની ચાલુ જ હોય. 
હવે કંપનીના સ્ટાફની સંખ્યા અંગેના પહેલા સવાલનો જવાબ. ના, અનુમાન કરવાની જરાય જરૂર નથી, કેમ કે એ ખોટું જ પડશે. એટલે આ જવાબ પણ વ્હી.શાંતારામની પેલી ફિલ્મના શીર્ષકને સહેજ ઉલટાવીને આપી દઉં: બારહ આંખે, દો હાથ. આનો શો મતલબ? એક્ઝેક્ટલી કેટલા માણસ ગણવા? શું કોઈ સાયન્સ ફિક્શન વાંચીને શોધવું પડશે કે આવો કોઈ માણસ ખરેખર ક્યારે જન્મ્યો હતો? જો એમ હોય તો અત્યારે એ ક્યાં છે? એનું શું થયું? 
આનો  સીધોસાદો અને છતાં સાચો જવાબ એ છે કે આવો માણસ ૧૯૩૮ની છઠ્ઠી જુલાઈએ જન્મી ચૂક્યો છે. આજના દિવસે એ ૭૪ વર્ષ પૂરાં કરીને ૭૫મા વર્ષમાં પ્રવેશ કરશે. મતલબ કે આજે પણ એ આપણી વચ્ચે વિદ્યમાન છે. રજનીકુમાર પંડ્યાના નામે આ 'વન-મેન કંપની' ઓળખાય છે. અંગ્રેજીમાં ભલે કહેવત હોય કે 'ટુ ઈઝ કંપની', પણ આ કિસ્સામાં કહી શકાય કે 'વન ઈઝ કંપની'. આ કંપનીના ડાયરેક્ટરમાંના એક એવા બિનીત મોદી પણ તેમના વિષે અલગથી લખ્યું છે, તે વાંચવા અહીં ક્લીક કરો. 
http://binitmodi.blogspot.in/2012/07/blog-post_06.html.


રજનીભાઈની પોતાની કેફીયત પણ તેમના બ્લોગની આ લીન્ક ક્લીક કરવાથી વાંચી શકાશે. 


http://zabkar9.blogspot.in/2012/07/blog-post_06.html


રજનીકુમાર પંડ્યાનો સંપર્ક કરી શકાશે (079) 2532 3711 અને + 91 98980 15545 પર (બપોરના બેથી ચાર સિવાય).
ઈ-મેલ: rajnikumarp@gmail.com


(ટેકનીકલ વિગતો માટે વિશેષ આભાર: રોશન રાવલ, અમદાવાદ) 

(નોંધ: તમામ તસવીરો નેટ પરથી લીધી છે.) 


[વિશેષ નોંધ: પૂર્વી મોદી મલકાણ લિખિત લેખમાળા પાકિસ્તાનના પ્રવાસે (૩) હવે પછી.] 

11 comments:

 1. ભરતકુમાર ઝાલાJuly 6, 2012 at 12:45 AM

  પ્રિય બિરેનભાઈ
  તમારી પોસ્ટ સાચે જ ભેદી છે, પણ એની વિગતો ખરી છે – એ મારો અનુભવ છે. હવે આ પોસ્ટના જવાબમાં હું મારા વનમેન કંપની સાથેના સ્મરણો વહેચું તો ?
  સોળેક વર્ષ વીતી ગયા, એ વાતને. ઊનાળાના દિવસો હતાં, ને હું રજનીકુમાર પંડ્યા લિખિત નવલકથા ‘ કુંતી ’ લઈને અકળામણના ભાવ સાથે વાંચવા બેઠો. કુંતીની હ્યદયભેદક ચીસ સાથે શરું થતા પ્રથમ પ્રકરણથી જ મને રસ પડવા લાગ્યો. ધોમધખતા સૂરજદાદાની હાજરી ય સાવ જ વીસરાઈ ગઈ. કુંતી , ડૉ. ગજેન્દ્રપ્રસાદ , સરલા , હિંમત ને આ બધામાં શિરમોર એવા હરિરાજસ્વામી – આ એક સાવ જ નોખી દુનિયા હતી. સ્થળકાળનું ભાન ભૂલાઈ જાય, એવું અગાઉબમેં વાંચ્યું હતું , અનુભવ્યું પહેલી જ વાર. સળંગ ચાર કલાક વાંચીને મેં ‘ કુંતી ’ પૂરી કરી.
  કુંતી- નવલકથામાં રજનીકુમાર પંડ્યાનું સરનામું છપાયું હતું, એ મારી અંગત ડાયરીમાં ટપકાવી લીધું. રજનીકુમારને પત્ર લખવાનું મન થયું, પણ શું લખવું ? એ વિચારે અટકી જવાય. પણ એક દિવસે હિંમત કરીને રજનીકુમારને પત્ર લખ્યો. કુંતીના પેટના અંદરના જીવની ય દરકાર કરનારા હરિરાજસ્વામી વિશે મેં રજનીકુમારને લખ્યું કે – “ આ પાત્ર મને બહુ જ ગમ્યું. હું પોતે નાસ્તિક છું, પણ જો આવા સાધુ ક્યારેક મળી જાય તો એમના ચરણસ્પર્શ કરવામાં મને સહેજ પણ સંકોચ ન થાય.” પછી પત્ર રવાના કર્યો, રજનીકુમારના સરનામે.
  પત્ર પોસ્ટ કર્યાને અઠવાડિયું વીત્યું હશે, ત્યાં રજનીકુમાર પંડ્યાનો જવાબ મળ્યો. રજનીકુમાર પંડ્યાએ એમના લેટરપેડ પર સરસ જવાબ આપતાં લખેલું કે- તમને હરિરાજસ્વામીનું પાત્ર ગમ્યું, એનો આનંદ છે. તમારી જેમ ઘણાને એ ગમ્યું છે. ને તમે નાસ્તિક છો, તો હું પણ નાસ્તિક જ છું. તમે રેશનાલિઝમ સંબંધી વધુ જાણવા રેશનાલિસ્ટભાઈને મળજો. ને હજી તો હું એ ભાઈનો સંપર્ક કરું, ત્યાં સુધીમાં તો રજનીકુમારે એ ભાઈને મારા વિશે વાત પણ કરી દીધેલી. આ રજનીકુમાર જ કરી શકે કે એ મારા જેવા એક સાવ નવાસવા વાચકને પણ આમ લાગણીથી મળી શકે છે.!
  પછી તો એમ.જે.પુસ્તકાલય, અમદાવાદમાંથી મેં શોધીશોધીને રજનીકુમાર પંડ્યાના એક એક પુસ્તક વાંચ્યા. ‘ અવતાર ’ , ‘ કોઈ પૂછે તો કહેજો ’ , ‘ પુષ્પદાહ ’ , ‘ ખલેલ ’ , ‘ ચંદ્રદાહ ’ , ‘ મનબિલોરી ’ , ‘ રંગબિલોરી ’ જેવા પુસ્તકો ને એમની બહુ જ વખણાયેલી ( ને યોગ્ય રીતે વખાણવાલાયક જ) ઝબકાર શ્રેણીના બધા ભાગો વાંચી લીધા. જો કોઈ મને પૂછે કે તમને નવલકથાકાર રજનીકુમાર ગમે કે વાર્તાકાર રજનીકુમાર? તો હું કહું કે- રજનીકુમાર નવલકથાકાર તરીકે ઉત્તમ છે, પણ વાર્તાકાર તરીકે તો એ શ્રેષ્ઠ જ છે. એમની ‘ ફોજદાર ’ , ‘ સીનો ’ કે પછી ‘ નામ વગરનો માણસ ’ વાર્તા વાંચો તો ખ્યાલ આવે કે વાર્તાકાર તરીકે એમણે કેવી કેવી દુનિયા સર્જી છે. ક્યારેક હું એમને પત્ર લખતો. મળવાની લાગણી વ્યક્ત કરતો, તો મને એ લખતા કે- તું મળવા આવ. પણ હું એ વખતે હિંમત જ ન કરી શક્યો. અલબત્ત ૬ જુલાઈના રોજ એમના જન્મદિવસ પર શુભેચ્છા આપવા માટે પત્ર લખવાનો મારો ક્રમ હું અમદાવાદ રહ્યો, ત્યાં સુધી- લગભગ સાતેક વર્ષ નિયમિત રહ્યો.
  પછી સમય વહેતો રહ્યો. અભ્યાસ પૂરો થયો, ને મને થાનમાં નોકરી મળી. એક શુભ દિવસે એક સાથી કર્મચારીભાઈ પાસેથી મોબાઈલમાં ઈન્ટરનેટ કઈ રીતે વાપરવું – એ શીખવા મળ્યું. ને ઈન્ટરનેટના માધ્યમની મદદથી ઉર્વિશ-બિરેન કોઠારીબંધુઓના બ્લોગ મળ્યાં. ખૂબ વાંચ્યું, ને પછી બંનેને મળ્યો. ને એ જ રીતે રજનીકુમારને પણ મળાયું. એ વખતે રજનીકુમારે પોતાનું સરસ પુસ્તક – ‘ આપ કી પરછાંઈયા ’ ભેટ આપ્યું. હું ખુશનસીબ પણ ખરો કે મારી એ મુલાકાત છેલ્લી ન બની રહી.
  રજનીકુમાર પંડ્યાની મારા મન પર ઝીલાયેલી છબીના આધારે કહી શકું કે- એ જેટલા સારા લેખક છે, એટલા જ સારા માણસ છે. એમના પરિચયમાં આવીએ, ને લેખક રજનીકુમારની સરળતા અનુભવ્યા બાદ પહેલો જ પ્રશ્ન એ થાય કે- લોકપ્રિયતા પચાવવી એ શું ખરેખર અઘરી હોતી હશે? તો પછી આ માણસને કેમ કશું સ્પર્શતું નહીં હોય?
  રજનીકુમાર વાચકોના લેખક છે, ને વેરી પર ય વરસી પડે એવા પ્રેમાળ માણસ છે. ત્યારે આવા લાગણીભીના ગુરુ રજનીકુમારને દિલથી શુભેચ્છાઓ કે એ સ્વસ્થ જીવે, ને સભર જીવે.
  કોમેન્ટમાં આનાથી વધું તો કઈ રીતે લખવું?
  લિ. ભરતકુમાર ઝાલા

  ReplyDelete
 2. Rajnibhai,
  Shatam jiv Sharad ha.....
  Happy Birthday ..and shree Bharatbhai has correctly narrated full flege charactoristion for you. What we call that is ema minmekh nahi. All details are sol ani ne be vaal.
  Thanks Birenbhai, for such nice observation of the todays' life,

  ReplyDelete
 3. BIREN,
  LIKE YOU ATTTUDE
  DRPATEL
  ======================

  ReplyDelete
 4. Happy Birthday- Youngman-Let us have a century-

  ReplyDelete
 5. મુ. રજનીકુમારને જન્મદિનની હાર્દિક શુભકામના. વાર્તાકથનની તેમની શૈલીથી હું પ્રચંડ પ્રભાવિત રહ્યો છું. સાવ નોંખા ચોકે વાત માંડીને તીવ્ર વળાંકોમાંથી પસાર થતી છતાં જરાક સરખા ય હડદોલા વગર પૂરપાટ ભાગતી તેમની શૈલી મને હંમેશા ચકિત કરતી રહી છે. ખાસ કરીને, ઝબકાર શ્રેણી અને તેનાં સાચુકલા પાત્રોની રોચક કથા. રાજકુમાર સ્નેહચંદ્ર વિશે પહેલી વાર વાંચ્યું ત્યારે તાજુબીનો એવો તીવ્ર હુમલો આવ્યો હતો કે દિવસો સુધી એ પાત્ર મારા ચેતનાતંત્રમાં ઘૂમરાતું રહ્યું હતું.
  રજનીકુમાર પંડ્યા હવે તો (મોદી નં. 1ની લાગવગ અને કોઠારી નં. 2ની ભલામણને લીધે) સાવ હાથવગા હોવા છતાં ય નિરરરરરાંતે તેમને મળવાનો યોગ બનતો નથી તેનો ખેદ છે.
  બિરેનભાઈ,
  કંપની તો તત્પર જ હોય પણ ગ્રાહક જ આળસુ હોય ત્યારે ક્યા વિભાગને અરજી કરવી એ કહેશો??

  ReplyDelete
  Replies
  1. ધૈવત,ભલભલા અટપટા કામ છેવટે તો પી.આર. વિભાગમાં જ જાય છે. અને હા, અહીં અરજીનો રિવાજ નથી, ફક્ત ફોન (અને હવે ઈ-મેલ) પૂરતો છે.

   Delete
 6. Many happy returns of the day, Rajanibhai!

  ReplyDelete
 7. બહુ સાચું ચિત્ર આપ્યું છે. કોઇને અતિશોયક્તિભર્યું લાગે તો એટલું જ કહેવાનું કે આમાં દોષ હોય તો અલ્પોક્તિનો હોઇ શકે. અતિશયોક્તિ બિલકુલ નથી.

  ReplyDelete
 8. એક દિવસ મોડા મોડા... પણ, પંડ્યા સાહેબને જન્મદિવસની શુભેચ્છાઓ :)

  ReplyDelete
 9. Kharej aavo maanas hoi shakey? This is an amazing tribute Biren. And it makes me thirsty to know more about this wonderful man.

  ReplyDelete
 10. આ ખરા અર્થમાં વન મેન કંપની જેવા હરફનમૌલા શ્રી રજનીભાઈનો પરિચય છે અને ભલે ક્યારેક જ, પણ મળવાનું થાય ત્યારે ખૂબ જ સ્નેહથી મળે કે જેથી તરબતર થઈ જવાય. આજે (06/07/2016) તેઓના 78મા જન્મદિવસે હૃદયની શુભકામનાઓ આ માધ્યમ થકી તેઓને પહોંચાડતાં આનંદ થાય છે.

  ReplyDelete