Friday, June 29, 2012

પાકિસ્તાનના પ્રવાસે (૧)


-પૂર્વી મોદી મલકાણ  

[ જે ભૂમિ અખંડ ભારતનો હિસ્સો હતી, તે ૧૯૪૭ પછી પાકિસ્તાનના નામે ઓળખાવા લાગી. એ સાથે જ તે એક અજાણી, દુર્ગમ અને જાણે કે રહસ્યમય ભૂમિ બની ગઈ, જેના વિષે અવનવી કલ્પનાઓ જ કરવાની રહે, કેમ કે પ્રસારમાધ્યમો દ્વારા મળતા સમાચાર સિવાય વ્યક્તિગત અનુભવોની વાત કરનારા બહુ ઓછા હોય છે. કામ સિવાય ત્યાં કેવળ ફરવા જનારાની સંખ્યા જૂજ, તો ત્યાં જઈને આવ્યા પછી તેના વિષે લખનારા, અંતરંગ વાતો જણાવનારા એથીય ઓછા. 
      આ પરિસ્થિતિમાં ફિલાડેલ્ફીયા (અમેરિકા) સ્થિત મિત્ર પૂર્વી મોદી મલકાણે ગયે વરસે પાકિસ્તાનની મુલાકાત લીધી. તેમણે લખી મોકલેલા આ ફર્સ્ટ હેન્ડ અનુભવોમાં પાકિસ્તાનની છબિ તેમની આંખે ઝીલાઈ છે, જેમાં પાકિસ્તાનના લોકો, ત્યાંના સ્થળો, શહેરો અને સંસ્કૃતિની ઝલક મળી રહે છે.  
        પૂર્વીબેન સાથેનો પરિચય માંડ વરસેક જૂનો એટલે કે આ બ્લોગ જેટલો જૂનો છે, પણ તેમના નિયમીત મળતા પ્રતિભાવોને કારણે એક સજ્જ અને સંવેદનશીલ વાચક તરીકેની છાપ અવશ્ય ઉપસે.બ્લોગ થકી થયેલા પરિચય પછી આ વરસે એપ્રિલમાં તેમને ટૂંક સમય માટે સપરિવાર મળવાનું પણ બન્યું, ત્યારે આ છાપ વધુ દૃઢ બની. પાકિસ્તાન વિષેની આ શ્રેણી અંગે પણ ત્યારે જ વાત થઈ. 
     વાંચન અને લેખનનો શોખ તેમને પિતાજી તરફથી મળેલો છે.] 


ઐસા મૌકા ફિર કહાં મિલેગા..

એક સમયે અખંડ ભારતનો હિસ્સો રહેલી આ ધરતીએ પાકિસ્તાન/Pakistan નામે સ્વતંત્ર દેશરૂપે વિશ્વના નકશા પર પોતાનું અલગ સ્થાન ઉભું કર્યું છે. અહીંની મુલાકાત લેનારાઓમાં કદાચ ભારતીયોનું પ્રમાણ ઘણું ઓછું હશે. એમાંય પાકિસ્તાનની આમજનતા વચ્ચે રહીને તેમના હૃદયના દ્વાર સુધી પહોંચી શકનારા એથીય ઓછા હશે. આ સંજોગોમાં મને મારા પતિ દ્વારા આ દેશની ધરતી પર જવાનો મોકો મળ્યો, એટલું જ નહીં આ ભૂમિની મહેમાનગતિ માણવાનીય તક મળી. ક્યારેય ન ભૂલી શકાય એવી આ દેશના પ્રવાસની વાતો અને મીઠી યાદોને અહીં આલેખવાનો અને આપ સૌની સાથે વહેંચવાનો આ પ્રયત્ન છે.


મારા પતિ દર વર્ષે પાકિસ્તાન જાય છે અને તેમના આ પ્રવાસ અગાઉ દર વખતે મારા હૃદયના ધબકારા વધી જાય છે. તેમને પોતાની ઓફિસના કામ અંગે જવું પડતું હોવાથી ગયા વિના છૂટકો નથી, એટલે ત્યાં જવાની ના પાડવાનો સવાલ નથી. પણ દર વખતે હું બેચેન થઈ જાઉં છું. એટલે આના ઈલાજરૂપે આ વખતે એમ નક્કી કર્યું કે મારે પણ તેમની સાથે જોડાવું. કોણ જાણે કેમ, પાકિસ્તાનનું નામ પડતાં જ અનાયાસે હૃદયમાં ઉદ્વેગ પેદા થઈ જાય છે. અમે વિચાર્યું કે પાકિસ્તાનની સાથોસાથ યુ.એ.ઈ.ની પણ ઉડતી મુલાકાત લઈ લઈશું. આમ, એક વાર જવાનું નક્કી થયું એટલે એ અંગેની કાર્યવાહીનો આરંભ કરવામાં આવ્યો.

અમેરિકન નાગરિક હોય તેણે ઘણા બધા દેશોના વિઝા લેવાની જરૂર હોતી નથી, પણ પાકિસ્તાન જવા માટે વિઝા લેવો જરૂરી હતો. મારા પતિ વારંવાર આ દેશની મુલાકાત લેતા રહે છે, છતાં તેમને દર વખતે નવેસરથી વિઝા લેવા માટે અરજી મોકલવી પડે છે. કારણ કે ભારતની જેમ પાકિસ્તાન મલ્ટીપલ વિઝા આપતું નથી. અમે વિઝા માટેના જરૂરી ફોર્મ મંગાવ્યાં. ફોર્મ આવ્યાં અને અમે વાંચ્યા ત્યારે અમે નવાઈ પામી ગયા. એમાં એટલી બધી ઝીણી ઝીણી વિગતો ભરવાની હતી કે ઘડીભર થઈ આવે કે જવાનું માંડી વાળીએ. મારા પતિ દર વર્ષે જતા હોવા છતાં તેમણે અનેક બારીક વિગતો આપવાની હતી. આ વખતે વિગતોની યાદી પણ લંબાઈ ગઈ હતી અને એમાં વધારાની નવી વિગત તરીકે બ્લડગૃપનો પણ સમાવેશ કરાવાયો હતો.

પ્રવાસની તૈયારીના ભાગરૂપે અમે આ જટિલ પ્રક્રિયામાંથી પસાર થયા અને આખરે અમારા બ્લડગૃપ સહિત અન્ય વિગતો સાથે અમારા પાસપોર્ટને વિઝા માટે મોકલી આપ્યો. દરમ્યાન બીજું મહત્વનું કામ એ કરવાનું હતું કે પાકિસ્તાનમાં આવેલી અમેરિકન એમ્બેસી/ American Embassy ને અમારે પ્રવાસની તમામ વિગતો જણાવવાની હતી કે કઈ તારીખથી કઈ તારીખ સુધી અમે પતિપત્ની પાકિસ્તાનમાં ક્યાં ક્યાં જવાના છીએ. કશી ઈમરજન્સી આવે તો અમેરિકન એમ્બેસી અમારો કે અમે એમનો સંપર્ક કરી શકીએ એ હેતુ હતો. ઔપચારિકતા ખાતર અમે આ વિગતો આપી દીધી. પણ ત્યારે સપનેય ખ્યાલ નહોતો કે અમારે આ વ્યવસ્થાનો ઉપયોગ કરવાનો વારો  બહુ ઝડપથી આવશે.

દોઢેક મહિને વીઝા સાથેનો અમારો પાસપોર્ટ આવી પહોંચ્યો એ સાથે જ જાણે કે અમારા પ્રવાસનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું. મારા પતિની ઓફિસના સ્ટાફના લોકો માટે થોડી ભેટસોગાદ લઈ લેવાની મારી ઈચ્છા હતી. આ બધાને કારણે મારો થનગનાટ અચાનક વધી ગયો હતો. મારા મિત્રો, સ્નેહીઓને જાણ થતી ગઈ કે હું સ્વેચ્છાએ ફરવા માટે પાકિસ્તાન જઈ રહી છું, ત્યારે તેમને નવાઈ લાગતી હતી. કોઈકે તો પાગલ થઈ ગઈ છું?’ એમ કહીને મને વારવાનોય પ્રયાસ કર્યો. પણ હું કોઈનું સાંભળવાના મૂડમાં નહોતી. ખરું કહું તો મારા પર પાગલપન જ સવાર હતું. કેમ કે મને યાદ નથી આવતું કે એકાદ વ્યક્તિએ પણ મને પ્રોત્સાહનના શબ્દો કહ્યા હોય. છતાં મેં કશું ગણનામાં લીધું નહોતું.

આ ગાળામાં મને એક શારિરીક તકલીફ થઈ ગઈ. મારા પગની પાનીમાં જોરદાર દુઃખાવો શરૂ થયો. દુઃખાવો એવો કે પગ જમીન પર મૂકતાં જ મોમાંથી રાડ નીકળી જાય. એક તબક્કે વિચાર આવ્યો કે જવાનું માંડવાળ કરું. પણ પછી વિચાર્યું કે જવાનું માંડવાળ કરવાથી દરદમાં કશો ફરક નથી પડવાનો. તો પછી શા માટે ઘેર બેસી રહેવું? છેવટે નક્કી એવું થયું કે ડૉક્ટરની સલાહ મુજબ મારે ઓર્થોટીક શૂઝ પહેરીને પ્રવાસ કરવો. વિચિત્ર જોડું બને એમ હતું. એક પગમાં સાદા, રેગ્યુલર બૂટ અને બીજા પગમાં ઓર્થોટીક બૂટ. કોઈની નજર પડે તો એને થાય કે આ બહેને ભૂલમાં બે અલગ અલગ બૂટ પહેરી લીધા લાગે છે. જે હોય તે. મને એની ફિકર નહોતી.

બધાઈ હો બધાઈ! 
આખરે ૨૯ એપ્રિલ, ૨૦૧૧ નો દિવસ આવી પહોંચ્યો અને અમે પાકિસ્તાનના પ્રવાસે ઉપડ્યા. એરપોર્ટ પર પહોંચ્યા તો યોગાનુયોગ એ દિવસે બ્રિટનના રાજકુમાર પ્રિન્સ વિલિયમ/ Prince William નાં લગ્ન હતા. તેને લઈને બ્રિટિશ એરવેઝ/ British Airways જે ટર્મિનલમાં હતી તે આખા ટર્મિનલને પ્રિન્સ વિલિયમના ફોટા અને તોરણોથી શણગારેલું હતું અને બ્રિટિશ એરવેઝથી જનાર પ્રત્યેક યાત્રીઓ તથા તે ટર્મિનલને પાસ કરનારા પ્રત્યેક પેસેન્જર આ તોરણો અને તસવીરો પાસે ઊભા રહી ફોટા પડાવી રહ્યા હતા અને આ ક્ષણને પોતાની યાદો સાથે કેદ કરી રહેલા હતા.

બોર્ડિંગની વિધિ પૂરી કરીને અમે પ્લેનમાં બેઠા ત્યારે અમારા મનમાં ઉમંગ હતો, આંખોમાં અનેરી ધરતીને જોવાનો ઉત્સાહ હતો. અને તેને કારણે હૈયાના ધબકારા તેજ થઈ ગયા હોય એમ લાગતું હતું. આને લઈને કારણે યુ એસ એ થી લંડન વચ્ચેનું ૭- ૮ કલાકનું અંતર ક્યારે કપાઈ ગયું તેની ખબર જ ન પડી. લંડન પહોંચ્યા ત્યારે સમાચાર મળ્યા કે પ્રિન્સ વિલિયમની લગ્નવિધી સંપન્ન થઈ ગઈ છે. આ કારણથી એરપોર્ટ પર નજર પડે ત્યાં બધે જ શુભેચ્છાસંદેશ દેખાઈ રહ્યા હતા. અહીં ૬ કલાકના રોકાણ પછી અમારે અમેરિકન એરલાઇન્સની ફ્લાઈટમાં લંડનથી અબુધાબી જવાનું હતું.

આજકલ પાંવ જમીં પર નહીં પડતે મેરે

લંડન/ London થી અબુધાબીની સફર ૭ કલાકની હતી. અને અબુધાબી/ Abu Dhabi પહોંચીને અમારે બીજા પાંચ કલાકનું રોકાણ કરવાનું હતું. અહીંનું એરપોર્ટ નાનું, છતાં એકદમ સ્વચ્છ અને સુંદર હતું. વિવિધ દેશોના એરપોર્ટ પર મને ચામડીના રંગ સિવાય પ્રકૃતિએ માણસો સમાન જ જણાયા છે. કોણ આવે છે અને કોણ જાય છે તેની ખાસ પરવા કર્યા વગર આ યાત્રીઓ પોતાનામાં મગ્ન હોય છે. જો કે, અહીં જરા જુદો અનુભવ થયો. પાકિસ્તાન માટેનું ચેકિંગ પતાવીને અમે ઇસ્લામાબાદ/ Islamabad જતી ઈતિહાદના ટર્મિનલમાં આવ્યાં ત્યારે ૪- ૫ જ્ણનું ગ્રુપ ત્યાં બેઠેલું હતું. એ બધા જ અમારી તરફ ટીકી ટીકીને જોવા લાગ્યા. અમને આનાથી બહુ જ અજુગતું લાગ્યું. એમની નજરથી બચવા માટે અમે ૩ થી ૪ વખત અલગ અલગ દિશામાં અમારી બેસવાની જગાઓ બદલી જોઈ, અમે જતા તે તરફ તે લાંબી ગરદન કરી કરીને જોતા રહેતા હતા. મને ઘણું જ વિચિત્ર લાગતું હતું. હું તાગ કાઢવા મથી રહી કે તેઓ અમારી તરફ શા માટે જોઈ રહ્યા છે? તેઓ મારા ભારતીય પોશાકને જોઈ વિચારી રહ્યા હશે કે આ ભારતીય લોકો પાકિસ્તાન જઇ રહ્યા છે? શું તેઓ મારા પગને જોઈ રહ્યા હતા કે આવો વિચિત્ર પગ તેમણે ક્યારેય જોયો ન હતો? એ સૌની સતત તાકી રહેતી નજર મને ખટકતી હતી તેથી ત્યાં બેસી રહેવાને બદલે હું બદલે એરપોર્ટ જોવા માટે નીકળી. એરપોર્ટમાં પણ આવતા જતા લોકો વારંવાર મારા પગ તરફ જોઈ રહેતા હતા. મારે એ નજરોને અવગણવાની હતી.

આ એરપોર્ટ પર એક જ્ગ્યા મને અતિશય પસંદ આવી. એ હતો નમાઝ પઢવાનો અલાયદો ઓરડો. પોતાના અલ્લાહને યાદ કરવા માટે અહીં પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ અલગ ચટાઈ પાથરેલી હતી. શાંતિથી,  કોઈને પણ ખલેલ કર્યા વગર પોતાના ખુદાને યાદ કરી રહેલા મુસ્લિમ અને આરબ લોકોને જોઈને ઘણી જ ખુશી થઈ. સમય સમય પ્રમાણે પોતાના અલ્લાહને યાદ કરી લેવાનો એક પણ મોકો એ ગુમાવતા ન હતા અને પોતાની નમાઝ દ્વારા દુઆ સાથે અંતરના ચક્ષુઓ પણ ખોલવાનો તેઓ પ્રયત્ન કરી રહ્યા હોય એમ જણાતું હતું. મારા માટે આ એક નવું દૃશ્ય, નવી દુનિયા હતી.

પગના દર્દને કારણે આખરે હું વેઇટિંગ રૂમમાં આવીને બેસી ગઈ ત્યારે ઇસ્લામાબાદ જનારા અન્ય લોકોની પણ ભીડ થવા લાગી હતી. તેથી મારા મનને થોડી શાંતિ પણ લાગી. આમતેમ નજર કરતાં મારી નજર ફરી એક જગ્યાએ અટકી ગઈ. અમે બેઠેલા હતા ત્યાં પાછલા ભાગમાં ઉપરની તરફ એક ગેલેરી હતી ત્યાં એક આરબ ચક્કર મારી રહ્યો હતો. પળ બે પળ એની તરફ જોઈને મેં મારી પાસે રહેલું પુસ્તક કાઢીને વાંચવાનું ચાલુ કરી દીધું. માણસોની થોડી થોડી વારે ચહલપહલ વધતી ત્યારે મારૂં મન પુસ્તકમાંથી બહાર ખેંચાઈ જતું અને હું લોકોની અવનવી પ્રક્રિયાઓ થોડીવાર માટે જોઈ લેતી. અનાયાસે મારી નજર ગેલેરીમાં ઉભેલા પેલા આરબ તરફ પણ ફરી વળતી. એકાદ કલાકથી ઊભેલો એ આરબ કોઈના આવવાની રાહ જોતો હોય એમ લાગતું હતું. કોની રાહ એ જોતો હશે? કોઈ મિત્રની? માતાની? પત્નીની? બાળકોની કે અન્ય પરિવારજનની? આખરે તેની પ્રતિક્ષા ફળી હોય એમ લાગ્યું. તેના ચહેરા પર આનંદ અને રાહતની લાગણી દેખાઈ. હાથ લાંબા કરી કરીને એ અરબીમાં વાત કરી રહ્યો હતો. મારી પણ નજર એ દિશામાં ગઈ. જોયું તો એક બેગમ સાહેબા આવી રહ્યાં હતાં. એ આરબ બે પગલાં આગળ આવીને તેને રીતસર ભેટી પડ્યો અને બેગમની ગોદમાં રહેલા બાળકને લઈ તેને વ્હાલ કરીને તેના કપાળ પર ચુંબન કરવા લાગ્યો. પત્ની અને બાળકોને જોઈને કોઈ આમ વહાલ કરે એવાં દૃશ્યની નવાઈ નથી, પણ આશ્ચર્ય મને એ વાતનું થયું હતું કે સામાન્યપણે આ ઈસ્લામિક દેશમાં પોતાની લાગણીઓને જાહેરમાં વ્યક્ત કરી શકાતી નથી. આનો મતલબ એ નથી હોતો કે લોકોની લાગણીઓ થીજી જાય છે. સતત અંદર વહેતો રહેતો પ્રવાહ તક મળ્યે છલકી જાય ત્યારે કેવું અદભુત દૃશ્ય સર્જાય છે! હું પણ થોડીવાર માટે લાગણીથી ભીંજાઇ ગઈ અને પળ બે પળ માટે મને પણ મારાં બાળકોની યાદ આવી ગઈ.
અબુધાબીથી અમે ઈતિહાદ/Etihad ફલાઇટ લીધી, જે અમને ઇસ્લામાબાદ લઈ ગઈ. એરપોર્ટ ઇસ્લામાબાદ શહેરના વિસ્તારમાં નથી, પણ ઇસ્લામાબાદની જોડીયા બહેન જેવા રાવલપિંડીમાં આવેલું છે. અમારા પ્લેનના પૈડાં રાવલપિંડી/ Rawalpindi ની ભૂમિને સ્પર્શ્યાં ત્યારે રાત્રીના ૨ વાગ્યા હતા. અહીંના નાગરિકો શાંતિથી સૂઈ રહ્યા હતા. મુંબઈના એરપોર્ટ જેવું દેખાતું આ એરપોર્ટ સ્વચ્છ અને સુંદર હતું. ઇમિગ્રેશનની પ્રક્રિયા પૂરી કરીને અમે બહાર નીકળ્યા ત્યારે વહેલી સવારના ૪ વાગવા આવ્યા હતા. બે રાત્રિ અને ત્રણ દિવસ પછી ખુલ્લા ગગન નીચે આવ્યા હતા. એરપોર્ટની બહાર હોટેલ મેરિયેટની કાર અમારે માટે રાહ જોઈ રહી હતી.


બડે અરમાન સે રખા હૈ કદમ

બહાર પગ મૂકતાં જ કોણ જાણે કેમ મારા મનમાં અનાયાસે મુંબઈની યાદ ધસી આવી. પળ બેપળ માટે હૃદયને સંભાળવું અઘરું થઈ ગયું. એ તો ઘડી બે ઘડી. મુંબઈથી મન તરત જ પાછું રાવલપિંડીમાં આવી ગયું.

કેબ રસ્તા પર દોડવા લાગી એ સાથે જ લાગ્યું કે અમારી યાદગાર સફરનો પહેલો દિવસ ઊગી ગયો છે. બ્રાહ્મમુહૂર્તના આછા અજવાસમાં સૂર્યના પહેલા કિરણની રોશની સૂતેલા રાવળપિંડીની ધરતીના કદમ ચૂમી રહી હતી. સવારનું આછું ધુમ્મસ વૃક્ષો સાથે અંગડાઇ લઈ રહ્યું હતું. રસ્તાઓ ઝાકળભીના જણાતા હતા અને ઝાકળ માટી સાથે વાતાવરણમાં ભળીને પોતાની ભીની ભીની સુગંધ રેલાવી રહ્યું હતું. ક્યાંકથી કોઈક કોયલ મધુર સ્વરે આ શાંતિને સુરીલી બનાવવાનો પ્રયત્ન કરી રહી હતી. કોયલના સૂરને સાથ આપવા કોઈક ખૂણેથી ચકલી પણ ચીં ચીં કરી રહી હતી. કોઈક દૂધવાળો પોતાની સાઇકલ પર જઈ રહ્યો હતો. રસ્તા પર તદ્દન શાંતિ હતી.

રાવલપિંડી નથી એટલું નાનું કે નથી કરાંચી જેટલું વિશાળ. કરાંચી/ Karachi, લાહોર/Lahore અને ફૈઝલાબાદ/ Faisalabad પછી પાકિસ્તાનનું આ ચોથા નંબરનું મોટું શહેર છે. સ્થાનિક લોકો એને ટૂંકમાં પિંડી તરીકે ઓળખે છે. ૧૯૫૯ થી ૧૯૬૯ દરમ્યાન આ શહેરનો સૌથી વધુ વિકાસ થયો. કારણ કે પાકના જનરલ અયુબખાને પાકિસ્તાનની નવી રાજધાની માટે પંજાબ પ્રાંતની નવી જગ્યા રાવલપિંડીની પાસે નક્કી કરી હતી. અને ત્યાં સુધી કામચલાઉ પાટનગર તરીકે રાવલપિંડી બની રહ્યું હતું. નવનિર્મીત પાટનગરને સત્તાવાર રીતે ઇસ્લામાબાદ નામ અપાયું. એ પછી પણ ઇસ્લામાબાદની સાથે સાથે રાવલપિંડી શહેરનો પણ વિકાસ થતો રહ્યો છે. પાકિસ્તાનના આર્મ્ડ ફોર્સનું મુખ્ય થાણું રાવલપિંડી શહેરમાં છે. આ બધી વાતો અમને અમારા ટેક્સી ડ્રાઈવર સાથેની વાતચીતમાં જાણવા મળી. જો કે, પછી અમને આ શહેરને નજીકથી જોવાનો અવસર ન મળ્યો.
શણગારેલી પાકિસ્તાની ટ્રક 

ઇસ્લામાબાદ તરફ અમારી કેબ દોડી રહી હતી. મારી આંખો આ નવી ધરતીની મીઠાશને મન ભરીને જોઈ અને માણી રહી હતી. રસ્તા પર શણગારેલી ટ્રક જોવા મળી. આ જ પ્રમાણે શણગારેલી ટ્રક મને વર્ષો અગાઉ ગુજરાતમાં ફક્ત એક વાર જોવા મળેલી. એ વાત એટલા દૂરના ભૂતકાળની થઈ ગયેલી કે મને એ ટ્રક યાદ આવે ત્યારે કોઈ સ્વપ્નની વાત હોય એમ લાગતું. વર્ષો પછી મેં આવી ટ્રકો જોઈ. એનો શણગાર એવો કે એમ થાય કે જોયા જ કરીએ. આ પ્રકારની સજાવટથી ટ્રક ફક્ત સુંદર જ નહીં પરંતુ ઘણા વિશાળ અને મહાકાય પણ લાગતી હતી. રસ્તા પર દોડી રહેલી પ્રત્યેક ટ્રક મને એકબીજાથી ઊંચી હોય એમ લાગતું હતું.  દરમ્યાન કેબ ડ્રાઈવર સાથે વાતોનો સીલસીલો ચાલુ હતો. આપ રાવલપિંડીમાં વસો છો?” મેં પૂછ્યું.હા,  અત્યારે રાવલપિંડીમાં હું એકલો રહું છું.તેણે કહ્યું.

આપનો પરિવાર ક્યાં રહે છે?
એ તો ભાવ નગરમાં છે.

ભાવ નગર સાંભળીને મારાથી બોલાઈ ગયું,“ અરે,તો એ લોકો ઈન્ડિયામાં છે? તો તમે પરિવારને મળો શી રીતે?”

મારું અજ્ઞાન જોઈને એ હસી પડ્યો. કહે,“નહીં નહીં, મેમસાબ! ભાવનગર નહીં. ભાવ નગર. (ભાવ અને નગર બંને શબ્દોને એ સાથે નહીં, અલગ બોલતો હતો.) યે ભાવ નગર મુલતાન કે પાસ હૈ. સાલ મેં દો તીન બાર મૈં વહાં જાતા હૂં.મને આશ્ચર્ય થતું હતું કે પાકિસ્તાનમાં પણ ભારતમાં હોય છે એવાં ગામોનાં નામ છે. મારા મનની વાત એ પામી ગયો હોય એમ ડ્રાઈવર બોલી ઉઠ્યો,“બીબીજી, એક વક્ત થા કી યહ સબ કુછ એક હી ધરતી કે હિસ્સે થે. બસ, અપની અપની સંસ્કૃતિયાં હૈ. હમારી સિંધ સંસ્કૃતિ હૈ ઔર આપકી ભારત કી.... કૌન સી હૈ યહ મેનૂં નહીં પતા, પર આજ ભી કુછ કુછ નામ ગાંવો કે હૈ જો કિ સુનને મેં બિલકુલ હિંદુ હૈ. હમારે યહાં જો ગાંવ હૈ ના, ઉસમેં એક રામપુર હૈ, એક શામપુર હૈ ઔર એક હરિપુર ભી શામિલ હૈ, ઔર ભી ગાંવ હોંગે, પર હમેં પતા નહીં.મેં કૂતુહલવશ પુછ્યું,“આ બધાં ગામો ક્યાં વસેલા છે? એ કહે,“બીબીજી, એક દો ગાંવ તો આસપાસ હી હૈ- બસ તીન ચાર ઘંટે કા રસ્તા હોગા. પર યે જો હરિપુર હૈ ના વો તો જબ હરપ્પા જાતે હૈ તબ આતા હૈ. હરપ્પા જાણે કે લિયે તો હરિપુર જાણા હી પડતાં હૈ.

ડ્રાઈવરની બોલીમાં નો છૂટથી ઉપયોગ થતો જોઈને મને આપણું હરિયાણા યાદ આવી ગયું. ડ્રાઇવરના શબ્દો, વાક્યો, વાક્યરચના તમામમાં હું ભારતીય સંસ્કૃતિના મૂળને શોધવા પ્રયત્ન કરી રહી હતી. જો કે, મારું સજાગ મન કહેતું હતું કે એ નખશીખ પાક નાગરિક હતો. પોતાના મુલ્કને મન ભરીને પ્રેમ કરનારો એ પાક ધરતીનો પુત્ર હતો.
આમ વાતચીતમાં અમારો રસ્તો કપાતો રહ્યો અને લગભગ ૪૫ મિનિટ ડ્રાઈવ કર્યા પછી અમે ઇસ્લામાબાદની હદમાં પ્રવેશ્યાં ત્યારે બાળ આદિત્યનારાયણ અંધકારની રજાઈ ફગાવીને દિવસભર દોડવાને માટે સજાગ થઈ રહ્યા હતા.


યે ક્યા જગહ હૈ, દોસ્તોં!

ઇસ્લામાબાદની હદમાં પ્રવેશતાં જ અમને રાવલપિંડી અને ઇસ્લામાબાદ વચ્ચેનો તફાવત નજરે પડ્યો. રાવલપિંડીની સરખામણીએ ઇસ્લામાબાદ અત્યંત સ્વચ્છ અને સુંદર લાગતું હતું. આ શહેરમાં પ્રવેશતાં જ અમારી નજર એક નાનકડી મસ્જિદ પર પડી. અહીં કેટલાક મુસ્લિમ બંદાઓ ખુદા પાસે સલાતનમાઝ પઢી રહ્યા હતા. આંખોને ઠારે એવું દૃશ્ય હતું એ.

જનાબ, ખડે રહિયે! 
આખા શહેરમાં નીરવ શાંતિ હતી. શહેરમાં પ્રવેશતાં જ ઠેર ઠેર પોલીસ ચોકીઓ નજરે પડી. પોલિસો આવતા જતા પ્રત્યેક વાહનોનું કડક ચેકિંગ કરી રહ્યા હતા. કારના બોનેટ અને ડીકી ખોલીને પણ ચેકિંગ કરાતું હતું. સાઇકલવાળા પાસે પણ કોઈ બેગ કે થેલી હોય તો તેની સુદ્ધાં કડક તલાશી લેવાતી હતી. કારણ એ જ કે આ દેશની રાજધાનીનું શહેર હતું. પોલીસ જરાય ગાફેલ રહેવા માંગતી ન હતી.
ઇસ્લામાબાદના મેઇન સેન્ટરમાં સેક્ટર પાંચમાં આવેલી હોટેલ મેરિયટમાં અમારો ઉતારો હતો. આખા ઇસ્લામાબાદ શહેરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની માત્ર બે જ હોટેલ છે. એક છે હોટેલ સરીના/ Hotel Sareena અને બીજી છે અમેરિકન ફ્રેંચાઈઝની મેરિયટ હોટેલ/ Marriott Hotel, જ્યાં અમે ઉતરવાના હતા.

આ હોટેલ અમેરિકન ફ્રેંચાઈઝની હોવાથી ૨૦ સપ્ટેમ્બર, ૨૦૦૮માં કેટલાક કટ્ટરવાદીઓએ તેની પર બોમ્બમારો કરેલો. આત્મઘાતીઓ આખી ટ્રક લઈને અહીં ધસી આવેલા. આ હોટેલમાં ઉતરેલા થોડા અમેરિકન મહેમાનો તેમજ અન્ય લોકો માર્યા ગયેલા. બધું મળીને ૨૫૮ રૂમ ધરાવતી આ હોટેલનો રિશેપ્શન એરિયા સહિતનો બે તૃતીયાંશ ભાગ બળીને ખાક થઈ ગયેલો અને ધરાશાયી થઈ ગયેલો.
અમે આ હોટેલ પર પહોંચ્યા ત્યારે જોયું કે હજી પણ આ હોટલમાં ક્યાંક ક્યાંક કામ ચાલી રહ્યું હતું. હોટેલની સિક્યોરિટીમાં ઘણો જ વધારો થયેલો છે. બોમ્બિંગમાં તૂટેલી હોટેલના ભાગને ચણી લેવામાં આવ્યો છે. હોટેલની છત દિવાલ વગેરેને બોમ્બપ્રૂફ બનાવવામાં આવ્યાં છે અને ડબલ સિક્યોરિટી વૉલ પણ તૈયાર કરવામાં આવી છે. હોટલમાં પ્રવેશતાં પહેલાં સ્કેનીંગ રૂમ બનાવવામાં આવ્યો છે, જેના કડક ચેકિંગમાંથી પસાર થયા પછી જ કોઈ પણ વ્યક્તિ કે તેનો સામાન અંદર જઈ શકે છે. આમાં ગેસ્ટ કે હોટેલના કર્મચારીઓનો પણ સમાવેશ થઈ જાય. હોટેલની બહાર ગન સાથે બ્લેક બેલ્ટ કમાન્ડો પણ ચોવીસ કલાક પહેરો ભરતા દેખાયા. તેમની શીફટ બદલાતી રહે છે. અમુક ગાર્ડ એવા પણ છે કે જે ક્યારેક ગાર્ડ રૂપે તો ક્યારેક પોર્ટરના કે વેઇટરના વેશમાં અને ક્યારેક ગેસ્ટ બનીને આખી હોટેલમાં ફરી ફરીને ચેકિંગ કર્યા કરે છે. અલબત્ત,આ બાબત અંગે અમને ધીમે ધીમે જાણવા મળ્યું.

અહીં જ આત્મઘાતી હુમલો થયેલો. 
અગાઉ થયેલા હુમલા અંગેની જાણ હોય અને પછી એ જ સ્થળે સિક્યોરિટીનો આવો કડક માહોલ હોય એટલે કંઈ ન હોય તો પણ ભયનું લખલખું પસાર થઈ જાય.

ચેકીંગની પ્રક્રિયામાંથી અમે પણ પસાર થઈ ગયા અને અમારા રૂમ પર પહોંચ્યા. રૂમની બારીના કાચમાંથી બહાર નજર કરી તો ઉષાની લાલિમા સમગ્ર ગગનને પણ પોતાના રંગમાં રંગી રહી હતી.
આજનો દિવસ અમારા માટે આરામનો દિવસ હતો. આનંદ અને ઉત્સાહનો દિવસ હતો. પણ આવતી કાલ...? આવો વિચાર એટલા માટે આવે કે અમે પાકિસ્તાનમાં હતાં. અમે ક્યાં જાણતાં હતાં કે આવતી કાલનો દિવસ જ અમારે માટે ડર, સન્નાટો અને ખોફ લાવનાર હતો.

લાંબી સફરનો થાક લાગ્યો હતો. રૂમમાં આરામથી બેસીને બારીના વિશાળ કાચ વાટે એ લાલિમાના રંગમાં ધીરે ધીરે રંગાઈ રહેલા શહેરને જોવામાં અમે પણ મગ્ન બની ગયાં. અમને ક્યાં ખબર હતી કે આવતી કાલે એવી ઘટના બનવાની હતી, જેની અસર કેવળ પાકિસ્તાન પર નહીં, સમગ્ર વિશ્વ પર પડવાની હતી.

(એ ખોફનાક ઘટના વિષે ભાગ-૨માં)



(નોંધ: તમામ તસવીરો નેટ પરથી લેવામાં આવી છે.)