ફૈયાઝ હાશમી
1920 થી 29/11/2011
કોઈ પણ કવિતા (પદ્યસ્વરૂપ) લખાયાનું સાર્થક્ય ક્યારે ગણાય? કવિને પોતાને અભિવ્યક્ત થયાનો સંતોષ મળે ત્યારે? વિદ્વાનો કે વિવેચકો વખાણે ત્યારે? એ શબ્દોને મહાન અને ખ્યાતનામ ગાયક-ગાયિકાઓનો કંઠ મળે ત્યારે? કે પછી એ લોકોના હૈયામાં સોંસરવું ઉતરી જઈને લોકોના હોઠો દ્વારા જ એ અભિવ્યક્ત થવા લાગે ત્યારે? સવાલ તો એક જ છે. અને એના જવાબરૂપે જે શક્યતાઓ દર્શાવી છે એ કંઈ વિકલ્પરૂપે નથી. છતાંય આ તમામ બાબતો કોઈ ગીતને કે ગીતકારને લાગુ પડી શકે એવું બનતું ઓછું જોવા મળે છે. વિદ્વાનો કે વિવેચકોને ગમે તો આમજનતાને કદાચ એ ન પચે, કાં ગાયકોને એ પસંદ ન પડે. અને બધુંય થાય તો ગીતકાર કે કવિને પોતાને સર્જનનો સંતોષ ન થાય. આમ જ બને એમ નથી હોતું, પણ આ બધી બાબતો એકસાથે બન્યું હોવાનું વિચારતાં તરત નામ યાદ આવે ફૈયાઝ હાશમીનું.
ફૈયાઝના શબ્દોના સોનામાં હિન્દુસ્તાની સ્વરની સુગંધ સૌથી ઉપર: (ડાબેથી) કાનનદેવી, પંકજ મલિક, હેમંતકુમાર નીચે: (ડાબેથી) જગમોહન, તલત મહેમૂદ, આશા ભોંસલે |
ગાયનક્ષેત્રના ઝળહળતા સૂરજ જેવાં નામો-અને એ પણ કેવળ ભારતના નહીં, બલ્કે ભારત ઉપરાંત પાકિસ્તાન અને બાંગ્લાદેશના દિગ્ગજ ગાયકોએ એમનાં ગીતોને સ્વર આપ્યો. પંકજ મલિક, કમલા ઝરીયા, કાનન દેવી, જગમોહન સૂરસાગર, જુથિકા રોય, હેમંતકુમાર, તલત મહેમૂદ, આશા ભોંસલે જેવા ભારતના દંતકથા સમાન ગાયકો, મેંહદી હસન, નૂરજહાં, ફરીદા ખાનમ, એસ.વી.જહોન, હબીબ વલી મુહમ્મદ / Habib Wali Mohammad, ઝુબેદા ખાનમ/ Zubaida Khanam, મસૂદ રાણા, મુનવ્વર સુલતાના/ Munavvar Sultana, નસીમ બેગમ/ Naseem Begum જેવા પાકિસ્તાનના ધુરંધર ગાયકો, ફિરોઝા બેગમ, રુના લૈલા જેવી બાંગ્લાદેશની ખ્યાતનામ ગાયિકાઓએ જેમનાં ગીતોને કંઠ આપીને લોકો સુધી પહોંચાડ્યા અને એ શબ્દો, તેના ભાવને એ હદે જીવંત કરી બતાવ્યો કે લોકો એ ગીત ગણગણવા લાગ્યા, એટલું જ નહીં, તેમાં વ્યક્ત થયેલા ભાવ સાથે એકરૂપતા અનુભવી.
ફૈયાઝના શબ્દોના સોનામાં પાકિસ્તાની સ્વરની સુગંધ સૌથી ઉપર : (ડાબેથી) મહેદી હસન, ફરીદા ખાનમ નીચે : નૂરજહાં, હબીબ વલી મુહમ્મદ |
નવાઈ લાગે એવી વાત એ છે કે ચાલીસના દાયકાના આરંભે ફિલ્મસંગીત ખાસ્સું લોકપ્રિય થઈ ગયું હતું, છતાં આ ગીતકારની ભારતમાં લોકપ્રિયતા ઉભી થઈ મુખ્યત્વે બિનફિલ્મી ગીતો માટે. એમાંય એમણે લખેલા શૃંગાર ગીતો તો બેજોડ કહી શકાય એવા છે.
ફૈયાઝના શબ્દોના સોનામાં બાંગ્લાદેશી સ્વરની સુગંધ (ડાબે) ફિરોઝા બેગમ, રૂના લૈલા |
આવા અનન્ય ગીતકાર એટલે ફૈયાઝ હાશમી, જેમનું ગયા મહિને ૨૯ મી નવેમ્બરના દિવસે અવસાન થયું. એમના અવસાનના સમાચાર જાણીને લાગવો જોઈએ એટલો આંચકો ન લાગ્યો. કેમ કે કેટલાય વરસોથી તેમના કશા સમાચાર કાને પડ્યા ન હતા. પાકિસ્તાનમાં જઈને તેમણે જે ખ્યાતિ મેળવી એની જાણ હતી ખરી, પણ એ શું કરે છે કે ક્યાં છે એ વિષે ખબર નહોતી. જરા નિષ્ઠુર થઈને કહીએ તો એ હયાત છે કે કેમ એનો જ ખ્યાલ નહોતો. હા, એમનાં ગીતો સતત કાને, હોઠે, હૈયે જ હોય એટલે એમનું સામીપ્ય અનુભવાયા કરે.
એમના વિષેની જાણકારીની આવી સ્થિતિ હોવાનું કારણ શું? ચાલીસીના દાયકામાં તો એ પ્રસિદ્ધિની ટોચ પર પહોંચી ગયેલા. એમના વિષે જાણવાની ઉત્કંઠા બહુ થતી, પણ એમના વિષે કહે કોણ? ભજનનો પર્યાય ગણાતાં ગાયિકા જુથિકા રોય સાથે અમારે પહેલાં પરિચય અને પછી આત્મીયતા થઈ ત્યારે એમની સાથે થયેલી અનેક બેઠકો દરમ્યાન એક વાર ફૈયાઝ હાશમી વિષે પણ વાત નીકળી. જુથિકાજી તેમના વિષે થોડુંઘણું કહી શક્યાં, પણ ભાગલા પછી પાકિસ્તાનમાં ફૈયાઝ હાશમી શું કરે છે એ વિષે એમનેય ખ્યાલ નહોતો. જુથિકા રોયે જણાવેલું કે ફૈયાઝ હાશમી દેખાવે અત્યંત સોહામણા હતા. તેમની એક પ્રેમિકા હતી. આ પ્રેમિકાના કોઈક અન્ય આશિકે એક વાર ફૈયાઝના ચહેરા પર એસિડ ફેંક્યો હતો. બસ આનાથી વધારે કશુંય ફૈયાઝ હાશમી વિષે એમને ખબર નહોતી. જુથિકા રોયે ખુદ ફૈયાઝનાં લખેલાં કેટલાંક ગીતો ગાયેલાં, અને એ રીતે એ તેમનું એકમાત્ર સંપર્કસૂત્ર કહી શકાય એમ હતાં. કંઈક આવું જ કમલ દાસગુપ્તા વિષેની માહિતી બાબતે પણ હતું. જો કે, થોડા સમય પહેલાં કમલ દાસગુપ્તા પર એસ.એમ.શાહીદે લખેલું પુસ્તક મળતાં એ જિજ્ઞાસા ઘણે અંશે સંતોષાઈ. આ જ પુસ્તકમાં ફૈયાઝ હાશમી વિષે પણ વધુ માહિતી આપવામાં આવી છે. (કમલ દાસગુપ્તા વિષે વધુ વિગતે લખવાની ઇચ્છા છે જ. એ ફરી ક્યારેક )
**** **** ****
ફૈયાઝ હાશમી/ Faiyaz Hashmi નો જન્મ કલકત્તામાં ૧૯૨૦માં થયો હતો, અને કિશોરાવસ્થાથી જ તેમની કલમમાંથી કવિતાની સરવાણી ફૂટવા માંડી હતી. તેમના પિતા સૈયદ મુહમ્મદ હુસેન હાશમી દિલગીર ‘માદન થિયેટર્સ’/ Madan Theaters સાથે અભિનેતા-દિગ્દર્શક તરીકે સંકળાયેલા હતા. વિખ્યાત નાટ્યકાર આગા હશ્ર કશ્મીરી/ Agha Hashra Kashmiri ના નિવાસસ્થાનની બાજુમાં આવેલી ‘હયાત ખાન લેન’માં તે રહેતા હતા. મુહમ્મદ હુસેન હાશમી તો આગાસાહેબના વિદ્યાર્થી જ હતા. આવા સાહિત્યીક અને બૌદ્ધિક વાતાવરણમાં ફૈયાઝ હાશમીનો ઉછેર થયો. શાળામાં હતા ત્યારે તેમણે લખેલો આ શે’ર જુઓ.
ચમન મેં ગૂંચા-ઓ-ગુલ કા તબસ્સુમ દેખનેવાલોં,
કભી તુમને હસીં કલિયોં કા મુરઝાના ભી દેખા હૈ?
બહુ ઝડપથી તે મુશાયરામાં ભાગ લેવા માંડ્યા અને પ્રસિદ્ધ થઈ ગયા. બાવીસ વરસની ઉંમરે તેમણે લખેલા ગીતનું ફિદા હુસેન/ Fida Husain ના સ્વરમાં રેકોર્ડિંગ થયું, જેના શબ્દો હતા, ‘કદ્ર કિસી કી હમને ના જાની, હાયે મુહબ્બત, હાયે જવાની’. પહેલી વાર રેકોર્ડ થયેલા આ ગીતના તેમને બસો રૂપિયા મળ્યા. માત્ર ને માત્ર આ રકમના મૂલ્યની સરખામણી માટે આ વિગત જુઓ: ૧૯૪૦માં આવેલી ભવનાની પ્રોડક્શન્સની ફિલ્મ ‘પ્રેમનગર’માં નૌશાદને પહેલવહેલી વાર સંગીત નિર્દેશન સોંપવામાં આવ્યું, જે માસિક પગારના દરે હતું. મહિને સો રૂપિયાનો પગાર ઠરાવાયો. ત્રણ મહિનામાં ફિલ્મના સંગીતનું કામ પૂરું થઈ ગયું. આમ, તેમને આખી ફિલ્મનું સંગીત તૈયાર કરવા પેટે કુલ ત્રણસો રૂપિયા મળ્યા હતા.
આખેઆખી ફિલ્મનો સંગીતપક્ષ સંભાળતા સંગીતકારનું મહેનતાણું આટલું હોય તો ગીતકારને શું મળતું હશે એની કલ્પના જ કરવી રહી! એ હિસાબે ફૈયાઝ હાશમીને મળેલી રકમ ખાસ્સી માતબર ગણાય.
ફૈયાઝ હાશમીની ખ્યાતિ બરાબરની પ્રસરી. બ્રિટીશ માલિકીની ગ્રામોફોન કંપનીએ તેમની આવડતનો લાભ મળી શકે એ માટે તેમને નોકરીની ઓફર કરી. ફૈયાઝે એ ઓફર સ્વીકારી અને ૧૯૪૩માં તે ગ્રામોફોન કંપની/ Gramophone Company સાથે જોડાયા.
કમલ દાસગુપ્તા
|
આ જ કંપનીમાં કમલ દાસગુપ્તા/ Kamal Dasgupta સંગીત નિર્દેશક હતા. ફૈયાઝ હાશમીનાં શબ્દો અને કમલ દાસગુપ્તાની સ્વરબાંધણીની યુતિએ જે સર્જન કર્યું તેણે સંગીતરસિયાઓને ન્યાલ કરી દીધા. કમલ દાસગુપ્તાએ હેમંતકુમાર, તલત મહેમૂદ, જગમોહન સૂરસાગર, જુથિકા રોય, ફિરોઝા બેગમ જેવી ગાયનની અનેક પ્રતિભાઓને પિછાણી અને તેમને પોતાના સંગીત નિર્દેશનમાં ગાવાની તક આપી. આ તમામ ગાયકો આગળ જતાં દંતકથા સમાન બની રહ્યાં, જેમાં તેમના કંઠનો, એ કંઠનો સુયોગ્ય ઉપયોગ કરનાર સંગીતકાર કમલ દાસગુપ્તાનો અને આ સૂરાવલિ થકી જે શબ્દો અમરત્વ પામ્યા, તેને પોતાની કલમમાંથી વહાવનાર ગીતકાર ફૈયાઝ હાશમીનો પ્રચંડ ફાળો હતો. ફૈયાઝનાં ગીતોમાં હિન્દી, સંસ્કૃત તેમજ ઉર્દૂ શબ્દોનો ઉપયોગ ધ્યાન ખેંચનારો હતો.
કમલા ઝરીયા/ Kamala Jharia ને બંગાળી ફિલ્મોનાં આદિ ગાયિકા કહી શકાય. અંગુરબાલા અને ઈન્દુબાલા જેવી ગાયિકાઓની સાથોસાથ તેમનું નામ લેવાય છે. ઓલ ઇન્ડીયા રેડિયોના આરંભથી તેની સાથે એ સંકળાયેલાં હતાં. ફિલ્મોનાં ગીતોની સાથેસાથે તેમણે કેટલાંય બિનફિલ્મી ગીતો પણ ગાયેલાં.તેમની લોકપ્રિયતા એવી હતી કે એચ.એમ.વી. અને મેગાફોન ઉપરાંત પાયોનિયર, કોલમ્બિયા, સિનોલા જેવી રેકોર્ડિંગ કંપનીઓ પણ તેમની રેકોર્ડ બહાર પાડતી. બંગાળી ઉપરાંત હિન્દી, ઉર્દૂ, મરાઠી, પંજાબી, ગુજરાતી જેવી વિવિધ ભાષાઓમાં કમલા ઝરીયાએ ગીતો ગાયેલાં. એ રીતે તેમની લોકપ્રિયતા દેશભરમાં વ્યાપેલી હતી. કમલા ઝરિયાના સ્વરમાં ફૈયાઝ હાશમીએ લખેલી આ ગઝલ.
કમલા ઝરીયા/ Kamala Jharia ને બંગાળી ફિલ્મોનાં આદિ ગાયિકા કહી શકાય. અંગુરબાલા અને ઈન્દુબાલા જેવી ગાયિકાઓની સાથોસાથ તેમનું નામ લેવાય છે. ઓલ ઇન્ડીયા રેડિયોના આરંભથી તેની સાથે એ સંકળાયેલાં હતાં. ફિલ્મોનાં ગીતોની સાથેસાથે તેમણે કેટલાંય બિનફિલ્મી ગીતો પણ ગાયેલાં.તેમની લોકપ્રિયતા એવી હતી કે એચ.એમ.વી. અને મેગાફોન ઉપરાંત પાયોનિયર, કોલમ્બિયા, સિનોલા જેવી રેકોર્ડિંગ કંપનીઓ પણ તેમની રેકોર્ડ બહાર પાડતી. બંગાળી ઉપરાંત હિન્દી, ઉર્દૂ, મરાઠી, પંજાબી, ગુજરાતી જેવી વિવિધ ભાષાઓમાં કમલા ઝરીયાએ ગીતો ગાયેલાં. એ રીતે તેમની લોકપ્રિયતા દેશભરમાં વ્યાપેલી હતી. કમલા ઝરિયાના સ્વરમાં ફૈયાઝ હાશમીએ લખેલી આ ગઝલ.
તલત મહેમૂદ/ Talat Mehmood માટે ફૈયાઝે લખેલાં એકે એક ગીતો જબરદસ્ત ખ્યાતિ પામ્યાં. ‘સબ દિન એક સમાન નહીં થા’, તલત મહેમૂદનું પહેલવહેલું બિનફિલ્મી ગીત બની રહ્યું. એ ઉપરાંત ‘તસવીર તેરી દિલ મેરા બહલા ન સકેગી’, ‘સોયે હુએ હૈ ચાંદ ઔર તારે, આજ કી રાત અંધિયારી’, ‘ચૌદહવીં મંઝીલ પે જાલિમ આ ગયા’, ‘તુમ લોકલાજ સે ડરતી થી’, ‘દો કાફિર આંખોંને મારા’ જેવાં તલત મહેમૂદ દ્વારા ગવાયેલાં ફૈયાઝ હાશમીનાં ગીતોની સંખ્યા અઢારેક જેટલી છે. ફિલ્મો માટે તલત મહેમૂદે ગાયેલાં ગીતો ખૂબ લોકપ્રિય થયા હોવા છતાં તેમનાં બિનફિલ્મી ગીતોનો પણ આગવો ચાહકવર્ગ હજી આજેય છે. અને એવા વર્ગમાં આ ગીતો અતિશય લોકપ્રિય છે. આ તમામ ગીતો ‘પ્રાઈવેટ સોંગ’ હતાં,એટલે કે કોઈ ફિલ્મ માટે નહોતાં લખાયાં.
જગમોહન ‘સૂરસાગર’/ Jagmohan Sursagar દ્વારા ગવાયેલાં ‘દિલ કો હૈ તુમ સે પ્યાર ક્યૂં, યે ન બતા સકૂંગા મૈં’, ‘સપનોં મેં મુઝકો પ્યાર મિલા’, ‘ઉલ્ફત કી સઝા દો, મુઝે ઉલ્ફત કી સઝા દો’, ‘દીવાના તુમ્હારા કહતા હૈ અફસાના’, 'યે ચાંદ નહીં તેરી આરસી હૈ', 'જલ રહે જલ રહે અરમાન' જેવાં ગીતોમાં રહેલી પ્રણયોર્મિઓ સાથે કેટલાય પ્રેમી હૈયાંઓએ તાદાત્મ્ય અનુભવ્યું. જગમોહન દ્વારા ગવાયેલાં મોટા ભાગનાં લોકપ્રિય ગીતો ફૈયાઝ દ્વારા જ લખાયાં છે. પણ 'મુઝે ના સપનોં સે બહેલાઓ' ગીત તો જગમોહનની ઓળખ બનીને અમર બની ગયું છે.
હેમંતકુમારે/ Hemant kumar ગાયેલાં ‘કિતના દુ:ખ ભૂલાયા તુમને પ્યારી’, ‘ભલા થા કિતના અપના બચપન’, ‘આંચલ સે ક્યૂં બાંધ લિયા’, ‘મધુબનમેં ના શ્યામ બુલાઓ’ જેવાં ગીતો તો વર્ણનાતીત છે. બધું મળીને કુલ વીસેક ગીતો હેમંતકુમારે ગાયાં. ફિલ્મોમાં તો ગીતો કોઈક ચોક્કસ પરિસ્થિતિ માટે લખવાનાં હોય છે અને તેમાં ફિલ્માંકનને અનુરૂપ ઈન્ટરલ્યૂડ સંગીતના ટુકડા પણ મૂકવામાં આવે છે. જ્યારે બિનફિલ્મી ગીતોમાં એવો કોઈ સાજશણગાર હોતો નથી. અને છતાંય એ ગીતનો જાદુ કેવો હોય છે! કેવળ શબ્દો, ગાયકી અને ધૂનની સરળતા હોવા છતાં એની અપીલ કેવી હોય છે એ સાંભળ્યા વિના ખ્યાલ ન આવે.
જુથિકા રોય/ Juthika Roy ની ખ્યાતિ મુખ્યત્વે ભજનગાયિકા તરીકે હતી. ફૈયાઝ હાશમીએ તેમને માટે ‘બોલ રે મધુબન મેં’, ’અગર તુમ રાધા હોતે શ્યામ’, ‘સબ પૂછતે કહાં ચલે’ જેવાં ભજન તો લખ્યાં જ, સાથે સાથે ગીત, ગઝલ પણ લખ્યાં. ગીતોમાં હોલી ગીત, વર્ષા ગીત, દિવાલી ગીત જેવાં ઉત્સવ ગીતો ઉપરાંત ‘મૈં છોટી સી બુલબુલ’, ‘સાજન સે યે ના કહના સખી’ જેવાં ભાવગીતોનો પણ સમાવેશ થાય છે. જુથિકા રોયના કંઠે ગવાયેલી ફૈયાઝ હાશમી લિખીત રચનાઓનો આંકડો ત્રીસેક છે.
પંકજ મલિક/ Pankaj Mullick જેવા દિગ્ગજ ગાયકે પણ ફૈયાઝનાં ગીતોને સ્વર આપીને તેને અમરતા બક્ષી. પંકજદાના ઘેઘૂર છતાં ભાવપ્રવણ સ્વરમાં ગવાયેલાં ‘જિસે મેરી યાદ ના આયે’, ‘જબ ચાંદ મેરા નિકલા’, ‘મૈંને આજ પિયા પિયા હોઠોં કા પ્યાલા’ અને ‘યે રાતેં યે મૌસમ યે હસના હસાના’, આજે પણ સાંભળતાં એવાં જ તરોતાજા લાગે છે. ‘મૈંને આજ પિયા’ ગીતના શૃંગારપ્રધાન શબ્દોમાં પંકજદાએ અદભૂત ભાવ ઉપસાવ્યો છે.
ફૈયાઝ પોતે અચ્છા કવિ હતા જ, સાથે સાથે તેમની ખરી કુશળતા અનુવાદમાંય હતી. ‘વિદ્રોહી કવિ’ તરીકે ઓળખાતા બંગાળી કવિ કાજી નઝરૂલ ઈસ્લામ/ Kazi Nazrul Islam નાં ઘણાં ગીતોને ફૈયાઝે હિન્દીમાં અનુવાદિત કર્યાં હતાં. ૧૯૪૪માં ફૈયાઝનાં ગીતોનો સંગ્રહ ‘રાગરંગ’ પ્રકાશિત થયો એ અગાઉ તેમનાં ગીતો ‘અદબી દુનિયા’, ‘અદબ-એ-લતીફ’, ‘આલમગીર’, ‘બીસવીં સદી’, ‘શમા’, ‘ચિત્રાલી’, ‘અમર જદીદ’, ‘અમૃતબાજાર પત્રિકા’ જેવાં પ્રકાશનોમાં અવારનવાર પ્રકાશિત થતાં હતાં. ગીતો ઉપરાંત તેમણે નાત અને કવ્વાલી પણ લખેલાં.
‘મેઘદૂત’ (૧૯૪૫), ‘અરેબીયન નાઈટ્સ’ (૧૯૪૬), ‘કૃષ્ણલીલા’ (૧૯૪૬), ‘પહચાન’ (૧૯૪૬), ‘જમીન આસમાન’ (૧૯૪૬), ‘ગિરિબાલા’(૧૯૪૭) જેવી કેટલીક ફિલ્મોમાં પણ ફૈયાઝે ગીતો લખ્યાં. એ તમામ ફિલ્મોમાં કમલ દાસગુપ્તાનું સંગીત હતું. શબ્દો પરનું ફૈયાઝનું પ્રભુત્વ જોવું હોય તો ‘મેઘદૂત’/ Meghdoot ફિલ્મનું જગમોહને ગાયેલું આ ગીત સાંભળવું જ પડે. ફક્ત છ મિનીટના આ ગીતમાં ફૈયાઝ હાશમીએ કાલિદાસના ‘મેઘદૂત’ના સમગ્ર હાર્દને પચાવી જઈને એ રીતે રજૂ કર્યું છે કે આફરીન પોકારી જવાય. ગયે વરસે અમારી ટીમે તૈયાર કરેલા 'મેઘદૂત'ના ગુજરાતી અનુવાદની સાંગિતીક રૂપાંતરની સી.ડી.ની સાથે તૈયાર કરેલા પુસ્તકમાં પણ આ ગીતનો પાઠ સર્વાનુમતે સમાવાયેલો. શબ્દ, સંગીત અને સ્વરનો ત્રિવેણી સંગમ થાય ત્યારે જે ચીરકાલીન કૃતિઓ રચાય એમાંની આ એક. ફૈયાઝના શબ્દોને કમલ દાસગુપ્તાએ જે રીતે સંગીતબદ્ધ કર્યા છે અને જગમોહન ‘સૂરસાગરે’ એને જે રીતે રજૂ કર્યા છે, એ સાંભળીને થાય કે કોને વખાણીએ! ગીતકારને, ગાયકને કે સંગીતકારને!
'મેઘદૂત'ના આ ગીતની મોહિની એવી છે કે જેમ સાંભળતા જઈએ એમ નશો ચડતો જાય. ફૈયાઝ હાશમી ની કવિ તરીકેની ઉંચાઈ અને કાવ્યના સત્વને ગ્રહણ કરીને અભિવ્યક્ત કરવાની ક્ષમતા આ ગીતમાં સોળે કળાએ ખીલેલી જોવા મળે છે. આ ગીતનો પાઠ અહીં આપવાની લાલચ કેમે કરીને ખાળી શકાતી નથી.
ओ वर्षा के पहले बादल, मेरा संदेशा ले जाना
ओ वर्षा के पहले बादल, मेरा संदेशा ले जाना
अंसुवन की बुन्दन बरसाकर,
अंसुवन की बुन्दन बरसाकर, अलका नगरी में तुम जाकर,
ओ वर्षा के पहले बादल, मेरा संदेशा ले जाना
अंसुवन की बुन्दन बरसाकर,
अंसुवन की बुन्दन बरसाकर, अलका नगरी में तुम जाकर,
खबर मेरी पहुंचाना..... ओ वर्षा के पहले बादल....
मालभूमी और अम्रकूट से विन्ध्याचल, नर्मदा को जाना
विदिशा नगरी और पेशा तक, होकर आगे पांव बढ़ाना
आग विरह की जहाँ भी पाना
आग विरह की जहाँ भी पाना, बरस बरस कर उसे बुझाना ..... ओ वर्षा के पहले बादल…..
विदिशा नगरी और पेशा तक, होकर आगे पांव बढ़ाना
आग विरह की जहाँ भी पाना
आग विरह की जहाँ भी पाना, बरस बरस कर उसे बुझाना ..... ओ वर्षा के पहले बादल…..
देख अंधेरा,
देख अंधेरा पियामिलन को चलेगी छुपकर कोई गोरी
पथमें तुम बिजली चमकाकर,
देख अंधेरा पियामिलन को चलेगी छुपकर कोई गोरी
पथमें तुम बिजली चमकाकर,
खोल न देना, खोल न देना उसकी चोरी
विरहन को तुम जहाँ भी पाना,
विरहन को तुम जहाँ भी पाना,
उसे कभी न सताना.... ओ वर्षा के पहले बादल….
उज्जैनी में महाकाल का मंदिर जब तुम पाओ
पूजारिनों का नाच,
पूजारिनों का नाच देख कर अपना मन बहलाओ
पूजारिनों का नाच,
पूजारिनों का नाच देख कर अपना मन बहलाओ
(स्वरविराम एवं मंदिर में नाटारंभ का वाद्यसंगीत)
पर तुम उनके अंग ढंग को देख अटक न जाओ
पर तुम उनके अंग ढंग को देख अटक न जाओ
शिप्रा में ना, चम्बल में ना, कुरुक्षेत्र में रुकना
कनखल में ना गंगा की लहरों को चूमने झुकना
अटल हिमालय पे चढ के, तुम यूँ मुड़ना कैलाश की ओर
युं चंदा को देख प्यारी,
पर तुम उनके अंग ढंग को देख अटक न जाओ
शिप्रा में ना, चम्बल में ना, कुरुक्षेत्र में रुकना
कनखल में ना गंगा की लहरों को चूमने झुकना
अटल हिमालय पे चढ के, तुम यूँ मुड़ना कैलाश की ओर
युं चंदा को देख प्यारी,
गगन को छूने जाय चकोर
अलका में फिर ढूँढ उसे तुम, मेरा संदेशा सुनाना....
ओ वर्षा के पहले बादल, मेरा संदेशा ले जाना....
अलका में फिर ढूँढ उसे तुम, मेरा संदेशा सुनाना....
ओ वर्षा के पहले बादल, मेरा संदेशा ले जाना....
‘અરેબિયન નાઈટ્સ’ અને ‘કૃષ્ણલીલા’ ફિલ્મમાં તો કાનન દેવી/ Kanan Devi જેવાં સીંગીંગ સ્ટારે ફૈયાઝ હાશમીનાં ગીતોને કંઠ આપેલો. એમાંનું ‘અરેબિયન નાઈટ્સ’ ફિલ્મનું આ ગીત.
ફિરોઝા બેગમ/ Feroza Begum એ જમાનાનાં મશહૂર ગાયિકા હતાં, જે આગળ જતાં કમલ દાસગુપ્તા સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. તેમણે પણ ફૈયાઝનાં ગીતોને સ્વર આપ્યો.
ફૈયાઝ હાશમીએ લખેલાં બિનફિલ્મી ગીતોનો ચોક્કસ આંકડો મળતો નથી, પણ તે પાંચસોની આસપાસનો હોવાનું મનાય છે.
૧૯૪૭માં દેશના ભાગલા પડતાં એચ.એમ.વી.માં કામ કરતા ફૈયાઝ હાશમીની નિમણૂંક ૧૯૪૮માં ઢાકાની ઓફિસમાં કરવામાં આવી. ત્યાંથી ૧૯૫૧માં તે લાહોર આવ્યા. બહુ થોડા સમયમાં તેમણે ગ્રામોફોન કંપની સાથે છેડો ફાડ્યો અને ફિલ્મો માટે ગીતો લખવાનાં શરૂ કર્યાં. ૧૯૫૬માં તે કરાચી આવી ગયા. તેમણે જે પાકિસ્તાની ફિલ્મ માટે પહેલી વાર ગીત લખ્યાં એ ફિલ્મ હતી ‘અનોખી’ (૧૯૫૬). આ ફિલ્મનાં ગીતોમાં ખાસ કરીને ઝુબેદા ખાનમે ગાયેલું ‘ગાડી કો ચલાના બાબુ’ ખાસ્સું જાણીતું થયું.
ભારતમાં હતા ત્યારે સાવ મર્યાદિત ફિલ્મો માટે ગીતો લખનાર ફૈયાઝ હાશમીએ પાકિસ્તાનમાં જઈને જાણે કે બબ્બે હાથે કામ કરવા માંડ્યું.
કરાંચીની હોમિયોપેથીક કોલેજમાં તે આચાર્ય હતા, એ જવાબદારી સંભાળવાની સાથેસાથે તેમણે ફિલ્મો માટે માત્ર ગીતો જ નહીં, કથા, પટકથા, સંવાદ પણ લખવા માંડ્યા.
એસ.બી.જહોન
|
‘જમાના ક્યા કહેગા’ (૧૯૬૧), ‘ઔલાદ’ (૧૯૬૨), ‘નહલે પે દહલા’ (૧૯૬૪), ‘પહેચાન’(૧૯૭૫), ‘ઈન્તેખાબ’(૧૯૭૮), ‘ખુદા ઔર મહોબ્બત’ (૧૯૭૮) જેવી ફિલ્મો માટે તેમણે બહુવિધ મોરચે કામગીરી કરી. ‘હમ એક હૈ’ ફિલ્મનું તેમણે નિર્માણ અને દિગ્દર્શન પણ કર્યું. પાકિસ્તાનના દિગ્ગજ ગણાતા અને વિશ્વ આખામાં લોકપ્રિય એવા મોટા ભાગના ગાયકોએ ફૈયાઝ હાશમીનાં ગીતો ગાયાં.
મહેફિલોમાં મહેંદી હસન/ Mehdi Hassan ફૈયાઝની ગઝલ ગાતા, પણ ફિલ્મોમાંય તેમણે ફૈયાઝે લખેલાં ગીત ગાયાં. આમાંની એક ગઝલ 'આલિયા' (૧૯૫૬) ફિલ્મની.
મલેકા-એ-તરન્નુમ ગણાતી નૂરજહાં/ Noorjahan એ પણ ફૈયાઝનાં ગીતોને સ્વર આપીને શોભાવ્યાં. તેમનું ગાયેલું આ ગીત કોણે નહીં સાંભળ્યું હોય! 'લાખોં મેં એક' ફિલ્મના ગીતોને શ્રેષ્ઠ ગીતલેખનનો નિગાર એવોર્ડ મળ્યો હતો.
બાંગ્લાદેશનાં વિખ્યાત ગાયિકા રૂના લૈલા/ Runa Laila એ પણ ફૈયાઝ હાશમીનાં ગીતને સ્વર આપ્યો.
પાકિસ્તાનના વિખ્યાત ગાયક એસ.બી.(સની બેન્જામીન) જહોન/ S.B. John દ્વારા ગવાયેલું ફિલ્મ ‘સવેરા’ (૧૯૫૯) આ ગીત ‘તુ જો નહીં હૈ તો કુછ ભી નહીં હૈ’ તો આ ગાયકની ઓળખ સમાન બની રહ્યું.
ફૈયાઝ હાશમીને પાકિસ્તાની ફિલ્મના સન્માનજનક ગણાતા ગ્રેજ્યુએટ એવોર્ડ અને નિગાર એવોર્ડ પણ મળ્યાં હતાં. ગ્રેજ્યુએટ એવોર્ડ બે વખત જ્યારે નિગાર એવોર્ડ પહેલી વખત ગીતલેખન માટે ૧૯૭૮માં તેમજ બીજી વખત સંવાદલેખન (ફિલ્મ: ગરીબોં કા બાદશાહ) માટે ૧૯૮૮માં મળ્યો હતો.
એ રીતે ભારતમાંથી ગયા પછી પાકિસ્તાનમાં પણ ફૈયાઝ હાશમીને ઘણી ખ્યાતિ મળી હતી. જો કે, તેમના પાકિસ્તાનમાં થયેલા ગીતલેખન અંગે ભારતમાં બહુ ઓછા લોકોને ખ્યાલ હતો અને મોટે ભાગે એમ જ મનાતું હતું કે ફૈયાઝ હવે ગુમનામ થઈ ગયા છે. ફૈયાઝનાં લખેલાં કેટલાંય પાકિસ્તાની ગીતો ભારતીય ચાહકો ગણગણતાં હતાં ('આજ જાને કી જીદ ના કરો' એમાંનું એક), છતાં તેમને ભાગ્યે જ ખ્યાલ હતો કે એ ગીતો ફૈયાઝ હાશમીએ લખેલાં છે.
ફૈયાઝની લખેલી આ ગઝલ આમ તો ગાયિકા ફરીદા ખાનમ/ Farida Khanum ની ઓળખનો પર્યાય બની રહી છે, પણ તેને ગાવામાં કોણ બાકી રહ્યું હશે એ સવાલ છે. મહેદી હસન, હબીબ વલી મુહમ્મદથી માંડીને છેલ્લે છેલ્લે તો આશા ભોંસલે/ Asha Bhosle એ પણ આ ગઝલ ગાવાની પોતાની ઈચ્છા પૂરી કરી. અલબત્ત, ફરીદા ખાનમના કંઠમાં જ એને સાંભળવાની અસલી મઝા છે.
છેલ્લા ઘણા વરસોથી ફૈયાઝ હાશમી લગભગ એકાંતવાસ ગાળતા હતા અને ધાર્મિક જીવન જીવતા હતા.
ફૈયાઝ હાશમી |
શબ્દ અને સંગીત સાથેનો તેમનો સંબંધ સાવ નહીંવત થઈ ગયો હતો. આને કારણે તેમના વિષે ભાગ્યે જ કંઈ સાંભળવા મળતું. તેથી જ ગયે મહિને ૨૯મી નવેમ્બર, ૨૦૧૧ના રોજ તેમનું અવસાન થયાના સમાચાર જાણવા મળ્યા ત્યારે ખાસ આંચકો ન લાગ્યો. બલ્કે તે જીવતા હતા એ પણ એમના અવસાનના સમાચાર મળ્યા ત્યારે જ જાણવા મળ્યું. અહીં મૂકવા માટેનાં ગીતોની પસંદગીમાં મીઠી મૂંઝવણ છે કે કયાં ગીત મૂકવાં અને કયાં નહીં. પણ ફૈયાઝની ઉંચાઈનો અંદાજ મળી શકે એ માટે ગાયકોની વિવિધતા લક્ષમાં રાખી છે.
ફૈયાઝ હાશમી વિષે દિલ્હીના એક સંગીતપ્રેમી રાજ કુમાર પુસ્તક તૈયાર કરી રહ્યા છે જેમાં ફૈયાઝનાં ગીતોને સમાવી લેવાનો ઉપક્રમ છે. આ અગાઉ રાજ કુમારે કિશોરકુમાર વિષેનું પુસ્તક સંયુક્તપણે અને સ્વતંત્રપણે હેમંતકુમારનાં તમામ હિન્દી ગીતોના પાઠ તેમજ અન્ય ભાષાનાં ગીતોની સંપૂર્ણ માહિતી સમાવતું અદભૂત પુસ્તક 'તુમ પુકાર લો' પ્રકાશિત કર્યું છે. આ ઉપરાંત હાલ તે બિનફિલ્મી ગીતોના સંકલન પર પણ કામ કરી રહ્યા છે જેના વિષે અહીં ટૂંક સમયમાં વિસ્તૃત લખવાનો ઉપક્રમ છે. (રાજ કુમારનો સંપર્ક ઈમેલ raaj.kumar884@gmail.com અથવા raaj_n@hotmail.com દ્વારા કરી શકાશે.) આ પુસ્તક ફૈયાઝ હાશમીના ગીતોના ચાહકો માટે ખૂબ ઉપયોગી બની રહેશે એમ સહેજે માની શકાય. તેના વિષે વધુ માહિતી તે પ્રકાશિત થયે.
પાર્થિવ દેહે ભલે ફૈયાઝ હાશમી આપણી વચ્ચે હવે નથી, પણ જૂના હિન્દી ગીત-સંગીતના ભારતીય અને પાકિસ્તાની ચાહકો તેમને એક ઉત્તમ કવિ તરીકે સદાય યાદ રાખશે.
(નોંધ: તમામ તસવીરો નેટ પરથી અને ગીતો યૂ ટ્યૂબ પરથી લીધાં છે.)
(પૂરક માહિતી: હરીશ રઘુવંશી, સુરત)
(નોંધ: તમામ તસવીરો નેટ પરથી અને ગીતો યૂ ટ્યૂબ પરથી લીધાં છે.)
(પૂરક માહિતી: હરીશ રઘુવંશી, સુરત)