Tuesday, October 11, 2011

સભર જીવનના સીત્તેરમા વર્ષમાં પ્રવેશ

ઈન્કીલાબ રાય.
આ નામના કોઈ ઈસમને આપણે ઓળખીએ છીએ? આવું વિચિત્ર નામ એ બાળકનું એટલા માટે પાડવામાં આવેલું કે ૧૯૪૨માં થયેલી ઓગસ્ટ ક્રાન્તિના ત્રણ મહિના પછી ૧૧મી ઓક્ટોબરે એ જન્મેલો. જો કે, આ નામ તો એના પિતાના એક મિત્ર ઝા સાહેબે પાડેલું. બાકી એનું અસલ નામ તો હિંદીના ખ્યાતનામ કવિ સુમિત્રાનંદન પંતે પાડેલું- અમિતાભ. 
તો ૧૮ મે, ૧૯૪૭ના દિવસે જન્મેલા બીજા પુત્રનું નામ અજિતાભ પણ પંતજીએ પાડેલું. સ્વાતંત્ર્યના ત્રણ મહિના અગાઉ જન્મેલા આ બાળકને ઝા સાહેબ આઝાદ રાય કહેતા. ઈન્કીલાબ રાય અને આઝાદ રાય- એટલે કે અમિતાભ અને અજીતાભ- આ બંને ભાઈઓના પિતા હતા હિન્દીના ખ્યાતનામ કવિ હરીવંશરાય બચ્ચન. 
કવિ હરિવંશરાય બચ્ચનના બીજી વારનાં લગ્ન તેજી સૂરી સાથે થયાં. અગાઉની પત્ની શ્યામાનું બિમારીમાં અવસાન થયા પછી એકલવાયા બનેલા હરિવંશરાયના જીવનમાં તેજીનો પ્રવેશ થયો, જે અંતે લગ્નમાં પરિણમ્યો. આ લગ્નજીવનની ફલશ્રુતિરૂપ પ્રથમ સંતાન એટલે અમિતાભ. પુત્રજન્મનો હરખ વ્યક્ત કરવા માટે કવિતા લખવા સિવાય કવિ શું કરી શકે? કવિએ પુત્રજન્મના દિવસે પોતાની લાગણીને આ શબ્દોમાં વાચા આપી.   

फुल्ल कमल,
गोद नवल,
गोद नवल,
गेह में विनोद नवल।
दूध नवल,
पूत नवल,
वंश से विभूति नवल।
नवल दृश्य,
नवल दृष्टि,
जीवन का नव भविष्य,
जीवन की नवल सृष्टि।  

હરિવંશરાયનું ઘરનું નામ બચ્ચન હતું. એમની અટક તો હતી શ્રીવાસ્તવ. તો પછી ઘરનું આ લાડકું નામ એક અટક નહીં, બલ્કે એક ખાનદાન શી રીતે બન્યું? આ વાત કવિના પોતાના શબ્દોમાં:
અમિતને સ્કૂલમાં પ્રવેશ કરાવતી વખતે અમે વધુ એક નિર્ણય લીધો, જે અધિક મહત્વનો હતો. કમ સે કમ, અમને એમ લાગ્યું. અમે ન્યાતમાંથી બહિષ્કૃત હતા. અમે વિચાર્યું કે ચાલો, આપણે એક નવા પરિવારનો આરંભ કરીએ. અત્યાર સુધી મારું નામ ઔપચારિક રીતે લખવાનું આવે ત્યારે ફક્ત હરિવંશરાય લખાતું- ખાસ કરીને યુનિવર્સિટીમાં તેમજ ટ્રેનિંગ કોરમાં.અથવા તો મને મિસ્ટર રાય કહીને સંબોધિત કરાતો. બચ્ચન નામ કેવળ મારાં પુસ્તકો પર છપાતું. સાહિત્યીક લખાણોમાં પણ આ નામ થકી મારી તરફ સંકેત કરાતો. કેટલાય લોકોને ખબર નહોતી કે હરિવંશરાય અને બચ્ચન બન્ને એક જ વ્યક્તિ છે. બચ્ચન નામ ઘરમાં બોલાતું નામ હતું. એ સમયે લોકો નિરાલા’, નવિન’, ઉગ્ર વગેરે જેવાં ઉપનામ રાખતાં.આ અર્થમાં મારે મારું ઉપનામ રાખવાનું હોત તો આવું ઘરેલુ, હલકું, ચાલુ નામ હું અપનાવત નહીં. પણ આવું નામ રાખવું મારા માટે ખરાબ સાબિત ન થયું. મારા નામે કોઈ જાતનીવિશિષ્ટતાની અપેક્ષા જગાડી નહીં. કદાચ આને લઈને એ સહજ સ્વીકૃત થઈ ગયું.
તેજી સાથે મારું લગ્ન થયું ત્યારે એના મનમાં કદાચ એવો સવાલ જાગ્યો હશે કે પોતે કયા નામનો સ્વીકાર કરે? શ્રીમતી રાય કે શ્રીમતી બચ્ચન? આ વિશે એણે કદાચ કશો નિર્ણય પણ ન લીધો. પરિચીતો અને મિત્રો એને શ્રીમતી બચ્ચન કહેવા લગાયા અને એણે પોતાનું એ નામ સ્વીકારી લીધું. અમિતના સ્કૂલપ્રવેશ વખતે અમે બચ્ચન નામ અમારા પરિવારના નામ તરીકે સ્વીકાર્યું અને તેનું નામ અમિતાભ બચ્ચન લખાવવામાં આવ્યું. અમારા બીજા પુત્રને અમે અજિતાભ બચ્ચન નામ આપ્યું. મારા નામ સાથે બચ્ચનને પહેલવહેલી વાર કેમ્બ્રીજમાં લગાડવામાં આવ્યું. આમ, બચ્ચન નામના એક પરિવારનો પ્રાદૂર્ભાવ થયો. પ્રાચીન કાળમાં ગોત્ર પણ કદાચ વિશિષ્ટ વ્યક્તિઓનાં નામને આધારે આરંભાતા હતાં. અમે કોઈ વિશિષ્ટતાના દંભથી નહીં, પરંતુ વિવશતાથી અમારો પરિવાર ચલાવ્યો છે. પરિવાર ચલાવ્યો છે તો મારી એકમાત્ર કામના છે. કામના એટલી કે આ પરિવારના લોકો દરેક પેઢીએ પુરાણી રૂઢિઓ તોડીને આગળ વધનારા બને, એકલવાયાપણાની તાકાતને પિછાણે અને પોતાની જાતને નિર્ભીકતાથી સ્થાપિત તેમજ અભિવ્યક્ત કરે. સાથેસાથે બાળકો સાથે સંબદ્ધ કરાતા એ તમામ ગુણોનું સંવર્ધન કરે. ક્રાઈસ્ટે કહ્યું હતું કે તમે બાળક નહીં બની શકો ત્યાં સુધી સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ નહીં કરી શકો.”* 
હરિવંશરાય પોતાની આ કામનાને પૂર્ણ થતી જોઈ શક્યા, એમ અવશ્ય કહી શકાય. તેમના પુત્ર અમિતાભ બચ્ચને અભિનયક્ષેત્રમાં સખત મહેનત, સંઘર્ષ, નિષ્ઠા અને આવડત થકી એવું સ્થાન પ્રાપ્ત કર્યું કે જેને ભાગ્યે જ કોઈ આંબી શકે.

ભુવન સોમ 

અમિતાભ પહેલવહેલા પડદે દેખાયા ખ્વાજા એહમદ અબ્બાસની ફિલ્મ સાત હિન્દુસ્તાની (૧૯૬૯)માં, પણ એ અગાઉ મૃણાલ સેનની ફિલ્મ ભુવન સોમ(૧૯૬૯) માં તેમનો અવાજ સાંભળવા મળ્યો હતો. પડદા પર પહેલવહેલી વાર અમિતાભે જેમાં દેખા દીધી એ ફિલ્મ સાત હિન્દુસ્તાનીની એક ઝલક 
જોઈએ. 


ત્યાર પછી ઋષિકેશ મુખરજીની આનંદ’(૧૯૭૦)માં તેમણે ધ્યાન ખેંચ્યું. હજીય સંઘર્ષ જારી હતો. પરવાના (૧૯૭૧, નિર્દેશક:જ્યોતિ સ્વરૂપ) અને રેશમા ઔર શેરા (૧૯૭૧, નિર્દેશક: સુનિલ દત્ત) એક 
જ વર્ષે આવી. અભિનય ઉપરાંત પોતાના પ્રભાવશાળી અવાજથી ઓળખ ધીમે ધીમે ઉપસી રહી હતી, ત્યાં રેશમા ઔર શેરામાં ભૂમિકા મળી મૂંગાની. ઋષિકેશ મુખરજીએ તેમને કામ આપવાનું ચાલુ રાખ્યું. નમક હરામમાં તેમના અભિનયની પ્રશંસા થઈ. એ પછી એસ. રામનાથન નિર્દેશીત બોમ્બે ટુ ગોવામાં તેમની સાથે મુખ્ય નાયિકા તરીકે અરૂણા ઈરાની ચમક્યાં. રાજશ્રી પ્રોડક્શન્સની સુધેન્દુ રોય નિર્દેશીત સૌદાગરમાં તેમની નાયિકા હતાં નૂતન.
૧૯૭૩માં પ્રકાશ મહેરા નિર્દેશીત ફિલ્મ ઝંઝીરથી અમિતાભની કારકિર્દીએ પૂરપાટ વેગ પકડ્યો. ત્યાર પછીના ગાળા માટે કહી શકાય કે રેસ્ટ ઈઝ હીસ્ટરી’. 
૧૯૬૯માં આવેલી 'સાત હિન્દુસ્તાની'માં અનવર અલી 'અનવર' ના પાત્રથી શરૂ થયેલી તેમની અભિનય કારકિર્દી છેલ્લે જુલાઈમાં આવેલી 'બુઢ્ઢા હોગા તેરા બાપ'ના વિજુ મલ્હોત્રાના પાત્ર સુધી અવિરત ચાલી રહી છે. 
તેમની છેલ્લામાં છેલ્લી ફિલ્મ 'બુઢ્ઢા હોગા તેરા બાપ'ની એક ઝલક જોઈએ. 
આ બંને ક્લીપ વચ્ચે રેતઘડીમાં ૪૨ વરસો સરી ગયાં છે, છતાં આ નામનો કરીશ્મા બરકરાર રહ્યો છે. અનેક ઉતારચડાવ, હિટ-ફ્લોપ વચ્ચે, અવનવાં માધ્યમોને સહજતાથી આત્મસાત કરીને અમિતાભ બચ્ચને પોતાની લોકપ્રિયતા ટકાવી રાખી છે, અને સફળતાને દૂર થવા દીધી નથી. દરેક કસોટી પછી તેમની (જાહેર) છબી એક શાલીન અને ભદ્ર વ્યક્તિ તરીકે નીખરતી રહી છે. 
આ એકમેવ અભિનેતા આજે ૬૯ વર્ષ પૂરાં કરીને સિત્તેરમા વર્ષમાં પ્રવેશી રહ્યા છે, એ નિમિત્તે એમને સ્વસ્થ અને આનંદપ્રદ જીવનની અનેકાનેક કામનાઓ.


(નોંઘ: આ પોસ્ટ લખાતી હતી ત્યારે જ જગજીત સિંઘના અવસાનના સમાચાર જાણવા મળ્યા. તેમની મનોછબી ઉર્વિશે તેના બ્લોગમાં આલેખી છે. જે બે ભાગમાં આ લીન્ક પર વાંચી શકાશે. 
http://urvishkothari-gujarati.blogspot.com/2011/10/blog-post_10.html  અને 
http://urvishkothari-gujarati.blogspot.com/2011/10/blog-post_5108.html )

(*હરીવંશરાય બચ્ચનની આત્મકથામાંથી સાભાર) 
(તસવીરો પર ક્લિક કરવાથી યૂ આર એલ પર જઈ શકાશે.વિડિયો યૂ ટ્યૂબ પરથી સાભાર. ) 

6 comments:

 1. બિનીતભાઈ,સમયસરનો ને સરસ લેખ આપવા બદલ થેંક યુ.'બચ્ચન' એ એક નામ નહિ પણ ઈતિહાસ છે,એની પ્રતીતિ થતી જ રહી છે.આપબળે આગવી આભા જન્માવનાર બચ્ચન પરિવારની લડાયકવૃત્તિ કાબિલેતારીફ છે જ.પ્રતિભાવાન વ્યક્તિઓને નડવાની-પજવવાની જે તે સમાજની ટેવ હજી આજેય ક્યાં બદલાઈ છે? કેટલી કમાલની વાત કહેવાય-જે જ્ઞાતિ કે સમાજ માટે હંમેશા બહાર ના ગણાતા એવા બચ્ચન પરિવાર માટે તે ગંગા-કિનારેવાલા છે,એવું કહીને ઉત્તરપ્રદેશ ના ગામના લોકો ગર્વ અનુભવે.સમયની આ પણ બલિહારી જ કહેવાય ને? પોતાના અભિનયથી આપણી સવાર-બપોર-સાંજ સુધારી દેનાર અમિતાભ બચ્ચનને ખુબ ખુબ શુભેચ્છાઓ .

  ReplyDelete
 2. બચ્ચન દા માટે જેટલું લખાય એટલું ઓછું પડે તેમ છે.અમારા પ્રિય અભિનેતા વિષે કેટલીક નવી વાતો જાણવા મળી.. થેન્ક્સ બિરેન ભાઈ..

  ReplyDelete
 3. ભાઇ બિરેન, બચ્ચન વિશે વચવની મજા આવી લાડીલો ને માનીતો ખરો પણ બચ્ચન અટક કેમ ? તે નવુ આભર.

  ReplyDelete
 4. dear Birenbhai...yes very true and u might be knowing that Dr.Sharad Thacker from ahmedabad is also publishing a Book on Amitabhji's so many Un-Known life stories..uptill now reached 18 parts.. Any how thnx and very TIMELY Sharing too..
  god may Bless U always
  sanatbhai Dave..

  ReplyDelete
 5. સ...ર...સ... મહાન વ્યક્તિઓ મહાન આમ જ નથી બની જતા; સખ્ખત પરિશ્રમ;અથાક પ્રયત્નો અને સજ્જનતાથી સજ્જ રહી ને બનાય છે...તમે કાયમ આવા લોકોની અણપ્રિછી વાતો આપતા રહો અને કાયમ આમ જ 'ગમતા નો ગુલાલ' કરતા રહો...

  ReplyDelete
 6. બિરેનભાઇ, હું હિન્દી વિષય સાથે પીએચડી કરવા તરફ આગળ વધી રહી છું... મારા માટે હરિવંશરાય બચ્ચન વિશે જાણવું, વાંચવું એક લહાવો છે. બચ્ચન શબ્દનો ઉદભવ જણાવી તમે હરિવંશરાય બચ્ચન વિશેની મારી જાણકારીમાં વધારો કર્યો છે. સુંદર મજાના આ માહિતીસભર લેખ માટે દિલથી આભાર... :)

  ReplyDelete