Saturday, August 27, 2011

જગમેં રહ જાયેંગે પ્યારે તેરે બોલ.મુકેશ (૨૨-૭-૨૩ થી ૨૭-૮-૭૬ ) 

મુકેશચંદ જોરાવરચંદ માથુર જેવા લાંબા નામથી કદાચ એમની જલ્દી ઓળખાણ ન પડે. પણ એવા લાંબા નામની જરૂર જ નહીં. મુકેશ નામ જ કાફી છે એમની ઓળખ માટે. ૨૨ જુલાઈ, ૧૯૨૩ના રોજ જન્મેલા મુકેશનું ૨૭ ઓગસ્ટ, ૧૯૭૬ના દિવસે અકાળે અવસાન થયું. ઉંમર માંડ પ3 વરસ. મૃત્યુ માટેની આ કંઈ ઉંમર કહેવાય? એમણે ગાયેલાં કુલ ગીતોની સંખ્યા અગિયારસોની આસપાસ. પણ એ ગીતોની લોકપ્રિયતા એવી પ્રચંડ કે એમ લાગે કે મુકેશજીએ દસેક હજાર ગીતો ગાયાં હશે. આ માન્યતા વ્યાપકસ્વરૂપે ફેલાતી રહી હતી. 

મુકેશની અંતિમયાત્રામાં મહંમદ રફી, કિશોરકુમાર, કલ્યાણજી

સુરતના હરીશ રઘુવંશીએ ૧૯૮૫માં મુકેશ ગીત કોશ પ્રકાશિત કર્યો ત્યારે પહેલી વાર એ ભ્રમ તૂટ્યો.
આ ગીતકોશમાં કુલ ૯૯૨ ગીતો સમાવવામાં આવ્યા છે. એ પછી ભારે જહેમતે હરીશભાઇને બીજાં સીત્તેર-પંચોતેર ગીત મળ્યાં છે.  
મુકેશજીના દેહાવસાનને પાંત્રીસેક વરસ વીતી ગયાં. આમ છતાંય તેમનાં ગાયેલાં ગીતો સદાબહાર છે. હજીય દર વરસે ઓગસ્ટના બીજા-ત્રીજા સપ્તાહથી તેમની શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજાય છે, એટલું જ નહીં, હાઉસફૂલ જાય છે. 
ડૉ. કમલેશ આવસ્થી જેવા વરસોથી મુકેશના ગીતોના કાર્યક્રમો કરતા ગાયકની સાથે સાથે સાવ નવાસવા ગાયકોના મુકેશના ગીતોના સ્ટેજ શો કરનારને આજે પણ પ્રેક્ષકો શોધવા જવું પડતું નથી. એવી છે ગાયક મુકેશની લોકપ્રિયતા.
મુકેશના હિંદી ગીતો સર્વાધિક લોકપ્રિય છે, પણ હિંદી સિવાયની ઘણી પ્રાદેશિક ભાષાઓમાંય તેમણે ગીતો ગાયાં છે. જેમ કે- ગુજરાતી, મરાઠી, આસામી, ઉડીયા, બાંગ્લા, પંજાબી, સીંધી, માગધી, અવધિ, ભોજપુરી, ઊર્દૂ અને કોંકણી. 
મુકેશે ગાયેલાં પ્રાદેશિક ગીતોની યાદી આ બ્લોગની જમણે આપેલી લીન્ક http://www.singermukesh.com/ માં છે જ. 
આજે તેમની શ્રદ્ધાંજલિ નિમિત્તે વિવિધ ભાષાનું એક એક ગીત સાંભળીએ. આ ગીતો ઉપલબ્ધતાના ધોરણે લીધાં છે. ભાષા કોઇ પણ હોય, મુકેશના કંઠનો જાદુ એકસમાન છે, એમ આ ગીતો સાંભળ્યા પછી અચૂક લાગશે. 


પંજાબી ફિલ્મ 'પરદેસી ઢોલા'નું આ ગીત સુમન કલ્યાણપુર સાથે છે. રતુ મુખરજીના સંગીતમાં આ છે બીનફીલ્મી બાંગ્લા ગીત. 


  
આ છે ફિલ્મ 'સમય' નું ઉડિયા ગીત. 


આ છે બિનફીલ્મી ઉર્દૂ ગઝલ. 

અમીર ખુસરોની આ પ્રસિદ્ધ કવ્વાલીમાં એક મિસરો ફારસીમાં અને બીજો બ્રજમાં છે. ફારસી મિસરો મુકેશે ગાયો છે. બ્રજ મિસરો સુધા મલ્હોત્રાએ ગાયો છે. 

તેમણે ગાયેલું તુલસીકૃત રામાયણ અવધિમાં છે. તેની એક ઝલક. ગીતા દત્ત સાથે ગાયેલું આ ગુજરાતી ગીત ફિલ્મ 'કરીયાવર'નું છે. સંગીતકાર અજીત મર્ચન્ટ. 

આ પોસ્ટ લખાઈ ત્યારે મુકેશનું કોંકણી ગીત ઉપલબ્ધ નહોતું, પણ હવે (27 ઓગષ્ટ, 2017)ના રોજ તે યૂ ટ્યૂબ પર ઉપલબ્ધ બન્યું છે. કોંકણીનું આ ગીત બિનફિલ્મી છે. મુકેશના સીંધી ગીત વિશે પણ ઉપર મુજબની સ્થિતિ હતી. હવે તે ઉપલબ્ધ બન્યાં છે. ફિલ્મ 'નકલી શાન'નું બુલો સી. રાનીના સંગીતમાં ગાયેલું આશા હરગુનાણી સાથે ગાયેલું આ સીંધી ગીત. (આ ગીતનો અંતરો 'હાય રે હાય, નીન્દ નહીં આય'ની યાદ અપાવે એવો છે.) મુકેશનાં ગાયેલાં બાકીની ભાષાનાં ગીતોમાંના ઘણા સહેલાઇથી ઉપલબ્ધ નથી તેથી હિંદી ફિલ્મનાં બે એવાં ગીતો સાંભળીએ જેમાં પ્રાદેશિક ભાષાની છાંટ હોય. 

ફિલ્મ 'અદાલત'નું આ ગીત ભોજપુરીનું પ્રાધાન્ય ધરાવે છે. ગીતકાર ગુલશન બાવરા અને સંગીતકાર કલ્યાણજી આણંદજી. 


 'વીર દુર્ગાદાસ'નું આ સદાબહાર ગીત રાજસ્થાનીના પ્રાધાન્યવાળું છે, જે લખ્યું છે ભરત વ્યાસે અને સ્વરબદ્ધ કર્યું છે એસ. એન. ત્રિપાઠીએ. . 


મુકેશે ગાયેલું આ કોંકણી ગીત ઘણું દુર્લભ મનાતું હતું. હવે યૂ ટ્યૂબને કારણે તે સુલભ બન્યું છે.  આ ગીત મુકેશે નહીં પણ સુલોચના કદમે ગાયેલું છે. હીન્દુસ્તાન પસંદ હોવાનું કારણ મુકેશ હોઈ શકે? 'મતલબી દુનિયા'ના આ ગીતમાં ગીતકાર રમેશ ગુપ્તાએ મુકેશનો કેવો મહિમા કર્યો છે એ જાણવા આ વિશિષ્ટ ગીત સાંભળવું રહ્યું.
મુકેશનું આ એક સરપ્રાઈઝ ગીત છે, જેનો અણસાર લેખમાં આપેલો છે. એમણે આ ગીત કયા સંજોગોમાં ગાયું હશે, એની વિગત ઉપલબ્ધ નથી થઈ શકી.હવે મુકેશનું હિંદી ગીત સાંભળીએ. આ અદભૂત, અમર, અવિનાશી ગીત મારું અને મારાં કુટુંબીઓનું અતિ પ્રિય ગીત છે. (અમારી જેમ બીજા ઘણાનું પણ હશે.) ગીતકાર પ્રેમ ધવન, સંગીતકાર હંસરાજ બહલ, ફિલ્મ 'સાવન'.


મુકેશના સ્વરનો આસ્વાદ લીધા પછી તેમને જીવંત ગાતાં નિહાળવાની મઝા જ ઓર છે. આ કાર્યક્રમમાં ઓરકેસ્ટ્રાનું સંચાલન કરતા રાહુલ દેવ બર્મન પણ જોઇ શકાય છે. 
(નોંધ: ટેનર સીગારેટનું પ્રચાર ગીત રજનીકુમાર પંડ્યાના સૌજન્યથી મળ્યું છે, જ્યારે અન્ય તમામ ગીતો યુ ટ્યૂબ પરથી લીધાં છે. તસવીરો નેટ પરથી લીધેલી છે.) 

9 comments:

 1. રજનીકુમાર પંડ્યાAugust 28, 2011 at 2:03 AM

  અભિનંદન! અતિશય સમૃદ્ધ પોસ્ટ છે.મુકેશનું વિરાટ કદ બરાબર ચિતરાયું છે.
  પણ સિગારેટનું પ્રચાર ગીત પણ પ્રોફેશનની જ ઉત્પન્ન છે. એમાં એમની કોઇ મજબૂરી નહોતી. એ એમના સોનેરી દિવસો હતા ત્યારનું ગીત છે, મેં તો 1955 થી 1960 દરમીયાન એનું વિઝ્યુઅલ પણ જોયું છે. અમિતાભ આમળાના તેલની જાહેરખબર આજે પણ કરે જ છે ને !. કથ્થાઇ રંગના અર્ધી બાંયના બુશ શર્ટ અને ક્રીમી પેન્ટમાં સજ્જ દેખાવડા મુકેશ સ્મિત સાથે પર્દા પર હાથમાં સિગારેટના ટીન સાથે એ ગાતા દેખાતા. હા, એ કોઇ મોડેલ તરીકે દેખાયા હોત તો ચોક્કસ મજબૂરી કહેવાત. પણ એ તો મુકેશ તરીકે જ દેખાયા હતા. એટલે એ એમની સ્ટાર વેલ્યુ થઇ,રાઇટ ?

  ReplyDelete
 2. I see profile and yr excellent work on some of the hidden area of Lt.Sh.Mukesh.We saw a new face of our old diamond.It is really pleasant work.Lot of Thanks.

  ReplyDelete
 3. પૂર્વી મલકાણ, યુ એસ એAugust 29, 2011 at 1:49 PM

  આપના બ્લોગમાં "જગમેં રહ જાયેંગે પ્યારે તેરે બોલ" શ્રી મુકેશજી ઉપરનો લેખ વાંચવાનો આનંદ આવ્યો.મને ખબર ન હતી કે શ્રી મુકેશજીએ ઉડિયા,બંગાળી, ઉર્દુમાં પણ ગીતો ગાયા છે. હું થોડું ઘણું બંગાળી જાણું છું તેથી એ બંગાળી ગીત વારંવાર સંભાળ્યું. તેજ રીતે "તારી આંખનો અફીણી’: સર્જનની સફર " એ લેખ વાંચવાનો પણ ઘણો જ આનંદ આવ્યો. "દીવાદાંડી " પિક્ચર વિષે અગાઉ સાંભળ્યું હતું તેથી એ મૂવીની પ્રિન્ટ શોધવા મે પણ પ્રયત્ન કરેલો. પણ જો ઈન્ડિયામાં જ ન મળે તો અહીં પરદેશમાં તો ક્યાંથી મળવાની? પણ એક આનંદ થયેલો કે પ્રયત્ન કર્યો કે એ મૂવીની પ્રિન્ટ મળે.એ મૂવી ઉપરાંત પણ ૧૯૭૦ પછી આવેલી ગુજરાતી મૂવીઓની પણ પ્રિન્ટ મળતી નથી. કદાચ એ મૂવીઓ પણ અતીતમાં ખોવાઈ ગઈ છે.

  ReplyDelete
 4. મારા મનપસંદ ગાયક.

  ReplyDelete
 5. તમે દિલ દઈને લખ્યું છે. હું રફી સાહેબ નો ફેન છું પરંતુ મેં જીવન ભર મુકેશજીના જ ગીતો સ્ટેજ પર ગાયા છે .આજે પણ કોઈ જાત ની પૂર્વ તૈયારી વિના હું એમના ઘણા ગીતો સ્ટેજ પર ગાઈ શકું .બસ, મને પીયુષ ભટ્ટ જેવો ઓર્ગન પ્લેયર જોઈએ. તમારો બ્લોગ લા જવાબ છે. હું સ્વયમ મારા બ્લોગ પ્રત્યે અનાસક્ત છું એટલે બીજા કોઈ બ્લોગની વિઝીટ ભાગ્યેજ લઉં છું. અભિનંદન !

  ReplyDelete
 6. આજે જલસો થઇ ગયો.

  ReplyDelete
 7. વાહ વાહ. મુકેશજીના ઘણાં અજાણ્યા ગીતો માણ્યા.
  એક કિંમતી લ્હાવો.

  ReplyDelete
 8. આજે જો આ નજરે ન ચડ્યું હોત તો કેવી કેવી દુર્લભ ચીજોની જાણકારી નથી એ સમજાત જ નહીં. ખાસ કરીને સિંધી ફિલ્મ 'નકલી શાન'ના ગીતનાં સહગાયિકા આશા હરગુનાણીનું નામ જ સાંભળ્યું ન્હોતું. વળી એ ગીતના પ્રીલ્યુડ અને ઈન્ટરલ્યુડમાં સંભળાતા રહેતા
  એકોર્ડિયનના મજેદાર ટૂકડા બોનસમાં મળ્યા. બીજું પણ ઘણું નવું જાણવા/માણવા મળ્યું એનો યશ તમને જાય છે.

  ReplyDelete