Sunday, July 10, 2011

ચોવીસ કેરેટનો માણસ*



 "તમે આર્ટિસ્ટ તરીકેય ચોવીસ કેરેટના છો, હોં!" ડો. ઠક્કર બોલ્યા. મેં હળવું હસીને તેનો પ્રતિભાવ આપ્યો. મતલબ કે એમની વાત સાચી. આનો  બીજો મતલબ એ થાય કે માણસ તરીકે તો એ મને ચોવીસ કેરેટનો ગણતા જ હતા,આર્ટિસ્ટ તરીકે પણ તેઓ મને એ કક્ષાનો ગણે છે. બસ, મારા માટે આ બીજી વાતનું - ચોવીસ કેરેટના માણસ બની રહેવાનું - મહત્વ વધારે છે. ઉમદા ચિત્રકાર તરીકે શહેરના ધનવાન વર્તુળોમાં મારી છાપ છે, પણ એથીય વિશેષ તો એક સારા, સાચાબોલા માણસ તરીકે એ લોકો મને ઇજ્જત આપે છે. એક વખત ડો.સોનીએ મારા માટે ચોવીસ કેરેટનો માણસજેવો શબ્દ પ્રયોજેલો. એ વખતે ડો.પંચાલ પણ સાથે આવેલા. એ બહુ મજાકીયા એટલે એમણે કહેલું, "એનો મતલબ એ કે દોશીભાઇ એક ઘણના માણસછે. ના સમજયા? ચોવીસ કેરેટ એટલે સો ટચ અને સોનીના સો ટચ બરાબર લુહારનો એક ઘણ."  આ નવી વ્યાખ્યા સાંભળીને બહુ હસ્યા હતા બધા. 
મૈં ચૂપ રહૂંગી

 ડો. પંચાલની વાત ખોટીય નહોતી. શહેરના ઘણા જુના-નવા ચિત્રકારો મારી ઇર્ષ્યા કરે છે. એ લોકો બિચારા પીંછી ઘસીઘસીને મરી જાય છે, એમનાં ચિત્રોનાં પ્રદર્શનો શહેરમાં યોજાય ત્યારે ઘણા બધા લોકો ઉમટે છે, પણ ચિત્રો કોઇ ખરીદતું નથી. સમજો ને કે તેઓ સોનીની જેમ સો ટચ મારમાર કરતા હોય છે. મનેય મારા ગ્રાહકો આવાં પ્રદર્શનો યોજવા માટે કહે છે, પણ મને અન્ય ચિત્રકારોનો વિચાર આવે છે, એટલે હું એ બધી ઝંઝટમાં પડતો નથી. ઘેર બેઠે (એટલે કે સ્ટુડિયો બેઠે) લોકો  મારાં ચિત્રો ખરીદવા હોંશે હોંશે આવતા હોય પછી મારે શા માટે  સામે ચાલીને જવું? એમના સો ટચની સામે મારો એક ઘણ પૂરતો થઇ પડે. એમાં મારા સિદ્ધાંતના પ્રશ્નો પણ ઉભા થઇ શકે એમ છે, કેમ કે જૂઠું બોલવું મને પસંદ નથી. મારી જાત વિષે તો જરાય નહીં. છતાં અમુક લોકો એવા હોય છે કે આપણા મોંમાં આંગળા નાંખીને જૂઠું બોલાવે. જેમ કે આ ડો.ઠક્કર જેવા લોકો.
 તે મારે ઘેર આવ્યા હતા,જેને હું સ્ટુડિયો કહું છું. મારા દીવાનખાનામાં સામે જ મેં મોનાલીસાના ચિત્રની પ્રિન્ટને ફ્રેમ કરીને એ રીતે ગોઠવી હતી કે આવનારનું ધ્યાન તેની પર પડે. એ રીતે તેને મારી નવી ખરીદીનો ખ્યાલ આવે. આ હેતુ સફળ થયો અને આવતાવેંત ડો.ઠક્કરની નજર મોનાલીસાની પ્રિન્ટ પર પડી કે તેમના મોંમાંથી તરત જ પ્રશ્ન સરી પડયો, "તમે બનાવ્યું આ?" હજી તો હું કંઇ જવાબ આપું એ પહેલાં તો તેમણે મને ઉત્સાહપૂર્વક ચોવીસ કેરેટના આર્ટિસ્ટનું સર્ટિફીકેટ આપી દીધું.
જૂઠું ન બોલવાના મારા સદગુણને લઇને લોકો મને ચોવીસ કેરેટનો માણસકહે છે. એનો મને ખાસ વાંધોય નથી, કેમ કે વાતમાં સત્યનો અંશ છે. પણ કોઇ મને ચોવીસ કેરેટનો  આર્ટિસ્ટત્યારે હું મૂઝાઇ જાઉં છું.હું એ ડોકટરને શી રીતે સમજાવું કે ભલા માણસ, આ જગવિખ્યાત ચિત્ર બનાવનાર લીયોનાર્દો દ વીન્સી હતો. ડો.ઠાકર સામું પૂછે તો નવાઇ નહીં કે એ કયાંય પ્રેકટિસ કરતો હતો કે પછી કોઇ કેમીસ્ટ હતો. ડોકટરોની આ તકલીફ હોય છે. તેઓ તાજમહાલનું સરનામુંય ડો.શર્માના કલીનીકની સામેઅથવા તો વર્મા કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટની દુકાનથી સહેજ આગળએ રીતે જ આપે.

થેન્ક યુ, દોશીભાઈ

આવી જમાતના ડો.ઠક્કરને હું સાચો જવાબ સમજાવવા બેસું તો સવાર પડી જાય અને પોતે ખોટા પડયા જાણીને તેમનો ઉત્સાહ પણ પડી ભાંગે.આપણે વિના કારણે શા માટે એમનો આત્મા દુભવવો? પણ જુઠું બોલું તો મારો પોતાનો આત્મા દુભાય. એટલે મેં વચલો રસ્તો કાઢયો અને માત્ર મંદમંદ સ્મીત વેર્યું. ડોકટરે જે સમજવું હોય એ સમજે. ડો.ઠક્કરે આર્ટિસ્ટ તરીકે કરેલાં મારાં વખાણ મેં મનોમન લીયોનાર્દો દ વીન્સી મર્હૂમના ખાતામાં રીડાયરેક્ટ કરી દીધા અને માણસ તરીકેના વખાણ મારા ખાતામાં જમા લીધા.
 ડોકટરની સરખામણીએ વકીલો હજી કંઇક સારા. એમનો સ્વભાવ શંકાશીલ ખરો, પણ પોતાને સમજણ ન પડે તો તેઓ તરત જ કબૂલી લે ખરા. ગઇ કાલે આવેલા વકીલ ભરતસિંહ વાઘેલાએ મોનાલીસાની આ જ પ્રિન્ટ જોઇને મને ઉલટતપાસના સ્વરે પૂછેલું," આ વળી કયાંથી ઉપાડી લાવ્યા?" કબૂલ કે મેં તો એ ન જ બનાવ્યું હોય, બલ્કે ખરીદીને જ લાવ્યો હોઉં. હું એમને વગર પૂછયે કહી દેત કે આ ચિત્રની પ્રિન્ટ મેં મ્યુઝીયમની સામેની ફૂટપાથ પરથી ફકત રૂપિયા પચાસમાં જ ખરીદી છે. પણ કોઇ આવું સીધું મોં પર પૂછે એ તો વિનયભંગ કહેવાય,અપમાનજનક લાગે. એટલે મેં પરખાવ્યું,"ઉપાડી કયાંથી લાવવાનું? મેં બનાવ્યું છે એ." મારો ઇરાદો જૂઠું બોલવાનો જરાય નહીં. મેં તો મોં ફુલાવીને તોરમાં જ આમ કહ્યું હતું. એફિલ ટાવર આગળ ઉભા રહીને કોઇ કહે કે "આ મેં બનાવ્યો છે" એના જેવો ભાવ. આવી વાત કોઇ સાચી માની લે તો પછી ભોગ એના. વકીલ ભરતસિંહનું પણ એવું જ થયું. તેમને ખ્યાલ ન આવ્યો કે હું તેમને પાઠ ભણાવવા આમ કહી રહ્યો છું. તેમણે તો પોતે કેસ હારી ગયા હોય એમ હાર કબૂલી લીધી અને સર્ટિફીકેટ આપતાં કહ્યું હતું," "તમે આર્ટિસ્ટ તરીકેય ચોવીસ કેરેટના છો, દોશીજી." મેં માણસ તરીકેના મારા વખાણ મારી પાસે રાખ્યા અને આર્ટિસ્ટ તરીકેના વખાણ લીયોનાર્દો દ વીન્સી મર્હૂમના ખાતામાં રીડાયરેકટ કરી દીધા, અલબત્ત મનોમન. તેઓ એ પ્રિન્ટ હોંશે હોંશે ખરીદી ગયા. ત્યાર પછી મેં મોનાલીસાની વધુ એક પ્રિન્ટની ફ્રેમ લગાવી દીધી, કેમ કે હજી કોઇ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની નજરે એ પડી નહોતી.     
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોની આખી જ્ઞાતિના લક્ષણો સાવ જુદા હોય છે. કોઇ પણ વસ્તુ જોઇને તેમનો એક જ સવાલ હોય,"મિ.દોશી, આ કેટલામાં લીધું?" વસ્તુની કિંમત જેમ ઉંચી એમ તેમનો અહોભાવ વધતો જાય. બે દિવસ પછી આવેલા ચોકસી એન્ડ પટેલ એસોસીએટ્સવાળા પટેલસાહેબે મને આવો સવાલ કર્યો ત્યારે મેં મોં પર જ કહી દીધેલું, "જુઓ, આ પ્રિન્ટ મોનાલીસાના ચિત્રની છે,જે અસલમાં લીયોનાર્દો દ વીન્સી  નામના મહાન ચિત્રકારે બનાવ્યું હતું. ખાસ ફ્રાન્સથી આ પ્રિન્ટ મંગાવી છે અને મને પોતાને પાંચ હજારમાં પડી છે.એની ઉપર તમને ઠીક લાગે એ આપજો." આ સાંભળીને પટેલસાહેબે મને કહેલું, "તમે,દોશીભાઇ,ચોવીસ કેરેટના જેન્ટલમેન છો,હોં. બાકી બીજું કોઇ હોય તો એવું જ કહે કે આ ચિત્ર એણે પોતે બનાવ્યું છે. ખરીદનારને શી રીતે ખબર પડવાની?"  પટેલસાહેબને મારે કહેવું હતું કે ખરીદનારને એવી ખબર ન પડે, બાકી જાણનારા તો જાણે જ છે ને! પણ એ ઉતાવળમાં હતા એટલે આ ફ્રેમ પેક કરીને પોતાની ઓફિસે મોકલી દેવાનું કહીને નીકળી ગયા. પટેલસાહેબે કરેલાં વખાણ મારા પોતાના હતા એટલે લીયોનાર્દો દ વીન્સી મર્હૂમના ખાતામાં એને રીડાયરેકટ કરવાનો સવાલ નહોતો. મેં તેને મારા ખાતામાં જમે લીધા.
આમ જોઇએ તો આવા ભણેલા અને એલીટ કહેવાતા લોકો સાથે વ્યવહાર રાખવો એટલે માથાનો દુખાવો. કળાનો પણ એમને ખબર પડે નહીં અને બુદ્ધિજીવી હોય એટલે સીધેસીધા કોઇ વાત માને નહીં. આથી ચોવીસ કેરેટના માણસતરીકેની ઇમેજ પણ જાળવી રાખવી અને  જૂઠું નહીં બોલવાનો સિદ્ધાંત પણ ટકાવી રાખવો બહુ અઘરો છે. માઇકલ એન્જેલો અને માઇકલ જેકસન આવા લોકોને ભાઇઓ જેવા લાગતા હોય, પ્રિન્ટ અને પેઇન્ટીંગ વચ્ચેનો ફરક પણ તેમને ખબર ન હોય છતાં કળામાં પોતાની ચાંચ ડૂબતી હોવાનો તેઓ ડોળ કરતા હોય છે. પણ થાય શું? મારા ચિત્રોના ખરીદનાર આ લોકો જ હોય છે. મારા વફાદાર ગ્રાહકો છે આ લોકો.
માન્યું કે તમે આ કેટેગરીમાં નથી આવતા. તમને ખબર છે કે એમ.એફ.હુસેન અને સદામ હુસેન કઝીન નથી. અરે, તમે કળાના કદરદાન,જાણકાર,ભાવક,માણક,જાણક અને ચાહક છો.પણ તમે મારાં ચિત્રો ખરીદવાના છો? મારાં ચિત્રો શહેરના પ્રતિષ્ઠીત ડોકટરો,વકીલો,ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો, બીલ્ડરોની ઓફિસોમાં સ્થાન પામેલાં છે. ચોવીસ કેરેટનો માણસ છું એટલે તમને જણાવું છું કે મારાં ચિત્રોએટલે મેં બનાવેલાં નહીં, પણ બીજાઓ પાસેથી ખરીદેલાં ચિત્રો. બાકી મને પીંછી ચલાવતા તો ઠીક, પકડતાંય આવડતું નથી. તમારી આગળ સાચું બોલવામાં વાંધો નથી. તમે કયાં મારાં ચિત્રો ખરીદવાના છો?     
(*શરતોને આધીન 

3 comments:

  1. Birenbhai,Glad to read your humourous article.you have unique view-point to see human-nature,keep it up.

    ReplyDelete
  2. very sarcestic and poignant-Congrats!

    ReplyDelete
  3. ખરેખર ખુબ સાચ્ચી વાત છે એને જ Marketing કદાચ કહેવાતુ હશે?

    ReplyDelete