Friday, June 20, 2025

સ્પિતી ખીણના પ્રવાસે (2): પંચોતેર સો ફીટે ટ્રાફિક સિગ્નલ!

સવારે સાડા નવ આસપાસ શીલારૂથી સરહાન તરફ જવા નીકળ્યા ત્યારે તો જાણે બપોરના બાર થઈ ગયા હોય એવો તડકો લાગતો હતો. છતાં વાતાવરણ ઠંડું હોવાથી વાંધો આવતો ન હતો. સૌથી પહેલાં નારકંડા વટાવ્યું, જ્યાં અમારા મૂળ આયોજન મુજબ અમારે રાતવાસો કરવાનો હતો, પણ મોડા પડવાથી અમે આ સ્થળે પહોંચતાં અગાઉ જ રોકાઈ ગયેલા. નારકંડા વટાવીને આગળ વધતાં ઠેરઠેર હરિયાળા પહાડ દેખાતા હતા. દૂરથી પણ સફરજનનાં વૃક્ષો પર લગાડેલી જાળીઓ નજરે પડતી હતી. રસ્તામાં ચેરી, જરદાળુ જેવાં ફળો વેચાતાં હતાં. સૌએ ભરપેટ નાસ્તો કર્યો હોવાથી ફળ ખરીદ્યાં નહીં. થોડા લીધાં હોત તો સારું થાત, જેથી પછી ભૂખ લાગે ત્યારે ખાઈ શકાત. ઠેરઠેર મધ પણ વેચાતું જોવા મળ્યું. મધમાખીઓને પેટીમાં પૂરીને એના થકી તૈયાર કરાતું હતું. આવી પેટીઓ ઘણે ઠેકાણે દેખાઈ.

સતલજ અમારી સમાંતરે નીચે વહી રહી હતી. હરિયાળી વટાવ્યા પછી અમે ઘણી ઓછી ઊંચાઈએ આવી પહોંચ્યા હતાં અને અહીં તડકો ખૂબ લાગતો હતો. આવો તડકો જોઈને વચ્ચે વાહન ઊભું રખાવવાનું મન થયું નહીં. નીરથ, રામપુર વગેરે વટાવતાં આખરે બપોરના દોઢ-બે આસપાસ સરહાન પહોંચ્યા. અહીંનું મુખ્ય આકર્ષણ હતું ભીમાકાલી મંદિર.
અસલમાં તેરમી સદીમાં નિર્મિત આ મંદિર આ પ્રદેશના બુશહર વંશના રાજાઓની કુળદેવીનું છે. મેદાની પ્રદેશમાં જોવા મળતાં શૃંગ અને ઊપશૃંગ ધરાવતાં મંદિરોથી આનું સ્થાપત્ય સાવ અલગ તરી આવે છે. મંદીર એટલે લાકડાનું ઊંચું, લંબચોરસ, કળાત્મક માળખું, જેની ઊપરનો મજલો નીચેના મજલા કરતાં મોટો હતો. પરેશે આ મંદિર વિશે વિગતો જણાવી. હિંદુ અને બૌદ્ધ શૈલીનો સંગમ ધરાવતું આ મંદિર તેની ઊંચાઈને કારણે એક સમયે વૉચટાવરની ગરજ સારતું હતું. આજે પણ એ બાબત અનુભવી શકાય. એ જાણીને નવાઈ પણ લાગે કે આવા દુર્ગમ ગણાતા પ્રદેશમાં પણ અવારનવાર આક્રમણો થતા હતા.
મનુષ્યનિર્મિત દરેક પ્રાચીન મંદિરના માહાત્મ્ય માટે તેની સાથે કોઈ ને કોઈ પૌરાણિક સંદર્ભ જોડી દેવામાં આવે છે, એમ આ મંદિર સાથે પણ છે. અમને એ જાણવામાં બહુ રસ નહોતો.
બપોરનો સમય હતો અને મુલાકાતીઓમાં મુખ્યત્વે પ્રવાસીઓ હતા. પ્રથમ દરવાજામાં પ્રવેશતાં વિશાળ પ્રાંગણ આવે. ત્યાંથી અંદર બીજું નાનકડું પ્રાંગણ, અને એ વટાવતાં મંદિર આવે. પ્રાંગણ ફરતે જે બાંધકામ હતું એની પર લંબચોરસ પથ્થરોને નળિયાંની જેમ ગોઠવેલા હતા. પાછળ દેખાતાં હીમશીખરોને કારણે આખું દૃશ્ય અદ્ભુત લાગતું હતું. અહીં મંદિરમાં માથું ઢાંકીને પ્રવેશવાનું હતું, અને માથું ઢાંકવા માટેની ટોપીઓ બહારથી આપવામાં આવતી હતી. મંદિરનું ગર્ભગૃહ ઊપલા માળે હતું, જ્યાં સાંકડા પેસેજમાં થઈને, દાદર ચડીને જવાનું હતું.

ભીમાકાલી મંદિરનું પ્રાંગણ

ભીમાકાલી મંદિર

અંદર પવન બહુ સરસ વાતો હતો. ઘણાબધા દર્શનાર્થીઓ હોય તો એક સાથે ઊભા ન રહી શકે, તેમણે આગળપાછળ જ આવવું પડે એવી રચના હતી. આથી અમે સાકરિયાનો પ્રસાદ લઈને આગળ વધ્યા. અહીં બેઠેલા પૂજારીએ કપાળે તિલક કરતાં અગાઉ પૂછ્યું, 'કસ્ય ગોત્ર?' અચાનક ફેંકાયેલા ગૂગલી જેવો સંસ્કૃતમાં પૂછાયેલો આ સવાલ આવ્યો, એટલે અમે પણ ગૂગલીથી મૂંઝાયેલા બેટ્સમેનની જેમ હોઠે ચડ્યો એ જવાબ આપીને સાકરિયા માટે હાથ ધર્યો.

મુખ્ય મંદિર સહેજ ઊંચું, અને તેની બાજુમાં બીજું નાનકડું સંકુલ હતું, જે હકીકતમાં સંગ્રહાલય હતું. આ સંગ્રહાલયની બહાર પણ કેટલાંક મોટાં વાસણો મૂકેલાં હતાં, એમ અંદર વાસણો, શસ્ત્રો, મૂર્તિઓ, દીવી વગેરે જોવા મળ્યાં. મોટે ભાગે દરેક ચીજની ઓળખ અને સાલવારી જણાવાયેલી હતી.
સૌથી વિચિત્ર અને અકળાવનારી બાબત એ જોવા મળી કે સંગ્રહાલયના જ એક વિસ્તાર તરીકે બહાર મૂકાયેલાં મોટાં વાસણોમાં લોકોએ સાકરિયાનો પ્રસાદ નાખ્યો હતો, એમ રૂપિયા પણ નાખેલા હતા. આ શું છે, કેમ છે, ક્યારથી છે એ કશું સમજ્યા વિના બસ, અંધશ્રદ્ધા ઠાલવી હતી.
અમે બધે ફરીને, તસવીરો લઈને બહાર નીકળ્યા. સખત તડકો હતો. એકાદ જગ્યાએ બેસીને ચા પીધી. અહીંથી શ્રીખંડ કૈલાસનાં દર્શન થાય છે એમ જાણ્યા પછી પરેશ આંટો મારી આવ્યો, પણ વાતાવરણને લઈને એ શક્ય ન બન્યું.

તડકાએ અમને ઠીક ઠીક પરેશાન કર્યા હતા. અમારે હવે કાલપા પહોંચવાનું હતું. સિરમૌર જિલ્લામાંથી અમારે કિન્નૌર તરફ જવાનું હતું. આગળની મુસાફરી આરંભાઈ.

રસ્તામાં સતલજનો ધસમસતો પ્રવાહ જોવા મળતો હતો. ને-ત્રણ બંધ પણ અલગ અલગ ઠેકાણે જોવા મળ્યા. તેને કારણે આખે રસ્તે ધૂળ સખત ઊડતી હતી. રોડ એકંદરે ઘણો સારો હતો, પણ સતત કામ ચાલતું હોવાથી ગતિ પકડાતી ન હતી.

કિન્નૌરમાં પ્રવેશ્યા એટલે દૃશ્ય બદલાયાં. ફરી હરિયાળી નજીક આવી. કાળા ખડકો કોતરીને બનાવેલા રસ્તા બહુ ફોટોજેનિક, પણ ભયાવહ લાગતા હતા. દૂરથી એક ઠેકાણે પાણીના ધોધ જેવું દેખાયું. વાહન નજીક જતાં 'હેપ્પી વૉટરફોલ'નું પાટિયું વંચાયું. એક વળાંક પાસે એ સ્થળ હતું. અહીં ત્રણેક સ્થાનેથી પાણીનાં ઝરણાં આવીને પડતાં હતાં. ઊંચાઈ બહુ નહોતી, છતાં પ્રપાત ઘણો હતો. રોડની બીજી તરફ એ જ પ્રપાતનું વહેણ નીચે તરફ જતું દેખાતું હતું. અમારા ઊપરાંત પણ અનેક લોકો અહીં ઊભા રહ્યા હતા.

રસ્તે આવતા 'હેપ્પી વૉટરફોલ'માં પાણીનાં વહેણ

ફોટા લઈને અમે વાહન તરફ આગળ વધ્યા ત્યારે 'મેવાડ આઈસ્ક્રીમ' લખેલી એક આઈસ્ક્રીમની વાન ઊભેલી દેખાઈ. છેક રાજસ્થાનથી અહીં આઈસ્ક્રીમ વેચવા આવેલા આ ભાઈનો આઈસ્ક્રીમ ક્યારે વેચાઈ રહેશે? એની ચિંતા કરતાં અમે સૌએ બબ્બે-ત્રણ ત્રણ આઈસ્ક્રીમ ખાઈને તેના વેચાણનો ભાર થોડો હળવો કર્યો. એની પાસે કોન હતા, એટલે સ્કૂપને કોનમાં ભરીને, એને ચમચીના પાછલા ભાગથી ઠાંસીને એ આખો કોન ભરી આપતો હતો. હિમાચલના ઠંડા વાતાવરણમાં આઈસ્ક્રીમની મજા લેતાં અમારી મુસાફરી આગળ વધારી.

ખડકો કોતરીને બનાવેલા રસ્તા

એમ ને એમ અમે એક એવા ફાંટે આવી પહોંચ્યા, જ્યાંથી એક રસ્તો સ્પિતી ખીણ તરફ ફંટાતો હતો, અને બીજો રિકોંગ પીઓ તરફ. અમારે રિકોંગ પીઓ તરફ જવાનું હતું.
રિકોંગ પીઓ નજીક આવતું ગયું એમ એના વિસ્તારનો અને એની ગીચતાનો પણ ખ્યાલ આવતો ગયો. અહીં એક મોટું બસ સ્ટેન્ડ છે, અને ત્યાં વળાંક પર જ ટ્રાફિક સિગ્નલ પણ છે, જે ચાલુ હાલતમાં છે, અને લોકો તેનું પાલન પણ કરતા જોવા મળ્યા. આટલી ઊંચાઈએ ટ્રાફિક સિગ્નલ જોઈને નવાઈ લાગી. એથી વધુ નવાઈ એનું પાલન થતું જોઈને લાગી. હવે રિકોંગ પીઓથી કાલપા સાવ જ નજીક છે. પણ એ બે-પાંચ કિ.મી.ના અંતરમાં દરેક વળાંકે જે ઊંચાઈ પકડાય છે એ ગજબ છે. અત્યંત તીવ્ર વળાંક અને બધા જ ઊંચે ચડતા. અહીં રસ્તાની એક તરફ કિન્નર કૈલાસની આખેઆખી ગિરિમાળાનું અદ્ભુત દૃશ્ય નજરે પડતું હતું. સૂર્યાસ્તનો સમય, અને આ ગિરિમાળા પૂર્વ તરફ હોવાથી આથમતા સૂર્યનો સોનેરી પ્રકાશ આ બર્ફીલાં શિખરો પર પડી રહ્યો હતો. કાલપાના સાંકડા રસ્તાની ધારે અહીં આવેલાં તમામ પ્રવાસીઓ આ દૃશ્યને માણવા માટે ઊભા રહી ગયા હતા. અમે અમારી હોટેલનું ચોક્કસ સ્થાન શોધવામાં થોડા ગૂંચવાયા હોવાથી આ દૃશ્ય અમે અમારા વાહનમાંથી જ માણ્યું.

કાલપાના મુખ્ય આકર્ષણ સમો સૂર્યાસ્ત

આખરે હોટેલમાં ગોઠવાયા. સામે રૂમની બારીમાંથી જ આખી ગિરિમાળા દેખાતી હતી. કિન્નર કૈલાસનાં દર્શન પણ અનુકૂળ વાતાવરણ હોય તો થતા હતા. અમે અમારા રૂમના સ્લેબ પર પહોંચી ગયા અને ત્યાંથી આખું દૃશ્ય જોયું. સૂર્યાસ્ત ક્યારનો થઈ ગયો હતો, છતાં ઘણું અજવાળું હતું. એ ખ્યાલ આવી ગયો કે સવારે સૂર્ય આ ગિરિમાળાની પાછળથી ઊગશે, અને તેથી શરૂઆતમાં એ ફક્ત બાહ્યરેખા સ્વરૂપે દેખાશે. એ પછી કદાચ એક પછી એક શિખર ચમકતાં દેખાશે.
સવારે ગામમાં જવાનું નક્કી કર્યું. ભોજન લીધું અને સૂવાભેગા થયા.

બીજા દિવસે કાલપામાં થોડું ફર્યા પછી અમારે તાબો જવાનું હતું.

No comments:

Post a Comment