મૂળ કાર્યક્રમ તો હતો નડિયાદની સૂરજબા મહિલા આર્ટસ કોલેજના ઇન્કયુબેશન કોર્નરના નેજા હેઠળ 'કરત કાર્ટૂન' નામે બે દિવસીય કાર્ટૂન ચીતરવાનું માર્ગદર્શન આપતી વર્કશોપનો, જેમાં ભાગ લેવા ઈચ્છનાર વિદ્યાર્થીનીઓ નામ નોંધાવે. આ કૉલેજના આચાર્ય હસિત મહેતાએ સૂચવ્યું કે એ અગાઉ એક કાર્યક્રમ 'કહત કાર્ટૂન'નો કરીએ, જેમાં કૉલેજની તમામ વિદ્યાર્થીનીઓ ભાગ લે. હસિતભાઈ મિત્ર ખરા, પણ 'નિર્દયી પ્રીતમ' છે. તેઓ કશું સૂચવે તો પણ તામ્રપત્ર પર લખીને સૂચવ્યા જેવું હોય. એમાં આઘાપાછા થવાની તક ન હોય. એમાંય આ તો ગમતો વિષય, એટલે નક્કી કર્યું કે મંગળવારને 10 તારીખે સવારે છેલ્લા પિરીયડમાં 'કહત કાર્ટૂન' યોજવું.
બી.એ.ના તમામ વર્ષની વિદ્યાર્થીનીઓ હોંશે હોંશે હાજર થઈ ગઈ. સંખ્યા આશરે ત્રણસો. દરમિયાન 'કરત કાર્ટૂન'માં નામ નોંધાવાનું પણ ચાલુ હતું અને સંખ્યા ખાસ્સી બત્રીસે પહોંચેલી. જો કે, અમને સૌને હતું કે એક વાર 'કહત કાર્ટૂન' યોજાશે એ પછી આ સંખ્યામાં ઊછાળો આવશે. અલબત્ત, વચ્ચે એક જ દિવસ હતો.
બી.એ.ની તમામ વિદ્યાર્થીનીઓ સમક્ષ 'કહત કાર્ટૂન'ની રજૂઆત |
'કહત કાર્ટૂન'માં કાર્ટૂનકળા, એના વિષય અને કાર્ટૂનને શી રીતે માણી શકાય એની રજૂઆત થઈ. આ કાર્યક્રમનું સુખ એ છે કે એમાં 'કાર્યક્રમ કેવો રહ્યો?'નો પ્રતિભાવ કોઈને પૂછવો ન પડે. કાર્ટૂન દેખાડીએ અને તત્ક્ષણ હાસ્ય ગૂંજે એટલે પ્રતિભાવની રસીદ મળી ગઈ સમજવી.
'કરત કાર્ટૂન'ની વર્કશોપમાં |
પહેલા દિવસે કાર્ટૂન વિશે વાતો વધુ થઈ અને કાર્ટૂન વિશેની સમજણને સ્પષ્ટ કરવામાં આવી. અલબત્ત, થિયરીની રીતે નહીં, પણ ઉદાહરણ સહિત, જેથી રસ જળવાઈ રહે. છૂટા પડતી વખતે સૌને કોઈક વિષય વિચારીને કે દોરીને બીજા દિવસે આવવા જણાવાયું.
"તમારા હાથી બતાવો." |
"મારા ચહેરાનું કેરિકેચર ચીતરવું હોય તો...." |
બે દિવસીય આ વર્કશોપ પછી સૌ છૂટા પડ્યાં ત્યારે એટલું તો થયું કે હવે તેઓ એક જ વસ્તુને વિવિધ ખૂણેથી નિહાળતાં થાય એ સમજતાં થયાં.
એકાદ સપ્તાહમાં જ બીજી બૅચ થશે. એમાંય આવી જ મજા આવશે એ નક્કી છે.
કાર્ટૂન ચીતરતાં શીખવવાનો અનુભવ મારા માટે પ્રમાણમાં નવો કહી શકાય એવો છે, પણ એનો આરંભ ગુતાલ શાળાના ઉત્સાહી શિક્ષક- મિત્ર પારસ દવેના આમંત્રણથી થયો, જેને 'અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન'ના સિનીયર પી.આર.ઓ. પાર્થ ત્રિવેદીએ આગળ વધાર્યો. હવે વધુ એક વાર એ પાકું થયું. શીખવતાં શીખવતાં શીખતા જવાના આ અનુભવમાં સહભાગી સૌ મિત્રો પ્રત્યે કૃતજ્ઞતા.