Sunday, December 15, 2024

જીના ઈસી કા નામ હૈ: ઠંડીગાર સાંજે સંબંધોની ઉષ્માનો અહેસાસ

14 ડિસેમ્બર, 2024 ને શનિવારના રોજ અમદાવાદના 'સ્ક્રેપયાર્ડ' ખાતે સાંજના સાડા સાતથી 'જીના ઈસી કા નામ હૈ' કાર્યક્રમ યોજાયો. હોમાય વ્યારાવાલાની જન્મતારીખ 9 ડિસેમ્બરે હોવાથી એવી ઈચ્છા હતી કે આ મહિનામાં તેમના વિશે કાર્યક્રમ કરવો. યોગાનુયોગે એ સપ્તાહમાં જ આ કાર્યક્રમનું આયોજન થયું. અલબત્ત, લગ્નમુહૂર્તના આખરી દિવસે એ હોવાથી કાર્યક્રમમાં હાજરી મર્યાદિત રહી.

આ કાર્યક્રમમાં મૂળ વાત તો હોમાયબહેનના જીવનરસની જીવન અભિગમની કરવાની હતી, છતાં તેની પૂર્વભૂમિકા પૂરતી તેમના પૂર્વજીવનની વાત કરવી જરૂરી હતી. એ વાત કર્યા પછી તેમના વડોદરાનિવાસની, અને મારી સાથેના છેલ્લા એકાદ દાયકાના સંબંધ વિશે વાત શરૂ થઈ. હોમાયબહેનનું જીવન એવું હતું કે અનેક વાતો એમના વિશે કરવાનું મન થાય, શ્રોતાઓને મજા પણ આવે. છતાં સમયમર્યાદા જાળવવી જરૂરી. વધુમાં વધુ દોઢેક કલાકમાં કરવા ધારેલો આ કાર્યક્રમ લંબાઈને બે કલાક સુધીનો થયો, જેમાં પ્રશ્નોત્તરી પણ સામેલ હતી. તેમની બનાવેલી કેટલીક વિશિષ્ટ ચીજો સાથે લઈ ગયેલો, અને મર્યાદિત સંખ્યા હોવાથી સૌને તે હાથોહાથ જોવા આપી શકાઈ.
એ જ રીતે હોમાયબહેન સાથે અતિ નિકટથી સંકળાયેલાં મિત્રદંપતિ પરેશ અને પ્રતીક્ષા પ્રજાપતિની ઉપસ્થિતિ તેમજ તેમના કાર્યનો વાસ્તવિક પરિચય કાર્યક્રમનું અતિ લાગણીસભર પાસું બની રહ્યું.
આપણને ગમતી વ્યક્તિ વિશે જાહેરમાં વાત કરવાની હોય ત્યારે વ્યક્તિગત સંબંધોના માહાત્મ્યમાં ન સરી પડાય એનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. એ બાબત મનમાં સજ્જડપણે બેઠેલી હોવાથી કેટલીક વ્યક્તિગત વાતો આવી ખરી, પણ એ એવી હતી કે જેમાં એમનાં વ્યક્તિત્વનું કોઈ ને કોઈ પાસું છતું થતું હોય.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત મિત્રોમાંથી ઘણાખરાએ 'હોમાય વ્યારાવાલા' પુસ્તક ખરીદવામાં પણ રસ દેખાડ્યો, જે લઈને કાર્તિક શાહ બહુ પ્રેમપૂર્વક ઉપસ્થિત રહેલા.
રજૂઆત દરમિયાન એક તબક્કે હોમાયબહેન મોબાઈલ ફોન પર વાત કરી રહ્યાં છે એવી એક તસવીર આવી એ સાથે જ ડમડમબાબાના સાંસારિક અવતાર એવા બિનીત મોદીએ બહુ ગંભીરતાપૂર્વક ઊભા થઈને એમને સેલ્યુટ આપી.
કાર્યક્રમના સમાપન પછીનું અનૌપચારિક મિલન સ્ક્રેપયાર્ડની આગવી મજા છે. કબીરભાઈ
ઠાકોર અને નેહાબહેન શાહ પણ બહુ ઉત્સાહપૂર્વક એ માણે અને એમાં ભાગ લે.
હોમાયબહેન વિશે અત્યાર સુધી અલગ અલગ વર્ગના લોકો સમક્ષ વાત કરવાનું બન્યું છે, અને એ દરેક વખતે અતિ લાગણીસભર અનુભવ થતો રહ્યો છે. વધુ એક વાર એનું પુનરાવર્તન થયું.
ડિસેમ્બરની એ ઠંડી સાંજે હોમાયબહેનની ચેતનાની ઉષ્મા લઈને સૌ છૂટા પડ્યા.

'જીના ઈસી કા નામ હૈ'ની રજૂઆત

પરેશ અને પ્રતીક્ષા પ્રજાપતિની ઉપસ્થિતિ
હોમાયબહેને બનાવેલી કેટલીક ગૃહોપયોગી ચીજો પૈકીની એક
હોમાયબહેનને બહુ પસંદ એવી પોતાની તસવીર, જે એક સ્નેહીએ ખેંચેલી

(તસવીર સૌજન્ય: બિનીત મોદી અને પરેશ પ્રજાપતિ)

No comments:

Post a Comment