Saturday, February 24, 2024

નકશામાં જોયું, જાણે ન કશામાં...

શાળાકાળમાં અલંકાર ભણતી વખતે અપાતાં વિવિધ અલંકારનાં ઉદાહરણમાં યમક અલંકારનું આ ઉદાહરણ યાદ રહી ગયેલું, જે આમ તો બહુ ચવાઈ ગયેલું છે. પણ 'કહત કાર્ટૂન...'ના પાંચમા હપ્તામાં પેટાશિર્ષક તરીકે મને એ જ યાદ આવ્યું, અને એકદમ બંધબેસતું લાગ્યું. કેમ કે, વિષય હતો કાર્ટૂનમાં નકશાના ઉપયોગનો.

કાર્યક્રમની રજૂઆત દરમિયાન

23 ફેબ્રુઆરીએ સાંજે સાડા સાતે સ્ક્રેપયાર્ડમાં આ વિષયની રજૂઆત કરવામાં આવી ત્યારે ગુજરાતના નકશાથી લઈને વિશ્વના વિવિધ દેશોના નકશાઓને કાર્ટૂનમાં શી રીતે પ્રયોજવામાં આવ્યા તે બતાવવામાં આવ્યું. કાર્ટૂનમાં રમૂજ અને વ્યંગ્ય અનિવાર્યપણે હોય જ, પણ કોણ જાણે કેમ, નકશાઓ વિશેનાં કાર્ટૂન જોતાં એક જાતનો ખોફ મનમાં અનાયાસે ઊભો થતો ગયો. કેમ કે, કાર્ટૂનમાં વિવિધ કાર્ટૂનિસ્ટો નકશાઓ ક્યારે પ્રયોજે છે એનાં કારણ તપાસ્યાં તો ખ્યાલ આવ્યો કે પ્રાદેશિક વિભાજન, રાજકીય અસ્થિરતા, આર્થિક સંકટ, લશ્કરી શાસન, કુદરતી આપત્તિ જેવી વિપરીત પરિસ્થિતિઓ આ માટે જવાબદાર હોય છે, જે જરાય રમૂજપ્રેરક નથી હોતી. પરિસ્થિતિની ગંભીરતાને બરાબર પહોંચાડવા માટે કાર્ટૂનિસ્ટો તેને વ્યંગ્યમાં વીંટાળીને રજૂ કરે છે. આમાં, ખાસ કરીને સિરીયા અને ગાઝાના નકશાઓનો કાર્ટૂનમાં ઉપયોગ થયેલો જોતાં હૈયે રીતસર ચિરાડો પડી જાય.
આ વિષય વિશાળ વ્યાપ ધરાવે છે એ તો તેને હાથમાં લીધો ત્યારે જ સમજાઈ ગયેલું. સવાલ એ હતો કે એમાંથી કાર્ટૂનની પસંદગી શી રીતે કરવી. બહુ અઘરું કામ હતું, પણ ધીમે ધીમે એ સમજ સ્પષ્ટ થતી ગઈ અને આખરે એમ વિચાર્યું કે નકશાનાં કાર્ટૂનમાં વપરાયેલાં શક્ય એટલાં વૈવિધ્ય આવરી લેવાય એ રીતે પસંદગી કરવી.
સ્ક્રેપયાર્ડના સજ્જ શ્રોતાઓ એવા છે કે વાતચીત દરમિઆન તેઓ પણ પૂરક વિગતો પૂરી પાડે અને મૂલ્યવૃદ્ધિ કરે, છતાં કાર્યક્રમની રજૂઆતમાં ભંગ ન પડે. આવા શ્રોતાઓ તૈયાર કરવાનું શ્રેય કબીર ઠાકોર-નેહા શાહ દંપતિને જાય છે. તેમના ઉલટપૂર્વકના સહયોગથી હવે મનમાં કાર્ટૂન બાબતે જ નહીં, બીજા પણ અનેક વિષયો સૂઝી રહ્યા છે, જે પૈકી એકની ઘોષણા એ જ દિવસે કરી હતી. અહીં ફેસબુક પર તે ટૂંક સમયમાં કરીશું.
(ડાબેથી) શરદ રાવલ, પિયૂષભાઈ પંડ્યા, દીપક સોલિયા,
ડૉ. દુર્ગેશ મોદી, કબીર ઠાકોર, બીરેન કોઠારી,
ઉર્વીશ કોઠારી, પરેશ પ્રજાપતિ, નિખીલભાઈ રિંદાણી
દરેક વખતે કાર્યક્રમ પત્યા પછીના સવાલજવાબ અને એ પછી મિત્રમિલન આગામી કાર્યક્રમ માટેનું બળ પૂરું પાડે છે. સ્નેહી વડીલમિત્ર નિખીલ રિંદાણીએ લીધેલી કેટલીક તસવીરો આ સાથે મૂકી છે.

'કહત કાર્ટૂન...'ની પાંચમી કડીની રજૂઆત પછી એટલું જ કહેવાનું કે 'કહત કાર્ટૂન આનંદ ભયો હૈ.'

ગાઝાનો નકશો (કાર્ટૂનિસ્ટ: Mikail Ciftci)

સિરીયાનો નકશો (કાર્ટૂનિસ્ટ: Abdullah Al-darqawi)

ઓસ્ટ્રેલિયાનો નકશો (કાર્ટૂનિસ્ટ: John Ditchburn)

Friday, February 23, 2024

હમસફર દોસ્ત

આજે મિત્ર પરેશ પ્રજાપતિનો જન્મદિન છે. મહેમદાવાદનો પરેશ આમ તો મારા નાના ભાઈ ઉર્વીશ કોઠારીનો સહાધ્યાયી. તેઓ શાળામાં સાથે હતા. મહેમદાવાદમાં અમારા ઘરથી નજીક જ તેનું ઘર. ચાર ભાઈઓ અને એક બહેનનો બહોળો પરિવાર. બધાં ભાઈબહેનો અભ્યાસમાં આગળ, અને પરેશનું પણ એવું જ. પણ દસમા-અગિયારમામાં હશે એ અરસામાં ઉર્વીશને (અને મારે) પગલે તેને જૂનાં ફિલ્મસંગીતનું જંતુ કરડ્યું. સમાંતરે સાહિત્યમાં રસ પડતો થયો. બસ, એને લઈને તેની સાથેની અમારી દોસ્તી ગાઢ બનતી ચાલી. એ એવી ગાઢ બની રહી કે હવે મળીએ ત્યારે આ બે વિષયની વાત કદાચ સૌથી ઓછી થતી હશે.

બારમા પછી તેણે અમદાવાદની ભવન્સ કૉલેજમાંથી બી.એસ.સી. કર્યું ત્યાં સુધી એનો શૈક્ષણિક રેકોર્ડ એકધારો ઊંચો. અમુક હોંશિઆર છોકરાઓમાં જોવા મળે એવી કેટલીક 'સ્માર્ટનેસ' પણ કરી, જેમ કે, પોતાની નોટ્સ તે ઝટ કોઈને ન આપે, કોઈક કશું પૂછે તો સરખો જવાબ ન આપે વગેરે...ઉર્વીશ કહેતો કે એ મિત્રો આ કારણે એને 'પરીયો આડો' કહેતા. જો કે, એની ખરી પ્રકૃતિનો પરિચય એના વધુ સંપર્કમાં આવતાં થતો ગયો. ત્યારે ખબર પડી કે એ 'આડો' નહીં, પણ એકદમ 'સીધો' છે. હા, એના દેખાવમાં, શારિરીક બાંધામાં ખાસ કશો ફરક પડ્યો નથી. એ એકદમ 'સીધો' જ રહ્યો છે, 'ગોળ' નથી બન્યો.

એ સમયે અમારા મહેમદાવાદના ઘરે કેટલાક મિત્રો ભેગા થતા અને રાત્રે મોડે સુધી જૂનાં ફિલ્મગીતો સાંભળતાં. એમાં ખાસ કરીને પરેશ અને દિલીપ પંચાલ હોય જ. પરેશને અનેક જાતના સવાલ થતા, અને એ તે પૂછતો રહેતો. તેના સવાલ ઘણી વાર જિજ્ઞાસાથી નહીં, પણ સંશયથી પ્રેરિત હોય એમ અમને લાગતું. આથી અમે એનું નામ 'સંશયાત્મા' પાડેલું. તે રાતે બહુ મોડે સુધી ન બેસતો અને વહેલો નીકળી જતો. આથી અમે કહેતા, 'સંશયાત્મા વિનશ્યતિ. આ સંશયાત્મા હતો એટલે એ વહેલો 'નાશ પામ્યો.' પરેશને પણ આ વાત જણાવી એટલે એણે પૂછેલું હોવાનું યાદ છે, 'સંશય એટલે શું?' આ એની વિશેષતા.



પછીના અરસામાં મારે વડોદરા સ્થાયી થવાનું બન્યું. તેની નોકરી પણ વડોદરામાં હતી. આથી શરૂઆતના અપડાઉન પછી તે પણ વડોદરા સ્થાયી થયો. આથી તેનો સંપર્ક મારી સાથે સતત રહેતો. હવે એવું બન્યું છે કે તેને ઉર્વીશ કરતાં મને મળવાનું વધુ બને છે.

તેના પિતાજીએ ખૂબ સંઘર્ષ કરીને પોતાનાં તમામ સંંતાનોને સારું શિક્ષણ આપ્યું, જેનું ફળ અત્યારે આખો પરિવાર મેળવી રહ્યો છે. પણ સતત સંઘર્ષરત રહેવાને કારણે તેના પિતાજીની પ્રકૃતિમાં એક જાતની કરકસર જણાય, અને એનો વારસો પરેશમાં પણ ઉતરેલો જોઈ શકાય. અલબત્ત, આ બધાં એની પ્રકૃતિનાં પહેલી નજરે પડતાં છેતરામણાં પાસાં છે. જરૂરતમંદ મિત્રને કશા દેખાડા વિના મદદ કરનાર પરેશ જેવા મિત્રો જૂજ હશે.

વડોદરામાં તે શરૂ શરૂમાં અમારે ઘેર આવતો ત્યારે અમે નવાસવા રહેવા આવેલા અને ઘરમાં નાનુંમોટું કામ હોય જ. તે આવે, કંઈ પણ કામ હાથમાં લઈ લે અને એને પૂરું કરીને છોડે. એ હદે કે બાળકો રમાડવાં એને બહુ ગમે અને એ એને સારી રીતે આવડે પણ ખરું. એટલે શચિ કે ઈશાન નાનાં હોય તો એમને પણ રમાડે અને આનંદ અપાવે.

અમે પ્રવાસ માટે યોગ્ય જોડીદારની શોધ આરંભી ત્યારે પહેલું નામ પરેશનું યાદ આવ્યું. એની સાથે વાત કરી, અને કેટલીક આગોતરી સ્પષ્ટતાઓ પણ. જેમ કે, આ પ્રવાસમાં આપણે સાથે જઈએ, અને કોઈ કારણસર આપણી વચ્ચે મનદુ:ખ થાય તો ફરી સાથે નહીં જવાનું. કેમ કે, મિત્રતા વધુ મહત્ત્વની છે. અને માનો કે મનદુ:ખ ન થયું, તો ફરી વાર સાથે જવાનું. અને પ્રવાસેથી પાછા આવીને નિખાલસતાથી વાત કરીને નક્કી કરવાનું કે હવે પછીનો પ્રવાસ સાથે કરવો છે કે કેમ. પહેલવહેલા પચમઢીના પ્રવાસથી શરૂ કરીને ગોવા, દાપોલી-ગુહાગર (કોંકણ), ગ્રહણ (હિમાચલ પ્રદેશ), ભંડારદરા (મહારાષ્ટ્ર), ડેલહાઉસી, મુન્સિયારી (ઉત્તરાખંડ), સાપુતારા જેવાં સ્થળોએ અમે એક તબક્કે નિયમીતપણે પ્રવાસ કર્યા. અને ગયે વરસે લદાખ પણ સાથે ગયાં. એમ કહી શકાય કે અમને એકમેકની મર્યાદાઓ ફાવી ગઈ છે.

પરેશનું વ્યક્તિત્વ એવું છે કે પરિવારના સહુ કોઈને એ પોતાનો લાગે. મારાં મમ્મી અને કામિની તો બરાબર, પણ મારાં સંતાનો શચિ અને ઈશાનનેય એની સાથે મજા આવે. તેનાં પરિવારજનોમાં પત્ની પ્રતીક્ષા અને સંતાનો સુજાત તેમજ દીકરી મલક અમારા તમામ પ્રવાસમાં સાથે હોય જ. હવે તો સુજાત સરકારી નોકરીએ લાગ્યો છે અને ઊંચા હોદ્દે છે. એની સાથે પણ અમારી મિત્રતા કેળવાઈ રહી છે એ આનંદની વાત છે.

પરેશ એટલો નિષ્કપટ છે કે એના મનમાં કોઈના અહિતનો વિચાર ભાગ્યે જ આવી શકે. મદદ માટે એ સદાય તત્પર રહે અને એની લાગણી એકદમ સાચુકલી. મેં મારી સલામત નોકરી છોડીને લેખનક્ષેત્રે પ્રવેશ કર્યો એ વખતે તેણે મને કહેલું કે ક્યારેય પૈસાની જરૂર પડે તો મને કહી દેજે. મૂંઝાતો નહીં. અને આ માત્ર કહેવા ખાતર નહીં. અમુક સંજોગોમાં તો એ રીતસર પ્રેમાગ્રહ કરે કે તારે જરૂર હશે જ, પણ તું કેમ કહેતો નથી.

પરેશને સંગીત, સાહિત્ય વગેરેમાં રસ ખરો, પણ એની પ્રાથમિકતા પરિવારની- બૃહદ પરિવારની. હું ઘણી વાર મજાકમાં કહું કે 'તારું 'વસુધૈવકુટુમ્બકમ્' કરતાં ઉંધું છે. એમાં 'પૃથ્વીને કુટુમ્બ' ગણવાની વાત છે, પણ તારા માટે 'કુટુમ્બ એ પૃથ્વી છે.'

હોમાયબહેનનાં અસ્થિનું વિસર્જન કરી રહેલાં પરેશ અને પ્રતીક્ષા
હોમાય વ્યારાવાલા સાથે મારો પરિચય થયો એ પછીના અરસામાં પરેશે તેમનાથી નજીક મકાન બનાવેલું. આથી એ બન્નેનો પરિચય મેં કરાવ્યો. એટલા માટે કે એ નજીક હોવાથી હોમાયબહેનને તાત્કાલિક કશી જરૂર હોય તો એ જઈ શકે. એ ગઠબંધનનો આરંભ મારી ધારણાથી સાવ વિપરીત થયો. બેય એકમેકના વલણ વિશે મને ફરિયાદ કરતાં. ધીમે ધીમે એ અભિગમ એવો બદલાયો કે બેયને એકમેક વિના ચાલે નહીં. એ વિશિષ્ટ સંબંધની વિગતે વાત પરેશે પોતાની કલમે 'સાર્થક જલસો'ના પાને આલેખી છે, જે વાંચીને તમારી જાણબહાર આંંખો ભીની થઈ જાય. હોમાયબહેને પોતાના વીલમાં લખ્યું કે એમનું મકાન વેચવાનું હોય તો સૌ પહેલાં પરેશને એ માટે પૂછવું અને એ ઈચ્છે તો એને અમુક કિંમતે આપવું. હોમાયબહેનના હૃદયમાં આ સ્થાન એણે પોતાની લાયકાત પુરવાર કરીને પ્રાપ્ત કર્યું હતું. હોમાયબહેને વાતવાતમાં એક વાર એની સમક્ષ પોતાનાં અસ્થિનું વિસર્જન ગંગામાં કરવાની વાત કરેલી, પણ પછી બોલી ઉઠેલાં, 'પણ એ બધું કોણ કરે?' એમને ખબર નહીં કે એ 'કોણ' એમની સામે જ બેઠેલો છે. હોમાયબહેનના અવસાન પછી પરેશને હરિદ્વાર જવાનું બન્યું ત્યારે પૂરી શ્રદ્ધાથી એણે હોમાયબહેનની એ ઈચ્છા પૂર્ણ કરી.

હોમાયબહેન સાથે(ઊભેલાં ડાબેથી): સબીના ગડીહોક, પરેશ,
પ્રતીક્ષા, ઈશાન(બેઠેલાં ડાબેથી) બીરેન (સાથે ઉભેલી મલક),
હોમાયબહેન અને કામિની

ફોન પર અમારો સંપર્ક નિયમીત, અને મળવાનું પણ એવું જ. મારાં અવનવા કામમાં એ જેન્યુઈન રસ લે, પૂછપરછ કરે, અને મદદની તત્પરતા દેખાડે. 'કહત કાર્ટૂન'ના અત્યાર સુધીના એકે એક કાર્યક્રમમાં તે ઉલટથી હાજર રહ્યો છે, અને જરૂરી સૂચન પણ આપતો રહ્યો છે.

સ્વભાવે તે અત્યંત સંવેદનશીલ અને લાગણીશીલ. આથી અમુક વાર બહુ મજા આવે. એક વાર તેના કોઈક વલણ બાબતે મેં કહ્યું કે 'તારું વલણ દયાથી નહીં, કરુણાથી પ્રેરિત છે.' એટલે એણે એની અસલ 'સંશયાત્મા' શૈલીએ પૂછ્યું, 'એ બે વચ્ચે ભેદ શો?'

એ હકીકત બહુ જ સંતોષ આપનારી લાગે કે તેને ઘેર જઈએ એટલે પ્રતીક્ષા તરફથી પણ એવો જ હૂંફાળો આવકાર મળે. એ ઘર મારું જ ઘર હોય એમ લાગે. આ ભૂમિકા બહુ અઘરી હોય છે, અને પ્રતીક્ષાએ એ બરાબર નિભાવી છે.

શચિ નાની હતી ત્યારે હું એના મોંએ ધરાર 'પરેશકાકા'ને બદલે 'પરીયાકાકા' કહેવડાવતો. મને આજે પણ 'પરીયો' સંબોધન જ વધુ ઉચિત લાગે છે. હવે જો કે, એ સુજાત માટે યોગ્ય કન્યાની શોધમાં છે અને એ શોધ પૂરી થશે ત્યારે મારે લોકલાજે (વેવાઈલાજે) એને 'પરેશ' કહેવું પડશે એમ લાગે છે. એમ નહીં કરું તો મને ડર છે કે એના (ભાવિ) વેવાઈ પણ એને 'પરીયાભાઈ' કહેવા લાગે. કેમ કે, એનું વ્યક્તિત્વ જ એવું મૈત્રીપૂર્ણ છે કે સામાવાળાને એવી લાલચ થઈ આવે.

મારા, અમારા આ મિત્રને જન્મદિનની શુભેચ્છાઓ, અને એવી કામના પણ ખરી કે હજી અનેક પ્રવાસ અમારે સાથે કરવાના થાય.

Wednesday, February 21, 2024

કવિતાબવિતા


માતૃભાષામાં વાતો બે-ચાર કરીએ,
માતૃભાષા પર થોડો ઉપકાર કરીએ,
ગુજરાતી ગુજરાતમાં મરી રહ્યાની ચર્ચા,
ગુજરાતીમાં કરીને સમય પસાર કરીએ,
માના વિકલ્પે માસી? અંગ્રેજી વિરુદ્ધ ગુજરાતી?
છાપું ગુજરાતી લઈ ચા ને ઉપાહાર કરીએ.
અંગ્રેજી આવડે નહીં, ગુજરાતી ગમતું નથી,
માતૃભાષાનો બેડો આજે પાર કરીએ.

(સેલ્ફરચિત હોવાથી છંદદોષ ન જોતાં પોએટ શું કહેવા માગે છે એ સમજવા ટ્રાય કરવો.)

Sunday, February 11, 2024

'કહત કાર્ટૂન...' એક જુદા જ વર્ગ સમક્ષ

શનિવાર, 10 ફેબ્રુઆરી, 2024ની સાંજે અમદાવાદના લૉ ગાર્ડન પાસે આવેલા 'નિર્માણ ભવન'માં 'ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઑફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ્સ'ના યજમાનપદે 'કહત કાર્ટૂન...' કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જે કેવળ નિમંત્રીતો માટે હતો. મિત્ર ઉષ્માબહેન શાહે સંયોજકની ભૂમિકા અદા કરીને આ કાર્યક્રમને શક્ય બનાવ્યો હતો. અત્યાર સુધી મેં રજૂ કરેલા કાર્ટૂન માણવાના કાર્યક્રમ કરતાં આ ઉપક્રમ સહેજ અલગ રાખવો એમ મારા મનમાં હતું. કેમ કે, અહીં પ્રેક્ષકવર્ગ પૈકીના મોટા ભાગના આ સંસ્થાના સભ્ય હતા, એટલે કે તેઓ સિવિલ એન્જિનિયર કે આર્કિટેક્ટ હતા.

સૌ પ્રથમ કાર્ટૂન કોને ન કહેવાય, એ પછી કાર્ટૂનકળાનાં મુખ્ય અંગો વગેરે વિશે ઉદાહરણસહિત વાત થયા પછી રજૂઆતનો મુખ્ય વિષય હતો 'કયા કયા વિષય પર કાર્ટૂન બનાવી શકાય?' સૃષ્ટિના આરંભને વ્યંગ્યાત્મક રીતે દર્શાવતા કાર્ટૂનથી શરૂ કરીને વિવિધ આદિમ યુગ, ઉત્ક્રાંતિના તબક્કા, મહાન સંસ્કૃતિઓ, વૈજ્ઞાનિક શોધ પર બનાવાયેલાં કાર્ટૂનોની ઝલક પછી પ્રવર્તમાન વિષયોને દર્શાવતાં કેટલાંક કાર્ટૂન બતાવવામાં આવ્યાં. સૌથી છેલ્લે, જાત પર હસવું જરૂરી છે એ બાબતને ધ્યાનમાં રાખીને લેખનના તેમજ સિવિલ એન્જિનિયરિંગ તથા આર્કિટેક્ચરને લગતાં કાર્ટૂન બતાવાયાં. લગભગ સવા કલાકના આ વાર્તાલાપ પછી વારો હતો પ્રશ્નોત્તરીનો. તેમાં પણ અનેક વિગતોની આપલે થઈ.
કાર્યક્રમ દરમિયાન હાસ્યની છોળો ઉછળતી રહી. ખાસ કરીને પોતાના વ્યવસાય પરનાં કાર્ટૂનમાં સૌને ખૂબ મજા આવી. કાર્યક્રમ પૂરો થયા પછીની અનૌપચારિક વાતચીતમાં એવો પણ ઉલ્લેખ થયો કે, 'તમે પેલું કાર્ટૂન બતાવ્યું એવી જ પરિસ્થિતિ એક વાર અમારે સર્જાઈ હતી.' સંસ્થાના કાર્યક્રમ દરમિયાન સામાન્ય રીતે તેના હોદ્દેદારો ભારમાં રહેવા પ્રયત્ન કરતા હોય છે, પણ કાર્ટૂન વિશેનો કાર્યક્રમ હોય ત્યારે કશા આયાસ વિના જ સૌ હળવાશમાં હોય છે. તેને કારણે રજૂઆત દરમિયાન નાની નાની રમૂજ થઈ શકે એમ છે અને એ અહીં સૌ માણી શકશે એવો વિશ્વાસ પેદા થાય છે, જેને કારણે કાર્યક્રમ વધુ રસપ્રદ બની શકે છે.
દર મહિને સ્ક્રેપયાર્ડમાં યોજાતો 'કહત કાર્ટૂન...' કાર્યક્રમ એક રીતે જોઈએ તો કાર્ટૂનકળાનાં પગથિયાં ઉત્તરોત્તર ચડતા જવાનો કાર્યક્રમ છે, જ્યારે આ પ્રકારના કાર્યક્રમનો ઉપક્રમ મુખ્યત્વે કાર્ટૂનકળાથી પરિચીત થવાનો છે. આ કાર્યક્રમના આયોજન સાથે સંકળાયેલા ઈન્સ્ટિટ્યૂટના હોદ્દેદારો મુકેશભાઈ, બકુલભાઈ, વિકાસભાઈ, સૌરીનભાઈ, ગિરીશભાઈ, પ્રવિણભાઈ તેમજ સૌ કોઈનો આભાર.
મારા આમંત્રણને માન આપીને શરદભાઈ રાવલ, નિતીનભાઈ પટેલ, અજય અને રશ્મિકા પરીખ, ઈશા અને વિક્રમ પાઠક, હર્ષદભાઈ શાહ, જૈનિક અને પરેશ પ્રજાપતિ જેવા મિત્રો ઉપસ્થિત રહ્યાં એનો વિશેષ આનંદ.

કાર્યક્રમના આરંભ પહેલાં...


કાર્યક્રમ પહેલાં પૂર્વભૂમિકા બાંધતાં ઉષ્માબહેન

વિવિધ કાર્ટૂનની રજૂઆત

ઉપસ્થિત સભ્યો