Saturday, December 10, 2022

ભૂતકાળ કે ભૂતાવળ?

ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે કે જેના મનમાં ટ્રેન, રેલવે સ્ટેશન તેમજ તેની ફરતેની ગતિવિધિઓ બાબતે કુતૂહલ ન હોય. આ કુતૂહલ ઘણી મોટી ઉંમરે પણ યથાવત રહેતું હોય છે. અનેક ગામ-નગરોમાં રેલવે સ્ટેશન એક માત્ર 'ફરવાનું' સ્થળ હતું. સાંજ પડ્યે ત્યાં લોકો ટહેલવા આવતા. અમારા મહેમદાવાદના રેલવે સ્ટેશનનો દરજ્જો પણ આવો જ હતો. અલબત્ત, એ અમદાવાદ-મુંબઈની મુખ્ય રેલવે લાઈન પર આવેલું હોવાને કારણે અહીં ટ્રેનોની અવરજવર સતત રહેતી. તેની સરખામણીએ 'નાનાં' સ્ટેશનો પર એ મર્યાદિત રહેતી. મારા મોસાળ સાંઢાસાલમાં નેરોગેજ રેલવે હતી. અહીં દિવસમાં ચાર વખત ટ્રેન આવતી. બે વખત જાય અને બે વખત પાછી આવે. ટ્રેનનો સમય થાય એટલે એ સુસ્ત દેખાતું સ્ટેશન આળસ મરડીને બેઠું થતું લાગે. અને ટ્રેનના ગયા પછી જાણે કે ફરી પાછું નિદ્રામાં સરી પડતું હોય એમ લાગે. સાંઢાસાલ સ્ટેશને વરાળ એન્જિન પાણી ભરવા માટે રોકાતું. આ સ્ટેશન પર પ્લેટફોર્મ તો હોય જ ક્યાંથી! પણ અહીં રેતીના ઢગ રહેતા. સંભવત: કશા કામ માટે એ રેતી લાવવામાં આવી હશે. સાંજ પડ્યે અમે સૌ સ્ટેશને જતા અને રેતીના ઢગ પર બેસતા. પછીનાં વરસોમાં, નેરોગેજ રેલવે બંધ થયા પછી સાંઢાસાલ જવાનું થયું ત્યારે અમે ખાસ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. જાણે કે ઈતિહાસનું કોઈ ફાટેલું પૃષ્ઠ ચોળાઈને રસ્તા પર પડ્યું હોય એવી એની દશા જોઈને ખિન્નતા અનુભવી હતી.
                હમણાં પીજ આગળથી પસાર થવાનું બન્યું ત્યારે તેના રેલવે સ્ટેશન તરફ નજર ગઈ એટલે અમે વાહન ઊભું રાખીને ઉતર્યા અને સ્ટેશને લટાર મારી. સવારનો સમય હતો અને તૂટેલા બાંકડા પર બે સજ્જનો બેઠા બેઠા વાત કરી રહ્યા હતા. તેઓ નજીકમાં રહેતા હતા અને 'સમય પસાર કરવા' અહીં આવીને બેસતા હતા. પણ રેલવે સ્ટેશનની દશા જોઈને મને સાંઢાસાલનું રેલવે સ્ટેશન યાદ આવી ગયું. રોડ વ્યવહાર નહોતો એવે સમયે ટ્રેન એક માત્ર સુલભ માધ્યમ હતું, જેના થકી લોકો અવરજવર કરતા. ભાડું સાવ સસ્તું. એક ટ્રેન સાથે અન્ય મોટા સ્ટેશનની બીજી કોઈ ટ્રેન સાથે યા બસ સાથે 'કનેક્શન' રહેતું. જેમ કે, અમે મહેમદાવાદથી 'ભોપાલ પેસેન્જર'માં બેસીને વડોદરા થઈ સમલાયા ઊતરીએ ત્યારે એ ટ્રેનના મુસાફરોની રાહ જોતી નાની ગાડી ઊભેલી હોય. ભોપાલ પેસેન્જરના મુસાફરોને લઈને એ ઊપડતી.
           વરાળના એન્જિનનો અમુક ગતિમાં આવતા લયબદ્ધ અવાજમાં લોકો પોતપોતાની સમજ મુજબ શબ્દો ગોઠવતા. મારાં મમ્મી કહેતાં કે એ લોકો 'છ છ પૈસે ડબલ ભાડું, ઉતર નહીં તો ધક્કો મારું' એમ બોલતાં.
            નેરોગેજ હવે તો નામશેષ થઈ ગઈ છે, અને આ પીજ સ્ટેશને તો એના પાટા પણ કાઢી લેવામાં આવ્યા છે, જે હજી અન્ય અમુક જગ્યાએ જોવા મળે છે. એક સમયે ગામથી દૂર ગણાતા સ્ટેશનની આસપાસ હવે 'વિકાસ' પહોંચી ગયો છે. આમ છતાં, આ પીજ સ્ટેશન એના પ્રવેશ તરફથી કેવું રળિયામણું લાગે છે! આવી લુપ્ત થયેલી સંસ્કૃતિને સૂઝપૂર્વક જાળવી રાખવામાં આવે, એને પ્રવાસીઓ માટેનું આકર્ષણ બનાવવામાં આવે તો ભૂતકાળના એ કાળખંડની ઝાંખી મળી રહે. જો કે, એ આશા રાખવી વ્યર્થ છે.
         અનેક અનેક લોકોના જીવન સાથે જોડાયેલી કેટલીય કથાઓ અહીં ધરબાયેલી પડી હશે, જે કદી બહાર આવશે કે કેમ એ સવાલ છે! આવાં નેરોગેજ સ્ટેશનો કેવળ ભૂતાવળ બનીને રહી ગયાં છે! 

(ભૂતાવળ= ભૂતોનું ટોળુંં )


પીજ સ્ટેશન તરફ જતાં

પ્રવેશતાં ડાબી તરફ ટિકીટબારી 

ટિકિટબારીએથી સ્ટેશન તરફ મૂકાયેલો બાંકડો 

સ્ટેશનની અંદરની તરફ મુસાફરોને ઉભા રહેવા માટેનો શેડ 

પાટા તરફથી દેખાતું સ્ટેશન 

ક્યારેક અહીં નેરોગેજના પાટા હતા 

ટિકિટબારીની સામેની બાજુએ આવેલો
બાંકડો અને પરબ 

ટિકિટબારી અને સ્ટેશન માસ્ટરની ઑફિસ 

ટિકિટબારી અને સ્ટેશન માસ્ટરની
ઑફિસનો અંદરનો ભાગ 
                                              
સ્ટેશનની ઓળખ સમી અણિયાળી રેલિંગ  

(તમામ તસવીરો: બીરેન કોઠારી) 

3 comments:

  1. Very nice information.....

    ReplyDelete
  2. Pij was on my radar when we were requesting a TV relay center for Valsad in early 80s. We thought it was an influential town to have its own TV broadcasting! History and memory-that is the life..

    ReplyDelete
  3. એ સમયનાં રેલ્વે સ્ટેશનોની મુલાકાતો ખરેખર અવનવો અવસર બની રહેતો.


    મને પણ મારાં બાળપણમાં ભુજ્નાં રેલ્વે સ્ટેશને 'ફરવા' જવાની થ્રિલ યાદ આવી ગઈ.


    એ સમયે તો રેલ્વે સ્ટેશન એટલું દુર ગણાતું કે અમારી ટોળી ત્યાં રખડવા જવાનું નક્કી કરે એ જ એક મોટો પ્રોજેક્ટ બની રહેતો. આવવા જવામાં જ એકાદ કલાક ચાલ્યો જતોઽમુક વિસ્તાર સુધી તો વસ્તી પણ હતી એટલે એ અમારી આવનજાવન ટૉળીનાં કોઈ પણ પરિચિત નજરે કેમ ન પડી જાય,  એ બધો સમય અમારાં રમતનાં સ્થળોએ પણ અમારી ગેર્હાજરી એવાં કોઈ પરિચિતોની નજરે કેન પડી જાય જેવ આનેક પ્રશ્નોના અમે કેમ ઉપાયો શોધ્યા હશે એ યાદ નથી આવતું.


    સ્ટેશને પહોંચીને પહેલું કામ એંજિન સર્વિસિંગ લોકોશેડની લપાઈ છુપાઈને મુલાકાતે જવાનું થતું. દિઅવસની એક જ ટ્રેન આવતી જતી એટલે ત્યાં કાઇ સમારકામ ચાલતું હોય તે તો સંભવિત જ નહોતું, પણ તેમ છતાં એ મુલાકાતની ઉત્સુકતા હંમેશાં રહેતી ..


    તે પછી મોટું કામ રેલ્વેના પાટાઓની વચ્ચે જઈને ઊભા રહેવાનું હતું.  પછી પાટ એપાટે ચાલીને બાજુમાં જ મુખ્ય ધોરી માર્ગ માટેનું એક ક્રોસિંગ હતું ત્યાંથી ફરી પરત ફરવાનો રસ્તો પકડી લેવાનૂં થતું

    ReplyDelete