Sunday, December 4, 2022

પ્રોફેસર આત્મારામ અને સેલ્ફ ડિપેન્‍ડન્‍સ સર્વિસ


કેટલીક વ્યક્તિઓ અને તેમને જીવનમાં સતાવ્યા કરતી કેટલીક સમસ્યાઓ:

- પોતાની કુંડળીના ગ્રહો વાંકા છે, અને જ્યોતિષીઓએ જે ભાખ્યું એનાથી સાવ ઊલટું જ થયું. આથી લગ્ગુ શેઠ કોઈકની કુંડળી 'વેચાતી' લઈને પોતાના નામે કરાવવા નીકળ્યા છે.
- સુખદેવ કાટપીટીયાની ઘરરખ્ખુ પત્ની મધુ સામે એક જ ફરિયાદ છે કે એ પોતાના પૂર્વ પ્રેમી લાખેન્દ્ર જીનગરને ભૂલી શકતી નથી.
- ટાન્ઝાનિયાથી આવેલો એક અતિ ધનવાન નબીરો પોતે ઉતરેલો એ હોટેલની રિસેપ્શનિસ્ટ કોમલ મીઠાણીની 'સેવા' માંગે છે, પણ એ ન મળતાં એ બરાબર ધૂંધવાય છે.
- એક કૉલ સેન્ટરમાં કામ કરતા કલ્યાણસિંહ શાર્દૂલસિંહ શેખાવત નોકરીના ભાગરૂપે પોતાને સાંભળવા મળતી ગાળોથી પરેશાન થઈ ગયા છે.
- આર્થિક ગોટાળો કરેલા એક માણસની કપિલ સૂબા હત્યા કરવા ઈચ્છે છે.
- બીજા તબક્કાના બ્રેસ્ટ કેન્સરના નિદાનવાળી એક સ્ત્રી જીવનથી હારી ગઈ છે.
આવા બીજા પણ અનેક લોકો છે અને તેમની પોતીકી, તીવ્ર સમસ્યાઓ છે. આ સૌને પોતાની સમસ્યાનો ઊકેલ એક જ વ્યક્તિમાં દેખાય છે. એ છે 'સેલ્ફ ડિપેન્ડન્સ સર્વિસ'વાળા પ્રોફેસર આત્મારામ.
પ્રોફેસર આત્મારામ છે કોણ? મોટીવેશનલ થીન્કર કે સ્પીકર? લાઈફ કન્સલ્ટન્ટ? ચિંતક? આમાંનું કશું જ નહીં. આમ તો એ સામાન્ય, અને અમુક વાર તો અતિ સામાન્ય જણ લાગે, પણ એ મનોવિજ્ઞાનના ઊંડા અભ્યાસી છે. મનુષ્યના મનના પેટાળમાં કયા પ્રવાહો ચાલી રહ્યા છે એનો તાગ તેઓ લઈ શકે છે, પોતે કોઈ જાણકાર હોવાની ભૂમિકા રચ્યા વિના!
સમસ્યા લઈને આવનાર વ્યક્તિને પૂરેપૂરા જોશથી, તેની 'હા'માં 'હા' મિલાવીને તેઓ તેને સમર્થન આપે છે, અને ધીમે ધીમે એ રીતે તેના વિચારને પલટાવીને તેની સમસ્યાને ઊકેલી આપે છે કે એ વ્યક્તિને એમ જ થાય કે સમસ્યા પણ પોતે જ ઊકેલી છે, પ્રોફેસરે નહીં!
પ્રોફેસરની કન્સલ્ટિંગ ફી કશી નથી. ક્યારેક તો એ પોતાના ખર્ચે ચા પીવડાવે છે. એમનો રસ છે માણસમાં. માણસના મનમાં.
પ્રોફેસર આત્મારામનું આ પાત્ર વાસ્તવમાં રજનીકુમાર પંડ્યાએ સર્જેલું છે. જીવનલક્ષી હોવા છતાં એ કેવળ કિસ્સા કે બોધદાયક લખાણ બની રહેવાને બદલે નકરી વાર્તા છે. એમાં રમૂજનો આંતરપ્રવાહ છે, રસપ્રદ સંવાદો છે, ચિત્રાત્મક વર્ણન છે, અને આ બધા ઉપરાંત એ પૂરેપૂરી વાર્તા છે. રજનીકુમાર જેમને પોતાના (વાર્તાલેખનના) ગુરુ માનતા એવા (હવે સ્વ.) મહમ્મદ માંકડે રજનીકુમારને લખેલું, 'તમે તમારાં પાત્રોને ઊભાં ને ઊભાં ચીરી નાંખો છો!' પોતાનાં પાત્રોનાં મનના અતળ ઊંડાણને તાગીને વાચકો સમક્ષ મૂકવું રજનીકુમાર માટે સહજ છે.
પ્રોફેસર આત્મારામવાળી વાર્તાઓ લખાતી હતી ત્યારે જ એવી ઈચ્છા હતી કે એનો અલગ સંગ્રહ થવો જોઈએ. આનંદની વાત છે કે તાજેતરમાં 'ઝેન ઓપસ' દ્વારા પ્રકાશિત, રજનીકુમારની હાસ્યવાર્તાઓના સંગ્રહ 'તીરછી નજર'માં 19 હાસ્યવાર્તાઓની સાથોસાથ, 'આત્મારામની અદાલતમાં' નામના અલગ વિભાગ હેઠળ આવી 14 વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 'આત્માની અદાલત' રજનીકુમારના એક વાર્તાસંગ્રહનું નામ છે. (જે પણ શીઘ્રપ્રકાશ્ય છે.)
પ્રોફેસર આત્મારામની વાર્તાઓ વાંચતાં વાંચતાં પહેલો ભાવ રમૂજનો આવે, ધીમે ધીમે તેની ગંભીરતા મનમાં બેસે, અને એની સાથે તેમાંથી ઉપસતા મનોભાવ તેમજ વાર્તાતત્ત્વ એ રીતે ઉઘડે કે અજવાળું અજવાળું થઈ જાય! એવો પણ સવાલ થાય કે પ્રોફેસર આત્મારામ એના સર્જક રજનીકુમારની પ્રતિચ્છાયા તો નહીં હોય ને!

3 comments:

  1. Please provide the source to purchase this book. Thanks.

    ReplyDelete
    Replies
    1. હીરેનભાઈ, આપ આ પુસ્તક અહીંથી મંગાવી શકશો. https://www.bookpratha.com/Product_listing?authorid=60302

      Delete
    2. Thank you Sir…

      Delete