Sunday, June 12, 2022

ગ્રાફિક નોવેલ વિશે

 ગ્રાફિક નોવેલનું સ્વરૂપ પ્રમાણમાં નવું, અને ગુજરાતીમાં તો સાવ નવું કહી શકાય. કૉમિક્સથી આપણે સૌ પરિચીત છીએ, તેનું જ આ વિસ્તારેલું સ્વરૂપ કહી શકાય. આમ છતાં, કૉમિક્સ કરતાં તે અલગ પડે છે તેમાં આવતા 'નોવેલ' શબ્દને કારણે. કૉમિક્સ કરતાં ઘણી વધુ લંબાઈ ધરાવતા આ સ્વરૂપમાં આખી કથા સંબંધિત ચિત્રો સાથે, સંવાદ સ્વરૂપે આગળ વધે છે.

છેક યુવાવસ્થા સુધી 'અમર ચિત્રકથા'ઓનો આસ્વાદ આકંઠ લીધા પછી મને તેમાં રહેલી કથા જેટલાં જ, અથવા તેના કરતાં વધુ યાદ રહી ગયાં હોય તો એ હતાં તેનાં ચિત્રો.
આથી 'બુકશેલ્ફ' દ્વારા ગ્રાફિક નોવેલના અનુવાદનો પ્રસ્તાવ આવ્યો ત્યારે કેવળ વ્યાવસાયિક કામ લેખે જ નહીં, પણ એક જુદા જ સ્વરૂપને ગુજરાતીમાં ઉતારવાની કવાયત તરીકે તેને સ્વીકાર્યો. મારા ઉપરાંત ભાઈ રાજ ભાસ્કર પણ આ કામ કરવાના હતા. આરંભે બે ગ્રાફિક નોવેલ મારા ભાગે આવી, જે બન્ને જીવનકથાઓ હતી. 'અમર ચિત્રકથા'ની તરાહ પર, પણ એનાથી સાવ જુદા સ્તરે તેને વાંચવાની ખૂબ મઝા આવી. સાથે સાથે તેનો અનુવાદ શી રીતે કરતા જવો એ પણ મનમાં બેસતું ગયું.
ડૉ. બાબાસાહેબ આંબેડકર વિષેની ગ્રાફિક નોવેલ Ambedkar: India's Crusader for Human Rights નું સ્વરૂપ આત્મકથાનક હતું, એટલે કે બાબાસાહેબ પોતે જ પોતાની વાત જણાવતા હોય એ પ્રકારનું. આ સ્વરૂપમાં અનુવાદ કરવાનો મારો પહેલવહેલો અનુભવ હતો. આ પ્રકારમાં લેખક/લેખિકા જેટલું જ મહત્ત્વ ચિત્રકારનું છે, કેમ કે, આખી કથા ચિત્રપટ્ટી સ્વરૂપે જ આગળ વધતી જાય છે.





અનુવાદ વેળા એ પણ સમજાયું કે આને માત્ર બાળકો માટેના વાંચન પૂરતું મર્યાદિત હોવાનું સમજવાની ભૂલ કરવા જેવી નથી. કેમ કે, આશરે 176 પાનામાં પથરાયેલું આ પુસ્તક કથાનાયકના જીવનની મોટા ભાગની મુખ્ય ઘટનાઓને સ્પર્શી લે છે. આથી મોટેરાંઓને પણ તેમાં એટલો જ રસ પડી શકે એમ છે. કથાની સાથોસાથ ચિત્રોને માણતા જવાની મઝા જુદી જ છે. ગયા વરસે પૂર્ણ થયેલા અનુવાદ પછી તેને પ્રકાશિત કરવાનું આયોજન થઈ રહ્યું હતું કે વચ્ચે લૉકડાઉન આવી ગયું. આખરે 2020ના અંતમાં 'બુકશેલ્ફ' દ્વારા ચાર અનુવાદિત ગ્રાફિક નોવેલ પ્રકાશિત કરવામાં આવી છે- ગાંધી, આંબેડકર, અબ્દુલ કલામ અને રાણી લક્ષ્મીબાઈ.
પહેલા તબક્કાના આ પ્રકાશન પછી વધુ ગ્રાફિક નોવેલનું પ્રકાશન કરવાનું આયોજન છે.
ડૉ. આંબેડકરના જીવન વિશેની આ ગ્રાફિક નોવેલના મૂળ લેખક કિરણ મૂર છે, અને ચિત્રકાર છે સચીન નાગર.
આ પુસ્તક મેળવવાની લીન્ક: http://www.gujaratibookshelf.com/AMBEDKAR-BHARATMA-MANAV...

****
અબ્દુલ કલામના જીવન પર આધારિત આ પુસ્તક APJ ABdul Kalam: One Man, Many Missions ના મૂળ લેખિકા નલિની રામચંદ્રન છે, જ્યારે તેના ચિત્રકાર રાજેશ નાગુલકોન્ડા છે.
ગ્રાફિક નોવેલમાં કથાનું મુખ્ય સ્વરૂપ સંવાદોનું હોય છે. તેનો અનુવાદ કરવામાં વાંધો ન આવે, પણ ખરી મઝા વિવિધ ધ્વનિ માટેના અંગ્રેજી શબ્દોનું ગુજરાતીકરણ કરવાની છે. અંગ્રેજીમાં એ માટે મોટે ભાગે નિર્ધારીત શબ્દો ચલણમાં છે, જેમાં મોટે ભાગે જે તે ક્રિયાપદને જ લખવામાં આવે છે. ગુજરાતીમાં એ નીપજાવવા પડે એમ છે. જેમ કે, શિક્ષક વિદ્યાર્થીને સોટી મારે છે એવા ચિત્રમાં 'Whip' લખવામાં આવે છે, જેનું ગુજરાતી 'સટાક' કર્યું. વિસ્ફોટ માટે 'Boom' શબ્દ લખાય છે, તેને 'ધડામ' કર્યો. અચાનક ફસડાઈ પડતા હેલીકોપ્ટર માટે 'Crash' શબ્દ લખાયેલો હતો. ગુજરાતીમાં તેને 'ઢર્રર્રર્રર્ર' લખ્યો. અમુક કિસ્સામાં તો આ અવાજ કેવા હશે એ વિચારીને મનોમન બોલવા પડે, ક્યારેક કોઈક મિત્ર સાથે એ વિશે વાત પણ કરવી પડે અને એ યોગ્ય લાગે તો આ રીતે લખાય. કામ કરતાં આવતી આવી નાની નાની મજાઓની વાત જ જુદી.






ગયા વરસે કરેલા અનુવાદ પછી હવે તેનું પ્રકાશન આ વરસે થઈ શક્યું તેનો આનંદ. પ્રથમ તબક્કામાં ચાર ગ્રાફિક નોવેલ પ્રકાશિત કરવામાં આવી છે- ગાંધી, આંબેડકર, અબ્દુલ કલામ અને રાણી લક્ષ્મીબાઈ.
રસ ધરાવનારા માટે પુસ્તક મંગાવવા માટેની લીન્ક:

No comments:

Post a Comment