'પર્બત કે ઉસ પાર....' અનેક રીતે વાપરી શકાય. પેલે પારની વિશાળ, છતાં અજાણી દુનિયા માટે મોટે ભાગે આ શબ્દપ્રયોગ વપરાય છે. બદ્રીનાથમાં ચરણપાદુકા નામનું સ્થળ આવેલું છે. આ સ્થળે જવાનો અમે રસ્તો પૂછ્યો એટલે એક સજ્જને અમને આંગળી ચીંધીને લાલ ધજાઓવાળું અને લાલ રંગનું મંદિર દેખાડ્યું, જે દેખીતી રીતે ઊંચાઈ પર હતું. પહેલી તસવીરમાં ડાબી તરફ ધ્યાનથી જોશો તો પાણીના ધોધની સામે એ મંદિર જોઈ શકાશે. એ મંદિરથી અમારે આગળ ઊપર ચઢવાનું હતું, જ્યાં વચ્ચે પર્વત દેખાય છે. આ પર્વતની પેલે પાર અમારે જવાનું હતું. તસવીરમાં જે હિમશીખરો દેખાય છે એ તો ઘણાં દૂર હતાં. અમારે વચ્ચેના ભાગમાં જવાનું હતું. 'પર્બત કે ઉસ પાર'.
અમે ચાલવાનું શરૂ કર્યું. લાલ મંદિર સુધીનું ચઢાણ એકદમ સીધું હતું, તેથી ત્યાં પહોંચતાં જ 'સાંસ ફૂલને લગી.' એક જગ્યાએ શ્વાસ ખાવા બેઠા કે એક સ્થાનિક બહેન પીઠ પાછળ ટોપલી ભરવીને ચડી રહ્યાં હતાં એ પણ અમારી બાજુમાં બેઠાં. 'ક્યા કરેં, સાંસ ફૂલ જાતી હૈ' એમ તેમણે બેસતાંની સાથે કહ્યું એટલે અમે તરત જ હસી પડ્યાં. 'આપ કે સાથ ભી ઐસા હોતા હૈ, તો હમારા તો હોગા હી...' એવી મજાકની આપ-લે કરી. અમે ફરી ચડવાનું શરૂ કર્યું અને લાલ મંદિર વટાવીને હજી ઊપર ચડ્યા. બીજી તસવીર એ ઊંચાઈ પરથી લીધી છે, જેમાં લાલ મંદિર નીચેના ભાગે જણાય છે. ત્યાર પછી થોડું ચઢાણ અને રસ્તો સીધો હતો.
અહીં એક બીજી મઝા થઈ. અમે છેક નીચે હતાં અને કોઈકને રસ્તો પૂછતા હતાં. આસપાસમાં રમતાં છોકરાં આ સાંભળી ગયાં. તેઓ સ્થાનિક નહોતા, પણ આ મોસમમાં અહીં બહારથી આવતાં મજૂરોનાં બાળકો હતાં. ચાર-પાંચ ટાબરિયાંની ગેન્ગ હતી. તેમને લાગ્યું કે પૈસા કમાવાની આ સરસ તક છે. એટલે તેઓ 'જય બદરી વિશાલ'ની બૂમો પાડતાં પાડતાં અમારી આગળ આગળ દોડવા માંડ્યા. વચ્ચે વચ્ચે 'ચરણપાદુકા કી જય' પણ બોલતાં, જેથી અમને ખ્યાલ આવે કે તેઓ અમને ત્યાં પહોંચાડશે. અમે સહેજ લાંબો, પગદંડીવાળો પથ લેતા, પણ એ લોકો ઢોળાવો ચડી જતાં. ધમાલમસ્તી કરતાં, ગોલમટાં ખાતાં અને અંદરોઅંદર વાત એ રીતે કરતાં કે જેથી અમારે કાને પડે, 'હજ્જાર રૂપયે કમાયેંગે', 'સબકો પાંચસૌ પાંચસૌ મિલેગા' એમ ઉત્સાહમાં તેઓ બોલતા.
વચ્ચે એક મઢી આવી. તેઓ ત્યાં પ્રસાદ લેવા ગયા. તો ત્યાં રહેતા મહારાજે તેમને ધમકાવીને કહ્યું, 'દિવસમાં કેટલી વાર પ્રસાદ લેવા આવો છો? હવે ચોવીસ કલાકમાં એક જ વાર પ્રસાદ મળશે.' અમે કંઈ એ લોકોને સાથે આવવા કહ્યું નહોતું અને એ લોકો દેખાવ પણ એવો જ કરતા કે અમારાથી તેઓ અલગ છે. છતાં અમે વિચાર્યું કે છેલ્લે તેમના હાથમાં થોડા પૈસા મૂકી દઈશું. ચરણપાદુકા તેઓ અમારાથી વહેલા પહોંચી ગયા ત્યારે ત્યાંના મહંતે પણ તેમને ધમકાવ્યા. થોડી વાર પછી અમે ત્યાં પહોંચ્યાં અને પગરખાં નીચે ઉતારીને અંદર ગયાં ત્યારે પણ મહંતશ્રીની અમૃતવાણી ચાલુ હતી. અમને કહે, 'સાલે, સબ ચોર હૈ. આપને સુના હોગા અભી નીચે કલ ચોરી હો ગઈ. યે લોગ હી હૈ. આપને દેખા હોગા વો પૂરી ગેંગ નીચે ઠહરી હુઈ હૈ...' વગેરે.... હા, અમે નીચે તેમની વસાહત જોઈ હતી. 'પિઠ્ઠુ' તરીકે ઓળખાતા એ મજૂરો નેપાળથી આવેલા હતા. આવી કાતિલ ઠંડીમાં તેઓ કામચલાઉ તંબૂમાં સાગમટે રહેતા હતા. કોઈક ભંડારામાં મળતું ભોજન તેઓ લેતા હતા અને શારિરીક શ્રમ કરીને મજૂરી રળતા હતા. મહંતશ્રીએ અમને પણ અમારાં નીચે કાઢેલાં પગરખાં સંભાળવા કહ્યું. પછી અમને તેમણે 'અખંડ જ્યોત' અને અનુષ્ઠાન બાબતે માહિતી આપી અને કહ્યું કે અમે ઈચ્છીએ એના નામનું અનુષ્ઠાન યોજી શકાશે, જેના અઢીસો રૂપિયા થાય. નિર્ધારીત તિથિએ અમને એસ.એમ.એસ. મળશે વગેરે...
અમને અમારા કે કોઈના નામના અનુષ્ઠાનમાં રસ નહોતો એટલે અમે દર્શન કરીને પાછાં વળ્યાં. પેલી ટાબરિયાં ગેન્ગ અમારાથી પાછળ આવવા લાગી. અચાનક તેઓ દોડવા લાગ્યા. સૌના ચહેરા એકદમ ગભરાયેલા અને ડરેલા હતા. તેઓ પાછું જોઈ જોઈને દોડી રહ્યા હતા. એક સાવ નાનું છોકરું બીને રડવા લાગ્યું. અમને નવાઈ લાગી કે અચાનક શું થયું? તેઓ દોડતાં દોડતાં 'કુત્તા આયા' બોલી રહ્યા હતા. અમે જોયું તો ચાર-પાંચ કાળા કૂતરા આવી રહ્યા હતા. અમે કહ્યું, 'શાંતિથી ઉભા રહો. દોડશો નહીં. અમારી સાથે સાથે ચાલતા રહો.' પેલા નાનકડા ટાબરિયાને કહ્યું, 'તારા બૂટની દોરી બરાબર બાંધ. કશું થવાનું નથી. ચિંતા ન કરીશ.' આમ, અમે સમૂહ બનાવીને ચાલવા લાગ્યા. અમને પણ ફફડાટ તો હતો, પણ એટલી ખાતરી હતી કે કૂતરા કંઈ અમારી પાછળ કોઈએ દોડાવ્યા ન હોય. તેઓ એમની રીતે નીકળ્યા હશે. છોકરાં હજી ગભરાયેલાં હતાં, એટલે કામિનીને મજાક સૂઝી. તેણે ગેંગને કહ્યું, 'હમ કુત્તોં સે તુમ્હેં બચાયેંગે. લેકિન પાંચ સૌ રૂપિયા હોગા.' આ સાંભળીને એક છોકરો તરત જ બોલી ઉઠ્યો, 'ઈતના સારા તો હોતા હૈ, ક્યા?' આમ, વાતોવાતોમાં અમે આગળ વધતા રહ્યા. પેલા કૂતરાં પણ પછી બીજે ફંટાઈ ગયા. એવામાં ઢોળાવ આવ્યો એ જોઈને પેલાં છોકરાં ગબડવા માંડ્યા. અમે પગદંડી પર હતા. છોકરાં ગબડતાં ગબડતાં જ્યાં પહોંચ્યાં ત્યાં એક સાધુ સેલફોન લઈને ઊભા હતા. એમને મજા આવી હશે એટલે તેમણે એ છોકરાંઓના ફોટા લેવા માંડ્યા. અમારો રસ્તો પછી બીજી તરફ ફંટાતો હતો એટલે ભયમુક્ત છોકરાંઓનું એ છેલ્લું દૃશ્ય જોઈને અમે ફંટાયા. અને નીચે ઉતરીને પાછા બદ્રીનાથ ગામમાં આવી પહોંચ્યા.
****
સિનેમાનાં અમુક છાયાચિત્રો કેવળ જે તે ફિલ્મ પૂરતાં નહીં, શાશ્વત બની રહે છે. ફિલ્મના આરંભથી શરૂ થતી દિલધડક ઘટનાઓ, તેમાં નાયકની સંડોવણી, અનેક ચિત્રવિચિત્ર પરિસ્થિતિઓમાં તેની ફસામણી, આ બધામાં નાયિકાનો તેને મળતો સથવારો, આખરે તમામ ઝંઝટમાંથી મળતો છૂટકારો અને.....આખરે એ બધાના અંત પછી એક નવી, સુખરૂપ શરૂઆત તરફ, જેનું પ્રતીક એટલે સૂર્યોદય, જે પ્રકાશનું જ નહીં, આશાનું કિરણ પણ લઈ આવે છે. 'તમસો મા જ્યોતિર્ગમય' પણ અહીં લાગુ પાડી શકાય.
આ છબિશ્રેણીમાં પહેલવહેલી તસવીરમાં ચાર્લી ચેપ્લિન અને પોલેટ ગોડાર્ડ જોઈ શકાય છે, જે ચાર્લીની અદ્ભુત ફિલ્મ'મોડર્ન ટાઈમ્સ'નું અંતિમ દૃશ્ય છે.
|
મોડર્ન ટાઈમ્સનું અંતિમ દૃશ્ય |
નીચેની તસવીરમાં રાજ કપૂર અને નરગીસ છે, જે રાજની ફિલ્મ 'શ્રી 420' નું અંતિમ દૃશ્ય છે.
|
શ્રી 420નું અંતિમ દૃશ્ય |
આ છબિમાં ગુરૂદત્ત અને વહીદા રહેમાન દૃશ્યમાન છે, જે 'પ્યાસા'નું અંતિમ દૃશ્ય છે. બસ! છબિઓ અને પરિસ્થિતિઓની સરખામણી અહીં પૂરી થાય છે.
|
'પ્યાસા'નું અંતિમ દૃશ્ય |
નીચલી છબિમાં બીરેન અને કામિની નજરે પડે છે, જે લીધી છે શચિ કોઠારીએ.
બદ્રીનાથથી ત્રણ-ચાર કિ.મી.ના અંતરે આવેલા ચરણપાદુકામાં એક શિલા પર બે પગલાં જોવા મળે છે. એક પગલું મોટું છે અને બીજું નાનું. આ પ્રદેશોમાં કોઈ પણ બાબત માટે જવાબદાર ભગવાન વિષ્ણુ અને મહેશથી ઓછું કોઈ ભાગ્યે જ મળે. આમ ટૂંકું લાગે એવું આ અંતર હોવા છતાં ત્યાં પહોંચવાના રસ્તાનો શરૂઆતનો ભાગ એકદમ સીધા ચઢાણનો છે. આથી શરૂઆતથી જ 'હજી કેટલું રહ્યું?' જેવા સવાલો એકબીજાને પૂછવાનું ચાલુ થઈ જાય. જો કે, સીધું ચઢાણ વટાવ્યા પછીનો રસ્તો પ્રમાણમાં ઘણો સારો છે. સામે જ નીલકંઠ પર્વત દેખાતો હોય અને જાણે કે અનંત માર્ગ સુધી દોરી જતી પગદંડી પર આપણી યાત્રા ચાલી રહી હોય એમ લાગે. જેમ ઊંચાઈ પકડતા જઈએ એમ નીચે બદ્રીનાથની વસાહત કોઈ આર્કિટેક્ટે બનાવેલા ટેબલટૉપ મોડેલ જેવી લાગતી જાય. આસપાસના પર્વતો એટલા નજીક લાગે કે જાણે હમણાં એને સર કરી લઈએ એમ થાય. પ્રવાસીઓની પાંખી તો પાંખી અવરજવર હોવાથી રસ્તામાં ખાલી બૉટલો, પાઉચ વગેરેનાં દર્શન પણ થાય અને આપણો જીવ કકળે કે હવે હિમાલયને પણ આપણે નહીં છોડીએ.
ચોથી છબિ ચરણપાદુકાથી પાછા વળતાં, અમારી જાણબહાર લેવાયેલી છે. પણ તેમાં સામે દેખાતું હિમશિખરદર્શન અને તેની પર પડતો સૂર્યપ્રકાશ આકર્ષણનું કેન્દ્ર છે એમ અમને ચાલતી વખતે પણ લાગેલું. અમે જે દિશા તરફ આગળ વધી રહ્યા છે એ પૂર્વ દિશા જ છે, પણ કોઈ નવી શરૂઆત કરવાનો અમારો ઈરાદો નથી, એ અમારી ઝડપી ચાલ પરથી સ્પષ્ટ થાય છે. બાકીની ત્રણ છબિઓથી એ રીતે જ આ જુદી પડે છે.
(ક્રમશ:)