Tuesday, November 23, 2021

જિસકા મુઝે થા ઈંતજાર....

મૃત્યુ એ જીવનનો અંત છે, સંબંધનો નહીં. એ સંબંધ બહુઆયામી અને અંતરંગ હોય ત્યારે તો ખાસ. વ્યક્તિ સદેહે હયાત ન હોય તો પણ તે અનેક રીતે સ્મૃતિમાં જીવિત રહે છે. એવું બને કે સદ્ગતની જન્મતારીખ કે અવસાનતિથિ જેવી ક્ષુલ્લક બાબતો યાદ ન પણ રહે. પણ અનેક નાનીનાની બાબતોમાં તેમની સ્મૃતિ એટલી અવિભાજ્ય બની રહી હોય કે તેને છૂટી પાડી ન શકાય. ચાહે એ કોઈ ફિલ્મી ગીત હોય, કોઈ વાનગી હોય કે પછી કોઈ ચોક્કસ બાબત પરની ટીપ્પણી. 'તુમ હોતે તો ઐસા હોતા'ની લાગણી સતત અનુભવાયા કરે.

હોમાય વ્યારાવાલાનું દેહાવસાન 15 જાન્યુઆરી, 2012ના રોજ, 98 વર્ષની પાકટ વયે થયું. તેમની સાથેનો મારો સંપર્ક બાર-તેર વર્ષનો. તેમની વિદાયને આઠ વરસ વીત્યાં, પણ એ તો સદેહે વિદાયને! સૂક્ષ્મરૂપે અમારી વાતોમાં અને બીજા અનેક પ્રસંગે તેમની હાજરી વરતાય છે.
દેશનાં પ્રથમ મહિલા ન્યુઝ ફોટોગ્રાફર તરીકેનું સ્થાન મેળવનાર હોમાયબેનને તેમના જીવનના અંતિમ દસકામાં મારે સંપર્કમાં આવવાનું બન્યું. એક વિશિષ્ટ અનુબંધ રચાયો. અમારો સંબંધ પારિવારિક મૈત્રીમાં તબદીલ થયો અને તેમને નજીકથી જોવા, જાણવાની તક મળી.
તેમના મારા પર આવેલા પત્રો અહીં 'પેલેટ' પર પણ ઉપલબ્ધ છે. હકીકતમાં તેમની સાથેના મારા સંબંધને કે‍ન્દ્રમાં રાખીને એક પુસ્તક લખવાનું મારું આયોજન હતું.
એ જણાવતાં આનંદ થાય છે કે આખરે આ પુસ્તક તૈયાર થઈ ગયું છે.
આ પુસ્તક પ્રથમ પુરુષ એકવચનમાં આલેખાયેલું છે, પણ એના કેન્દ્રમાં હું નહીં, હોમાય વ્યારાવાલા છે. અમારી મૈત્રી કેટલી ગાઢ હતી એ જણાવવાનો એનો ઉપક્રમ નથી, પણ એ ગાઢ મૈત્રીને કારણે તેમના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં મને જોવા-જાણવા મળ્યાં તેના આલેખનનો હેતુ મુખ્ય છે. મારી ભૂમિકા કેવળ તેમની તસવીર લઈ રહેલા ફોટોગ્રાફર કે સિનેમેટોગ્રાફર જેટલી જ છે.
વર્તમાન સમયમાં સિનીયર સિટીઝનોની એકલતાની સમસ્યા અતિશય ગંભીર બની રહી છે. એકલા હોવા છતાં, ખુમારી અને ખુદ્દારીપૂર્વક શી રીતે જીવી શકાય એ બાબત જાણવામાં આ પુસ્તક થકી કોઈને રસ પડે, દિશાસૂચન મળે તો આલેખનનો હેતુ સફળ. વધુ ને વધુ સિનીયર સિટીઝનો સુધી આ પુસ્તક પહોંચે તો ખુશી થશે. એ સિવાયના વયજૂથના લોકોને પણ હોમાયબેનના જીવનમાં રસ પડે અને રસપ્રદ વાંચનનો આનંદ મળે તો એ પણ મારા માટે આનંદની વાત હશે.
આ પુસ્તક વિશેની વિગતો નીચે પ્રશ્નોત્તરીરૂપે જણાવેલી છે.



****
'સાર્થક સ્મરણ શ્રેણી'ના દ્વિતીય પુસ્તક 'હોમાય વ્યારાવાલા' (તેમની સાથેનાં સંભારણાંની શબ્દછબિ) વિશે પૂછતાં ખચકાટ થાય, છતાં જાણવી જરૂરી કેટલીક વિગતો:
- હોમાય વ્યારાવાલા વિશેનું પુસ્તક માત્ર વયસ્કો અને સિનીયર સિટીઝનો માટે છે?
પુસ્તકના વાચકવર્ગનું એવું વર્ગવિભાજન શી રીતે કરી શકાય? સારા અને નક્કર વાંચનમાં રસ ધરાવનાર કોઈ પણ વાચકને આ પુસ્તકમાં રસ પડે એમ છે.
- નવી પેઢી આ પુસ્તક શા માટે વાંચે?
પેઢી કોઈ પણ હોય, જીવાયેલા જીવનમાં, વ્યક્તિની જીવંતતામાં રસ હોય એવી કોઈ પણ પેઢીની વ્યક્તિને આ પુસ્તકમાં રસ પડશે.
- આમાં તો બધી જૂની જૂની વાતો હોવાની. જૂનું ચગળ્યા કરીને શો ફાયદો?
દેશનાં સૌ પ્રથમ મહિલા ન્યુઝ ફોટોગ્રાફર હોમાય વ્યારાવાલાની તસવીરકાર તરીકેની કારકિર્દી એકદમ ઝળહળતી હતી. હજી આજે પણ આ ક્ષેત્રે મર્યાદિત મહિલાઓ જોવા મળે છે, તો ચાળીસી, પચાસ અને સાઠના દાયકામાં તેમણે શી રીતે કામ કર્યું એ જાણવામાં કોને રસ ન પડે?
- એટલે આ પુસ્તક દેશનાં પ્રથમ મહિલા ન્યુઝ ફોટોગ્રાફરની જીવનકથા છે? એના પેટાશિર્ષકમાં તો 'તેમની સાથેનાં સંભારણાંની શબ્દછબિ' લખેલું છે!
ના, આ પુસ્તક એમની સંપૂર્ણ જીવનકથા નથી. હા, એમની કારકિર્દીનાં વર્ષોનો એ હિસ્સો પૃષ્ઠભૂમિ તરીકે આલેખાયેલો છે ખરો, પણ પુસ્તકના કેન્દ્રમાં તેમનાં જીવનનાં અંતિમ દાયકાની વાત છે. તેમની સાથેનાં સંભારણાંનું આલેખન છે.
- એ તો લેખકનાં અંગત સંભારણાં હશે. એમાં કોઈને શો રસ પડે?
એ લેખકનાં અંગત સંભારણાં ચોક્કસ ખરાં, પણ એનો ઉપક્રમ મહિમાગાનનો કે એમની સાથેના પોતાના સંબંધની ઘટ્ટતા બતાવવાનો નથી. અહીં લેખકની ભૂમિકા ફોટોગ્રાફર કે સિનેમેટોગ્રાફર જેવી છે કે જેણે પોતાના એન્ગલથી હોમાયબેનની છબિ દેખાડી છે.
- તો પણ, એમાં કોઈને શું કામ રસ પડે?
આવી ઝળહળતી કારકિર્દીના સમાપન પછી અતિશય દીર્ઘ જીવન જીવી ગયેલાં હોમાયબેને શી રીતે પોતાનો જીવનરસ ટકાવી રાખ્યો, એક નહીં, બન્ને પગ કબરમાં લટકી રહ્યા હોય એવી અવસ્થાએ શી રીતે તેઓ જીવનને સંપૂર્ણપણે માણતાં, એકલાં હોવાને કારણે તેમની વ્યાવહારિક મુશ્કેલીઓ શી હતી, અને એમાંથી તેઓ શી રીતે ઊકેલ કાઢતાં, આ અંતિમ અવસ્થાએ તે ફરી પાછાં પ્રસારમાધ્યમોમાં ઝળકવા લાગ્યાં એ સમયગાળાનું હેતુલક્ષી દૃષ્ટિએ મૂલ્યાંકન- વગેરે અનેક બાબતો અને પાસાં આ પુસ્તકમાં આવરી લેવામાં આવ્યાં છે.
- તો તો આ પુસ્તક આપણા કોઈ વડીલને ભેટ આપી શકાય.
હા, વડીલને ભેટ ચોક્કસ આપી શકાય. કેમ કે, એમાં કોઈ ઉપદેશાત્મક કે હકારાત્મક વાતોને બદલે જીવનની વાસ્તવિકતા સાથે સંકળાયેલી, આપણા જેવી જ એક વ્યક્તિની નક્કર વાતો છે. પણ એનો અર્થ એવો નથી કે એ માત્ર વડીલોને ભેટ આપવા માટે જ છે. યુવાનોને રસ પડે એવું ઘણું બધું આમાં છે, અને વ્યાવસાયિક કારકિર્દીના સમાપન પછીના જીવન માટેની મૂલ્યવાન ટીપ્સ પણ એવા કશા દાવા વિના એમાં સમાવાયેલી છે.
- ઓકે. આ પુસ્તક અંગેની વિગતો?
- પૃષ્ઠસંખ્યા: 6+130 = 136, પુસ્તકની કિંમત: રૂ.125/-, વળતર સાથેની કિંમત: રૂ. 110/- (ભારતભરમાં શિપિંગ ફ્રી), દસ નકલ કે તેથી વધુ નકલ મંગાવનાર માટે વિશેષ કિંમત: રૂ. 90/-
પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ ફોન/વૉટ્સેપ: 98252 90796

No comments:

Post a Comment