Tuesday, December 3, 2019

એક અનોખું અભિવાદન


1 ડિસેમ્બર, 2019ના રોજ સૂબેદાર દિનેશકુમાર સલાટના અભિવાદનનો કાર્યક્રમ યોજાઈ ગયો, તેનો અહેવાલ હજી બાકી છે. પણ કાર્યક્રમ વખતે એક રસપ્રદ બાબત ધ્યાનમાં આવી. અમે કાર્યક્રમના સ્થળે પહોંચ્યાં ત્યાં ડી.જે.સાઉન્ડ સાથે નાચગાન ચાલી રહ્યાં હતાં. ટીમલી પર મહિલાઓ-પુરુષો તાલબદ્ધ નાચી રહ્યા હતા. અચાનક મારા કાન સરવા થયા. કેમ કે, ટીમલીમાં આવતા ઘણા નામો પરિચીત લાગ્યાં. ભટેસીંગભાઈ, છગનભાઈ, વાલજીભાઈ, કનુભાઈ અને (સ્વ.) ચીમનભાઈ જેવા દિનેશકુમારના ભાઈઓનાં નામ એમાં સંભળાયા. સહેજ વધુ ધ્યાન આપ્યું તો શબ્દો પણ પકડાયા: 'હે અમારા દિનેશભાઈ રિટાયર થયા, મુવાડા ગામે એન્ટરી પડી, મુવાડા ગામે મોજ પડી..'
પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે આ ટીમલી ખાસ દિનેશભાઈ માટે લખાવવામાં આવી હતી. એમાં શબ્દો, ને કાવ્યતત્ત્વ શોધવાને બદલે હૃદયનો ભાવ વધુ મહત્ત્વનો છે. આ કાર્યક્રમનું આયોજન જેમનો મૂળ વિચાર હતો એવા દિનેશકુમારના પુત્ર, ભાઈ અનિલ સલાટ દ્વારા આ ટીમલીની લીન્ક મને આજે મળી, જે અહીં શેર કરું છું.
એને કોઈ ઉત્કૃષ્ટ સંગીતરચના કે કાવ્યાત્મકતાને બદલે હૃદયના ઉછાળગીત તરીકે સાંભળવા જેવું છે. એક લોકસંગીતના માધ્યમ થકી સ્વજનના અભિવાદન માટે આવું પણ થઈ શકે, એ વાત મને વધુ ગમી.


No comments:

Post a Comment