Saturday, November 30, 2019

ઈજ્જત વતન કી...

 આ વર્ષની 19 ઑક્ટોબરે એક અજાણ્યા નંબર પરથી મારા પર ફોન આવ્યો. પ્રાથમિક વાતમાં ફોન કરનારે જણાવ્યું કે પોતે પોતાના પિતાજી પર એક લેખ અને દાદા વિષે એક પુસ્તક લખાવવા ઈચ્છે છે. એ જ દિવસે રૂબરૂ મુલાકાત પણ ગોઠવાઈ. મળવા આવનાર ભાઈ હતા અનિલ સલાટ. તેમણે પોતાના પિતાજી વિષે વિગતે જણાવ્યું. તેમના પિતાજી દિનેશકુમાર સૈન્યજીવનમાંથી સેવાનિવૃત્ત થઈને સમાજજીવનમાં પુન:પ્રવેશ કરી રહ્યા હતા. એ પ્રસંગે તેમના સ્વાગત નિમિત્તે એક પુસ્તક કરવાની તેમની ઈચ્છા હતી. પોતાના પિતાજીનું આવી વિશિષ્ટ રીતે અભિવાદન કરવાની વાત મને બહુ જચી ગઈ. અલબત્ત, એક મહિનાના ટૂંકા ગાળામાં પુસ્તકનું આલેખન કોઈ પણ રીતે શક્ય નહોતું, તેથી મેં તેમને પુસ્તિકા તૈયાર કરવાનું સૂચવ્યું. તેમણે પોતે પૂરી પાડેલી કેટલીક માહિતી ઉપરાંત કેટલીક આનુષંગિક માહિતી મેં મેળવી, અને આલેખનનો આરંભ થયો.

આલેખન વેળા એ બરાબર જાણ છે કે આ પુસ્તિકામાં આપેલી વિગતો અધૂરી નહીં, ઓછી અવશ્ય છે. પણ એક શુભ પ્રસંગ નિમિત્તે, સાવ ઓછા સમયમાં, શક્ય એટલો ચિતાર દિનેશકુમારની જીવનયાત્રાનો મળી રહે એ ઉપક્રમ મુખ્ય છે. યોગ ગોઠવાશે તો વિગતે આલેખન પણ શક્ય બનશે. સલાટ સમાજ જેવા વિચરતું જીવન ગાળતા સમાજમાંથી એક પરિવારના પાંચ પાંચ સભ્યો સૈન્યમાં જોડાય અને પૂરેપૂરી અવધિ પછી સેવાનિવૃત્ત થાય એ બહુ મોટી સિદ્ધિ કહી શકાય. એ રીતે આ પરિવાર દીવાદાંડીરૂપ બનીને અનેકોને માર્ગદર્શન પૂરું પાડી શકે એમ છે. તેનો સઘળો યશ દિનેશકુમારના પિતાજી વીરસીંગભાઈ અને માતા રેશમબેનને ફાળે છે.

પોતાના પરિવારની, પિતાજીની જીવનયાત્રાનું સંક્ષિપ્ત આલેખન ભાઈ અનિલને સૂઝ્યું એ એક વિશેષ અને દુર્લભ કહી શકાય એવી બાબત છે. તેમને ખાસ અભિનંદન.

આવતી કાલે યોજાયેલા આ કાર્યક્રમમાં દિનેશકુમારના અભિવાદનની સાથેસાથે આ પુસ્તિકાનું પણ વિમોચન થશે.



No comments:

Post a Comment