-ઉત્પલ ભટ્ટ
(અમદાવાદના મિત્ર ઉત્પલ ભટ્ટનો ખાદીના ફાયદા સમજાવતો અને એ ખરીદવામાં શું ધ્યાન રાખવુંં, એ સમજાવતો લેખ.)

ત્યારથી માંડીને આજ સુધી ખાદી ભંડારની મુલાકાતો નિયમિતરૂપે સતત વધતી જ ગઇ છે. જે ઝડપે અને જે રીતે બીજા તમામ પ્રકારના કાપડનો નિકાલ કરીને મારા વોર્ડરોબમાં ખાદીએ માનભેર સ્થાન લીધું છે તે જોતાં એ તો માનવું જ પડે કે ‘ખાદી એ વસ્ત્ર નથી, વિચાર છે.’ આઝાદીની લડત પહેલાંથી જ ગાંધીજીએ ખાદીનો ભરપૂર પ્રચાર કર્યો હતો અને એ સમયે મોટા ભાગના લોકો ખાદી જ પહેરતાં. આઝાદી પછી રાજકારણીઓએ ગાંધીજીનું નામ વટાવી ખાવા સફેદ ખાદી પહેરવી શરૂ કરી અને એ કારણે જાણે-અજાણે આપણા મનમાં ખાદી તરફ સૂગ પેદા થતી ગઇ. ‘ખાદી તો રાજકારણીઓ કે સમાજસેવકો જ પહેરે’ એ પ્રકારની એક માનસિકતા બહોળા સમુદાયમાં ગેરસમજ તરીકે ફેલાઇ અને વિસ્તરણ પામી. પરંતુ જેમ ભગવા રંગ પર ફ્કત ભાજપનો ઇજારો નથી તે રીતે 'ખાદી' બ્રાન્ડ પર ફક્ત રાજકારણીઓનો ઇજારો નથી.

વધુ એક મુદ્દો ખાદીભંડારમાંથી તૈયાર લીધેલાં કપડાંનો છે. અહીંથી તૈયાર લીધેલા સદરા, શર્ટ વગેરેની સિલાઈ ઘણી વાર સાવ કાચી, સાંધામાંથી ખેંચાઈ ગયેલી અને માર્જિનનું કપડું નહીંવત હોવાને કારણે તેને મશીન મારવાનું મુશ્કેલ બની જાય એ સામાન્ય સમસ્યા છે. ગ્રાહક ખાદી ખરીદે ત્યારે તેની ભાવના એક ચળવળને પ્રોત્સાહન આપવાની હોય, સાથે નાણાંની સામે એક પેદાશ પણ તે ખરીદે છે. પોતે ખર્ચેલા નાણાં મુજબની વસ્તુ મેળવવાનો તેનો હક અને એ આપવાની આપનારની ફરજ બની રહે છે. જો કે, અંગત મત જણાવું તો ખાદીનું કાપડ ખરીદીને તેને સિવડાવવું ઉત્તમ વિકલ્પ છે.
અન્ય એક મુદ્દો પણ અનાયાસે યાદ આવી જાય છે. આપણે ત્યાં છાશવારે યોજાતા સમારંભોમાં અતિથિઓનું સ્વાગત સૂતરની આંટીથી કરવાનો રિવાજ છે. સન્માનરૂપે પુષ્પગુચ્છ, પુસ્તકો, શાલ કે મેમેન્ટો પ્રત્યે ચીડ વ્યક્ત કરનારા ઘણા અતિથિઓ આ આંંટીઓ ઘેર લઈ જાય છે. સૂતરની આંટી એક રીતે કાચો માલ છે. આ આંંટીઓ અમુક જથ્થામાં થાય ત્યારે તે ખાદી ભંંડારમાં આપી શકાય એવી વ્યવસ્થા છે કે કેમ એ ખબર નથી, પણ મારા એક મિત્રના જણાવ્યા મુજબ ખાદી ભંંડારવાળા એ સ્વીકારતા નથી. આ આંટીઓ રીસાયકલ ન થઈ શકે? તેના વજન મુજબ તેની કિંમત ગણીને એટલી કિંમતની ચીજવસ્તુ ભંંડારમાંથી આપી ન શકાય? ભલે ને એ ખાદીનો હાથરૂમાલ કેમ ન હોય! પૂરતા જથ્થામાં આંટીઓ હોય તો એ જ આંટીનું વણાટ કરીને કાપડ ન બની શકે? 'તો આનું કરવું શું?' એમ પૂછતાં એ મિત્રને એક ખાદી ભંડારમાંથી જવાબ મળ્યો, 'કશું નહીં! ફેંકી દેવાની!' આવો જવાબ સાંભળતાં આઘાત લાગે. ખાદી બોર્ડના સત્તાવાળાઓએ આ બાબતે કશું વિચારવાની જરૂર હોય એમ લાગે છે.
આ મુદ્દાઓ ખાદી માટે ભાવ રાખનારાઓને આકર્ષવા માટે અતિ મહત્ત્વના છે.
આજે તો કેટકેટલા પ્રકારનું ખાદીનું કાપડ બજારમાં ઉપલબ્ધ છે.
સાવરકુંડલાની ખાદી, ગીર-ગઢડાની ખાદી, ગોંડલ ખાદી, સુતરાઉ ખાદી, પરપ્રાંતીય ખાદી, રેશમપટ્ટી ખાદી, હરિત ચરખાની ખાદી. એ બધાથી ઉપર હવે તો ખાદી ડેનિમ નીકળ્યા છે. તાજેતરમાં જ વાંસના રેસામાંથી ખાદીનું કાપડ બનાવવાનું શોધાયું છે જે તમામ પ્રકારની ખાદીમાં સૌથી વધુ મુલાયમ સાબિત થયું છે.
ટૂંકમાં નાના બાળકો, યંગ જનરેશન અને વડીલો સુધીના તમામને શોભે તેટલા પ્રકારની ખાદી ઉપલબ્ધ છે. રૂ.
૧૨૦૦ થી ૧૮૦૦ પ્રતિ મીટરના અતિ મોંઘા ભાવે મળતું ઇજીપ્શીયન કોટન પહેરો અને જેવી ઠંડક મળે તેવી જ ઠંડક રૂ. ૧૫૦ થી ૩૦૦ પ્રતિ મીટરના ભાવે મળતી ખાદી આપશે. ખાદી એટલે સફેદ એવુંય હવે તો રહ્યું નથી.
અનેકવિધ મનભાવન રંગોમાં ખાદી મળી રહી છે.
હા,
ખાદીનું કાપડ થોડુંક ઢીલું લાગે પરંતુ કાંજી કરેલી ખાદી પહેરો તો કાપડની ઢીલાશ ગાયબ. ખાદી શરીરને જરાય કરડતી નથી.
ખાદીનું આટલું બધું માર્કેટિંગ કરવાના કારણોય જાણી લોઃ
(૧)
સૌ પ્રથમ તો 'કમ્ફર્ટ' માટે. એક્દમ હલકું અને અદભૂત ઠંડક આપતું
વસ્ત્ર હોવાને કારણે ભારત જેવા ગરમ પ્રદેશમાં પહેરવા માટે ખૂબ યોગ્ય.
(૨)
વિવિધ રંગ-જાતોમાં ઉપલબ્ધ હોવાને કારણે 'ફેશન વસ્ત્ર' તરીકે પહેરવા માટે ઉત્તમ. જીન્સના વિકલ્પે ઘણા સસ્તા એવા ખાદી ડેનિમ પહેરી શકાય.
(૩)
એ જ પ્રકારના ઠંડક આપતા બીજા કાપડની સામે કિફાયતી દામ. (ઓક્ટોબર-નવેમ્બર દરમ્યાન ભારત સરકારનું 'ખાદી બોર્ડ' ડિસ્કાઉન્ટ આપે છે તેનો પણ લાભ લો.)
(૪)
ખાદી ટકાઉ
કાપડ છે. રોજ પહેરશો તો પણ બે વર્ષ તો ચાલશે જ.
(૫)
સૌથી અગત્યનો મુદ્દો -- તમે ખરીદેલું દરેક કાપડ/ખાદી વસ્ત્ર હાથશાળના કારીગરોના (વણકરો) ઘરોમાં ઉજાસ ફેલાવશે. ખાદીના વેચાણ દ્વારા થતી આવક
'ખાદી બોર્ડ' દ્વારા સીધી હાથશાળના કારીગરોને પહોંચે છે. વણકર શબ્દ અને પ્રજા નામશેષ ન થાય તે જોવાની જવાબદારી આપણી જ છે.
ખાદી ખરીદીને
મહેનતુ વણકરોને આડકતરી મદદ પણ કરી શકશો, સાથેસાથે (કેવળ પૈસા ખર્ચીને જ) 'સ્વદેશી' ચળવળમાં ભાગ લેવાનો આનંદ પણ લઇ શકશો. ખાદીના એક વસ્ત્રથી શરૂ કરો, ધીમેધીમે બાકીનો વોર્ડરોબ આપોઆપ જ ખાદીનાં વસ્ત્રોથી ભરાતો જશે, એવો જાતઅનુભવ
છે. ઘરમાં પહેરાતા ઝભ્ભા, સદરા પણ ખાદીના પહેરશો તો હલ્કાફૂલ રહેવાશે. હું તો કહું છું કે તમે પોતે ખાદી પહેરો, સાથેસાથે તમારા વર્તુળમાં બીજાઓને પણ ખાદી પહેરવા પ્રોત્સાહિત કરો. ખાદી પ્રત્યેની સૂગ કે અણગમો (જો હોય તો)
સાવ જ કાઢી નાખો. ખાદી તરફનું આવું ટ્રાન્સફોર્મેશન બધી રીતે લાભદાયી જ રહેવાનું છે. ખાદી એક અનોખું-સ્વદેશી-ફેશનેબલ વસ્ત્ર છે.
મારા મતે તો ઓક્ટોબર-નવેમ્બરના ડિસ્કાઉન્ટ દરમ્યાન ખાદી ભંડારો, ખાદી સરિતાઓ, ખાદી ગ્રામોદ્યોગો પર માનવ મહેરામણ ઉમટી પડવો જોઇએ. આ વર્ષથી ખાદી ભંડારમાં ક્રેડિટ કાર્ડ પણ સ્વીકારાય છે.
ટૂંકમાં ખાદી તમારી પાસે આવવા માટે તમામ રીતે ફ્લેક્સિબલ બની છે,
તો એને સ્વીકારવા એક હાથ તમે લંબાવો.
દીવાળી નિમિત્તે એક નમ્ર અરજ છે. આ દીવાળીમાં ખાદીનું એક વસ્ત્ર ખરીદો અને હાથશાળના કોઇક કારીગરના ઘરમાં ઉજાસ ફેલાવો. આટલું તો તમે કરી જ શકશો. શરૂઆત કરી દો,
ખાદીના ચાહક થઇ જવાશે તેની બાંહેધરી.
(પૂરક વિગત: બીરેન કોઠારી)
(તસવીરો નેટ પરથી)
(તસવીરો નેટ પરથી)
ખાદીનું વેચાણ વધારી શકે એવો મસ્ત લેખ.
ReplyDeleteછેલ્લાં કેટલાંક વર્ષોથી ખાદી અને હાથે બનાવેલી પેદાશોનો પ્રચાર ઘણો થવા લાગ્યો છે , તે સાથે તેની પેદાશોમાં વૈવિધ્ય પણ ઘણું ઉમેરાયું છે.
ReplyDeleteકૃત્રિમ રેશાનાં કાપડની કિંમત અને તેની બહોળા પ્રમાણમાં ઉપલ્બધિના સામે ખાદી અને હાથશાળની બનાવટોને માત્ર દેશ દાઝ કે સારા નાગરિકત્વની ભાવનાથી સ્પર્ધામાં ઊભી રાખવી એ વાણિજ્યિક દૃષ્ટિએ બહુ સ્વીકાર્ય વિકલ્પ કદાચ નહીં હોય. પણ વાણિજ્યિક દૃષ્ટિએથી વિચાર્યા સિવાય સરકારની સહાય કે નાગરિકત્વની ભાવના જેવા ખ્યાલોથી આવું કામ કરવામાં આજ્થી થોડાં વર્ષો પહેલાં લેખમાં વર્ણવાયાં છે એવા ગ્રાહકને થતા જ રહેશે.
છેલ્લા સમાચાર મુજબ આ વર્ષે તો વિક્રમજન્ક વેચાણ થયું હોવાનું જાણવા મળે છે. આશા રાખીએ કે આમ જે કારણોસર શક્ય બન્યું હોય તે સાલોસાલ દોહરાતું રહે.
Glad to know about Khadi made from Bamboo fibers (Vans)..Hope may be available in any Khadi Bhandar..!
ReplyDeleteGajanan Raval..salisbury-MD..USA