Sunday, September 11, 2016

રંગોની સફરનો આરંભ: ....અને એક અપીલ


(અગાઉ અહીં વાંચ્યું કે ભરૂચથી અમરીશ કોન્‍ટ્રાક્ટરનો ફોન મારા પર આવ્યો અને તેમણે પોતાનો પરિચય વલ્લભદાસ કોન્‍ટ્રાક્ટરના પુત્ર તરીકે આપ્યો. ત્યાર પછી શું થયું?)


અમરીશભાઈ સાથે પહેલી વાર વાત થઈ એ વર્ષ હતું ૨૦૧૧નું. તેમના પિતાજી અને ચિત્રકાર ભૂપેન ખખ્ખર મિત્રો હતા એ મારા માટે આશ્ચર્યનો વિષય હતો. અને એથી વધુ આશ્ચર્ય હતું તેમના પિતાજીને ચિત્ર કે કળા સાથે કશી લેવાદેવા ન હોવાનું.
ત્યાર પછી અમે અનેક વાર મળ્યા. અમરીશભાઈ પાસે ભૂપેનના અનેક પત્રો તેમજ અન્ય સામગ્રી પેટીમાં સચવાયેલી છે, એમ તેમણે જણાવ્યું. આખી વાત બહુ રસપ્રદ હતી, અને એક પ્રોજેક્ટ લેખે તેને હાથ ધરાય તો યોગ્ય રીતે કામ થઈ શકે એમ અમને લાગ્યું. પુસ્તકની સૂચિત રૂપરેખા અમે વિચારી અને નક્કી કર્યું કે ભૂપેન ખખ્ખરના સમગ્ર જીવનને આવરી લેતું આ પુસ્તક થવું જોઈએ. તેમાં કેવળ ચિત્રકાર તરીકે નહીં, પન તેમનાં અનેક પાસાં ઉપસવા જોઈએ.
આ દરમિયાન અમે ભૂપેનના ઘરની પણ મુલાકાત લીધી. વરસો પછી ભૂપેનના કોઈ મિત્ર- તેમના સ્વજનને આવેલા જોઈને ભૂપેનનાં મોટાં ભાભી લેખાબહેને અમને આવકાર્યાં. તેમના સ્નેહી અનુપ દીવેચા (મામા) પણ હતા. અમરીશભાઈએ ભૂપેન પરનું પુસ્તક તૈયાર કરવાની વાત કરી. મેં મારી ભૂમિકાનો અંદાજ આપ્યો. આ પહેલી મુલાકાત ફળદાયી રહી હોય એમ અમને લાગ્યું હતું.

**** **** ****

દરમિયાન અમરીશભાઈએ પોતાના ઘરની પેટીઓ ફંફોસી, તેને ખાલી કરી અને વલ્લવદાસ તેમજ ભૂપેનને લગતું જે કંઈ સાહિત્ય હતું તે મને સોંપ્યું. લેખો, પત્રો, કેટેલોગ, કાર્ડ, અખબારોનાં કટીંગ વગેરે અનેકવિધ સામગ્રીનો એ ભંડાર હતો.

ભૂપેનના હાથે લખેલા સંદેશાવાળો કેટેલોગ 
મારું સૂચન એ હતું કે એક વાર આ તમામ સામગ્રીને સ્કેન કરી લેવામાં આવે. અમરીશભાઈએ એ સ્વીકાર્યું. મારા દીકરા ઈશાને તેના વેકેશનમાં આ તમામ સામગ્રી સ્કેન કરી આપી, એટલું જ નહીં, તેનું પ્રાથમિક વર્ગીકરણ પણ કરી આપ્યું. મુખ્ય સવાલ એ હતો કે આવડા વિશાળ પ્રોજેક્ટની આર્થિક જવાબદારી કોણ ઉપાડે? (બીજો સવાલ એ હતો કે- શા માટે ઉપાડે?) અલબત્ત, અમરીશભાઈએ નક્કી કર્યું કે આ પુસ્તક એક રીતે તેમના પિતાજી અને ભૂપેનની મૈત્રીના તર્પણ સમું બની રહે. તેથી તેમણે મને આગળ વધવાની સંમતિ આપી દીધી. આ બધી ગતિવિધિઓમાં ચાર-સાડા ચાર વર્ષ વીતી ગયા. 
પોતાને મંગાવવાના રંગોની યાદી- ભૂપેનના હસ્તાક્ષરમાં 
**** **** ****

આ બધું નક્કી થઈ રહ્યું હતું એ અરસામાં અમરીશભાઈના ભત્રીજા નિહિરનો પરિચય એક અમેરિકન સજ્જન બ્રાયન વેઈનસ્ટાઈન સાથે થયો. નેટસંપર્ક થકી માહિતી મળી કે બ્રાયન ભૂપેનના ખાસ મિત્ર હતા, અને ભૂપેનની આખી વેબસાઈટ તેમણે તૈયાર કરી છે. તેઓ નિયમિત દર વરસે ભારત, અને વડોદરા આવે છે. ૨૦૧૫ના ડિસેમ્બરમાં તેઓ વડોદરા આવવાના હતા એની જાણ થઈ.
બ્રાયન સાથે પહેલવહેલી મુલાકાત અમરીશભાઈ સાથે મેં કરી. આ પુસ્તક વિષેની વાત જાણીને તેઓ ખૂબ રાજી થયા. અને શક્ય તમામ સહાય આપવાની ખાતરી આપી. ત્યાર પછી બીજી મુલાકાતમાં તેમનો ઈન્‍ટરવ્યૂ મેં કર્યો. અમેરિકા ગયા પછી પણ તેઓ નિયમિત સંપર્કમાં છે, અને હવે આ ડિસેમ્બરમાં ફરી ભારત આવવાના છે. આમ, પહેલે પગથિયે જ હકારાત્મક પ્રતિભાવ મળતાં અમારો ઉત્સાહ બેવડાઈ ગયો.
ત્યાર પછી ૩ જાન્યુઆરી, ૨૦૧૬ના દિવસે અમરીશભાઈએ વિધિવત રીતે આ પ્રોજેક્ટની સોંપણી મને કરી. અમે એક પ્રાથમિક યાદી બનાવવાનું શરૂ કરી દીધું હતું. પોતાના જીવનકાળ દરમિયાન ભૂપેન અનેકવિધ લોકો સાથે સંકળાયેલા હતા. કળા તેમજ સાહિત્યજગત ઉપરાંત અન્ય લોકો પણ તેમના બહોળા સંબંધવર્તુળનો હિસ્સો હતાં. પહેલાં તો યાદીમાં જે નામ સૂઝે એ લખતા ગયા. ત્યાર પછી જે મળે એ બીજા બે-ચાર નામ સૂચવે એમ એ યાદી વિસ્તરતી ગઈ. હજી એ વિસ્તરી રહી છે. ભૂપેનની કળા વિશે કેટલાંક પુસ્તકો લખાયેલાં છે. મહેન્‍દ્ર દેસાઈએ લખેલા પુસ્તકમાં ભૂપેન એક વ્યક્તિ તરીકે કેન્‍દ્રસ્થાને છે. આ પુસ્તકનો અદ્‍ભુત અનુવાદ હીમાંશી શેલતે 'નોખા મિજાજનો અનોખો ચિત્રકાર'ના નામે કર્યો છે, જે કવિમિત્ર રમણિક સોમેશ્વરે બહુ પ્રેમથી મને આપ્યો. સાથે 'સાહચર્ય'માં ગુલામ મહંમદ શેખ દ્વારા લખાયેલો લેખ 'ભેરુ' પણ તેમણે આપ્યો.  
મહેન્‍દ્ર દેસાઈએ મૂળ અંગ્રેજીમાં લખેલું પુસ્તક 
આ ઉપરાંત ટિમોથી હાયમનનું પુસ્તક મહત્ત્વનું ગણી શકાય. અમારા મનમાં આ કળાકારનાં સમગ્ર પાસાં આવરી લેવાનો ઉપક્રમ હતો. જેમ કે, કળાજગતના તેમના મિત્રો હોય જ, ઉપરાંત સાહિત્યકાર મિત્રો, જ્યોતિ લિમીટેડના તેમના સહકાર્યકરો, તેઓ પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્‍ટ હતા તેથી એ ક્ષેત્રના મિત્રો તેમજ તેમના કુટુંબીઓનો વિચાર સૌથી પહેલો આવે. તેમની સાથેસાથે ભૂપેનના ડ્રાઈવર ભગવાનભાઈ, રણછોડભાઈની જે હોટેલ પર તેમની આવનજાવન હતી એ રણછોડભાઈના દીકરા કાલીદાસ,તેમના ઘરનોકર (સ્વ.) પાંડુનાં કુટુંબીજનો વગેરેને મળવાની અમારી ઈચ્છા હતી. વલ્લવદાસને કારણે ભૂપેન રાધાસ્વામીના સત્સંગમાં જતા હતા. આ પાસું પણ અમે સ્પર્શવા માંગતા હતા, કેમ કે, ભૂપેનનાં ચારેક ચિત્રોમાં સત્સંગનું ચિત્રણ કરવામાં આવેલું છે. સૌથી નવાઈ પમાડે એવી વાત એ કે રાધાસ્વામી સંપ્રદાયના એક ગુરુનું ચિત્ર પણ તેમણે તૈયાર કર્યું હતું.

Inline image 1
સત્સંગ: ભૂપેનનું દોરેલું એક ચિત્ર 
અમદાવાદમાં અમિત અંબાલાલ, ડૉ. સુરેશ શેઠ જેવા ભૂપેનના સમકાલીન અને અંગત મિત્રોની મુલાકાતમાં અનેક વાતો ખૂલી. ભૂપેન સાથે ખડેપગે રહેનાર સર્જન આર્ટ ગેલેરીના હીતેશ રાણાએ ઘણી વાતો કરી, તેમ તમામ સહયોગની પણ ખાતરી આપી. મહેન્‍દ્ર દેસાઈનાં પત્ની ભાનુબેને પણ ભૂપેનનાં સંસ્મરણો તાજાં કર્યાં. ભૂપેન સાથે જ્યોતિ લિમીટેડમાં કામ કરનાર ચાર્ટર્ડ એકાઉન્‍ટ‍ન્‍ટ પ્રમોદભાઈએ પોતાની વ્યાવસાયિક કારકિર્દીના આરંભિક કાળમાં ભૂપેનના પ્રદાનને યાદ કર્યું. સુરતના બકુલભાઈ ટેલરે મુંબઈના સંપર્કો આપ્યા, ઉપરાંત બીજા કોને મળી શકાય તેનું સૂચન કર્યું. 

મારી ઈચ્છા કોઈ સત્સંગીના ઘરે યોજાતો માસિક સત્સંગ તેમજ વડોદરાના આજવા રોડ પરના મુખ્ય હૉલમાં થતા સાપ્તાહિક સત્સંગમાં હાજરી આપવાની હતી, જેથી આખો માહોલ નજરે નિહાળી શકાય. અમરીશભાઈએ મારી એ ઈચ્છા પણ પૂરી કરી અને નિમિષ બહલના ઘરે યોજાતા સત્સંગમાં બે વાર અમે હાજર રહ્યા. આજવા રોડ પરના મુખ્ય હૉલમાં પણ એક રવિવારે સત્સંગમાં બેઠા. કેટલાક સત્સંગીઓને પણ અમે મળ્યા. 
કેનવાસ પર દોરાયેલા 'સત્સંગ' ને સમજવા માટે
'અસલ' સત્સંગને સમજવાનો પ્રયાસ 
વલ્લવભાઈ પર લખતા દરેક પત્રોમાં છેલ્લે ભૂપેન આ રીતે લખતા. 


રણછોડદાસ હવે દેવલોક પામ્યા છે, પણ તેમના પુત્ર કાલિદાસના ઘરમાં ભૂપેન અને રણછોડદાસની ભેગી તસવીર હજી ભીંત પર શોભે છે અને તેની પર હાર પણ ચડાવેલો જોવા મળે છે. ભૂપેનના અસલ ડ્રાઈવર ઈશ્વરભાઈ હતા. તેમના અપમૃત્યુ પછી તેમના ભાઈ ભગવાનભાઈએ એ જવાબદારી સ્વીકારી. ભગવાનભાઈએ જાતજાતના અનુભવો કહ્યા!
કાલિદાસના ઘરની દીવાલ પરની ત્રણ તસવીરોમાંની
 એક ભૂપેન અને રણછોડદાસની
આ નામો અહીં મૂકવાનો આશય એ દર્શાવવાનો છે કે અમે શક્ય એટલાં પાસાં આવરી લેવા માંગીએ છીએ. અને હજી આ આરંભ છે. તેમના સૌથી નજીકના વર્તુળના મિત્રોને મળવાનું સાવ બાકી છે. બીજાં પણ ઘણાંને મળવાનું છે. એ દિશામાં અમે ધીમી, પણ મક્ક્મ ગતિએ આગળ વધી રહ્યા છીએ.

**** **** ****

આ બ્લોગપોસ્ટ લખવાનો આશય અમારા આ પ્રોજેક્ટની જાણ કરવાનો છે. સાથેસાથે આ વાંચનારા સૌને વિનંતી છે કે ભૂપેન ખખ્ખર વિશે તેમની પોતાની પાસે કોઈ માહિતી હોય અથવા માહિતી જેની પાસે હોય એવી વ્યક્તિના પરિચયમાં તેઓ હોય તો મને કે અમરીશભાઈને ઈ-મેલ દ્વારા જાણ કરે. ભૂપેન વિષેની કોઈ સામગ્રી- ચીઠ્ઠી, પત્ર, કાર્ડ, કેટેલોગ, સ્કેચ, ડ્રોઈંગ, ચિત્રની પ્રિન્‍ટ, ચિત્રના કોઈ ખરીદનારનો સંપર્ક, સમાચાર, લેખ- ટૂંકમાં કશું પણ હોય તો અમને જાણ કરે. જે તે સામગ્રીની સોફ્ટ કોપી વાપરી શકાય એવા રેઝોલ્યુશનમાં કે હાર્ડ કોપી અમને મોકલી આપે. હાર્ડ કોપી અમે યથાયોગ્ય ઉપયોગ કરીને, સાચવીને પરત કરીશું, તેમજ મદદ કરનારના સૌજન્યનો પણ પુસ્તકમાં યોગ્ય ઉલ્લેખ કરીશું.
આ માટે અમે તૈયાર કરેલી એક અપીલ પોસ્ટના અંતે મૂકું છું. હાલ આ પુસ્તકની સામગ્રી એકઠી થઈ રહી છે, જેમાં હજી સમય લાગશે. આગળ ઉપર તેની પ્રગતિ અંગે પણ અહીં જાણ થતી રહેશે. સાચા અર્થમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત એવા આ ગુજરાતી ચિત્રકારના સમગ્ર જીવન અને કવનને સમાવતા આ પુસ્તકને સભર અને સમૃદ્ધ બનાવવાની અમારી આકાંક્ષા છે. આપનો કોઈ પણ સ્તરનો સહયોગ પુસ્તકમાં મૂલ્યવૃદ્ધિ કરશે.

સંપર્ક: 
બીરેન કોઠારી: ઈ-મેલ: bakothari@gmail.com
અમરીશ કોન્‍ટ્રાક્ટર: ઈ-મેલ: amarish0085@gmail.com


**** **** ****

વાચકમિત્રોને અપીલ


ભૂપેન ખખ્ખરની સ્મૃતિમાં 
 

માર્ચ, ૨૦૧૬

પ્રિય સ્નેહી,
કુશળ હશો.
સૌ પ્રથમ મારો પરિચય આપું. હું, અમરીશ કોન્‍ટ્રાક્ટર જી.એન.એફ.સી. (ભરુચ)માંથી મેનેજર તરીકે નિવૃત્ત થયા પછી હવે વડોદરામાં સ્થાયી છું અને સદ્‍ગત વલ્લવદાસ કોન્‍ટ્રાક્ટરનો સૌથી નાનો દીકરો છું. મારા પિતા વલ્લવદાસ કોન્‍ટ્રાક્ટર ખ્યાતનામ ચિત્રકાર ભૂપેન ખખ્ખરના ગાઢ મિત્ર તરીકે કળાજગતમાં જાણીતા હતા.
મારા પિતા અને ભૂપેનકાકાની મૈત્રીનું તર્પણ કરવાનું મારું સ્વપ્ન રહ્યું છે. ઘણા વિચાર પછી ભૂપેન ખખ્ખરની સુદીર્ઘ જીવનકથાના આલેખનનો મેં નિર્ણય લીધો છે. આ જીવનકથામાં તેમના જીવન અને કવનનું અધિકૃત દસ્તાવેજીકરણ હશે. તેમની સાથે ગાઢ રીતે સંકળાયેલા સહયોગીઓની મુલાકાત, તેમના દ્વારા/વિષે લખાયેલા લેખો વગેરે આ આલેખનનો મુખ્ય આધાર રહેશે. ખ્યાતનામ ચરિત્રકાર અને વડોદરાસ્થિત ગુજરાતી લેખક બીરેન કોઠારીને આ અંગે સંશોધન તેમજ લેખનનું કાર્ય સોંપવામાં આવ્યું છે.
આ હેતુ માટે ભૂપેનકાકા વિષેનાં સંભારણા તેમજ આપની પાસે રહેલી કોઈ માહિતી, પત્રો, તસવીરો વગેરે અમારી સાથે વહેંચો એવી અપેક્ષા છે. આપનો સહયોગ તેમજ પ્રદાન આ પુસ્તક માટે અતિ મૂલ્યવાન બની રહેશે. તેનો યોગ્ય ઉપયોગ કરીને અમે સંભાળીને તે આપને પરત કરી દેવાની ખાતરી આપીએ છીએ. ભૂપેનકાકાના જીવન અને/અથવા તેમના કાર્ય વિષે આપને કંઈ જણાવવું હોય તો આપની રૂબરૂ મુલાકાત લેતાં અમને આનંદ થશે. અમારા આ સંપર્કો પર જાણ કરવા વિનંતી.
આપનો,
આપનો વિશ્વાસુ,  
અમરીશ વલ્લવદાસ કોન્‍ટ્રાક્ટર,
મહાદેવના મંદીરની પાસે, લાડવાડા, વડોદરા- ૩૯૦ ૦૧૭.  
ફોન: Ph. No. 0265- 2637 663, વૉટ્સેપ: +91 98980 31495.  
ઈ-મેલamarish0085@gmail.com
બીરેન કોઠારીનો સંપર્ક:  ફોન: +91 98987 89675, 
ઈ-મેલ: bakothari@gmail.com


**** **** **** 


Remembering Bhupen Khakhar


March 2016
Dear Sir,

Greetings!
First of all, let me introduce myself.
I am Amarish Contractor (Vadodara), retired manager (GNFC, Bharuch, Gujarat) and the youngest son of late Vallavdas Contractor who was known among art community as a close friend of legendary artist Bhupen Khakhar.
It has been my dream to celebrate their unique friendship in a befitting way. After pondering much, I have decided to bring out a detailed biography of Bhupen Khakhar, containing authentic documentation of his life & work. It will be based mainly on interviews of his close associates, written & published articles on/by him.
Biren Kothari, an acclaimed biographer and Gujarati writer has been assigned to do the research and writing.   
I humbly request you to share your memoirs as well as any other information, documents, photos, memorabilia related to Bhupen Khakhar for the said purpose. Your co-operation and contribution will be of great help in creating a monumental book on Bhupenkaka.
We will be happy to see you in person if you have anything to share on Bhupenkaka’s life and/or his work. Please feel free to intimate us.
Yours Truly,
Amarish Vallabhdas Contractor
Near Mahadev Temple,
Ladwada, VADODARA-390 017.
Ph. No. 0265- 2637 663, whatsapp No. +91 98980 31495, 
You can also contact Mr. Biren Kothari on +91 98987 89675, 

2 comments:

  1. પુસ્તકની કાગડોળે રાહ જોયા સિવાય અમે બીજું કંઈ યોગદાન નથી કરી શકતા એ અફસોસ

    ReplyDelete
  2. બહુ બહુ બહુ રસપ્રદ છે પણ ઝાંખા આને ઝીણા ફોંટમાં વાંચી શકાતા નથી, હવે તો પુસ્તક એ જ એક માત્ર ઊપાય

    ReplyDelete