Monday, May 30, 2016

રંગોની સફરના આરંભ પહેલાં


સુખદ અંત, બલ્કે આરંભ ધરાવતી આ ઘટનાના પ્રથમ ચરણમાં જોઈએ કેટલાક પત્રોના અંશ:  

હું તા. ૮,,૧૦ Mysore/Banglore જઈશ. ત્યાં યુનિ.માં ઈન્‍ટરવ્યૂ છે. પછી અઠવાડીયું દિલ્હીમાં Visa ની દોડધામ રહેશે. ૧૮ મી સપ્ટેમ્બરે હું લંડન જઈશ. ત્યાંથી ૧૯મીએ સ્પેઈન. પછી વળતાં લંડન અઠવાડિયું રોકાઈ ૨ જી ઓક્ટોબરે પાછો દિલ્હી આવીશ. પછીનો કાર્યક્રમ નક્કી નથી. પણ અમદાવાદ જવું પડશે તેવું લાગે છે. તમે ભારત પાછા ક્યારે આવશો? તમારું અમેરિકાનું એડ્રેસ લખશો.' 
૩૧ ઓક્ટોબર, ૧૯૯૬ની તારીખ ધરાવતો આ પત્ર લખનાર છે જગવિખ્યાત નૃત્ય સમીક્ષક અને ઈતિહાસકાર ડૉ. સુનિલ કોઠારી. પત્ર લખાયો છે વલ્લવદાસ કોન્‍ટ્રાક્ટરને ઉદ્દેશીને.
**** **** ****
અમેરિકન લેખિકા અને આર્ટ હીસ્ટોરીયન એવીસ બેર્મન ૫-૪-૧૯૯૪ના પત્રમાં ન્યૂ યોર્કથી જણાવે છે: એક દુ:ખદ સમાચાર આપને જણાવી રહી છું. હું કેથરીન કૂની મિત્ર- હકીકતમાં તેની લિટરરી એક્ઝિક્યુટર- છું, અને આપને એ જાણ કરી રહી છું કે કેથરીન જાન્યુઆરીમાં મૃત્યુ પામી. તેના પત્રો તપાસતાં મને વલ્લવ શાહે લખેલો એક સુંદર પત્ર મળી આવ્યો, જેમાં આ સરનામું લખેલું હતું. (તેથી તમને આ પત્ર મોકલી રહી છું.) 
આ પત્ર લખાયો છે (વલ્લવદાસનાં દીકરી અને જમાઈ) શ્રી અને શ્રીમતી જતીન શાહના સરનામે, પણ તેમાં સંદર્ભ વલ્લવદાસનો છે.
**** **** ****
આ પત્ર કોઈ એક વ્યક્તિએ નહીં, અનેક લોકોએ લખ્યો છે, તેમાંનો એક અંશ:
આજે હું અને રક્ષા- વડોદરા ખાસ ભૂપેનને મળવા આવ્યા છીએ- તમારી ખોટ પડે છે. તમે ભારત ક્યારે આવવાના? એવો પ્રશ્ન ભૂપેનને પૂછતાં તે નિ:સાસો નાંખીને જણાવે છે કે હજુ વાર છે. 
તારીખ વિનાનો આ પત્ર વિખ્યાત ચિત્રકાર અમીત અંબાલાલે લખ્યો છે. આ સામૂહિક પત્રમાં અમીતભાઈ ઉપરાંત તેમનાં પત્ની રક્ષાબેન, ઈતિહાસકાર સુધીર ચંદ્ર, ચિત્રકાર નલિની માલાની તેમજ ચિત્રકાર ભૂપેન ખખ્ખરે પણ આ મતલબનું જ લખ્યું છે. જેને ઉદ્દેશીને એ લખાયું છે એ વ્યક્તિ છે વલ્લવદાસ કોન્‍ટ્રાક્ટર. 
**** **** ****
 વધુ એક પત્ર: ‘આવા વિખ્યાત ચિત્રકાર તમારી સાથે ક્યાંથી? એની કિર્તી ચોમેર પ્રસરી છે. હજુ ગાંડી ગુજરાતે તેમની જોઈએ એવી કદર કરી નથી. મારા જેવા કેટલાય ચિત્રકારો તેની મિત્રતા ઝંખી રહ્યા છે, તેથી તમારા તરફની એમની લાગણી અને પ્રેમ જોઈ ઈર્ષા સહેજે થાય. 
આ લખાણ જે પત્રનો અંશ છે એ લખાયાની તારીખ છે ૨૫-૯-૧૯૮૦. પત્ર લખનાર છે વડોદરાના અજીત પટેલ. તેમણે જે ચિત્રકારની વાત કરી છે એ ભૂપેન ખખ્ખર. અને જેમને ઉદ્દેશીને તેમણે આ લખ્યું છે એ સજ્જન એટલે વલ્લવદાસ કોન્‍ટ્રાક્ટર.
આ પત્ર લખાયાના બે વરસ પછી એટલે કે ૩૦-૯-૮૨ના રોજ અજિત પટેલે વલ્લવદાસને લખેલા એક પત્રનો અંશ: 
તમને આગળ લખેલું તેમ આ હિન્‍દુસ્તાનના કલાકારને સાચવવાનું કામ તમારું છે. (તે) ખૂબ સિદ્ધ અને મોટામાં મોટો કલાકાર છે તેથી તેની સંવેદનાની પરિપાટી પણ સાધારણ માણસોથી ઘણી અલગ, સૂક્ષ્મ અને ઊંચા સ્તરની રહેવાની. (એ) તમારા સિવાય કોઈની વાત કરતો નથી. જાણે ભક્તિમાં લીન થઈ ગયો હોય, તમારામાં એકાકાર થઈ ગયો હોય તેમ તમારા જ ચિત્રો બનાવે છે. તમારી વાતો કરતાં એની આંખમાં આવતી ચમક મેં જોઈ છે. તમે જ એનું સર્વસ્વ ધન છો. કારણ બધું જ (કલા પણ) એણે તમને જ અર્પણ કરી છે.
**** **** ****
જે ચિત્રકારના મિત્ર હોવા બદલ ઘણાની મીઠી ઈર્ષાના પાત્ર બનનાર વલ્લવદાસ વિશે ખુદ ભૂપેન શું લખે છે? ૨૧ નવેમ્બર, ૧૯૯૦ના રોજ કેરળથી લખેલા એક પત્રમાં ભૂપેન લખે છે, 
કેરાલા લલિત કલા અકાદમીએ અમને ત્રિવેન્‍દ્રમથી ૪૦ કિ.મી. દૂર પર્વતોની વચ્ચે આવેલા ગેસ્ટ હાઉસમાં ઉતારો આપ્યો છે. મનુ પારેખ ને સુધીર પટવર્ધન પણ આવ્યા છે. બાકીના વીસેક ચિત્રકારો મલયાલી અથવા તેલુગુ ભાષા બોલે છે. ન સમજાય તેવી તેમની ભાષા સાંભળું છું. દરરોજ લાલ ચોખાનો ભાત, રસમ, ખાટી છાશ, આમલીનું પાણી વિ. ખાઉં છું. રોટલીની ફરમાયશ કરી ત્યારે પહેલવાન જ રોટલી તોડી શકે તેવી હાજર થઈ. તેથી હવે રાતો ભાત ખાવો દુરસ્ત ધાર્યું.
વલ્લવદાસને ઉદ્દેશીને લખાયેલો ભૂપેન ખખ્ખરનો
એક પત્ર  
**** **** ****
આ પત્રોના અંશ વાંચ્યા પછી આપણું સળવળી રહેલું કૂતુહલ રીતસર ઉછાળા મારી ઉઠે કે આ વલ્લવદાસ કોન્‍ટ્રાક્ટર છે કોણ? કોઈ ચિત્રકાર છે? કળારસિક છે? ચિત્રો ખરીદનાર છે? કળાવિવેચક કે લેખક છે? આવા અનેક સવાલો મનમાં થાય એ સ્વાભાવિક છે. કળાજગતમાં તેઓ આટલા જાણીતા હતા તો આપણા સાંભળવામાં એમનું નામ કેમ કદી આવ્યું નથી? પણ આવા અનેક સવાલો કદી મનમાં જાગ્યા નહીં. કારણ બહુ સાદું કે કળાજગત સાથે આપણો નાતો અત્યંત મર્યાદિત. કળાકારો વિશે જ આપણે ઓછું જાણતા હોઈએ ત્યાં આવા- કળાકારો સાથે સંકળાયેલા લોકો વિશે જાણ હોય જ ક્યાંથી? વલ્લવદાસ વિશે આછીપાતળી જાણકારી સુદ્ધાં નહીં, તેથી સવાલ શેના આધારે જાગે?
**** **** ****
હવે પત્ર સિવાયની સહેજ નજીકના ફ્લેશબૅકની વાત. પાંચેક વર્ષ અગાઉ ઉર્વીશને ભરૂચની બુક લવર્સ મીટમાં તેના પુસ્તક સરદાર: સાચો માણસ, સાચી વાત વિશે વક્તવ્ય આપવા જવાનું હતું. ભરૂચમાં મિત્ર દેવેન્‍દ્રસિંહ ગોહીલનું ઘર એટલે અમારો વિસ્તૃત પરિવાર. એટલે અમે સૌ પણ રાત્રે બેસીને ગામગપાટા કરવા ઉર્વીશની સાથે ઉપડેલાં. વક્તવ્ય પછી ભોજન હતું, ત્યારે કેટલાક નવા પરિચયો પણ થયા. એ અરસામાં વડોદરાના પ્રો. રાવજીભાઈ પટેલ (મોટા) વિશે મારું પુસ્તક પ્રકાશિત થયેલું, જે દેવેન્‍દ્રસિંહને મેં મોકલેલું.
ભરૂચમાં રાત્રિરોકાણ પછી બીજા દિવસે સવારે અમે વડોદરા પાછા આવી ગયાં. પણ થોડા દિવસ પછી ભરૂચથી એક ફોન આવ્યો. ફોન કરનાર હતા અમરીશ નામના એક ભાઈ. તેમણે કહ્યું, તમે તે દિવસે ભરૂચ આવ્યા ત્યારે આપણે મળેલા. જમતાં જમતાં થયેલા અલપઝલપ પરિચયોમાં અમે વાતો ઘણી કરી હશે, તેમના ચહેરા યાદ રહ્યા હશે, પણ કોઈનું નામ મને યાદ રહ્યું ન હતું. એટલે મેં  હા એ હા કર્યું અને કહ્યું, હા, અમરીશભાઈ બોલો. 
એમણે કહ્યું, તમારું પુસ્તક ક્રાંતિકારી વિચારક મેં વાંચ્યું. મેં તરત તાળો બેસાડ્યો કે દેવેન્‍દ્રે એમને આપ્યું હશે. જો કે, તેમણે જ એ રહસ્ય ખોલ્યું, મને બાપુ (દેવેન્‍દ્રસિંહ)એ આપ્યું હતું. મેં કહ્યું, હા. બરાબર. સહેજ અટકીને અમરીશભાઈ બોલ્યા, તમારે ભૂપેન ખખ્ખરની જીવનકથા લખવા જેવી છે. ઓળખો ને એમને?’ ભૂપેન ખખ્ખરને ન ઓળખવાનો સવાલ ક્યાં હતો? પણ આ ભાઈને ભૂપેન સાથે શી લેવાદેવા હશે એવો સવાલ થાય ને? થયો. એટલે મેં સહજ પૂછ્યું, તમારી વાત સાચી છે. એમ તો ઘણા બધાની જીવનકથા લખવા જેવી હોય છે. પણ સામાન્ય રીતે મને એ કામ વ્યાવસાયિક રીતે સોંપવામાં આવે તો હું લખું છું. મારી મેળે લખતો નથી. અમરીશભાઈ સાંભળી રહ્યા. કદાચ મનમાં કશું વિચારતા હોય તોય કોને ખબર? એમનો ચહેરો હું કલ્પી શકું એમ નહોતો, કેમ કે, મારી સ્મૃતિમાં જ એ નહોતો. પછી મેં પૂછ્યું, ‘પણ ભૂપેન ખખ્ખરની જીવનકથાની વાત કરવા પાછળ તમારો શો હેતુ? તમારા એ પરિચીત હતા?’
જવાબમાં અમરીશભાઈએ કહ્યું, મારા પિતાજીના એ ગાઢ મિત્ર હતા.'  
બ્રિટીશ ચિત્રકાર ટીમોથી હાયમને દોરેલા આ ચિત્રનું શીર્ષક
'ભૂપેન ખખ્ખર એન્‍ડ મિસ્ટર વલ્લવભાઈ'. 
મેં પૂછ્યું, અચ્છા. ફાધર શું કરે છે? એમનો વ્યવસાય?’ અમરીશભાઈએ કહ્યું, ફાધર તો આઠેક વરસ અગાઉ ગુજરી ગયા. પછી અચાનક કંઈક યાદ આવ્યું હોય એમ કહે, ભૂપેનકાકા ગુજરી ગયાના દસેક દિવસ પહેલાં જ. ફાધર તો સિવિલનું કામ કરતા હતા. એમણે આગળ કહ્યું, વડોદરા આવીશ ત્યારે તમને મળવા આવીશ.
મેં કહ્યું, જરૂર આવજો. મારો ફોન નંબર હવે તમારી પાસે છે.
અચાનક મને કંઈક યાદ આવ્યું એટલે પૂછ્યું, એમનું નામ શું?’   
વલ્લવદાસ કોન્‍ટ્રાક્ટર!!!
ત્યારે તો વાત પૂરી થઈ. પણ આ ફોન થકી આરંભાયેલો સંપર્કનો તંતુ ક્યાં સુધી લંબાયો, અને કેવાં પરિણામ લાવ્યો તેની વાત હવે પછી.

5 comments:

  1. આગળની કહાની માટે પૂરે પૂરી ઉત્સુકતા બની રહે છે..

    ReplyDelete
  2. હવે આ 'વધુ આવતા અંકે' ક્યારે અંકે થશે?

    ReplyDelete
  3. આફ્રીન,આફ્રીન બીરેન.તારી આ પ્રકારનું લખવાની હથોટી પર ...

    ReplyDelete
  4. Creating a perfect background , colors are ready in palate , live painting ,,,

    ReplyDelete
  5. Wonderful...Love to read again and again....

    ReplyDelete