-ઉત્પલ ભટ્ટ
(અમદાવાદ રહેતા મારા મિત્ર ઉત્પલ ભટ્ટ મૂળ પત્રકાર અને પ્રિન્ટ માધ્યમ તેમજ ઈલેકટ્રોનિક માધ્યમ સાથે સક્રિયપણે સંકળાયેલા રહ્યા પછી હવે સરકારી નોકરીમાં છે. આ બન્ને પ્રકારની કારકિર્દીમાં રહ્યા હોવા છતાં તેમનામાં રહેલી સંવેદનશીલતા હજી અકબંધ રહી શકી છે. પોતાનો એક અનુભવ તેમણે પત્રરૂપે લખી મોકલ્યો છે. યોગાનુયોગે આજે દેશનો ત્રેસઠમો પ્રજાસત્તાક દિન છે. આ પોસ્ટ આપણા 'પ્રજાસત્તાક' રાષ્ટ્રને અને જેના હાથમાં સત્તા રહેલી છે એ 'પ્રજા'ને અર્પણ છે. )
પ્રિય મિત્રો,
કુશળ હશો. પણ હું મારા માટે એમ કહી શકું એમ નથી.
ના, એવું કશું અંગત કારણ નથી. કારણ સામાજિક, સામૂહિક છે, એટલે મને થયું કે મારી અનુભૂતિ તમારી સાથે વહેંચીને થોડો હળવો થાઉં.
વર્તમાન ગુજરાત સરકાર દ્વારા ત્રણ દિવસનો ‘ગુણોત્સવ’ નામે કાર્યક્રમ ઉજવવામાં આવે છે, એની આપને જાણ હશે જ. આ કાર્યક્રમનો મૂળભૂત હેતુ રાજ્ય સરકાર દ્વારા સંચાલિત પ્રાથમિક શાળાઓનું મૂલ્યાંકન કરવાનો છે. વિવિધ ખાતાઓના સરકારી કર્મચારીઓને આ માટે રાજ્યભરમાં મોકલવામાં આવે છે.
મને પણ આ કાર્યક્રમમાં સામેલ થવાનો મોકો નવેમ્બર,૨૦૧૧ માં મળ્યો હતો. ત્રણ દિવસમાં ત્રણ ગામની શાળાઓની અમે મૂલ્યાંકન માટે મુલાકાત લીધી.
આમાંની એક શાળા હતી શરૂપુર ટીંબી નામના ગામની. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વડોદરાથી સુરત જતાં વચ્ચે પાલેજ આવે છે. પાલેજથી ડાબી બાજુએ વળીએ એટલે કોળીયાદ વટાવ્યા પછી આ ગામ આવે છે. સાવ છેવાડાનું, મુખ્યત્વે ખેતી પર નભતું આ ગામ છે, જેમાં આવેલી પ્રાથમિક શાળામાં ભણતાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પણ મોટે ભાગે ખેતમજૂરોનાં સંતાનો છે. ખેતમજૂર એટલે ગરીબીનો પર્યાય. બે ટંકનું ભોજન મેળવવા માટે તેના આખા કુટુંબે દિવસ આખો ખેતરમાં મજૂરી કરવી પડે. બાળબચ્ચાંઓને ભણવા મોકલે તો એમનો રોજ પડે. એને બદલે એ લોકો મજૂરીએ આવે તો કુટુંબની આવકમાં વધારો થાય અને બે ટંકનું ભોજન પૂરતું મળી શકે.
આમ છતાંય આ છોકરાંઓને શાળાએ ભણવા માટે આવતાં જોઈને મને આનંદ થયો. જો કે, બહુ જલદી તેનું રહસ્ય પણ જાણવા મળી ગયું. અક્ષરજ્ઞાન કે શિક્ષણ માટેના પ્રેમથી પ્રેરાઈને તે અહીં નહોતા આવતા. તેમના આવવાનો હેતુ કંઈક જુદો હતો.
સરકાર સંચાલિત મધ્યાહ્ન ભોજન યોજના અંતર્ગત આ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને શાળામાં ભોજન જમાડવામાં આવે છે. એ રીતે એક ટંકનું પૂરતું ભોજન મળી રહે અને પેટનો ખાડો પૂરાય. શાળામાં નિયમીત આવવાનું કારણ આ હતું. ભોજનની કે તેની સામગ્રીની ગુણવત્તાનો ઉલ્લેખ જાણી જોઈને હું ટાળું છું, કેમ કે એવો વૈભવ આ બાળકોને પોષાઈ શકે એમ નથી.
એક ટંક પેટ ભરીને જમવા તો મળે ! |
સ્વાભાવિક છે કે ગુણોત્સવ માટે શાળામાં જતા સરકારી કર્મચારીઓના સ્વાગતમાં કશી કચાશ ન છોડાય. છોકરાંઓને પીવાના પાણીના ફાંફા હોય, પણ મૂલ્યાંકન માટે આવનારાઓ માટે ઠંડા પીણાંની શીશીઓના બિલ્લા ફટાફટ ખોલી દેવામાં આવે. આમાં શાળા સંચાલકોનોય વાંક નથી. પોતાની શાળાનું ‘મૂલ્યાંકન’ સારી રીતે થાય એ માટે આ સરકારી મહેમાનોની આગતાસ્વાગતા કરવામાં શો વાંધો? ઉપરાંત ‘અતિથિ દેવો ભવ’નો મંત્ર આપણી ભારતીય સંસ્કૃતિને પણ અનુરૂપ છે. પછી ભલે ને ‘ઘરનાં છોકરાં’ ઘંટી ચાટતાં. જો કે, મેં આ વિદ્યાર્થીઓને અપાતું મધ્યાહ્ન ભોજન જ જમવાનો આગ્રહ રાખ્યો. સંચાલકોને થોડી નવાઈ લાગી. મારી મનોસ્થિતિ એવી હતી કે ત્યારે બીજું કોઈ પણ ભોજન ખાતાં મને અપરાધભાવ સિવાય બીજી કોઈ લાગણી ન થઈ હોત.-
આ છોકરાંઓએ પહેરેલાં કપડાં પર મારી નજર ગઈ. મોટે ભાગે તેમણે મેલાં, ફાટેલાં વસ્ત્રો પહેર્યાં હતાં. શર્ટનાં તૂટી ગયેલાં બટન એમના એમ જ હોય, તો પેન્ટની બગડી ગયેલી ચેઈન પણ ખુલ્લી કે અધખુલ્લી સ્થિતિમાં જ હોય. અને આ બહુ સહજ સ્થિતિ હતી, જેની તેમને કશી સૂધ નહોતી. આ જોઈને મને કમકમાં આવી ગયાં. એકવીસમી સદીમાં પ્રવેશ્યાનેય હવે એક દાયકો વીતી ગયો. અને
હજીય આ બાળકોની આવી દશા? આપણી જાતને વિકસીત ગણાવવાનો આપણને શો અધિકાર છે? અને આપણા કયા એવા નસીબ છે કે આપણે સુખસગવડો ભોગવીએ? માત્ર અમુક વિસ્તારમાં, અમુક કુટુંબમાં જન્મ લેવાથી જ એમની દશા ને! ખરું જુઓ તો એ આપણા જ ભાંડરડાં કહેવાય!
મારો વારો ક્યારે આવશે? |
આવા આવા અનેક સવાલો મારા મનમાં ઉભા થતા ગયા. મૂલ્યાંકનની ઔપચારિકતા તો મેં પૂરી કરી દીધી અને આ ગામ છોડ્યું, પણ મારા મનમાંથી આ ગામ ખસ્યું નહીં.
પાછા વળતાં સતત વિચાર આવતા રહ્યા કે ‘કંઈક’ કરવું જોઈએ આપણે. પણ એ કંઈક એટલે શું?
મારાં કુટુંબીઓ અને કેટલાક મિત્રો સાથે આ વાત મેં ચર્ચી. અનેક ચર્ચાઓ પછી પ્રાથમિક ધોરણે એવું નક્કી કર્યું કે ઉત્થાન અને ઉદ્ધારની લાંબીપહોળી વાતો કરવાને બદલે પહેલાં તો તેમને તાત્કાલિક ધોરણે કપડાં પૂરાં પાડવાં. પણ ના, ઉતરેલાં કે જૂનાં કપડાં તો નહીં જ, ભલે ને એ ગમે એવી સારી કે ‘નવા જેવી’ સ્થિતિમાં કેમ ન હોય! બલ્કે બે જોડી નવો ગણવેશ તેમને આપવામાં આવે તો એમનું એક વરસ ટૂંકું થાય. આમાં દાનનો કે એમને ઉપકૃત કર્યાનો ભાવ ન જ હોય, બલ્કે આવી એમને આવી સ્થિતિમાં જોઈને અનુભવાતી શરમનો અને એને લઈને એક પ્રકારનો ફરજપાલનનો ભાવ હતો.
ન્યૂ જર્સી (અમેરિકા) રહેતા મારા કઝીન ડૉ. શમિક પટેલને મેં આ અંગે વાત કરી અને શમિકે ‘આને બદલે આમ કરવા જેવું છે’, ‘આ રીતે તમે ક્યાં ક્યાં પહોંચી વળશો?’, ‘આવા ગાંડા ન કઢાય’ જેવી સલાહ, શિખામણ કે સૂચન આપવાને બદલે કાચી સેકંડમાં આ પ્રોજેક્ટને સંપૂર્ણ નાણાંકીય સહાય કરવાનું વચન આપ્યું. આમ, નાણાંકીય પીઠબળની ખાતરી મળ્યા પછી અમે આગળની કાર્યવાહીનો આરંભ કર્યો.
જયેશ પરમાર: દોરાની સિલાઈ સાથે પ્રેમના ટાંકા |
મારો એક મિત્ર જયેશ પરમાર અમદાવાદમાં દરજીકામ કરે છે. તેને આ યોજનાની જાણ કરી. જયેશે પણ આમાં પોતાનો સહકાર આપવાની ઉત્કટતા દેખાડી અને સાવ મામૂલી માર્જિન લઈને પોતે સિલાઈ કરી આપવાની તૈયારી દેખાડી. એના આધારે ગણતરી કરતાં ગણવેશની એક જોડીની સિલાઈની કિંમત રૂ. ૨૨૫/- બેઠી. એક જોડીમાં વિદ્યાર્થીઓ માટે આખી બાંયનું શર્ટ તેમજ ફૂલ પેન્ટ અને વિદ્યાર્થીનીઓ માટે સલવાર તેમજ કમીઝનો સમાવેશ થાય છે. દરેકને એવી બે જોડી આપવાની હતી. આ કામ સોંપવાનું નક્કી કર્યું એ પછી જયેશ જાતે જ એક દિવસ અમદાવાદથી શરૂપુર ટીમ્બી આવવા નીકળ્યો. પહેલાં ટ્રેન, પછી બસ અને ત્યાર પછી શટલ રીક્ષામાં મુસાફરી કરતાં કરતાં એ શરૂપુર ટીમ્બી પહોંચ્યો. આચાર્ય અને શિક્ષિકાબહેનોના સહકાર વડે તેણે કુલ ૩૦ વિદ્યાર્થીઓ અને ૩૧ વિદ્યાર્થીનીઓ, એમ કુલ ૬૧ જણનાં ગણવેશના માપ લીધા અને દરેકના નામ મુજબ માપ લખ્યાં. આ માપને આધારે પેન્ટ- શર્ટ તેમજ સલવાર-કમીઝના કુલ કાપડનો અંદાજ આવી ગયો.
હવે અમે તપાસ કરી કાપડ માર્કેટમાં હોલસેલ કાપડ વેચતા વેપારીની. બે-ત્રણ જગાએ ફરીને પૂછપરછ કરતાં એક દુકાનેથી રેમન્ડના તાકા વાજબી ભાવે ખરીદ્યા. આમ, વિદ્યાર્થી દીઠ એક જોડીની કુલ કિંમત રૂ. ૩૫૦/- આવી.
સિવવાનું કામ શરૂ થયું. થોડા દિવસમાં તમામ ગણવેશ તૈયાર થઈ ગયા એટલે દરેકના ગણવેશનું અલગ પેકેટ બનાવીને તેની પર નામ લખી દેવામાં આવ્યાં. નવમી જાન્યુઆરી, ૨૦૧૨એ શાળામાં જવાનું નક્કી કર્યું. યોગનુયોગે ડૉ.શમિક પટેલ ભારતમાં, અને વડોદરામાં હતા. તેમણે પણ સાથે આવવાની તૈયારી બતાવી. વડોદરાના બીરેન કોઠારી સાથે આ કાર્યક્રમ અમલમાં મૂક્યા પછી વખતોવખત વાત થતી રહેતી હતી. તેમણે સાથે આવવાનું કહી જ રાખ્યું હતું. અમે ત્રણેય ઉપડ્યા શરૂપુર ટીમ્બી.
શાળામાં અમારા આવવાની જાણ હતી, તેથી અમારી જાણે કે રાહ જ જોવાતી હતી. બપોરે બેની આસપાસ અમે પહોંચ્યા. આચાર્ય મહેશભાઈ પટેલ અને શિક્ષિકા બહેનો તારાબેન પટેલ તેમજ વીરલબેન પ્રજાપતિએ અમને આવકાર્યા અને સૌ વિદ્યાર્થીઓને એક વર્ગમાં એકઠા કર્યા.
"હા, સાહેબ! એ હું જ." |
દરેકના મોં પર ખુશાલી જોઈ શકાતી હતી. દરેકનાં નામની યાદી તૈયાર હતી અને દરેકે દરેક પેકેટ પર જે તે વિદ્યાર્થીનું નામ લખેલું હતું. નામ બોલાય એ વિદ્યાર્થી આવે અને પોતાને અપાયેલી બેગ લઈને હોંશે હોંશે પાછો બેસી જાય. એ વખતે એના મોં પરનું સ્મિત જોવા જેવું હોય. એક પછી એક એમ કુલ એકસઠ જણને બબ્બે જોડી ગણવેશ આપવામાં આવ્યા. નવાં કપડાં હાથમાં આવ્યા પછી એમનાથી એને પહેર્યા વિના રહેવાય? જોતાજોતામાં એક રૂમમાં જઈને વિદ્યાર્થીઓએ અને બીજી રૂમમાં જઈને વિદ્યાર્થીનીઓએ હોંશે હોંશે નવાં કપડાં પહેરી લીધાં. અને બહાર આવીને એકબીજાને કેવાક થઈ રહે છે એ ઉત્સાહથી જોવા માંડ્યા. અમુકને બટન વાસતા બરાબર ફાવતું નહોતું. ડો.શમીકે કાળજીપૂર્વક એમને શર્ટનાં તેમજ બાંયનાં બટન બીડી આપ્યાં. આ દૃશ્ય જોઈને અમારાં હૈયાંને જે ટાઢક મળી છે એને શી રીતે વર્ણવવી! સૌના ચહેરા પર છલકાતી ખુશાલીમાં અમનેય ભીંજાવાનો મોકો મળ્યો અને આ પ્રકારના આગામી પ્રોજેક્ટ અંગે વિચારવાની પ્રેરણા મળી.
"લાવ બેટા, બટન વાસી આપું." |
આ પ્રોજેક્ટને પાઈલોટ પ્રોજેક્ટ ગણીએ તો તેની ટૂંકમાં વિગત આ મુજબ છે:
સ્થળ: સરકારી પ્રાથમિક શાળા, શરૂપુર ટીમ્બી. (જિ.વડોદરા)
કુલ વિદ્યાર્થીઓ: ૬૧ (ધો.૧ થી ૫, જેમાં ૩૦ વિદ્યાર્થીઓ અને ૩૧ વિદ્યાર્થીનીઓ)
અપાયેલા ગણવેશ: ૬૧ X ૨ જોડી = કુલ ૧૨૨ જોડી
ગણવેશનું કાપડ: રેમન્ડ્સ
ગણવેશનો રંગ: ડાર્ક બ્રાઉન (પેન્ટ/ સલવાર) અને લાઈટ બ્રાઉન (શર્ટ/કમીઝ)
જોડી દીઠ કિંમત: ૩૫૦/- રૂ.
આમ, આ પહેલા પ્રોજેક્ટનો સફળતાપૂર્વક અંત આવ્યો. પણ ખરેખર તો એ આરંભ છે. પાછા વળતાં આગામી કાર્યક્રમો શી રીતે આગળ વધારવા એ અંગે ઘણી ચર્ચા થઈ અને આવું કંઈક નીપજી આવ્યું.
આગળનો વિચાર એવો છે કે આ પ્રકારની ગુજરાતના અંતરીયાળ વિસ્તારની વધુ ને વધુ શાળાઓને શોધીને તેની પસંદગી કરવી. સામાન્યપણે આવી શાળાઓમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા સોથી ઓછી હોય છે. એટલે કોઈ મિત્ર યા શુભેચ્છક (દાતા નહીં) આખેઆખી શાળાને જ સ્પોન્સર કરે એ ઈચ્છનીય છે, જેથી કામ સરળ અને ઝડપી બની રહે. (રૂ.૩૫૦/- X વિદ્યાર્થીઓની સંખ્યા). અલબત્ત, આ સૂચન માત્ર છે, ફરજિયાત નથી. ચોક્કસ સંખ્યામાં વિદ્યાર્થીઓને ગણવેશ આપવા કોઈ ઈચ્છે તો એ વિકલ્પ પણ છે જ. અરે, એક વિદ્યાર્થીને કોઈ સ્પોન્સર કરવા ઈચ્છે તો પણ આવકાર્ય છે.
નવા કપડા પહેરીને દોસ્તારો સાથે ફોટો પડાવવાની મઝા જ જુદી. |
આ પ્રક્રિયામાં નાણાંકીય લેવદદેવડનો ભાગ અત્યંત પારદર્શક છે. સમગ્ર પ્રોજેક્ટ સ્પોન્સર કરનાર મિત્ર કે શુભેચ્છકે ફક્ત બે ચેક આપવાના રહેશે. એક દરજીના નામનો અને બીજો વેપારીના નામનો. આ સિવાય એક, બે, પાંચ કે દસ વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ સ્પોન્સર કરનાર મિત્ર પણ આમ કરી શકે યા મનીઓર્ડર/બેન્ક ટ્રાન્સફર/રોકડા/રૂબરૂ/આંગડિયા દ્વારા પણ મોકલી શકે. અમારું કામ એક હાથમાંથી લઈને બીજા હાથમાં પહોંચાડવા પૂરતું જ છે.
એક વાતનું પુનરાવર્તન જરૂરી સમજું છું. મને લાગે છે કે પૂરતાં કપડાં હોવાં એ દરેકનો મૂળભૂત અધિકાર છે અને આપણા જેવા સુધરેલા ગણાતા લોકોની આ ફરજ પણ છે. કોઈ આ કામ કરે એવી રાહ જોઈને બેસી રહેવાને બદલે કે તંત્રને ગાળો ભાંડવાને બદલે આપણે આટલું કરીએ તોય ઘણું. આમ કરવા પાછળ સેવા કરવાનો કોઈ ભાર મનમાં નથી. બલ્કે ફરજપાલનની જ મુખ્ય લાગણી આ પ્રોજેક્ટ પાછળનું ચાલકબળ છે. ભાવિ આયોજન કે વીઝન-૨૦૨૦ જેવા ભારેખમ શબ્દો વાપરતાંય શરમ આવે છે.
આ એક પ્રોજેક્ટ તો સફળતાપૂર્વક સંપન્ન થયો. હવે? હાલ અમે એવી પ્રાથમિક શાળાઓની તલાશમાં છીએ કે જ્યાંના વિદ્યાર્થીઓને ગણવેશની જરૂરિયાત હોય. પ્રાથમિક તપાસમાં અમને વડોદરા જિલ્લાના કવાંટ તાલુકાના મોગરા ગામની સરકારી પ્રાથમિક શાળા નં.૨ ની જાણકારી મળી છે, જેમાં કુલ ૭૦ વિદ્યાર્થીઓ છે. આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લાના મેઘરજ તાલુકાના લીંબોદરા ગામની પ્રાથમિક શાળા નં.૧ અંગે માહિતી મળી છે, જે જૂથશાળા છે અને ત્યાં વિદ્યાર્થીઓની સંખ્યા ૨૯૦ છે. મેઘરજ તાલુકાને ગુજરાત સરકારે ‘ડાર્ક ઝોન’ (અંધારમુલક) તરીકે જાહેર કરેલો છે. પાણીની કાયમી અછત કે ખારાશવાળા વિસ્તારને આ શ્રેણીમાં મૂકવામાં આવે છે.
"એ ફરી આવજો." |
તમારા ધ્યાનમાં આવી કોઈ શાળા હોય તો પણ અમને જણાવી શકો છો. એ રીતેય અમને મદદ મળશે.
એક વાત બહુ સ્પષ્ટ છે કે અમે કોઈ સ્થાયી ફંડ એકઠું કરવા માંગતા નથી કે એન.જી.ઓ.ની જેમ કાગળના એવરેસ્ટ ખડકીને ફંડીંગ મેળવવાનોય કશો ઈરાદો નથી. મારા તમારા જેવા સંવેદનશીલ મિત્રો હાથમાં હાથ રાખીને કામ કરે અને ‘એક સે એક મિલે તો કતરા બન જાતા હૈ દરિયા’ના ન્યાયે સાવ સહજ ભાવે કામ થાય એવી અને એટલી જ અપેક્ષા છે.
સૌ પ્રથમ અમે શાળા શોધીએ, તેની વિદ્યાર્થીસંખ્યાને આધારે કિંમતનો અંદાજ માંડીએ અને એ પ્રોજેક્ટ પૂરતા કેટલા નાણાં જોઈશે એ જણાવીશું અને ફક્ત એ પ્રોજેક્ટ પૂરતી રકમ જ એકઠી કરીશું. આને લઈને નાણાંકીય વહીવટનો હિસ્સો સરળ રહેશે. કેમ કે આ આખા કાર્યક્રમમાં મૂળભૂત હેતુ નાણાંકીય વહીવટનો નથી, બલ્કે વસ્ત્રો જેવી મૂળભૂત જરૂરીયાત પૂરી પાડવાનો છે.
વધુ વિગતો માટે આપ મારો સંપર્ક + 91 97129 07779 (cell) પર કરી શકશો યા bhatt.utpal@gmail.com પર ઈમેલ કરી શકશો.
આપના તરફથી સહકારની અપેક્ષા સાથે એટલું જ કહીશ કે ‘સાથી હાથ બઢાના’.
આપનો,
ઉત્પલ ભટ્ટ